પ્રકરણ ૧૭
યહોવાના સંગઠનને વળગી રહીએ
યાકૂબે લખ્યું, “તમે ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે.” (યાકૂ. ૪:૮) યહોવા એટલી ઊંચી જગ્યાએ બિરાજેલા નથી અથવા તે એટલા દૂર પણ નથી કે આપણી પ્રાર્થનાઓ સાંભળી ન શકે. આપણે પાપી છીએ તોપણ તે આપણું સાંભળે છે. (પ્રે.કા. ૧૭:૨૭) પણ આપણે ઈશ્વરની પાસે કઈ રીતે જઈ શકીએ? તેમની સાથેનો સંબંધ મજબૂત કરીને. એ માટે જરૂરી છે કે આપણે તેમને દિલ ખોલીને પ્રાર્થના કરીએ. (ગીત. ૩૯:૧૨) યહોવા સાથે પાકી દોસ્તી બાંધવા બાઇબલનો નિયમિત અભ્યાસ કરવો પણ જરૂરી છે. આ રીતે આપણે યહોવા ઈશ્વરને ઓળખી શકીએ છીએ. તેમના હેતુઓ અને આપણા માટે તેમની ઇચ્છાઓ વિશે જાણી શકીએ છીએ. (૨ તિમો. ૩:૧૬, ૧૭) આપણે તેમના વિશે શીખતા જઈશું તેમ, તેમની માટેનો પ્રેમ વધતો જશે. તેમનો ડર રાખતા શીખીશું એટલે કે તેમને દુઃખ પહોંચે એવું કંઈ નહિ કરીએ.—ગીત. ૨૫:૧૪.
૨ પણ યહોવા સાથેની દોસ્તી ફક્ત તેમના દીકરા ઈસુ દ્વારા જ શક્ય છે. (યોહા. ૧૭:૩; રોમ. ૫:૧૦) યહોવાનાં વિચારો અને લાગણીઓ વિશે ઈસુએ બહુ જ સારી રીતે સમજાવ્યું, બીજું કોઈ એ રીતે સમજાવી ન શકે. ઈસુ પોતાના પિતાને એટલી સારી રીતે ઓળખતા હતા કે તેમણે કહ્યું: “પિતા સિવાય બીજું કોઈ જાણતું નથી કે દીકરો કોણ છે. પિતાને પણ કોઈ જાણતું નથી. ફક્ત દીકરો જાણે છે અને દીકરો જેને જણાવવા ચાહે છે, તેના સિવાય બીજું કોઈ પિતાને જાણતું નથી.” (લૂક ૧૦:૨૨) એટલે જ્યારે આપણે ઈસુનાં વિચારો અને લાગણીઓ સમજવા ખુશખબરનાં પુસ્તકોનો અભ્યાસ કરીએ છીએ, ત્યારે જાણે કે યહોવાનાં વિચારો અને લાગણીઓ સમજી શકીએ છીએ. એ વિશે શીખીને આપણે ઈશ્વરની વધારે નજીક જઈ શકીએ છીએ.
૩ આજે યહોવાના સંગઠનનો પૃથ્વી પરનો ભાગ આપણને શીખવે છે કે કઈ રીતે ઈશ્વરની ઇચ્છા પૂરી કરી શકીએ. જો આપણે આગેવાન ઈસુને આધીન રહીશું અને સંગઠનની સાથે કદમથી કદમ મિલાવીને ચાલીશું, તો યહોવા સાથે આપણો સંબંધ મજબૂત થશે. માથ્થી ૨૪:૪૫-૪૭માં આપેલી ભવિષ્યવાણી પ્રમાણે માલિક ઈસુ ખ્રિસ્તે “વિશ્વાસુ અને સમજુ ચાકર” પસંદ કર્યો છે, જેથી તે ઈશ્વરના લોકોને “યોગ્ય સમયે ખોરાક આપે.” આજે વિશ્વાસુ ચાકર આપણને ભક્તિને લગતો પુષ્કળ ખોરાક પૂરો પાડે છે. આ ગોઠવણ દ્વારા યહોવા સલાહ આપે છે કે આપણે દરરોજ બાઇબલ વાંચીએ, સભાઓમાં નિયમિત જઈએ અને પૂરા દિલથી ‘રાજ્યની ખુશખબરનો’ પ્રચાર કરીએ. (માથ. ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦; યહો. ૧:૮; ગીત. ૧:૧-૩) આપણે હંમેશાં યાદ રાખીએ કે વિશ્વાસુ ચાકર જે માર્ગદર્શન આપે છે એ યહોવા તરફથી હોય છે. આપણે યહોવાના સંગઠનના પૃથ્વી પરના ભાગને વળગી રહેવાનો અને એના માર્ગદર્શન પ્રમાણે જીવવાનો પૂરો પ્રયત્ન કરીએ. એનાથી આપણે યહોવાની વધારે નજીક જઈશું. તેમ જ કસોટીઓ આવે તોપણ હિંમત રાખી શકીશું અને શ્રદ્ધા મક્કમ રાખી શકીશું.
કસોટીઓ કેમ વધતી જાય છે?
૪ કદાચ તમે ઘણાં વર્ષોથી યહોવાની ભક્તિ કરતા હશો. એટલે તમે જાણતા હશો કે કસોટીઓમાં યહોવાને વફાદાર રહેવું કંઈ સહેલું નથી. કદાચ તમે થોડા સમય પહેલાં જ યહોવા વિશે શીખવાનું અને તેમના લોકો સાથે હળવા-મળવાનું શરૂ કર્યું હોય. એનાથી તમે એટલું તો સમજી ગયા હશો કે જે લોકો માને છે કે વિશ્વ પર રાજ કરવાનો હક ફક્ત યહોવાને જ છે, તેઓનો શેતાન સખત વિરોધ કરે છે. (૨ તિમો. ૩:૧૨) ભલે તમે ઘણા સમયથી કે થોડા સમયથી કસોટીઓ સહન કરતા હો, તમારે ડરવાની કે નિરાશ થવાની કોઈ જરૂર નથી. યહોવા વચન આપે છે કે તે તમને સંભાળશે, છોડાવશે અને ભવિષ્યમાં હંમેશ માટેના જીવનનું ઇનામ આપશે.—હિબ્રૂ. ૧૩:૫, ૬; પ્રકટી. ૨:૧૦.
૫ શેતાનની દુનિયાના બાકી રહેલા દિવસોમાં આપણા પર હજુ વધારે કસોટીઓ આવી શકે છે. ૧૯૧૪માં યહોવાનું રાજ્ય શરૂ થયું ત્યારથી શેતાનને સ્વર્ગમાં જવાની છૂટ નથી. શેતાન અને તેના દુષ્ટ દૂતોને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યા છે. શેતાન ઘણો ગુસ્સે ભરાયો છે, એટલે પૃથ્વી પર તકલીફોનો કોઈ પાર નથી અને યહોવાના ભક્તો પર સતાવણીઓ વધતી ને વધતી જાય છે. એનાથી સાબિત થાય છે કે આપણે દુષ્ટ શેતાનની સત્તાના છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છીએ.—પ્રકટી. ૧૨:૧-૧૨.
૬ શેતાન ગુસ્સાથી લાલપીળો થઈ ગયો છે કેમ કે તેની હાલત બહુ ખરાબ છે. તે જાણે છે કે તેની પાસે થોડો જ સમય બાકી છે. તે પોતાના દુષ્ટ દૂતો સાથે મળીને ઈશ્વરના રાજ્યનો પ્રચાર રોકવા અને યહોવાના ભક્તો વચ્ચેની એકતા તોડવા ધમપછાડા કરે છે. આપણે જાણે તેની સામે લડાઈ કરી રહ્યા છે. એ વિશે બાઇબલમાં જણાવ્યું છે: “આપણી લડાઈ માણસો સામે નથી, પણ સરકારો સામે, અધિકારીઓ સામે, આ અંધારી દુનિયાના શાસકો સામે અને સ્વર્ગના દુષ્ટ દૂતોનાં લશ્કરો સામે છે.” યહોવાના પક્ષે રહીને જીત મેળવવા ચાહતા હોઈએ તો, આપણે હિંમત ન હારીએ પણ ઈશ્વરે આપેલાં હથિયાર પહેરીને હંમેશાં તૈયાર રહીએ. આપણે ‘શેતાનનાં કાવતરાં સામે દૃઢ ઊભા રહીએ.’ (એફે. ૬:૧૦-૧૭) એ માટે આપણામાં ધીરજનો ગુણ હોય એ જરૂરી છે.
ધીરજનો ગુણ કેળવીએ
૭ ધીરજ એટલે “કસોટીઓ કે તકલીફો સહન કરવાની ક્ષમતા.” બાઇબલ પ્રમાણે ધીરજ બતાવવાનો શું અર્થ થાય? તકલીફો, સતાવણી, વિરોધ કે બીજી કસોટીઓ આવે ત્યારે મક્કમ રહીને જે ખરું છે એ કરવું. ખાસ કરીને એવા સંજોગોમાં ધીરજ બતાવવાની વધારે જરૂર પડી શકે જ્યારે ઈશ્વર માટેની વફાદારીની કસોટી થાય. પણ એવી ધીરજ કેળવવી પડે છે અને એ કેળવતા સમય લાગે છે. ભક્તિમાં વધારે કરતા જઈએ છીએ તેમ, આપણામાં ધીરજનો ગુણ પણ વધતો જાય છે. યહોવાની ભક્તિના માર્ગે ચાલવાનું શરૂ કરીએ ત્યારે, આપણે નાની નાની કસોટીઓ ધીરજથી સહન કરીએ છીએ. એનાથી આપણી શ્રદ્ધા મજબૂત થાય છે અને ભાવિમાં આવનાર અઘરી કસોટીઓ સહન કરવા તૈયાર થઈએ છીએ. (લૂક ૧૬:૧૦) આપણે શ્રદ્ધામાં મજબૂત રહેવાનો નિર્ણય ક્યારે કરવો જોઈએ? આપણા પર મોટી મોટી કસોટીઓ આવે ત્યાં સુધી રાહ ન જોઈએ. પણ એવી કસોટીઓ આવે એ પહેલાં આપણે શ્રદ્ધામાં અડગ રહેવાનો પાકો નિર્ણય કરીએ. પ્રેરિત પિતરે જણાવ્યું કે ધીરજના ગુણની સાથે આપણે ઈશ્વરને ગમતા બીજા ગુણો પણ કેળવવા જોઈએ. તેમણે લખ્યું: “તમે પૂરો પ્રયત્ન કરો કે તમારી શ્રદ્ધા સાથે ભલાઈમાં, ભલાઈ સાથે જ્ઞાનમાં, જ્ઞાન સાથે સંયમમાં, સંયમ સાથે ધીરજમાં, ધીરજ સાથે ભક્તિભાવમાં, ભક્તિભાવ સાથે ભાઈઓ માટે લાગણીમાં અને એ લાગણી સાથે પ્રેમમાં વધતા જાઓ.”—૨ પિત. ૧:૫-૭; ૧ તિમો. ૬:૧૧.
આપણે કસોટીઓ સહીને એને પાર કરીએ તેમ, દિવસે ને દિવસે ધીરજનો ગુણ વધતો જાય છે
૮ યાકૂબના પત્રથી જાણવા મળે છે કે ધીરજનો ગુણ કેળવવો કેટલો મહત્ત્વનો છે. તેમણે લખ્યું: “મારા ભાઈઓ, તમારા પર જુદી જુદી કસોટીઓ આવી પડે ત્યારે આનંદ કરો, કેમ કે તમે જાણો છો કે આ રીતે શ્રદ્ધાની કસોટીમાંથી પાર ઊતર્યા પછી, તમારામાં ધીરજ પેદા થાય છે. પણ ધીરજને એનું કામ પૂરું કરવા દો, જેથી તમે સર્વ બાબતોમાં પૂર્ણ અને કલંક વગરના બનો અને તમારામાં કોઈ ખામી ન રહે.” (યાકૂ. ૧:૨-૪) યાકૂબે કહ્યું કે આપણે કસોટીઓથી ડરવું ન જોઈએ પણ એમાં આનંદ કરવો જોઈએ, કારણ કે એનાથી આપણને ધીરજનો ગુણ કેળવવા મદદ મળે છે. શું તમે કસોટીઓ વિશે એ રીતે વિચાર્યું છે? પછી યાકૂબે જણાવ્યું કે આપણે ધીરજને એનું કામ પૂરું કરવા દઈએ. એમ કરીશું તો ખ્રિસ્ત જેવો સ્વભાવ કેળવી શકીશું અને ઈશ્વરને પસંદ પડે એવી વ્યક્તિ બની શકીશું. આપણે કસોટીઓ સહીને એને પાર કરીએ તેમ, દિવસે ને દિવસે ધીરજનો ગુણ વધતો જાય છે. પછી એ ગુણ બીજા એવા ગુણો કેળવવા મદદ કરે છે, જે ખૂબ જરૂરી છે.
૯ આપણે કસોટીઓનો ધીરજથી સામનો કરીએ છીએ ત્યારે, યહોવાને ઘણી ખુશી થાય છે અને તે આપણને હંમેશ માટેનું જીવન ઇનામ તરીકે આપશે. યાકૂબે એ પણ જણાવ્યું: “જે માણસ કસોટીમાં ટકી રહે છે તે સુખી છે, કેમ કે તે ઈશ્વરની નજરમાં ખરો સાબિત થશે એ પછી, તેને જીવનનો મુગટ મળશે. યહોવાએ આ વચન એવા લોકોને આપ્યું છે, જેઓ હંમેશાં તેમને પ્રેમ કરે છે.” (યાકૂ. ૧:૧૨) આપણી નજર હંમેશ માટેના જીવન પર છે એટલે ધીરજ રાખી શકીએ છીએ. ઈશ્વરની ભક્તિમાં ટકી રહેવા ધીરજનો ગુણ ખૂબ મહત્ત્વનો છે. જો આપણે દુનિયાના દબાણમાં આવી જઈશું, તો પાછા દુનિયાના વહેણમાં ખેંચાઈ જઈશું. ધીરજનો ગુણ હશે તો યહોવાની પવિત્ર શક્તિ આપણા પર કામ કરશે. જો પવિત્ર શક્તિ નહિ હોય તો આપણે એના બીજા ગુણો કેળવી નહિ શકીએ.
૧૦ આ મુશ્કેલ સમયમાં ધીરજ રાખવી હોય તો, કસોટીઓ સહન કરવા વિશે આપણે યોગ્ય વલણ કેળવવું જોઈએ. યાદ કરો, યાકૂબે લખ્યું હતું: “ત્યારે આનંદ કરો.” એમ કરવું કદાચ સહેલું નહિ હોય, કેમ કે આપણે મારઝૂડ સહેવી પડે અથવા માનસિક ત્રાસનો સામનો કરવો પડે. પણ યાદ રાખો કે ભાવિમાં મળનાર જીવન દાવ પર લાગેલું છે. પ્રેરિતો સાથે બનેલા એક બનાવથી જોવા મળે છે કે કસોટીઓમાં પણ આપણે કઈ રીતે આનંદ કરી શકીએ. એ અહેવાલ પ્રેરિતોનાં કાર્યોમાં જણાવ્યો છે: “તેઓએ પ્રેરિતોને બોલાવ્યા અને માર માર્યો. તેઓએ હુકમ કર્યો કે ઈસુના નામમાં કંઈ કહેવું નહિ અને પછી તેઓને છોડી દીધા. ઈસુના નામને લીધે પોતે અપમાન સહેવા યોગ્ય ગણાયા છે, એ જાણીને પ્રેરિતો ન્યાયસભામાંથી આનંદ કરતાં કરતાં નીકળી ગયા.” (પ્રે.કા. ૫:૪૦, ૪૧) પ્રેરિતો એ સમજી ગયા હતા કે કસોટીઓથી એ સાબિત થાય છે કે તેઓ ઈસુની આજ્ઞા પાળે છે અને યહોવા તેઓથી ખુશ છે. વર્ષો પછી ઈશ્વરની પ્રેરણાથી પિતરે પોતાનો પહેલો પત્ર લખ્યો. એમાં તેમણે જણાવ્યું કે સાચા માર્ગે ચાલતા રહેવા ધીરજથી સહન કરવું ખૂબ મહત્ત્વનું છે.—૧ પિત. ૪:૧૨-૧૬.
૧૧ બીજો એક અનુભવ પાઉલ અને સિલાસનો છે. તેઓ ફિલિપીમાં પ્રચાર કરતા હતા ત્યારે, તેઓને પકડવામાં આવ્યા. તેઓ પર શહેરમાં ધાંધલ મચાવવાનો અને નિયમ પ્રમાણે છૂટ ન હોય એવા રીતરિવાજો શીખવવાનો આરોપ મૂકવામાં આવ્યો. એટલે તેઓને સખત ફટકા મારવામાં આવ્યા અને કેદખાનામાં નાખી દેવામાં આવ્યા. તેઓ હજુ કેદખાનામાં હતા અને તેઓનાં જખમો પર કોઈ મલમ-પટ્ટી થઈ ન હતી, એ સમયે શું બન્યું એ વિશે બાઇબલમાં જણાવ્યું છે: “લગભગ અડધી રાતે પાઉલ અને સિલાસ પ્રાર્થના કરતા હતા અને ઈશ્વરની સ્તુતિ કરવા ગીત ગાતા હતા. કેદીઓ તેઓને સાંભળી રહ્યા હતા.” (પ્રે.કા. ૧૬:૧૬-૨૫) પાઉલ અને સિલાસે ખ્રિસ્ત માટે કસોટીઓ સહેતી વખતે કેવું વલણ રાખ્યું? તેઓ સમજ્યા કે કસોટીઓ એ વાતની સાબિતી છે કે તેઓ ઈશ્વર અને માણસોની નજરે પ્રમાણિક છે. તેમ જ, એ સમયે તેઓએ એવા લોકોને ખુશખબર જણાવી જેઓ એ વિશે જાણવા માંગતા હતા. તેઓએ એવું કેમ કર્યું? કેમ કે એમાં લોકોનાં જીવનનો સવાલ હતો. એ જ રાતે કેદખાનાનો ઉપરી અને તેના ઘરનાએ ખુશખબર સાંભળી અને શિષ્યો બન્યા. (પ્રે.કા. ૧૬:૨૬-૩૪) પાઉલ અને સિલાસે યહોવા પર અને તેમની શક્તિ પર પૂરો ભરોસો રાખ્યો. તેઓને ખાતરી હતી કે યહોવા કસોટીઓમાં ટકી રહેવા મદદ કરશે અને યહોવાએ એવું કર્યું પણ ખરું.
૧૨ આજે પણ યહોવા ચાહે છે કે આપણે ધીરજ રાખીને કસોટીઓનો સામનો કરીએ. એ માટે તેમણે એ બધું જ પૂરું પાડ્યું છે, જેની આપણને જરૂર છે. તેમણે આપણને બાઇબલ આપ્યું છે, જેથી તેમની ઇચ્છા શું છે એ વિશે સાચું જ્ઞાન મેળવી શકીએ. એ જ્ઞાન મેળવીને આપણી શ્રદ્ધા મજબૂત થાય છે. આપણે ભાઈ-બહેનોની સંગત માણી શકીએ છીએ અને ભેગા મળીને યહોવાની પવિત્ર સેવા કરી શકીએ છીએ. આપણી પાસે પ્રાર્થના કરવાનો લહાવો છે, એના દ્વારા યહોવા સાથે પાકી દોસ્તી જાળવી રાખવા મદદ મળે છે. જ્યારે આપણે પ્રાર્થનામાં તેમનો જયજયકાર કરીએ છીએ અને તેમની આગળ સાફ દિલ રાખવા મદદનો પોકાર કરીએ છીએ, ત્યારે તે એ ધ્યાનથી સાંભળે છે. (ફિલિ. ૪:૧૩) ભૂલીએ નહિ, ભાવિની આશા પર મનન કરવાથી પણ આપણને ઘણી હિંમત મળે છે.—માથ. ૨૪:૧૩; હિબ્રૂ. ૬:૧૮; પ્રકટી. ૨૧:૧-૪.
અલગ અલગ કસોટીઓ ધીરજથી સહન કરીએ
૧૩ આપણા પર મોટા ભાગે એવી જ કસોટીઓ આવે છે, જેવી ઈસુ ખ્રિસ્તના શરૂઆતના શિષ્યો પર આવી હતી. આજે યહોવાના સાક્ષીઓએ એવા વિરોધીઓ પાસેથી મહેણાં-ટોણાં અને જોરજુલમ સહેવા પડે છે, જેઓ પાસે સાચી માહિતી હોતી નથી. પ્રેરિતોના દિવસોમાં ધર્મ માટે ઝનૂની લોકો બીજાઓને વિરોધ કરવા ઉશ્કેરતા હતા. આજે પણ મોટા ભાગે એવું જ થાય છે, કેમ કે બાઇબલ તેઓનાં જૂઠાં શિક્ષણ અને રીતરિવાજોને ખુલ્લાં પાડે છે. (પ્રે.કા. ૧૭:૫-૯, ૧૩) અમુક સમયે યહોવાના લોકોએ સરકાર તરફથી મળતી કાયદાકીય મદદ લઈને રાહત મેળવી છે. (પ્રે.કા. ૨૨:૨૫; ૨૫:૧૧) પણ અમુક અધિકારીઓએ આપણા કામ પર પ્રતિબંધ મૂક્યા છે, જેથી આપણું સેવાકાર્ય સાવ બંધ થઈ જાય. (ગીત. ૨:૧-૩) એવા સંજોગોમાં આપણે હિંમતથી વફાદાર પ્રેરિતોના પગલે ચાલીએ છીએ, જેઓએ કહ્યું હતું: “અમારા રાજા તો ઈશ્વર છે, એટલે અમે માણસોના બદલે ઈશ્વરની જ આજ્ઞા માનીશું.”—પ્રે.કા. ૫:૨૯.
૧૪ આજે જ્યાં જુઓ ત્યાં દેશપ્રેમ વધી રહ્યો છે. એટલે ખુશખબર ફેલાવનારા લોકો પર વધારે ને વધારે દબાણ કરવામાં આવે છે કે તેઓ ઈશ્વરે સોંપેલું કામ છોડી દે. પ્રકટીકરણ ૧૪:૯-૧૨માં “જંગલી જાનવર અને એની મૂર્તિની ઉપાસના” કરવા વિશે ચેતવણી આપી છે. એ ચેતવણી પર આજે દરેક ઈશ્વરભક્ત પૂરું ધ્યાન આપે છે. આપણે યોહાનના આ શબ્દોનું મહત્ત્વ સમજીએ છીએ: “પવિત્ર લોકોએ ધીરજ અને શ્રદ્ધા બતાવવાની છે. એ પવિત્ર લોકો ઈશ્વરની આજ્ઞાઓ માને છે અને ઈસુમાં શ્રદ્ધા મૂકીને એને વળગી રહે છે.”
૧૫ યુદ્ધ, ક્રાંતિ, સતાવણી કે પ્રતિબંધને લીધે કદાચ તમારા માટે છૂટથી ઈશ્વરની ભક્તિ કરવી અઘરું બને. કદાચ ભાઈ-બહેનો મંડળ તરીકે ભક્તિ ન કરી શકે. કદાચ શાખા કચેરી સાથે સંપર્ક ન થાય. કદાચ સરકીટ નિરીક્ષક મંડળની મુલાકાતે ન આવે. કદાચ સાહિત્ય પણ ન મળે. એવા સંજોગો ઊભા થાય તો તમે શું કરશો?
૧૬ એવા સંજોગોમાં તમે જે કરી શકો છો અને જેટલું કરી શકો છો, એ બધું કરો. તમે બાઇબલનો જાતે અભ્યાસ કરી શકો. મોટા ભાગે ભાઈ-બહેનોનાં ઘરે નાના ગ્રૂપમાં અભ્યાસ કરવા ભેગા મળી શકો. સભાઓ ચલાવવા બાઇબલ અને અગાઉ અભ્યાસ કરેલાં સાહિત્ય વાપરી શકો. એવા સંજોગોમાં ગભરાશો નહિ કે વધારે પડતી ચિંતા કરશો નહિ. મોટા ભાગે નિયામક જૂથ થોડા સમયમાં આગેવાની લેતા ભાઈઓનો કોઈ ને કોઈ રીતે સંપર્ક કરશે.
૧૭ ભલે તમે મંડળનાં બધાં ભાઈ-બહેનોથી છૂટા પડી જાઓ, પણ યાદ રાખો કે તમે યહોવા અને તેમના દીકરા ઈસુ ખ્રિસ્તથી છૂટા પડી ગયા નથી. તમારી આશા અડગ રહી શકે છે. યહોવા હજુ પણ તમારી પ્રાર્થનાઓ સાંભળી શકે છે અને પવિત્ર શક્તિથી તમને હિંમત આપી શકે છે. માર્ગદર્શન માટે તેમની પાસે મદદ માંગો. ભૂલશો નહિ કે તમે યહોવાના ભક્ત છો અને ઈસુ ખ્રિસ્તના શિષ્ય છો. એટલે સાક્ષી આપવાની દરેક તક ઝડપી લો. યહોવા તમારા પ્રયત્નોને આશીર્વાદ આપશે અને કદાચ જલદી જ બીજા લોકો તમારી સાથે સાચી ભક્તિ કરવા જોડાશે.—પ્રે.કા. ૪:૧૩-૩૧; ૫:૨૭-૪૨; ફિલિ. ૧:૨૭-૩૦; ૪:૬, ૭; ૨ તિમો. ૪:૧૬-૧૮.
૧૮ પ્રેરિતો અને બીજા ભક્તોની જેમ જો તમારા પર મોતની તલવાર લટકતી હોય, તોપણ ઈશ્વર પર ભરોસો રાખો “જે મરી ગયેલા લોકોને જીવતા કરે છે.” (૨ કોરીં. ૧:૮-૧૦) મરી ગયેલા લોકોને જીવતા કરવામાં આવશે, એ આશા પર શ્રદ્ધા મૂકવાથી તમે સખત વિરોધનો સામનો કરી શકશો. (લૂક ૨૧:૧૯) ખ્રિસ્ત ઈસુએ સરસ દાખલો બેસાડ્યો છે. તે જાણતા હતા કે જો તે કસોટીમાં વફાદાર રહેશે તો બીજાઓને કસોટીનો હિંમતથી સામનો કરવા મદદ મળશે. તમે પણ બીજાં ભાઈ-બહેનોને એવી જ હિંમત આપી શકો છો.—યોહા. ૧૬:૩૩; હિબ્રૂ. ૧૨:૨, ૩; ૧ પિત. ૨:૨૧.
૧૯ સતાવણી અને વિરોધ સિવાય તમારે કદાચ બીજા મુશ્કેલ સંજોગોનો પણ સામનો કરવો પડે. દાખલા તરીકે, અમુક ભાઈ-બહેનો નિરાશ થઈ ગયાં છે, કેમ કે તેઓના વિસ્તારના લોકો ખુશખબર સાંભળતા નથી. અમુક ભાઈ-બહેનોએ બીમારી કે માનસિક બીમારીનો સામનો કરવો પડે છે અથવા પાપી હોવાને લીધે કોઈ નબળાઈ સામે લડત આપવી પડે છે. પ્રેરિત પાઉલે પણ એવી કોઈ કસોટીનો સામનો કર્યો હતો, જેના લીધે તેમની સેવામાં નડતરો આવ્યાં હતાં અથવા અમુક સમયે મુશ્કેલીઓ ઊભી થઈ હતી. (૨ કોરીં. ૧૨:૭) પહેલી સદીના એપાફ્રદિતસનો વિચાર કરો, જે ફિલિપીમાં રહેતા હતા. ‘તે બીમાર હતા’ એ વિશે તેમના દોસ્તોએ સાંભળ્યું એટલે ‘તે દુઃખી દુઃખી થઈ ગયા.’ (ફિલિ. ૨:૨૫-૨૭) આપણી અને બીજાઓની નબળાઈઓને લીધે કદાચ એવી તકલીફો ઊભી થાય, જે સહેવી અઘરી લાગે. અલગ અલગ સ્વભાવને લીધે કદાચ ભાઈ-બહેનો વચ્ચે કે પછી કુટુંબના સભ્યો વચ્ચે પણ મતભેદ થઈ શકે છે. પણ જેઓ બાઇબલમાં આપેલી યહોવાની સલાહ પાળે છે, તેઓ એવાં નડતરોનો ધીરજથી સામનો કરી શકે છે અને એના પર જીત મેળવી શકે છે.—હઝકિ. ૨:૩-૫; ૧ કોરીં. ૯:૨૭; ૧૩:૮; કોલો. ૩:૧૨-૧૪; ૧ પિત. ૪:૮.
વફાદાર રહેવાનો પાકો નિર્ણય કરીએ
૨૦ યહોવાએ ઈસુ ખ્રિસ્તને મંડળના શિર બનાવ્યા છે, એટલે આપણે તેમને વળગી રહીએ. (કોલો. ૨:૧૮, ૧૯) આપણે “વિશ્વાસુ અને સમજુ ચાકર” તેમજ આગેવાની લેતા ભાઈઓના માર્ગદર્શન પ્રમાણે ચાલીએ. (હિબ્રૂ. ૧૩:૭, ૧૭) ઈશ્વરે કરેલી ગોઠવણ પ્રમાણે કામ કરીશું અને આગેવાની લેતા ભાઈઓને સાથ-સહકાર આપીશું તો યહોવાની ઇચ્છા પૂરી કરવા સંગઠિત થઈશું. આપણને પ્રાર્થના કરવાનો લહાવો મળ્યો છે, એટલે સતત પ્રાર્થના કરતા રહીએ. યાદ રાખીએ, જેલની દીવાલો કે અંધારી કોટડી આપણને પિતા યહોવા સાથે વાત કરતા રોકી શકતી નથી. અરે, આખી દુનિયાનાં ભાઈ-બહેનો વચ્ચેનો સંપ પણ તોડી શકતી નથી.
૨૧ આપણને ખુશખબર ફેલાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. ચાલો એ કામ પૂરું કરવાનો પાકો નિર્ણય લઈએ અને ધીરજથી બનતું બધું જ કરીએ. ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને સોંપેલું કામ આપણે દિલથી કરતા રહીએ: “એ માટે જાઓ, બધા દેશના લોકોને શિષ્યો બનાવો. તેઓને પિતા અને દીકરા અને પવિત્ર શક્તિના નામે બાપ્તિસ્મા આપો. મેં તમને જે આજ્ઞાઓ આપી છે, એ બધી પાળવાનું તેઓને શીખવો.” (માથ. ૨૮:૧૯, ૨૦) આપણે પણ ઈસુની જેમ ધીરજથી સહન કરીએ. આપણે ઈશ્વરના રાજ્યને અને હંમેશ માટેના જીવનની આશાને નજર સામે રાખીએ. (હિબ્રૂ. ૧૨:૨) આપણે બાપ્તિસ્મા લઈને ખ્રિસ્તના શિષ્યો બન્યા છીએ. એટલે “દુનિયાના અંતના સમયની નિશાની” વિશે ઈસુએ કરેલી ભવિષ્યવાણી પૂરી કરવામાં ભાગ લઈએ છીએ. એ આપણા માટે મોટો લહાવો છે. ઈસુએ કહ્યું હતું: “રાજ્યની આ ખુશખબર આખી દુનિયામાં જણાવવામાં આવશે, જેથી બધી પ્રજાઓને સાક્ષી મળે અને પછી જ અંત આવશે.” (માથ. ૨૪:૩, ૧૪) જો આજે આપણે એ કામ પૂરા દિલથી કરતા રહીશું તો યહોવાની નવી દુનિયામાં હંમેશ માટે જીવવાનો અનેરો લહાવો મળશે, એવી દુનિયા જેમાં ચારે બાજુ નેકી વસે છે.