બાઇબલ કુશળતાથી વાપરીએ
‘ઈશ્વરની શક્તિની તરવાર, જે તેમનું વચન છે, તે લો.’—એફે. ૬:૧૭.
૧, ૨. ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરવા વધારે લોકોની જરૂર છે, એ માટે આપણે શું કરી શકીએ?
ઈશ્વરનું માર્ગદર્શન પામવા આમતેમ ભટકતા લોકોના ટોળેટોળા જોઈને ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું: “ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે. એ માટે તમે ફસલના ધણીને પ્રાર્થના કરો, કે તે પોતાની ફસલને સારૂ મજૂરો મોકલે.” આમ કહ્યા પછી ઈસુ બેસી રહ્યા નહિ. ‘તેમણે બાર શિષ્યોને’ બોલાવીને પ્રચાર કરવા કે ‘ફસલની કાપણી’ માટે દૂર દૂર મોકલ્યા. (માથ. ૯:૩૫-૩૮; ૧૦:૧, ૫) પછી ઈસુએ એ જ કામ માટે ‘બીજા સિત્તેર શિષ્યોને ઠરાવ્યા, અને તેઓને બબ્બેની જોડીમાં પોતાની આગળ મોકલ્યા.’—લુક ૧૦:૧, ૨.
૨ ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરનારાઓની આજે પણ એટલી જ જરૂર છે. ૨૦૦૯ના સેવાવર્ષમાં દુનિયાભરમાં ૧,૮૧,૬૮,૩૨૩ લોકો સ્મરણપ્રસંગમાં આવ્યા હતા. એમાં યહોવાહના સાક્ષીઓને બાદ કરતા લગભગ એક કરોડથી વધારે લોકો હતા. આ બતાવે છે કે ખેતરો કાપણી માટે હવે તૈયાર છે. (યોહા. ૪:૩૪, ૩૫) એટલે આપણે વધારે મજૂરો માટે ઈશ્વરને પ્રાર્થના કરવી જ જોઈએ. આપણે પ્રાર્થના કરીને બેસી ન રહીએ, પણ કંઈક કરીએ. આપણે ઈશ્વરના રાજ્યનો પ્રચાર ને શિષ્યો બનાવવાના કાર્યમાં વધારે ઉત્સાહી બનીએ. લોકોને સત્ય શીખવવામાં કુશળ થઈએ.—માથ. ૨૮:૧૯, ૨૦; માર્ક ૧૩:૧૦.
૩. ઈશ્વરનો સંદેશો કુશળતાથી જણાવવા તેમની શક્તિ કેવી રીતે મદદ કરે છે?
૩ આપણે ગયા લેખમાં જોઈ ગયા કે ઈશ્વરની શક્તિની મદદથી આપણને ‘તેમની વાત હિંમતથી બોલવા’ ઘણી મદદ મળે છે. (પ્રે.કૃ. ૪:૩૧) ઈશ્વરની શક્તિ આપણને પ્રચારમાં પણ કુશળ બનાવી શકે છે. એ માટે આપણે બાઇબલનો સારો ઉપયોગ કરતા શીખવાની જરૂર છે. એ ધર્મગ્રંથમાં અપાર તાકાત છે. બાઇબલ યહોવાહની શક્તિની એક કરામત છે. એને પ્રચારમાં સારી રીતે વાપરીશું તો, લોકોના દિલ સુધી ઈશ્વરનો સંદેશો પહોંચાડી શકીશું. એ રીતે આપણે કુશળ બનીશું. (૨ તીમો. ૩:૧૬) એનો સંદેશો ઈશ્વરની પ્રેરણાથી લખાયો છે. એટલે બાઇબલનો કુશળતાથી ઉપયોગ કરીને સંદેશો જણાવીએ ત્યારે, લોકોના દિલ સુધી પહોંચવા ઈશ્વરની શક્તિ આપણને મદદ કરે છે. આપણે હવે જોઈશું કે બાઇબલનો કુશળતાથી કઈ રીતે ઉપયોગ કરી શકાય. એ પહેલાં ચાલો જોઈએ કે બાઇબલનો સંદેશો કેટલો શક્તિશાળી છે.
‘ઈશ્વરનો શબ્દ સમર્થ છે’
૪. બાઇબલનો સંદેશો વ્યક્તિમાં કેવો બદલાવ લાવી શકે છે?
૪ બાઇબલમાં ઈશ્વરના બોલ છે. એનો સંદેશો બહુ જ શક્તિશાળી. (હેબ્રી ૪:૧૨) એ સંદેશો જાણે બેધારી તલવારથી પણ વધારે તીક્ષ્ણ છે. જાણે હાડકાંને અને એના મજ્જાને પણ વિંધી નાંખે. બાઇબલનું સત્ય વ્યક્તિના દિલમાં ઊતરીને તેના વિચારો અને લાગણીઓ બહાર લાવે છે. વ્યક્તિને અહેસાસ કરાવે છે કે તે અંદરથી કેવી છે. બાઇબલ સત્યમાં વ્યક્તિને ધરમૂળથી બદલવાની તાકાત છે. (કોલોસી ૩:૧૦ વાંચો.) બાઇબલનો સંદેશો લોકોનું જીવન બદલી શકે છે!
૫. બાઇબલ આપણને કઈ રીતે દોરે છે? એની સલાહ પ્રમાણે ચાલવાથી કેવા આશીર્વાદો મળે છે?
૫ બાઇબલ જેવું જ્ઞાન ને ડહાપણ બીજા કોઈ પુસ્તકમાં નથી. એ માણસજાતને જીવનનો માર્ગ બતાવે છે. મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો પણ માર્ગ બતાવે છે. બાઇબલ જાણે દીવા જેવું છે. એની સલાહ પ્રમાણે ચાલવાથી રોજ-બ-રોજના જીવનમાં પ્રકાશ પાથરે છે. ભવિષ્યમાં પણ એ ખરા માર્ગે દોરી જાય છે. (ગીત. ૧૧૯:૧૦૫) બાઇબલ આપણને કોઈ પણ તકલીફમાં કે નાના-મોટા નિર્ણય લેવામાં મદદ કરે છે. જેમ કે, મિત્રની પસંદગી, મનોરંજન, નોકરી-ધંધો, પહેરવેશ વગેરેમાં. બાઇબલ વગર આપણું જીવન અંધકારમય છે. (ગીત. ૩૭:૨૫; નીતિ. ૧૩:૨૦; યોહા. ૧૫:૧૪; ૧ તીમો. ૨:૯) બાઇબલના સિદ્ધાંતો જીવનમાં લાગુ પાડવાથી આપણે એકબીજા સાથે હળીમળીને રહી શકીએ છીએ. (માથ. ૭:૧૨; ફિલિ. ૨:૩, ૪) બાઇબલની સલાહ પ્રમાણે ચાલીશું તો, જોઈ શકીશું કે જે કોઈ નિર્ણય લઈએ એની આવતા દિવસોમાં આપણા પર કેવી અસર પડશે. (૧ તીમો. ૬:૯) ઈશ્વરે બાઇબલમાં એ પણ જણાવ્યું છે કે તે ભવિષ્યમાં શું કરશે. એ જાણીને આપણે ઈશ્વર ચાહે છે એ રીતે જીવવા માંગીએ છીએ, જેથી આવનાર આશીર્વાદો પામી શકીએ. (માથ. ૬:૩૩; ૧ યોહા. ૨:૧૭, ૧૮) આપણે ઈશ્વરના સલાહ-સૂચનો પ્રમાણે પોતાને ઘડીએ છીએ ત્યારે, આપણું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે!
૬. શેતાન અને તેની દુનિયા સામે બાઇબલ કેટલું શક્તિશાળી હથિયાર છે?
૬ બાઇબલ બીજી એક રીતે પણ અજોડ છે. શેતાન અને એની દુનિયા સામે બાઇબલ આપણું રક્ષણ કરે છે. એટલે જ પાઊલ એને ઈશ્વરની ‘તરવાર’ કહે છે. (એફેસી ૬:૧૨, ૧૭ વાંચો.) કુશળતાથી બાઇબલનો સંદેશો જણાવીએ તો, એ લોકોને શેતાનની પકડમાંથી છોડાવી શકે છે. બાઇબલનો સંદેશો તરવાર જેવો છે. એ લોકોનું જીવન જોખમમાં નાખવાને બદલે બચાવે છે. આપણે બાઇબલનો સારી રીતે ઉપયોગ કરતા શીખીએ એ કેટલું જરૂરી છે!
બાઇબલનો સારો ઉપયોગ કરીએ
૭. બાઇબલનો સારી રીતે ઉપયોગ કરતા શીખવું કેમ મહત્ત્વનું છે?
૭ સૈનિક સારી રીતે હથિયાર ચલાવતા શીખ્યો હશે, સારી પ્રેક્ટિસ કરી હશે તો લડાઈમાં એને સારી રીતે વાપરી શકશે. બાઇબલ પણ આપણા માટે ઈશ્વરે આપેલી ‘તરવાર’ જેવું છે. સૈનિકની જેમ આપણે પણ યહોવાહનો સંદેશો જણાવતી વખતે એનો સારો ઉપયોગ કરીએ. પાઊલે લખ્યું: “જેને શરમાવાનું કંઈ કારણ ન હોય એવી રીતે કામ કરનાર સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર, અને દેવને પસંદ પડે એવો સેવક થવાને પ્રયત્ન કર.”—૨ તીમો. ૨:૧૫.
૮, ૯. બાઇબલનું શિક્ષણ સમજવા આપણને શું મદદ કરશે? દાખલો આપો.
૮ પ્રચારમાં “સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર” થવા આપણને શું મદદ કરશે? બીજાઓને બાઇબલનો સંદેશો જણાવતા પહેલાં, આપણે પોતે એને સારી રીતે સમજવાની જરૂર છે. એને પચાવવાની જરૂર છે. પણ એ માટે જરૂરી છે કે આપણે જે તે કલમ કે લખાણના સંદર્ભથી પરિચિત થઈએ. સંદર્ભ એટલે આપણે અભ્યાસ કરતા હોય એ કલમ કે લખાણની આગળ પાછળની માહિતી. એનાથી જાણકાર થઈને એ કલમ કે લખાણને સારી રીતે સમજી શકીશું.
૯ બાઇબલનું કોઈ લખાણ બરાબર સમજવા કોશિશ કરીએ ત્યારે, એની આગળ-પાછળની માહિતી તપાસવી બહુ જરૂરી છે. ગલાતી ૫:૧૩માં પાઊલે જે લખ્યું હતું એનો વિચાર કરો: “ભાઈઓ, તમને તો સ્વતંત્રતા પ્રાપ્ત કરવાને બોલાવેલા હતા; માત્ર એટલું જ કે તે તમારી સ્વતંત્રતા શારીરિક વિષયભોગને અર્થે ન વાપરો, પણ પ્રેમથી એકબીજાની સેવા કરો.” પાઊલ અહીં કઈ સ્વતંત્રતા વિષે વાત કરતા હતા? પાપ અને મરણથી સ્વતંત્રતા? જૂઠી માન્યતાઓથી સ્વતંત્રતા? કે પછી બીજી કોઈ સ્વતંત્રતા? એ કલમની આગળ-પાછળની માહિતી તપાસવાથી જાણવા મળે છે કે ‘નિયમના શાપથી છોડાવવામાં આવ્યા’ એ સ્વતંત્રતાની પાઊલ વાત કરતા હતા. (ગલા. ૩:૧૩, ૧૯-૨૪; ૪:૧-૫) આ સ્વતંત્રતા ઈસુને પગલે ચાલવાથી મળે છે. આ સ્વતંત્રતાની કદર કરનારા પ્રેમથી એકબીજાની સેવા કરતા. પણ જેઓ પ્રેમથી સેવા કરતા ન હતા તેઓ બીજાઓની પીઠ પાછળ નિંદા કરવામાં, ઝઘડવામાં જ લાગુ રહેતા.—ગલા. ૫:૧૫.
૧૦. કોઈ કલમનો ચોક્કસ અર્થ જાણવા આપણે કેવી માહિતી જાણવી જોઈએ? એ માહિતી કેવી રીતે મેળવી શકીએ?
૧૦ કોઈ કલમનો ચોક્કસ અર્થ જાણવા માટે આપણે એને લગતી માહિતી પણ તપાસવી જોઈએ. જેમ કે, એ બાઇબલ પુસ્તક કોણે લખ્યું, ક્યારે લખ્યું, કેવા સંજોગોમાં લખ્યું વગેરે. આપણે એ પણ જાણી શકીએ કે કયા મકસદથી એ પુસ્તક લખાયું. એ જમાનામાં લોકોના રીત-રિવાજ ને ચાલચલન કેવા હતા. તેઓ કયો ધર્મ પાળતા. આ બધું જાણવાથી આપણે આસાનીથી જે તે કલમનો ચોક્કસ અર્થ સમજી શકીશું.a
૧૧. બાઇબલની કોઈ કલમ સમજાવતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ?
૧૧ “સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર” બનવા લોકોને બાઇબલની બરાબર સમજણ આપીએ એટલું જ પૂરતું નથી. એ પણ ધ્યાન રાખવું જોઈએ કે બાઇબલમાંથી સમજાવીએ ત્યારે બીજાઓને ઠપકો ન આપીએ. તેઓને નીચા ન પાડીએ. ખરું કે આપણે સત્યના બચાવમાં બાઇબલ વાપરવું જોઈએ. શેતાને પરીક્ષણ કર્યું ત્યારે, ઈસુએ પણ બાઇબલ વચનોથી સામનો કર્યો હતો. પણ આપણે બાઇબલનો ઉપયોગ કરીને કોઈને કદી નીચા ના પાડીએ, કે શરમિંદા ન કરીએ. આપણી માન્યતાઓ તેઓ પર થોપી ન બેસાડીએ. (પુન. ૬:૧૬; ૮:૩; ૧૦:૨૦; માથ. ૪:૪, ૭, ૧૦) આપણે પ્રેરિત પીતરની આ સલાહ કાને ધરવી જોઈએ: “ખ્રિસ્તને તમારા પ્રભુ તરીકે તમારાં અંતઃકરણમાં પવિત્ર માનો; અને જે આશા તમે રાખો છો તેનો ખુલાસો જો કોઈ માગે તો તેને નમ્રતાથી તથા સત્યતાથી પ્રત્યુત્તર આપવાને સદા તૈયાર રહો.”—૧ પીત. ૩:૧૫.
૧૨, ૧૩. બાઇબલ કઈ રીતે ‘કિલ્લાઓ જેવી માન્યતાઓને તોડી પાડવાને સમર્થ છે?’ દાખલો આપો.
૧૨ આપણે બાઇબલનો સારો ઉપયોગ કરીએ ત્યારે એના સંદેશાની કેવી અસર પડે છે? (૨ કોરીંથી ૧૦:૪, ૫ વાંચો.) બાઇબલનું સત્ય ‘કિલ્લાઓને તોડી પાડવાને સમર્થ છે.’ આ કિલ્લાઓ શું છે? ધર્મની જૂઠી માન્યતાઓ, નુકસાન કરતા રીત-રિવાજો અને ફિલસૂફીઓ છે. એ તો માણસના વિચારો છે, ઈશ્વરના નહિ. આપણે બાઇબલની મદદથી એવા કોઈ પણ વિચારોને તોડી શકીએ જે ‘ઈશ્વરના જ્ઞાનની વિરૂદ્ધ માથું ઊંચકે છે.’ બાઇબલ શિક્ષણથી બીજાઓને તેઓના વિચારો સત્યના સુમેળમાં લાવવા આપણે મદદ કરી શકીએ.
૧૩ ભારતમાં રહેતા ૯૩ વર્ષના એક દાદીમાનો વિચાર કરો. નાનપણથી જ તેમને પુનર્જન્મમાં માનવાનું શીખવવામાં આવ્યું હતું. પછી તેમણે પરદેશમાં રહેતા દીકરા પાસેથી પત્ર દ્વારા બાઇબલ શીખવાનું શરૂ કર્યું. યહોવાહ અને તેમણે આપેલાં વચનો વિષે દાદીમા જે કંઈ શીખ્યા એ બધું માની લીધું. પરંતુ જ્યારે દીકરાએ પત્રમાં જણાવ્યું કે ગુજરી ગયેલા લોકો કેવી હાલતમાં હોય છે ત્યારે, એ દાદીમાને ગળે જ ન ઊતર્યું. પુનર્જન્મની માન્યતા તેમના દિલમાં એવી તો જડાઈ ગઈ હતી કે તેમણે દીકરાનો વિરોધ કર્યો. તેમણે કહ્યું: “તમારું બાઇબલ આ શું શીખવે છે? એ મારા ભેજામાં જ ઊતરતું નથી. બધા ધર્મો તો શીખવે છે કે આપણામાં આત્મા છે, જે કદી મરતો નથી. હું તો શરૂઆતથી જ માનતી આવી છું કે શરીર નાશ પામે છે, પણ આત્મા અમર છે. એ એક પછી એક આશરે ચોર્યાસી લાખ વાર બીજા શરીરોમાં જન્મ લે છે. આ તો ખોટું હોઈ જ ન શકે. નહિ તો શું મોટા ભાગના ધર્મો ખોટું શીખવે છે?” શું બાઇબલનું સત્ય લોકોના મનમાં ઘર કરી ગયેલી આવી માન્યતાને તોડી પાડી શકે? દાદીમાએ એ જ વિષય પર વધારે અભ્યાસ કર્યો, દીકરા સાથે બાઇબલમાંથી ચર્ચા કરી. અમુક અઠવાડિયાં પછી તેમણે લખ્યું: “હવે મને સમજ પડી કે ગુજરી ગયેલા માણસનું શું થાય છે. ઈશ્વર એક દિવસ ગુજરી ગયેલાઓને મરણની ઊંઘમાંથી પાછા જગાડશે એ જાણીને મારું હૃદય ખુશીઓથી ભરાઈ જાય છે. ત્યારે આપણે ગુજરી ગયેલા સગાં-વહાલાંને ફરી મળી શકીશું. ઈશ્વરનું રાજ્ય જલદી આવે એની હું હવે કાગને ડોળે રાહ જોઉં છું.”
ખાતરી થાય એ રીતે ઈશ્વરનો સંદેશો સમજાવીએ
૧૪. આપણા સાંભળનારને સમજાવવાનો શો અર્થ થાય?
૧૪ પ્રચારમાં બાઇબલનો સારો ઉપયોગ કરવાનો અર્થ એ જ નથી કે ફક્ત કોઈ કલમ ખોલીને બતાવીએ. પાઊલ લોકો સાથે વાત કરતા ત્યારે, તેઓને ‘સમજાવતા’ હતા. આપણે પણ એમ કરવું જોઈએ. (પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૮, ૯; ૨૮:૨૩ વાંચો.) સમજાવવાનો અર્થ એ પણ થાય કે ખાતરી કરાવવી, વ્યક્તિને જીતી લેવી. વ્યક્તિને ગળે એકવાર સંદેશો ઊતરી જાય પછી, ‘તે એમાં પૂરી ખાતરીથી ભરોસો મૂકે છે.’ વ્યક્તિને બાઇબલ શિક્ષણની ખાતરી કરાવીએ પછી, આપણે એમાં ભરોસો મૂકવા તેમને જીતી લઈએ છીએ. પણ એ માટે આપણા સાંભળનારને જે કંઈ કહીએ એની સચ્ચાઈની ખાતરી કરાવવાની જરૂર છે. એ આપણે નીચેની રીતો વાપરીને કરી શકીએ.
૧૫. બાઇબલ માટે આદરભાવ જગાડવા તમે કઈ રીતે વ્યક્તિનું ધ્યાન બાઇબલ તરફ દોરી શકો?
૧૫ બાઇબલ તરફ એ રીતે ધ્યાન દોરીએ, જેથી બાઇબલ માટે વ્યક્તિના દિલમાં આદરભાવ જાગે. બાઇબલની કોઈ કલમ બતાવો ત્યારે, ભાર મૂકો કે એ વિષય પર ઈશ્વર શું વિચારે છે. વ્યક્તિને સવાલ પૂછીને તેમનો જવાબ સાંભળો. પછી તમે આમ કહી શકો, ‘ચાલો જોઈએ કે આ બાબતને ઈશ્વર કઈ રીતે જુએ છે.’ અથવા આવું પૂછી શકો, ‘આ વિષે ઈશ્વર શું કહે છે?’ આ રીતે બાઇબલની કોઈ કલમ બતાવીને વાત કરીશું તો, વ્યક્તિ જોઈ શકશે કે બાઇબલ ઈશ્વર તરફથી છે. એનાથી તેના દિલમાં બાઇબલ માટે આદરભાવ જાગશે. બાઇબલના શિક્ષણથી અજાણ હોય એવા ધાર્મિક લોકોને સંદેશો જણાવીએ ત્યારે આમ કરવું બહુ જરૂરી છે.—ગીત. ૧૯:૭-૧૦.
૧૬. બાઇબલની કલમોને સારી રીતે સમજાવવા તમને શું મદદ કરશે?
૧૬ બાઇબલમાંથી કલમો ફક્ત વાંચો જ નહિ, પણ સમજાવો. પાઊલ જે કંઈ શીખવતા એને હંમેશા ‘ખુલાસો આપીને સિદ્ધ કરતા,’ એટલે કે સમજાવતા. (પ્રે.કૃ. ૧૭:૩) કોઈ વિષયને લઈને બાઇબલની કલમો તપાસીએ ત્યારે, એમાં મોટે ભાગે એકથી વધારે વિચારો હોય છે. એટલે ચર્ચા કરતા હોય એ વિષયને લગતા મુખ્ય વિચારને અલગ તારવવાની જરૂર પડી શકે. એમ કરવા તમે કલમના મુખ્ય વિચારને વારંવાર જણાવી શકો. એને બીજા શબ્દોમાં જણાવી શકો. અથવા ઘરમાલિકને વધારે સવાલો પૂછી શકો. એનાથી ઘરમાલિક વિષયને લગતો મુખ્ય વિચાર જોઈ શકશે. પછી કલમનો એ વિચાર સમજાવો અને તેમને કઈ રીતે લાગુ પડે છે એ જોવા મદદ કરો.
૧૭. વ્યક્તિને ખાતરી કરાવવા તમે બાઇબલમાંથી કઈ રીતે સમજાવી શકો?
૧૭ બાઇબલમાંથી એ રીતે સમજાવો કે વ્યક્તિને ખાતરી થાય. પાઊલે પણ દિલથી અરજ કરીને યોગ્ય દલીલોથી લોકોને ખાતરી કરાવી. તેમણે હંમેશા ‘ધર્મશાસ્ત્રમાંથી પ્રમાણ આપીને તેઓ’ સાથે વાત કરી. (પ્રે.કૃ. ૧૭:૨, ૪) પાઊલની જેમ તમે પણ વ્યક્તિમાં દિલથી રસ લો. તેઓને પ્રેમથી એવા સવાલો પૂછો જે તેમના દિલની વાત ‘બહાર કાઢી લાવે.’ (નીતિ. ૨૦:૫) કદી તોછડાઈથી કે કઠોર બનીને વાત ન કરો. સમજાય એ રીતે દલીલ કરો. વ્યક્તિને ગળે ઊતરે એવી રીતે સમજાવવું જોઈએ. તમે જે કંઈ કહો એ બાઇબલને આધારે જ હોવું જોઈએ. કોઈ મુદ્દાને સમજાવવા માટે બે-ત્રણ કલમો સાથે વાંચવાને બદલે ફક્ત એકાદ કલમ વાંચો. પછી દાખલો આપીને એ કલમ સમજાવો. મુદ્દાને ટેકો આપતા પુરાવા પણ રજૂ કરીશું તો એ ‘તમારા હોઠ ઉપર જ્ઞાનનો વધારો કરશે.’ (નીતિ. ૧૬:૨૩) એ વિષય પર તમારે અમુક સંશોધન પણ કરવું પડે, જેથી વધારે માહિતી જણાવી શકાય.b આપણે જોઈ ગયા એ ૯૩ વર્ષના દાદીમાને જાણવું હતું કે શા માટે અમર આત્માનું શિક્ષણ આટલું બધું જાણીતું છે. દાદીમાને એ જણાવવું બહુ જરૂરી હતું કે અમર આત્માની માન્યતાની શરૂઆત ક્યાંથી થઈ અને દુનિયાના મોટા ભાગના ધર્મોમાં એ કેવી રીતે આવી. એ જાણ્યા પછી જ તે આ વિષય પર બાઇબલનું શિક્ષણ દિલથી સ્વીકારી શક્યા.
બાઇબલનો કુશળતાથી ઉપયોગ કરતા રહીએ
૧૮, ૧૯. આપણે શા માટે લોકોને સંદેશો જણાવવા બાઇબલનો સારો ઉપયોગ કરતા રહેવું જોઈએ?
૧૮ બાઇબલ કહે છે કે ‘આ જગત’ દિવસે દિવસે બદલાતું જાય છે. ખરાબ લોકો દિવસે દિવસે વધારે ખરાબ થતા જાય છે. (૧ કોરીં. ૭:૩૧; ૨ તીમો. ૩:૧૩) તેથી એ બહુ જરૂરી છે કે આપણે ઈશ્વરે આપેલ તરવાર જેવા બાઇબલનો ઉપયોગ કરીને ‘કિલ્લાઓ જેવી ખોટી માન્યતાઓને તોડતા રહીએ.’
૧૯ આપણે કેટલા ખુશ છીએ કે આપણી પાસે ઈશ્વરે આપેલું બાઇબલ છે! એનો શક્તિશાળી સંદેશો લોકોને જણાવીને તેઓના દિલમાંથી જૂઠા શિક્ષણને જડમૂળથી કાઢી શકીએ છીએ. આ સંદેશાથી વધારે શક્તિશાળી દુનિયામાં બીજું કંઈ જ નથી. તો ચાલો, યહોવાહે રાજ્યનો સંદેશો જણાવવાનું જે કામ સોંપ્યું છે એમાં કુશળ બનીએ. બાઇબલમાંથી સારી રીતે સમજાવવા બનતું બધું જ કરીએ. (w10-E 02/15)
[ફુટનોટ્સ]
a બાઇબલની કલમો પર વધારે માહિતી ચોકીબુરજ મૅગેઝિનના “ઈશ્વરનો શબ્દ જીવંત છે” લેખોમાંથી મળે છે.
b એપ્રિલ ૧, ૧૯૯૯ના ચોકીબુરજના પાન ૯-૧૩ પરનો આ લેખ જુઓ: “મરણ પછી જીવન—લોકો શું માને છે?”
તમે શું શીખ્યા?
• ઈશ્વરનો શબ્દ બાઇબલ કેટલું શક્તિશાળી છે?
• આપણે “સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર” કઈ રીતે બની શકીએ?
• બાઇબલનું સત્ય કઈ રીતે ‘કિલ્લાઓ જેવી ખોટી માન્યતાઓને તોડી પાડવાને સમર્થ છે?’
• પ્રચારમાં લોકોને ખાતરી થાય એ રીતે સમજાવવા તમે શું કરી શકો?
[પાન ૨૦ પર ચિત્રનું મથાળું]
લોકોને ખાતરી થાય એ રીતે બાઇબલમાંથી સમજાવવા શું કરશો?
▪ બાઇબલ માટે તેઓના દિલમાં આદરભાવ જગાડો
▪ બાઇબલની કલમોને સમજાવો
▪ વ્યક્તિના હૃદય સુધી પહોંચવા તેમને ખાતરી થાય એ રીતે યોગ્ય દલીલ કરો
[પાન ૧૯ પર ચિત્રનું મથાળું]
બાઇબલ જાણે ઈશ્વરે આપેલી તરવાર છે. એને સારી રીતે વાપરતા તમારે શીખવું જ જોઈએ