અભ્યાસ લેખ ૩૭
“હું બધી પ્રજાઓને હલાવી નાખીશ”
“હું બધી પ્રજાઓને હલાવી નાખીશ. એની કીમતી વસ્તુઓ મારા ઘરમાં આવશે.”—હાગ્ગા. ૨:૭.
ગીત ૧૬ ઈશ્વરના રાજ્યમાં આશરો લો
ઝલકa
૧-૨. પ્રબોધક હાગ્ગાયે શું લખ્યું હતું?
સાલ ૨૦૧૫માં નેપાળમાં એક મોટો ધરતીકંપ થયો. એ ધરતીકંપમાંથી બચી જનારા અમુક લોકોએ કહ્યું, “થોડી જ મિનિટોમાં દુકાનો અને જૂની બિલ્ડિંગો પત્તાંના મહેલની જેમ તૂટી પડી.” “ચારેબાજુ અફરાતફરી મચી ગઈ. . . . ઘણા લોકો કહેતા કે ધરતીકંપ થોડી જ મિનિટનો હતો, પણ મને તો એ બહુ લાંબો લાગ્યો.” જો તમારી સાથે પણ એવો કરુણ બનાવ બન્યો હોય, તો એ ભૂલવું તમારા માટે અઘરું હશે.
૨ આજે આખી દુનિયા એક અલગ પ્રકારના આંચકાનો અનુભવ કરી રહી છે. બાઇબલમાં લખ્યું છે કે યહોવા ઘણાં વર્ષોથી પ્રજાને હલાવી રહ્યા છે. હાગ્ગાય પ્રબોધકે લખ્યું હતું: “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘ફરી એક વાર, બસ થોડી જ વારમાં હું આકાશોને, પૃથ્વીને, સમુદ્રને અને કોરી જમીનને હલાવી નાખીશ.’”—હાગ્ગા. ૨:૬.
૩. હાગ્ગાયે જે કહ્યું એનો શું અર્થ થતો હતો?
૩ ધરતીકંપમાં ધરતી ધ્રૂજે અને વિનાશ થાય. પણ હાગ્ગાય એના વિશે વાત કરી રહ્યા ન હતા. તેમણે કહ્યું કે જ્યારે બધી પ્રજાઓને હલાવવામાં આવશે ત્યારે સારાં પરિણામો આવશે. યહોવા કહે છે, “હું બધી પ્રજાઓને હલાવી નાખીશ. એની કીમતી વસ્તુઓ મારા ઘરમાં આવશે અને હું મારા ઘરને ગૌરવથી ભરી દઈશ.” (હાગ્ગા. ૨:૭) એ ભવિષ્યવાણી હાગ્ગાયના સમયમાં કઈ રીતે પૂરી થઈ? એ ભવિષ્યવાણી આજે કઈ રીતે પૂરી થઈ રહી છે? આ લેખમાં આપણે એ સવાલોના જવાબ જોઈશું. એ પણ જોઈશું કે પ્રજાઓને હલાવવાના કામમાં આપણે કઈ રીતે ભાગ લઈ શકીએ.
હાગ્ગાયના સંદેશાથી હિંમત મળી
૪. યહોવાએ હાગ્ગાયને પોતાના લોકો પાસે કેમ મોકલ્યા?
૪ ઈસવીસન પૂર્વે ૫૩૭માં અમુક યહૂદીઓ બાબેલોનની ગુલામીમાંથી આઝાદ થઈને યરૂશાલેમ પાછા આવ્યા. એમાં કદાચ હાગ્ગાય પણ હતા. યરૂશાલેમ પહોંચ્યા પછી યહૂદીઓએ યહોવાના મંદિરનો પાયો નાખ્યો. (એઝ. ૩:૮, ૧૦) થોડા સમયમાં જ આજુબાજુના લોકોએ તેઓનો વિરોધ કર્યો. એટલે યહૂદીઓ ડરી ગયા અને મંદિરનું કામ બંધ કરી દીધું. (એઝ. ૪:૪; હાગ્ગા. ૧:૧, ૨) ઈ.સ. પૂર્વે ૫૨૦માં યહોવાએ હાગ્ગાયને એક મહત્ત્વનું કામ સોંપ્યું. તેમણે યહૂદીઓનો જોશ અને હિંમત વધારવાના હતા, જેથી તેઓ મંદિર બાંધવાનું કામ પૂરું કરી શકે.b—એઝ. ૬:૧૪, ૧૫.
૫. હાગ્ગાયના સંદેશાથી કઈ રીતે યહૂદીઓની હિંમત વધી હશે?
૫ હાગ્ગાયનો સંદેશો સાંભળીને યહૂદીઓની શ્રદ્ધા વધી. તેમણે હિંમતથી યહૂદીઓને કહ્યું: “યહોવા કહે છે: ‘દેશના બધા લોકો, હિંમતવાન થાઓ અને કામ કરો. કેમ કે હું તમારી સાથે છું,’ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.” (હાગ્ગા. ૨:૪) “સૈન્યોના ઈશ્વર યહોવા” શબ્દો સાંભળીને યહૂદીઓને ઘણી હિંમત મળી હશે. એનાથી તેઓ જાણી શક્યા કે સ્વર્ગમાં યહોવાની મોટી સેના છે, જે સ્વર્ગદૂતોની બનેલી છે. જો તેઓ યહોવા પર ભરોસો રાખશે તો પોતાના કામમાં જરૂર સફળ થશે.
૬. હાગ્ગાયના સંદેશા પ્રમાણે આગળ શું થવાનું હતું?
૬ યહૂદીઓ નિરાશ થઈ ગયા હતા અને મંદિર બાંધવાનું બંધ કરી દીધું હતું. યહોવાએ હાગ્ગાય દ્વારા એક સંદેશો જણાવ્યો, જેનાથી યહૂદીઓને ઘણું ઉત્તેજન મળ્યું. એ સંદેશો હતો કે યહોવા બધી પ્રજાઓને હલાવી નાખશે. એટલે કે તે બહુ જલદી ઈરાની મહાસત્તાને હલાવવાના હતા. એ ઈરાની મહાસત્તાના કાબૂમાં ઘણી પ્રજાઓ હતી. એ મહાસત્તાને હલાવવાથી કેવું પરિણામ આવવાનું હતું? પહેલું, ઈશ્વરના લોકો મંદિરનું બાંધકામ પૂરું કરી શકવાના હતા. બીજું, તેઓ સાથે બીજા લોકો પણ યહોવાની ભક્તિમાં જોડાવાના હતા. હાગ્ગાયનો સંદેશો સાંભળીને યહૂદીઓને કેટલી હિંમત મળી હશે!—ઝખા. ૮:૯.
દુનિયા હલાવી નાખે એવું કામ
૭. આજે ક્યા કામમાં આપણે યહોવાને સાથ આપી રહ્યા છે?
૭ શું હાગ્ગાયમાં લખેલી ભવિષ્યવાણી આજે પૂરી થઈ રહી છે? હા, યહોવા ફરી એકવાર બધી પ્રજાઓને હલાવી રહ્યા છે. આપણે પણ એમાં સાથ આપી રહ્યા છે. એવું શા પરથી કહી શકાય? યહોવાએ ૧૯૧૪માં ઈસુ ખ્રિસ્તને રાજા બનાવ્યા. ઈસુ સ્વર્ગમાંથી રાજ કરે છે. (ગીત. ૨:૬) એ સંદેશો દુનિયાના નેતાઓ માટે કડવો સાબિત થયો. કારણ કે “બીજી પ્રજાઓના નક્કી કરેલા સમયો” પૂરા થઈ ગયા છે. એટલે કે યહોવા તરફથી કોઈ માણસ રાજ કરી રહ્યું નથી. (લૂક ૨૧:૨૪) ૧૯૧૯થી ઈશ્વરભક્તો જણાવી રહ્યા છે કે ઈશ્વરનું રાજ બધી દુઃખ-તકલીફ દૂર કરશે. ‘રાજ્યની આ ખુશખબરથી’ આખી દુનિયા હલી રહી છે.—માથ. ૨૪:૧૪.
૮. ગીતશાસ્ત્ર ૨:૧-૩ પ્રમાણે મોટા ભાગની પ્રજાઓ રાજ્યનો સંદેશો સાંભળીને શું કરે છે?
૮ આ સંદેશો સાંભળીને લોકો શું કરે છે? મોટા ભાગના લોકો એને નકારી કાઢે છે. ઘણી પ્રજાઓ એનાથી ગુસ્સામાં તપી ઊઠી છે. (ગીતશાસ્ત્ર ૨:૧-૩ વાંચો.) તેઓ ઈસુને પોતાના રાજા તરીકે માનવાનો નકાર કરે છે. તેઓ રાજ્યના સંદેશાને “ખુશખબર” તરીકે સ્વીકારતા નથી. અમુક દેશોએ તો પ્રચારકાર્ય પર પ્રતિબંધ મૂકી દીધો છે. અમુક નેતાઓ ઈશ્વરમાં તો માને છે, પણ તેઓ ઈશ્વરના રાજ્યને ટેકો આપતા નથી. કેમકે તેઓ પોતાની ખુરશી એટલે કે સત્તા છોડવા માંગતા નથી. પ્રથમ સદીના અધિકારીઓની જેમ આજના અધિકારીઓ પણ ઈસુના શિષ્યોની સતાવણી કરે છે. આમ, તેઓ ઈસુનો વિરોધ કરે છે.—પ્રે.કા. ૪:૨૫-૨૮.
૯. પ્રજાઓનું ખરાબ વલણ જોઈને યહોવાએ શું કર્યું?
૯ પ્રજાઓનું ખરાબ વલણ જોઈને યહોવાએ કહ્યું: “હે રાજાઓ, સમજદારીથી વર્તો, હે પૃથ્વીના ન્યાયાધીશો, ઠપકો સ્વીકારો. યહોવાનો ડર રાખો અને તેમને ભજો, રાજીખુશીથી તેમનો આદર કરો. દીકરાને માન આપો, નહિ તો ઈશ્વર રોષે ભરાશે, જીવનના માર્ગમાંથી તમારો વિનાશ થશે, કેમ કે ઈશ્વરનો ગુસ્સો ભડકી ઊઠતા વાર નહિ લાગે. ધન્ય છે એ લોકોને, જેઓ તેમનામાં આશરો લે છે.” (ગીત. ૨:૧૦-૧૨) યહોવા બધા વિરોધીઓને તક આપી રહ્યા છે કે તેઓ પોતાનું મન બદલે અને તેમના રાજ્યને સાથ આપે. હવે દુષ્ટ દુનિયાની ઘડીઓ ગણાઈ રહી છે. કારણ કે આપણે “છેલ્લા દિવસોમાં” જીવી રહ્યા છીએ. (૨ તિમો. ૩:૧; યશા. ૬૧:૨) આજે એ ખૂબ જરૂરી છે કે લોકો સત્ય જાણે અને યહોવાની ભક્તિ કરવાનો નિર્ણય લે.
પ્રચારકામનું સારું પરિણામ
૧૦. હાગ્ગાય ૨:૭-૯ પ્રમાણે પ્રજાઓને હલાવવામાં આવશે ત્યારે કઈ સારી બાબત બનશે?
૧૦ યહોવા બધી પ્રજાઓને હલાવે છે ત્યારે સારી બાબત પણ બને છે. હાગ્ગાયના પુસ્તકમાં લખ્યું હતું કે બધી પ્રજાની “કીમતી વસ્તુઓ” એટલે કે નેક દિલના લોકો યહોવાની ભક્તિ કરશે.c (હાગ્ગાય ૨:૭-૯ વાંચો.) એવું જ કંઈ યશાયા અને મીખાહના પુસ્તકમાં લખવામાં આવ્યું હતું જે “છેલ્લા દિવસોમાં” બનશે.—યશા. ૨:૨-૪; મીખા. ૪:૧, ૨.
૧૧. એક ભાઈએ ઈશ્વરના રાજ્યનો સંદેશો સાંભળ્યો ત્યારે શું કર્યું?
૧૧ ચાલો આપણે કેનભાઈના દાખલા પર ધ્યાન આપીએ. તે જગત મુખ્યમથકમાં સેવા આપે છે. તેમણે આશરે ૪૦ વર્ષ પહેલાં ઈશ્વરના રાજ્યનો સંદેશો સાંભળ્યો. એ વિશે તે કહે છે કે “મને જાણવા મળ્યું કે આપણે આ દુનિયાના છેલ્લા સમયમાં જીવી રહ્યા છીએ. હું સમજી ગયો કે ઈશ્વરને ખુશ કરવા અને હંમેશ માટેનું જીવન મેળવવા માટે મારે કંઈક કરવું પડશે. વિનાશના આરે આવેલી આ દુનિયા સાથે મારે સંબંધ તોડીને યહોવાનો પક્ષ લેવો પડશે. મેં એ વિશે પ્રાર્થના કરી અને તરત જ પગલાં ભર્યાં. મેં ઈશ્વરના રાજ્યને સાથ આપ્યો, જેને ક્યારેય હલાવવામાં આવશે નહિ.”
૧૨. છેલ્લા દિવસોમાં કઈ રીતે યહોવાને મહિમા મળી રહ્યો છે?
૧૨ યહોવા આપણા પ્રચારકામ પર આશીર્વાદ આપી રહ્યા છે. આ છેલ્લા દિવસોમાં ઘણા લોકો યહોવાની ભક્તિ કરવા લાગ્યા છે. ૧૯૧૪માં થોડા જ લોકો યહોવાની ભક્તિ કરતા હતા, પણ આજે આપણી સંખ્યા ૮૪ લાખથી વધારે છે. દર વર્ષે લાખો લોકો આપણી સાથે સ્મરણપ્રસંગમાં હાજર રહે છે. આમ શુદ્ધ ભક્તિ માટે યહોવાએ કરેલી ગોઠવણને “બધી પ્રજાઓની કીમતી વસ્તુઓ” એટલે કે નેક દિલના લોકો સાથ આપી રહ્યા છે. તેઓ પોતાના જીવનમાં ફેરફાર કરે છે ત્યારે યહોવાને મહિમા મળે છે.—એફે. ૪:૨૨-૨૪.
૧૩. આજે બીજી કઈ ભવિષ્યવાણીઓ પૂરી થઈ રહી છે? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)
૧૩ હાગ્ગાયના પુસ્તકમાં લખેલી ભવિષ્યવાણીની સાથે સાથે બીજી ભવિષ્યવાણીઓ પણ પૂરી થઈ રહી છે. જેમ કે યશાયા ૬૦:૨૨માં લખ્યું છે: “થોડામાંથી હજાર બનશે અને નાનકડું ટોળું બળવાન પ્રજા બનશે. હું યહોવા યોગ્ય સમયે એ ઝડપથી કરીશ.” એ ભવિષ્યવાણીથી ખબર પડે છે કે યહોવાના ભક્તોની સંખ્યા ઘણી મોટી હશે. તેઓમાં પ્રચાર કરવાની ઇચ્છા છે અને તેઓ પાસે ઘણી આવડત છે. એટલે યશાયાએ કહ્યું કે તેઓ “જોઈતું બધું પૂરું પાડશે” એટલે કે પોતાની આવડતનો પ્રચારકાર્યમાં ઉપયોગ કરશે. (યશા. ૬૦:૫, ૧૬) તેઓની ઇચ્છા અને આવડતને લીધે જ આજે ૨૪૦ દેશોમાં રાજ્યની ખુશખબર ફેલાવવામાં આવી રહી છે. એટલું જ નહિ ૧,૦૦૦થી વધુ ભાષાઓમાં આપણું સાહિત્ય પ્રાપ્ય છે.
નિર્ણય લેવાનો સમય
૧૪. આજે લોકોએ કયો નિર્ણય લેવાનો છે?
૧૪ બધી પ્રજાઓને હલાવવામાં આવી રહી છે. એટલે આજે બધા લોકોએ એક નિર્ણય લેવાનો છે. એ છે કે તેઓ ઈશ્વરના રાજ્યને સાથ આપશે કે પછી આ દુનિયાની સરકારોને. યહોવાના લોકોએ તો નિર્ણય લઈ લીધો છે કે તેઓ ઈશ્વરના રાજ્યને સાથ આપશે. તેઓ દેશના નિયમો પાળે છે પણ રાજકારણમાં માથું મારતા નથી. (રોમ. ૧૩:૧-૭) તેઓ જાણે છે કે ઈશ્વરનું રાજ્ય જ લોકોની મુશ્કેલીઓને દૂર કરશે. જોકે એ રાજ્ય આ દુનિયાનો ભાગ નથી.—યોહા. ૧૮:૩૬, ૩૭.
૧૫. ઈશ્વરભક્તોની વફાદારીની કઈ રીતે કસોટી થશે?
૧૫ પ્રકટીકરણના પુસ્તકમાં જણાવ્યું છે કે છેલ્લા દિવસોમાં ઈશ્વરભક્તોની વફાદારીની કસોટી થશે. દુનિયાની સરકારો દબાણ કરશે કે ફક્ત તેઓની જ ઉપાસના કરવામાં આવે. જેઓ એમ નહિ કરે તેઓનો સખત વિરોધ થશે અને તેઓને સતાવવામાં આવશે. (પ્રકટી. ૧૩:૧૨, ૧૫) એ સરકારો “નાના અને મોટા, ગરીબ અને ધનવાન, આઝાદ અને ગુલામ, બધા જ લોકોને દબાણ કરે છે કે તેઓ પોતાના જમણા હાથ પર કે કપાળ પર છાપ લે.” (પ્રકટી. ૧૩:૧૬) પહેલાંના સમયમાં ગુલામોના શરીર પર છાપ લગાવવામાં આવતી, જેથી ખબર પડે કે તેઓનો માલિક કોણ છે. એવી જ રીતે આજે પણ બધા લોકો પાસેથી એવી આશા રાખવામાં આવે છે કે તેઓ પોતાના હાથ કે કપાળ પર છાપ લે. છાપ લેવાનો અર્થ થાય કે પોતાનાં વાણી-વર્તનથી બતાવવું કે તેઓ દુનિયાની સરકારોને સાથ આપે છે.
૧૬. આજે કેમ આપણે યહોવાને વફાદારીથી વળગી રહેવું જોઈએ?
૧૬ શું આપણે એ છાપ લઈશું અને દુનિયાની સરકારોને સાથ આપીશું? જેઓ એવું નહિ કરે તેઓએ ઘણી મુશ્કેલીઓ સહેવી પડશે. અરે, તેઓનું જીવન પણ જોખમમાં આવી શકે છે. પ્રકટીકરણનું પુસ્તક આગળ કહે છે: ‘જેના પર છાપ હોય, તેના સિવાય બીજું કોઈ પણ ખરીદી કે વેચી શકે નહિ.’ (પ્રકટી. ૧૩:૧૭) પણ ઈશ્વરભક્તો જાણે છે કે જેઓ એ છાપ લગાવે છે, તેઓના યહોવા કેવા હાલ કરશે. (પ્રકટી. ૧૪:૯, ૧૦) એટલે તેઓ એ છાપ લેવાને બદલે પોતાના હાથ પર લખે છે કે “હું યહોવાનો છું.” (યશા. ૪૪:૫) યહોવાને વફાદારીથી વળગી રહેવાનો આ જ સમય છે. જો આપણે તેમને વફાદાર રહીશું તો યહોવા ખુશીથી કહેશે કે આપણે તેમના છીએ.
છેલ્લો આંચકો
૧૭. યહોવાની ધીરજ વિશે આપણે શું યાદ રાખવું જોઈએ?
૧૭ યહોવા નથી ચાહતા કે કોઈનો પણ નાશ થાય. એટલે તે ધીરજ રાખી રહ્યા છે. (૨ પિત. ૩:૯) તે બધાને પસ્તાવો કરવાની અને તેમની ભક્તિ કરવાની તક આપી રહ્યા છે. પણ તે લાંબો સમય ધીરજ રાખશે નહિ. જેઓ એ તક ઝડપી નહિ લે તેઓની હાલત ઇજિપ્તના રાજા જેવી થશે. મૂસાના સમયમાં યહોવાએ ઇજિપ્તના રાજાને કહ્યું હતું: “જો મેં ચાહ્યું હોત, તો અત્યાર સુધીમાં તારા પર અને તારા લોકો પર હું જીવલેણ બીમારી લાવ્યો હોત અને તારું નામનિશાન પૃથ્વી પરથી મિટાવી દીધું હોત. પણ તને હમણાં સુધી જીવતો રાખવાનું કારણ એ છે કે, તું મારું સામર્થ્ય જુએ અને મારું નામ આખી પૃથ્વી પર જાહેર થાય.” (નિર્ગ. ૯:૧૫, ૧૬) બહુ જલદી જ બધી પ્રજાઓને ખબર પડી જશે કે યહોવા જ સાચા ઈશ્વર છે. (હઝકિ. ૩૮:૨૩) ચાલો જોઈએ કઈ રીતે?
૧૮. (ક) હાગ્ગાય ૨:૬, ૨૦-૨૨ પ્રમાણે કઈ વસ્તુઓને હલાવવામાં આવશે? (ખ) શા પરથી કહી શકાય કે હાગ્ગાયના શબ્દો ભાવિમાં પૂરા થશે?
૧૮ હાગ્ગાય ૨:૬, ૨૦-૨૨ વાંચો. એ ભવિષ્યવાણીના વર્ષો પછી પ્રેરિત પાઉલે કહ્યું કે એ કલમના શબ્દો ભાવિમાં પૂરા થશે. તેમણે લખ્યું: “હવે તેમણે વચન આપ્યું છે: ‘ફરી એક વાર હું ફક્ત પૃથ્વીને જ નહિ, આકાશને પણ હલાવી નાખીશ.’ ‘ફરી એક વાર’ આ શબ્દો બતાવે છે કે હલાવી નાખેલી વસ્તુઓને, એટલે કે જે વસ્તુઓ ઈશ્વરે બનાવી નથી એ કાઢી નાખવામાં આવશે, જેથી જે વસ્તુઓ હલાવવામાં આવી નથી એ કાયમ રહે.” (હિબ્રૂ. ૧૨:૨૬, ૨૭) અહીં જે હલાવવાની વાત કરી છે એ હાગ્ગાય ૨:૭થી અલગ છે. પ્રેરિત પાઉલે જે લખ્યું એનો અર્થ થાય કે જેઓ ઇજિપ્તના રાજાની જેમ યહોવાના રાજ કરવાના હકનો વિરોધ કરે છે, તેઓનો હંમેશ માટે નાશ થશે.
૧૯. (ક) કઈ વસ્તુને હલાવવામાં નહિ આવે? (ખ) શા પરથી એ કહી શકાય?
૧૯ કઈ વસ્તુને હલાવવામાં નહિ આવે? પાઉલે એમ પણ કહ્યું: “હલાવી ન શકાય એવું રાજ્ય આપણને મળવાનું છે એ જાણીને ચાલો આપણે અપાર કૃપા મેળવતા રહીએ. એ કૃપા દ્વારા આપણે ઈશ્વરનો ડર અને આદર રાખીને તેમને પસંદ પડે એવી પવિત્ર સેવા આપીએ.” (હિબ્રૂ. ૧૨:૨૮) જ્યારે બધું જ નાશ થઈ જશે ત્યારે ફક્ત ઈશ્વરનું જ રાજ્ય રહેશે. એ હંમેશાં ટકી રહેશે.—ગીત. ૧૧૦:૫, ૬; દાનિ. ૨:૪૪.
૨૦. (ક) લોકોએ કયો નિર્ણય લેવાનો છે? (ખ) એ નિર્ણય લેવા તેઓને આપણે કઈ રીતે મદદ કરી શકીએ?
૨૦ સમય હવે પાકી ગયો છે. લોકોએ પોતે નિર્ણય લેવાનો છે. જો તેઓ દુનિયાને સાથ આપશે તો તેઓનો નાશ થશે. જો તેઓ યહોવાની ભક્તિ કરવાનો નિર્ણય લેશે અને જીવનમાં ફેરફાર કરશે તો તેઓને હંમેશ માટેનું જીવન મળશે. (હિબ્રૂ. ૧૨:૨૫) આપણે ખુશખબર જણાવીને લોકોને યોગ્ય નિર્ણય લેવા મદદ કરી શકીએ છીએ. એટલે ચાલો આપણે પ્રચાર કરતા રહીએ અને ઈસુના આ શબ્દો યાદ રાખીએ: “રાજ્યની આ ખુશખબર આખી દુનિયામાં જણાવવામાં આવશે, જેથી બધી પ્રજાઓને સાક્ષી મળે અને પછી જ અંત આવશે.”—માથ. ૨૪:૧૪.
ગીત ૩૧ અમે યહોવાના સાક્ષી
a આ લેખમાં આપણે હાગ્ગાય ૨:૭ની ભવિષ્યવાણી પર ચર્ચા કરીશું. આ કલમની પહેલાંની સમજણમાં થોડો ફેરફાર થયો છે. આપણે જોઈશું કે કેવી રીતે પૂરા જોશથી એ કામમાં ભાગ લઈ શકીએ જે બધી પ્રજાઓને હલાવી રહ્યું છે. આપણે એ પણ જોઈશું કે કેમ એ કામ અમુકને સારું લાગે છે અને અમુકને સારું લાગતું નથી.
b ઈ.સ. પૂર્વે ૫૧૫માં યહૂદીઓએ મંદિર બાંધવાનું પૂરું કર્યું. એટલે કહી શકાય કે હાગ્ગાયે પોતાનું કામ સારી રીતે પૂરું કર્યું.
c પહેલાં આપણે માનતા કે બધી પ્રજાઓને હલાવવાથી લોકો યહોવા તરફ દોરાતા ન હતા. એ વિશે મે ૧૫, ૨૦૦૬ના ચોકીબુરજમાં (હિંદી) આપેલો આ લેખ જુઓ: “વાચકો તરફથી પ્રશ્નો.” હવે એ સમજણમાં ફેરફાર થયો છે.
d ચિત્રની સમજ: હાગ્ગાયે ઈશ્વરના લોકોને મંદિરનું બાંધકામ પૂરું કરવા ઉત્તેજન આપ્યું; આજે ઈશ્વરભક્તો પૂરા જોશથી રાજ્યનો સંદેશો જાહેર કરી રહ્યા છે. એક યુગલ પ્રચાર કરી રહ્યું છે કે ઈશ્વર બહુ જલદી આ દુનિયાનો નાશ કરશે.