ગિલયડ ગ્રેજ્યુએશનનો અદ્ભુત દિવસ
“આજનો દિવસ કેટલો સુંદર છે! સૂર્ય પૂરબહારમાં ખીલ્યો છે. આકાશ પણ સ્વચ્છ ને નિર્મળ છે. ચારે બાજુ લીલાં ઘાસની ચાદર ફેલાયેલી છે. પક્ષીઓ મીઠો કલરવ કરી રહ્યા છે. ખરેખર, આજે બહુ ખુશીનો દિવસ છે! આપણે ખૂબ ઉત્તેજન મેળવીશું. યહોવાહ પોતાના સેવકોને જરાય નિરાશ કરતા નથી. તે ખૂબ આશીર્વાદો વરસાવે છે.”
ગવર્નિંગ બોડીના સભ્ય ભાઈ સેમ્યુએલ હર્ડે આવા ઉત્તેજન આપતા શબ્દોથી વૉચટાવર બાઇબલ સ્કૂલના ૧૧૭મા ગ્રેજ્યુએશન કાર્યક્રમની શરૂઆત કરી. એ કાર્યક્રમ સપ્ટેમ્બર ૧૧, ૨૦૦૪ના રોજ યોજાયો હતો. એ સરસ કાર્યક્રમમાં ઉત્તેજનભરી બાઇબલ સલાહ તેમ જ વિદ્યાર્થીઓને સ્કૂલ દરમિયાન થયેલા અનુભવો હતા. વર્ષોથી સેવા આપતા મિશનરીઓએ પણ પોતાના અનુભવો જણાવ્યા હતા. એ દિવસે ૬,૯૭૪ ભાઈબહેનો ન્યૂ યૉર્ક વૉચટાવર એજ્યુકેશન સેન્ટર અને બ્રુકલિન તથા વોલકીલની બે ઇમારતોમાં ભેગા મળ્યા હતા. બ્રુકલિન અને વોલકીલમાં મળેલા ભાઈબહેનોએ ટીવી દ્વારા કાર્યક્રમનો આનંદ માણ્યો.
વિદ્યાર્થીઓને ઉત્તેજન આપતા શબ્દો
જ્હોન કીકોટેને સૌપ્રથમ ટૉક આપવા બોલાવ્યા. તેમણે “મિશનરી તરીકે આનંદ જાળવી રાખો” વિષય પર ટૉક આપી. તેમણે બતાવ્યું કે ગિલયડના વિદ્યાર્થીઓ આનંદી સ્વભાવ માટે જાણીતા છે, જેમ આજે તેઓમાં જોવા મળે છે. સ્કૂલ દરમિયાન વિદ્યાર્થીઓએ જે શિક્ષણ લીધું એનાથી તેમને ખૂબ આનંદ મળ્યો છે. હવે તેઓએ બીજાઓને પણ એવો જ આનંદ આપવા તાલીમ લીધી છે. કઈ રીતે? મિશનરી તરીકે સેવા આપીને. ઈસુએ કહ્યું: “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) નવા મિશનરીઓ, લોકોને સત્ય આપનાર ઉદાર અને “સુખી પરમેશ્વર” યહોવાહનું અનુકરણ કરશે તેમ, તેઓ પોતાનો આનંદ જાળવી રાખી શકશે.—૧ તીમોથી ૧:૧૧, NW.
ત્યાર પછી, “તમે કઈ રીતે તમારા વિસ્તારના લોકોને મિત્ર બનાવશો?” એ વિષય પર ગવર્નિંગ બોડીના ભાઈ ડેવિડ સ્પ્લેને ટૉક આપી. શાંતિ અને એકતામાં રહેવું એ ઘણું સારું છે. પરંતુ એ માટે આપણે ‘સર્વની સાથે સર્વના જેવા બનવું’ જરૂરી છે. (૧ કોરીંથી ૯:૨૨; ગીતશાસ્ત્ર ૧૩૩:૧) ભાઈ સ્પ્લેને બતાવ્યું કે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ પોતાના મિશનરી કાર્ય દરમિયાન ઘણા લોકોને મળશે. જેમ કે, તેમના પ્રચાર વિસ્તારના લોકો, સાથે કામ કરનારા મિશનરીઓ, નવા મંડળના ભાઈબહેનો અને પ્રચાર તથા શિક્ષણ કાર્યને માર્ગદર્શન આપતા બ્રાન્ચ ઑફિસના ભાઈઓને પણ મળશે. આથી, તેઓ એકબીજા સાથે કઈ રીતે સારા સંબંધો જાળવી શકે એ માટે તેમણે સૂચનો આપ્યા. તેમણે કહ્યું, તમે જે દેશમાં જવાના હોવ ત્યાંની ભાષા શીખો, એના રિવાજો અપનાવવા તત્પર રહો, સાથી મિશનરીઓની અંગત જિંદગીમાં માથું ન મારો અને આગેવાની લઈ રહેલાઓને આધીન રહો.—હેબ્રી ૧૩:૧૭.
ત્યાર પછી, ગિલયડના શિક્ષક લોરેન્સ બોએને પ્રશ્ન પૂછ્યો, “તમે પરમેશ્વરની કે માણસોની દૃષ્ટિએ જુઓ છો?” તેમણે વિદ્યાર્થીઓને યાદ કરાવ્યું કે ‘દેખાવ પ્રમાણે ન્યાય કરનારાઓ’ ઈસુને મસીહ તરીકે સ્વીકારતા નથી. (યોહાન ૭:૨૪) અપૂર્ણ માનવીઓ તરીકે, આપણે સર્વએ “માણસોની વાતો” પર નહિ પરંતુ “દેવની વાતો” પર ધ્યાન આપવું જોઈએ. (માત્થી ૧૬:૨૨, ૨૩) અરે, પરમેશ્વર સાથે ગાઢ સંબંધ હોય એવી વ્યક્તિઓએ પણ સતત પોતાના વિચારોમાં ફેરફાર કરવા જોઈએ. દાખલા તરીકે, વહાણ સમુદ્રમાં હોય ત્યારે નિશ્ચિત સ્થળે પહોંચવા ચાલકે પોતાના માર્ગમાં અમુક ફેરફારો કરવા પડે છે. નહિ તો તોફાનમાં કે ભેખડો સાથે ટકરાઈને વહાણ ભાંગી જઈ શકે. એવી જ, રીતે આપણા જીવનમાં પણ અમુક મહત્ત્વના ફેરફારો કરવા જરૂરી છે. એનાથી પરમેશ્વરમાં આપણી શ્રદ્ધા મજબૂત થશે. બાઇબલનો નિયમિત અભ્યાસ કરવાથી આપણને “દેવના વિચારો” જાણવા મદદ મળશે.
ગિલયડ સ્કૂલના બીજા એક શિક્ષક વોલેસ લીવરેન્સે કાર્યક્રમના અંતે ટૉક આપી. આ ટૉક યશાયાહ ૫૫:૧ પર આધારિત હતી. એનો વિષય હતો, “શું તમે વેચાતું લેશો?” તેમણે વિદ્યાર્થીઓને તાજગી, આનંદ અને પોષણને ‘વેચાતા લેવાનું’ ઉત્તેજન આપ્યું. એ આપણા દિવસો માટેના પરમેશ્વરના પ્રબોધકીય સંદેશામાંથી મળે છે. યશાયાહની ભવિષ્યવાણી આ શબ્દોને પાણી, દારૂ અને દૂધ સાથે સાંકળે છે. કઈ રીતે એને “નાણાં વિના તથા મૂલ્ય વિના” ખરીદી શકાય? ભાઈ વોલેસ લીવરેન્સે સમજાવ્યું કે બાઇબલ ભવિષ્યવાણીઓને ધ્યાન આપીને તથા બાઇબલ વિરુદ્ધના વિચારો અને રીતભાતોને બદલે પરમેશ્વરના વિચારોને મનમાં ભરીને ખરીદી શકાય. (યશાયાહ ૫૫:૨, ૩, ૬, ૭) એમ કરીને નવા મિશનરીઓ નવા દેશમાં પોતાની સોંપણીમાં ટકી રહી શકે. લોકો એમ જ વિચારે છે કે સુખ હંમેશાં ભૌતિક એશ-આરામથી મળે છે. પરંતુ, વક્તાએ વિનંતી કરતા કહ્યું, “એ માનશો નહિ. તમારા મનમાંય એવો વિચાર આવવો ન જોઈએ. પરમેશ્વરના વચનો આંખો સામે રાખો. એના પર ઊંડું મનન કરો ને સમજણ લો. એ માટે સમય કાઢવાનું ભૂલશો નહિ. એનાથી તમને તાજગી મળશે, તમારો વિશ્વાસ દૃઢ થશે અને મિશનરી કાર્યમાં તમને આનંદ આપશે.”
ઉત્તેજન આપતા અનુભવો અને ઇન્ટર્વ્યૂં
વિદ્યાર્થીઓએ લોકોને શુભસંદેશો જણાવવામાં નિયમિત ભાગ લીધો. ગિલયડ શિક્ષક, માર્ક નુમેરે ક્લાસમાંથી કેટલાકના અનુભવો દૃશ્યથી બતાવ્યા. તેમણે ‘સુવાર્તા વિષે શરમ નથી’ વિષય પર ટૉક આપી. (રૂમી ૧:૧૬) આ વિદ્યાર્થીઓએ ઘરે-ઘરે, રસ્તા પર અને દુકાનોમાં કઈ રીતે પ્રચાર કર્યો એ સાંભળવાનો શ્રોતાઓએ ખૂબ આનંદ માણ્યો. બીજી ભાષા જાણતા વિદ્યાર્થીઓએ પોતાના મંડળના વિસ્તારમાં એ ભાષા બોલતા લોકોને શુભસંદેશો જણાવવામાં આગેવાની લીધી. બીજાઓએ ફરી મુલાકાત અને બાઇબલ અભ્યાસ શરૂ કરવા સંસ્થાએ બહાર પાડેલા સાહિત્યનો સારો ઉપયોગ કર્યો. બીજાઓને શુભસંદેશો જણાવવામાં તેઓને ‘શરમ લાગી નહિ.’
સર્વિસ ડિપાર્ટમેન્ટના ભાઈ વિલ્યમ નોનકીસે બર્કીના ફાસો, લૅટ્વિયા અને રશિયાના અનુભવી મિશનરીઓના ઇન્ટર્વ્યૂં લીધાં. તેઓએ “યહોવાહ વિશ્વાસુ સેવકોને આશીર્વાદ આપે છે” એ વિષયને ધ્યાનમાં રાખીને સારા સૂચનો આપ્યા. એક ભાઈએ ઇન્ટર્વ્યૂંમાં ગિદઓનના લશ્કરના ૩૦૦ સૈનિકોનો ઉલ્લેખ કર્યો. એનાથી વિદ્યાર્થીઓને એ ઉદાહરણ યાદ રાખવાનું ઉત્તેજન મળ્યું. ગિદઓનની જીત થાય એ માટે દરેક સૈનિકે પોતાનો ફાળો આપવાનો હતો. (ન્યાયાધીશો ૭:૧૯-૨૧) એવી જ રીતે, પોતાની સોંપણીમાં ટકી રહેનાર મિશનરીઓને યહોવાહ આશીર્વાદ આપે છે.
પેટરસનમાં શિક્ષક તરીકે સેવા આપતા સેમ્યૂઅલ રોબરસને “સર્વ લોકોની સાથે તેઓના જેવા થાઓ” વિષય પર ટૉક આપી. એમાં તેમણે કેટલાક ઇન્ટર્વ્યૂં પણ લીધા. તેમણે સેનેગલ, ગુઆમ, લાઇબીરિયા અને માડાગાસ્કરથી આવેલા ચાર બ્રાન્ચ કમિટી સભ્યોના ઇન્ટરવ્યૂ લીધા. આ દેશોમાં કુલ ૧૭૦ મિશનરીઓ તરીકે સેવા આપે છે. ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ જાણી શક્યા કે કઈ રીતે બ્રાન્ચ કમિટી નવા મિશનરીઓને તેમની સોંપણીમાં મદદ કરે છે. તેઓ નવા નવા અને અજાણ્યા રિવાજો અપનાવતા પણ શીખે છે. દાખલા તરીકે, કેટલાક દેશોમાં પુરુષોને અને ખ્રિસ્તી ભાઈઓને પણ એકબીજાનો હાથ પકડીને વાત કરતા કે ચાલતા જોવા સામાન્ય છે. ગુઆમમાં અમુક જગ્યાઓમાં ખૂબ વિચિત્ર ખોરાક પીરસવામાં આવે છે. કેટલાક મિશનરીઓ રિવાજ પ્રમાણે રહેતા શીખી ગયા છે તો, નવા મિશનરીઓ પણ શીખી શકે.
ગવર્નિંગ બોડીના સભ્ય ગાઈ પીઅર્સે ટૉક આપી. તેમની ટૉકનો વિષય હતો, “‘આપણા પ્રભુના રાજ્યને’ વફાદાર રહો.” તેમણે શ્રોતાઓને યાદ કરાવ્યું: “યહોવાહે આ સૃષ્ટિનું સર્જન કર્યું એની પાછળ એક હેતુ છે. આ પૃથ્વી માટેનો તેમનો એ હેતુ હજી બદલાયો નથી. એ હેતુ ધીમે ધીમે પૂરો થઈ રહ્યો છે. કોઈ પણ એને બદલી શકશે નહિ.” (ઉત્પત્તિ ૧:૨૮) ભાઈ પીઅર્સે ઉત્તેજન આપ્યું કે પ્રથમ માણસ, આદમના પાપને લીધે ભલે ગમે એટલી મુશ્કેલીઓ ઊભી થઈ હોય, આપણે તો પરમેશ્વરની સત્તાને જ આધીન રહેવું જોઈએ. ભાઈ પીઅર્સે કહ્યું: “આપણે ન્યાયકરણના સમયમાં જીવી રહ્યા છીએ. નમ્ર હૃદયના લોકોને સત્ય શીખવવા માટે હવે ફક્ત થોડો જ સમય રહ્યો છે. આથી, સર્વ લોકોને રાજ્યનો શુભ સંદેશો જણાવવાની દરેક તકને તરત જ ઝડપી લેવી જોઈએ.” પરમેશ્વરના સર્વ વફાદાર સેવકોએ ખાતરી રાખવી જોઈએ કે તેઓને યહોવાહ જરૂર મદદ કરશે.—ગીતશાસ્ત્ર ૧૮:૨૫.
અંતિમ ભાગમાં, ચેરમેને દુનિયાભરની અલગ અલગ બ્રાન્ચો તરફથી પાઠવેલી શુભેચ્છાઓ વાંચી. ત્યાર પછી તેમણે વિદ્યાર્થીઓને ડિપ્લોમા સર્ટિફીકેટ આપ્યા. વિદ્યાર્થીઓને જે તાલીમ મળી એ માટે આભાર માનતો પત્ર એક વિદ્યાર્થીએ ક્લાસ તરફથી વાંચ્યો. આમ, આ યાદગાર દિવસનો કાર્યક્રમ સમાપ્ત થયો. કાર્યક્રમમાં હાજર રહેલા સર્વ ભાઈબહેનો આ દિવસને કદી નહિ ભૂલે.
[પાન ૨૩ પર ચિત્ર]
ક્લાસની વિગત
કેટલા દેશોમાંથી આવ્યા? ૧૧
કેટલા દેશોમાં જશે? ૨૨
વિદ્યાર્થીઓની સંખ્યા: ૪૮
વિદ્યાર્થીઓની ઉંમર: સરેરાશ ૩૪.૮
સત્યમાં વર્ષો: સરેરાશ ૧૮.૩
ફૂલ-ટાઈમ સેવાનાં વર્ષો: સરેરાશ ૧૩.૫
[પાન ૨૪ પર ચિત્ર]
ગિલયડની વોચટાવર બાઇબલ સ્કૂલનો ૧૧૭મો ક્લાસ
નીચે આપેલાં નામ આગળથી પાછળની લાઈનમાં અને દરેક લાઈનમાં ડાબેથી જમણે જાય છે.
(૧) થોમસન, ઈ.; નોરવેલ, જી.; પાવૅલ, ટી.; કોઝા, એમ.; મકેનતાઈર, ટી. (૨) રાઈલી, એ.; ક્લેયટોન, સી.; એલન, જે.; બ્લેનકો, એ.; મુન્યોસ, એલ.; રૂસ્ટેડ, એન. (૩) ગુએરેરો, ઝેડ.; ગારસિયા, કે.; મૅક્લર, ડી.; ઈશિકાવા, ટી.; બ્લેનકો, જી. (૪) મકેનતાઈર, એસ.; ક્રઝ, ઈ.; ગુએરેસો, જી.; રીચી, ઓ.; આવલનીડા, એલ.; ગારસિયા, આર. (૫) પાવૅલ, જી.; ફિસ્કા, એચ.; મુન્યોસ, વી.; બોમન, ડી.; શૉ, એસ.; બ્રાઊન, કે.; બ્રાઊન, એલ. (૬) શૉ, સી.; રાઈલી, એ.; પેલોક્વીન, સી.; મન્ચ, એન.; મૅક્લર, ડી.; ઈશિકાવા, કે. (૭) મન્ચ, એમ.; પેલોક્વીન, જે.; કોઝા, ટી.; આવલનીડા, એમ,; ઍલન, કે.; રીચી, ઈ.; નોરવેલ, ટી. (૮) ક્રઝ, જે.; બોમન, એચ.; ક્લેયટોન, ઝેડ.; ફિસ્કા, ઈ.; થોમસન, એમ.; રૂસ્ડેડ, જે.