નવા યુગના આશીર્વાદો!
“ઓ સ્વર્ગમાંના અમારા પિતા, અમે તમારા પવિત્ર નામનું સન્માન કરીએ છીએ. તમારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં થાય છે તેમ અહીં પૃથ્વી પર તમારી ઇચ્છા પૂર્ણ થાઓ.”—માથ્થી ૬:૯, ૧૦, IBSI.
ઈસુએ પોતાના મિત્રોને આ પ્રાર્થના શીખવી. લાખો લોકો એ પ્રાર્થના કરે છે. એ પ્રાર્થના આપણને ઊજળું ભાવિ આપે છે.
એ પ્રાર્થના બતાવે છે કે અત્યારે સ્વર્ગમાં યહોવાહની ઇચ્છા પ્રમાણે જ બધું થાય છે. જલદી જ પૃથ્વી પર પણ એમ જ થશે. ઈશ્વરે પૃથ્વીને જેવી બનાવી હતી એવી જ સુંદર ફરીથી બનાવશે. (પ્રકટીકરણ ૨૧:૧-૫) એ સર્વ તેમના રાજ્ય દ્વારા થશે. પણ એ રાજ્ય શું છે? કઈ રીતે ફેરફારો લાવશે?
ઈશ્વરની સરકાર
મોટે ભાગે દરેક દેશમાં રાજા કે નેતાનું રાજ ચાલે છે. એના કાયદા-કાનૂન હોય છે. સરકાર પ્રજા પર રાજ કરે છે. ઈશ્વરનું રાજ્ય ઘણી રીતે એના જેવું જ છે. બાઇબલ આ ત્રણ રીત બતાવે છે. ચાલો જોઈએ:
ઈશ્વરના રાજ્યના રાજા કોણ છે? (યશાયાહ ૩૩:૨૨) યહોવાહે પોતે ઈસુ ખ્રિસ્તને એ રાજ્ય સોંપ્યું છે. (માત્થી ૨૮:૧૮) યહોવાહની દોરવણીથી ઈસુએ ‘સર્વ કુળોના, ભાષાના, પ્રજાના અને દેશોના’ અમુક લોકોને પસંદ કર્યા છે. તેઓ તેમની સાથે “પૃથ્વી પર રાજ” કરશે.—પ્રકટીકરણ ૫:૯, ૧૦.
ઈશ્વરના રાજ્યના કેવા નિયમો છે? અમુક નિયમો લોકોને એકબીજાનું ભલું કરવાની આજ્ઞા આપે છે. ઈસુએ સૌથી મહત્ત્વના નિયમ વિષે કહ્યું, ‘ઈશ્વર યહોવાહ પર તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી પ્રીતિ કર. પહેલી ને મોટી આજ્ઞા એ છે. અને બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર.’—માત્થી ૨૨:૩૭-૩૯.
અમુક નિયમો પ્રજાને ખોટાં કામો ન કરવાની આજ્ઞા આપે છે. બાઇબલ કહે છે: ‘ભૂલ ન ખાઓ; વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, સજાતીય સંબંધ બાંધનારા, ચોરો, લોભીઓ, દારૂડિયા, નિંદકો અને જુલમથી પૈસા પડાવનારા, એઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ.’—૧ કોરીંથી ૬:૯, ૧૦.
ઈશ્વરની સરકારની પ્રજા કોણ છે? ઈસુએ એ પ્રજાને ઘેટાં સાથે સરખાવી. તેમણે કહ્યું: “તેઓ મારો સાદ સાંભળશે; અને એક ટોળું, એક ઘેટાંપાળક થશે.” (યોહાન ૧૦:૧૬) આપણે એમાંના એક બનવા શું કરવું જોઈએ? ઈસુને પગલે ચાલવાનો દાવો જ ન કરીએ, એ પ્રમાણે જીવીએ. ઈસુએ કહ્યું: ‘જેઓ મને પ્રભુ, પ્રભુ, કહે છે, તેઓ સર્વ સ્વર્ગના રાજ્યમાં પેસશે એમ તો નહિ, પણ જેઓ મારા સ્વર્ગમાંના બાપની ઇચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પેસશે.’—માત્થી ૭:૨૧.
ઈસુની જેમ એ પ્રજા યહોવાહનું નામ મોટું મનાવે છે. (યોહાન ૧૭:૨૬) તેઓ ઈશ્વરના ‘રાજ્યની સુવાર્તા’ બધાને જણાવે છે. (માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) એકબીજા પર દિલથી પ્રેમ રાખે છે.—યોહાન ૧૩:૩૫.
‘પૃથ્વીનો નાશ કરનારાનો નાશ’
જલદી જ ઈશ્વરનું રાજ્ય ધરતી પર મોટા મોટા ફેરફારો લાવશે. એની શું સાબિતી? બેએક હજાર વર્ષો પહેલાં ઈસુએ નિશાની આપી, જેમાં ઘણા બનાવો વિષે જણાવ્યું. આગળના લેખમાં જોયું તેમ, એવા બનાવો આખી દુનિયામાં જોવા મળે છે. એ બતાવે છે કે ‘ઈશ્વરનું રાજ પાસે છે.’—લુક ૨૧:૩૧.
એ પહેલાં શું બનશે? ઈસુ કહે છે: “એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી જગતના આરંભથી તે હમણાં સુધી થઈ નથી, ને કદી થશે પણ નહિ.” (માત્થી ૨૪:૨૧) આ માણસ પાસેથી આવનારી વિપત્તિ નથી, પણ ઈશ્વર પાસેથી હશે. એ વખતે ‘પૃથ્વીનો નાશ કરનારાનો નાશ’ થશે. (પ્રકટીકરણ ૧૧:૧૮) સ્વાર્થી લોકોને લીધે ધરતીનો વિનાશ થવા બેઠો છે. એ દુષ્ટ લોકોને ‘પૃથ્વી પરથી ઊખેડી નાખવામાં આવશે.’ યહોવાહની ભક્તિ કરતા નિર્દોષ લોકો “જીવતા રહેશે.”—નીતિવચનો ૨:૨૧, ૨૨.
યહોવાહને આવાં પગલાં લેવાનો પૂરો હક્ક છે. માનો કે તમારું ઍપાર્ટમેન્ટ છે. અમુક ભાડૂતો સારા છે. સમયસર ભાડું આપે છે. ઘરની સંભાળ રાખે છે. જ્યારે કે બીજા ભાડૂતો ખરાબ છે. ધમાલિયા છે. ભાડું તો નથી આપતા, ઉપરથી તોડફોડ કરે છે. ગમે એટલું સમજાવો તોય માનતા નથી. તમે શું કરશો? તમે મકાન માલિક છો, એટલે શું તમે તેઓને કાઢી નહિ મૂકો?
યહોવાહ પૃથ્વીના માલિક છે અને તે નક્કી કરે છે કે કોને એમાં રાખવા, કોને ન રાખવા. (પ્રકટીકરણ ૪:૧૧) યહોવાહે કહ્યું છે કે તે જલદી જ દુષ્ટ લોકોનો પૃથ્વી પરથી નાશ કરશે.—ગીતશાસ્ત્ર ૩૭:૯-૧૧.
નવો યુગ
જલદી જ ઈસુ પૃથ્વી પર રાજ કરશે. એને ‘નવો યુગ’ કહેવાય છે. (માથ્થી ૧૯:૨૮, ઇઝી ટુ રીડ વર્ઝન) એ કેવો હશે? બાઇબલ વચન આપે છે:
ગીતશાસ્ત્ર ૪૬:૯.—“તે પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દે છે.”
યશાયાહ ૩૫:૧.—‘રણ અને સૂકી ભૂમિ હરખાશે; વન આનંદ કરશે ને ગુલાબની જેમ ખીલશે.’
યશાયા ૬૫:૨૧-૨૩, કોમન લેંગ્વેજ.—‘મારા પસંદ કરેલા લોક પોતાની મહેનતનું ફળ લાંબા સમય સુધી મેળવતા રહેશે. તેઓ નકામો શ્રમ નહિ કરે અને બાળકોને માત્ર આફતનો ભોગ બનવા જન્મ નહિ આપે.’
યોહાન ૫:૨૮, ૨૯.—જેઓ ગુજરી ગયા છે, તેઓ સર્વ ઈસુની વાણી સાંભળશે ને ફરી જીવતા થશે.
પ્રકટીકરણ ૨૧:૪.—‘ઈશ્વર લોકોની આંખો-માંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ થનાર નથી; તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી.’
નવો યુગ આવશે જ!
શું તમને બાઇબલનાં એ વચનોમાં ભરોસો છે? ઘણાને નથી. બાઇબલ કહે છે: ‘છેલ્લા સમયમાં મશ્કરી કરનારા આવશે, જેઓ પોતાની મરજી પ્રમાણે ચાલશે. તેઓ કહેશે કે તેના આગમનના વચનનું શું થયું છે? કેમકે પૂર્વજો ઊંઘી ગયા ત્યારથી ઉત્પત્તિની શરૂઆતમાં બધું જેવું હતું તેવું જ રહે છે.’ (૨ પીતર ૩:૩, ૪) પણ એવું કહેનારાની ભૂલ છે. ચાલો ચાર કારણો જોઈએ કે કેમ બાઇબલમાં માની શકાય:
(૧) પહેલાં પણ યહોવાહે દુષ્ટ લોકોનો નાશ કર્યો હતો. નુહના જમાનાનો પ્રલય એક દાખલો છે.—૨ પીતર ૩:૫-૭.
(૨) યહોવાહે બાઇબલમાં પહેલેથી જણાવ્યું છે કે આજની દુનિયા કેવી હશે.
(૩) ‘ઉત્પત્તિની શરૂઆતમાં બધું જેવું હતું તેવું જ’ આજે નથી. પહેલાં કરતાં આજે પૃથ્વી પર વધારે પ્રદૂષણ છે. સમાજ બગડી ગયો છે. લોકોના સંસ્કાર બગડી ગયા છે.
(૪) આજે “રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ” થઈ રહી છે. હવે જલદી જ “અંત આવશે.”—માત્થી ૨૪:૧૪.
તમે પણ બાઇબલમાંથી ઈશ્વરના રાજ વિષે વધારે શીખો. અમર જીવન વિષે શીખો. (યોહાન ૧૭:૩) જલદી જ નવો યુગ આવનાર છે. ધરતી ઝૂમી ઊઠશે. જિંદગી ખીલી ઊઠશે. તમે શું પસંદ કરશો! (w08 8/1)
[Blurb on page 7]
દુનિયામાં બધું એવું ને એવું જ છે, એમ માનનારાની ભૂલ છે
[Blurb on page 8]
નવા યુગમાં રહેવા તમે શું કરશો?