પૃથ્વી પર અમર જીવનની આશા વિષે ઈસુએ શીખવ્યું
“તે [યહોવાહ] તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી.”—પ્રકટી. ૨૧:૪.
૧, ૨. આપણે કેવી રીતે કહી શકીએ કે પહેલી સદીના યહુદીઓને પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા હતી?
એક અમીર અને જાણીતો યુવાન, ઈસુ પાસે દોડી જાય છે. તે ઘૂંટણે પડીને પૂછે છે: “ઉત્તમ ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા માટે હું શું કરૂં?” (માર્ક ૧૦:૧૭) આ યુવાન હંમેશ માટેનું જીવન કેવી રીતે મેળવવું, એ પૂછી રહ્યો હતો. પણ ક્યાં, સ્વર્ગમાં કે પૃથ્વી પર? આપણે ગયા લેખમાં જોઈ ગયા કે ઈશ્વરે યહુદીઓને પુનરુત્થાનની અને પૃથ્વી પર હંમેશ માટેના જીવનની આશા આપી હતી. એવી આશા પહેલી સદીના ઘણા યહુદીઓ પણ રાખતા હતા.
૨ મારથાને પણ એવી જ આશા હતી. એટલે જ પોતાના ભાઈ વિષે તેણે ઈસુને આમ કહ્યું: “છેલ્લે દહાડે પુનરુત્થાનમાં તે પાછો ઊઠશે, એ હું જાણું છું.” (યોહા. ૧૧:૨૪) એ સમયના સાદુકીઓ પુનરુત્થાનમાં માનતા ન હતા. (માર્ક ૧૨:૧૮) તેમ છતાં, જ્યોર્જ મોર નામે એક લેખક કહે છે: “પહેલી અને બીજી સદીનાં લખાણો બતાવે છે કે ઘણા લોકો માનતા હતા કે એવો સમય ચોક્કસ આવશે, જ્યારે જેઓ ગુજરી ગયા છે તેઓને પૃથ્વી પર પાછા ઉઠાડવામાં આવશે.” (જ્યુડાઈઝમ ઈન ધ ફર્સ્ટ સેન્ચુરી ઑફ ધ ક્રિશ્ચિયન ઈરા) આ બતાવે છે કે જે અમીર માણસ ઈસુ પાસે આવ્યો, તેને પૃથ્વી પર હંમેશ માટેનું જીવન જોઈતું હતું.
૩. આ લેખમાં આપણે કયા પ્રશ્નોની સમજણ મેળવીશું?
૩ આજે ઘણા ધર્મો અને ઘણા બાઇબલ સ્કૉલર કહે છે કે ઈસુએ પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા વિષે કદી પણ શીખવ્યું ન હતું. ઘણા લોકો માને છે કે વ્યક્તિમાં આત્મા જેવું કંઈક છે, જે તેના મર્યા પછી પણ અમર રહે છે. તેથી, ગ્રીક શાસ્ત્રવચનોમાં “અનંતજીવન” વાંચે ત્યારે, તેઓને લાગે છે કે એ સ્વર્ગના જીવનની વાત થાય છે. શું એ સાચું છે? શું ઈસુ પણ એવું જ કહેવા માગતા હતા? ઈસુના શિષ્યો શું માનતા હતા? “અનંતજીવન” વિષે ગ્રીક શાસ્ત્રવચનો શું શીખવે છે? ચાલો જોઈએ.
“પુનરૂત્પત્તિમાં” હંમેશ માટેનું જીવન
૪. “પુનરૂત્પત્તિમાં” શું થવાનું છે?
૪ બાઇબલ શીખવે છે કે સ્વર્ગમાં જવા પસંદ કરાયેલાનું પુનરુત્થાન થયા પછી, તેઓ સ્વર્ગમાંથી પૃથ્વી પર રાજ કરશે. (લુક ૧૨:૩૨; પ્રકટી. ૫:૯, ૧૦; ૧૪:૧-૩) ઈસુએ ફક્ત એ લોકોને જ ધ્યાનમાં રાખીને હંમેશ માટેના જીવનની વાત કરી ન હતી. પરંતુ પૃથ્વી પર હંમેશ માટે રહેનારા વિષે પણ વાત કરી. જેમ કે ઈસુએ યુવાન અમીર માણસને અમર જીવવા પોતાની સંપત્તિ છોડીને શિષ્ય બનવાનું આમંત્રણ આપ્યું. પણ તે સંપત્તિ છોડી ન શકતો હોવાથી, દુઃખી થઈને જતો રહ્યો. ત્યાર પછી ઈસુએ પોતાના શિષ્યોને જે કહ્યું, એ ઘણું જ મહત્ત્વનું છે. (માત્થી ૧૯:૨૮, ૨૯ વાંચો.) તેમણે કહ્યું કે શિષ્યો ‘ઈસ્રાએલનાં બારે કુળનો ન્યાય કરતા બાર રાજ્યાસનો પર બેસશે.’ એટલે કે શિષ્યો સ્વર્ગમાંથી પૃથ્વી પરના લોકો પર રાજ કરશે. (૧ કોરીં. ૬:૨) ઈસુએ કહ્યું કે ‘જે કોઈ’ તેમને માર્ગે ચાલશે, તેઓને આશીર્વાદ મળશે. એવી વ્યક્તિઓ “અનંતજીવનનો વારસો પામશે.” આ બધું “પુનરૂત્પત્તિમાં” થશે.
૫. ‘પુનરૂત્પત્તિ’ કે “નવસર્જન” દ્વારા ઈસુ શું કહેવા માંગતા હતા?
૫ ‘પુનરૂત્પત્તિ’ એટલે શું? બીજું એક બાઇબલ એના માટે “નવસર્જન” શબ્દ વાપરે છે. (માથ્થી ૧૯:૨૮, સંપૂર્ણ) ઈસુએ આ શબ્દો વાપર્યા ત્યારે, તેમણે એની વધારે સમજણ ન આપી. એ બતાવે છે કે યહુદીઓ પહેલેથી જ જાણતા હતા કે ઈસુ પૃથ્વી પર બનનાર બનાવ વિષે જણાવતા હતા. જ્યારે ઈસુએ ‘નવસર્જનની’ વાત કરી, ત્યારે એ પૃથ્વી પર જે બનવાનું હતું, એની વાત કરતા હતા. એમાં આદમ અને હવાએ પાપ કર્યા પહેલાં પૃથ્વી જેવી હતી, એવી જ બનવાની હતી. એ ‘નવસર્જનથી’ ઈશ્વરનું આ વચન પૂરું થશે: “હું નવાં આકાશ તથા નવી પૃથ્વી ઉત્પન્ન કરનાર છું.”—યશા. ૬૫:૧૭.
૬. ઘેટાં અને બકરાંનો દાખલો શું બતાવે છે? એનાથી હંમેશ માટેના જીવનની કેવી આશા મળે છે?
૬ ઈસુ જ્યારે આ દુષ્ટ જગતના અંત વિષે વાત કરતા હતા, ત્યારે ફરી વાર તેમણે હંમેશ માટેના જીવનની વાત કરી. (માથ. ૨૪:૧-૩) ઈસુએ કહ્યું કે “જ્યારે માણસનો દીકરો પોતાના મહિમામાં સર્વ પવિત્ર દૂતો સુદ્ધાં આવશે, ત્યારે તે પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે. અને સર્વ દેશજાતિઓ તેની આગળ એકઠી કરાશે; અને જેમ ઘેટાંપાળક ઘેટાંને બકરાંથી જુદાં પાડે છે, તેમ તે તેઓને એકબીજાથી જુદી પાડશે.” (માથ. ૨૫:૩૧-૩૪, ૪૦, ૪૧, ૪૫) બકરાં જેવા દુષ્ટ લોકો “અનંતકાળની શિક્ષામાં જશે.” પણ ઘેટાં જેવા ‘ન્યાયી લોકો અનંતજીવનમાં પ્રવેશ પામશે.’ (માથ્થી ૨૫:૪૬, IBSI) આ ‘ન્યાયીઓએ’ ઈસુના પસંદ કરાયેલા ‘ભાઈઓને’ સાથ આપ્યો છે, એટલે તેઓને હંમેશ માટેનું જીવન મળશે. ઈસુના પસંદ કરાયેલા ભાઈઓ સ્વર્ગમાંથી રાજ કરશે. “ન્યાયીઓ” પૃથ્વી પર એ રાજ્યની પ્રજા બનશે. બાઇબલ જણાવે છે કે “તે [ઈસુ] સમુદ્રથી સમુદ્ર સુધી, અને નદીથી તે પૃથ્વીની સીમા સુધી રાજ કરશે.” (ગીત. ૭૨:૮) આમ, ન્યાયી લોકો પૃથ્વી પર હંમેશ માટેના જીવનમાં આનંદ માણશે.
યોહાનનું પુસ્તક શું બતાવે છે?
૭, ૮. ઈસુએ નીકોદેમસ સાથે કઈ બે આશા વિષે વાત કરી?
૭ માત્થી, માર્ક અને લુકના પુસ્તકમાં ઈસુએ “અનંતજીવન” શબ્દ ઘણી વાર વાપર્યો છે. યોહાનના પુસ્તકમાં પણ ઈસુએ અનંતજીવન જેવા શબ્દો લગભગ ૧૭ વખત વાપર્યા છે. ચાલો એમાંના અમુક બનાવો જોઈએ, જેમાં ઈસુએ આ શબ્દો વાપર્યા હતા.
૮ યોહાનના પુસ્તક પ્રમાણે ઈસુએ પહેલી વખત અનંતજીવન શબ્દ નીકોદેમસ નામના ફરોશી સાથે વાત કરતા વાપર્યો હતો. ઈસુએ તેને કહ્યું: “જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી [યહોવાહની શક્તિથી] જન્મ્યું ન હોય, તો દેવના રાજ્યમાં તે જઈ શકતું નથી.” જેઓ યહોવાહના રાજ્યમાં જવા માંગે, તેઓએ “નવો જન્મ” લેવો પડે. (યોહા. ૩:૩-૫) ઈસુએ નીકોદેમસને સ્વર્ગની આશા વિષે જ વાત ન કરી. તેમણે એમ પણ જણાવ્યું કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેમને “અનંતજીવન” મળશે. (યોહાન ૩:૧૬ વાંચો.) તે પૃથ્વી પર હંમેશ માટેના જીવનની પણ વાત કરી રહ્યા હતા.
૯. સમરૂની સ્ત્રી સાથે ઈસુએ કઈ આશા વિષે વાત કરી?
૯ યરૂશાલેમમાં નીકોદેમસ સાથે વાત કર્યા પછી, ઈસુએ ગાલીલ તરફ મુસાફરી કરી. રસ્તામાં તે સમરૂનના સૈખાર નામે એક શહેર આગળ આવ્યા. ત્યાં તેમણે યાકૂબના કૂવા પાસે એક સ્ત્રી સાથે વાત કરી. ઈસુએ તેને કહ્યું: “જે પાણી હું આપીશ, તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહિ; પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, તે અનંતજીવન સુધી ઝર્યાં કરશે.” (યોહા. ૪:૫, ૬, ૧૪) આ પાણી શાને રજૂ કરે છે? એ બતાવે છે કે ઈસુ દ્વારા ઈશ્વર સર્વ લોકોને હંમેશ માટેનું જીવન પાછું આપશે. એનાથી સ્વર્ગમાં જનારા અને પૃથ્વી પર રહેનારા બંનેને આશીર્વાદ મળે છે. પ્રકટીકરણના પુસ્તકમાં ઈશ્વર પોતે કહે છે: “હું તરસ્યાને જીવનના પાણીના ઝરામાંથી મફત આપીશ.” (પ્રકટી. ૨૧:૫, ૬; ૨૨:૧૭) આ બતાવે છે કે ઈસુએ સમરૂની સ્ત્રી સાથે વાત કરી ત્યારે, ફક્ત સ્વર્ગમાં જવાની આશાની જ નહિ, પરંતુ પૃથ્વી પરની આશાની પણ વાત કરી.
૧૦. ઈસુએ અમર જીવનની આશા વિષે પોતાના વિરોધીઓને શું જણાવ્યું?
૧૦ એક વર્ષ પછી ઈસુ યરૂશાલેમ આવ્યા. ત્યાં તેમણે બેથેસદા કુંડ પાસે એક બીમાર માણસને સાજો કર્યો. એ માટે અમુક યહુદીઓએ ઈસુનો વિરોધ કર્યો. તેઓને ઈસુએ કહ્યું: “દીકરો બાપને જે કંઈ કરતો જુએ છે તે સિવાય પોતે કંઈ કરી નથી શકતો; કેમકે તે જે જે કરે છે તે તે દીકરો પણ કરે છે.” પછી ઈસુએ તેઓને જણાવ્યું કે યહોવાહે ‘ન્યાય ચૂકવવાનું સઘળું કામ દીકરાને સોંપ્યું છે.’ એટલે ઈસુ આમ કહે છે: “જે મારાં વચન સાંભળે છે, અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે.” ઈસુ ઉમેરે છે: “એવી વેળા આવે છે કે જ્યારે જેઓ કબરમાં છે તેઓ સર્વ તેની [માણસના દીકરાની] વાણી સાંભળશે; અને જેઓએ સારાં કામ કર્યાં છે, તેઓ જીવનનું ઉત્થાન [અનંતજીવન] પામવા સારૂ, અને જેઓએ ભૂંડાં કામ કર્યાં છે, તેઓ દંડનું ઉત્થાન [સજા] પામવા સારૂ, નીકળી આવશે.” (યોહા. ૫:૧-૯, ૧૯, ૨૨, ૨૪-૨૯) ઈસુએ વિરોધીઓને જણાવ્યું કે યહોવાહે પોતાના ‘દીકરાને’ પસંદ કર્યા છે, જે પૃથ્વી પર અમર જીવનની આશા પૂરી કરશે. ગુજરી ગયેલા લોકોને સજીવન કરશે.
૧૧. યોહાન ૬:૪૮-૫૧ની કલમોમાંથી કેવી રીતે આપણે જાણી શકીએ કે ઈસુએ અનંતજીવનની આશા વિષે જણાવ્યું?
૧૧ ગાલીલમાં ઈસુએ ચમત્કાર કરીને હજારો લોકોને રોટલી આપી. એ પછી તેઓ ઈસુની પાછળ પાછળ જવા લાગ્યા. ઈસુએ તેઓ સાથે “જીવનની રોટલી” વિષે વાત કરી. (યોહાન ૬:૪૦, ૪૮-૫૧ વાંચો.) ઈસુએ કહ્યું કે “જે રોટલી હું આપીશ તે મારૂં માંસ છે.” ઈસુએ પોતાનું જીવન ફક્ત સ્વર્ગમાં પસંદ કરાયેલા લોકો માટે જ નહિ, પણ “જગતના જીવનને સારૂ” આપ્યું. “જો કોઈ એ રોટલી ખાય,” એટલે કે ઈસુના બલિદાનમાં વિશ્વાસ મૂકે, તો એવા લોકોને અમર જીવનની આશા મળશે. આમ, ઈસુએ યહુદીઓને પૃથ્વી પરના અમર જીવનની આશા વિષે જણાવ્યું, જે તેઓ વર્ષોથી માનતા હતા. એ હંમેશ માટેના જીવનની આશા મસીહના રાજમાં પૂરી થશે.
૧૨. ઈસુએ જ્યારે કહ્યું કે ‘મારાં ઘેટાંને અનંતજીવન આપું છું’ ત્યારે એ કઈ બે આશા વિષે વાત કરી રહ્યા હતા?
૧૨ યરૂશાલેમમાં પ્રતિષ્ઠા પર્વ હતું ત્યારે, ઈસુ પોતાના વિરોધીઓને જણાવે છે કે “તમે વિશ્વાસ કરતા નથી, કેમકે તમે મારાં ઘેટાંમાંના નથી. મારાં ઘેટાં મારો સાદ સાંભળે છે, વળી હું તેઓને ઓળખું છું, અને તેઓ મારી પાછળ ચાલે છે. હું તેઓને અનંતજીવન આપું છું.” (યોહા. ૧૦:૨૬-૨૮) શું અહીંયા ઈસુ ફક્ત સ્વર્ગની વાત કરતા હતા કે પછી પૃથ્વી પરના અનંતજીવનની પણ વાત કરતા હતા? થોડા સમય પહેલાં જ, ઈસુએ પોતાના શિષ્યોને દિલાસો આપતા જણાવ્યું હતું કે “ઓ નાની ટોળી, બીહો મા; કેમકે તમને રાજ્ય આપવાની તમારા બાપની ખુશી છે.” (લુક ૧૨:૩૨) પણ આ પર્વ વખતે ઈસુએ કહ્યું: “મારાં બીજાં ઘેટાં પણ છે, તેઓ આ વાડામાંનાં નથી; તેઓને પણ મારે લાવવાની જરૂર છે.” (યોહા. ૧૦:૧૬) આ બતાવે છે કે ઈસુ પોતાના વિરોધીઓ સાથે વાત કરતા હતા ત્યારે તેઓને બે આશા વિષે જણાવ્યું. એક તો જેઓને સ્વર્ગની આશા છે, એ “નાની ટોળી.” બીજી પૃથ્વી પરના અમર જીવનની આશા છે, જેમાં લાખો “બીજાં ઘેટાં” જેવા લોકો છે.
કેવી આશા વિષે વધારે સમજણની જરૂર હતી?
૧૩. ઈસુએ જ્યારે કહ્યું કે “તું મારી સાથે પારાદૈસમાં હોઈશ” એનો શું અર્થ થાય?
૧૩ માણસજાતને પૃથ્વી પર અમર જીવનની આશા છે, એની ખાતરી આપણને એક બનાવમાંથી મળે છે. જ્યારે ઈસુ વધસ્તંભ પર હતા, ત્યારે તેમની બાજુમાં વધસ્તંભે જડેલા એક ગુનેગારે કહ્યું: “હે ઈસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભારજે. તેણે તેને કહ્યું, કે હું તને ખચીત કહું છું, કે આજ તું મારી સાથે પારાદૈસમાં હોઈશ.” (લુક ૨૩:૪૨, ૪૩) એ ગુનેગાર યહુદી હતો. એટલે તે ‘પારાદૈસ’ વિષે જાણતો હતો અને એ વિષે વધારે સમજણ આપવાની જરૂર ન હતી. તેને ખબર હતી કે ભવિષ્યમાં સુંદર પૃથ્વી પર અમર જીવન મળશે.
૧૪. (ક) શું બતાવે છે કે સ્વર્ગની આશા વિષે સમજવું શિષ્યો માટે અઘરું હતું? (ખ) કયા બનાવ પછી શિષ્યો સ્વર્ગની આશા વિષે સમજી શક્યા?
૧૪ યહુદીઓ પૃથ્વી પરની આશા વિષે જાણતા હતા. પણ ઈસુએ સ્વર્ગની આશા વિષે જણાવ્યું ત્યારે તેઓને વધારે સમજણની જરૂર પડી. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે તે સ્વર્ગમાં જઈને તેઓ માટે જગ્યા તૈયાર કરશે. શિષ્યોને ખબર ન પડી કે ઈસુ શું કહેતા હતા. (યોહાન ૧૪:૨-૫ વાંચો.) એટલે ઈસુ તેઓને જણાવે છે કે “હજી મારે તમને ઘણી વાતો કહેવાની છે, પણ હમણાં તે તમે ખમી શકતા નથી. તોપણ જે સત્યનો આત્મા, તે જ્યારે આવશે, ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે.” (યોહા. ૧૬:૧૨, ૧૩) પેન્તેકોસ્ત ૩૩ની સાલમાં જ્યારે ઈશ્વરે તેઓને પોતાની શક્તિથી ભરપૂર કર્યા, ત્યારે શિષ્યોને ખબર પડી કે તેઓ સ્વર્ગમાં રાજ કરશે. (૧ કોરીં. ૧૫:૪૯; કોલો. ૧:૫; ૧ પીત. ૧:૩, ૪) આ આશા બધા માટે નવી હોવાથી, શિષ્યોનું ધ્યાન આના વિષે જણાવવામાં લાગ્યું. એટલે ગ્રીક શાસ્ત્રવચનોમાં આ આશા વિષે વધારે વાત થાય છે. પણ શું એમાં પૃથ્વી પરની આશા વિષે જણાવ્યું છે?
ગ્રીક શાસ્ત્રવચનો શું જણાવે છે?
૧૫, ૧૬. પાઊલે અને પીતરે જે લખ્યું એમાં કઈ રીતે પૃથ્વી પર હંમેશ માટેના જીવનની આશા મળે છે?
૧૫ પ્રેરિત પાઊલે હેબ્રી મંડળના ભાઈ-બહેનોને પત્ર લખ્યો ત્યારે, તેઓને “પવિત્ર ભાઈઓ, સ્વર્ગીય તેડાના ભાગીદાર” કહ્યા. (હેબ્રી ૩:૧) તેમણે એ પણ કહ્યું કે ઈશ્વરે ‘નવી દુનિયા ઉપર શાસન કરવા’ ઈસુને પસંદ કર્યા છે. (હિબ્રૂઓ ૨:૩, ૫, ઇઝી ટુ રીડ વર્શન) એ બતાવે છે કે ભવિષ્યમાં ઈસુ “નવી દુનિયા” એટલે કે પૃથ્વી પર રાજ કરશે. એ વખતે ઈસુ જ ઈશ્વરનું વચન પૂરું કરશે કે ‘ન્યાયીઓ પૃથ્વીનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.’—ગીત. ૩૭:૨૯.
૧૬ ઈશ્વરે પ્રેરિત પીતરને માણસજાતના ભવિષ્ય વિષે જણાવ્યું. પીતરે લખ્યું: “હમણાંનાં આકાશ તથા પૃથ્વી તે જ શબ્દથી ન્યાયકાળ તથા અધર્મી માણસોના નાશના દિવસ સુધી રાખી મૂકેલાં છતાં બાળવાને સારૂ તૈયાર રાખેલાં છે.” (૨ પીત. ૩:૭) અત્યારે રાજ કરી રહેલી ‘આકાશ’ જેવી સરકારો અને દુષ્ટ લોકોનું શું થશે? (૨ પીતર ૩:૧૩ વાંચો.) તેઓનો નાશ થશે. “નવાં આકાશ” એટલે કે ઈશ્વરનું મસીહી રાજ્ય પૃથ્વી પર આવશે. “નવી પૃથ્વી” એટલે કે યહોવાહને વિશ્વાસુ કે ન્યાયી લોકોથી પૃથ્વી ભરાઈ જશે.
૧૭. પ્રકટીકરણ ૨૧:૧-૪માં કેવી આશા આપવામાં આવી છે?
૧૭ પ્રકટીકરણનું પુસ્તક પણ માણસજાત માટે આશા આપે છે. એ જણાવે છે કે હરેક દુઃખ-તકલીફો કાઢી નાખવામાં આવશે. પછી કોઈ મરશે જ નહિ. (પ્રકટીકરણ ૨૧:૧-૪ વાંચો.) આદમે એદન બાગમાં પાપ કર્યું ત્યાર પછી, વ્યક્તિઓ આવા જીવનની આશા રાખી રહ્યા છે. ન્યાયી માણસો ઘરડા થયા વગર, સુંદર પૃથ્વી પર હંમેશ માટેનું જીવન જીવશે. આ આશા હેબ્રી અને ગ્રીક શાસ્ત્રવચનોમાં આપેલી છે. એ આશા દ્વારા જ આજે યહોવાહના ભક્તોનો વિશ્વાસ મજબૂત થાય છે.—પ્રકટી. ૨૨:૧, ૨. (w09 8/15)
તમે સમજાવી શકો?
• ‘પુનરૂત્પત્તિ’ કે “નવસર્જન” દ્વારા ઈસુ શું કહેવા માંગતા હતા?
• ઈસુએ નીકોદેમસ સાથે કઈ બે આશા વિષે વાત કરી?
• ઈસુએ કહ્યું કે “તું મારી સાથે પારાદૈસમાં હોઈશ,” એનો શું અર્થ થાય?
• પાઊલે અને પીતરે જે લખ્યું, એમાં કઈ રીતે પૃથ્વી પર હંમેશ માટેના જીવનની આશા મળે છે?
[પાન ૧૪ પર ચિત્ર]
નમ્ર લોકો પૃથ્વી પર હંમેશ માટે જીવશે
[પાન ૧૬ પર ચિત્ર]
ઈસુએ બીજાઓને અમર જીવનની વાત કરી