યહોવાહનો શબ્દ જીવંત છે
થેસ્સાલોનીકીઓ અને તીમોથીને પત્રોના મુખ્ય વિચારો
પાઊલે થેસ્સાલોનીકાનું મંડળ શરૂ કર્યું. શરૂઆતથી જ મંડળે ઘણો વિરોધ સહેવો પડ્યો. તીમોથી વીસેક વર્ષના હતા ત્યારે, એ મંડળની મુલાકાત લીધી. પછી પાઊલને જણાવ્યું કે મંડળ સારું કરે છે. એ સાંભળીને પાઊલે મંડળને શાબાશી અને ઉત્તેજન આપતો પહેલો પત્ર લખ્યો. એ પત્ર કદાચ ૫૦ની સાલના છેલ્લા ભાગમાં લખાયો. પાઊલનાં લખાણોમાં આ સૌથી પહેલું હતું. પછીથી પાઊલે એ મંડળને બીજો પત્ર પણ લખ્યો. અમુક ભાઈ-બહેનોની ખોટી માન્યતા સુધારી. મંડળને શ્રદ્ધા જાળવી રાખવા ઉત્તેજન પણ આપ્યું.
દસેક વર્ષ પછી પાઊલ મકદોનિયામાં ને તીમોથી એફેસસમાં હતા. ત્યારે પાઊલે તીમોથીને પહેલો પત્ર લખ્યો. તીમોથીને એફેસસ મંડળમાં વધારે રહેવા જણાવ્યું. એનાથી તે મંડળને યહોવાહ સાથે પાકો નાતો જાળવી રાખવા મદદ કરી શકે. એ જરૂરી હતું, કેમ કે અમુક ભાઈ-બહેનો સત્ય વિરુદ્ધ બોલતા હતા. ૬૪ની સાલમાં રોમમાં મોટી આગ લાગી. એ તો ઓલવાઈ ગઈ, પણ યહોવાહના ભક્તો પર સતાવણીની આગ સળગી ઊઠી. પાઊલે તીમોથીને બીજો પત્ર લખ્યો. આ પાઊલનું છેલ્લું લખાણ હતું. પાઊલના એ ચાર પત્રોમાંથી આપણને સરસ માર્ગદર્શન અને ઉત્તેજન મળે છે.—હેબ્રી ૪:૧૨.
‘જાગતા’ રહીએ
થેસ્સાલોનીકાના મંડળે ‘વિશ્વાસ, પ્રેમ, મહેનત તથા ધીરજથી’ યહોવાહની ભક્તિ કરી. પાઊલે વખાણ કરીને કહ્યું કે તેઓ ‘આશા, આનંદ કે અભિમાનના મુગટ’ જેવા હતા.—૧ થેસ્સા. ૧:૩; ૨:૧૯.
પાઊલે તેઓને કહ્યું કે એકબીજાને દિલાસો આપો, કેમ કે યહોવાહ ગુજરી ગયેલાને સજીવન કરશે. પછી ચેતવણી આપી કે “જેમ રાતે ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવે છે.” એટલે કહ્યું: ‘જાગતા રહો અને સાવધ રહો.’—૧ થેસ્સા. ૪:૧૬-૧૮; ૫:૨, ૬.
સવાલ-જવાબ:
૪:૧૫-૧૭—કોણ ‘ગગનમાં પ્રભુને મળવા સારૂ વાદળામાં તણાઈ જાય’ છે? એ કઈ રીતે થાય છે? એ અભિષિક્ત જનો કે સ્વર્ગમાં જનારા છે. ઈસુ ૧૯૧૪માં સ્વર્ગમાં રાજ કરવા લાગ્યા. ત્યારથી એમાંના જે મરણ પામે તેઓને સ્વર્ગદૂતોના રૂપમાં સજીવન કરવામાં આવે છે. પછી તેઓ ગગન કે સ્વર્ગમાં ‘પ્રભુ ઈસુને મળે’ છે. (રૂમી ૬:૩-૫; ૧ કોરીં. ૧૫:૩૫, ૪૪) એટલે હમણાં ગુજરી જનારા અભિષિક્ત જનો તરત જ ‘વાદળામાં તણાઈ જાય’ છે. એટલે કે સજીવન કરવામાં આવે છે.—૧ કોરીં. ૧૫:૫૧, ૫૨.
૫:૨૩—પાઊલે પ્રાર્થના કરી કે ‘આત્મા, પ્રાણ તથા શરીર સંપૂર્ણ તથા નિર્દોષ રાખવામાં આવે.’ એનો શું અર્થ થાય? અહીંયા “શરીર” એટલે કે સર્વ અભિષિક્ત જનોના મંડળ. એમાં થેસ્સાલોનીકાનું મંડળ પણ આવી જાય છે. (૧ કોરીં. ૧૨:૧૨, ૧૩) એનો ‘આત્મા’ એટલે કે ભાઈ-બહેનોનું વલણ. એનો ‘પ્રાણ’ એટલે કે જાણે જીવતું-જાગતું મંડળ. પાઊલની પ્રાર્થના હતી કે યહોવાહ એની બધી રીતે સંભાળ રાખે. એને આશીર્વાદ આપે. આ બતાવે છે કે પાઊલને મંડળ માટે બહુ ચિંતા હતી.
આપણે શું શીખી શકીએ?
૧:૩, ૭; ૨:૧૩; ૪:૧-૧૨; ૫:૧૫. દિલ સુધી પહોંચે એવી સલાહ આપીએ. વધુ કરવાની સલાહની સાથે સાથે વ્યક્તિને વારંવાર શાબાશી પણ આપીએ.
૪:૧, ૯, ૧૦. હંમેશાં સત્યના માર્ગમાં પ્રગતિ કરીએ.
૫:૧-૩, ૮, ૨૦, ૨૧. યહોવાહનો મહાન દિવસ નજીક આવે છે. આપણે ‘વિશ્વાસનું તથા પ્રેમનું બખતર, અને તારણની આશાનો ટોપ પહેરીને સાવધ રહીએ.’ બાઇબલનું શિક્ષણ દિલમાં ઉતારીએ.
“દૃઢ રહો”
થેસ્સાલોનીકાના મંડળમાં પાઊલનો પહેલો પત્ર વાંચીને અમુક ઊંધું જ શીખવવા લાગ્યા. તેઓ કહેતા કે ‘ઈસુ ખ્રિસ્તના આવવાનો’ એટલે તેમનો રાજ કરવાનો સમય આવી ગયો છે. પણ પાઊલે બીજા પત્રમાં બતાવ્યું કે એ સમય આવતા ‘પહેલાં’ કયા બનાવો બનશે.—૨ થેસ્સા. ૨:૧-૩.
પાઊલે કહ્યું: ‘દૃઢ રહો, અને જે શિક્ષણ તમને મળ્યું છે તેને વળગી રહો.’ પછી તેમણે આ સલાહ આપી: ‘જે ભાઈ આડો ચાલે છે, તેનાથી તમે અલગ રહો.’—૨ થેસ્સા. ૨:૧૫; ૩:૬.
સવાલ-જવાબ:
૨:૩, ૮—“પાપનો માણસ” કોણ છે અને તેનો નાશ કઈ રીતે થશે? આ “માણસ” એટલે કે ચર્ચના સર્વ પાદરીઓ. ઈસુ ખ્રિસ્ત તેઓ પર યહોવાહનો ન્યાયચુકાદો જાહેર કરી, સજા પણ ફટકારશે. ઈસુ “ફૂંકથી” એટલે ઈશ્વરની શક્તિથી, આ દુષ્ટ લોકોનો નાશ કરશે. યહોવાહે પોતાનો સંદેશો જાહેર કરવાની મુખ્ય જવાબદારી ઈસુને સોંપી છે. એટલે ઈસુ “શબ્દ” તરીકે પણ ઓળખાય છે.—યોહા. ૧:૧.
૨:૧૩, ૧૪—સ્વર્ગમાં જનારા કઈ રીતે ‘તારણ માટે આરંભથી પસંદ’ થયા છે? યહોવાહે વચન આપ્યું કે સ્ત્રીનું સંતાન શેતાનનું માથું છૂંદશે. (ઉત. ૩:૧૫) આ સંતાન, સ્વર્ગમાં જનારા સર્વને રજૂ કરે છે. યહોવાહે નક્કી કર્યું કે તેઓ કેવી રીતે ભક્તિ કરશે, કેવી જવાબદારી ઉપાડશે અને કેવી કસોટી સહન કરશે. ‘એટલા માટે’ એમ કહી શકાય કે યહોવાહે શરૂઆતથી આ ગ્રૂપને પસંદ કર્યું છે.
આપણે શું શીખી શકીએ?
૧:૬-૯. યહોવાહ સૂકા ભેગું લીલું બળવા નહિ દે. તે ફક્ત દુષ્ટોનો જ નાશ કરશે.
૩:૮-૧૨. યહોવાહનો મહાન દિવસ નજીક છે. એટલે આપણે વધારે હોંશથી પોતાની જવાબદારી સંભાળીએ. પ્રચારમાં બીઝી રહીએ. નહિ તો નવરા બેસીને “બીજા માણસોના કામમાં ઘાલમેલ કરનાર” કે માથું મારનારા બની જઈશું.—૧ પીત. ૪:૧૫.
“તને સોંપવામાં આવ્યું છે તે સંભાળી રાખ”
પાઊલે તીમોથીને આજ્ઞા આપી કે ‘સારી લડાઈ લડ; અને વિશ્વાસ તથા નિર્મળ અંતઃકરણ રાખ.’ એમ પણ જણાવ્યું કે મંડળમાં કેવા ભાઈઓ જવાબદારી ઉપાડી શકે. તેમણે ચેતવણી આપી કે ‘અધર્મી કહાણીઓથી અલગ રહે.’—૧ તીમો. ૧:૧૮, ૧૯; ૩:૧-૧૦, ૧૨, ૧૩; ૪:૭.
પાઊલે લખ્યું: “વૃદ્ધને ઠપકો ન આપ.” તીમોથીને આ અરજ પણ કરી: “જે સત્ય તને સોંપવામાં આવ્યું છે તે સંભાળી રાખ, અને અધર્મી લવારાથી તથા જેને ભૂલથી જ્ઞાન કહેવામાં આવે છે તેના વાદવિવાદથી દૂર રહે.”—૧ તીમો. ૫:૧; ૬:૨૦.
સવાલ-જવાબ:
૧:૧૮; ૪:૧૪—તીમોથી વિષે કયું ‘ભવિષ્યકથન’ આપવામાં આવ્યું હતું? એ કદાચ તેની ભાવિ જવાબદારીઓ વિષે હોય શકે. બીજી મિશનરિ ટૂરમાં પાઊલે લુસ્ત્રા મંડળની મુલાકાત વખતે, એ ભવિષ્યકથન કહ્યું હતું. (પ્રે.કૃ. ૧૬:૧, ૨) એ પ્રમાણે વડીલોએ તીમોથી પર ‘હાથ મૂકીને,’ તેને મોટી જવાબદારી ઉપાડવા પસંદ કર્યો.
૨:૧૫— સ્ત્રીઓ કઈ રીતે ‘પુત્રપ્રસવ દ્વારા તારણ પામશે’? ‘પુત્રપ્રસવ’ એટલે કે બાળકને જન્મ આપવો, ભલે છોકરી હોય કે છોકરો. બાળકોની અને ઘરની સંભાળ રાખવામાં સ્ત્રીઓ બીઝી રહે. પછી, ‘કૂથલી કરવાનો અને બીજાઓના કામમાં માથાં મારવાનો’ ટાઈમ નહિ હોય. આમ સ્ત્રીઓ ખરાબ આદતોથી બચે છે.—૧ તીમો. ૫:૧૧-૧૫.
૩:૧૬—‘સતધર્મનો મર્મ’ શું છે? હજારો વર્ષના ઇતિહાસમાં કોઈને ખબર ન હતી કે ઇન્સાન યહોવાહનાં ધોરણો પૂરેપૂરી રીતે પાળી શકશે કે કેમ. એ જાણે એક મર્મ કે ખાનગી વાત હતી. પણ છેલ્લા દમ સુધી યહોવાહનાં સર્વ ધોરણોને વળગી રહીને, ઈસુએ બતાવ્યું કે એ શક્ય છે.
૬:૧૫, ૧૬—શું આ કલમો યહોવાહ વિષે છે કે ઈસુ વિષે? એ ઈસુ ખ્રિસ્ત વિષે છે. તે સ્વર્ગમાં ગયા ત્યારથી કોઈ માણસ તેમને ‘જોઈ શકતા નથી.’ (૧ તીમો. ૬:૧૪) ઇન્સાન રાજા કે પ્રભુ હોય શકે, પણ ઈસુ જ અમર છે. તે એકલા જ સર્વના ‘સ્વામી છે.’—દાની. ૭:૧૪; રૂમી ૬:૯.
આપણે શું શીખી શકીએ?
૪:૧૫. આપણે ભલે વર્ષોથી યહોવાહની ભક્તિ કરતા હોય કે હમણાં ચાલુ કર્યું હોય. સત્યના માર્ગ પર બધા પ્રગતિ કરતા રહીએ.
૬:૨. જો આપણો બૉસ પણ યહોવાહનો ભક્ત હોય, તો ફાયદો ન ઉઠાવીએ. બીજા માલિક કરતાં તેમના માટે રાજી-ખુશીથી કામ કરીએ.
‘તું સુવાર્તા પ્રગટ કર, તત્પર રહે’
તીમોથી પર આકરા સંજોગો આવ્યા એ પહેલાં પાઊલે કહ્યું: “દેવે આપણને ભયનો આત્મા [સ્વભાવ] નહિ, પણ સામર્થ્યનો તથા પ્રેમનો તથા સાવધ બુદ્ધિનો આત્મા [સ્વભાવ] આપ્યો છે.” એમ પણ કહ્યું કે “પ્રભુના દાસે વિખવાદ [ઝઘડો] કરવો નહિ, પણ તે સર્વ માણસો પ્રત્યે માયાળુ, શીખવવામાં બાહોશ” કે હોશિયાર હોવો જોઈએ.—૨ તીમો. ૧:૭; ૨:૨૪.
પાઊલે તીમોથીને અરજ કરી કે “જે વાતો તું શીખ્યો ને જેના વિષે તને ખાતરી થઈ છે તેઓને વળગી રહે.” બેવફા ભક્તો વધતા જતા હતા. એટલે પાઊલે તીમોથીને કહ્યું: ‘તું સુવાર્તા પ્રગટ કર; તત્પર રહે; ઠપકો આપ, ધમકાવ તથા ઉત્તેજન આપ.’—૨ તીમો. ૩:૧૪; ૪:૨.
સવાલ-જવાબ:
૧:૧૩—‘સત્યનાં વચનોનું ખરૂં સ્વરૂપ’ એટલે શું? ‘પ્રભુ ઈસુ ખ્રિસ્તે’ જે સર્વ શિક્ષણ આપ્યું, એ ‘સત્યનાં વચનો’ છે. (૧ તીમો. ૬:૩) ઈસુએ જે કર્યું, જે શીખવ્યું, એ સર્વ યહોવાહના કહેવા મુજબ જ હતું. તેથી આખું બાઇબલ ‘સત્યનાં વચનોનું ખરૂં સ્વરૂપ’ છે. એ આપણને યહોવાહનાં ધોરણો શીખવે છે. બાઇબલ પ્રમાણે જીવીને, આપણે સત્યનું ખરૂં સ્વરૂપ પકડી રાખીએ છીએ.
૪:૧૩—“ચર્મપત્રો” શું હતા? ‘ચર્મપત્ર’ એટલે ચામડાં પરનાં લખાણો. પાઊલ રોમમાં કેદ હતા ત્યારે, તેમણે હિબ્રૂ શાસ્ત્રનાં અમુક લખાણો જોવા મંગાવ્યાં હોય શકે. એ લખાણોના અમુક વીંટા ચામડાના હોય શકે ને અમુક પપાઈરસના.
આપણે શું શીખી છીએ?
૧:૫; ૩:૧૫. તીમોથીને ઈસુ પર અતૂટ શ્રદ્ધા હતી અને તે તેમને પગલે ચાલ્યા. તેમને નાનપણથી શાસ્ત્રમાંથી શીખવવામાં આવ્યું હતું. માબાપે વિચારવું જોઈએ કે ‘શું હું મારાં બાળકોને યહોવાહ વિષે શીખવવા બનતું બધું કરું છું? હું યહોવાહની ભક્તિ પૂરા દિલથી કરું છું?’
૧:૧૬-૧૮. ઘણા ભાઈ-બહેનો ખૂબ સતાવણી ને મુશ્કેલીઓ સહે છે. અમુકને જેલમાં જવું પડે છે. તેઓ માટે પ્રાર્થના કરીએ અને થાય એટલી મદદ કરીએ.—નીતિ. ૩:૨૭; ૧ થેસ્સા. ૫:૨૫.
૨:૨૨. ખાસ કરીને યુવાનોએ બૉડી બનાવવા, રમત-ગમતમાં, મ્યુઝિકમાં, મોજશોખમાં, હરવા-ફરવામાં, ગપ્પાં મારવામાં અને એના જેવી બાબતોમાં એટલું ડૂબી ન જવું જોઈએ કે યહોવાહની ભક્તિ માટે સમય ન રહે. (w08 9/15)
[Picture on page 11]
પાઊલે સૌથી છેલ્લે કયો પત્ર લખ્યો?