બાઇબલ શું કહે છે
આપણી બોલી કેવી હોવી જોઈએ?
“એક જ મોંમાંથી સ્તુતિ તથા શાપ નીકળે છે. મારા ભાઈઓ, આમ તો ન જ થવું જોઈએ.”—યાકૂબ ૩:૧૦.
જંગલી જાનવરો આપણને ફાડી ખાઈ શકે છે. એ જ રીતે, અમુક લોકો ગાળો બોલીને, જંગલી જાનવરોની જેમ જાણે કોઈને ફાડી નાખતા હોય છે. તેઓની જીભમાંથી બસ, ઝેર જ ટપકતું હોય છે. તેઓ બોલે ત્યારે તેમના મોમાંથી ગાળોનો વરસાદ થતો હોય છે. જો કોઈ તમને ગમે તેમ બોલી જાય તો, તમને કેવું લાગશે? બાઇબલના એક લેખકે કહ્યું કે “વગર વિચાર્યું બોલવું તરવારના ઘા જેવું છે.”—નીતિવચનો ૧૨:૧૮.
આજે સ્કૂલમાં કે કામ પર, મોટા ભાગના લોકોને ગાળ બોલ્યા ચેન પડતું નથી. તેઓનું માનવું છે કે ‘ગાળો તો આજકાલ બધા બોલે છે.’ વળી અમુક કહે છે કે જો તમારે ગુસ્સો ઓકી કાઢવો હોય તો, બે-ચાર ગાળો બોલી લેવાથી શાંતિ મળશે. યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ કહ્યું: “ગાળ બોલીને, તમે તમારા દિલની વાત બહાર કાઢી નાખો છો.” શું આપણે પણ એમ જ વિચારીએ છીએ? એક યહોવાહના સાક્ષી તરીકે, આપણી ભાષા કેવી હોવી જોઈએ?
ગાળો અને ગંદી મજાકથી દૂર રહો
જો કે આજકાલ જ નહિ, પણ ૨,૦૦૦ વર્ષ પહેલા પ્રેષિતોના સમયમાં પણ લોકો ગંદી ભાષા બોલતા હતા. જેમ કે, કોલોસીના મંડળમાં જ્યારે અમુકનું લોહી ઉકળી ઉઠતું, ત્યારે તેઓ ગાળો બોલતા હતા. ઘણી વખતે તો તેઓ જાણીજોઈને સામેની વ્યક્તિના દિલ સુધી ઘા કરતા હતા. તેથી, પાઊલે એ મંડળને સલાહ આપી: “હવે ક્રોધ, તિરસ્કાર, શાપ અને અપશબ્દો એ બધું તમારામાંથી કાઢી નાખો.” (કલોસી ૩:૮) હા, એ જ સલાહ આજે આપણને પણ લાગુ પડે છે. તેથી, જો કોઈ આપણને ઉશ્કેરે તો પણ આપણે ઠંડા જ રહેવું જોઈએ. કદી તપીને ગાળો બોલવી જોઈએ નહિ.
અરે, આજે તો મિત્રોમાં પણ લોકો નજીવી બાબતોમાં ગાળો બોલતા હોય છે. તેમ જ, હવે તો જોક્સ પણ એટલા જ ગંદા આવતા હોય છે. પરંતુ, શું આપણે એવા જોક્સ સાંભળીને એમ વિચારવું જોઈએ કે, ‘એમાં કંઈ વાંધો નથી, એ તો ફક્ત મજાક છે?’
ઘણા માને છે કે જોક્સ જેટલા ગંદા હશે, એમ વ્યક્તિને વધારે મજા આવશે. એટલા માટે, આજે મોટા ભાગના જોક્સ સેક્સ વિષે હોય છે. અરે, સમાજમાં સારા ગણાતા લોકોને પણ આવા ગંદા જોક્સ સાંભળવામાં ખૂબ મઝા માણતા હોય છે! (રૂમીઓને પત્ર ૧:૨૮-૩૨) વળી, શરમથી માથું ઝુકાવી નાખે એવા સેક્સ જોક્સ છાપા, ટીવી, રેડિયો અને ફિલ્મમાં જોવા મળે છે.
પરંતુ, આવા જોક્સ વિષે બાઇબલ શું કહે છે? નોંધ કરો કે, પાઊલે એફેસી મંડળને કહ્યું: “તમારામાં વ્યભિચાર, મલિનતા અથવા લોભ ન હોવાં જોઈએ. આવી કોઈ બાબતે કોઈ વ્યક્તિ તમારા પર આળ ન મૂકે એનો ખ્યાલ રાખો. તમે ગંદી વાતો ન કરો. અપશબ્દો ન બોલો અને ઠઠ્ઠામશ્કરી ન કરો.” (એફેસી ૫:૩, ૪) તેથી, એ યાદ રાખવું કેટલું જરૂરી છે કે, યહોવાહ કોઈ પણ ગંદા જોક્સને ધિક્કારે છે!
યહોવાહ ઝેરી જીભને પણ ધિક્કારે છે
જો કોઈની જીભ ઝેરીલી હોય, તો એ ગાળો કરતા પણ વધારે ઘા કરે છે. અરે, ઝેરી જીભ તો સાપના ડંખથી કરતાં પણ ખતરનાક છે. હા, વાત-વાતમાં કોઈકને ઉતારી પાડીએ કે કટાક્ષથી બોલીએ, તો જાણે આપણે તેઓને તમાચા મારીએ છીએ. જો કે આજે ચારેબાજુ લોકો આ રીતે બોલતા હોય છે. એના લીધે, આપણે પણ ભૂલથી કોઈક વાર એમ બોલી શકીએ છીએ. (યાકૂબ ૩:૨) પરંતુ યાદ રાખો કે, યહોવાહના ભક્તોના મોંમાંથી એવી બોલી કદી નીકળવી ન જોઈએ. એનું કારણ, યહોવાહ આવી ઝેરી જીભને પણ ઘિક્કારે છે.
એલીશાનો વિચાર કરો. અમુક છોકરાઓ તેમની મજાક ઉડાવતા હતા ત્યારે શું બન્યું! બાઇબલ કહે છે: “[એલીશા] માર્ગે ચાલતો હતો તેવામાં નાનાં છોકરાંએ નગરમાંથી બહાર નીકળીને તેની મશ્કરી કરીને તેને કહ્યું, કે હે તાલવાળા, આગળ ચાલ; હે તાલવાળા, આગળ ચાલ.” આ છોકરાઓ જાણીજોઈને એલીશાની મશ્કરી ઉડાવીને, તેને જાણે ઘા મારતા હતા. યહોવાહે જોયું કે, આ છોકરાંઓના દિલમાં કેટલું ઝેર હતું. તેથી, યહોવાહે તેઓને સજા આપી અને એ જ દિવસે ૪૨ છોકરાઓ મરી ગયા.—૨ રાજાઓ ૨:૨૩, ૨૪.
ચાલો બીજો કિસ્સો જોઈએ. ઈસ્રાએલીઓ મૂર્તિપૂજામાં પરોવાયેલા રહેતા અને જાણી-જોઈને યહોવાહના નિયમો તોડતા હતા. તેથી, યહોવાહનો કોપ તેઓ ઉપર સળગી ઊઠ્યો. પરંતુ, નોંધ કરો કે યહોવાહના ભક્તો એથી વિશેષ બીજું શું કરતા હતા. બાઇબલ જણાવે છે: ‘તેઓએ દેવના પ્રબોધકોની મશ્કરી ઉડાવી, તેનાં વચનોનો અને પ્રબોધકોનો તિરસ્કાર કર્યો, તેથી યહોવાહને પોતાના લોક ઉપર એટલો બધો ક્રોધ ચઢ્યો, કે કંઈ જ ઉપાય રહ્યો નહિ.’ (૨ કાળવૃત્તાંત ૩૬:૧૬) હા, તેઓએ યહોવાહના સેવકોની મશ્કરી કરી. એના લીધે યહોવાહે તેઓને સજા આપી!
આપણે ઈસ્રાએલીઓ જેવા ન બનીએ, એ માટે બાઇબલ કહે છે: “વૃદ્ધને ઠપકો ન આપ.” (૧ તીમોથી ૫:૧) અહિંયા ‘ઠપકાનો’ અર્થ થાય છે કે, આપણે કોઈનું અપમાન કરવું ન જોઈએ. તેમ જ, આપણે આ બાઇબલ સલાહને પાળવી જોઈએ: “કોઈની નિંદા ન કરવી, ટંટાખોર નહિ, પણ નમ્ર રહીને સર્વ માણસોની સાથે પૂરેપૂરા વિનયથી વર્તવું.”—તીતસ ૩:૨.
વગર વિચાર્યું ન બોલો!
ઘણી વાર અમુક લોકો આપણને ગુસ્સે કરતા હોય છે. એવા સમયે, મન થાય છે કે આપણે ફટાફટ સામો વળતો જવાબ આપીને, તેઓની બોલતી બંધ કરી દઈએ. અથવા તો, આપણે તેઓની પાછળ બડબડ કરતા હોય શકીએ. ખરું કે આવા સંજોગોમાં શાંત રહેવું ખૂબ અઘરું હોય શકે. પરંતુ, આપણે ધીરજ રાખીએ માટે બાઇબલની આ સલાહ મનમાં ઠસાવી જોઈએ: “વધારે પડતું બોલશો નહિ. તમારી જીભ પર લગામ રાખો. સમજદાર બનો અને ગમે તેમ બોલવું બંધ કરો.”—નીતિવચનો ૧૦:૧૯, IBSI.
યહોવાહના લાખો સ્વર્ગમાં દૂતોએ ધીરજ બતાવવામાં સરસ દાખલો બેસાડ્યો છે. જેમ કે, આપણે દરરોજ ભૂલો કરી બેસીએ છીએ. તેમ છતાં, આ દૂતો અભિમાની બનીને, આપણને કદી ઠપકો આપતા નથી અને ‘આપણા પર દોષ મૂકતા નથી.’ (૨ પીતર ૨:૧૧) એના બદલે તેઓ ધીરજ રાખે છે કે યહોવાહ ચોક્કસ એક દિવસે સુધારો લાવશે. તેમ જ, બધા દૂતોમાંથી સૌથી મહાન દૂત મીખાએલનો વિચાર કરો. શેતાન જ્યારે મીખાએલને ઉશ્કેરવા માંગતો હતો, ત્યારે મીખાએલે ધીરજ બતાવી અને શાંત રહ્યા.—યહુદા ૯.
હા, દૂતો કદી વગર વિચાર્યે બોલતા નથી. તેથી, આપણે પણ તેઓના જેવો ગુણ બતાવવો જોઈએ. બાઇબલ સલાહ આપે છે: ‘ભૂંડાઈને બદલે ભૂંડું ન કરો. સઘળાં માણસોની નજરમાં જે શોભે છે, તે કરવાને કાળજી રાખો. જો બની શકે, તો ગમે તેમ કરીને સઘળાં માણસોની સાથે હળીમળીને ચાલો. તમે સામું વૈર ન વાળો, પણ દેવના કોપને સારૂ માર્ગ મૂકો; કેમકે લખેલું છે, કે પ્રભુ કહે છે, કે વૈર વાળવું એ મારૂં કામ છે; હું બદલો લઈશ.’—રૂમીઓને પત્ર ૧૨:૧૭-૧૯.
ઘણી વાર આપણે જે રીતે બોલીએ છીએ એનાથી પણ વ્યક્તિને દુઃખ લાગી શકે. દાખલા તરીકે, ઘણા કુટુંબમાં પતિપત્ની એક બીજા સાથે કટાક્ષથી બોલતા હોય છે. તેમ જ, માબાપ બાળકો પર બૂમબરાડા કરતા હોય છે. પરંતુ, યહોવાહના ભક્તો તરીકે આપણે એમ ન કરવું જોઈએ. યહોવાહ કહે છે: ‘સર્વ પ્રકારની કડવાસ, ક્રોધ, કોપ, ઘોંઘાટ કે ચીસા-ચીસ તથા નિંદા, તેમ જ સર્વ પ્રકારની ખુન્નસ તમારામાંથી દૂર કરો.’ (એફેસી ૪:૩૧) તેમ જ, બાઇબલ એમ પણ જણાવે છે કે, ‘ઈશ્વરનો સેવક ઝઘડાખોર હોવો જોઈએ નહિ, પણ તેણે નમ્ર બનવું જોઈએ.’—૨ તિમોથી ૨:૨૪, IBSI.
મીઠી મધ જેવી બોલી
દુનિયામાં આજે ગાળાગાળી કરવી કે અપશબ્દો બોલવા એકદમ સામાન્ય છે. પરંતુ, એવી ગંદી આદતોથી દૂર રહેવા, બાઇબલ સલાહ આપે છે કે આપણે એક બીજાને પ્રેમ કરીએ. (માત્થી ૭:૧૨; લુક ૧૦:૨૭) એક બીજાનું માન રાખવાથી, આપણી બોલી બીજાઓને ઉત્તેજન આપનારી બનશે. બાઇબલ કહે છે: “તમારા મુખમાંથી અપશબ્દો ન નીકળે પણ બીજાઓની સાથે વાત કરતાં જે સારું, હિતકારક અને આશીર્વાદિત હોય એ જ બોલો.”—એફેસી ૪:૨૯, IBSI.
દરરોજ બાઇબલ વાંચવાથી, આપણે એકબીજા સાથે પ્રેમથી બોલવાની આદત પાડી શકીશું. ફક્ત વાંચ્યા પૂરતું જ નહિ, પણ બાઇબલનો બોધ આપણાં જીવનમાં ઉતારવો જોઈએ. આમ, આપણે ખરાબ કે ગંદી ભાષાથી દૂર રહીશું. (યાકૂબ ૧:૨૧) ખરેખર, બાઇબલની સલાહ પાળવાથી, આપણી ઝેર જેવી જીભમાંથી મીઠી મધ જેવી વાતો નીકળી શકશે. (g 03 6/8)