હંમેશાં યહોવામાં ભરોસો રાખો!
‘હે લોકો, તમે સર્વ પ્રસંગે તેમનો ભરોસો રાખો.’—ગીત. ૬૨:૮.
૧-૩. યહોવામાં પૂરો ભરોસો મૂકી શકાય એવી પાઊલને ખાતરી કેમ હતી? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
જો તમે પહેલી સદીના રોમમાં હોત તો એક ખ્રિસ્તી તરીકે તમારે જોખમી સંજોગોનો સામનો કરવો પડ્યો હોત. એ સમયોમાં, રોમન લોકો ખ્રિસ્તીઓની આકરી સતાવણી કરતા. તેઓએ ખ્રિસ્તીઓ પર રોમ શહેરને આગ લગાડવાનો અને લોકોને નફરત કરવાનો આરોપ મૂક્યો હતો. ઘણાં ખ્રિસ્તી ભાઈ-બહેનોને કેદમાં નાખવામાં આવતાં. અરે, અમુકને તો ખૂંખાર જાનવરો સામે ફેંકી દેવામાં આવતાં. બીજા અમુક વધસ્તંભે જડવામાં આવતાં અને પછી રાત્રિના અજવાળા માટે તેઓને જીવતાં-જીવ સળગાવી દેવામાં આવતાં. રોજ નવો દિવસ થાય તેમ તમારે માથે ડર રહેત કે કદાચ આજે તમારો વારો હોય શકે.
૨ એ મુશ્કેલ સમયોમાં પ્રેરિત પાઊલને કેદમાં નાખવામાં આવ્યા હતા. આ વખતે તેમને થયું હશે કે શું ખ્રિસ્તી ભાઈઓ મદદે આવશે. કારણ કે અગાઉ આવા સંજોગોમાં તેમની મદદે કોઈ ન આવ્યું હતું. જોકે, તેમને એ વખતે યહોવાએ ઈસુ દ્વારા મદદ પૂરી પાડી હતી. એ વિશે પાઊલે લખ્યું: “પરંતુ પ્રભુએ મારી સાથે રહીને મને બળ આપ્યું.” હા, ઈસુએ પાઊલને જરૂરી શક્તિ પૂરી પાડી. પાઊલે એમ પણ લખ્યું કે તેમને “સિંહના મોંમાંથી” બચાવવામાં આવ્યા હતા.—૨ તીમો. ૪:૧૬, ૧૭.a
૩ પાઊલને યાદ હતું કે અગાઉ યહોવાએ તેમને કેવી મદદ પૂરી પાડી હતી. તેથી, તેમને ખાતરી હતી કે આ વખતે પણ યહોવા તેમને જરૂરી શક્તિ આપશે. તેમજ, ભાવિમાં થનાર પરીક્ષણોમાં તે મદદ પૂરી પાડશે. તેમના અતૂટ ભરોસાને લીધે તે આમ લખી શક્યા: “પ્રભુ સર્વ દુષ્ટ હુમલાથી મારો બચાવ કરશે.” (૨ તીમો. ૪:૧૮) તે જાણતા હતા કે ભલે એવા સંજોગોમાં તેમના ભાઈઓ મદદે ન આવે, પણ યહોવા અને ઈસુ ચોક્કસ આવશે. તેમને એ વિશે જરા પણ શંકા ન હતી.
‘યહોવામાં ભરોસો’ રાખવાની તકો
૪, ૫. (ક) તમને કોણ હંમેશાં મદદ આપશે? (ખ) તમે યહોવા સાથેનો સંબંધ કઈ રીતે મજબૂત કરી શકો?
૪ શું તમે કદી ખૂબ જ મુશ્કેલ સંજોગોમાં આવી પડ્યા છો? એવા સંજોગોમાં કદાચ કોઈની મદદ ન હોવાને લીધે, શું તમે સાવ એકલા પડી ગયા હતા? કદાચ, નોકરી ગુમાવી ત્યારે અથવા સ્કૂલમાં કોઈ દબાણનો સામનો કર્યો એ વખતે તમે એવું અનુભવ્યું હશે. અથવા તમે જ્યારે ખૂબ જ બીમાર પડી ગયા હતા ત્યારે, કે પછી બીજી કોઈ કસોટીઓમાં તમે એવું અનુભવ્યું હશે. બીજાઓ પાસે તમે મદદ માગી હશે પણ જરૂરી મદદ ન મળવાથી તમે કદાચ નિરાશ થયા હશો. ખરું કે, અમુક મુશ્કેલીઓનો અંત લાવવો મનુષ્યોના હાથમાં નથી. એવા સંજોગોમાં તમે શું કરશો? બાઇબલ આપણને ‘યહોવામાં ભરોસો રાખવા’ જણાવે છે. (નીતિ. ૩:૫, ૬) પરંતુ, શું આપણે ખાતરી રાખી શકીએ કે યહોવા જરૂર મદદ કરશે? હા. બાઇબલમાં એવા ઘણા દાખલા આપ્યા છે, જે આપણને ખાતરી અપાવે છે કે યહોવા પોતાના લોકોને ખરેખર મદદ કરે છે.
૫ તમને જોઈતી મદદ લોકો ન કરે ત્યારે મનમાં કડવાશ ભરી રાખશો નહિ. એના બદલે પાઊલે કર્યું તેમ, તમારા પર આવેલી મુશ્કેલીઓને યહોવામાં પૂરેપૂરો ભરોસો બતાવવાની તક ગણો. મુશ્કેલીઓ તો એ પણ જોવા મદદ કરે છે કે યહોવા કેટલી અદ્ભુત રીતે તમારી સંભાળ રાખે છે. એનાથી યહોવામાં તમારો ભરોસો અને તમારો તેમની સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે.
યહોવામાં ભરોસો રાખવો જરૂરી
૬. તકલીફોમાં યહોવા પર ભરોસો રાખવો શા માટે કદાચ અઘરું લાગી શકે?
૬ માની લો કે તમને કોઈ તકલીફ ઘણી સતાવે છે. એનો હલ લાવવા બનતું બધું કર્યા પછી, તમે પ્રાર્થનામાં એ ચિંતા યહોવાને સોંપી દો છો. હવે તમે કેવું અનુભવશો? તમને ચોક્કસ રાહત મળશે. કારણ કે, હવે યહોવા બધું સંભાળી લેશે એવી તમને ખાતરી છે. (ગીતશાસ્ત્ર ૬૨:૮; ૧ પીતર ૫:૭ વાંચો.) યહોવા સાથે સારો સંબંધ જાળવવા તેમના પર ભરોસો મૂકતા શીખવું બહુ જરૂરી છે. જોકે, એમ કરવું કદાચ અઘરું લાગી શકે. શા માટે? એનું એક કારણ છે કે યહોવા કદાચ તરત જ પ્રાર્થનાનો જવાબ ન પણ આપે.—ગીત. ૧૩:૧, ૨; ૭૪:૧૦; ૮૯:૪૬; ૯૦:૧૩; હબા. ૧:૨.
૭. અમુક વાર યહોવા શા માટે આપણી પ્રાર્થનાઓનો તરત જવાબ આપતા નથી?
૭ યહોવા શા માટે હંમેશાં આપણી પ્રાર્થનાઓનો તરત જવાબ આપતા નથી? બાઇબલ જણાવે છે કે યહોવા આપણા પિતા છે અને આપણે તેમનાં બાળકો છીએ. (ગીત. ૧૦૩:૧૩) એક બાળક કોઈ વસ્તુ માગે ત્યારે પિતા તેને તરત જ એ વસ્તુ આપી દેતા નથી. પિતા જાણે છે કે એક ઘડીએ બાળકને કોઈ વસ્તુ જરૂરી લાગે, પણ બીજી જ ઘડીએ એ તેની માટે નકામી બની જાય. બાળક માટે સૌથી સારું શું છે એની પિતાને જાણ છે. પિતાને એ પણ ખબર છે કે બાળકનું કહ્યું કરવાથી બીજાઓ પર કેવી અસર પડશે. તેથી, કહી શકાય કે બાળકને શું અને ક્યારે આપવું એ પિતા સારી રીતે જાણે છે. જો બાળકની દરેક માંગ તરત જ પૂરી કરશે, તો તે પિતા નહિ પણ ગુલામ કહેવાશે. એ જ પ્રમાણે, સ્વર્ગમાંના પિતા યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે. તેમને ખ્યાલ છે કે આપણને શાની જરૂર છે. તેમજ, સમજદાર પિતાની જેમ તેમને ખ્યાલ છે કે એ જરૂરિયાત પૂરી કરવાનો સૌથી સારો સમય કયો છે. તેથી, સારું રહેશે કે યહોવા આપણી પ્રાર્થનાઓનો જવાબ આપે એની રાહ જોઈએ.—વધુ માહિતી: યશાયા ૨૯:૧૬; ૪૫:૯.
૮. આપણી સહનશક્તિને ધ્યાનમાં રાખીને યહોવાએ શું વચન આપ્યું છે?
૮ યહોવા બહુ સારી રીતે જાણે છે કે કોઈ વ્યક્તિ કેટલું સહન કરી શકે. (ગીત. ૧૦૩:૧૪) તેથી, હંમેશાં યાદ રાખીએ કે યહોવા આપણને જરૂરી સહનશક્તિ પૂરી પાડે છે. જોકે, આપણે વધુ સહન નહિ કરી શકીએ, એવું અમુક વાર અનુભવીએ છીએ. પરંતુ, યહોવા વચન આપે છે કે જો કસોટી અસહ્ય બની જશે, તો તે “છૂટકાનો માર્ગ” કાઢશે. (૧ કોરીંથી ૧૦:૧૩ વાંચો.) આપણી સહનશક્તિની હદ યહોવાને સારી રીતે ખબર છે. તેથી, તેમના પર ભરોસો મૂકવાથી આપણને ઘણો દિલાસો મળે છે.
૯. મદદ માટે યહોવાને પ્રાર્થના કર્યા પછી, જો તરત જવાબ ન મળે તો શું કરવું જોઈએ?
૯ મદદ માટે આપણે યહોવાને પ્રાર્થના કરીએ, પણ જો તરત જવાબ ન મળે તો ધીરજ રાખીએ. હંમેશાં યાદ રાખીએ કે યહોવા આપણને મદદ કરવા આતુર છે. પણ તે ધીરજ રાખે છે, જેથી આપણને જરૂરી વસ્તુ સૌથી સારા સમયે આપી શકે. બાઇબલ જણાવે છે: ‘યહોવા તમારા પર દયા કરવા ધીરજથી રાહ જુએ છે અને તમારા પર રહેમ કરવા માટે તે ઉચ્ચસ્થાને બેસશે. કેમ કે યહોવા ન્યાયી ઈશ્વર છે. જેઓ તેમની રાહ જુએ છે, તેઓ સર્વને ધન્ય છે.’—યશા. ૩૦:૧૮.
“સિંહના મોંમાંથી”
૧૦-૧૨. (ક) કુટુંબના બીમાર સભ્યની સાર-સંભાળ લેવી શા માટે મુશ્કેલ બની શકે? (ખ) મુશ્કેલ સમયોમાં યહોવા પર ભરોસો રાખવાથી તેમની સાથેના તમારા સંબંધ પર કેવી અસર પડે છે? દાખલો આપો.
૧૦ શું તમારા સંજોગો ખૂબ જ કપરા છે? શું તમે પણ પાઊલ જેવું અનુભવો છો, જે “સિંહના મોંમાંથી” બચવા ચાહતા હતા. (૨ તીમો. ૪:૧૭) એવા સમયોમાં યહોવા પર ભરોસો રાખવો ઘણો જ જરૂરી છે. દાખલા તરીકે, તમે કુટુંબના કોઈ બીમાર સભ્યની સાર-સંભાળ રાખી રહ્યા છો. એવા સમયોમાં તમે સારા નિર્ણય લેવા અને હિંમત રાખવા માટે યહોવા પાસે મદદ માંગી છે.b યહોવા તમને જુએ છે અને તમારા સંજોગોને સમજે છે એ યાદ કરવાથી તમને રાહત મળશે. તે તમને ટકી રહેવા અને વિશ્વાસુ રહેવા મદદ કરશે.—ગીત. ૩૨:૮.
૧૧ અમુક વાર, તમને કદાચ એમ લાગે કે યહોવા કોઈ મદદ કરી રહ્યા નથી. બીમાર વ્યક્તિની સારવાર વિશે તમારા નિર્ણયથી ડૉક્ટરો પણ સહમત નથી. અથવા તમે સગાં-વહાલાઓ પાસેથી દિલાસાની આશા રાખી હતી. પરંતુ, તેઓ તો વાતને વધારે બગાડી રહ્યાં હોય એવું લાગે. એમ બને ત્યારે હંમેશાં યહોવા પર આધાર રાખો, તે તમને હિંમત આપશે. તેમજ, તેમની નજીક જવાનો સતત પ્રયત્ન કરો. (૧ શમૂએલ ૩૦:૩, ૬ વાંચો.) સમય જતાં, યહોવાની મદદનો તમને અહેસાસ થશે ત્યારે, તમારો તેમની સાથેનો સંબંધ ગાઢ બનશે.
૧૨ બહેન લીન્ડાએ પણ એવું જ અનુભવ્યું.c તેમણે પણ પોતાનાં બીમાર માબાપની ઘણા લાંબા સમય સુધી સાર-સંભાળ લીધી. તે જણાવે છે, ‘એવા સંજોગોમાં મને, મારા પતિને અને મારા ભાઈને શું કરવું એ ખબર પડતી ન હતી. અમુક વખતે અમે પોતાને સાવ લાચાર અનુભવતા. પરંતુ, આજે જ્યારે એ સમયનો વિચાર કરીએ છીએ, ત્યારે સાફ દેખાય છે કે યહોવા અમારી સાથે જ હતા. અરે, અમને કોઈ રસ્તો ન દેખાતો ત્યારે, તેમણે અમને હિંમત આપી અને જેની જરૂર હતી એ બધું પૂરું પાડ્યું!’
૧૩. રોહંદાને યહોવામાં ભરોસો મૂકવાથી આઘાતજનક સંજોગોનો સામનો કરવા કઈ રીતે મદદ મળી?
૧૩ આઘાતજનક સંજોગોમાં પણ યહોવા મદદ પૂરી પાડશે એવો મક્કમ ભરોસો રાખવાથી આપણે ટકી રહી શકીએ. બહેન રોહંદાનો વિચાર કરો. તેમના પતિ યહોવાના સાક્ષી ન હતા. તેમણે રોહંદાને છૂટાછેડા આપી દીધા. એ જ સમયગાળામાં બહેનના ભાઈ એક ગંભીર બીમારીનો શિકાર બન્યા. એના થોડા જ મહિના પછી, બહેનના ભાભી ગુજરી ગયાં. એ આઘાતમાંથી બહાર આવ્યાં ત્યારે રોહંદાએ નિયમિત પાયોનિયરીંગ શરૂ કર્યું. એના થોડા જ સમયમાં, તેમનાં મમ્મી ગુજરી ગયાં. રોહંદાને એ બધા આઘાતજનક બનાવોનો સામનો કરવા મદદ ક્યાંથી મળી? તે જણાવે છે, ‘હું યહોવા સાથે દરરોજ વાતચીત કરતી. અરે, સાવ નજીવા નિર્ણયો વિશે પણ તેમને પૂછતી. એમ કરવાથી યહોવા સાથેની મારી મિત્રતા વધી. પોતાના કરતાં અથવા બીજા લોકો પર ભરોસો મૂકવા કરતાં, યહોવા પર ભરોસો રાખવાનું હું શીખી. તેમણે મને જે મદદ પૂરી પાડી એનાથી મારી બધી જરૂરિયાતો પૂરી થઈ. પરિણામે, મેં યહોવાનો હાથ પકડીને ચાલવાનો અનુભવ કર્યો છે.’
૧૪. કુટુંબમાંથી કોઈકને બહિષ્કૃત કરવામાં આવે ત્યારે, યહોવા આપણને કઈ રીતે મદદ આપે છે?
૧૪ બીજા એક મુશ્કેલ સંજોગનો વિચાર કરો. કદાચ તમારા કુટુંબમાંથી કોઈકને બહિષ્કૃત કરવામાં આવે છે. બહિષ્કૃત વ્યક્તિ સાથે કઈ રીતે વર્તવું એ વિશે બાઇબલ જે જણાવે છે એ તમે સારી રીતે જાણો છો. (૧ કોરીં. ૫:૧૧; ૨ યોહા. ૧૦) પરંતુ, તમે એ વ્યક્તિને ખૂબ ચાહો છો. તમને બાઇબલની આજ્ઞા પાળવી ખૂબ જ અઘરી, અરે કદાચ અશક્ય લાગે!d એવા કિસ્સામાં શું તમે ભરોસો રાખશો કે ઈશ્વરપિતા તમને હિંમત આપશે, જેથી તમે તેમની આજ્ઞા પાળી શકો? શું તમે એ સંજોગને યહોવાની નજીક જવાની તક ગણો છો?
૧૫. આદમે શા માટે યહોવાની આજ્ઞા તોડી?
૧૫ એ સંજોગો કઈ રીતે પ્રથમ માણસ આદમના સંજોગો સાથે સરખાવી શકાય? શું આદમ એવું માનતો હતો કે ઈશ્વરની આજ્ઞા તોડ્યા પછી પણ તે જીવતો રહી શકશે? ના. ‘આદમ છેતરાયો ન હતો.’ (૧ તીમો. ૨:૧૪) તો પછી, તેણે શા માટે યહોવાની આજ્ઞા તોડી? આદમ પોતાની પત્નીને યહોવા કરતાં વધારે પ્રેમ કરતો હતો. તેથી, જ્યારે હવાએ ફળ આપ્યું ત્યારે તેણે એ ખાધું. તેણે યહોવાની આજ્ઞા માનવાને બદલે પોતાની પત્નીનું સાંભળ્યું.—ઉત. ૩:૬, ૧૭.
૧૬. આપણે સૌથી વધુ પ્રેમ કોને કરવો જોઈએ અને શા માટે?
૧૬ આદમનો દાખલો આપણને એક મહત્ત્વની વાત શીખવે છે. એ જ કે, આપણે કોઈ પણ વ્યક્તિ કરતાં યહોવાને સૌથી વધુ પ્રેમ કરવો જોઈએ. (માથ્થી ૨૨:૩૭, ૩૮ વાંચો.) યહોવા માટે આપણને એવો ગાઢ પ્રેમ હશે ત્યારે, આપણે સગાં-વહાલાઓને પણ સૌથી સારી મદદ આપી શકીશું. પછી ભલેને, તેઓ યહોવાની ભક્તિ કરતા હોય કે નહિ! તેથી, યહોવા માટેના આપણા પ્રેમને અને ભરોસાને સતત મજબૂત કરતા રહીએ. જો તમને બહિષ્કૃત કુટુંબીજન માટે ચિંતા થતી હોય, તો એ વિશે યહોવાને પ્રાર્થના કરો. તમારી બધી લાગણીઓ તેમને જણાવો.e (રોમ. ૧૨:૧૨; ફિલિ. ૪:૬, ૭) ખરું કે એવા સંજોગોમાં તમને ઘણું દુઃખ થતું હશે, પણ એને યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવાની તક ગણો. એમ કરશો તો તમે તેમના પર ભરોસો મૂકી શકશો. તેમની આજ્ઞા પાળવાનું સૌથી સારું પરિણામ આવે છે, એ પણ સમજી શકશો.
રાહ જોતી વખતે
૧૭. પ્રચારકાર્યમાં વ્યસ્ત રહીશું તો યહોવા તરફથી શી ખાતરી મળે છે?
૧૭ યહોવાએ શા માટે “સિંહના મોંમાંથી” પાઊલને બચાવ્યા? પાઊલ જણાવે છે: “જેથી મારી મારફતે સુવાર્તા પૂરી રીતે પ્રગટ થાય.” (૨ તીમો. ૪:૧૭) યહોવાએ આપણને પણ “સુવાર્તા” જાહેર કરવાનું કામ સોંપ્યું છે. ઉપરાંત, તે આપણને “સાથે કામ કરનારા” કહે છે. (૧ થેસ્સા. ૨:૪; ૧ કોરીં. ૩:૯) એ કામમાં આપણે બને એટલા વ્યસ્ત રહીશું તો, ભરોસો રાખી શકીએ કે યહોવા આપણી જરૂરિયાતો પૂરી કરશે. (માથ. ૬:૩૩) તેમજ, યહોવા આપણી પ્રાર્થનાઓનો જવાબ આપે ત્યાં સુધી રાહ જોવી સહેલી બનશે.
૧૮. યહોવામાં ભરોસો વધારવા અને તેમની સાથેનો સંબંધ મજબૂત બનાવવા તમે શું કરશો?
૧૮ તેથી, દરરોજ યહોવા સાથેના તમારા સંબંધને મજબૂત બનાવો. તમારાં પરીક્ષણો અને ચિંતાઓને યહોવાની નજીક જવાની તક ગણો. બાઇબલ વાંચો, એનો અભ્યાસ કરો અને મનન કરો. યહોવાને પ્રાર્થના કરો અને તેમની ભક્તિમાં વ્યસ્ત રહો. એ બધું કરતા રહેવાથી તમે એક વાતનો ભરોસો રાખી શકો. એ જ કે તમારી હમણાંની અને ભાવિની કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવા, યહોવા તમને મદદ કરશે!
a પાઊલને સાચે જ સિંહના મોંમાંથી અથવા બીજા જોખમી સંજોગોમાંથી બચાવવામાં આવ્યા હશે.
b બીમાર કુટુંબીજનોની સાર-સંભાળ રાખવામાં તેમજ પોતાની બીમારીનો સામનો કરવામાં મદદ આપતા લેખો આપણી પાસે છે. જેમ કે, સપ્ટેમ્બર ૧, ૨૦૦૩ના ચોકીબુરજમાં પાન ૧૫-૧૬, ફકરા ૧૦થી ૧૪ જુઓ. અને મે ૧, ૨૦૧૦ના ચોકીબુરજમાં પાન ૨૧-૨૩ જુઓ.
c નામ બદલ્યાં છે.
d આ અંકમાં લેખ “બહિષ્કૃત કરવું—એક પ્રેમાળ ગોઠવણ” જુઓ.
e કોઈ કુટુંબીજન બહિષ્કૃત કરવામાં આવે ત્યારે એવા સંજોગોનો સામનો કરવામાં મદદ આપતા લેખો આપણી પાસે છે. જેમ કે, જુલાઈ ૧૫, ૧૯૯૫ના ચોકીબુરજમાં પાન ૨૫-૨૭ જુઓ અને પુસ્તક ઈશ્વરના પ્રેમની છાયામાં રહોમાં પાન ૨૩૭-૨૩૯ જુઓ.