યહોવાહનો શબ્દ જીવંત છે
તીતસ, ફિલેમોન અને હેબ્રીઓને પત્રોના મુખ્ય વિચારો
પાઊલ ૬૧ની સાલમાં રોમની કેદમાંથી છૂટ્યા. એના થોડા સમય પછી, ક્રીતનાં મંડળોની મુલાકાત લીધી. તેઓને મદદ આપવા પાઊલે તીતસને ત્યાં રહેવા દીધા. પછી કદાચ મકદોનિયાથી તીતસને પત્ર લખ્યો. એમાં તેમને માર્ગદર્શન અને ફેરફાર કરવા અધિકાર આપ્યો.
૬૧ની સાલમાં જેલમાંથી છૂટ્યા પહેલાં, પાઊલે પોતાના દોસ્ત ફિલેમોનને પત્ર લખ્યો હતો. તે ભાઈ કોલોસે મંડળમાં હતા.
આશરે ૬૧ની સાલમાં જ પાઊલે યહુદાહમાંના હેબ્રી મંડળને પત્ર લખ્યો. એમાં બતાવ્યું કે હવેથી યહુદી માન્યતા નહિ, પણ ખ્રિસ્તી માન્યતા જ પાળવી જોઈએ. એ ત્રણેય પત્રોમાં આપણા માટે સરસ સલાહ છે.—હેબ્રી ૪:૧૨.
સત્યમાં અડગ રહીએ
‘નગરેનગર વડીલો ઠરાવવા’ પાઊલે તીતસને માર્ગદર્શન આપ્યું. સલાહ આપી કે ‘આડા માણસોને સખત રીતે ધમકાવ, જેથી તેઓ વિશ્વાસમાં દ્રઢ રહે.’ પછી ક્રીતનાં મંડળોને ઉત્તેજન આપ્યું કે ‘અધર્મનો ત્યાગ કરીને ઠાવકાઈથી,’ એટલે સમજી-વિચારીને વર્તે.—તીત. ૧:૫, ૧૦-૧૩; ૨:૧૨.
પાઊલે ક્રીતના ભાઈઓને સલાહ આપી કે સત્યમાં અડગ રહો. તીતસને જણાવ્યું કે ‘મૂર્ખતાભરેલા વાદવિવાદો અને નિયમશાસ્ત્ર વિષેની તકરારોથી અલગ રહે.’—તીત. ૩:૯.
સવાલ-જવાબ:
૧:૧૫—કઈ રીતે “શુદ્ધોને મન સઘળું શુદ્ધ છે; પણ ભ્રષ્ટ તથા અવિશ્વાસીઓને મન કંઈ પણ શુદ્ધ નથી”? એ સમજવા ચાલો જોઈએ કે પાઊલ શાને “સઘળું” કહેતા હતા. બાઇબલ જેની મના કરે છે એ નહિ, પણ જેની પસંદગી કરવાની હોય, એવી બાબતોની તે વાત કરતા હતા. જેઓના વિચારો બાઇબલ પ્રમાણે ઘડાયા હોય, તેઓના મને એવી પસંદગી શુદ્ધ હતી. પણ જો વ્યક્તિનું મન ભ્રષ્ટ હોય, તો તેના માટે કંઈ પણ શુદ્ધ નથી.a
૩:૫—સ્વર્ગમાં જનારા કઈ રીતે “સ્નાનથી” અને ‘પવિત્ર આત્માથી તારવામાં આવ્યા’? “સ્નાનથી” એટલે કે ઈસુની કુરબાનીના લોહીથી ઈશ્વરે તેઓને શુદ્ધ કર્યા. “પવિત્ર આત્માથી” તેઓની “નવી ઉત્પત્તિ” થઈ. તેઓ ઈશ્વરના પસંદ કરેલાં સંતાનો કહેવાયાં.—૨ કોરીં. ૫:૧૭.
આપણે શું શીખી શકીએ?
૧:૧૦-૧૩; ૨:૧૫. મંડળમાં કંઈ ખોટું થતું હોય તો, વડીલોએ હિંમતથી એને સુધારવું જોઈએ.
૨:૩-૫. પહેલી સદીની જેમ અનુભવી બહેનો ‘સારા આચરણ કરનારી, કૂથલી કરનારી નહિ, ઘણો દ્રાક્ષારસ પીનારી નહિ, પણ સારી શિખામણ આપનારી’ બને. પછી તેઓ “જુવાન સ્ત્રીઓને” મદદ કરી શકે.
૩:૮, ૧૪. આપણે ‘સારાં કામ કરતા’ રહીએ. એ ‘સારું અને હિતકારક’ છે. એ યહોવાહની ભક્તિમાં સફળ થવા અને દુનિયાથી અલગ રહેવા મદદ કરે છે.
‘પ્રેમપૂર્વક વિનંતી’
ફિલેમોને ‘પ્રેમ અને વિશ્વાસનો’ દાખલો બેસાડ્યો. મંડળને ઘણો લાભ થયો. એનાથી પાઊલને બહુ આનંદ થયો અને ‘દિલાસો મળ્યો.’—ફિલે. ૪, ૫, ૭.
પાઊલે ઓનેસીમસ વિષે જે ઉકેલ કાઢ્યો, એ વડીલો માટે સરસ દાખલો છે. તેમણે કોઈને હુકમ નહિ, પણ ‘પ્રેમથી વિનંતી’ કરી. ફિલેમોનને કહ્યું કે “તું મારૂં કહ્યું માનીશ એવો ભરોસો રાખીને હું આ પત્ર લખું છું, કેમકે હું જાણું છું કે હું જે કહું છું તે કરતાં પણ તું વધારે કરીશ.”—ફિલે. ૮, ૯, ૨૧.
સવાલ-જવાબ:
૧૦, ૧૧, ૧૮—ઓનેસીમસ પહેલાં કઈ રીતે ‘ઉપયોગી ન હતા’ અને પછી “ઉપયોગી” બન્યા? ઓનેસીમસ કોલોસેમાં રહેતા ફિલેમોનના દાસ હતા. પણ તે દાસ રહેવા તૈયાર ન હતા. એટલે તે ૧,૪૦૦ કિલોમીટર દૂર રોમ નાસી છૂટ્યા, જેનો ખર્ચ કાઢવા ફિલેમોનના ઘરમાંથી ચોરી કરી હતી. તે ફિલેમોન માટે ‘ઉપયોગી ન હતા.’ રોમમાં પાઊલે ઓનેસીમસને સત્ય શીખવ્યું. પછી તે “ઉપયોગી” બન્યા.
૧૫, ૧૬—પાઊલે ફિલેમોનને કેમ ન કહ્યું કે ઓનેસીમસને હવેથી દાસ ન ગણે? પાઊલ ફક્ત ‘ઈશ્વરના રાજ્ય વિષે ઉપદેશ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષેની વાતોનો બોધ કરવા’ પર જ ધ્યાન આપવા માગતા હતા. એટલે તેમણે એવી બાબતોમાં માથું નહિ માર્યું.—પ્રે.કૃ. ૨૮:૩૧.
આપણે શું શીખી શકીએ?
૨. ફિલેમોન પોતાના ઘરમાં મિટિંગો રાખતા. આપણે પણ પ્રચારની મિટિંગો માટે ઘર ખુલ્લું મૂકીએ એ આશીર્વાદ કહેવાય.—રૂમી ૧૬:૫; કોલો. ૪:૧૫.
૪-૭. પ્રેમ અને શ્રદ્ધા બતાવવામાં જેઓ સારો દાખલો બેસાડે છે, તેઓને શાબાશી આપવી જ જોઈએ.
૧૫, ૧૬. કોઈ મુસીબતો આવે ત્યારે, ખોટી ચિંતા ન કરીએ. ઓનેસીમસની જેમ, એમાંથી સારા પરિણામ આવી શકે.
૨૧. પાઊલ ચાહતા હતા કે ફિલેમોન ઓનેસીમસને માફ કરે. કોઈ આપણું મનદુઃખ કરે તો રાજી-ખુશીથી માફ કરીએ.—માથ. ૬:૧૪.
“સંપૂર્ણતા સુધી આગળ વધીએ”
પાઊલે હેબ્રી મંડળને જણાવ્યું કે નિયમશાસ્ત્રનાં બલિદાનો કરતાં, ઈસુની કુરબાની ચડિયાતી છે. એ માટે પાઊલે ઈસુ, તેમની કુરબાની, તેમનું યાજકપદ, અને નવા કરારના લાભ બતાવ્યા. (હેબ્રી ૩:૧-૩; ૭:૧-૩, ૨૨; ૮:૬; ૯:૧૧-૧૪, ૨૫, ૨૬) એ મંડળના ભાઈ-બહેનોને યહુદીઓ સતાવતા હતા. પાઊલના ઉત્તેજનથી તેઓને સતાવણી સહેવા ઘણી મદદ મળી હશે. પાઊલે તેઓને ‘સંપૂર્ણતા સુધી આગળ વધવા’ અરજ કરી.—હેબ્રી ૬:૧.
આપણા માટે શ્રદ્ધા કેટલી મહત્ત્વની છે? પાઊલે લખ્યું, “વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી.” પાઊલે હેબ્રીઓને અરજ કરી કે “આપણે સારૂ ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ.” પૂરી શ્રદ્ધા રાખીએ.—હેબ્રી ૧૧:૬; ૧૨:૧.
સવાલ-જવાબ:
૨:૧૪, ૧૫—શેતાન ‘મરણ પર સત્તા ધરાવનાર’ છે, એનો અર્થ એવો થાય કે તે ચાહે એને મારી નાખી શકે? ના. એદન વાડીથી શેતાનની દુષ્ટતા શરૂ થઈ. તેના જૂઠાણાને લીધે આદમે પાપ કર્યું અને સર્વ ઇન્સાનને પાપ ને મરણનો વારસો આપ્યો. (રૂમી ૫:૧૨) પૃથ્વી પર શેતાનના ચેલાઓ ઈશ્વરભક્તોની સતાવણી કરે છે. ઈસુને થયું તેમ, અમુક ભક્તો માર્યા પણ જાય છે. પણ શેતાન પાસે એવી શક્તિ નથી કે તે ચાહે તેને મારી નાખે. એમ હોત તો તેણે લાંબો સમય પહેલાં, યહોવાહના ભક્તોનું નામનિશાન મિટાવી દીધું હોત. યહોવાહ પોતાના ભક્તોનું એક સંગઠન તરીકે રક્ષણ કરે છે. એટલે શેતાન આખું સંગઠન મિટાવી ન શકે. જો શેતાન કોઈને મારી નાખે, તોપણ યહોવાહ સજીવન કરશે.
૪:૯-૧૧—આપણે કઈ રીતે યહોવાહના ‘વિશ્રામમાં પ્રવેશી’ શકીએ? ઉત્પત્તિના છ દિવસ પછી, યહોવાહે એ કામ પૂરું કર્યું. તેમને ભરોસો હતો કે પૃથ્વી અને ઇન્સાન માટેનો તેમનો હેતુ પૂરો થશે જ. (ઉત. ૧:૨૮; ૨:૨, ૩) એ ‘વિશ્રામમાં પ્રવેશવા’ આપણે મન ફાવે એમ ન જીવીએ. યહોવાહમાં અતૂટ શ્રદ્ધા રાખીએ. ઈસુની કુરબાનીમાં વિશ્વાસ મૂકીએ. તેમને પગલે ચાલીએ. આમ આપણે હમણાં પણ શાંતિ અનુભવીશું.—માથ. ૧૧:૨૮-૩૦.
૯:૧૬—નવા કરારનું ‘વસિયતનામું કરનાર’ કોણ છે? નવો કરાર યહોવાહે પોતે કર્યો છે. ઈસુએ વચ્ચે રહીને એનું ‘વસિયતનામું કર્યું’ છે. તેમણે પોતાની કુરબાની આપીને, જાણે કે એના પર સિક્કો માર્યો છે.—લુક ૨૨:૨૦; હેબ્રી ૯:૧૫.
૧૧:૧૦, ૧૩-૧૬—ઈબ્રાહીમે કયા ‘શહેરની’ રાહ જોઈ? એ પૃથ્વી પરનું કોઈ શહેર નહિ, પણ ‘સ્વર્ગીય યરૂશાલેમ’ હતું. ઈબ્રાહીમ એ રાજ્યની પ્રજા બનવાની તમન્ના રાખતા હતા. એ શહેર ઈસુ અને ૧,૪૪,૦૦૦થી બનેલું છે. તેઓમાંના જેઓ સ્વર્ગમાં છે, તેઓને ‘પવિત્ર નગર, નવું યરૂશાલેમ’ પણ કહેવાય છે.—હેબ્રી ૧૨:૨૨; પ્રકટી. ૧૪:૧; ૨૧:૨.
૧૨:૨—ઈસુએ કયા ‘આનંદને લીધે મરણસ્તંભનું દુઃખ સહન કર્યું’? તેમના જીવનથી આવનાર આશીર્વાદોનો આનંદ. એ ક્યા આશીર્વાદો છે? યહોવાહનું નામ પવિત્ર મનાશે. યહોવાહ એકલા જ ઈશ્વર છે, એ સાબિત થશે. ઇન્સાન મોતના પંજામાંથી બચશે. ઈસુ સ્વર્ગમાંથી રાજા અને યાજક તરીકે ઇન્સાનને આશીર્વાદો આપવાની પણ રાહ જુએ છે.
૧૩:૨૦—કેમ નવો કરાર ‘સર્વકાળનો’ કરાર છે? એનાં ત્રણ કારણ છે. એક તો એ કાયમ ટકશે. બીજું કે એની અસર કાયમ રહેશે. ત્રીજું કે “બીજાં ઘેટાં” આર્માગેદન પછી પણ એમાંથી લાભ લેશે.—યોહા. ૧૦:૧૬.
આપણે શું શીખી શકીએ?
૫:૧૪. બાઇબલમાંથી મન મૂકીને શીખીએ. જીવનમાં ઉતારીએ. એનાથી આપણે ‘ખરૂંખોટું પારખી’ શકીશું.—૧ કોરીં. ૨:૧૦.
૬:૧૭-૧૯. યહોવાહનાં વચનોમાં અતૂટ શ્રદ્ધા રાખીશું તો, સત્યથી ભટકી નહિ જઈએ.
૧૨:૩, ૪. કસોટીઓમાં ‘થાકી ન જઈએ.’ યહોવાહ સાથેનો નાતો પાકો રાખીશું તો, કોઈ પણ કસોટી સહી શકીશું. ‘રક્તપાત સુધી’ એટલે મરતા સુધી યહોવાહને વળગી રહેવા તૈયાર રહીએ.—હેબ્રી ૧૦:૩૬-૩૯.
૧૨:૧૩-૧૫. આપણે “કડવાશરૂપી જડ” જેવા શિક્ષણથી ઠોકર ન ખાઈએ. મંડળમાં કોઈ કશાની ફરિયાદ કરે તોપણ, આપણે ‘પોતાના પગોને સારું રસ્તા સીધા બનાવીએ.’
૧૨:૨૬-૨૮. અહીં ‘સૃષ્ટ વસ્તુઓનો’ અર્થ યહોવાહે ઉત્પન્ન કરેલી ચીજો નથી. પણ એ તો શેતાનનું જગત છે. એ જગત અને દુષ્ટ ‘આકાશનો’ નાશ થશે. એ સમયે ‘કંપાયમાન ન થએલી વસ્તુઓ’ જ બાકી રહેશે. એ શું છે? એ યહોવાહનું રાજ્ય અને એને ટેકો આપનારા છે. એ રાજ્યનો જોર-શોરથી પ્રચાર કરીને, એના શિક્ષણ પ્રમાણે જીવવું ખૂબ જ મહત્ત્વનું છે!
૧૩:૭, ૧૭. આ સલાહ માનીને વડીલોના કહેવા પ્રમાણે કરીએ. એનાથી મંડળમાં સંપ અને પ્રેમ વધશે. (w08 10/15)
[Footnote]