પ્રકરણ ૬
મહત્ત્વની સેવા આપતા સહાયક સેવકો
ફિલિપીના મંડળને પ્રેરિત પાઉલે લખ્યું: “અમે ખ્રિસ્ત ઈસુના સેવકો પાઉલ અને તિમોથી તમને પત્ર લખીએ છીએ. અમે ફિલિપીમાં રહેતા સર્વ પવિત્ર જનોને, ખ્રિસ્ત ઈસુ સાથે એકતામાં છે તેઓને, દેખરેખ રાખનારાઓને અને સહાયક સેવકોને લખીએ છીએ.” (ફિલિ. ૧:૧) ધ્યાન આપો કે તેમણે સહાયક સેવકો વિશે પણ જણાવ્યું હતું. એ સમયે મંડળમાં વડીલોને મદદ કરવામાં આ ભાઈઓ મહત્ત્વનો ભાગ ભજવતા હતા. આજે પણ એવું જ છે. સહાયક સેવકો વડીલોને ઘણી મદદ કરે છે અને એના લીધે મંડળમાં બધાં કામ વ્યવસ્થિત રીતે થાય છે.
૨ શું તમે જાણો છો કે તમારા મંડળમાં સહાયક સેવકો કોણ છે? શું તમને ખબર છે કે તમારા માટે અને આખા મંડળ માટે તેઓ કેવાં કામ કરે છે? યહોવા એ ભાઈઓની મહેનતની ખૂબ કદર કરે છે. પાઉલે લખ્યું: “જે માણસો સારી રીતે સેવા આપે છે, તેઓ સારી શાખ મેળવે છે અને ખ્રિસ્ત ઈસુ પરની શ્રદ્ધા વિશે કોઈ સંકોચ વગર બોલી શકે છે.”—૧ તિમો. ૩:૧૩.
સહાયક સેવકો માટે શાસ્ત્રમાં જણાવેલી લાયકાતો
૩ સહાયક સેવકો પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ બાઇબલનાં ઊંચાં ધોરણો પ્રમાણે જીવતા હોય, તેઓ જવાબદાર હોય અને સોંપેલું કામ સારી રીતે કરી શકતા હોય. પાઉલે તિમોથીને લખેલા પત્રમાં એ લાયકાતો સાફ જોવા મળે છે. તેમણે લખ્યું: “સહાયક સેવકો ઠરેલ સ્વભાવના હોવા જોઈએ. તેઓ બે બાજુ બોલનારા, વધારે પડતો દારૂ પીનારા અને ખોટી રીતે લાભ મેળવવાના લાલચુ ન હોવા જોઈએ. એને બદલે, તેઓ શુદ્ધ અંતઃકરણથી શ્રદ્ધાને, એટલે કે પવિત્ર રહસ્યને વળગી રહેનારા હોવા જોઈએ. સૌથી પહેલા એ પારખવામાં આવે કે તેઓ યોગ્ય છે કે નહિ. પછી જો તેઓ પર કોઈ દોષ ન હોય, તો તેઓ સેવકો તરીકે સેવા આપી શકે. સહાયક સેવકોને એક જ પત્ની હોવી જોઈએ. તેઓ પોતાનાં બાળકો અને કુટુંબની સારી સંભાળ લેતા હોવા જોઈએ.” (૧ તિમો. ૩:૮-૧૦, ૧૨) વડીલો કોઈ ભાઈને સહાયક સેવક બનાવવા ભલામણ કરે ત્યારે, તેઓએ ખાતરી કરવી જોઈએ કે શાસ્ત્ર પ્રમાણે એ ભાઈ લાયકાત ધરાવે છે કે નહિ. એમ કરવાથી કોઈ વ્યક્તિ મંડળ પર આરોપ નહિ મૂકી શકે કે કેવા માણસોને મંડળમાં ખાસ જવાબદારી સોંપવામાં આવે છે.
૪ સહાયક સેવકો યુવાન હોય કે વૃદ્ધ, તેઓ દર મહિને ખુશખબર ફેલાવવામાં ભાગ લે છે. તેઓ ઈસુ જેવો જ ઉત્સાહ બતાવે છે. એનાથી જોઈ શકાય છે કે યહોવાની જેમ સહાયક સેવકોનાં દિલની પણ તમન્ના છે કે માણસોનો ઉદ્ધાર થાય.—યશા. ૯:૭.
૫ જે ભાઈઓ સહાયક સેવક તરીકે સેવા આપે છે, તેઓ પોતાનાં પહેરવેશ, શણગાર, સ્વભાવ અને વાણી-વર્તનથી સારો દાખલો બેસાડે છે. તેઓ સમજુ હોય છે, એટલે બીજાઓ તેઓને માન આપે છે. તેઓ યહોવા સાથેના સંબંધને અને મંડળમાં મળેલી જવાબદારીને પણ ખૂબ મહત્ત્વની ગણે છે.—તિત. ૨:૨, ૬-૮.
૬ ભાઈઓને સહાયક સેવક બનાવતા પહેલાં “પારખવામાં આવે છે કે તેઓ યોગ્ય છે કે નહિ.” તેઓ પોતાના જીવનથી બતાવી આપે છે કે તેઓ પૂરા દિલથી યહોવાને ભજે છે અને તેમના રાજ્યને જીવનમાં પહેલા રાખે છે. તેઓને જે કામ સોંપવામાં આવે, એ પૂરી ધગશથી કરે છે. સાચે જ, મંડળનાં ભાઈ-બહેનો માટે તેઓ સારો દાખલો બેસાડે છે.—૧ તિમો. ૩:૧૦.
તેઓ કઈ કઈ સેવા આપે છે?
૭ સહાયક સેવકો ભાઈ-બહેનોને અલગ અલગ રીતે મદદ કરે છે. એના લીધે વડીલો શીખવવાની અને દેખરેખ રાખવાની જવાબદારી ઉપાડવામાં વધારે સમય આપી શકે છે. સહાયક સેવકોને કોઈ જવાબદારી સોંપતી વખતે વડીલોનું જૂથ પહેલાં જુએ છે કે તેઓમાં કઈ આવડતો છે અને મંડળની કઈ જરૂરિયાતો છે.
સહાયક સેવકો અલગ અલગ રીતે મદદ કરે છે. એના લીધે વડીલો શીખવવાની અને દેખરેખ રાખવાની જવાબદારી ઉપાડવામાં વધારે સમય આપી શકે છે
૮ ચાલો જોઈએ કે મંડળમાં સહાયક સેવકો કઈ કઈ સેવા આપે છે. એક સહાયક સેવકને મંડળમાં સાહિત્યની દેખરેખ રાખવાની જવાબદારી આપવામાં આવી શકે. એ ભાઈની મદદથી આપણે પોતાના માટે અને પ્રચાર માટે સાહિત્ય મેળવી શકીએ છીએ. બીજા સહાયક સેવકોને મંડળના હિસાબની કે પ્રચાર વિસ્તારના રેકોર્ડની જવાબદારી સોંપવામાં આવે છે. બીજા અમુક સહાયક સેવકોને માઇક્રોફોન સંભાળવાની, સાઉન્ડ સિસ્ટમ ચલાવવાની, એટેન્ડન્ટની અને બીજી કોઈ રીતે વડીલોને મદદ કરવાની જવાબદારી સોંપવામાં આવે છે. પ્રાર્થનાઘરની સારસંભાળ રાખવા અને એને ચોખ્ખું રાખવા ઘણું કામ કરવાનું હોય છે. એ બધાં કામો માટે ખાસ કરીને સહાયક સેવકોની મદદ લેવામાં આવે છે.
૯ બની શકે કે અમુક મંડળોમાં ઘણા સહાયક સેવકો હોય એટલે દરેકને એક એક જવાબદારી આપવામાં આવે. બીજાં મંડળોમાં એક સહાયક સેવક એક કરતાં વધારે જવાબદારી ઉપાડતા હોય શકે. અમુક વાર એકથી વધારે સહાયક સેવકો એક જ જવાબદારી ઉપાડતા હોય શકે. જો કેટલીક જવાબદારીઓ ઉપાડવા પૂરતા સહાયક સેવકો ન હોય, તો વડીલોનું જૂથ બાપ્તિસ્મા પામેલા એવા ભાઈઓને જવાબદારી સોંપી શકે, જેઓ મંડળમાં સારો દાખલો બેસાડે છે. આમ આ ભાઈઓને અનુભવ મળશે. પછી જ્યારે તેઓ સહાયક સેવક બનશે, ત્યારે એ અનુભવ તેઓને કામ લાગશે. જો ભાઈઓ ન હોય તો સારો દાખલો બેસાડનાર બહેનની અમુક કામમાં મદદ લઈ શકાય, પણ તે સહાયક સેવક નહિ બની શકે. સારો દાખલો બેસાડનાર ભાઈ કે બહેનનાં વાણી-વર્તન અને ભક્તિને લગતાં કામો એવાં હોય છે, જે બીજાઓ અનુસરી શકે. તે આ બાબતોમાં બીજાઓ માટે સારો દાખલો બેસાડે છે: સભા, પ્રચાર, મનોરંજન, પહેરવેશ, શણગાર, કુટુંબ અને બીજી બાબતો.
૧૦ જો મંડળમાં બહુ ઓછા વડીલો હોય, તો બાપ્તિસ્માના સવાલો પૂછવા સહાયક સેવકની મદદ લઈ શકાય છે. તેઓ વધારે માહિતીમાં આપેલા “ભાગ ૧: યહોવાના ભક્તો માટે શિક્ષણ”માંથી ચર્ચા કરી શકે. એ ભાગમાં બાઇબલના મૂળ શિક્ષણને લગતી માહિતી છે. “ભાગ ૨: યહોવાના ભક્તોનું જીવન” વ્યક્તિના અંગત જીવન વિશે છે. એટલે એ ભાગ ફક્ત વડીલે લેવો જોઈએ.
૧૧ જો કોઈ કારણ હોય, તો વડીલોનું જૂથ થોડા થોડા સમયે સહાયક સેવકોની જવાબદારીમાં અમુક ફેરફાર કરી શકે. પણ જોવા મળ્યું છે કે ભાઈઓ એક જ જવાબદારી લાંબા સમય સુધી ઉપાડે છે ત્યારે, ઘણો ફાયદો થાય છે. એનાથી તેઓ વધારે અનુભવ મેળવે છે અને એ કામમાં સારી આવડત કેળવે છે.
૧૨ મંડળના સંજોગોને ધ્યાનમાં રાખીને બીજી અમુક જવાબદારીઓ એવા સહાયક સેવકોને સોંપી શકાય, જેઓની પ્રગતિ “બધા લોકોને સાફ દેખાઈ આવે” છે. (૧ તિમો. ૪:૧૫) જો પૂરતા વડીલો ન હોય, તો સહાયક સેવકને ગ્રૂપ નિરીક્ષકના સહાયક બનાવી શકાય અથવા અમુક કિસ્સામાં તેમને ગ્રૂપ સેવક બનાવી શકાય, જે વડીલોની દેખરેખ નીચે કામ કરશે. જીવન અને સેવાકાર્ય સભાના અમુક ભાગ સહાયક સેવકોને સોંપી શકાય. જો જરૂર પડે, તો તેઓ મંડળમાં બાઇબલ અભ્યાસ ચલાવી શકે. તેઓ જાહેર પ્રવચન પણ આપી શકે. જો ખાસ જરૂર હોય અને સહાયક સેવકો એ માટે લાયકાત ધરાવતા હોય, તો તેઓને બીજી જવાબદારીઓ પણ સોંપી શકાય. (૧ પિત. ૪:૧૦) સહાયક સેવકોએ ખુશીથી વડીલોને મદદ કરવી જોઈએ.
૧૩ સહાયક સેવકોનું કામ વડીલોના કામ કરતાં અલગ છે. છતાં એ કામ પણ યહોવાની પવિત્ર સેવાનો એક ભાગ છે. તેમ જ, મંડળનાં બધાં કામ સારી રીતે થાય એ માટે તેઓની મદદ ખૂબ જરૂરી છે. સહાયક સેવકોએ પોતાની જવાબદારી સારી રીતે નિભાવવી જોઈએ. તેઓએ દેખરેખ રાખનાર અને શિક્ષક તરીકે લાયકાત કેળવવી જોઈએ. જો તેઓ એમ કરશે તો સમય જતાં તેઓને વડીલ બનાવવા માટે ભલામણ કરવામાં આવી શકે.
૧૪ ભાઈઓ, જો તમે તરુણ હો કે પછી હમણાં જ બાપ્તિસ્મા લીધું હોય, તો શું તમે સહાયક સેવક બનવા મહેનત કરો છો? (૧ તિમો. ૩:૧) દર વર્ષે ઘણા લોકો યહોવાના ભક્તો બને છે. એટલે મંડળની જવાબદારીઓ ઉપાડવા લાયકાત ધરાવતા ભાઈઓની જરૂર છે. જો તમે એ જવાબદારીઓ માટે લાયકાત કેળવવા માંગતા હો તો બીજાઓને મદદ કરવાની ઇચ્છા કેળવી શકો. એમ કરવાની એક રીત છે, ઈસુના દાખલા પર મનન કરવું. (માથ. ૨૦:૨૮; યોહા. ૪:૬, ૭; ૧૩:૪, ૫) બીજાઓને મદદ કરવાથી તમને ખુશી મળશે ત્યારે, તમે વધારે મદદ કરવા પ્રેરાશો. (પ્રે.કા. ૨૦:૩૫) એટલે બીજાઓને અલગ અલગ રીતે મદદ કરો, પ્રાર્થનાઘરની સારસંભાળ રાખવા પૂરો ટેકો આપો અથવા જીવન અને સેવાકાર્ય સભામાં વિદ્યાર્થી ન આવે તો, એ ભાગ રજૂ કરવા તૈયાર રહો. લાયકાત કેળવવા નિયમિત વ્યક્તિગત અભ્યાસ કરો અને યહોવા જેવા ગુણો કેળવવા મહેનત કરો. (ગીત. ૧:૧, ૨; ગલા. ૫:૨૨, ૨૩) એટલું જ નહિ, મંડળમાં તમને જે કામ સોંપવામાં આવે એ પ્રમાણિક રહીને કરો અને બતાવી આપો કે બીજાઓ તમારા પર ભરોસો કરી શકે છે.—૧ કોરીં. ૪:૨.
૧૫ મંડળના ભલા માટે સહાયક સેવકોને પવિત્ર શક્તિથી નીમવામાં આવે છે. સહાયક સેવકો પોતાની જવાબદારી સારી રીતે નિભાવે છે ત્યારે, મંડળનાં ભાઈ-બહેનો સાથ-સહકાર આપીને તેઓની મહેનતની કદર કરે છે. આમ, યહોવાએ પોતાના કુટુંબની સંભાળ રાખવા જે ગોઠવણો કરી છે, એ માટે ભાઈ-બહેનો કદર બતાવે છે.—ગલા. ૬:૧૦.