પૃથ્વી પર અમર જીવન, ઈશ્વરનું વચન!
‘સૃષ્ટિ સ્વાધીન કરનારની ઇચ્છાથી વ્યર્થપણાને સ્વાધીન થઈ; પણ આશાથી સ્વાધીન થઈ.’—રૂમી ૮:૨૦, ૨૧.
૧, ૨. (ક) આપણા માટે પૃથ્વી પર હંમેશ માટેના જીવનની આશા કેમ મહત્ત્વની છે? (ખ) શા માટે ઘણા લોકોને પૃથ્વી પર હંમેશ માટેના જીવન વિષે શંકા છે?
જ્યારે આપણે સાંભળ્યું કે થોડા જ સમયમાં લોકો વૃદ્ધ નહિ થાય, મરશે પણ નહિ અને પૃથ્વી પર હંમેશ માટે જીવશે. એ સાંભળીને આપણને કેટલો આનંદ થયો હતો! (યોહા. ૧૭:૩; પ્રકટી. ૨૧:૩, ૪) એને લીધે આપણા વલણ પર સારી અસર પડે છે. આપણને એ આશા વિષે બીજાઓને જણાવવાનું ઘણું ગમે છે. આ આશા આપણા સંદેશાનો મહત્ત્વનો ભાગ છે.
૨ મોટા ભાગનાં ચર્ચોએ પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા પર ધ્યાન નથી આપ્યું. તેઓ શીખવે છે કે માણસમાં આત્મા જેવું કંઈક છે, જે માણસના મર્યા પછી પણ અમર રહે છે. જ્યારે કે બાઇબલ શીખવે છે કે વ્યક્તિમાં આત્મા જેવું કંઈ જ નથી. વ્યક્તિના મરણ પછી કશું જ બચતું નથી. (હઝકી. ૧૮:૨૦) એટલે જ ઘણા લોકોને પૃથ્વી પર હંમેશ માટેના જીવન વિષે શંકા છે. પણ શું એ શંકા દૂર કરવા બાઇબલ કોઈ પુરાવો આપે છે? જો આપતું હોય તો ઈશ્વરે એના વિષે ક્યારે મનુષ્યોને જણાવ્યું હતું?
‘વ્યર્થપણાને સ્વાધીન થયેલા’ મનુષ્યોને આશા આપવામાં આવી
૩. યહોવાહની મનુષ્ય માટે શું ઇચ્છા હતી?
૩ યહોવાહે પહેલા મનુષ્યને ઉત્પન્ન કરીને બતાવ્યું કે તેમની ઇચ્છા શું હતી. તે ચાહતા હતા કે આદમ અને તેનું કુટુંબ તેમની આજ્ઞા પાળીને હંમેશ માટે જીવે. (ઉત. ૨:૯, ૧૭; ૩:૨૨) આદમના વંશજોને જાણવા મળ્યું કે તેણે યહોવાહની આજ્ઞા તોડીને પાપ કર્યું હતું. એ આ બે બાબતો પરથી દેખાઈ આવતું હતું. એક તો તેઓ એદન બાગમાં જઈ શકતા ન હતા. બીજું કે તેઓ ઘરડા થઈને મરણ પામતા હતા. (ઉત. ૩:૨૩, ૨૪) સમય જતાં માણસોનું જીવન ટૂંકું થતું ગયું. જેમ કે, આદમ ૯૩૦ વર્ષ જીવ્યો. જળપ્રલય પછી શેમ ૬૦૦ વર્ષ જીવ્યો. તેનો દીકરો આર્પાકશાદ ૪૩૮ વર્ષ જીવ્યો. ઈબ્રાહીમના પિતા તેરાહ ૨૦૫ વર્ષ જીવ્યા. ઈબ્રાહીમ ૧૭૫ વર્ષ જીવ્યા. તેમનો દીકરો ઇસ્હાક ૧૮૦ વર્ષ જીવ્યો. યાકૂબ ૧૪૭ વર્ષ જીવ્યા. (ઉત. ૫:૫; ૧૧:૧૦-૧૩, ૩૨; ૨૫:૭; ૩૫:૨૮; ૪૭:૨૮) મનુષ્યની ઉંમરમાં ઘટાડો જોતા તેઓને લાગ્યું હશે કે પોતે મરવાના તો છે જ. પણ શું તેઓ પાસે કોઈ આશા હતી, જેનાથી ભવિષ્યમાં હંમેશ માટેનું જીવન પાછું મેળવી શકે?
૪. આદમે જે ગુમાવ્યું, એ ભવિષ્યમાં ઈશ્વર જરૂર પાછું આપશે, એવી આશા ઈશ્વરભક્તોને શા માટે હતી?
૪ ઈશ્વર બાઇબલમાં જણાવે છે કે મનુષ્યોની ‘સૃષ્ટિ સ્વાધીન કરનારની ઇચ્છાથી વ્યર્થપણાને સ્વાધીન થઈ; પણ આશાથી સ્વાધીન થઈ.’ (રૂમી ૮:૨૦, ૨૧) એ આશા શું છે? એના વિષે બાઇબલની પહેલી ભવિષ્યવાણી જણાવે છે. એમાં એક ‘સંતાનની’ વાત થાય છે, જે ‘સર્પનું માથું છૂંદશે.’ (ઉત્પત્તિ ૩:૧-૫, ૧૫ વાંચો.) એ સંતાન દ્વારા ઈશ્વરભક્તોને આશા મળી કે ઈશ્વરે ભવિષ્યમાં મનુષ્યો માટે અમર જીવન રાખ્યું છે. હાબેલ અને નુહ જેવા વ્યક્તિઓને પણ એ ‘સંતાનમાં’ આશા હતી કે આદમે જે ગુમાવ્યું છે એ બધુંય ઈશ્વર જરૂર પાછું આપશે. ‘સંતાનની એડી છૂંદાશે,’ એના પરથી તેઓને લાગ્યું હશે કે કોઈકનું લોહી વહેવડાવવાની જરૂર પડશે.—ઉત. ૪:૪; ૮:૨૦; હેબ્રી ૧૧:૪.
૫. શા માટે ઈબ્રાહીમને ખાતરી હતી કે યહોવાહ ઇસ્હાકને સજીવન કરશે?
૫ ઈબ્રાહીમનો દાખલો લઈએ. તે “પોતાના એકનાએક પુત્રનું બલિદાન” આપવા તૈયાર હતા. (હેબ્રી ૧૧:૧૮) શા માટે તે એમ કરવા તૈયાર હતા? (હેબ્રી ૧૧:૧૯ વાંચો.) તેમને પૂરો ભરોસો હતો કે યહોવાહ ઇસ્હાકને સજીવન કરશે. એનું એક કારણ એ હતું કે ઈબ્રાહીમ અને સારાહ ઘરડા થયા પછી પણ, ઈશ્વરે ચમત્કારથી દીકરો આપ્યો. (ઉત. ૧૮:૧૦-૧૪; ૨૧:૧-૩; રૂમી ૪:૧૯-૨૧) બીજું કે યહોવાહ તેમને વચન આપ્યું હતું કે “ઇસ્હાકથી તારૂં સંતાન ગણાશે.” (ઉત. ૨૧:૧૨) આ બે કારણોને લીધે ઈબ્રાહીમને પૂરી શ્રદ્ધા હતી કે યહોવાહ ઇસ્હાકને સજીવન કરશે.
૬, ૭. (ક) યહોવાહે ઈબ્રાહીમને શું વચન આપ્યું હતું? (ખ) યહોવાહે ઈબ્રાહીમને જે વચન આપ્યું હતું એમાંથી મનુષ્યને કેવી આશા મળે છે?
૬ ઈબ્રાહીમના વિશ્વાસને લીધે યહોવાહે તેમને ‘વંશ’ કે સંતાન વિષે એક વચન આપ્યું. (ઉત્પત્તિ ૨૨:૧૮ વાંચો.) યહોવાહે એ પણ કહ્યું કે “આકાશના તારા જેટલાં તથા સમુદ્રના કાંઠાની રેતી જેટલાં તારાં સંતાન વધારીશ જ વધારીશ.” યહોવાહે ઈબ્રાહીમને જણાવ્યું નહિ કે કેટલા સંતાન થશે. (ઉત. ૨૨:૧૭) પણ સદીઓ પછી યહોવાહે ખુલાસો કર્યો કે કેટલા સંતાન હશે. સ્વર્ગમાં યહોવાહના રાજ્યમાં ઈસુ અને ૧,૪૪,૦૦૦ ભાઈ-બહેનો ભેગા મળીને, એ “સંતાન” તરીકે ઓળખાય છે. (ગલા. ૩:૨૯; પ્રકટી. ૭:૪; ૧૪:૧) એ ‘સંતાનમાંથી’ ઈસુ સૌથી મહત્ત્વની વ્યક્તિ છે. (ગલા. ૩:૧૬) એ રાજ્ય દ્વારા “પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે.”
૭ યહોવાહે જે વચન આપ્યું એનો શું અર્થ થાય છે, એ ઈબ્રાહીમ પૂરી રીતે સમજી શક્યા નહિ. તેમ છતાં, બાઇબલ જણાવે છે કે ઈબ્રાહીમ ‘જે શહેરને પાયો છે, એમાં આશા રાખતા હતા.’ (હેબ્રી ૧૧:૧૦) એ શહેર ઈશ્વરનું રાજ્ય છે. એ રાજ્યના આશીર્વાદ મેળવવા, ઈબ્રાહીમે ફરીથી સજીવન થવું પડશે. પુનરુત્થાન દ્વારા જ તેના માટે પૃથ્વી પર હંમેશ માટેનું જીવન શક્ય બનશે. એ રાજ્યમાં આર્માગેદનમાંથી બચનારા અને સજીવન થનારા માટે અમર જીવન શક્ય બનશે.—પ્રકટી. ૭:૯, ૧૪; ૨૦:૧૨-૧૪.
‘યહોવાહની શક્તિ મને ફરજ પાડે છે’
૮, ૯. અયૂબનું પુસ્તક શાના વિષે જણાવે છે?
૮ યુસફ અને મુસાના સમયગાળા વચ્ચે અયૂબ નામનો એક વ્યક્તિ થઈ ગયો. અયૂબનું પુસ્તક મુસાએ લખ્યું હોય શકે. એ પુસ્તક સમજાવે છે કે કેમ યહોવાહે અયૂબ પર સતાવણી આવવા દીધી. આખરે એનું શું પરિણામ આવ્યું. આ પુસ્તક ફક્ત અયૂબના જીવન વિષે જ જણાવતું નથી, પણ એ સાબિતી આપે છે કે વિશ્વના માલિક કોણ છે. આ પુસ્તક બતાવે છે કે યહોવાહ સારી રીતે અને યોગ્ય રીતે રાજ કરી શકે છે. શેતાને જે તહોમત મૂક્યા છે કે મુશ્કેલ સંજોગોમાં વ્યક્તિઓ યહોવાહને વિશ્વાસુ નહિ રહે, એ તહોમત અયૂબના દાખલામાં જોવા મળે છે. અયૂબને એ તહોમત વિષે જરાય ખબર ન હતી. અયૂબના ત્રણ મિત્રોએ તેને કહ્યું કે તેણે પાપ કર્યું છે અને યહોવાહને વિશ્વાસુ નથી. પણ તેઓ નામ પૂરતા જ મિત્રો હતા. એટલે અયૂબે તેઓનું માન્યું નહિ અને વિશ્વાસુ રહ્યા. (અયૂ. ૨૭:૫) અયૂબના દાખલામાંથી આપણે શીખી શકીએ છીએ કે સતાવણીઓમાં પણ આપણે વિશ્વના માલિક યહોવાહને વિશ્વાસુ રહી શકીએ છીએ.
૯ અયૂબના મિત્રો બોલી રહ્યા પછી, ‘બારાકેલ બૂઝીના પુત્ર અલીહૂએ ઉત્તર આપ્યો.’ તે કહે છે: “મારે પુષ્કળ બોલવાનું છે; મારા અંદરનો આત્મા [યહોવાહની શક્તિ] મને ફરજ પાડે છે.” (અયૂ. ૩૨:૫, ૬, ૧૮) યહોવાહની શક્તિની મદદથી અલીહૂ જે બોલ્યો, એ અયૂબની સતાવણી પૂરી થઈ ત્યારે સાચું પડ્યું. તેણે જે કહ્યું એ યહોવાહના ભક્તોને ભાવિ માટે આશા આપે છે.
૧૦. શું બતાવે છે કે યહોવાહની અમુક ભવિષ્યવાણીઓ મોટા પાયે પણ પૂરી થાય છે?
૧૦ યહોવાહ જે સમય વિષે ભવિષ્યવાણી જણાવે છે, એ એના સમયમાં જરૂર પૂરી થાય છે. પરંતુ, એનો મોટા પાયે પણ અર્થ થતો હોય છે. એ દાનીયેલની ભવિષ્યવાણીમાંથી જોઈ શકાય છે. એમાં બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારને એક સપનું આવ્યું. તે જુએ છે કે એક મોટા ઝાડને કાપી નાખવામાં આવ્યું. (દાની. ૪:૧૦-૨૭) ખરું કે એ ભવિષ્યવાણી નબૂખાદનેસ્સારના સમયમાં પૂરી થઈ. પણ મોટા પાયા પર તો ૧૯૧૪માં પૂરી થઈ. કેવી રીતે? એ સમજવા આપણે ઈસવીસન પૂર્વે ૬૦૭નો વિચાર કરવો પડે. એ વર્ષમાં દાઊદના વંશમાંથી છેલ્લા રાજાએ રાજ કર્યું. પણ નબૂખાદનેસ્સારના સ્વપ્નમાંથી જોવા મળે છે કે “સાત કાળ” એટલે ૨,૫૨૦ વર્ષ પછી, ઈશ્વરના રાજ્યનો રાજા બનનાર, દાઊદના વંશમાંથી આવશે. એ ઈસુ ખ્રિસ્ત હતા, જે ૧૯૧૪માં ઈશ્વરના રાજ્યના રાજા બન્યા.a તે સ્વર્ગમાંથી પૃથ્વી પર રાજ કરે છે. ઈશ્વરનું રાજ્ય જલદી જ દરેક ભક્તોની આશા પૂરી કરશે.
“તેને કબરમાં જતાં બચાવો”
૧૧. અલીહૂના શબ્દો ઈશ્વર વિષે શું બતાવે છે?
૧૧ અયૂબને જવાબ આપતી વખતે અલીહૂ ‘હજારમાંના એક દૂત’ વિષે વાત કરે છે, જે દૂત ‘માણસને માટે યોગ્ય શું છે એ બતાવવાને’ આવ્યો છે. જો તે દૂત ઈશ્વરને પ્રાર્થના કરે કે ‘ઈશ્વર એ માણસનું મુખ જોઈને હર્ષ પામે’ તો શું થશે? જો એમ થાય તો અલીહૂ કહે છે: ઈશ્વર ‘તે માણસ પર કૃપાવાન થાય અને કહે કે તેને કબરમાં જતાં બચાવો; કેમકે તેના છૂટકાની કિંમત મને મળી છે. ત્યારે બાળકના કરતાં પણ તેનું માંસ નીરોગી થશે; તે જુવાનીની સ્થિતિ પાછી પ્રાપ્ત કરે છે.’ (અયૂ. ૩૩:૨૩-૨૬) અલીહૂના શબ્દો બતાવે છે કે વ્યક્તિનું દિલ સાફ હોય તો, તેના માટે ઈશ્વર “છૂટકાની કિંમત” સ્વીકારવા તૈયાર છે.—અયૂ. ૩૩:૨૪.
૧૨. અલીહૂના શબ્દોથી ઈશ્વરભક્તોને કેવી આશા મળી?
૧૨ અમુક પ્રબોધકોએ જે ભવિષ્યવાણીઓ લખી એ તેઓ પૂરેપૂરી સમજ્યા નહિ. એવી જ રીતે, અલીહૂ પણ છૂટકાની કિંમતની ભવિષ્યવાણી કેવી રીતે પૂરી થશે, એ સમજ્યા નહિ. (દાની. ૧૨:૮; ૧ પીત. ૧:૧૦-૧૨) તેમ છતાં, અલીહૂના શબ્દોએ એ સમયના ભક્તોને આશા આપી કે ઈશ્વર છુટકારાની કિંમત સ્વીકારશે અને એના દ્વારા માણસજાતને દુઃખ, મરણ અને પાપમાંથી છુટકારો આપશે. અલીહૂના શબ્દો પરથી જાણી શકાય કે ભાવિમાં હંમેશ માટેનું જીવન હશે. અયૂબનું પુસ્તક એ પણ બતાવે છે કે ભાવિમાં ગુજરી ગયેલાને ઉઠાડવામાં આવશે.—અયૂ. ૧૪:૧૪, ૧૫.
૧૩. અલીહૂના શબ્દોમાંથી આજે ઈશ્વરભક્તોને કેવી આશા મળે છે?
૧૩ અલીહૂના શબ્દો આજે પણ લાખો ઈશ્વરભક્તોને દુષ્ટ જગતના નાશમાંથી બચી જવાની આશા આપે છે. જે વૃદ્ધ લોકો એમાંથી બચી જશે, તેઓ પાછા યુવાન થશે. (પ્રકટી. ૭:૯, ૧૦, ૧૪-૧૭) એટલું જ નહિ, જેઓ સજીવન થશે તેઓ પણ યુવાન થશે. એ જોઈને ઈશ્વરભક્તોને ઘણો જ આનંદ થશે! ઈસુએ જે છૂટકાની કિંમત આપી એમાં જેઓ ભરોસો મૂકશે, તેઓમાંથી અમુક ભક્તો સ્વર્ગમાં અમર જીવન જીવશે. ઈસુનાં “બીજાં ઘેટાં” પૃથ્વી પર હંમેશ માટેનું જીવન જીવશે.—યોહા. ૧૦:૧૬; રૂમી ૬:૨૩.
પૃથ્વી પર અમર જીવન હશે
૧૪. શું બતાવે છે કે અમર જીવન મેળવવા ઈસ્રાએલીઓને મુસાના નિયમ કરતાં કંઈક વધારેની જરૂર હતી?
૧૪ ઈબ્રાહીમના વંશજો એક ખાસ પ્રજા બન્યા, જ્યારે તેઓ અને યહોવાહ વચ્ચે કરાર થયો. યહોવાહે તેઓને નિયમ આપતા કહ્યું કે “તમારે મારા વિધિઓ તથા હુકમો પાળવા; કેમકે જો કોઈ મનુષ્ય તેમને પાળે તો તે તેઓ વડે જીવન પામે.” (લેવી. ૧૮:૫) તેઓ પૂરી રીતે એ નિયમ પ્રમાણે જીવી શકતા ન હતા. એટલે નિયમ તેઓને દોષિત ઠરાવતો. એમાંથી તેઓને છોડાવવાની જરૂર હતી, જેથી તેઓ અમર જીવન મેળવે.—ગલા. ૩:૧૩.
૧૫. ભવિષ્યમાં કેવા આશીર્વાદો મળશે એના વિષે દાઊદે શું જણાવ્યું?
૧૫ યહોવાહે મુસા પછી બાઇબલના બીજા લેખકોને હંમેશ માટેના જીવનની આશા વિષે લખવા કહ્યું. (ગીત. ૨૧:૪; ૩૭:૨૯) દાખલા તરીકે, દાઊદે એક ગીતના અંતે જણાવ્યું કે સિયોનમાં બધા ભક્તિ કરવા ભેગા મળ્યા અને “યહોવાહે ત્યાં આશીર્વાદ, એટલે અનંતકાળનું જીવન, ફરમાવ્યું.”—ગીત. ૧૩૩:૩.
૧૬. ભવિષ્યમાં “આખી પૃથ્વી” પર જે થશે એ વિષે યહોવાહે યશાયાહને શું કહ્યું?
૧૬ પૃથ્વી પર હંમેશ માટેના જીવન વિષે યહોવાહે યશાયાહ દ્વારા પણ ભવિષ્યવાણી આપી હતી. (યશાયાહ ૨૫:૭, ૮ વાંચો.) એમાં જોવા મળે છે કે પાપ અને મરણ માણસો માટે ગૂંગળાવી નાખે એવો ભારે “ઘૂંઘટ” છે. પણ યહોવાહ પોતાના લોકોને વચન આપે છે કે તે “આખી પૃથ્વી પરથી” પાપ અને મરણને કાઢી નાખશે.
૧૭. મસીહે કઈ રીતે અમર જીવનનો રસ્તો ખુલ્લો કરી આપ્યો?
૧૭ હવે મુસાના નિયમમાં આપેલા અઝાઝેલને સારું વપરાતા બકરાનો વિચાર કરો. વર્ષમાં એક વાર પ્રાયશ્ચિતના દિવસે મુખ્ય યાજક ‘જીવતા બકરાના માથા ઉપર પોતાના બન્ને હાથ મૂકે, ને તેના ઉપર ઈસ્રાએલપુત્રોના સર્વ પાપ કબૂલ કરીને તેઓને બકરાને શિર મૂકે; બકરો તેઓના સર્વ અન્યાય પોતાને શિર ધરીને ઉજ્જડ પ્રદેશમાં લઈ જશે.’ (લેવી. ૧૬:૭-૧૦, ૨૧, ૨૨) મસીહે પણ “ઘણાઓનાં પાપ માથે લીધાં.” યશાયાહની ભવિષ્યવાણી જણાવે છે કે મસીહે બધાનાં “દરદ” અને “દુઃખ” માથે લઈ લીધાં. આમ, તેમણે હંમેશ માટેના જીવનનો રસ્તો ખુલ્લો કરી આપ્યો.—યશાયાહ ૫૩:૪-૬, ૧૨ વાંચો.
૧૮, ૧૯. યશાયાહ ૨૬:૧૯ અને દાનીયેલ ૧૨:૧૩માં કેવી આશા આપેલી છે?
૧૮ યહોવાહે ઈસ્રાએલી લોકોને યશાયાહ દ્વારા કહ્યું: “તારાં મરેલાં જીવશે; મારાં મુડદાં ઊઠશે. હે ધૂળમાં રહેનારા, તમે જાગૃત થાઓ, ને હર્ષનાદ કરો; કેમકે તારૂં ઝાકળ પ્રકાશનું ઝાકળ છે, ને પૃથ્વી મૂએલાંને બહાર કાઢશે.” (યશા. ૨૬:૧૯) હેબ્રી શાસ્ત્રવચનોની આવી કલમો પરથી આશા મળે છે કે ગુજરી ગયેલાને પૃથ્વી પર સજીવન કરવામાં આવશે. દાખલા તરીકે, દાનીયેલ આશરે એકસો વર્ષના હતા ત્યારે, યહોવાહે તેમને આ વચન આપ્યું: “તું વિશ્રામ પામશે, ને તે મુદ્દતને અંતે તું તારા હિસ્સાના વતનમાં ઊભો રહેશે.”—દાની. ૧૨:૧૩.
૧૯ મારથાને પણ પુનરુત્થાનમાં આશા હતી. એટલે જ્યારે તેનો ભાઈ ગુજરી ગયો ત્યારે મારથાએ ઈસુને આમ કહ્યું: “છેલ્લે દહાડે પુનરુત્થાનમાં તે પાછો ઊઠશે, એ હું જાણું છું.” (યોહા. ૧૧:૨૪) હેબ્રી શાસ્ત્રવચનો પૃથ્વી પર પુનરુત્થાન અને અમર જીવનની આશા વિષે શીખવે છે. પણ શું ઈસુએ એના વિષે શીખવ્યું હતું? શું તેમના શિષ્યો જેઓએ બાઇબલ પુસ્તકો લખ્યાં, તેઓએ પણ એ જ આશા વિષે શીખવ્યું? શું યહોવાહ હજુ પણ હંમેશ માટેના જીવનની આશા આપે છે? હવે પછીના લેખમાં તમને આ સવાલોના જવાબ મળશે. (w09 8/15)
[ફુટનોટ્સ]
a દાનીયેલની ભવિષ્યવાણીને ધ્યાન આપો! પુસ્તકનું છઠ્ઠું પ્રકરણ જુઓ.
સમજાવી શકો?
• ‘વ્યર્થપણાને સ્વાધીન થયેલા’ મનુષ્યોને કેવી આશા આપવામાં આવી?
• શું બતાવે છે કે ઈબ્રાહીમને પુનરુત્થાનમાં આશા હતી?
• અલીહૂએ અયૂબને જે કહ્યું એમાંથી માણસજાતને કેવી આશા મળે છે?
• કેવી રીતે હેબ્રી શાસ્ત્રવચનો પૃથ્વી પર પુનરુત્થાન અને હંમેશ માટેના જીવનની આશા આપે છે?
[પાન ૧૧ પર ચિત્ર]
અલીહૂએ અયૂબને જે કહ્યું, એમાંથી આશા મળે છે કે એક દિવસે પાપ અને મરણ જતાં રહેશે
[પાન ૧૨ પર ચિત્ર]
દાનીયેલને ખાતરી અપાઈ કે ‘મુદ્દતને અંતે તે પોતાના હિસ્સાના વતનમાં ઊભા રહેશે’