નિઃસ્વાર્થ વલણ કઈ રીતે જાળવીશું?
“જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો.”—માથ. ૧૬:૨૪.
૧. નિઃસ્વાર્થ વલણ રાખવામાં ઈસુએ કઈ રીતે સૌથી ઉત્તમ દાખલો બેસાડ્યો?
ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે નિઃસ્વાર્થ વલણનો સૌથી ઉત્તમ દાખલો બેસાડ્યો. તેમણે પોતાની ઇચ્છાઓ અને આરામને જતાં કરીને ઈશ્વરની ઇચ્છાને પ્રથમ રાખી. (યોહા. ૫:૩૦) વધસ્તંભ પર પોતાના છેલ્લા શ્વાસ સુધી તે વફાદાર રહ્યા. આમ, તેમણે સાબિત કર્યું કે તેમના નિઃસ્વાર્થ વલણની કોઈ હદ નથી.—ફિલિ. ૨:૮.
૨. આપણે નિઃસ્વાર્થ વલણ કઈ રીતે બતાવી શકીએ? આપણે એવું વલણ શા માટે બતાવવું જોઈએ?
૨ ઈસુના શિષ્યો તરીકે જરૂરી છે કે આપણે પણ નિઃસ્વાર્થ વલણ રાખીએ. નિઃસ્વાર્થ વલણ રાખવાનો શો અર્થ થાય? એનો અર્થ થાય કે પોતાના કરતાં પહેલા બીજાઓને મદદ કરવા તૈયાર હોવું. બીજા શબ્દોમાં કહીએ તો એ સ્વાર્થી વલણનો વિરોધાભાસ છે. (માથ્થી ૧૬:૨૪ વાંચો.) નિઃસ્વાર્થ વલણ હશે તો આપણે પોતાના કરતાં બીજાઓની લાગણીઓ અને ઇચ્છાઓનો પહેલા વિચાર કરીશું. (ફિલિ. ૨:૩, ૪) ઈસુએ શીખવ્યું કે આપણી ભક્તિ માટે નિઃસ્વાર્થ વલણ હોવું જરૂરી છે. ખ્રિસ્તી પ્રેમ નિઃસ્વાર્થ વલણ કેળવવા ઉત્તેજન આપે છે. તેમ જ, એ પ્રેમ ઈસુના સાચા શિષ્યોની ઓળખ છે. (યોહા. ૧૩:૩૪, ૩૫) દુનિયા ફરતે આપણાં ભાઈ-બહેનો એવું નિઃસ્વાર્થ વલણ બતાવે છે. જરા વિચાર કરો કે એ ભાઈચારાનો ભાગ હોવાથી આપણને કેટલા બધા આશીર્વાદો મળે છે!
૩. આપણા નિઃસ્વાર્થ વલણને કોણ ખાઈ જઈ શકે?
૩ જોકે, આપણે બધા એક એવા દુશ્મનનો સામનો કરીએ છીએ જે ધીમે ધીમે આપણા નિઃસ્વાર્થ વલણને ખાઈ જાય છે. એ દુશ્મન કોણ છે? એ છે આપણામાં રહેલું સ્વાર્થી વલણ. જરા વિચારો કે આદમ અને હવાએ કઈ રીતે સ્વાર્થી વલણ બતાવ્યું. હવાને ઈશ્વર જેવી બનવાની સ્વાર્થી ઇચ્છા થઈ. તેમ જ, તેના પતિ આદમને પોતાની પત્નીને ખુશ કરવાનો સ્વાર્થ હતો. (ઉત. ૩:૫, ૬) આદમ અને હવાને સાચી ભક્તિથી દૂર કર્યાં પછી શેતાને બીજા લોકોને પણ સ્વાર્થી બનવા લલચાવ્યા છે. અરે, તેણે તો ઈસુને પણ લલચાવવાનો પ્રયત્ન કર્યો. (માથ. ૪:૧-૯) આજે શેતાન મોટા ભાગના લોકોને ખોટા માર્ગે દોરવામાં સફળ થયો છે. તે ઘણી રીતે લોકોને સ્વાર્થી બનવા તરફ દોરે છે. આપણે ધ્યાન નહિ રાખીએ તો દુનિયાનું સ્વાર્થી વલણ આપણામાં પણ આવી શકે છે.—એફે. ૨:૨.
૪. (ક) શું આપણી સ્વાર્થી ઇચ્છાઓ હમણાં દૂર થઈ શકે છે? સમજાવો. (ખ) આપણે કયા સવાલો પર ચર્ચા કરીશું?
૪ સ્વાર્થી વલણને આપણે લોખંડ પર લાગતા કાટ સાથે સરખાવી શકીએ. હવા અને પાણીની અસર થવાથી લોખંડ પર ધીરે ધીરે કાટ લાગે છે. જો એ કાટ પર ધ્યાન ન આપવામાં આવે તો ઘણો વધી શકે છે. અરે, એ લોખંડના માળખાને નબળું અથવા નકામું બનાવી શકે. એવું જ કંઈક આપણી સાથે બને છે. આપણી અપૂર્ણતા અને સ્વાર્થી ઇચ્છાઓ હમણાં દૂર થઈ શકતી નથી. તેથી, એની સામે સતત લડત આપવી પડે છે. જો ધ્યાન નહિ રાખીએ તો આપણા નિઃસ્વાર્થ વલણ પર એની ખરાબ અસર પડી શકે. (૧ કોરીં. ૯:૨૬, ૨૭) હવે સવાલ થાય કે, આપણામાં સ્વાર્થી વલણ આવી ગયું છે કે કેમ, એ કઈ રીતે પારખવું? નિઃસ્વાર્થ વલણ કેળવવામાં કઈ રીતે વધારો કરી શકાય?
બાઇબલની મદદથી સ્વાર્થી વલણની તપાસ કરીએ
૫. (ક) બાઇબલ કઈ રીતે અરીસા જેવું છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) સ્વાર્થી વલણની તપાસ કરતી વખતે કઈ બાબતો ટાળવી જોઈએ?
૫ આપણે પોતાનો દેખાવ જોવા અરીસાનો ઉપયોગ કરીએ છીએ. એ જ રીતે, પોતાનું વ્યક્તિત્વ તપાસવા અને ખામી દેખાય તો એને સુધારવા બાઇબલનો ઉપયોગ કરી શકીએ. (યાકૂબ ૧:૨૨-૨૫ વાંચો.) પરંતુ, અરીસો ત્યારે જ કામ લાગે જ્યારે એનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે. દાખલા તરીકે, જો આપણે અરીસામાં ફક્ત એક નજર કરીશું, તો કદાચ નાની પણ મહત્ત્વની બાબત ચૂકી જઈશું. અથવા જો આપણે અમુક દિશામાંથી અરીસો જોઈશું તો કદાચ બીજું જ કોઈ દેખાશે. એવી જ રીતે, બાઇબલ પણ આપણને સ્વાર્થી વલણ જેવી ખામીઓ જોવા મદદ કરે છે. પરંતુ, જો આપણે એને ફક્ત વાંચી જઈશું કે પછી એનો ઉપયોગ બીજાઓની ભૂલો શોધવામાં કરીશું તો એ મદદ નહિ કરે.
૬. આપણે સંપૂર્ણ નિયમમાં કઈ રીતે રહી શકીએ?
૬ બની શકે કે બાઇબલ નિયમિત રીતે વાંચતા હોવા છતાં, એ જોવામાં નિષ્ફળ જઈએ કે આપણામાં સ્વાર્થી વલણ વધી રહ્યું છે. એવું કઈ રીતે બની શકે? આનો વિચાર કરો: યાકૂબના દૃષ્ટાંતમાં અરીસામાં જોનાર માણસ “પોતાને જુએ છે.” યાકૂબે અહીં જે ગ્રીક શબ્દનો ઉપયોગ કર્યો એનો અર્થ થાય કે ધ્યાનથી તપાસવું. તેથી, કહી શકાય કે એ માણસ અરીસામાં ધ્યાનથી જોતો હતો. છતાં, એક બાબત કરવાનું તે ચૂકી ગયો. યાકૂબ આગળ જણાવે છે કે તે “પછી ત્યાંથી ખસી જાય છે, એટલે તે પોતે કેવો હતો, એ તે તરત ભૂલી જાય છે.” હા, તે સુધારો કર્યા વગર ત્યાંથી ખસી જાય છે. બીજી બાજુ, એક સફળ માણસ “સંપૂર્ણ નિયમમાં” ધ્યાનથી જુએ છે અને “તેમાં રહે છે.” એ માણસ ‘સંપૂર્ણ નિયમ’ એટલે કે ઈશ્વરના શબ્દ બાઇબલને ભૂલી જતો નથી, પણ એનું શિક્ષણ પાળતો રહે છે. ઈસુએ પણ સરખો વિચાર જણાવતા કહ્યું: “જો તમે મારા વચનમાં રહો, તો ખરેખર તમે મારા શિષ્યો છો.”—યોહા. ૮:૩૧.
૭. સ્વાર્થી વલણ વિરુદ્ધ સફળતાથી લડવા બાઇબલનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ?
૭ સ્વાર્થી વલણ વિરુદ્ધ સફળતાથી લડવા આપણે પહેલા ધ્યાનથી બાઇબલ વાંચવું જોઈએ. એમ કરવાથી, જ્યાં જરૂર છે ત્યાં સુધારો કરવા આપણને મદદ મળશે. પરંતુ, એટલું જ પૂરતું નથી, બાઇબલમાંથી સંશોધન કરવું પણ જરૂરી છે. બાઇબલનો કોઈ અહેવાલ વાંચો ત્યારે કલ્પના કરો કે એ બનાવ તમારી નજર સમક્ષ બની રહ્યો છે. એ સમયે આ સવાલો પર વિચાર કરો: “એ સંજોગોમાં મેં શું કર્યું હોત? શું મેં યોગ્ય પગલાં ભર્યાં હોત?” સૌથી મહત્ત્વનું છે કે આપણે જે વાંચીએ એના પર મનન કરીએ અને એને લાગુ પાડવા બનતું બધું કરીએ. (માથ. ૭:૨૪, ૨૫) ચાલો આપણે રાજા શાઊલ અને પ્રેરિત પીતરના અહેવાલો તપાસીએ. એનાથી આપણને નિઃસ્વાર્થ વલણ જાળવી રાખવા મદદ મળશે.
રાજા શાઊલનો દાખલો ચેતવે છે
૮. રાજા બન્યા ત્યારે શાઊલનું વલણ કેવું હતું? તેમણે એ વલણ કઈ રીતે બતાવ્યું?
૮ ઈસ્રાએલના રાજા શાઊલનો દાખલો બતાવે છે કે કઈ રીતે સ્વાર્થી વલણ આપણા નિઃસ્વાર્થ વલણને ખાઈ જઈ શકે. શાઊલે રાજ કરવાનું શરૂ કર્યું ત્યારે તેમણે પોતાને ઉચ્ચ ગણ્યા નહિ અને તેમનું વલણ નમ્ર હતું. (૧ શમૂ. ૯:૨૧) ઈસ્રાએલીઓ શાઊલના રાજની વિરુદ્ધ બોલ્યા ત્યારે શાઊલ તેઓને શિક્ષા કરી શક્યા હોત, કારણ કે એ અધિકાર યહોવાએ તેમને આપ્યો હતો. પરંતુ, તેમણે તેઓને શિક્ષા ન કરીને નમ્રતા બતાવી. (૧ શમૂ. ૧૦:૨૭) રાજા શાઊલ ઈશ્વરની શક્તિના માર્ગદર્શનથી આમ્નોનીઓ વિરુદ્ધના યુદ્ધમાં સફળ થયા. પછીથી, તેમણે નિઃસ્વાર્થ વલણ બતાવતા એ જીતનો શ્રેય યહોવાને આપ્યો.—૧ શમૂ. ૧૧:૬, ૧૧-૧૩.
૯. શાઊલે પોતાનામાં સ્વાર્થી વિચાર કઈ રીતે આવવા દીધો?
૯ સમય જતાં, શાઊલે પોતાનામાં સ્વાર્થી વિચાર આવવા દીધો અને કોરી ખાનાર કાટ જેવું તેમનામાં ઘમંડ આવ્યું. અમાલેકીઓને યુદ્ધમાં હરાવ્યા પછી યહોવાની આજ્ઞા પાળવાને બદલે શાઊલે પોતાની ઇચ્છાને પ્રથમ રાખી. યહોવાએ અમાલેકીઓની વસ્તુઓનો નાશ કરવાની આજ્ઞા આપી હતી પણ, શાઊલે લોભ કરીને એમાંની અમુક રાખી મૂકી. એટલું જ નહિ, શાઊલે ઘમંડી બનીને પોતાના માટે કીર્તિસ્તંભ બનાવ્યો. (૧ શમૂ. ૧૫:૩, ૯, ૧૨) શમૂએલ પ્રબોધકે જણાવ્યું કે યહોવા તેમનાથી નારાજ થયા છે ત્યારે શાઊલ પોતાને સાચા સાબિત કરવા લાગ્યા. તેમણે ઈશ્વરની આજ્ઞાનો જે ભાગ માન્યો એના પર જ ધ્યાન દોર્યું અને પોતાની ભૂલ માટે બીજાઓને દોષ આપ્યો. (૧ શમૂ. ૧૫:૧૬-૨૧) ઉપરાંત, ઘમંડને લીધે શાઊલે યહોવાને ખુશ કરવા કરતાં લોકો સામે પોતાનું માન જાળવવું વધારે વહાલું ગણ્યું. (૧ શમૂ. ૧૫:૩૦) શાઊલનો અહેવાલ આપણા માટે એક અરીસા જેવો છે, જેનાથી આપણને નિઃસ્વાર્થ વલણ જાળવવામાં મદદ મળશે. કઈ રીતે?
૧૦, ૧૧. (ક) નિઃસ્વાર્થ વલણ જાળવી રાખવા શાઊલના દાખલામાંથી શું ચેતવણી મળે છે? (ખ) આપણે કઈ રીતે શાઊલ જેવું વલણ ટાળી શકીએ?
૧૦ પહેલી, શાઊલનો દાખલો આપણને પોતાનામાં વધુ પડતો ભરોસો ન રાખવાનું શીખવે છે. જો આપણે અગાઉ નિઃસ્વાર્થ વલણ બતાવ્યું હોય તો જરૂરી નથી કે હંમેશાં એમ જ કરતા રહીશું. (૧ તીમો. ૪:૧૦) ધ્યાન આપો કે, શાઊલની શરૂઆત સારી હતી અને તેમણે થોડા સમય સુધી યહોવાને ખુશ કર્યા હતા. જોકે, સમય જતાં પોતાનામાં જાગી રહેલી સ્વાર્થી ઇચ્છાને તેમણે કાબૂમાં રાખી નહિ. આખરે યહોવાએ શાઊલનો આજ્ઞા ન પાળવાને લીધે નકાર કર્યો.
૧૧ બીજી કે, જીવનમાં જે સારું કરી રહ્યા છીએ ફક્ત એ જ બાબતો પર ધ્યાન ન આપીએ અને જે ખામીઓ છે એની અવગણના ન કરીએ. એમ કરીશું તો જાણે અરીસામાં આપણે નવાં કપડાં કેવાં દેખાય છે ફક્ત એ જ જોઈએ છીએ. જ્યારે કે, ચહેરા પર લાગેલા ડાઘ પર ધ્યાન આપતા નથી. ખરું કે, આપણે શાઊલ જેટલા ઘમંડી નથી. પરંતુ, એવા ખરાબ વર્તન તરફ દોરી જતી કોઈ પણ ઇચ્છાને આપણે રોકવી જોઈએ. સલાહ મળે ત્યારે આપણે પોતાને સાચા સાબિત કરવા ન બેસીએ અને ભૂલને સામાન્ય ન ગણીએ અથવા દોષનો ટોપલો બીજાઓને માથે ન નાખીએ. એના બદલે, સલાહ સ્વીકારવા હંમેશાં તૈયાર રહીએ.—ગીતશાસ્ત્ર ૧૪૧:૫ વાંચો.
૧૨. આપણે કોઈ ગંભીર પાપ કરવા તરફ જતા હોઈએ એ સમયે નિઃસ્વાર્થ વલણ કઈ રીતે મદદ કરે છે?
૧૨ જોકે, એવા કિસ્સામાં શું કરવું જ્યારે આપણે કોઈ ગંભીર પાપ કરવા તરફ જતા હોઈએ? શાઊલને લોકોમાં પોતાનું માન જાળવી રાખવું હતું. એના લીધે, તે યહોવા સાથેના તેમના સંબંધમાં આવેલી તિરાડને પૂરી શક્યા નહિ. પરંતુ, જો આપણે નિઃસ્વાર્થ વલણ રાખતા હોઈશું તો ભૂલને લીધે શરમાવું પડે તોપણ મદદ માંગતા અચકાઈશું નહિ. (નીતિ. ૨૮:૧૩; યાકૂ. ૫:૧૪-૧૬) દાખલા તરીકે, એક ભાઈને ૧૨ વર્ષની ઉંમરથી જ પોર્નોગ્રાફી જોવાની લત લાગી ગઈ હતી. લગભગ દસેક વર્ષથી તે છૂપી રીતે એવી બાબતો જોતા હતા. ભાઈ જણાવે છે, ‘મારી પત્ની અને વડીલોને એ લત વિશે જણાવવું ઘણું અઘરું હતું. પરંતુ, હવે તેઓને એ વિશે જણાવ્યા પછી જાણે મારા ખભા પરથી મોટો બોજો હટી ગયો હોય એમ લાગે છે. મારે સેવકાઈ ચાકર હોવાનો લહાવો ગુમાવવો પડ્યો. એ જાણી મારા અમુક દોસ્તો નાખુશ થયા કારણ કે મારા માટેની તેઓની અપેક્ષા મેં તોડી. છતાં, હું જાણું છું કે એ લત છોડ્યા પછી હવે મારી ભક્તિથી યહોવા વધારે ખુશ છે. અને તેમની ખુશી જ સૌથી મહત્ત્વની છે.’
પીતરે સ્વાર્થી વલણ પર જીત મેળવી
૧૩, ૧૪. પીતરે કઈ રીતે સ્વાર્થી વલણ બતાવ્યું?
૧૩ ખરું કે, ઈસુ પાસેથી તાલીમ લેતી વખતે પ્રેરિત પીતરે નિઃસ્વાર્થ વલણ બતાવ્યું. (લુક ૫:૩-૧૧) તેમ છતાં, તેમને સ્વાર્થી વલણ સામે લડત આપવી પડી. દાખલા તરીકે, જ્યારે યાકૂબ અને યોહાને ઈશ્વરના રાજ્યમાં ઈસુની બાજુની જગ્યા માંગી ત્યારે પીતરને ગુસ્સો આવ્યો. બની શકે કે પીતર પોતે એમાંની એક જગ્યા ઇચ્છતા હતા, કેમ કે ઈસુએ અગાઉ કહ્યું હતું કે પીતર મહત્ત્વની ભૂમિકા નિભાવશે. (માથ. ૧૬:૧૮, ૧૯) કારણ ગમે તે હોય, ઈસુએ યાકૂબ, યોહાન, પીતર અને બીજા પ્રેરિતોને પણ ભાઈઓ પર “ધણીપણું” ન કરવા વિશે ચેતવ્યા હતા.—માર્ક ૧૦:૩૫-૪૫.
૧૪ ઈસુએ પીતરના વિચારો સુધારવા પ્રયત્નો કર્યા હતા. છતાં, પીતરમાં સ્વાર્થી વલણ આવી જતું હતું. એકવાર ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું હતું કે તેઓ બધા થોડા સમય માટે તેમને છોડી દેશે. એ સમયે પીતરે દાવો કર્યો કે તે એકલા જ વફાદાર રહેશે. આમ, તેમણે બીજાઓને નીચા પાડ્યા. (માથ. ૨૬:૩૧-૩૩) પીતરે પોતાનામાં વધુ પડતો ભરોસો રાખવો જોઈતો ન હતો. કારણ કે એ જ રાતે તે નિઃસ્વાર્થ વલણ બતાવવામાં નિષ્ફળ ગયા. પોતાનો બચાવ કરવા તેમણે ઈસુનો ત્રણ વાર નકાર કર્યો.—માથ. ૨૬:૬૯-૭૫.
૧૫. પીતરના દાખલામાંથી કઈ રીતે આપણને ઉત્તેજન મળે છે?
૧૫ ખરું કે, પીતર કેટલીક વાર નિષ્ફળ ગયા હતા. છતાં, તેમના ઉદાહરણમાંથી આપણને શીખવા મળે છે. પોતાના પ્રયત્નો અને પવિત્ર શક્તિની મદદથી તેમણે સ્વાર્થી વલણ પર જીત મેળવી. તેમ જ, તેમણે સંયમ અને નિઃસ્વાર્થ પ્રેમ બતાવ્યો. (ગલા. ૫:૨૨, ૨૩) સમય જતાં તેમણે જે સતાવણીઓ સહન કરી એ કદાચ પહેલાં સહી શક્યા ન હોત. એક વખત પાઊલે બીજા લોકો સામે પીતરને કડક સલાહ આપી હતી. પરંતુ, પીતરે એ સમયે નમ્ર વલણ બતાવ્યું. (ગલા. ૨:૧૧-૧૪) પાઊલ પાસેથી એવી કડક સલાહ મળી હોવા છતાં, પીતરે તેમના માટે મનમાં ખાર રાખ્યો નહિ. તેમ જ, તેમણે એવું વિચાર્યું નહિ કે લોકો સામે તેમની બદનામી થઈ છે. એ બનાવ પછી પણ પાઊલ માટે પીતર પ્રેમ બતાવતા રહ્યા. (૨ પીત. ૩:૧૫) પીતરના દાખલામાંથી આપણને નિઃસ્વાર્થ વલણ કેળવવા મદદ મળે છે.
૧૬. અઘરા સંજોગોમાં તમે કઈ રીતે નિઃસ્વાર્થ વલણ બતાવી શકો?
૧૬ વિચાર કરો કે અઘરા સંજોગોમાં તમે કઈ રીતે વર્તો છો. પીતર અને બીજા પ્રેરિતો પ્રચારકાર્યને લીધે કેદ કરાયા અને મારવામાં આવ્યા ત્યારે તેઓએ શું કર્યું? ‘ઈસુના નામને લીધે અપમાન પામવાને લાયક ગણાયા, તેથી તેઓ હરખાયા.’ (પ્રે.કૃ. ૫:૪૧) તમારી પણ જો સતાવણી થાય તો, એને પીતર જેવું નિઃસ્વાર્થ વલણ બતાવવાની અને ઈસુને પગલે ચાલવાની તક ગણી શકો. (૧ પીતર ૨:૨૦, ૨૧ વાંચો.) વડીલો તરફથી શિસ્ત મળે ત્યારે પણ એવું વલણ બતાવવાથી તમને મદદ મળશે. એ સમયે ખોટું લગાડવાને બદલે પીતરના દાખલાને અનુસરીએ.—સભા. ૭:૯.
૧૭, ૧૮. (ક) ભક્તિને લગતા ધ્યેયો બાંધતી વખતે આપણે કયા સવાલો પર વિચાર કરવો જોઈએ? (ખ) તમને પોતાનામાં સ્વાર્થી વલણ દેખાય તો શું કરવું જોઈએ?
૧૭ ભક્તિને લગતા ધ્યેય બાંધતી વખતે પણ તમને પીતરના દાખલામાંથી મદદ મળી શકે છે. નિઃસ્વાર્થ રીતે તમે એ ધ્યેયોને પૂરા કરી શકો છો. આપણે ધ્યાન રાખવું જોઈએ કે પોતાને મહત્ત્વ મળે માટે એવા ધ્યેયો ન રાખીએ. આપણે આ સવાલો પર વિચાર કરીએ, “હું કયા કારણથી યહોવાની ભક્તિમાં સુધારો અથવા એમાં વધુ કરવા માંગું છું? મને યાકૂબ અને યોહાનની જેમ લોકોની “વાહ-વાહ” અથવા મોટો હોદ્દો મેળવવાની ઇચ્છા તો નથી ને?”
૧૮ તપાસ કરતા જો તમને પોતાનામાં અમુક હદે સ્વાર્થી વલણ દેખાય, તો તમારાં વિચારો અને લાગણીઓને સુધારવાં યહોવા પાસે મદદ માંગો. તેમ જ, પોતાને નહિ પણ યહોવાને મહિમા મળે માટે મહેનત કરો. (ગીત. ૮૬:૧૧) એ માટે તમે એવા ધ્યેયો બાંધી શકો જેથી લોકોનું ધ્યાન તમારા પર ન ખેંચાય. જેમ કે, પવિત્ર શક્તિના ફળના જે અમુક પાસાં વિકસાવવાં તમારાં માટે અઘરાં છે, એનાં પર કામ કરો. અથવા જો તમને સભાઓની તૈયારી કરવી ગમે પણ રાજ્યગૃહની સાફ-સફાઈમાં ખાસ રસ ન હોય તો, રોમનો ૧૨:૧૬માં આપેલી સલાહ લાગુ કરવાનો ધ્યેય બાંધો.—વાંચો.
૧૯. અરીસા જેવા બાઇબલમાં આપણે જે જોઈએ છીએ એનાથી નિરાશ ન થવા શું મદદ કરશે?
૧૯ આપણે પોતાને અરીસામાં એટલે કે બાઇબલમાં ધ્યાનથી તપાસવા જોઈએ. એમ કરતા જો કોઈ ખામી એટલે કે સ્વાર્થી વલણ દેખાય તો કદાચ નિરાશ થઈ જવાય. એવા સમયે, યાકૂબના દૃષ્ટાંતમાં જે સફળ માણસ વિશે કહ્યું છે તેને યાદ કરીએ. યાકૂબે એ બાબત પર ભાર નથી મૂક્યો કે એ માણસે કોયડાઓનો ઉકેલ કેટલો જલદી મેળવ્યો કે પછી, દરેક ખામીને તે સુધારી શક્યો. એના બદલે યાકૂબે જણાવ્યું છે કે, તે માણસ “સંપૂર્ણ નિયમમાં” લાગુ રહ્યો. (યાકૂ. ૧:૨૫) તે માણસે અરીસામાં જે જોયું એને યાદ રાખ્યું અને પોતાનામાં સુધારો કરતો રહ્યો. એ જ રીતે, આપણે પોતાનામાં જે સારી બાબતો છે એના પર ધ્યાન આપવાની સાથે સાથે એ પણ યાદ રાખીએ કે બધા અપૂર્ણ છીએ. (સભાશિક્ષક ૭:૨૦ વાંચો.) “સંપૂર્ણ નિયમમાં” જોતા રહેવામાં લાગુ રહીએ અને નિઃસ્વાર્થ વલણ જાળવવા મહેનત કરીએ. યહોવાએ આપણા ભાઈઓને મદદ કરી તેમ આપણને પણ મદદ કરવા તૈયાર છે. બાઇબલના શિક્ષણ પ્રમાણે ચાલીશું અને નિઃસ્વાર્થ વલણ બતાવતા રહીશું તો, યહોવા આપણને માન્ય કરશે અને આશીર્વાદો આપશે.