યહોવાએ નીમેલા વડીલોનું કહેવું માનીએ
‘તમે તમારા આગેવાનોની આજ્ઞાઓ પાળીને તેઓને આધીન રહો કેમ કે, તેઓ તમારી સંભાળ રાખે છે.’—હિબ્રૂ ૧૩:૧૭.
૧, ૨. યહોવા શા માટે પોતાને ઘેટાંપાળક સાથે સરખાવે છે?
યહોવા પોતાને એક ઘેટાંપાળક સાથે સરખાવે છે. (હઝકી. ૩૪:૧૧-૧૪) એનાથી યહોવા કેવા છે એ સમજવા મદદ મળે છે. એક પ્રેમાળ ઘેટાંપાળક પોતાનાં ઘેટાંની કાળજી અને રક્ષણ કરવાની જવાબદારી પૂરી રીતે નિભાવે છે. તે ઘેટાંને જ્યાં ખોરાક અને પાણી હોય ત્યાં દોરી જાય છે. (ગીત. ૨૩:૧, ૨) રાત-દિવસ એમનું ધ્યાન રાખે છે. (લુક ૨:૮) તેમ જ, જંગલી જાનવરોથી રક્ષણ કરે છે. (૧ શમૂ. ૧૭:૩૪, ૩૫) નવા જન્મેલાં ઘેટાંને ગોદમાં ઊંચકીને ફરે છે. (યશા. ૪૦:૧૧) જે ઘેટાં ટોળાથી છૂટાં પડી ગયાં હોય, એમને તે શોધે છે અને ઘાયલ થયેલાંની સારવાર કરે છે.—હઝકી. ૩૪:૧૬.
૨ પ્રાચીન સમયના ઈશ્વરભક્તો મોટા ભાગે ઘેટાંપાળકો અને ખેડૂતો હતા. તેથી, તેઓ સમજી શક્યા કે યહોવા શા માટે પોતાને એક પ્રેમાળ ઘેટાંપાળક સાથે સરખાવે છે. તેઓ જાણતા હતા કે ઘેટાંને જીવતાં અને તંદુરસ્ત રાખવાં ઘણી કાળજી લેવી પડે છે. એવી જ રીતે લોકોને પણ યહોવાનાં માર્ગદર્શન અને કાળજીની જરૂર છે. (માર્ક ૬:૩૪) એના વગર લોકોનો જીવ જોખમમાં આવી શકે છે કેમ કે તેઓને ખરાં-ખોટાંની સમજ નથી. તેમ જ, “પાળક વગરનાં ઘેટાં” હોવાથી તેઓને બચાવનાર કોઈ નથી. (૧ રાજા. ૨૨:૧૭) જ્યારે કે, જેઓ યહોવાને પોતાના પાળક માને છે, તેઓની તે કાળજી લે છે.
૩. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૩ આજે આપણે સમજી શકીએ છીએ કે યહોવા કઈ રીતે ઘેટાંપાળક જેવા છે. તે પોતાના લોકોની કાળજી રાખે છે. ચાલો, આપણે જોઈએ કે તે પોતાનાં ઘેટાંને કઈ રીતે દોરે છે અને જરૂરી બાબતો પૂરી પાડે છે. આપણે એ પણ જોઈશું કે યહોવાના માર્ગદર્શનમાંથી ફાયદો લેવા આપણે શું કરવું જોઈએ.
ઉત્તમ ઘેટાંપાળક બીજા ઘેટાંપાળકોને નીમે છે
૪. યહોવાના ઘેટાંની ઈસુ કઈ રીતે કાળજી રાખે છે?
૪ યહોવાએ ઈસુને ખ્રિસ્તી મંડળના શિર તરીકે નીમ્યા છે. (એફે. ૧:૨૨, ૨૩) ઈસુ “ઉત્તમ ઘેટાંપાળક” તરીકે ઇચ્છાઓ, હેતુઓ અને ગુણોમાં પોતાના પિતાનું અનુકરણ કરે છે. તેમણે ‘ઘેટાંને માટે પોતાનો જીવ પણ આપ્યો’ છે. (યોહા. ૧૦:૧૧, ૧૫) ખ્રિસ્તે ચૂકવેલી કિંમતથી માણસજાતને કેટલો મોટો આશીર્વાદ મળ્યો છે! (માથ. ૨૦:૨૮) યહોવા ઇચ્છે છે કે, ‘જે કોઈ ઈસુ પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે હંમેશ માટેનું જીવન મેળવે.’—યોહા. ૩:૧૬.
૫, ૬. (ક) ઈસુએ પોતાના ઘેટાંને સાચવવા કોને નીમ્યા છે? ઈસુની એ ગોઠવણથી લાભ લેવા ઘેટાંએ શું કરવું જોઈએ? (ખ) વડીલોનું માનવા પાછળ સૌથી મોટું કારણ કયું છે?
૫ ઘેટાં કઈ રીતે બતાવી શકે કે ઈસુ તેઓના ઉત્તમ ઘેટાંપાળક છે? ઈસુએ કહ્યું: ‘મારાં ઘેટાં મારો સાદ સાંભળે છે. હું તેઓને ઓળખું છું અને તેઓ મારી પાછળ ચાલે છે.’ (યોહા. ૧૦:૨૭) ઉત્તમ ઘેટાંપાળકનો સાદ સાંભળવાનો અર્થ થાય કે, દરેક બાબતોમાં તેમના માર્ગદર્શન પ્રમાણે ચાલવું. તેમ જ, ઈસુએ જેઓને ઘેટાંપાળક નીમ્યા છે તેઓનું કહેવું માનવું. ઈસુએ કહ્યું હતું કે તેમણે શરૂ કરેલું કામ પ્રેરિતો અને શિષ્યો આગળ વધારશે. ઈસુએ તેઓને જણાવ્યું કે “મારાં ઘેટાંને” શીખવો અને તેઓની સંભાળ રાખો. (માથ. ૨૮:૨૦; યોહાન ૨૧:૧૫-૧૭ વાંચો.) રાજ્યની ખુશખબર ફેલાવા લાગી તેમ શિષ્યો વધવા લાગ્યા. તેથી, ઈસુએ મંડળોની કાળજી લેવા અનુભવી વડીલોની ગોઠવણ કરી.—એફે. ૪:૧૧, ૧૨.
૬ એફેસસ મંડળના વડીલોને પાઊલે કહ્યું કે, ‘પવિત્ર શક્તિ દ્વારા તમને અધ્યક્ષો નીમવામાં આવ્યા છે, જેથી ઈશ્વરની મંડળીનું પાલન કરો.’ (પ્રે.કૃ. ૨૦:૨૮) આજના વડીલોને પણ બાઇબલના આધારે પવિત્ર શક્તિથી નીમવામાં આવે છે. તેથી, વડીલોનું કહ્યું માનીને આપણે બે મહાન ઘેટાંપાળકોને એટલે કે યહોવા અને ઈસુને માન આપીએ છીએ. (લુક ૧૦:૧૬) વડીલોનું કહેવું માનવા પાછળ એ સૌથી મોટું કારણ છે. જોકે, એમ કરવાનાં બીજાં પણ ઘણાં કારણો છે.
૭. યહોવા સાથે સંબંધ ગાઢ બનાવવામાં વડીલો કઈ રીતે મદદ કરે છે?
૭ વડીલો બાઇબલની કલમ કે એના સિદ્ધાંતના આધારે ભાઈ-બહેનોને ઉત્તેજન અને સલાહ આપે છે. જોકે, એનો અર્થ એવો નથી કે, ભાઈ-બહેનોનાં જીવનની દરેક બાબતનો વડીલો નિર્ણય કરે. (૨ કોરીં. ૧:૨૪) એના બદલે તેઓ બાઇબલ સિદ્ધાંતો બતાવે છે, જેના આધારે વ્યક્તિ સારો નિર્ણય લઈ શકે. તેમ જ, મંડળમાં વ્યવસ્થા અને શાંતિ જળવાઈ રહે. (૧ કોરીં. ૧૪:૩૩, ૪૦) વડીલો ભાઈ-બહેનોની ‘સંભાળ રાખે છે.’ કયા અર્થમાં? તેઓ મંડળની દરેક વ્યક્તિને મદદ કરે છે, જેથી તે યહોવા સાથે સંબંધ ગાઢ બનાવી શકે. કોઈ “અપરાધ” કરવાની અણી પર હોય કે કરી બેઠા હોય તો, વડીલો તેમને પાછા ફરવામાં મદદ કરે છે. (ગલા. ૬:૧, ૨; યહુ. ૨૨) આમ, “આગેવાનોની આજ્ઞાઓ પાળીને તેઓને આધીન” રહેવાનાં ઘણાં સારાં કારણો છે.—હિબ્રૂ ૧૩:૧૭ વાંચો.
૮. વડીલો મંડળનું રક્ષણ કઈ રીતે કરે છે?
૮ પ્રેરિત પાઊલે એક પ્રેમાળ ઘેટાંપાળક તરીકે કોલોસીના મંડળને લખ્યું: ‘સાવધાન રહો, રખેને ફિલસૂફીનો ખાલી ઢોંગ, જે ખ્રિસ્ત પ્રમાણે નહિ પણ માણસોના સંપ્રદાય પ્રમાણે ને જગતનાં તત્ત્વો પ્રમાણે છે, એનાથી કોઈ તમને ફસાવે.’ (કોલો. ૨:૮) એ શબ્દો પરથી જાણવા મળે છે કે આપણે વડીલોની બાઇબલ આધારિત સલાહ માનવી જોઈએ. યહોવાથી દૂર કરે એવા લોકોથી વડીલો આપણને બચાવે છે. પ્રેરિત પીતરે પણ ચેતવણી આપી કે “ખોટા પ્રબોધકો” અને “ખોટા ઉપદેશકો” આવશે, જેઓ શ્રદ્ધામાં “અસ્થિર માણસોને” ખોટા માર્ગે દોરી જશે. (૨ પીત. ૨:૧, ૧૪) વડીલો પણ જરૂર હોય ત્યારે એવી ચેતવણી આપે છે. વડીલો સત્યમાં દૃઢ હોય છે અને તેઓ પાસે વધુ અનુભવ છે. ઉપરાંત, તેઓને એ માટે નીમવામાં આવે છે કારણ કે બાઇબલની ઊંડી સમજણને લીધે તેઓ સત્ય સારી રીતે શીખવી શકે છે. (૧ તીમો. ૩:૨; તીત. ૧:૯) તેઓ પાસે સારો અનુભવ, દરેક બાબત પ્રત્યે યોગ્ય દૃષ્ટિ અને બાઇબલનું ઊંડું જ્ઞાન હોવાથી ભાઈ-બહેનોને સારું માર્ગદર્શન આપી શકે છે.
ઉત્તમ ઘેટાંપાળક ઘેટાંને ખોરાક અને રક્ષણ આપે છે
૯. આજે મંડળોને ઈસુ કઈ રીતે ખોરાક અને માર્ગદર્શન આપે છે?
૯ યહોવા પોતાના સંગઠન દ્વારા આખી દુનિયામાં ભાઈ-બહેનોને શિક્ષણ અને માર્ગદર્શન પૂરું પાડે છે. મોટા ભાગે, બાઇબલની સલાહ આપણા સાહિત્ય દ્વારા આપવામાં આવે છે. ઉપરાંત, સંગઠન કેટલીક વાર મંડળના વડીલોને સીધે સીધાં પત્ર દ્વારા અથવા પ્રવાસી નિરીક્ષકો દ્વારા સૂચનો આપે છે. ઈસુ એ બધી રીતોથી ઈશ્વરના ઘેટાંને સ્પષ્ટ માર્ગદર્શન આપે છે.
૧૦. મંડળથી દૂર થઈ ગયેલાઓ પ્રત્યે પ્રેમાળ વડીલોની શી જવાબદારી છે?
૧૦ યહોવા તરફથી વડીલોને જવાબદારી સોંપવામાં આવી છે કે, તેઓ ભાઈ-બહેનોનું રક્ષણ અને જતન કરે. એમાં પણ ખાસ એવા લોકોનું, જેઓની શ્રદ્ધા નબળી પડી છે કે પછી ગંભીર ભૂલો કરી બેઠા છે. (યાકૂબ ૫:૧૪, ૧૫ વાંચો.) કેટલાક તો મંડળથી દૂર થઈ ગયાં છે અને યહોવાની સેવા કરવાનું છોડી દીધું છે. એવા કિસ્સાઓમાં, ખોવાયેલું ઘેટું શોધીને પાછું ટોળાંમાં એટલે કે મંડળમાં લાવવા, શું એક પ્રેમાળ વડીલ બનતું બધું નહિ કરે? ચોક્કસ કરશે જ! ઈસુએ જણાવ્યું હતું: ‘આ નાનાઓમાંથી એકનો પણ નાશ થાય, એવી સ્વર્ગમાંના પિતાની ઇચ્છા નથી.’—માથ. ૧૮:૧૨-૧૪.
વડીલોની ખામીઓ પ્રત્યે કેવું વલણ રાખીશું?
૧૧. ઘણા લોકોને વડીલોના માર્ગદર્શન પ્રમાણે કરવું શા માટે અઘરું લાગી શકે?
૧૧ યહોવા અને ઈસુ એવા ઘેટાંપાળકો છે, જેઓમાં કોઈ ખામી નથી. પરંતુ, મંડળની કાળજી રાખતા વડીલો તેઓની જેમ સંપૂર્ણ નથી. તેથી, ઘણા લોકોને વડીલોના માર્ગદર્શન પ્રમાણે કરવું અઘરું લાગી શકે. એવા લોકો દલીલ કરે છે કે, ‘વડીલો પણ આપણી જેમ માણસો જ છે, તો પછી તેઓની સલાહ કેમ માનવી જોઈએ?’ ખરું કે, વડીલોથી કોઈક વાર ભૂલ થઈ જાય છે. પરંતુ, આપણે તેઓની ખામી અને ભૂલોને ધ્યાનમાં ન લેવી જોઈએ.
૧૨, ૧૩. (ક) યહોવાએ જેઓને જવાબદારી સોંપી તેઓએ શું ભૂલ કરી હતી? (ખ) તેઓની ભૂલો શા માટે બાઇબલમાં નોંધવામાં આવી?
૧૨ બાઇબલ સ્પષ્ટ જણાવે છે કે, પોતાના લોકોને દોરવા યહોવાએ જે આગેવાનોનો ઉપયોગ કર્યો હતો, તેઓએ પણ ભૂલો કરી હતી. દાખલા તરીકે, દાઊદને ઈસ્રાએલના રાજા અને આગેવાન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમ છતાં, તે લલચાઈને વ્યભિચાર અને ખૂન જેવાં ગંભીર પાપ કરી બેઠા. (૨ શમૂ. ૧૨:૭-૯) પ્રેરિત પીતરનો વિચાર કરો. પ્રથમ સદીના મંડળમાં તેમને ઘણી મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. છતાં, તેમણે કેટલીક મોટી ભૂલો કરી હતી. (માથ. ૧૬:૧૮, ૧૯; યોહા. ૧૩:૩૮; ૧૮:૨૭; ગલા. ૨:૧૧-૧૪) આદમ અને હવા પછી, ઈસુ સિવાય કોઈ સંપૂર્ણ માણસ થયો નથી.
૧૩ જેઓને જવાબદારી સોંપાઈ હતી તેઓની ભૂલો શા માટે યહોવાએ બાઇબલમાં નોંધાવી? એક કારણ છે કે, યહોવા બતાવવા માંગતા હતા કે લોકોને દોરવા અપૂર્ણ માણસોનો ઉપયોગ કરે છે. અરે, તેમણે પોતાના લોકોને દોરવા હંમેશાં અપૂર્ણ માણસોનો ઉપયોગ કર્યો છે. તેથી, આપણે વડીલોની ખામીઓને તેઓની વિરુદ્ધ કચ કચ કરવા માટેનું બહાનું ન બનાવીએ. યહોવા ઇચ્છે છે કે આપણે એ ભાઈઓને માન આપીએ અને તેઓનું કહેવું માનીએ.—નિર્ગમન ૧૬:૨, ૮ વાંચો.
૧૪, ૧૫. પ્રાચીન સમયમાં યહોવાએ પોતાના લોકોને જે રીતે સૂચનો જણાવ્યાં, એમાંથી શું શીખી શકીએ?
૧૪ આજના સમયમાં જેઓ આગેવાની લે છે તેઓને આધીન રહેવું બહુ મહત્ત્વનું છે. પ્રાચીન સમયમાં યહોવાએ પોતાના લોકોને સૂચનો કઈ રીતે જણાવ્યાં, એનો વિચાર કરો. ઈસ્રાએલીઓએ ઇજિપ્ત છોડ્યું ત્યારે યહોવાએ મુસા અને હારુન દ્વારા તેઓને સૂચનો આપ્યાં. દસમી મરકીથી બચવા ઈસ્રાએલીઓએ એક સૂચન પ્રમાણે કરવાનું હતું. તેઓએ એક ખાસ પ્રકારનું ભોજન કરીને, બારસાખો અને ઓતરંગ પર કાપેલા ઘેટાંનું લોહી છાંટવાનું હતું. શું એ સૂચનો યહોવા આકાશમાંથી બોલ્યા હતા? ના, યહોવાએ મુસાને એ સૂચનો આપ્યાં અને મુસાએ ઈસ્રાએલના વૃદ્ધ પુરુષોને જણાવ્યાં. પછી, લોકોએ એ પુરુષોના માર્ગદર્શન પ્રમાણે કર્યું. (નિર્ગ. ૧૨:૧-૭, ૨૧-૨૩, ૨૯) આ રીતે યહોવાએ લોકોને દોરવા મુસા અને વૃદ્ધ પુરુષોનો ઉપયોગ કર્યો. એવી જ રીતે આજે યહોવા વડીલોનો ઉપયોગ કરે છે.
૧૫ યહોવાએ સૂચનો આપવાં દૂતો કે માણસોનો ઉપયોગ કર્યો હોય એવા ઘણા અહેવાલ બાઇબલમાં જોવા મળે છે. એવા દરેક કિસ્સામાં યહોવાએ પોતાના વતી બોલવા માટે કોઈકનો ઉપયોગ કર્યો છે અને લોકોનું જીવન બચાવતું માર્ગદર્શન આપ્યું છે. આર્માગેદન વખતે પણ યહોવા એવું જ કંઈક કરે તો, એમાં કંઈ નવાઈ નહિ! ખરું કે યહોવા અને તેમના સંગઠનને રજૂ કરવાનો અધિકાર વડીલો પાસે છે, પણ એનો તેઓએ દુરુપયોગ ન કરવો જોઈએ.
“એક ટોળું, એક ઘેટાંપાળક”
૧૬. આપણે કઈ “વાત” પર ધ્યાન આપવું જોઈએ?
૧૬ યહોવાના લોકો “એક ઘેટાંપાળક”નું એટલે કે ઈસુનું “એક ટોળું” છે. (યોહા. ૧૦:૧૬) ઈસુએ શિષ્યોને જણાવ્યું કે “જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.” (માથ. ૨૮:૨૦) શેતાનની દુનિયાનો નાશ કરે એ દરમિયાન બનતા બધા બનાવો પર સ્વર્ગમાંના રાજા ઈસુનો પૂરો કાબૂ છે. ઈશ્વરના સંગઠનમાં સુરક્ષિત અને સંપમાં રહેવા માટે આપણે ‘કાન પાછળથી આવતી વાત’ જે માર્ગ બતાવે એના પર ચાલવું જોઈએ. એ “વાત”માં શાનો સમાવેશ થાય છે? યહોવા તેમની શક્તિ દ્વારા બાઇબલમાંથી જે શીખવે છે, તેમ જ વડીલો દ્વારા યહોવા અને ઈસુ જે માર્ગદર્શન આપે છે, એનો સમાવેશ થાય છે.—યશાયા ૩૦:૨૧; પ્રકટીકરણ ૩:૨૨ વાંચો.
૧૭, ૧૮. (ક) આપણા પર કયો ખતરો છે? આપણને શાની ખાતરી છે? (ખ) આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૧૭ ‘શેતાન એક ગાજનાર સિંહની જેમ કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે.’ (૧ પીત. ૫:૮) એક ભૂખ્યું જંગલી પ્રાણી શિકાર કરવા માટે ટોળાં તરફ વધે છે. તેને નબળું કે અલગ પડેલું ઘેટું દેખાય ત્યારે તરત તે તરાપ મારે છે. શેતાનના હુમલાથી બચવા બહુ જરૂરી છે કે આપણે “પાળક તથા અધ્યક્ષની” અને મંડળની નજીક રહીએ. (૧ પીત. ૨:૨૫) મોટી વિપત્તિમાંથી બચી જશે તેઓ વિશે પ્રકટીકરણ ૭:૧૭ જણાવે છે: ‘જે હલવાન છે, તે તેઓનો પાળક થશે અને જીવનના પાણીના ઝરાઓ પાસે તેઓને દોરી જશે. ઈશ્વર તેઓની આંખોમાંથી દરેક આંસુ લૂછી નાખશે.’ એ આપણા માટે કેટલું અદ્ભુત વચન છે!
૧૮ મંડળના ઘેટાંપાળક તરીકે વડીલો મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેથી, તેઓએ ઈસુના ઘેટાંની સારી સંભાળ લેવી જોઈએ. તેઓ એમ કઈ રીતે કરી શકે? એની ચર્ચા આપણે આવતા લેખમાં કરીશું.