અભ્યાસ લેખ ૬
ભરોસો રાખીએ કે યહોવા જે કરે છે એ સાચું છે
“તે તો ખડક છે, તેમનું કામ સંપૂર્ણ છે, કેમ કે તેમના સર્વ માર્ગો ન્યાયી છે. તે વિશ્વાસુ ઈશ્વર છે, જે ક્યારેય અન્યાય કરતા નથી. તે ન્યાયી અને સાચા છે.”—પુન. ૩૨:૪.
ગીત ૧૫૨ તું છો બળ, તું છો જ્યોત
ઝલકa
૧-૨. (ક) ઘણા લોકો માટે અધિકારીઓ પર ભરોસો રાખવો કેમ અઘરું છે? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
આજે ઘણા લોકો માટે અધિકારીઓ પર ભરોસો કરવો અઘરું છે. તેઓએ જોયું છે કે અદાલતના જજ અને વકીલ તેમજ નેતાઓ તો ધનવાન અને તાકતવરનો પક્ષ લે છે. તેઓ ગરીબો પર જરાય ધ્યાન આપતા નથી. બાઇબલમાં લખેલી આ વાત સાચી પડી છે: “એક માણસ બીજા માણસ પર સત્તા જમાવીને તેને નુકસાન પહોંચાડે છે.” (સભા. ૮:૯) વધુમાં અમુક ધર્મગુરુઓનાં કરતૂત જોઈને કેટલાક લોકોનો ઈશ્વર પરથી ભરોસો ઊઠી ગયો છે. એટલે એક વ્યક્તિ બાઇબલમાંથી શીખવાનું શરૂ કરે ત્યારે, તેને યહોવા અને આગેવાની લેનાર ભાઈઓ પર ભરોસો કરવો અઘરું લાગી શકે. આપણે તેને ભરોસો કેળવવા મદદ કરવી જોઈએ.
૨ ફક્ત બાઇબલ વિદ્યાર્થીઓએ જ નહિ, આપણે પણ યહોવા અને સંગઠન પર ભરોસો મજબૂત કરવો જોઈએ. આપણે વર્ષોથી યહોવાની ભક્તિ કરતા હોઈએ, તોપણ ભૂલીએ નહિ કે યહોવા જે કરે છે એ સૌથી સારું છે. પણ અમુક વાર એવા સંજોગો ઊભા થાય છે, જ્યારે એ વાતનો ભરોસો કરવો આપણા માટે અઘરું થઈ શકે. આ લેખમાં એવા ત્રણ સંજોગો વિશે જોઈશું જેમાં આપણી શ્રદ્ધાની કસોટી થઈ શકે છે: (૧) બાઇબલનો કોઈ અહેવાલ વાંચીએ ત્યારે (૨) સંગઠન તરફથી માર્ગદર્શન મળે ત્યારે અને (૩) ભાવિમાં મુશ્કેલીઓ આવે ત્યારે.
બાઇબલ વાંચીએ ત્યારે યહોવા પર ભરોસો રાખીએ
૩. બાઇબલના અમુક અહેવાલો વાંચતી વખતે મનમાં કેવા સવાલ થઈ શકે?
૩ બાઇબલ વાંચીએ ત્યારે કોઈ વાર મનમાં આવા સવાલ થઈ શકે: યહોવાએ એ વ્યક્તિ સાથે આવું કેમ કર્યું હશે? તેમણે આવો નિર્ણય કેમ લીધો હશે? દાખલા તરીકે, ગણનાના પુસ્તકમાં એક અહેવાલ છે. એક ઇઝરાયેલી માણસ સાબ્બાથના દિવસે લાકડાં વીણતો હતો. એટલે યહોવાએ તેને મારી નાખવાની સજા કરી. વર્ષો પછી બીજો એક બનાવ બન્યો. એ વિશે શમુએલના બીજા પુસ્તકમાં જણાવ્યું છે. દાઉદ રાજાએ વ્યભિચાર કર્યો અને ખૂન કર્યું, તોપણ યહોવાએ તેમને માફ કર્યા. (ગણ. ૧૫:૩૨, ૩૫; ૨ શમુ. ૧૨:૯, ૧૩) આપણને થાય કે યહોવાએ કેમ દાઉદનાં મોટાં મોટાં પાપ માફ કર્યાં, પણ પેલા માણસને નાનકડી ભૂલ માટે મોતની સજા કરી? બાઇબલ વાંચતી વખતે ત્રણ બાબતો પર વિચાર કરવાથી આપણને એ સવાલનો જવાબ મળશે.
૪. યહોવાના નિર્ણયો પર ભરોસો મજબૂત કરવા ઉત્પત્તિ ૧૮:૨૦, ૨૧ અને પુનર્નિયમ ૧૦:૧૭માંથી કઈ રીતે મદદ મળે છે?
૪ અમુક અહેવાલો વિશે બાઇબલમાં બધી માહિતી આપી નથી. દાખલા તરીકે, આપણે જાણીએ છીએ કે દાઉદે પોતાનાં પાપ માટે પૂરા દિલથી પસ્તાવો કર્યો હતો. (ગીત. ૫૧:૨-૪) પણ પેલા ઇઝરાયેલી માણસ વિશે શું? તે કેવો હતો? શું તેણે પસ્તાવો કર્યો હતો? શું તેણે પહેલાં પણ યહોવાની આજ્ઞાઓ તોડી હતી? શું તેણે અગાઉ પણ ચેતવણીઓ સાંભળીને આંખ આડા કાન કર્યા હતા? બાઇબલમાં એ સવાલોના જવાબ નથી. પણ આપણને ખાતરી છે કે યહોવા “ક્યારેય અન્યાય કરતા નથી.” (પુન. ૩૨:૪) મોટા ભાગના માણસો ભેદભાવ કે બીજાં કારણોને લીધે ખોટો નિર્ણય લે છે. તેઓ લોકોની વાતોમાં આવીને પણ એવું કરી બેસે છે. પણ યહોવા એવું કરતા નથી. તે બધી માહિતીને આધારે સાચો નિર્ણય લે છે. (ઉત્પત્તિ ૧૮:૨૦, ૨૧; પુનર્નિયમ ૧૦:૧૭ વાંચો.) યહોવા અને તેમનાં ધોરણો વિશે આપણે શીખતા રહીએ. એમ કરતા રહીશું તો આપણો ભરોસો વધશે કે યહોવા હંમેશાં સાચા નિર્ણયો લે છે. બાઇબલના અહેવાલો વાંચીને અમુક વાર આપણાં મનમાં સવાલો થાય, જેના જવાબ આજે આપણી પાસે ન હોય. પણ આપણે યહોવા વિશે ઘણું જાણીએ છીએ, એટલે ખાતરી રાખી શકીએ કે તે “પોતાના બધા માર્ગોમાં નેક છે.”—ગીત. ૧૪૫:૧૭.
૫. પાપી હોવાને લીધે આપણે કેવા નિર્ણય પર આવી શકીએ? (“આપણે પાપી હોવાને લીધે બાબતો સમજી ન શકીએ” બૉક્સ પણ જુઓ.)
૫ આપણે પાપી હોવાને લીધે બધી હકીકતો જોઈ શકતા નથી. પણ આપણે ચાહીએ છીએ કે લોકો સાથે અન્યાય ન થાય. કેમ કે યહોવાએ આપણામાં તેમના જેવા ગુણો મૂક્યા છે. (ઉત. ૧:૨૬) અમુક વાર આપણને લાગે કે આપણી પાસે બધી માહિતી છે, પણ પાપી હોવાને લીધે આપણે ખોટા નિર્ણય પર આવી જઈએ. યૂના સાથે એવું જ કંઈક થયું. યહોવાએ નિનવેહના લોકોને દયા બતાવવાનું નક્કી કર્યું ત્યારે યૂનાને ખૂબ જ ખોટું લાગ્યું. (યૂના ૩:૧૦–૪:૧) જરા વિચારો કે યહોવાએ એ લોકોને દયા બતાવી એનું કેવું પરિણામ આવ્યું. નિનવેહના ૧,૨૦,૦૦૦ લોકોએ પસ્તાવો કર્યો અને તેઓનું જીવન બચી ગયું. એનાથી જોઈ શકાય છે કે યૂનાએ પોતાના વિચારો બદલવાના હતા, યહોવાએ નહિ.
૬. યહોવા કેમ જવાબ આપવા બંધાયેલા નથી?
૬ યહોવા જવાબ આપવા બંધાયેલા નથી. યહોવાએ નિર્ણય લેતા પહેલાં કે પછી, અમુક વાર પોતાના ભક્તોને તેઓનાં દિલની લાગણીઓ જણાવવા દીધી. (ઉત. ૧૮:૨૫; યૂના ૪:૨, ૩) કેટલીક વાર યહોવાએ તેઓને જણાવ્યું કે તેમણે કેમ એ નિર્ણય લીધો. (યૂના ૪:૧૦, ૧૧) જોકે તે જવાબ આપવા બંધાયેલા નથી. તેમણે જ બધું બનાવ્યું છે. એટલે તેમણે કંઈ કરતા પહેલાં આપણને પૂછવાની જરૂર નથી કે કંઈ કર્યા પછી આપણને જવાબ આપવાની જરૂર નથી.—યશા. ૪૦:૧૩, ૧૪; ૫૫:૯.
સંગઠન તરફથી માર્ગદર્શન મળે ત્યારે યહોવા પર ભરોસો રાખીએ
૭. આપણને કોના પર ભરોસો મૂકવો અઘરું લાગી શકે અને કેમ?
૭ આપણને પૂરો ભરોસો છે કે યહોવા જે કંઈ કરે છે એ હંમેશાં સાચું છે. યહોવાએ સંગઠનમાં આગેવાની લેવા અમુક ભાઈઓને પસંદ કર્યા છે. પણ ક્યારેક એ ભાઈઓ પર ભરોસો મૂકવો અઘરું લાગી શકે. આપણને થાય કે શું એ ભાઈઓ યહોવાના માર્ગદર્શન પ્રમાણે કામ કરતા હશે કે મનમાની કરતા હશે? બાઇબલ સમયના અમુક લોકોને પણ એવું લાગ્યું હશે. ફકરા ત્રણમાં આપેલા દાખલાઓનો ફરી વિચાર કરીએ. સાબ્બાથનો નિયમ તોડનાર માણસના સગાને થયું હશે: ‘મૂસાએ મોતની સજા કરતા પહેલાં યહોવાને પૂછ્યું હશે કે નહિ.’ દાઉદે ઊરિયા હિત્તીની પત્ની સાથે વ્યભિચાર કર્યો. ઊરિયાના કોઈ દોસ્તે વિચાર્યું હશે કે ‘દાઉદ તો રાજા છે, એટલે સજામાંથી બચવા પોતાની સત્તાનો ખોટો ઉપયોગ કર્યો હશે.’ યહોવાને પોતાના સંગઠનમાં અને મંડળમાં આગેવાની લેતા ભાઈઓ પર પૂરો ભરોસો છે. એટલે એ ભાઈઓ પર ભરોસો નહિ મૂકીએ તો કઈ રીતે કહી શકીએ કે આપણને યહોવા પર ભરોસો છે.
૮. પહેલી સદીનાં મંડળોમાં અને આજનાં મંડળોમાં કઈ વાત સરખી છે? (પ્રેરિતોનાં કાર્યો ૧૬:૪, ૫)
૮ યહોવાએ પોતાના સંગઠનના પૃથ્વી પરના ભાગને દોરવા ‘વિશ્વાસુ અને સમજુ ચાકરને’ નીમ્યો છે. (માથ. ૨૪:૪૫) પહેલી સદીના નિયામક જૂથની જેમ એ ચાકર દુનિયા ફરતેના ઈશ્વરભક્તોની દેખરેખ રાખે છે અને મંડળના વડીલોને માર્ગદર્શન આપે છે. (પ્રેરિતોનાં કાર્યો ૧૬:૪, ૫ વાંચો.) વડીલો એ માર્ગદર્શન પ્રમાણે મંડળમાં કામ કરે છે. આપણે સંગઠન અને વડીલો તરફથી મળતા માર્ગદર્શનને માનવું જોઈએ. એમ કરીને બતાવીએ છીએ કે આપણને યહોવાની કામ કરવાની રીત પર ભરોસો છે.
૯. વડીલોએ લીધેલો નિર્ણય માનવો ક્યારે અઘરું લાગી શકે અને કેમ?
૯ અમુક વાર વડીલોએ લીધેલા નિર્ણય માનવા આપણને અઘરું લાગી શકે. દાખલા તરીકે, હાલનાં અમુક વર્ષોમાં ઘણાં મંડળોને ભેગાં કરવામાં આવ્યાં. એના લીધે કેટલાંક મંડળોને બીજી સરકીટમાં મૂકવામાં આવ્યાં. એટલે પ્રાર્થનાઘરનો સારો ઉપયોગ કરવા અમુક જગ્યાએ વડીલોએ પ્રકાશકોને બીજા મંડળમાં જવાનું કહ્યું. જો વડીલો આપણને બીજા મંડળમાં જવાનું કહે તો શું આપણે જઈશું? કુટુંબ અને દોસ્તોને છોડવા આપણને મુશ્કેલ લાગી શકે. બીજા એક કારણને લીધે પણ આપણને માર્ગદર્શન પ્રમાણે કરવું અઘરું લાગી શકે. યહોવા કંઈ વડીલોને સીધેસીધું કહેતા નથી કે કયા પ્રકાશકને ક્યાં મોકલવામાં આવે. પણ વડીલો જે નિર્ણય લે છે એના પર તેમને ભરોસો છે. એટલે આપણે પણ વડીલો પર ભરોસો રાખવો જોઈએ.b
૧૦. આપણે કેમ વડીલોનું માનવું જોઈએ? (હિબ્રૂઓ ૧૩:૧૭)
૧૦ વડીલોના નિર્ણય આપણને ન ગમે તોપણ કેમ માનવા જોઈએ? કેમ કે એનાથી યહોવાના ભક્તો વચ્ચે એકતા જળવાઈ રહે છે. (એફે. ૪:૨, ૩) વડીલોના જૂથે લીધેલા નિર્ણય માનવાથી મંડળમાં પ્રેમ અને ખુશીનો માહોલ રહે છે. (હિબ્રૂઓ ૧૩:૧૭ વાંચો.) યહોવાએ વડીલોને આપણી સંભાળ રાખવાની જવાબદારી સોંપી છે. (પ્રે.કા. ૨૦:૨૮) એટલે આપણે વડીલો પર ભરોસો રાખીને બતાવીએ છીએ કે આપણને યહોવા પર ભરોસો છે.
૧૧. વડીલો તરફથી મળતા માર્ગદર્શન પર ભરોસો મૂકવા આપણને શું મદદ કરી શકે?
૧૧ મંડળના નિર્ણયો લેતી વખતે વડીલો પવિત્ર શક્તિ માટે પ્રાર્થના કરે છે. તેઓ બાઇબલના સિદ્ધાંતો અને સંગઠન દ્વારા મળતા માર્ગદર્શનની મદદ પણ લે છે. એટલે વડીલો જે માર્ગદર્શન આપે છે એના પર આપણે ભરોસો રાખી શકીએ. તેઓ દિલથી યહોવાને ખુશ કરવા માંગે છે અને ભાઈ-બહેનોની સારી સંભાળ રાખવા માંગે છે. એ વફાદાર ભાઈઓને ખબર છે કે તેઓએ યહોવાને એનો હિસાબ આપવો પડશે. (૧ પિત. ૫:૨, ૩) જરા વિચારો, આજની દુનિયામાં જાતિ, ધર્મ અને રાજકારણને લીધે લોકોમાં ભાગલા પડ્યા છે. પણ યહોવાના ભક્તો એક થઈને તેમની ભક્તિ કરે છે. એ યહોવાને લીધે જ શક્ય બન્યું છે, કેમ કે તે પોતાના સંગઠનને આશીર્વાદ આપે છે.
૧૨. વ્યક્તિએ દિલથી પસ્તાવો કર્યો છે કે નહિ એ જોવા વડીલોએ શું કરવું જોઈએ?
૧૨ યહોવાએ વડીલોને એક મહત્ત્વની જવાબદારી સોંપી છે. એ જવાબદારી છે કે તેઓએ મંડળને શુદ્ધ રાખવાનું છે. ધારો કે મંડળમાં કોઈ વ્યક્તિ મોટું પાપ કરી બેસે છે. યહોવા ચાહે છે કે વડીલો નક્કી કરે કે એ વ્યક્તિ મંડળમાં રહેશે કે નહિ. એ માટે તેઓએ ઘણી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. વડીલો એ જાણવાની કોશિશ કરશે કે વ્યક્તિએ જે કર્યું છે, એનો તેને દિલથી પસ્તાવો છે કે નહિ. તે કદાચ કહે કે તેણે પસ્તાવો કર્યો છે. પણ તેણે જે પાપ કર્યું છે, શું એને તે ખરેખર ધિક્કારે છે? શું એ પાપ ફરી ન કરવાનો તેણે પાકો નિર્ણય લીધો છે? જો તેણે ખરાબ દોસ્તોને લીધે એ પાપ કર્યું હોય, તો શું એ દોસ્તોને છોડવા તે તૈયાર છે? વડીલો યહોવાને પ્રાર્થના કરે છે અને પુરાવાઓને તપાસે છે. તેઓ બાઇબલના સિદ્ધાંતો અને પાપ કરનાર વ્યક્તિનાં વાણી-વર્તનને ધ્યાનમાં લે છે. પછી તેઓ નક્કી કરે છે કે એ વ્યક્તિ મંડળમાં રહેશે કે નહિ. અમુક સંજોગોમાં તેને મંડળમાંથી બહિષ્કૃત કરવી પડે છે.—૧ કોરીં. ૫:૧૧-૧૩.
૧૩. મિત્ર કે કુટુંબમાંથી કોઈને બહિષ્કૃત કરવામાં આવે ત્યારે આપણને કેવું લાગી શકે?
૧૩ બહિષ્કૃત થનાર વ્યક્તિ આપણી મિત્ર કે કુટુંબની ન હોય તો વડીલોનો નિર્ણય માનવો આપણને સહેલો લાગી શકે. પણ એ વ્યક્તિ આપણી મિત્ર કે કુટુંબની હોય તો શું આપણે વડીલોના નિર્ણયને માન આપીએ છીએ? એવા સમયે આપણને લાગી શકે, ‘શું વડીલોએ બધા પુરાવા તપાસ્યા હશે? શું તેઓએ યહોવાની જેમ નિર્ણય લીધો હશે?’ ચાલો જોઈએ કે તેઓએ લીધેલા નિર્ણયને માન આપવા આપણને શું મદદ કરી શકે.
૧૪. મિત્ર કે કુટુંબમાંથી કોઈને બહિષ્કૃત કરવામાં આવે ત્યારે શું યાદ રાખવું જોઈએ?
૧૪ આપણે યાદ રાખવું જોઈએ કે બહિષ્કૃત કરવાની ગોઠવણ યહોવાએ કરી છે. એનાથી મંડળને તો ફાયદો થાય છે જ, સાથે સાથે પાપ કરનાર વ્યક્તિનું પણ ભલું થઈ શકે છે. જો પાપ કરનાર વ્યક્તિ પસ્તાવો ન કરે અને મંડળમાં રહે, તો તેને જોઈને બીજાઓ પણ પાપ કરવા લાગી શકે. (ગલા. ૫:૯) વધુમાં એ વ્યક્તિને પણ સમજાશે નહિ કે તેનું પાપ કેટલું મોટું છે. એટલે યહોવા સાથે સંબંધ સુધારવા તે પોતાનાં વિચારો અને વાણી-વર્તનમાં ફેરફાર કરવાનો પ્રયત્ન નહિ કરે. (સભા. ૮:૧૧) આપણે ખાતરી રાખીએ કે વડીલો વ્યક્તિને બહિષ્કૃત કરવાનો નિર્ણય ઘણો સમજી-વિચારીને લે છે. વડીલોને ખબર છે કે ઇઝરાયેલના ન્યાયાધીશોની જેમ તેઓ “માણસ તરફથી નહિ, યહોવા તરફથી ન્યાય” કરે છે.—૨ કાળ. ૧૯:૬, ૭.
યહોવા પર હમણાં ભરોસો રાખીશું તો ભાવિમાં પણ રાખી શકીશું
૧૫. આપણે કેમ હમણાં યહોવાના માર્ગદર્શન પર વધારે ભરોસો રાખવો જોઈએ?
૧૫ આ દુનિયાની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે. એટલે યહોવાની કામ કરવાની રીત પર આપણે પહેલાં કરતાં હમણાં વધારે ભરોસો રાખવાની જરૂર છે. કેમ કે મોટી વિપત્તિ વખતે કદાચ એવું માર્ગદર્શન મળે જે આપણને ધડ-માથા વગરનું લાગે અથવા એને પાળવું અઘરું લાગે. ખરું કે ત્યારે યહોવા આપણી સાથે મોઢામોઢ વાત કરીને માર્ગદર્શન નહિ આપે. તે નીમેલા ભાઈઓ દ્વારા આપણને માર્ગદર્શન આપી શકે. એ વખતે આપણી પાસે એવું વિચારવાનો સમય નહિ હોય કે ‘શું આ માર્ગદર્શન યહોવા તરફથી છે કે પછી ભાઈઓ પોતાનું જ ચલાવી રહ્યા છે?’ એ અઘરા સમયમાં શું તમે યહોવા અને તેમના સંગઠન પર ભરોસો રાખશો? એનો જવાબ એ વાત પર આધાર રાખે છે કે તમે હમણાં શું કરો છો. જો તમે હમણાં યહોવાના સંગઠનથી મળતા માર્ગદર્શન પર ભરોસો રાખશો અને એને તરત પાળશો, તો મોટી વિપત્તિ વખતે પણ તમે એવું જ કરી શકશો.—લૂક ૧૬:૧૦.
૧૬. ભાવિમાં યહોવા પર ભરોસો રાખવો કેમ અઘરું થઈ શકે?
૧૬ યહોવા ભાવિમાં આ દુષ્ટ દુનિયાના બધા લોકોનો ન્યાય કરશે. એ નિર્ણયની આપણા પર કેવી અસર થશે એનો પણ વિચાર કરવો જોઈએ. આપણે આશા રાખીએ છીએ કે બધા લોકો, ખાસ તો આપણાં સગાં-વહાલાં યહોવાની ભક્તિ કરે અને તેઓનું જીવન બચી જાય. પણ યહોવા, આર્માગેદનમાં ઈસુ દ્વારા એ બધા લોકોનું ભાવિ નક્કી કરશે. (માથ. ૨૫:૩૧-૩૩; ૨ થેસ્સા. ૧:૭-૯) યહોવા કોને દયા બતાવશે અને કોને નહિ એ આપણે નક્કી કરી શકતા નથી. (માથ. ૨૫:૩૪, ૪૧, ૪૬) શું એ સમયે આપણે યહોવાના નિર્ણયને ટેકો આપીશું કે પછી તેમની ભક્તિ કરવાનું છોડી દઈશું? આપણે હમણાં યહોવા પર ભરોસો રાખવો જોઈએ. જો એમ કરીશું તો ભાવિમાં પણ તેમના પર પૂરો ભરોસો રાખી શકીશું.
૧૭. ભાવિમાં યહોવા જે કરવાના છે એનાથી આપણને કેવા આશીર્વાદો મળશે?
૧૭ જરા કલ્પના કરો, યહોવા આ દુષ્ટ દુનિયાનો નાશ કરીને બાગ જેવી સુંદર દુનિયા લાવશે ત્યારે આપણને કેવું લાગશે. ઈશ્વર વિશે ખોટું શિક્ષણ ફેલાવતા ધર્મો નહિ હોય. લોકોને હેરાન-પરેશાન કરતા વેપાર-ધંધા અને સરકારો નહિ હોય. આપણે બીમાર નહિ પડીએ, ઘરડા નહિ થઈએ અને મરણનો ડંખ પણ નહિ હોય. શેતાન અને તેના દુષ્ટ દૂતોને ૧,૦૦૦ વર્ષ માટે કેદ કરવામાં આવશે. તેઓએ કરેલા બળવાને લીધે જે નુકસાન થયું છે એ સુધારવામાં આવશે. (પ્રકટી. ૨૦:૨, ૩) યહોવાની કામ કરવાની રીત પર આપણે ભરોસો રાખ્યો હોવાથી એ સમયે આપણી ખુશીનો પાર નહિ હોય!
૧૮. ઇઝરાયેલીઓના દાખલામાંથી શું શીખી શકીએ? (ગણના ૧૧:૪-૬; ૨૧:૫)
૧૮ યહોવાની કામ કરવાની રીત સૌથી સારી છે. એ વાત પર ભરોસો રાખવો નવી દુનિયામાં અમુક વાર અઘરું લાગશે. યાદ કરો, ઇઝરાયેલીઓ ઇજિપ્તની ગુલામીમાંથી બહાર આવ્યા પછી શું બન્યું. અમુકને ઇજિપ્તનો સારો સારો ખોરાક યાદ આવતો હતો, એટલે તેઓ કચકચ કરવા લાગ્યા. યહોવાએ તેઓને માન્ના પૂરું પાડ્યું, એનાથી પણ તેઓ કંટાળી ગયા. (ગણના ૧૧:૪-૬; ૨૧:૫ વાંચો.) જો ધ્યાન નહિ રાખીએ તો મોટી વિપત્તિ પછી આપણે પણ કદાચ તેઓના જેવા બની જઈએ. આપણે જાણતા નથી કે પૃથ્વીની સાફ-સફાઈ કરવામાં અને એને બાગ જેવી સુંદર બનાવવામાં કેટલી મહેનત લાગશે. બની શકે કે શરૂઆતમાં જીવન સહેલું ન હોય. એ સમયે યહોવા જે કંઈ પૂરું પાડશે શું એ માટે આપણે કચકચ કરીશું કે તેમનો આભાર માનીશું? એક વાત ચોક્કસ છે, જો અત્યારે યહોવા જે કંઈ આપે છે એનો આભાર માનીશું તો ભાવિમાં પણ આભાર માનવાનું નહિ ચૂકીએ.
૧૯. આ લેખમાંથી તમને કયા ખાસ મુદ્દાઓ શીખવા મળ્યા?
૧૯ યહોવા જે કરે છે એ હંમેશાં સાચું હોય છે. એ વાત પર આપણો ભરોસો મજબૂત રાખીએ. યહોવા જે ભાઈઓ પર ભરોસો રાખે છે તેઓ પર આપણે પણ ભરોસો રાખીએ. યહોવાએ યશાયા પ્રબોધક દ્વારા જે જણાવ્યું એ હંમેશાં યાદ રાખીએ: “શાંત રહો અને ભરોસો રાખો તો તમે બળવાન થશો.”—યશા. ૩૦:૧૫.
ગીત ૩૭ ઈશ્વરના બોલ મને દોરે
a આ લેખમાં જોઈશું કે યહોવા અને આગેવાની લેનાર ભાઈઓ પર ભરોસો મજબૂત કરવો કેમ જરૂરી છે અને એનાથી આજે કેવા ફાયદા થાય છે. એ પણ જોઈશું કે એવો ભરોસો આપણને આવનાર મુશ્કેલીઓનો સામનો કરવા કઈ રીતે મદદ કરી શકે.
b અમુક વખતે કોઈ ખાસ કારણને લીધે એક વ્યક્તિ કે કુટુંબ બીજા મંડળમાં જઈ શકતું નથી. નવેમ્બર ૨૦૦૨ આપણી રાજ્ય સેવા “પ્રશ્ન પેટી” જુઓ.