પ્રકરણ ૧૪
મંડળની શાંતિ જાળવીએ અને મંડળને શુદ્ધ રાખીએ
બાઇબલની ભવિષ્યવાણી પ્રમાણે દર વર્ષે હજારો લોકો યહોવાની શુદ્ધ ભક્તિ કરવા મંડળમાં આવે છે. (મીખા. ૪:૧, ૨) ‘ઈશ્વરના મંડળમાં’ તેઓનો આવકાર કરીને આપણને ઘણી ખુશી થાય છે! (પ્રે.કા. ૨૦:૨૮) તેઓને આપણી સાથે ભેગા મળીને યહોવાની ભક્તિ કરવાનું ગમે છે. આપણી જેમ તેઓ પણ મંડળમાં શુદ્ધ અને શાંત માહોલનો આનંદ માણે છે. ઈશ્વરની પવિત્ર શક્તિ અને બાઇબલની સલાહ આપણને મંડળ શુદ્ધ રાખવા અને શાંતિ જાળવવા મદદ કરે છે.—ગીત. ૧૧૯:૧૦૫; ઝખા. ૪:૬.
૨ આપણે બાઇબલ સિદ્ધાંતોને લાગુ પાડીને “નવો સ્વભાવ” પહેરીએ છીએ. (કોલો. ૩:૧૦) આપણે નાની નાની તકરારો અને મતભેદો જતાં કરીએ છીએ. આપણે બાબતોને યહોવાની નજરે જોઈએ છીએ એટલે દુનિયાના લોકોની જેમ આપણી વચ્ચે ભાગલા પડતા નથી. આપણે આખી દુનિયાનાં ભાઈ-બહેનો સાથે એકતામાં રહીને ઈશ્વરની ભક્તિ કરીએ છીએ.—પ્રે.કા. ૧૦:૩૪, ૩૫.
૩ પણ અમુક વાર ભાઈ-બહેનો વચ્ચેના મતભેદને લીધે મંડળની એકતા અને શાંતિ જોખમમાં આવી પડે છે. મોટા ભાગે આપણે બાઇબલના સિદ્ધાંતો પાળવાનું ચૂકી જઈએ ત્યારે એવું થાય છે. આપણે પાપી હોવાને લીધે પોતાની નબળાઈઓ સામે લડવું પડે છે. આપણામાંથી એવું કોઈ નથી, જેણે પાપ ન કર્યું હોય. (૧ યોહા. ૧:૧૦) કોઈ વ્યક્તિ ખોટું પગલું ભરે ત્યારે, મંડળનાં ભાઈ-બહેનોનાં વાણી-વર્તન ભ્રષ્ટ થઈ શકે છે અને યહોવાની નજરે મંડળ અશુદ્ધ ગણાઈ શકે છે. કોઈ વાર આપણે વિચાર્યા વગર કંઈક બોલી દઈએ કે કરી દઈએ, એનાથી સામેવાળાને ખોટું લાગી શકે છે અથવા કોઈનાં વાણી-વર્તનથી આપણને ખોટું લાગી શકે છે. (રોમ. ૩:૨૩) એવા સમયે આપણે સંપીને રહેવા શું કરી શકીએ?
૪ યહોવા સારી રીતે સમજે છે કે એવા સંજોગો ઊભા થઈ શકે છે, એટલે તેમણે બાઇબલમાં સલાહ આપી છે કે એવા સમયે શું કરવું જોઈએ. પ્રેમાળ ઘેટાંપાળકો, એટલે કે વડીલો દરેકને મદદ કરવા હંમેશાં તૈયાર હોય છે. તેઓ બાઇબલમાંથી જે સલાહ આપે છે એ પાળવાથી આપણે બીજાઓ સાથે ફરીથી સારો સંબંધ કેળવી શકીએ છીએ. તેમ જ, યહોવા સાથે સારો સંબંધ જાળવી રાખી શકીએ છીએ. જો આપણે કંઈ ખોટું કર્યું હોય અને આપણને શિસ્ત કે ઠપકો આપવામાં આવે, તો ખાતરી રાખી શકીએ કે એ પિતા યહોવાના પ્રેમની સાબિતી છે.—નીતિ. ૩:૧૧, ૧૨; હિબ્રૂ. ૧૨:૬.
નાની નાની તકરારો થાળે પાડીએ
૫ અમુક સમયે મંડળનાં ભાઈ-બહેનો વચ્ચે નાનીસૂની તકરાર અથવા મુશ્કેલી ઊભી થઈ શકે છે. આપણે ભાઈ-બહેનોને પ્રેમ કરીએ છીએ એટલે એવી તકરારોનો તરત ઉકેલ લાવવો જોઈએ. (એફે. ૪:૨૬; ફિલિ. ૨:૨-૪; કોલો. ૩:૧૨-૧૪) તકરારોનો ઉકેલ લાવવા પ્રેરિત પિતરની આ સલાહ પાળીને ભાઈ-બહેનો સાથે સંબંધ સુધારી શકીએ: “એકબીજા માટે ગાઢ પ્રેમ રાખો, કેમ કે પ્રેમ અસંખ્ય પાપને ઢાંકે છે.” (૧ પિત. ૪:૮) બાઇબલ કહે છે: “આપણે બધા ઘણી વાર ભૂલો કરીએ છીએ.” (યાકૂ. ૩:૨) આપણે સોનેરી નિયમ પાળવો જોઈએ, એટલે કે જેમ આપણે ચાહીએ છીએ કે લોકો આપણી સાથે વર્તે, એ રીતે આપણે પણ તેઓની સાથે વર્તીએ. જો આપણે એ સલાહ લાગુ પાડીશું તો બીજાઓની નાની નાની ભૂલો માફ કરી શકીશું અને એને ફરી યાદ નહિ કરીએ.—માથ. ૬:૧૪, ૧૫; ૭:૧૨.
૬ તમારાં વાણી-વર્તનથી કોઈને ખોટું લાગ્યું છે એવી ખબર પડે તો, તમારે સુલેહ-શાંતિ કરવા તરત જ પહેલ કરવી જોઈએ. યાદ રાખો કે એની અસર યહોવા સાથેના તમારા સંબંધ પર પણ પડે છે. ઈસુએ શિષ્યોને સલાહ આપી: “જો તમે વેદી પાસે અર્પણ લઈને જાઓ અને યાદ આવે કે તમારો ભાઈ તમારાથી નારાજ છે, તો તમારું અર્પણ ત્યાં વેદીની આગળ મૂકી દો. જાઓ, પહેલા તમારા ભાઈ સાથે સુલેહ-શાંતિ કરો, પછી આવીને તમારું અર્પણ ચઢાવો.” (માથ. ૫:૨૩, ૨૪) કદાચ તમારી અને કોઈ બીજા વચ્ચે ગેરસમજ થઈ હોય, તો એના વિશે એકબીજા સાથે વાત કરો. મંડળમાં બધાની સાથે ખુલ્લાં દિલે વાતચીત કરતા હોઈશું તો ગેરસમજ ટાળી શકીશું અને પાપી હોવાથી ઊભી થતી મુશ્કેલીઓ થાળે પાડી શકીશું.
શાસ્ત્રમાંથી સલાહ
૭ અમુક સમયે વ્યક્તિના વિચારો સુધારવા વડીલોએ સલાહ આપવી પડે છે. પણ હંમેશાં એમ કરવું સહેલું હોતું નથી. પ્રેરિત પાઉલે ગલાતિયાના ખ્રિસ્તીઓને લખ્યું: “ભાઈઓ, જો કોઈ માણસ અજાણતાં ખોટા માર્ગે જાય, તો તમે જેઓ ઈશ્વરનાં ધોરણો પ્રમાણે ચાલો છો, તેઓ એવા માણસને નમ્રભાવે સુધારવાનો પ્રયત્ન કરો.”—ગલા. ૬:૧.
૮ ઘેટાંપાળકની જેમ, વડીલો ભાઈ-બહેનોની પ્રેમથી દેખરેખ રાખે છે. આમ, તેઓ મંડળને અલગ અલગ જોખમથી બચાવી શકે છે અને મોટી મુશ્કેલીઓ ઊભી થતા અટકાવી શકે છે. યહોવાએ યશાયા દ્વારા વચન આપ્યું હતું: “દરેક આગેવાન પવનથી સંતાવાની જગ્યા જેવો, વાવાઝોડામાં આશરા જેવો, સૂકી ભૂમિમાં પાણીનાં ઝરણાઓ જેવો અને સૂકાભટ પ્રદેશમાં વિશાળ ખડકની છાયા જેવો બનશે.” (યશા. ૩૨:૨) આજે વડીલો એ વચન પ્રમાણે મંડળની સેવા કરવાની પૂરી કોશિશ કરે છે.
મનમાની કરનારાઓની નોંધ રાખવી
૯ પ્રેરિત પાઉલે એવા લોકોથી સાવધ રહેવાની ચેતવણી આપી, જેઓની મંડળમાં ખરાબ અસર પડી શકે છે. તેમણે કહ્યું: ‘અમે તમને સલાહ આપીએ છીએ કે એવા દરેક ભાઈથી દૂર રહો, જે મનમાની કરે છે અને અમે શીખવેલી વાતો પ્રમાણે ચાલતો નથી.’ પછી તેમણે એ વાત સમજાવતા લખ્યું: “જો આ પત્રમાં લખેલી અમારી આજ્ઞા કોઈ ન પાળે, તો તેની નોંધ રાખજો અને તેની સંગત રાખશો નહિ, જેથી તેને શરમ આવે. જોકે, તેને દુશ્મન ગણશો નહિ, પણ ભાઈ તરીકે તેને સલાહ આપતા રહેજો.”—૨ થેસ્સા. ૩:૬, ૧૪, ૧૫.
૧૦ બની શકે કે એક ભાઈએ એટલું મોટું પાપ કર્યું ન હોય, જેના લીધે તેને મંડળમાંથી કાઢી મૂકવામાં આવે. પણ તે જાણીજોઈને ઈશ્વરનાં ધોરણોનું અપમાન કરતો હોય શકે. જેમ કે, તે કદાચ વધારે પડતો આળસુ હોય, દરેક વાતમાં વાંક કાઢતો હોય અથવા જરાય સાફ-સફાઈ રાખતો ન હોય. કદાચ તેને ‘જે વાતો લાગતી-વળગતી નથી, એમાં માથું માર્યા કરતો હોય.’ (૨ થેસ્સા. ૩:૧૧) અથવા તે ચાલાકીથી બીજાઓ પાસે પૈસા પડાવવાની કોશિશ કરતો હોય કે પછી ખરાબ મનોરંજનમાં ડૂબેલો હોય. એ બધી કંઈ નાનીસૂની વાત નથી, પણ એની મંડળ પર ખરાબ અસર પડી શકે છે. બીજાં ભાઈ-બહેનોમાં પણ એવું વલણ આવી શકે છે.
૧૧ વડીલો સૌથી પહેલા મનમાની કરનારને મદદ કરવા બાઇબલમાંથી સલાહ આપશે. પણ વારંવાર સલાહ આપ્યા છતાં તે બાઇબલના સિદ્ધાંતોને લાગુ પાડતો ન હોય તો, વડીલો મંડળને ચેતવવા સભામાં એક પ્રવચન આપવાનો નિર્ણય લઈ શકે. એ નિર્ણય લેવા માટે વડીલો સમજદારીથી વિચારશે કે વ્યક્તિએ જે કર્યું છે એ કેટલું ગંભીર છે. તેમ જ એની બીજાઓ પર ખરાબ અસર પડી રહી છે કે કેમ. વક્તા એ વ્યક્તિનાં ખરાબ વાણી-વર્તનને ધ્યાનમાં રાખીને પ્રવચનમાં જરૂરી સલાહ આપશે, પણ તેનું નામ નહિ જણાવે. પરિણામે, જે ભાઈ-બહેનો પ્રવચનમાં જણાવેલા સંજોગોથી જાણકાર છે, તેઓ મનમાની કરનાર સાથે હળવા-મળવાનું ટાળશે. પણ તેઓ ભક્તિને લગતી બાબતોમાં તેની સાથે સંગત રાખશે અને ‘ભાઈ તરીકે તેને સલાહ આપતા રહેશે.’
૧૨ જ્યારે મંડળનાં ભાઈ-બહેનો મનમાની કરનાર વ્યક્તિ સાથે હળવા-મળવાનું ઓછું કરે ત્યારે કદાચ તેને પોતાનાં કામો પર શરમ આવે અને તે ફેરફાર કરવા તૈયાર થાય. જો સાફ દેખાઈ આવે કે તેણે સુધારો કર્યો છે, તો તેની સાથે એવી રીતે વર્તવું ન જોઈએ, જાણે તેની નોંધ રાખવામાં આવતી હોય.
અમુક ગંભીર કે મોટી ભૂલો કઈ રીતે હાથ ધરવી?
૧૩ ભાઈ-બહેનોની ભૂલોને નજરઅંદાજ કરવી અને માફ કરવી, એનો એ અર્થ નથી કે તેઓએ કરેલાં પાપ કે ભૂલોને આપણે આંખ આડા કાન કરીએ છીએ કે પછી એને મંજૂરી આપીએ છીએ. બધી જ ભૂલો માટે પાપી હોવાનું બહાનું કાઢી ન શકાય અથવા કોઈ વ્યક્તિ ગંભીર પાપ કરે તો એ ચલાવી ન લેવાય. (લેવી. ૧૯:૧૭; ગીત. ૧૪૧:૫) મૂસાના નિયમ કરારમાં બતાવ્યું હતું કે અમુક પાપ બીજાં પાપ કરતાં વધારે ગંભીર છે, એ સિદ્ધાંત આજે મંડળમાં પણ લાગુ પડે છે.—૧ યોહા. ૫:૧૬, ૧૭.
૧૪ ભાઈ-બહેનો વચ્ચે મોટી મુશ્કેલીઓ ઊભી થાય તો શું કરવું એ વિશે ઈસુએ જણાવ્યું હતું. ધ્યાન આપો કે તેમણે કેવાં પગલાં ભરવાનું કહ્યું: “જો તારો ભાઈ તારી વિરુદ્ધ કંઈ પાપ કરે, તો [૧] જા અને એકાંતમાં તેની ભૂલ જણાવ. જો તે સાંભળે તો તેં તારા ભાઈને જીતી લીધો છે. પણ જો તે ન સાંભળે તો [૨] તારી સાથે બીજા એક કે બેને લઈ જા, જેથી બે કે ત્રણ સાક્ષીઓના પુરાવાથી દરેક વાત સાબિત થઈ શકે. તે તેઓનું પણ ન સાંભળે તો [૩] મંડળને વાત કર. જો તે મંડળનું પણ ન સાંભળે, તો તેને દુનિયાના માણસ જેવો અને કર ઉઘરાવનાર જેવો ગણવો.”—માથ. ૧૮:૧૫-૧૭.
૧૫ એ પછી ઈસુએ માથ્થી ૧૮:૨૩-૩૫માં એક ઉદાહરણ આપ્યું. એના પરથી લાગે છે કે માથ્થી ૧૮:૧૫-૧૭માં એવા કોઈ પાપ વિશે વાત થઈ છે, જે પૈસા કે મિલકતને લગતું હોય, જેમ કે લોનના હપ્તા ન ભરવા કે છેતરપિંડી કરવી. અથવા એ કલમોમાં નિંદા વિશે વાત થઈ હોઈ શકે, જેના લીધે કોઈનું નામ બદનામ થાય.
૧૬ જો તમારી પાસે પુરાવો હોય કે મંડળમાં કોઈએ તમારી વિરુદ્ધ એવું પાપ કર્યું છે, તો તમે શું કરશો? તરત જ વડીલો પાસે દોડી જઈને તેઓને તમારા વતી કંઈક કરવાનું ન કહો. પણ ઈસુએ સલાહ આપી તેમ સૌથી પહેલા તમે એ ભાઈ કે બહેન સાથે વાત કરો. બીજા કોઈને વચ્ચે લાવ્યા વગર, તમારા બંને વચ્ચે સુલેહ-શાંતિ કરવાની કોશિશ કરો. યાદ રાખો ઈસુએ એમ ન કહ્યું કે, ‘ફક્ત એક વાર જા અને તેની ભૂલ જણાવ.’ પણ જો વ્યક્તિ પોતાની ભૂલ ન સ્વીકારે અને માફી ન માંગે, તો સારું રહેશે કે તમે થોડા સમય પછી ફરીથી તેની સાથે વાત કરો. આ રીતે મુશ્કેલીનો ઉકેલ લાવવાથી પાપ કરનાર વ્યક્તિ તમારી કદર કરશે. કેમ કે તમે તેના પાપ વિશે બીજાઓને જણાવ્યું નહિ અને મંડળમાં તેનું નામ બદનામ કર્યું નહિ. આમ તમે ‘તમારા ભાઈને જીતી લેશો.’
૧૭ જો વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકારે, માફી માંગે અને સુધારો કરવા માટે પગલાં ભરે, તો વાતનું વતેસર કરવાની જરૂર નથી. ભલે એ મોટું પાપ હોય, પણ જેઓ વચ્ચે એ મુશ્કેલી ઊભી થઈ છે, તેઓ પોતે એને હલ કરી શકે છે.
૧૮ જો તમે “એકાંતમાં” પોતાના ભાઈ સાથે વાત કરીને તેને જીતી ન શકો, તો પછી ઈસુએ કહ્યું એમ કરી શકો. ‘તમારી સાથે બીજા એક કે બેને લઈ જાઓ’ અને ફરીથી તેની સાથે વાત કરો. તમારી સાથે જેઓને લઈ જાઓ, તેઓની ઇચ્છા પણ ભાઈને જીતી લેવાની હોવી જોઈએ. સારું રહેશે કે એ બનાવને નજરે જોનાર સાક્ષીઓને તમે તમારી સાથે લઈ જાઓ. પણ જો એ બનાવના કોઈ સાક્ષી ન હોય, તો તમે એવા એક કે બે જણને પસંદ કરી શકો, જે એ ભાઈ સાથે થનાર વાતચીતના સાક્ષીઓ બનશે. જે બાબત બની છે એ વિષયનો તેઓને કદાચ અનુભવ હોય અને પારખી શકે કે જે બન્યું, એ ખરેખર ખોટું છે કે નહિ. સાક્ષી તરીકે વડીલોને પસંદ કરવામાં આવે તો, તેઓ એ રીતે નહિ વર્તે કે જાણે તેઓ મંડળ તરફથી પસંદ થયા છે, કેમ કે વડીલોના જૂથે તેઓને એ કામ સોંપ્યું નથી.
૧૯ માનો કે તમે એ ભાઈ સાથે એકાંતમાં અનેક વાર વાત કરી છે. પછી બીજા એક-બે સાક્ષીને સાથે લઈ જઈને પણ વાત કરી છે, તોપણ મુશ્કેલીનો ઉકેલ આવ્યો નથી. તમે પણ એ બનાવને ભૂલી શકતા નથી. આવા સંજોગોમાં તમારે મંડળના વડીલોને એ વાત જણાવવી જોઈએ. યાદ રાખો કે તેઓ મંડળમાં શાંતિ અને શુદ્ધતા જાળવી રાખવા ચાહે છે. વડીલો સાથે વાત કર્યા પછી તમારે બધું તેઓના હાથમાં છોડી દેવું જોઈએ અને યહોવા પર ભરોસો રાખવો જોઈએ. બીજાઓના વર્તનને લીધે તમારે ક્યારેય ઠોકર ખાવી ન જોઈએ અથવા યહોવાની ભક્તિમાં તમારો આનંદ ક્યારેય છીનવાઈ જવા દેવો ન જોઈએ.—ગીત. ૧૧૯:૧૬૫.
૨૦ વડીલો એ વિશે તપાસ કરશે. જો સાબિત થાય કે એ ભાઈએ તમારી વિરુદ્ધ ખરેખર મોટું પાપ કર્યું છે અને તેને કોઈ પસ્તાવો નથી તેમજ તે યોગ્ય અને જરૂરી સુધારા કરવા ચાહતો નથી, તો વડીલોની સમિતિએ કદાચ તેને મંડળમાંથી કાઢી મૂકવો પડે. આમ તેઓ ટોળાનું રક્ષણ કરે છે અને મંડળને શુદ્ધ રાખે છે.—માથ. ૧૮:૧૭.
ગંભીર પાપના કિસ્સાઓમાં શું કરવું?
૨૧ અમુક પાપ ગંભીર હોય છે. જેમ કે, વ્યભિચાર, લગ્ન બહાર જાતીય સંબંધ, સજાતીય સંબંધ, ઈશ્વરની નિંદા, સત્યમાં ભેળસેળ, મૂર્તિપૂજા અને એનાં જેવાં બીજાં પાપ. એવા કિસ્સામાં જેની વિરુદ્ધ પાપ થયું હોય, તે પાપ કરનારને માફ કરે એટલું જ પૂરતું નથી. (૧ કોરીં. ૬:૯, ૧૦; ગલા. ૫:૧૯-૨૧) એ પાપથી બીજાં ભાઈ-બહેનોનાં ચારિત્ર પર અને ભક્તિ પર ખરાબ અસર પડી શકે છે. એટલે એની જાણ વડીલોને કરવી જ જોઈએ અને તેઓ એનો ઉકેલ લાવશે. (૧ કોરીં. ૫:૬; યાકૂ. ૫:૧૪, ૧૫) કોઈ ભાઈ કે બહેન કદાચ પોતાનું પાપ કબૂલ કરવા અથવા બીજાના પાપ વિશે જણાવવા વડીલોને મળી શકે છે. (લેવી. ૫:૧; યાકૂ. ૫:૧૬) બાપ્તિસ્મા પામેલા ભાઈ કે બહેનના ગંભીર પાપ વિશે વડીલોને ભલે ગમે એ રીતે જાણ થાય, શરૂઆતમાં બે વડીલો એની તપાસ કરશે. જો સાબિત થાય કે એ માહિતી સાચી છે અને પુરાવા મળે કે એ ભાઈ કે બહેને ગંભીર પાપ કર્યું છે, તો વડીલોનું જૂથ એ માટે ઓછામાં ઓછા ત્રણ વડીલોની ન્યાય સમિતિની ગોઠવણ કરશે.
૨૨ વડીલો મંડળનાં ભાઈ-બહેનોની સંભાળ રાખે છે અને તેઓનું દરેક રીતે રક્ષણ કરે છે, જેથી ઈશ્વર સાથે તેઓનો સંબંધ તૂટે નહિ. એટલું જ નહિ વડીલો બાઇબલનો કુશળ રીતે ઉપયોગ કરીને ભૂલ કરનારને ઠપકો આપે છે અને યહોવા સાથે ફરીથી સંબંધ મજબૂત કરવા તેને મદદ કરે છે. (યહૂ. ૨૧-૨૩) તેઓ પ્રેરિત પાઉલની આ સલાહ પાળે છે, જે તેમણે તિમોથીને આપી હતી: ‘ખ્રિસ્ત ઈસુ જીવતા અને મરી ગયેલા લોકોનો ન્યાય કરશે. એ ખ્રિસ્ત ઈસુની આગળ અને ઈશ્વરની આગળ હું તને આદેશ આપું છું: તું પૂરી ધીરજ રાખીને અને કુશળતાથી શીખવીને લોકોને સુધાર, ઠપકો આપ અને ઉત્તેજન આપ.’ (૨ તિમો. ૪:૧, ૨) ખરું કે એમ કરવામાં ઘણો સમય લાગી શકે છે, પણ એ વડીલોની જવાબદારીનો એક ભાગ છે. મંડળ તેઓની મહેનતની ઘણી કદર કરે છે અને તેઓને “બમણા માનને યોગ્ય” ગણે છે.—૧ તિમો. ૫:૧૭.
૨૩ વ્યક્તિએ પાપ કર્યું છે એ સાબિત થાય ત્યારે, વડીલો તેને યહોવા સાથે ફરીથી સંબંધ મજબૂત કરવા મદદ કરશે. જો તે સાચો પસ્તાવો કરશે, તો વડીલોએ આપેલી સલાહ પાળીને સુધારો કરી શકશે. વડીલો તેને એકાંતમાં ઠપકો આપશે અથવા ન્યાય સમિતિની સુનાવણી વખતે જેઓએ સાક્ષી આપી હોય, તેઓની સામે ઠપકો આપશે. એનાથી બીજાં ભાઈ-બહેનોને પણ ચેતવણી મળશે. (૨ શમુ. ૧૨:૧૩; ૧ તિમો. ૫:૨૦) ન્યાય સમિતિએ ઠપકો આપ્યો હોય એ દરેક વ્યક્તિ પર અમુક પ્રતિબંધ મૂકવામાં આવે છે. એમ કરવાથી ખોટું કરનારને “સીધા માર્ગો” પર ચાલવા મદદ મળી શકે છે. (હિબ્રૂ. ૧૨:૧૩) સમય જતાં જો દેખાઈ આવે કે વ્યક્તિએ સુધારો કર્યો છે, તો તેના પર મૂકેલા પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવે છે.
ઠપકો આપ્યો હોય એની જાહેરાત
૨૪ જો પાપ કરનારે પસ્તાવો કર્યો હોય, પણ ન્યાય સમિતિને લાગે કે એ પાપ વિશે મંડળને કે એ વિસ્તારના લોકોને ખબર પડી શકે છે અથવા સમિતિને લાગે કે પસ્તાવો કરનાર વ્યક્તિથી મંડળને ચેતવવાની જરૂર છે, તો જીવન અને સેવાકાર્ય સભામાં એક નાની જાહેરાત કરવામાં આવશે. જાહેરાત આવી હશે: “[વ્યક્તિનું નામ]ને ઠપકો આપવામાં આવ્યો છે.”
જો બહિષ્કૃત કરવાનો નિર્ણય લેવો પડે
૨૫ અમુક વખતે કોઈ વ્યક્તિ પાપ કરતાં કરતાં એટલી કઠોર બની જાય છે કે તેને મદદ કરવાની ઘણી કોશિશ કરવામાં આવે તોપણ સુધરતી નથી. બની શકે કે ન્યાય સમિતિની સુનાવણી વખતે તેનાં “કામોથી પસ્તાવાની સાબિતી” ન મળે. (પ્રે.કા. ૨૬:૨૦) એવા કિસ્સામાં શું કરવામાં આવે છે? જો વ્યક્તિ પસ્તાવો ન કરે તો તેને મંડળમાંથી કાઢી મૂકવામાં આવે એ જરૂરી છે. આમ, તેને યહોવાના શુદ્ધ લોકોની સંગતથી દૂર રાખવામાં આવે છે. તેની ખરાબ અસર મંડળનાં ભાઈ-બહેનો પર પડતી નથી. આ રીતે ભાઈ-બહેનોનાં ચારિત્રનું અને ભક્તિનું રક્ષણ થાય છે અને મંડળનું નામ બદનામ થતું નથી. (પુન. ૨૧:૨૦, ૨૧; ૨૨:૨૩, ૨૪) પ્રેરિત પાઉલને કોરીંથ મંડળના એક વ્યક્તિના શરમજનક કામની ખબર પડી ત્યારે, તેમણે ત્યાંના વડીલોને ચેતવણી આપી: ‘એવા માણસને શેતાનના હાથમાં સોંપી દો, જેથી મંડળનું યોગ્ય વલણ જળવાઈ રહે.’ (૧ કોરીં. ૫:૫, ૧૧-૧૩) પાઉલે પહેલી સદીના અમુક એવા લોકો વિશે પણ લખ્યું, જેઓ યહોવાની ભક્તિ વિરુદ્ધ બળવો કરવાને લીધે બહિષ્કૃત થયા હતા.—૧ તિમો. ૧:૨૦.
૨૬ ન્યાય સમિતિ પસ્તાવો ન કરનારને બહિષ્કૃત કરવાનું નક્કી કરે ત્યારે, તેઓએ એ નિર્ણય તેને જણાવવો જોઈએ. તેને સ્પષ્ટ જણાવવું જોઈએ કે બાઇબલમાં આપેલા કયા કારણને (કારણોને) લીધે તેને બહિષ્કૃત કરવામાં આવે છે. ન્યાય સમિતિ પસ્તાવો ન કરનાર વ્યક્તિને એ પણ જણાવશે કે જો તેને લાગતું હોય કે નિર્ણય લેવામાં મોટી ભૂલ થઈ છે તો તે અપીલ કરી શકે છે. તેણે પત્ર લખીને અપીલ કરવાનાં કારણો સાફ સાફ જણાવવા જોઈએ. તેને સમિતિનો નિર્ણય જણાવવામાં આવે એના સાત દિવસની અંદર તે અપીલ કરી શકે છે. જો વડીલોને અપીલ મળે, તો તેઓ સરકીટ નિરીક્ષકને વાત કરશે. પછી સરકીટ નિરીક્ષક યોગ્ય વડીલોને પસંદ કરીને અપીલ સમિતિ બનાવશે. એ સમિતિ ફરીથી તે વ્યક્તિની વાત સાંભળશે. તેઓને પત્ર મળે એના એક અઠવાડિયામાં જ અપીલની સુનાવણી રાખવાની પૂરી કોશિશ કરશે. જો અપીલ કરવામાં આવી હોય, તો બહિષ્કૃત કરવાની જાહેરાત હાલ પૂરતી ન કરવી. એ સમય દરમિયાન વ્યક્તિ સભામાં જવાબ નહિ આપી શકે, પ્રાર્થના નહિ કરાવી શકે અને તેને પ્રચાર સિવાય બીજા કોઈ લહાવા નહિ મળી શકે.
૨૭ વ્યક્તિને અપીલ કરવાની તક આપીને દયા બતાવવામાં આવે છે, જેથી તે પોતાની વાત ફરી જણાવી શકે. જો તે અપીલની સુનાવણી વખતે જાણીજોઈને ન આવે, તો તેને મળવા માટેના બધા પ્રયત્નો કર્યા પછી બહિષ્કૃત વિશેની જાહેરાત કરવામાં આવશે.
૨૮ પાપ કરનારે અપીલ ન કરવી હોય તો સમિતિ સમજાવશે કે તેણે પસ્તાવો કરવાની જરૂર છે. સમય જતાં તેને મંડળમાં પાછો લેવામાં આવે, એ માટે તેણે કેવાં પગલાં ભરવાં જોઈએ એ વિશે જણાવશે. આ રીતે વડીલો તેને મદદ કરશે અને તેને પ્રેમ બતાવશે, જેથી તે પોતાના જીવનમાં ફેરફાર કરે અને સમય જતાં યહોવાના સંગઠનમાં પાછા આવવા યોગ્ય બને.—૨ કોરીં. ૨:૬, ૭.
બહિષ્કૃત કરવા વિશે જાહેરાત
૨૯ પસ્તાવો ન કરનારને મંડળમાંથી બહિષ્કૃત કરવાની જરૂર પડે ત્યારે, આવી નાની જાહેરાત કરવામાં આવે છે: “[વ્યક્તિનું નામ] હવેથી યહોવાના સાક્ષી નથી.” જાહેરાત કરવાથી મંડળનાં વફાદાર ભાઈ-બહેનો ચેતી જશે અને એ વ્યક્તિની સંગત છોડી દેશે.—૧ કોરીં. ૫:૧૧.
મંડળ છોડી દેવું
૩૦ જો બાપ્તિસ્મા પામેલો પ્રકાશક જાણીજોઈને યહોવાના સાક્ષી હોવાનો નકાર કરે છે, તો એને “મંડળ છોડી દેવું” કહેવાય. તે સાફ જણાવે છે કે હવેથી પોતે યહોવાના સાક્ષી ગણાવા કે ઓળખાવા ચાહતો નથી. અથવા કદાચ પોતાનાં કામોથી બતાવે છે કે તે હવે મંડળનો ભાગ નથી. જેમ કે, તે કદાચ એવા સંગઠનનો ભાગ બને, જે બાઇબલ શિક્ષણની વિરુદ્ધ કામ કરતું હોય અને જેને યહોવાએ સજા કરવાનું નક્કી કર્યું છે.—યશા. ૨:૪; પ્રકટી. ૧૯:૧૭-૨૧.
૩૧ પ્રેરિત યોહાનના દિવસોમાં જેઓએ સત્ય છોડી દીધું હતું, તેઓ વિશે તેમણે લખ્યું: “તેઓ આપણને છોડીને જતા રહ્યા, કેમ કે તેઓ આપણા જેવા ન હતા. જો તેઓ આપણા જેવા હોત, તો આપણી સાથે રહ્યા હોત.”—૧ યોહા. ૨:૧૯.
૩૨ કોઈ પ્રકાશક જાતે મંડળ છોડી દે અને કોઈ પ્રકાશક નિષ્ક્રિય (ઇનએક્ટિવ) બની જાય, એ બંનેના સંજોગો યહોવાની નજરે સાવ અલગ છે. નિષ્ક્રિય પ્રકાશક પ્રચાર કરવાનું બંધ કરી દે છે. કદાચ બાઇબલનો નિયમિત અભ્યાસ ન કરવાને લીધે અથવા મુશ્કેલીઓ કે સતાવણીને લીધે યહોવાની ભક્તિમાં તેનો ઉત્સાહ ઓછો થઈ ગયો હોય. ભક્તિમાં ફરીથી તેનો જોશ વધે એ માટે વડીલો અને બીજાં ભાઈ-બહેનો તેને મદદ કરતા રહેશે.—રોમ. ૧૫:૧; ૧ થેસ્સા. ૫:૧૪; હિબ્રૂ. ૧૨:૧૨.
૩૩ પણ જો કોઈ મંડળ છોડી દે, તો એ જણાવવા મંડળમાં આવી નાની જાહેરાત કરવામાં આવે છે: “[વ્યક્તિનું નામ] હવેથી યહોવાના સાક્ષી નથી.” તેને એવી જ વ્યક્તિ ગણવી જોઈએ, જેવી બહિષ્કૃત થયેલી વ્યક્તિને ગણીએ છીએ.
મંડળમાં પાછા લેવું
૩૪ બહિષ્કૃત થયેલી અથવા મંડળ છોડીને ગયેલી વ્યક્તિને મંડળમાં ક્યારે પાછી લેવામાં આવી શકે? એ સાફ જોવા મળે કે તેણે પસ્તાવો કર્યો છે, તેનાં કામોથી દેખાઈ આવે કે તેણે પાપી માર્ગ છોડી દીધો છે અને તે યહોવા સાથે ફરીથી દોસ્તી કરવા ચાહે છે ત્યારે તેને મંડળમાં પાછી લેવામાં આવી શકે. વ્યક્તિએ દિલથી પસ્તાવો કર્યો છે એ સાબિત કરવા તેને પૂરતો સમય આપવામાં આવે, એનું વડીલો ધ્યાન રાખે છે. એટલે સંજોગો પ્રમાણે તેને અમુક મહિના, એક વર્ષ કે એનાથી પણ વધારે સમય આપી શકાય. એ વ્યક્તિ વડીલોના જૂથને પત્રમાં જણાવે કે તે મંડળમાં પાછી આવવા માંગે છે ત્યારે, મંડળમાં પાછા લેવા માટેની સમિતિ તેની સાથે વાત કરશે. સમિતિ તપાસ કરશે કે તેણે પોતાનાં “કામોથી પસ્તાવાની સાબિતી” આપી છે કે નહિ. પછી સમિતિ નક્કી કરશે કે એ સમયે તેને મંડળમાં પાછી લેવી કે નહિ.—પ્રે.કા. ૨૬:૨૦.
૩૫ બની શકે કે મંડળમાં પાછા આવવાની અરજી કરનાર વ્યક્તિ એક મંડળમાં બહિષ્કૃત થઈ હોય અને હવે તે બીજા મંડળના વિસ્તારમાં રહે છે. એવા સમયે, ત્યાંની મંડળમાં પાછા લેવા માટેની સમિતિ તેને મળશે અને તેની અરજી પર વિચાર કરશે. જો સમિતિના ભાઈઓને લાગે કે એ વ્યક્તિને મંડળમાં પાછી લેવી જોઈએ, તો તેઓ એ વ્યક્તિના જૂના મંડળના વડીલોના જૂથને ભલામણ કરશે, જે મંડળમાં તેની અગાઉ સુનાવણી થઈ હતી. બંને સમિતિઓ ભેગી મળીને ખાતરી કરશે કે યોગ્ય નિર્ણય લેવા તેઓ પાસે બધી માહિતી હોય. પણ વ્યક્તિને પાછી લેવાનો નિર્ણય કઈ સમિતિ લેશે? જે મંડળમાં અગાઉ સુનાવણી થઈ હતી, ત્યાંની મંડળમાં પાછા લેવા માટેની સમિતિ એ નિર્ણય લેશે.
મંડળમાં પાછા લેવાની જાહેરાત
૩૬ મંડળમાં પાછા લેવા માટેની સમિતિને પાકી ખાતરી થાય કે બહિષ્કૃત થયેલી વ્યક્તિ કે મંડળ છોડી ગયેલી વ્યક્તિએ સાચો પસ્તાવો કર્યો છે અને તેને મંડળમાં પાછી લેવી યોગ્ય કહેવાશે, તો એ વિશે જાહેરાત કરવામાં આવશે. એ જાહેરાત તેની સુનાવણી થઈ હતી એ મંડળમાં કરવામાં આવશે. જો તે હવે બીજા મંડળમાં હોય, તો ત્યાં પણ એ જાહેરાત થશે. જાહેરાત ફક્ત આટલી હોવી જોઈએ: “[વ્યક્તિનું નામ]ને યહોવાના સાક્ષી તરીકે મંડળમાં પાછા લેવામાં આવે છે.”
બાપ્તિસ્મા પામેલાં બાળકો પાપ કરે ત્યારે
૩૭ બાપ્તિસ્મા પામેલા બાળકે ગંભીર પાપ કર્યું હોય તો, વડીલોને જણાવવું જોઈએ. વડીલો એવા કિસ્સાઓ હાથ ધરે ત્યારે, સારું રહેશે કે બાળકનાં બાપ્તિસ્મા પામેલાં માબાપ પણ હાજર હોય. તેઓ ન્યાય સમિતિને પૂરેપૂરો સાથ આપશે. તેઓના બાળક વિરુદ્ધ કડક પગલાં ભરવામાં ન આવે એ માટે તેને બચાવવાની કોશિશ નહિ કરે. ન્યાય સમિતિ બાળકને સુધારો કરવા અને યહોવા સાથે તેનો સંબંધ ફરીથી મજબૂત થાય એ માટે મદદ કરશે. પણ જો તે પસ્તાવો ન કરે, તો તેને બહિષ્કૃત કરવામાં આવે છે.
બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશકો પાપ કરે ત્યારે
૩૮ બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશકો પાપ કરે ત્યારે શું કરવું જોઈએ? તેઓ બાપ્તિસ્મા પામેલા સાક્ષીઓ નથી, એટલે તેઓને બહિષ્કૃત ન કરી શકાય. બની શકે કે તેઓ બાઇબલનાં ધોરણો સારી રીતે સમજતા ન હોય, એટલે તેઓને ‘સીધા માર્ગે’ ચાલવા પ્રેમથી મદદ કરી શકાય.—હિબ્રૂ. ૧૨:૧૩.
૩૯ પાપ કર્યું હોય એવા બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશકને જો બે વડીલો મળે અને તેને મદદ કરવાની કોશિશ કરે પણ તે પસ્તાવો ન કરે, તો મંડળને જણાવવું જરૂરી છે. મંડળમાં આવી નાની જાહેરાત કરવામાં આવે છે: “[વ્યક્તિનું નામ] હવેથી બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક નથી.” પછી મંડળનાં ભાઈ-બહેનો તેને દુનિયાની વ્યક્તિ જેવી ગણશે. ભલે તેને બહિષ્કૃત કરવામાં ન આવે, પણ ભાઈ-બહેનો તેની સાથે સંગત રાખવામાં સાવચેતી રાખશે. (૧ કોરીં. ૧૫:૩૩) તેની પાસેથી પ્રચારનો રિપોર્ટ લેવામાં આવશે નહિ.
૪૦ સમય જતાં એ વ્યક્તિ ફરીથી બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક બનવા ચાહતી હોય શકે. એવા કિસ્સામાં બે વડીલો તેને મળશે અને ભક્તિમાં તે કેવું કરી રહી છે એની ખાતરી કરશે. જો તે પ્રકાશક બનવા યોગ્ય હોય, તો મંડળમાં આવી નાની જાહેરાત કરવામાં આવે છે: “[વ્યક્તિનું નામ]ને ફરીથી બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક તરીકે સ્વીકારવામાં આવે છે.”
શાંતિ જાળવતા અને શુદ્ધ ભક્તિ કરતા લોકો પર યહોવાનો આશીર્વાદ
૪૧ યહોવાએ પોતાના લોકોને ભક્તિનો સુંદર માહોલ આપ્યો છે. જેઓ મંડળની સંગત રાખે છે, તેઓ બધા એનો આનંદ માણી શકે છે. યહોવા જાણે આપણને લીલાંછમ ઘાસમાં ચરાવે છે અને પુષ્કળ તાજગી આપતું સત્યનું પાણી પીવડાવે છે. એટલું જ નહિ યહોવાએ ખ્રિસ્તને આગેવાન બનાવીને જે ગોઠવણ કરી છે, એને આધીન રહીને આપણે યહોવાનું રક્ષણ મહેસૂસ કરીએ છીએ. (ગીત. ૨૩; યશા. ૩૨:૧, ૨) આ છેલ્લા દિવસોમાં શાંતિભર્યા માહોલમાં યહોવાની ભક્તિ કરીને આપણે કેટલી સલામતી અનુભવીએ છીએ!
મંડળની શાંતિ જાળવીને અને મંડળને શુદ્ધ રાખીને આપણે રાજ્યની ખુશખબરનું અજવાળું સતત ફેલાવીએ છીએ
૪૨ મંડળની શાંતિ જાળવીને અને મંડળને શુદ્ધ રાખીને આપણે રાજ્યની ખુશખબરનું અજવાળું સતત ફેલાવીએ છીએ. (માથ. ૫:૧૬; યાકૂ. ૩:૧૮) યહોવાના આશીર્વાદથી ભાવિમાં આપણને એ જોવાની તક મળશે કે ઘણા લોકો યહોવા સાથે દોસ્તી કરી રહ્યા છે અને આપણી સાથે ભેગા મળીને તેમની ઇચ્છા પૂરી કરી રહ્યા છે.