પાઠ ૪૯
પતિ-પત્ની કઈ રીતે ખુશ રહી શકે?
લગ્નનો દિવસ વર-કન્યા માટે અઢળક ખુશીઓ લઈને આવે છે. તેઓ ચાહે છે કે આવી જ રીતે હંમેશાં ખુશ રહે. અને એ શક્ય છે! યહોવાના ઘણા ભક્તોના લગ્નને વર્ષો વીત્યાં છે અને તેઓ આજે પણ એટલા જ ખુશ છે. એનું રહસ્ય શું છે? તેઓએ લગ્નજીવનમાં બાઇબલની સલાહ પાળવા બનતું બધું કર્યું છે. તેઓનું જીવન સાબિતી આપે છે કે પતિ-પત્ની એકબીજા સાથે હંમેશાં ખુશ રહી શકે છે.
૧. પતિઓ માટે બાઇબલમાં કઈ સલાહ છે?
યહોવાએ પતિને કુટુંબના શિર તરીકેની જવાબદારી સોંપી છે. (એફેસીઓ ૫:૨૩ વાંચો.) યહોવા ચાહે છે કે પતિ એવા નિર્ણયો લે, જેથી કુટુંબનું ભલું થાય. બાઇબલમાં પતિને સલાહ આપી છે, “તમારી પત્નીને પ્રેમ કરતા રહો.” (એફેસીઓ ૫:૨૫) એનો અર્થ શું થાય? એક પ્રેમાળ પતિ ઘરમાં અને બીજાઓ સામે પોતાની પત્ની સાથે પ્રેમથી વર્તે છે. તે ખરાબ બાબતોથી પત્નીનું રક્ષણ કરે છે. તેની જરૂરિયાતો પૂરી કરે છે. તેની લાગણીઓ અને ભાવનાઓ સમજવા બનતું બધું કરે છે. (૧ તિમોથી ૫:૮) સૌથી મહત્ત્વનું, તે પત્નીને યહોવા સાથે સંબંધ મજબૂત કરવા મદદ કરે છે. (માથ્થી ૪:૪) દાખલા તરીકે, તે પોતાની પત્ની સાથે પ્રાર્થના કરે છે અને બાઇબલ વાંચે છે. પત્નીની આ રીતે પ્રેમથી કાળજી રાખે છે ત્યારે, યહોવા સાથે પતિનો સંબંધ મજબૂત રહે છે.—૧ પિતર ૩:૭ વાંચો.
૨. પત્નીઓ માટે બાઇબલમાં કઈ સલાહ છે?
બાઇબલમાં પત્નીઓ માટે આ સલાહ છે: તેઓ “પૂરા દિલથી પતિને માન આપે.” (એફેસીઓ ૫:૩૩) પતિને માન આપવા પત્ની શું કરી શકે? તે પતિના સારા ગુણોનો વિચાર કરી શકે. એ પણ વિચારી શકે કે પતિ તેની અને બાળકોની કાળજી લેવા કેટલી મહેનત કરે છે. તે પતિના નિર્ણયોને સાથ આપશે, તેની સાથે પ્રેમથી વાત કરશે અને તેની ચાડી-ચુગલી નહિ કરે. ભલે પતિ યહોવાનો ભક્ત ન હોય, તોપણ પત્નીએ એવું કરવું જોઈએ.
૩. પતિ-પત્ની પોતાનું લગ્નજીવન મજબૂત કરવા શું કરી શકે?
બાઇબલમાં પતિ-પત્ની માટે જણાવ્યું છે, “તેઓ બંને એક શરીર થશે.” (માથ્થી ૧૯:૫) એનો અર્થ શું થાય? તેઓ મનમાં એવો વિચાર પણ નહિ આવવા દે, જેનાથી તેઓના સંબંધમાં તિરાડ પડે. તેઓ એકબીજા માટે પોતાનો પ્રેમ ઓછો થવા નહિ દે. તેઓ એવું કઈ રીતે કરશે? તેઓ દરરોજ એકબીજા માટે સમય કાઢશે. એકબીજા સાથે પ્રેમથી વાત કરશે. દિલ ખોલીને પોતાનાં વિચારો અને લાગણીઓ જણાવશે. તેઓના જીવનમાં યહોવા પછી તેઓના જીવનસાથી જ સૌથી મહત્ત્વના રહેશે. તેઓ પોતાની વચ્ચે બીજી કોઈ વ્યક્તિ કે વસ્તુને આવવા નહિ દે. ખાસ કરીને, તેઓ બીજાઓ સાથેના સંબંધમાં મર્યાદા જાળવશે, જેથી કોઈ વ્યક્તિ જીવનસાથી કરતાં વધારે ખાસ ન બની જાય.
વધારે જાણો
પતિ-પત્નીને પોતાનું લગ્નજીવન મજબૂત કરવા બાઇબલના કયા સિદ્ધાંતો મદદ કરશે? ચાલો જોઈએ.
૪. પતિઓ—તમારી પત્નીને પ્રેમ કરો અને તેની સંભાળ રાખો
બાઇબલમાં જણાવ્યું છે, “પતિઓ, તમે જેમ પોતાના શરીરને પ્રેમ કરો છો, તેમ પોતાની પત્નીને પ્રેમ કરો.” (એફેસીઓ ૫:૨૮, ૨૯) એનો શું અર્થ થાય? એ જાણવા વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો.
પતિ કઈ રીતોથી બતાવી શકે કે તે પોતાની પત્નીને પ્રેમ કરે છે અને તેનું ધ્યાન રાખે છે?
કોલોસીઓ ૩:૧૨ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
લગ્નજીવનમાં પતિ કઈ રીતે આ ગુણો બતાવી શકે?
૫. પત્નીઓ—તમારા પતિને પ્રેમ કરો અને તેમને માન આપો
બાઇબલ પત્નીઓને સલાહ આપે છે કે તેઓ પતિને માન આપે. જો પતિ યહોવાનો ભક્ત ન હોય, તોપણ પત્નીએ એમ કરવું જોઈએ. ૧ પિતર ૩:૧, ૨ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
જો તમારા પતિ યહોવાના ભક્ત ન હોય, તો તમે ચાહતા હશો કે તે પણ યહોવાના ભક્ત બને. પણ તમને શું લાગે છે, તમારા પતિને યહોવાના ભક્ત બનવા તમે કઈ રીતે મદદ કરી શકો? શું આખો દિવસ તેમને પ્રચાર કરીને, કે પછી સારાં વાણી-વર્તનથી અને ઊંડું માન આપીને? શા માટે?
પતિ-પત્ની સાથે મળીને સારા નિર્ણયો લઈ શકે છે. પણ જો પત્નીના વિચારો પતિથી અલગ હોય, તો શું? પત્ની શાંતિથી અને પૂરા આદરથી પોતાની વાત પતિને જણાવી શકે છે. પણ પત્નીએ યાદ રાખવું જોઈએ કે કુટુંબ માટે શું સારું છે એ નક્કી કરવાની જવાબદારી પતિની છે અને એ જવાબદારી તેને યહોવાએ આપી છે. પતિના નિર્ણયને સાથ આપવા તેણે બનતું બધું કરવું જોઈએ. એમ કરીને તે કુટુંબને સુખી બનાવવામાં મદદ કરે છે. ૧ પિતર ૩:૩-૫ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
જ્યારે પત્ની પોતાના પતિને માન આપે છે, ત્યારે યહોવાને કેવું લાગે છે?
૬. પતિ-પત્ની—તમે સાથે મળીને મુશ્કેલીઓનો ઉકેલ લાવી શકો છો
ઘર હોય તો બે વાસણ ખખડે પણ ખરાં! એટલે પતિ-પત્નીએ સાથે મળીને મુશ્કેલીઓનો ઉકેલ લાવવા મહેનત કરવી જોઈએ. વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલોની ચર્ચા કરો.
વીડિયોમાં જોયું તેમ, શાનાથી ખ્યાલ આવે છે કે એ પતિ-પત્ની એકબીજાથી દૂર થઈ રહ્યાં હતાં?
તેઓએ પોતાનો સંબંધ મજબૂત કરવા શું કર્યું?
૧ કોરીંથીઓ ૧૦:૨૪ અને કોલોસીઓ ૩:૧૩ વાંચો. દરેક કલમ વાંચ્યા પછી આ સવાલની ચર્ચા કરો:
એ સલાહ પાળીને પતિ-પત્ની કઈ રીતે પોતાનો સંબંધ મજબૂત કરી શકે?
બાઇબલમાં જણાવ્યું છે કે આપણે એકબીજાને માન આપવું જોઈએ. એટલે કે, બીજાઓ સાથે પ્રેમથી વર્તવું જોઈએ અને તેઓને નીચા ન પાડવા જોઈએ. રોમનો ૧૨:૧૦ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
શું એવું વિચારવું યોગ્ય છે કે ‘જ્યારે મારા જીવનસાથી મને માન આપશે, ત્યારે જ હું તેમને માન આપીશ’? તમને કેમ એવું લાગે છે?
અમુક લોકો કહે છે: “અમારા વચ્ચે હવે પહેલાં જેવો પ્રેમ રહ્યો નથી.”
તમે તેઓને કઈ રીતે સમજાવશો કે બાઇબલમાંથી તેઓને મદદ મળી શકે છે?
આપણે શીખી ગયા
જ્યારે પતિ-પત્ની એકબીજાને પ્રેમ કરે છે, એકબીજાને માન આપે છે અને બાઇબલના સિદ્ધાંતો પાળે છે, ત્યારે તેઓ ખુશ રહી શકે છે.
તમે શું કહેશો?
લગ્નજીવન સુખી બનાવવા પતિ શું કરી શકે?
લગ્નજીવન સુખી બનાવવા પત્ની શું કરી શકે?
જો તમે પરણેલા હો, તો બાઇબલનો કયો સિદ્ધાંત તમારા લગ્નજીવનને મજબૂત બનાવવા મદદ કરી શકે?
વધારે માહિતી
તમારા કુટુંબને સુખી બનાવવા આ ચોપડીમાં આપેલાં અમુક સૂચનો વાંચો.
આ ગીતમાં જુઓ કે ઈશ્વરની સલાહ પાળવાથી પતિ-પત્નીને કયા આશીર્વાદો મળે છે.
કુટુંબના શિરને આધીન રહેવું એટલે શું? આ લેખમાં વાંચો.
“સ્ત્રીઓએ કેમ પોતાના પતિને આધીન રહેવું જોઈએ?” (ચોકીબુરજ, મે ૧, ૨૦૧૦)
એક પતિ-પત્ની કઈ રીતે છૂટાછેડા અને બીજી મોટી મુશ્કેલીઓનો હલ લાવ્યાં? એ વિશે જાણવા આ વીડિયો જુઓ.