યહોવાહ દીન-દુખિયાને છોડાવે છે
“ન્યાયી માણસને માથે ઘણાં દુઃખ આવે છે; પણ યહોવાહ તે સર્વમાંથી તેને છોડાવે છે.”—ગીતશાસ્ત્ર ૩૪:૧૯.
૧, ૨. એક બહેને કેવી મુશ્કેલી સહેવી પડી? શા માટે આપણને પણ એવી લાગણી થઈ શકે?
કીકો નામની યુવાન સ્ત્રી ૨૦ કરતાં વધારે વર્ષોથી યહોવાહની એક સાક્ષી છે.a તે અમુક સમય માટે રેગ્યુલર પાયોનિયર હતી. એટલે કે તે ફૂલ-ટાઈમ યહોવાહના રાજ્યનો પ્રચાર કરતી હતી. તેને એ બહુ ગમતું. પણ થોડા સમયથી, કીકોના દિલમાં નિરાશાની લાગણી ઘર કરવા લાગી. તે પોતાને એકલી-અટૂલી મહેસૂસ કરવા લાગી. તે કહે છે: “હું દરરોજ બસ રડ્યા જ કરતી. એ લાગણી દૂર કરવા હું બાઇબલ વાંચીને એનો અભ્યાસ કરવામાં ઘણો સમય આપતી. તોપણ એનાથી કંઈ ફરક ન પડ્યો. હું એટલી નિરાશ થઈ ગઈ કે બસ મારે મરવું જ હતું.”
૨ શું તમે પણ ક્યારેક કીકો જેવું અનુભવ્યું છે? જો એમ હોય તો, હિંમત ન હારો. યહોવાહના સાક્ષી તરીકે આપણી પાસે ખુશ રહેવાનાં પુષ્કળ કારણો છે. જેમ કે, ઈશ્વરની સેવામાં “હમણાંના તથા હવે પછીના જીવનનું પણ વચન સમાએલું છે.” (૧ તીમોથી ૪:૮) જરા વિચારો, આજે યહોવાહની ભક્તિમાં, તેમના મંડળમાં આપણને કેવું રક્ષણ મળે છે! પણ એનો અર્થ એ નથી કે આપણા પર દુઃખ-તકલીફનો કોઈ પડછાયો નહિ પડે. બાઇબલ કહે છે: “ન્યાયી માણસને માથે ઘણાં દુઃખ આવે છે.” (ગીતશાસ્ત્ર ૩૪:૧૯) એ કંઈ નવી વાત નથી, કેમ કે “આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે.” એ દુષ્ટ શેતાન છે. (૧ યોહાન ૫:૧૯) એટલે જ આપણે કોઈને કોઈ રીતે શેતાનના રાજમાં ઘણું સહેવું પડે છે.—એફેસી ૬:૧૨.
દુઃખોની અસર
૩. પુષ્કળ દુઃખ સહન કર્યું હોય એવા ઈશ્વરભક્તોના દાખલા આપો.
૩ લાંબો સમય ચાલતી તકલીફો હેરાન-પરેશાન કરી શકે, આપણે જીવનથી હારી જઈ શકીએ. (નીતિવચનો ૧૫:૧૫) ઈશ્વરભક્ત અયૂબનો વિચાર કરો. ભયંકર દુઃખમાં હતા ત્યારે તેમણે કહ્યું: “માણસ કેવો નિર્બળ છે. તેના દિવસો અલ્પ છે. તેનું જીવન મુસીબતોથી ભરેલું છે.” (યોબ ૧૪:૧, IBSI) અયૂબનું સુખ છીનવાઈ ગયું હતું, જાણે રાજામાંથી રંક બની ગયા હતા. થોડો સમય તો તેમને લાગ્યું કે યહોવાહે પણ તેમને તરછોડી દીધા છે. (અયૂબ ૨૯:૧-૫) અયૂબની જેમ બીજા ઈશ્વરભક્તોએ પણ દુઃખ અને પીડા સહન કર્યા હતા. જેમ કે, હાન્નાને કોઈ બાળકો ન હતાં. તેથી તેમનું ‘દિલ બહુ દુખતું હતું.’ (૧ શમૂએલ ૧:૯-૧૧) કુટુંબમાં કોઈ તકલીફ સહન કરતી રિબકાહે કહ્યું: “હું જીવવાથી કંટાળી ગઈ છું.” (ઉત્પત્તિ ૨૭:૪૬) દાઊદે પોતે કરેલા પાપ વિષે વિચાર કરતા કહ્યું: “હું આખો દિવસ શોક કર્યા કરું છું.” (ગીતશાસ્ત્ર ૩૮:૬) આ દાખલાઓ બતાવે છે કે ઈસુ થઈ ગયા એ પહેલાના જમાનામાં પણ ઘણા ભક્તોએ પુષ્કળ દુઃખો સહન કર્યાં હતાં.
૪. આજે મંડળમાં “નિરાશ લોકો” જોવા મળે એ શા માટે નવી વાત નથી?
૪ આપણા વિષે શું? પ્રેરિત પાઊલે થેસ્સાલોનીકીના મંડળને અરજ કરી: ‘નિરાશ લોકોને ઉત્તેજન આપો.’ (૧ થેસ્સાલોનીકી ૫:૧૪, NW) બાઇબલ પર વધારે માહિતી આપતું એક પુસ્તક જણાવે છે કે જે ગ્રીક શબ્દનું ‘નિરાશ લોકો’ ભાષાંતર થયું છે એ, ‘કોઈ વાર જીવનનાં દબાણોથી હાર માની બેસતા લોકોને’ બતાવે છે. પાઊલના શબ્દોથી જોવા મળે છે કે થેસ્સાલોનીકીના મંડળમાં પણ અમુક અભિષિક્ત ભાઈબહેનો નિરાશ થઈ ગયા હતા. આજે પણ મંડળમાં ઘણા ભાઈબહેનો નિરાશ અને દુઃખી જોવા મળે છે. શા માટે? ચાલો ત્રણ કારણો જોઈએ.
આપણું પાપી વલણ નિરાશ કરી શકે
૫, ૬. રૂમી ૭:૨૨-૨૫માંથી આપણને શું દિલાસો મળે છે?
૫ આપણને વારસામાં પાપ મળ્યું છે. તેથી ઘણી ભૂલો કરીએ છીએ. પણ આપણે દુષ્ટો જેવા નથી, જેઓ ‘નઠારા થઈને’ જાણીજોઈને ખોટાં કામો કરતા રહે છે. આપણાથી કંઈક ખોટું થઈ જાય ત્યારે મનમાં બહુ દુઃખી થઈએ છીએ. (એફેસી ૪:૧૯) આપણને પાઊલ જેવું લાગી શકે: “મારા નવા સ્વભાવ પ્રમાણે હું ઈશ્વરની ઇચ્છા પૂર્ણ કરવામાં આનંદ માનું છું. પરંતુ મારો જૂનો સ્વભાવ નવા સ્વભાવ સાથે લડાઈ કરે છે. એમાં જૂનો સ્વભાવ જીતે છે, અને મને પાપનો ગુલામ બનાવે છે.” પછી પાઊલે કહ્યું, “હું કેવી કફોડી પરિસ્થિતિમાં છું!”—રોમન ૭:૨૨-૨૪, IBSI.
૬ શું તમે પાઊલ જેવું ક્યારેય અનુભવ્યું છે? આપણી આ કમજોરીને ધ્યાનમાં રાખવી કંઈ ખોટું નથી. એનાથી યાદ રહેશે કે ભૂલો કરવી ઈશ્વરની નજરમાં ગંભીર પાપ છે. પછી જાણીજોઈને ભૂલો નહિ કરીએ. ખોટાં કામોમાં લાગુ નહિ રહીએ. પણ આપણે પોતાની આ કમજોરીને આંખો સામે રાખીને નિરાશ થવાની જરૂર નથી. પાઊલે આગલા ફકરામાં જે દુઃખ જણાવ્યું, એ પછી તરત તેમણે કહ્યું: “આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વરનો આભાર!” (રોમ ૭:૨૫, પ્રેમસંદેશ) પાઊલને પૂરી ખાતરી હતી કે ઈસુએ જે લોહી વહેવડાવ્યું, એને આધારે તેમને વારસામાં મળેલા પાપમાંથી જરૂર છુટકારો મળશે.—રૂમી ૫:૧૮.
૭. આપણે ભૂલો કરીએ ત્યારે નિરાશ ન થઈ જવા શું મદદ કરી શકે?
૭ શું તમે તમારી ભૂલો માટે પોતાનો જ દોષ કાઢ્યા કરો છો? તમને પ્રેરિત યોહાનના આ શબ્દોમાંથી ઉત્તેજન મળી શકે: “જો કોઈ પાપમાં પડી જાય તો આપણે માટે ઈશ્વરપિતાને વિનંતી કરનાર વકીલ ઈસુ ખ્રિસ્ત છે. જે ન્યાયી છે. ખ્રિસ્તની મારફતે જ આપણાં પાપની આપણને માફી મળે છે; ફક્ત આપણાં પાપ જ નહિ પણ સર્વ માણસોનાં પાપની પણ માફી મળે છે.” (૧ યોહાન ૨:૧, ૨, પ્રેમસંદેશ) આપણે સર્વ આદમના પાપના વારસાને લીધે ભૂલો કરીએ છીએ. જો એમ ન હોત, તો ઈસુને પોતાનું જીવન આપવાની જરૂર પડી ન હોત. ખરેખર, ‘સઘળાએ પાપ કર્યું છે, અને ઈશ્વરના મહિમા વિષે સઘળા અધૂરા રહે છે.’—રૂમી ૩:૨૩.
૮, ૯. પોતાનો જ વાંક કાઢતા હોય એવી લાગણીને આપણે શા માટે દૂર કરવી જોઈએ?
૮ ધારો કે તમે કોઈ ગંભીર પાપમાં પડી ગયા. એ વિષે વારંવાર યહોવાહને પ્રાર્થનામાં કહ્યું હશે. મંડળના વડીલો પાસેથી પણ તમને મદદ મળી હશે. (યાકૂબ ૫:૧૪, ૧૫) તમે એ વિષે દિલથી પસ્તાવો કર્યો હોવાથી તમને મંડળમાં રહેવા દેવામાં આવ્યા છે. અથવા તો, તમે થોડો સમય પરમેશ્વરના સંગઠનથી દૂર થઈ ગયા છો. પણ પછી તમે પસ્તાવો કરીને ફરીથી મંડળમાં આવો છો. આવા કોઈ પણ સંજોગોમાંથી તમે પસાર થયા હોવાથી, એ વિષે વિચારીને તમે દુઃખી થાવ છો. જો એમ હોય તો, યાદ રાખો કે પસ્તાવો કરનારને યહોવાહ “પૂરી માફી” આપે છે. (યશાયા ૫૫:૭, IBSI) એ ઉપરાંત, યહોવાહ નથી ચાહતા કે તમે એમ વિચાર્યા કરો, ‘હું બહુ ખરાબ અને પાપી છું.’ પણ શેતાન જરૂર ચાહે છે કે તમે એવું જ વિચાર્યા કરો. (૨ કોરીંથી ૨:૭, ૧૦, ૧૧) શેતાન નાશને જ લાયક છે. તેનો જરૂર નાશ થશે. તે તમને પણ મહેસૂસ કરાવવા ચાહે છે કે તમે નાશને યોગ્ય છો. (પ્રકટીકરણ ૨૦:૧૦) તમારી શ્રદ્ધા તોડવાની આ શેતાનની ચાલ છે. તેને જીતવા દેશો નહિ. (એફેસી ૬:૧૧) એને બદલે બીજી બાબતોની જેમ આમાં પણ શેતાનની “સામા થાઓ.”—૧ પીતર ૫:૯.
૯ પ્રકટીકરણ ૧૨:૧૦માં શેતાનને ‘ભાઈઓ પર દોષ મૂકનાર’ કહેવામાં આવ્યો છે. તે ઈશ્વર આગળ અભિષિક્ત ભાઈબહેનો પર ‘રાતદહાડો દોષ મૂકે છે.’ આ કલમ પર વિચાર કરવાથી તમને સમજાશે કે યહોવાહ આપણા પર દોષ મૂકતા નથી. સૌથી મોટો આરોપી તો શેતાન છે. આપણે દુઃખી થઈને પોતાનો જ વાંક કાઢીએ, એનાથી શેતાનને ઘણી ખુશી મળે છે. (૧ યોહાન ૩:૧૯-૨૨) આપણી ભૂલો વિષે હંમેશાં વિચાર કરવાથી શું ફાયદો? એમ કરવાથી આપણે યહોવાહની સેવામાં ઠંડા પડી જઈશું. શેતાનને એવો કોઈ પણ મોકો ન આપો, જેનાથી યહોવાહ સાથેનો આપણો નાતો તે તોડી શકે. આપણે શેતાનની ચાલમાં ન ફસાઈએ. એ ક્યારેય ન ભૂલીએ કે યહોવાહ ‘દયાળુ તથા કૃપાળુ છે. કોપ કરવામાં ધીમો અને પ્રેમથી ભરપૂર છે.’—નિર્ગમન ૩૪:૬.
ઈશ્વરની સેવામાં વધારે કરી શકતા ન હોવાથી નિરાશ થઈ શકીએ
૧૦. કેવા સંજોગોને લીધે આપણે નિરાશ થઈ શકીએ?
૧૦ અમુક ભાઈબહેનો ઈશ્વરની સેવામાં વધારે કરવા ચાહતા હોય છે. પણ તેઓ એ કરી ન શકે ત્યારે નિરાશ થઈ જાય છે. શું તમને પણ એમ થાય છે? બીમારી, ઘડપણ કે બીજા સંજોગોને લીધે તમે પ્રચારમાં પહેલાં જેટલું કરી શકતા નથી. ખરું કે ઈશ્વરની સેવામાં વધારે કરવા, બાઇબલ સમયનો સદુપયોગ કરવાનું ઉત્તેજન આપે છે. (એફેસી ૫:૧૫, ૧૬) પણ ઉપર જોઈ ગયા એવા સંજોગોને લીધે તમે પ્રચારમાં વધારે કરી શકતા નથી. એ કારણે તમે હિંમત હારી ગયા હોય તો શું કરી શકાય?
૧૧. ગલાતી ૬:૪માં પાઊલે આપેલી સલાહથી આપણને શું લાભ થશે?
૧૧ બાઇબલ અરજ કરે છે કે ઈશ્વરની સેવામાં ઠંડા ન પડો. “વિશ્વાસ તથા ધીરજથી વચનોના વારસ છે તેઓનું અનુકરણ કરો.” (હેબ્રી ૬:૧૨) એ માટે આપણે તેઓના ઉદાહરણનો વિચાર કરીએ. તેઓના વિશ્વાસનું અનુકરણ કરીએ. પણ આપણે જે કંઈ કરીએ એની તેઓ સાથે સરખામણી ન કરવી જોઈએ. એમ ન વિચારીએ કે આપણે કંઈ સારું કરતા નથી. એમ વિચારવાથી કંઈ ફાયદો નહિ થાય. આપણે પાઊલની આ સલાહ માનવી જોઈએ: “દરેક માણસે પોતાની રહેણીકરણી તપાસી જોવી, અને ત્યારે તેને કોઈ બીજા વિષે નહિ, પણ કેવળ પોતાને વિષે અભિમાન કરવાનું કારણ મળશે.”—ગલાતી ૬:૪.
૧૨. યહોવાહની સેવામાં વધારે કરી શકીએ કે ઓછું, આપણને શા માટે ખુશી થવી જોઈએ?
૧૨ આપણે કોઈ બીમારીને લીધે યહોવાહની સેવામાં બહુ ઓછું કરતા હોઈએ. એવા સંજોગમાં પણ આપણે ખુશ રહી શકીએ. બાઇબલ ખાતરી આપે છે: ‘ઈશ્વર તમારા કામને તથા તેના નામ પ્રત્યે તમે જે પ્રીતિ દેખાડી છે, તેને વિસરે એવા અન્યાયી નથી.’ (હેબ્રી ૬:૧૦) બની શકે કે તમારા જીવનમાં એવા સંજોગો ઊભા થયા હોય, જેના લીધે તમે પહેલાં જેટલી વધારે યહોવાહની ભક્તિ કરી શકતા નથી. પણ હિંમત ન હારો. યહોવાહની મદદથી તમે બીજી રીતોએ પ્રચાર કરી શકો. જેમ કે, ટેલિફોન અથવા પત્રથી. તમે યહોવાહની તન-મનથી સેવા કરો. યહોવાહ અને બીજા લોકો માટે તમે જે પ્રેમ બતાવો છો એને તે ક્યારેય ભૂલશે નહિ. એ માટે યહોવાહ તમને જરૂર આશીર્વાદ આપશે.—માત્થી ૨૨:૩૬-૪૦.
‘સંકટના વખતોથી’ આપણે હારી જઈ શકીએ
૧૩, ૧૪. (ક) ‘સંકટના વખતોને’ લીધે આપણા પર કેવાં દુઃખો આવી પડી શકે? (ખ) આજે કુટુંબમાં પ્રેમ નથી એ કઈ રીતે જોવા મળે છે?
૧૩ આપણે પરમેશ્વરની ન્યાયી દુનિયાની રાહ જોઈએ છીએ. પણ હાલમાં ‘સંકટના વખતોમાં’ જીવી રહ્યા છીએ. (૨ તીમોથી ૩:૧) આપણે ક્યાંથી દિલાસો મેળવી શકીએ? આજે નિરાશ કરનારી જે ઘટનાઓ બની રહી છે એનો વિચાર કરો. એ બતાવે છે કે જલદી જ આપણને એમાંથી છુટકારો મળશે. આપણે આ હકીકતથી આંખ આડા કાન ન કરવા જોઈએ: આપણી ચારે બાજુની પરિસ્થિતિની આપણા પર અસર પડે છે. દાખલા તરીકે, તમારી પાસે નોકરી ન હોય તો શું? નોકરી મળવી મુશ્કેલ હોઈ શકે. મહિનાઓ પસાર થાય તેમ તમે વિચારવા લાગો કે ‘શું યહોવાહ મારી સ્થિતિ જાણે છે? શું તે મારી પ્રાર્થના સાંભળે છે?’ તમારી સાથે અન્યાય થયો હોય કે તમારી સાથે ભેદભાવ રાખવામાં આવે ત્યારે પણ તમને આવી લાગણી થઈ શકે. છાપાની હેડ લાઈન વાંચીને તમને પણ ન્યાયી લોટની જેમ અહેસાસ થાય. લોટને પોતાના સમયના લોકોના ખરાબ વાણી-વર્તનથી “ત્રાસ” લાગતો હતો.—૨ પીતર ૨:૭.
૧૪ આપણે દુનિયાના છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છીએ. એ વિષે બાઇબલ એક ખાસ નિશાની આપતા કહે છે કે ઘણા લોકો “પ્રેમરહિત” થઈ જશે. (૨ તીમોથી ૩:૩) ઘણાં કુટુંબોમાં પ્રેમનો છાંટોય જોવા મળતો નથી. કુટુંબમાં હિંસા (અંગ્રેજી) પુસ્તક કહે છે: “પુરાવા બતાવે છે કે આજે કુટુંબની અંદર જ ખૂન-ખરાબી ને મારપીટ થાય છે. એકબીજાની લાગણીઓને ઠેસ પહોંચાડે છે. જાતીય શોષણ કરવામાં આવે છે. કુટુંબમાં તો એકબીજા પાસેથી પ્રેમ મળવો જોઈએ. સલામતીની લાગણી થવી જોઈએ. પણ અમુક વખત નાના-મોટા લોકો માટે કુટુંબ એક ખતરનાક જગ્યા બની ગઈ છે.” જેઓના ઘરની આવી હાલત હોય, તેઓ નિરાશાની લાગણીનો શિકાર બને છે. શું તમારી સાથે પણ એવું થયું છે?
૧૫. કઈ રીતે યહોવાહનો પ્રેમ કોઈ પણ માણસથી મહાન છે?
૧૫ કવિ દાઊદે એક ગીતમાં જણાવ્યું: “મારા બાપે તથા મારી માએ મને તજી દીધો છે, પણ યહોવાહ મને સંભાળશે.” (ગીતશાસ્ત્ર ૨૭:૧૦) યહોવાહ આપણને ખૂબ ચાહે છે. આપણા માતા-પિતાથી પણ વધારે. એ જાણીને દિલને કેવી રાહત મળે છે! બની શકે કે આપણને માબાપનો પ્રેમ મળ્યો ન હોય. તેઓ કઠોર હોય. અરે, આપણને લાવારિસ છોડી દીધા હોય. આપણું હૈયું વીંધાઈ ગયું હોઈ શકે. પણ યહોવાહ આપણી સંભાળ રાખવાનું બંધ કરતા નથી. (રૂમી ૮:૩૮, ૩૯) યહોવાહ જેઓને ચાહે છે તેઓને કદીયે છોડી નહિ દે. હંમેશાં તેઓની સાથે રહેશે. (યોહાન ૩:૧૬; ૬:૪૪) ભલેને માણસો આપણી સાથે ગમે તેવો વ્યવહાર કરે, પણ યહોવાહ ઈશ્વર આપણને બેહદ પ્રેમ કરે છે!
નિરાશા દૂર કરવા જરૂરી પગલાં લઈએ
૧૬, ૧૭. નિરાશ થઈ જઈએ ત્યારે પરમેશ્વરની ભક્તિમાં ઠંડા ન પડવા શું કરી શકીએ?
૧૬ નિરાશાને દૂર કરવા આપણે જરૂરી પગલાં ભરી શકીએ. દાખલા તરીકે, યહોવાહની ભક્તિમાં ચોક્કસ સમય કાઢીને એનો સારો ઉપયોગ કરીએ. જેમ કે, બાઇબલ વાંચીએ. એના પર વિચાર કરીએ. ખાસ કરીને નિરાશાની લાગણી આપણને ઘેરી વળે ત્યારે એમ કરવું બહુ જરૂરી છે. કવિએ એક ગીતમાં પોતાની લાગણી જણાવી: “હે યહોવાહ, જ્યારે મેં કહ્યું, મારો પગ લપસી જાય છે, ત્યારે, તારી કૃપાએ મને ઝીલી લીધો. મારા અંતરમાં પુષ્કળ ચિંતા થાય છે ત્યારે તારા દિલાસાઓ મારા આત્માને ખુશ કરે છે.” (ગીતશાસ્ત્ર ૯૪:૧૮, ૧૯) નિયમિત બાઇબલ વાંચવાથી પરમેશ્વર આપણને મનની શાંતિ આપી શકે છે. તેમના બોલ આપણને દિલાસો અને હિંમત આપે છે.
૧૭ પ્રાર્થના પણ બહુ જરૂરી છે. આપણે દિલની વાત કહી શકતા ન હોઈએ, તોપણ યહોવાહ જાણે છે કે આપણે શું કહેવા માંગીએ છીએ. (રૂમી ૮:૨૬, ૨૭) કવિએ ખાતરી આપી: “તારો બોજો યહોવાહ પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે; તે કદી ન્યાયીને ઠોકર ખાવા દેશે નહિ.”—ગીતશાસ્ત્ર ૫૫:૨૨.
૧૮. નિરાશાનાં વાદળો ઘેરાયા હોય તો, શું કરવાની જરૂર છે?
૧૮ અમુક ભાઈબહેનો અતિશય નિરાશાને (ક્લિનિકલ ડિપ્રેશન) લીધે બહુ દુઃખી થઈ જાય છે.b તમે પણ એવા દુઃખનો ભોગ બન્યા હોય તો, પરમેશ્વરની નવી દુનિયા વિષે વિચાર કરો. એ સમયે, “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.” (યશાયાહ ૩૩:૨૪) પણ તમને લાગે કે નિરાશાનાં વાદળો હજુ ઘેરાયેલાં છે તો, કોઈ ડૉક્ટરની સલાહ લો. (માત્થી ૯:૧૨) તમે પોતાની તંદુરસ્તીની સંભાળ રાખો એ બહુ જરૂરી છે. યોગ્ય ખોરાક લેવાથી અને થોડી કસરત કરવાથી મદદ મળી શકે. એ પણ ધ્યાન રાખો કે તમને જરૂરી આરામ મળે. મોડી રાત સુધી ટીવી ન જુઓ. એવું કોઈ મનોરંજન ન કરો જેનાથી તમે બહુ થાકી જાઓ અને તમારું મગજ પણ થાકી જાય. સૌથી મહત્ત્વનું તો, એવા કામમાં લાગુ રહો જેનાથી પરમેશ્વર ખુશ થાય. ખરું કે હજી એ સમય આવ્યો નથી જ્યારે યહોવાહ આપણી ‘આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે.’ પણ યહોવાહ તમને નિરાશાને સહન કરવા જરૂર મદદ કરશે.—પ્રકટીકરણ ૨૧:૪; ૧ કોરીંથી ૧૦:૧૩.
‘ઈશ્વરના સમર્થ હાથ નીચે રહીએ’
૧૯. દુઃખી લોકોને યહોવાહ શું વચન આપે છે?
૧૯ ખરું કે ન્યાયી માણસો પર ઘણાં દુઃખો આવી પડે છે. પણ બાઇબલ ખાતરી આપે છે કે “યહોવાહ તે સર્વમાંથી તેને છોડાવે છે.” (ગીતશાસ્ત્ર ૩૪:૧૯) કેવી રીતે? પ્રેરિત પાઊલનો વિચાર કરો. તેમણે વારંવાર યહોવાહને વિનંતી કરી કે તેમને ‘દેહના કાંટામાંથી’ છોડાવે. ત્યારે યહોવાહે કહ્યું: “મારૂં સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે.” (૨ કોરીંથી ૧૨:૭-૯) યહોવાહે પાઊલને શું વચન આપ્યું? એ તમને પણ શું વચન આપે છે? યહોવાહે વચન આપ્યું કે તે તરત જ બીમારીને દૂર નહિ કરે, પણ એ સહન કરવાની શક્તિ આપશે.
૨૦. પહેલો પીતર ૫:૬, ૭ આપણને શું ખાતરી આપે છે?
૨૦ પ્રેરિત પીતરે લખ્યું: ‘ઈશ્વરના સમર્થ હાથ નીચે તમે પોતાને નમાવો કે તે તમને યોગ્ય સમયે ઉચ્ચપદે મૂકે. તમારી સર્વ ચિંતા તેના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.’ (૧ પીતર ૫:૬, ૭) યહોવાહ તમારી કાળજી રાખે છે. તે ક્યારેય છોડી નહિ દે. મુશ્કેલીઓમાં પણ યહોવાહ તમને મદદ કરશે. યાદ રાખો કે વફાદાર ભાઈબહેનો ‘ઈશ્વરના સમર્થ હાથ નીચે છે.’ આપણે યહોવાહની ભક્તિ કરીએ છીએ ત્યારે તે ધીરજ ધરવાની શક્તિ આપે છે. આપણે યહોવાહને વફાદાર હોઈશું તો, કોઈ બાબત યહોવાહની ભક્તિ આડે નહીં આવે. ચાલો આપણે યહોવાહને વિશ્વાસુ રહીએ, જેથી તેમના વચન પ્રમાણે હંમેશાંનું સુખી જીવન પામી શકીએ. એ દિવસ જોઈ શકીએ જ્યારે યહોવાહ દુઃખી લોકોને હંમેશ માટે એમાંથી છોડાવશે. તેઓને સુખી કરશે. (w 06 7/15)
[ફુટનોટ્સ]
a નામ બદલવામાં આવ્યું છે.
b ક્લિનિકલ ડિપ્રેશન કોઈ નાનીસૂની નિરાશા નથી. પણ આ એક બીમારી છે. એનાથી નિરાશાની લાગણીઓ વધી જાય છે. એની વધારે જાણકારી માટે વૉચટાવર ઑક્ટોબર ૧૫, ૧૯૮૮ પાન ૨૫-૨૯; નવેમ્બર ૧૫, ૧૯૮૮ પાન ૨૧-૨૪; અને સપ્ટેમ્બર ૧, ૧૯૯૬નું ચોકીબુરજ પાન ૩૦-૩૧ જુઓ.
આપણે શું શીખ્યા?
• યહોવાહના ભક્તો પર શા માટે દુઃખો આવી પડે છે?
• કઈ બાબતોને લીધે યહોવાહના ભક્તો નિરાશ થઈ શકે?
• આપણી ચિંતાઓને દૂર કરવા યહોવાહ કઈ રીતે મદદ કરે છે?
• આપણે કઈ રીતે ‘ઈશ્વરના સમર્થ હાથ નીચે’ છીએ?
[પાન ૧૭ પર ચિત્રો]
આપણે દુઃખી કે નિરાશ હોઈએ તોપણ ખુશ રહેવાને ઘણાં કારણો છે
[પાન ૨૦ પર ચિત્ર]
યહોવાહની દિલથી ભક્તિ કરવા તમે ટેલિફોનથી પણ પ્રચાર કરી શકો