ઈસુમાં કેવો ખજાનો રહેલો છે?
“તેનામાં તો જ્ઞાન તથા બુદ્ધિનો સર્વ સંગ્રહ [ખજાનો] ગુપ્ત રહેલો છે.”—કોલો. ૨:૩.
૧, ૨. (ક) ૧૯૨૨માં શાની શોધ થઈ? એ વસ્તુઓને ક્યાં રાખવામાં આવી? (ખ) ઈશ્વર આપણને દરેકને કેવો ખજાનો શોધવા કહે છે?
કોઈને મોટો ખજાનો મળે તો તરત જ એ જગજાહેર થઈ જાય છે. ૧૯૨૨માં બ્રિટનના એક પુરાતત્ત્વશાસ્ત્રીને એવો જ એક ખજાનો મળ્યો. એ માટે તેમણે ઘણાં વર્ષો મુશ્કેલ સંજોગોમાં સખત મહેનત કરી. એ ખજાનો ઇજિપ્તના રાજા તુતાનખામેન સાથે દાટેલો ખજાનો હતો, જેમાં આશરે પાંચ હજાર જેટલી કીમતી વસ્તુઓ હતી!
૨ એ કીમતી વસ્તુઓમાંથી અમુકને મ્યુઝિયમમાં રાખવામાં આવી. અમુકને લોકોએ ખરીદીને ઍન્ટીક પીસ તરીકે ઘરમાં રાખી. એવી વસ્તુઓ જોઈને અમુક હદે આપણે ઇતિહાસ જાણી શકીએ, પણ જીવનમાં બહુ કંઈ ફરક પડતો નથી. જ્યારે કે ઈશ્વર આપણને દરેકને એવો ખજાનો શોધવા કહે છે, જેની આપણા જીવન પર બહુ ઊંડી અસર પડે છે. એ ખજાનો સૌથી અનમોલ ખજાનો છે.—નીતિવચનો ૨:૧-૬ વાંચો.
૩. ઈશ્વરના ખજાનાની માહિતીથી આપણને કેવા લાભ થાય છે?
૩ ઈશ્વરના ખજાનામાં અનમોલ માહિતીનો ભંડાર છે. એવી માહિતી આપણને ‘યહોવાહનો ભય’ રાખતા શીખવે છે, જેનાથી મુશ્કેલ સંજોગોમાં રક્ષણ મેળવી શકાય. (ગીત. ૧૯:૯) બીજું, એ ‘ઈશ્વરનું જ્ઞાન’ આપે છે. એ જ્ઞાનથી આપણે વિશ્વના માલિકને સારી રીતે ઓળખીને, તેમની સાથે સારો સંબંધ બાંધી શકીએ છીએ. એનાથી આપણે જીવનમાં આવતી મુશ્કેલીઓ પણ સારી રીતે સહી શકીએ છીએ. (નીતિ. ૯:૧૦, ૧૧) હવે પ્રશ્ન થાય કે એ ખજાનો શોધવો ક્યાં?
ઈશ્વરે બતાવેલો ખજાનો શોધીએ
૪. ઈશ્વરે બતાવેલો ખજાનો કેવી રીતે શોધી શકીએ છીએ?
૪ પુરાતત્ત્વશાસ્ત્રીઓ દુનિયાના ખૂણે ખૂણે જઈને ખજાનો શોધે છે. જ્યારે કે ઈશ્વરે આપેલું બાઇબલ આપણાથી દૂર નથી, જેના દ્વારા આપણે ખજાનો શોધી શકીએ છીએ. એ ખજાનો ઈશ્વરનું જ્ઞાન છે. એ સમજવા ઈસુ આપણને સૌથી સારી રીતે મદદ કરે છે. પાઊલે લખ્યું: ‘ઈસુમાં તો જ્ઞાન તથા બુદ્ધિનો સર્વ ખજાનો ગુપ્ત રહેલો છે.’ (કોલો. ૨:૩) કદાચ આપણને થશે કે ‘શા માટે એ ખજાનો શોધવો જોઈએ? કેવી રીતે એ ખજાનો ઈસુમાં “ગુપ્ત રહેલો છે?” એ “ગુપ્ત” હોય તો, આપણે કેવી રીતે શોધી શકીએ?’ ચાલો પાઊલના શબ્દો પર વિચાર કરીએ.
૫. કોલોસીના ભાઈ-બહેનોને જોઈને શા માટે પાઊલને દુઃખ થયું?
૫ પાઊલે કોલોસીના ભાઈ-બહેનોને લખ્યું: ‘તમારાં હૃદયો દિલાસો પામે, ને પ્રીતિમાં જોડાએલાં રહે.’ (કોલોસી ૨:૧, ૨ વાંચો.) શા માટે તેમણે એમ લખવું પડ્યું? ભાઈબહેનોની હાલત જોઈને પાઊલને ઘણું દુઃખ થતું હતું. તે જાણતા હતા કે અમુક ભાઈઓ ગ્રીક ફિલસૂફીમાં ફસાઈ ગયા હતા. બીજા અમુક માનતા હતા કે મુસાએ આપેલા નિયમો જ ખરા છે. એટલે પાઊલે ચેતવણી આપી: “સાવધાન રહો, રખેને ફિલસૂફીનો ખાલી આડંબર જે ખ્રિસ્ત પ્રમાણે નહિ, પણ માણસોના સંપ્રદાય પ્રમાણે ને જગતનાં તત્ત્વો પ્રમાણે છે, તેથી કોઈ તમને ફસાવે.”—કોલો. ૨:૮.
૬. શા માટે આપણે પાઊલની ચેતવણી દિલમાં ઉતારવી જોઈએ?
૬ આજે કોલોસીના જમાના જેવો જ જમાનો છે. શેતાન બધાને ઊંધે રવાડે ચઢાવે છે. આ દુનિયા તો માને છે કે ભગવાને માણસને બનાવ્યો નથી, પણ તે આપોઆપ આવી ગયો. માણસ પોતાનું ધાર્યું કરે તો જ સુખી થશે. આજની દુનિયામાં જ્યાં જુઓ ત્યાં લોકોના મનમાં આવા જ વિચારો ભમતા હોય છે. માણસોએ બનાવેલા ધર્મોએ શરૂ કરેલા તહેવારો ઈશ્વરના નિયમો તોડે છે. ટીવી, સિરિયલો, ફિલ્મો અને મ્યુઝિક લોકોના દિલોદિમાગ પર છવાઈ ગયા છે. મોટે ભાગે એ લોકોમાં ખોટી લાગણીઓ ઉશ્કેરે છે. મોટા ભાગની વેબ-સાઇટ પણ નાના-મોટા બધાને નુકસાન કરી શકે છે. એ બધામાં ફસાઈ જઈશું તો, યહોવાહથી ધીમે ધીમે દૂર થઈ જઈશું. અમર જીવનની આશા ગુમાવી બેસીશું. (૧ તીમોથી ૬:૧૭-૧૯ વાંચો.) કોલોસીના ભાઈ-બહેનોને પાઊલે આપેલી ચેતવણી આપણે પણ દિલમાં ઉતારીએ, નહિ તો શેતાનના ફાંદામાં ફસાઈ જઈશું.
૭. કોલોસીના ભાઈ-બહેનોને મદદ કરવા કઈ બે બાબતો પાઊલે જણાવી હતી?
૭ કોલોસીઓને દિલાસો અને પ્રેમ મળે, એ માટે પાઊલે બે મુખ્ય બાબતો જણાવી હતી. પહેલી બાબત એ કે તેઓ ‘સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરે.’ એટલે કે શાસ્ત્રની સાચી સમજણ મેળવે. તેઓનો વિશ્વાસ એના પર આધારિત હોવો જોઈએ. (હેબ્રી ૧૧:૧) બીજી બાબત એ કે તેઓ ‘ઈશ્વરનો મર્મ જાણે.’ એટલે કે સત્યનું વધારે ને વધારે જ્ઞાન લઈને, ઊંડી સમજણ મેળવે. (હેબ્રી ૫:૧૩, ૧૪) કોલોસીના ભાઈબહેનોની જેમ જ આપણે પણ એ સલાહમાંથી મદદ મેળવી શકીએ છીએ. આપણે કેવી રીતે શાસ્ત્રની સાચી સમજણ મેળવી શકીએ? કઈ રીતે ઈશ્વરના જ્ઞાનની ઊંડી સમજણ મેળવી શકીએ? પાઊલે કહ્યું કે ‘ઈસુમાં જ્ઞાન તથા બુદ્ધિનો સર્વ ખજાનો ગુપ્ત રહેલો છે.’
ઈસુમાં ‘ગુપ્ત રહેલો’ ખજાનો
૮. ઈસુમાં સર્વ જ્ઞાન ‘ગુપ્ત રહેલું છે,’ એનો શો અર્થ થાય?
૮ ઈસુમાં સર્વ જ્ઞાન ‘ગુપ્ત રહેલું છે,’ એનો અર્થ એવો નથી કે આપણે એ જ્ઞાન શોધી ન શકીએ. પણ એનો અર્થ થાય કે એ જ્ઞાન શોધવા આપણે ઈસુ વિષે પૂરી સમજણ મેળવીએ. એ માટે ઘણો પ્રયત્ન કરીએ. ઈસુએ પોતે કહ્યું કે “માર્ગ તથા સત્ય તથા જીવન હું છું; મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી.” (યોહા. ૧૪:૬) જો આપણે ઈશ્વરનું જ્ઞાન મેળવવું હોય, તો ઈસુના માર્ગદર્શન પ્રમાણે ચાલીએ.
૯. ઈસુ કઈ રીતે ‘માર્ગ, સત્ય અને જીવન’ છે?
૯ ઈસુ “માર્ગ” છે કેમ કે તેમના દ્વારા આપણે યહોવાહને પ્રાર્થના કરીએ છીએ. તે “સત્ય” છે અને તેમના દ્વારા જ બાઇબલનું અનમોલ જ્ઞાન મેળવી શકાય છે. તે “જીવન” પણ છે, કેમ કે તેમના દ્વારા જ આપણે હંમેશ માટેનું જીવન મેળવી શકીશું. એટલે ઈસુ વિષે વધારે ને વધારે શીખતા રહીએ. એનાથી ઈશ્વર સાથેના આપણા સંબંધમાં સુધારો થશે. આપણા જીવન પર ઊંડી અસર પડશે. ચાલો જોઈએ કે કઈ રીતે.
૧૦. કોલોસી ૧:૧૯ અને ૨:૯માંથી ઈસુ વિષે શું શીખી શકીએ?
૧૦ “ખ્રિસ્તમાં દેવત્ત્વની સર્વ પરિપૂર્ણતા મૂર્તિમાન છે.” એટલે કે ઈસુમાં યહોવાહના સર્વ ગુણો વસે છે. (કોલો. ૧:૧૯; ૨:૯) ઈસુ સ્વર્ગમાં લાખો વર્ષોથી યહોવાહ સાથે રહેતા હોવાથી, તેમને સૌથી સારી રીતે ઓળખે છે. ઈસુ પૃથ્વી પર આવ્યા ત્યારે, લોકોને ઈશ્વરનું શિક્ષણ આપ્યું. ઈસુના વાણી-વર્તનમાં ઈશ્વરના ગુણો દેખાઈ આવતા. એટલે જ ઈસુએ કહ્યું કે “જેણે મને જોયો છે તેણે બાપને જોયો છે.” (યોહા. ૧૪:૯) બીજા શબ્દોમાં કહીએ તો ઈશ્વરનું જ્ઞાન ઈસુમાં વસેલું છે. આપણે યહોવાહને સારી રીતે ઓળખવા હોય તો, પહેલા ઈસુને સારી રીતે ઓળખવા જોઈએ.
૧૧. મસીહ ઈસુ વિષે કેમ જાણવું જોઈએ?
૧૧ ‘ઈસુ વિષેની સાક્ષી તો પ્રબોધકોની પ્રેરણા છે.’ (પ્રકટી. ૧૯:૧૦) આ બતાવે છે કે બાઇબલની મોટા ભાગની ભવિષ્યવાણીઓ ઈસુને લગતી છે. દાખલા તરીકે યહોવાહે પહેલી ભવિષ્યવાણી ઉત્પત્તિ ૩:૧૫માં આપી. પ્રકટીકરણમાં પણ મોટા ભાગની ભવિષ્યવાણીઓ ઈસુને લગતી છે. જ્યારે એ ભવિષ્યવાણીઓ સમજીએ ત્યારે ઈશ્વરના રાજ્યને લગતી ભવિષ્યવાણીઓ પણ સમજી શકીશું. પણ જેઓ ઈસુને મસીહ માનતા નથી, તેઓ હેબ્રી શાસ્ત્રવચનોની ભવિષ્યવાણીઓ સમજી શકતા નથી. એના લીધે તેઓ હેબ્રી શાસ્ત્રવચનોને કીમતી ગણતા નથી અને તેઓ ઈશ્વરના રાજ્ય વિષેની ભવિષ્યવાણીઓ પણ સમજી શકતા નથી. આપણે મસીહને સારી રીતે જાણવાની જરૂર છે. જો એમ કરીશું તો બાઇબલની ભવિષ્યવાણીઓ કેવી રીતે પૂરી થશે, એ પણ સમજી શકીશું.—૨ કોરીં. ૧:૨૦.
૧૨, ૧૩. (ક) ઈસુ કઈ રીતે ‘જગતનું અજવાળું છે’? (ખ) ઈસુ વિષે શીખ્યા પછી આપણે શું કરવું જોઈએ?
૧૨ “જગતનું અજવાળું હું છું.” (યોહાન ૮:૧૨; ૯:૫ વાંચો.) પૃથ્વી પર ઈસુનો જન્મ થયો એના ઘણાં વર્ષો પહેલાં યશાયાહે લખ્યું હતું કે “અંધકારમાં ચાલનારા લોકે મહાન પ્રકાશ જોયો છે; મરણછાયાના દેશમાં વસનારા પર અજવાળું પ્રકાશ્યું છે.” (યશા. ૯:૨) માત્થી પ્રમાણે એ ભવિષ્યવાણી ઈસુમાં પૂરી થઈ, જ્યારે તેમણે સંદેશો જણાવવાનું શરૂ કર્યું અને કહ્યું: “પસ્તાવો કરો, કેમકે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે.” (માથ. ૪:૧૬, ૧૭) ઈસુના સંદેશાથી લોકોને આશા મળી. લોકો જૂઠા શિક્ષણના અંધકારમાંથી જાણે પ્રકાશમાં નીકળી આવ્યા. ઈસુએ તેઓને કહ્યું, “જે કોઈ મારા પર વિશ્વાસ રાખે છે તે અંધારામાં ન રહે, માટે જગતમાં હું પ્રકાશરૂપે આવ્યો છું.”—યોહા. ૧:૩-૫; ૧૨:૪૬.
૧૩ ઈસુએ એ કહ્યું એના ઘણાં વર્ષો પછી, પાઊલે એફેસીના મંડળને કહ્યું, “તમે પહેલાં અંધકારરૂપ હતા, પણ હવે પ્રભુમાં પ્રકાશરૂપ છો; પ્રકાશનાં સંતાનોને ઘટે તેમ ચાલો.” (એફે. ૫:૮) પાઊલ કહેતા હતા કે જૂઠા શિક્ષણમાંથી બહાર આવ્યા પછી, તેઓએ ઈસુએ બતાવેલા માર્ગમાં ચાલવું જોઈએ. ઈસુએ પહાડ પરના ઉપદેશમાં આમ શીખવ્યું: “તમે તમારૂં અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી રૂડી કરણીઓ જોઈને આકાશમાંના તમારા બાપની સ્તુતિ કરે.” (માથ. ૫:૧૬) આપણે પણ જાણે અંધકારમાંથી ઈસુના પ્રકાશમાં આવ્યા છીએ. ઈસુ વિષેનું જે અનમોલ સત્ય શીખ્યા એ બીજાને પૂરી હોંશથી જણાવીએ. આપણાં વાણી-વર્તન એવાં રાખીએ, જેમાંથી ઈસુના શિક્ષણનું અજવાળું બધી બાજુ ફેલાય.
૧૪, ૧૫. (ક) કયાં કારણોને લીધે ઘેટાં અને બીજાં પ્રાણીઓનો ઉલ્લેખ બાઇબલમાં થયો છે? (ખ) શા માટે ઈસુનું બલિદાન અનમોલ છે?
૧૪ ઈસુ “દેવનું હલવાન” છે. (યોહા. ૧:૨૯, ૩૬) બાઇબલ ઘણી વાર હલવાન કે ઘેટા વિષે જણાવે છે. ઈસુએ બલિદાન આપ્યું એ પહેલાં, લોકો પાપોની માફી મેળવવા ઘેટાનું બલિદાન આપતા. દાખલા તરીકે, ઈબ્રાહીમ પોતાના દીકરા ઇસ્હાકનું બલિદાન આપવા ગયા, ત્યારે દૂતે જણાવ્યું કે તે ઘેટાનું બલિદાન આપે. (ઉત. ૨૨:૧૨, ૧૩) બીજો દાખલો લઈએ. ઈસ્રાએલીઓને ઇજિપ્તની ગુલામીમાંથી છોડાવતી વખતે ઘેટાના બલિદાનનો ઉપયોગ થયો હતો. એ “યહોવાહનું પાસ્ખા” કહેવાયું. (નિર્ગ. ૧૨:૧-૧૩) છેવટે મુસાને આપેલા નિયમ પ્રમાણે, ઘેટાં-બકરાં જેવાં ઘણાં પ્રાણીઓનું બલિદાન ચઢાવવાનું હતું.—નિર્ગ. ૨૯:૩૮-૪૨; લેવી. ૫:૬, ૭.
૧૫ એ બલિદાનો કોઈ પણ વ્યક્તિને પાપ કે મરણના પંજામાંથી હંમેશ માટે છોડાવતાં ન હતાં. (હેબ્રી ૧૦:૧-૪) જ્યારે કે “દેવનું હલવાન” ઈસુ, “જગતનું પાપ હરણ કરે છે!” આ બતાવે છે કે ઈસુનું બલિદાન કેટલું અનમોલ છે. એટલા માટે આપણે ઈસુના બલિદાનની પૂરેપૂરી સમજણ મેળવીએ અને એમાં પૂરો વિશ્વાસ રાખીએ. એમ કરવાથી ‘નાની ટોળીને’ સ્વર્ગમાં ઈસુ સાથે રાજ કરવાનો આશીર્વાદ મળશે. ‘બીજાં ઘેટાંને’ પૃથ્વી પર હંમેશ માટે જીવવાનો આશીર્વાદ મળશે.—લુક ૧૨:૩૨; યોહા. ૬:૪૦, ૪૭; ૧૦:૧૬.
૧૬, ૧૭. આપણે કેમ સમજવું જોઈએ કે ઈસુ આપણા વિશ્વાસને “સંપૂર્ણ” કે દૃઢ કરે છે?
૧૬ ઈસુ “આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર” છે. (હેબ્રી ૧૨:૧, ૨ વાંચો.) પાઊલે હેબ્રીના અગિયારમા અધ્યાયમાં વિશ્વાસની ચર્ચા કરીને એનો અર્થ સમજાવ્યો. નુહ, ઈબ્રાહીમ, સારાહ અને રાહાબ જેવા ઈશ્વરભક્તોનાં નામ પણ જણાવ્યાં, જેઓને ઈશ્વરમાં પૂરી શ્રદ્ધા હતી. પછી પાઊલે જણાવ્યું કે “આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ રાખીએ.” શા માટે પાઊલે ઈસુ પર લક્ષ રાખવા કહ્યું?
૧૭ ખરું કે એ ઈશ્વરભક્તોને પૂરો વિશ્વાસ હતો પણ ઈસુ વિષેની બધી ભવિષ્યવાણીઓ કેવી રીતે પૂરી થશે, એની સમજણ ન હતી. યહોવાહે જે ભક્તો દ્વારા એ ભવિષ્યવાણીઓ લખાવી, તેઓને પણ એની પૂરેપૂરી સમજણ ન હતી. (૧ પીત. ૧:૧૦-૧૨) આજે આપણે ઈસુમાં મોટા ભાગની ભવિષ્યવાણીઓ કઈ રીતે પૂરી થઈ, એના પુરાવા જોઈ શકીએ છીએ, જેનાથી આપણો વિશ્વાસ જાણે “સંપૂર્ણ” બને છે. એ રીતે ઈસુ “આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર” છે. તો પછી આપણે એ ભવિષ્યવાણીઓની પૂરી સમજણ લઈને, ઈસુને તારણહાર માનીએ એ કેટલું અગત્યનું છે.
ઈસુ વિષે શીખતા રહીએ
૧૮, ૧૯. (ક) બાઇબલમાં ઈસુનો કઈ કઈ રીતે ઉલ્લેખ થયો છે? (ખ) ઈસુમાં જે ‘ખજાનો ગુપ્ત’ રહેલો છે એ શા માટે શોધવો જોઈએ?
૧૮ યહોવાહ આપણને તારણ આપવાના છે, એમાં ઈસુ કેવો ભાગ ભજવે છે, એના થોડાક જ દાખલાઓ આપણે જોયા. ઈસુ વિષે હજુ ઘણું શીખી શકાય. દાખલા તરીકે, પીતરે કહ્યું કે ઈસુ ‘જીવનના અધિકારી’ છે. ઈસુ “સવારનો તારો” છે. (પ્રે.કૃ. ૩:૧૫; ૫:૩૧; ૨ પીત. ૧:૧૯) બાઇબલ ઈસુને “આમેન” પણ કહે છે. (પ્રકટી. ૩:૧૪) એ શબ્દોનો અર્થ શું થાય અને કેમ એ ઈસુ માટે વપરાયા? ઈસુએ કહ્યું કે “શોધો, તો તમને જડશે.” (માથ. ૭:૭) એમ કરીશું તો આપણને જ ઘણો લાભ થશે.
૧૯ માણસોના ઇતિહાસમાં ઈસુ જેવી બીજી કોઈ વ્યક્તિ નથી. ઈશ્વરની ઘણી ભવિષ્યવાણીઓ ઈસુમાં પૂરી થઈ. તેમના દ્વારા જ આપણે હંમેશ માટેનું જીવન મેળવી શકીએ. ઈશ્વરે તેમનામાં જ પોતાનો ખજાનો મૂક્યો છે. જો પ્રયત્ન કરીએ, તો આપણે એ શોધી શકીએ છીએ. ચાલો આપણે ‘ઈસુમાં જે જ્ઞાન તથા બુદ્ધિનો સર્વ ખજાનો ગુપ્ત રહેલો છે’ એ શોધીએ. એનાથી આપણને ઘણા જ આશીર્વાદો મળશે. (w09 7/15)
શું તમને યાદ છે?
• ઈશ્વર જે ખજાનો શોધવા કહે છે એ શું છે?
• પાઊલે કોલોસીના ભાઈ-બહેનોને આપેલી ચેતવણી કેમ આપણને પણ લાગુ પડે છે?
• ઈસુમાં કયો ખજાનો ‘ગુપ્ત રહેલો’ છે? એનો આપણા માટે શું અર્થ થાય?
[પાન ૧૧ પર ચિત્રો]
ઈસુને સારી રીતે ઓળખવા બાઇબલ આપણને મદદ કરે છે