સપ્ટેમ્બર—આપણું જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
સપ્ટેમ્બર ૨-૮
બાઇબલમાં રહેલો ખજાનો | હિબ્રૂઓ ૭-૮
‘મેલ્ખીસેદેક જેવા જ હંમેશ માટેના યાજક’
(હિબ્રૂઓ ૭:૧, ૨) આ મેલ્ખીસેદેક, શાલેમનો રાજા અને સર્વોચ્ચ ઈશ્વરનો યાજક હતો. ઈબ્રાહીમ જ્યારે રાજાઓની કતલ કરીને પાછા આવતા હતા, ત્યારે મેલ્ખીસેદેક તેમને મળ્યો અને તેમને આશીર્વાદ આપ્યો. ૨ ઈબ્રાહીમે બધી લૂંટમાંથી તેને દસમો ભાગ આપ્યો. મેલ્ખીસેદેક નામનો પહેલો અર્થ થાય, “નીતિમાન રાજા” અને પછી શાલેમનો રાજા, એટલે કે “શાંતિનો રાજા.”
it-૨-E ૩૬૬
મેલ્ખીસેદેક
મેલ્ખીસેદેક પ્રાચીન ‘શાલેમ શહેરના રાજા અને પરાત્પર ઈશ્વર યહોવાના યાજક’ પણ હતા. (ઉત ૧૪:૧૮, ૨૨) શાસ્ત્રવચનોમાં જણાવ્યા પ્રમાણે તે સૌપ્રથમ યાજક હતા. આશરે ઈસવીસન પૂર્વે ૧૯૩૩ પહેલાં તે યાજક બન્યા હોય શકે. શાલેમનો અર્થ થાય “શાંતિ.” એટલે, પાઊલે, મેલ્ખીસેદેકને ‘શાંતિના રાજા’ અને “નીતિમાન રાજા” તરીકે ઓળખાવ્યા. (હિબ્રૂ ૭:૧, ૨) એવું કહેવામાં આવે છે કે જ્યાં પ્રાચીન શાલેમ શહેર હતું, એ જગ્યાએ સમય જતાં યરૂશાલેમ શહેર સ્થપાયું. આમ એ શહેરના નામમાં શાલેમ શબ્દનો સમાવેશ થાય છે. યરૂશાલેમનો ઉલ્લેખ અમુક વાર “શાલેમ” તરીકે પણ કરવામાં આવ્યો છે.—ગી ૭૬:૨.
ઈબ્રામે (ઈબ્રાહીમે) કદોરલાઓમેર અને તેની સાથેના રાજાઓને હરાવ્યા. એ પછી કુળપિતા ઈબ્રાહીમ શાવેહના નીચાણ પ્રદેશમાં આવ્યા. એ વિસ્તારને ‘રાજાનો નીચાણ પ્રદેશ’ પણ કહેવાય છે. એ જગ્યાએ મેલ્ખીસેદેક “રોટલી અને દ્રાક્ષદારૂ” લઈને ઈબ્રાહીમને મળવા આવ્યા અને તેમને આશીર્વાદ આપતા કહ્યું: “પરાત્પર ઈશ્વર, જે આકાશ તથા પૃથ્વીનો ધણી, તેનાથી ઈબ્રામ આશીર્વાદિત થાઓ; અને પરાત્પર ઈશ્વર જેણે તારા શત્રુઓને તારા હાથમાં સોંપ્યા છે, તેને ધન્ય હો.” પછી રાજા અને યાજક મેલ્ખીસેદેકને ઈબ્રાહીમે ‘દરેક વસ્તુનો દસમો ભાગ આપ્યો.’ એટલે કે, તેણે યુદ્ધમાં હરાવેલા રાજાઓ પાસેથી જે ‘મોટી લૂંટ’ મેળવી હતી, એમાંથી આપ્યું.—ઉત ૧૪:૧૭-૨૦; હિબ્રૂ ૭:૪.
(હિબ્રૂઓ ૭:૩) તેનાં માતાપિતા વિશે, વંશાવળી વિશે, જન્મ કે મરણ વિશે કોઈ માહિતી નથી, પણ તેને ઈશ્વરના દીકરા જેવો બનાવવામાં આવ્યો હોવાથી, તે હંમેશ માટે યાજક રહે છે.
it-૨-E ૩૬૭ ¶૪
મેલ્ખીસેદેક
આપણે કઈ રીતે કહી શકીએ કે મેલ્ખીસેદેકની વંશાવળી વિશે શાસ્ત્ર કંઈ જણાવતું નથી?
પાઊલે મેલ્ખીસેદેક વિશે મહત્ત્વની માહિતી જણાવી. તેમના વિશે પાઊલે આમ જણાવ્યું: “તેનાં માતાપિતા વિશે, વંશાવળી વિશે, જન્મ કે મરણ વિશે કોઈ માહિતી નથી, પણ તેને ઈશ્વરના દીકરા જેવો બનાવવામાં આવ્યો હોવાથી, તે હંમેશ માટે યાજક રહે છે.” (હિબ્રૂ ૭:૩) બધાની જેમ મેલ્ખીસેદેકનો જન્મ થયો અને ગુજરી પણ ગયા. શાસ્ત્રમાં તેમના માતાપિતાનું નામ કે તેમની આગળ-પાછળની વંશાવળી વિશે કંઈ જણાવ્યું નથી. મેલ્ખીસેદેક તો ઈસુ ખ્રિસ્તની એક ઝલક હતી. ઈસુના યાજકપદનો કદી અંત આવશે નહિ. જેમ કે, મેલ્ખીસેદેક પહેલાં કોઈ યાજક ન હતા. એવી જ રીતે ખ્રિસ્ત પહેલાં પણ તેમના જેવા કોઈ પ્રમુખ યાજક ન હતા. બાઇબલ એ પણ જણાવે છે કે ઈસુ પછી કોઈ પ્રમુખ યાજક થનાર નથી. ખરું કે ઈસુ યહુદી કુળમાં અને રાજા દાઊદની વંશાવળીમાં જન્મ્યા હતા. તેમ છતાં, વંશાવળીને તેમના યાજકપદ સાથે કંઈ જ સંબંધ ન હતો. ઉપરાંત, રાજા અને યાજકપદનો હોદ્દો વારસા પર આધારિત ન હતો. એ આશીર્વાદ તો ખુદ યહોવાએ ઈસુને આપેલા વચન પર આધારિત હતા.
(હિબ્રૂઓ ૭:૧૭) કેમ કે તેમના વિશે આ સાક્ષી આપવામાં આવી છે: “તું મેલ્ખીસેદેક જેવો યાજક છે અને તું હંમેશ માટે યાજક છે.”
it-૨-E ૩૬૬
મેલ્ખીસેદેક
ખ્રિસ્તના યાજકપદની ઝલક. મસીહ વિશેની એક નોંધપાત્ર ભવિષ્યવાણીમાં યહોવાએ દાઊદના “પ્રભુ”ને આ વચન આપ્યું: ‘તું મેલ્ખીસેદેક જેવો સનાતન યાજક છે.’ (ગી ૧૧૦:૧, ૪) ઈશ્વરની પ્રેરણાથી લખાયેલા એ શબ્દો યહુદીઓને એ સ્વીકારવા મદદ કરતું હતું કે આવનાર મસીહ રાજા અને યાજક તરીકે સેવા આપશે. એ સમજાવવા પાઊલે હિબ્રૂઓને પત્ર લખ્યો. એમાં તેમણે વચન પ્રમાણેના મસીહ વિશેની ઓળખને લગતી દરેક શંકા દૂર કરી. તેમણે ઈસુ મસીહ વિશે લખ્યું કે, ‘તું મેલ્ખીસેદેક જેવો યાજક છે અને તું હંમેશ માટે યાજક છે.’—હિબ્રૂ ૬:૨૦; ૫:૧૦.
કીમતી રત્નો શોધીએ
(હિબ્રૂઓ ૮:૩) દરેક પ્રમુખ યાજકને દાનો અને અર્પણો ચઢાવવા નીમવામાં આવે છે. તેથી, આ પ્રમુખ યાજક માટે પણ એ જરૂરી હતું કે અર્પણ કરવા તેમની પાસે કંઈક હોય.
યહોવાને ગમતાં બલિદાનો
૧૧ પ્રેષિત પાઊલ કહે છે, “દરેક પ્રમુખયાજક . . . ભેટો અને બલિદાનો લાવવા માટે નીમાયેલો હોય છે.” (હેબ્રી ૮:૩, IBSI.) નોંધ કરો કે પ્રાચીન ઈસ્રાએલના પ્રમુખયાજક જે બલિદાનો ચઢાવતા, એને પાઊલ બે વર્ગમાં વહેંચે છે. એ “ભેટો” અને “બલિદાનો” અથવા ‘પાપને માટે બલિદાનો’ હતા. (હેબ્રી ૫:૧, IBSI.) લોકો પ્રેમ અને કદર બતાવવા તથા મિત્રતા કે સારા સંબંધ બાંધવા, કે પછી કંઈ કામ કરાવવા ભેટો આપે છે. (ઉત્પત્તિ ૩૨:૨૦; નીતિવચન ૧૮:૧૬) એ જ રીતે, નિયમશાસ્ત્રનાં ઘણાં અર્પણો પરમેશ્વરની કૃપા મેળવવા અને ગાઢ સંબંધ બાંધવા માટે હતા, જેને “ભેટો” ગણી શકાય. નિયમશાસ્ત્રનો ભંગ કરવામાં આવે તો, એ ‘પાપોને સારૂ બલિદાનો’ આપવાં પડતાં. બાઇબલનાં પ્રથમ પાંચ પુસ્તકો, ખાસ કરીને નિર્ગમન, લેવીય અને ગણનાનાં પુસ્તકો જુદાં જુદાં બલિદાનો અને અર્પણો વિષે વિગતવાર જણાવે છે. જોકે એ બધી માહિતી યાદ રાખવી સહેલી નથી છતાં, એ બલિદાનોના અમુક મુખ્ય મુદ્દાઓ ધ્યાનમાં રાખવાથી આપણને ખરેખર લાભ થશે.
(હિબ્રૂઓ ૮:૧૩) આમ, તેમણે “નવા કરાર” વિશે વાત કરીને અગાઉના કરારને રદ કર્યો. હવે, જે રદ થયેલું છે અને જૂનું થતું જાય છે, એ ભૂંસાઈ જવાની અણી પર છે.
it-૧-E ૫૨૩ ¶૫
કરાર
યિર્મેયાના સમયમાં કઈ રીતે અગાઉનો કરાર “રદ” કરવામાં આવ્યો?
ઈશ્વરે પ્રબોધક યિર્મેયા દ્વારા જાહેર કર્યું કે નવો કરાર કરવામાં આવશે, ત્યારે જ જાણે નિયમ કરાર “રદ” થયો. (યિર્મે ૩૧:૩૧-૩૪; હિબ્રૂ ૮:૧૩) સાલ ૩૩માં, ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર જડાવવામાં આવ્યા. આમ એ નિયમ કરાર રદ કરવામાં આવ્યો, (કોલો ૨:૧૪) અને એની જગ્યાએ નવો કરાર આવ્યો.—હિબ્રૂ ૭:૧૨; ૯:૧૫; પ્રેકા ૨:૧-૪.
બાઇબલ વાંચન
સપ્ટેમ્બર ૯-૧૫
બાઇબલમાં રહેલો ખજાનો | હિબ્રૂઓ ૯-૧૦
“આવનાર સારી વાતોનો પડછાયો”
(હિબ્રૂઓ ૯:૧૨-૧૪) તે પવિત્ર સ્થાનમાં બકરાં અને વાછરડાંના લોહી સાથે નહિ, પણ તેમના પોતાના લોહી સાથે એક જ વાર ગયા અને આપણને હંમેશ માટે ઉદ્ધાર અપાવ્યો. ૧૩ બકરાં અને બળદોના લોહીથી અને અશુદ્ધ લોકો પર નાખવામાં આવતી વાછરડીની રાખથી તેઓના શરીર શુદ્ધ થતા હતા. ૧૪ પરંતુ, હંમેશાં ટકનારી પવિત્ર શક્તિથી કલંક વગરના બલિદાન તરીકે ઈશ્વરને અર્પણ થનારા ખ્રિસ્તનું લોહી કેટલું મૂલ્યવાન છે! એ લોહી આપણે કરેલાં નકામાં કામોથી આપણા અંતઃકરણોને શુદ્ધ કરે છે, જેથી આપણે જીવંત ઈશ્વરની પવિત્ર સેવા કરી શકીએ.
it-૧-E ૮૬૨ ¶૧
પાપોની માફી
ઈશ્વરે ઇઝરાયેલીઓને નિયમો આપ્યા હતા. જો કોઈ બીજા વ્યક્તિ કે ઈશ્વર વિરુદ્ધ પાપ કરે તો, એ નિયમ પ્રમાણે માફી મેળવવા ગુનેગારે ગુનાની ભરપાઈ કરવી પડતી. જેમાં મોટાભાગે નિયમ પ્રમાણે યહોવાને પ્રાણીનું અર્પણ ચઢાવવામાં આવતું. (લેવી ૫:૫–૬:૭) એટલે પાઊલે એ સિદ્ધાંત પ્રમાણે આમ જણાવ્યું: “હા, નિયમશાસ્ત્ર પ્રમાણે લોહીથી લગભગ બધી વસ્તુઓ શુદ્ધ કરવામાં આવે છે અને લોહી રેડવામાં ન આવે ત્યાં સુધી, માફી મળતી નથી.” (હિબ્રૂ ૯:૨૨) જોકે, એ પ્રાણીઓના લોહીનું અર્પણ પાપી વ્યક્તિને પાપના દોષથી પૂરી રીતે મુક્ત કરીને શુદ્ધ અંતઃકરણ આપી શકતું ન હતું. (હિબ્રૂ ૧૦:૧-૪; ૯:૯, ૧૩, ૧૪) જ્યારે કે, ભવિષ્યવાણીમાં જણાવ્યા પ્રમાણે નવા કરારથી, ઈસુ ખ્રિસ્તના બલિદાનના આધારે પૂરેપૂરી માફી મેળવવી શક્ય બન. (યિર્મે ૩૧:૩૩, ૩૪; માથ ૨૬:૨૮; ૧કો ૧૧:૨૫; એફે ૧:૭) ઈસુ પૃથ્વી પર હતા ત્યારે એક લકવાના દર્દીને સાજા કરીને બતાવી આપ્યું કે તેમની પાસે પાપોની માફી આપવાનો અધિકાર છે.—માથ ૯:૨-૭.
(હિબ્રૂઓ ૯:૨૪-૨૬) કેમ કે ખ્રિસ્ત હાથે બનાવેલા પવિત્ર સ્થાનમાં ગયા ન હતા, જે હકીકતની નકલ છે. પણ, તે તો સ્વર્ગમાં ગયા, જેથી હમણાં આપણા માટે ઈશ્વર આગળ હાજર થાય. ૨૫ જેમ પ્રમુખ યાજકે દર વર્ષે પ્રાણીઓનું લોહી લઈને પવિત્ર સ્થાનમાં જવું પડતું, તેમ વારંવાર તેમણે અર્પણ થવાની જરૂર ન હતી. ૨૬ નહિતર, દુનિયાનો પાયો નંખાયો ત્યારથી તેમણે વારંવાર દુઃખ સહન કરવું પડ્યું હોત. પણ, હવે આ યુગના અંતના સમયે તે એક જ વાર આવ્યા, જેથી તે પોતાના બલિદાનથી પાપનો નાશ કરે.
cf-E ૧૮૩ ¶૪
‘મારી પાછળ ચાલતા રહો’
૪ ઈસુ સ્વર્ગમાં પાછા ગયા અને તેમના પિતાને મળ્યા ત્યારે કેવો આવકાર આપવામાં આવ્યો એ વિશે શાસ્ત્રમાં કોઈ ઉલ્લેખ નથી. જોકે, ઘણા સમય પહેલા બાઇબલમાં જણાવ્યું હતું કે ઈસુ સ્વર્ગમાં પાછા જશે ત્યારે તરત શું બનશે. યહુદીઓ ૧,૫૦૦ વર્ષોથી પણ વધુ સમયથી એક પવિત્ર પ્રસંગ નિયમિત રીતે પાળતા. દર વર્ષે તેઓ એક દિવસને પ્રાયશ્ચિતનો દિવસ તરીકે ઊજવતા. એ દિવસે પ્રમુખ યાજક પ્રાયશ્ચિતના બલિદાનોના લોહીને મંદિરના પરમ પવિત્ર સ્થાનમાં કરારકોશની સામે છાંટતા. એ દિવસે, પ્રમુખ યાજક જાણે મસીહને દર્શાવતા. એ રિવાજ પ્રમાણે સ્વર્ગમાં જઈને ઈસુએ કાયમ માટે ભવિષ્યવાણી પૂરી કરી. ઈસુ સ્વર્ગમાં યહોવાની મહિમાવંત હાજરીમાં એટલે કે વિશ્વના સૌથી પરમ પવિત્ર સ્થાનમાં ગયા. તેમણે પિતાની આગળ પોતાના બલિદાનનું લોહી રજૂ કરીને છૂટકારાની કિંમત ચૂકવી. (હિબ્રૂ ૯૧૧, ૧૨, ૨૪) શું યહોવાએ એનો સ્વીકાર કર્યો?
(હિબ્રૂઓ ૧૦:૧-૪) નિયમશાસ્ત્ર આવનારા આશીર્વાદોનું અસલી રૂપ નહિ, પણ ફક્ત પડછાયો છે. એટલે, દર વર્ષે એનાં એ જ બલિદાનો ચઢાવવા જેઓ ઈશ્વર આગળ આવે છે, તેઓને નિયમશાસ્ત્ર કદી સંપૂર્ણ કરી શકતું નથી. ૨ નહિતર, શું બલિદાનો ચઢાવવાનાં બંધ થયાં ન હોત? કેમ કે પવિત્ર સેવા કરનારા એક વાર શુદ્ધ થયા પછી, પોતે પાપી હોવાની લાગણી અનુભવતા ન હોત. ૩ એના બદલે, આ બલિદાનો તો દર વર્ષે તેઓનાં પાપની યાદ અપાવતાં હતાં. ૪ કેમ કે બળદોનું અને બકરાંનું લોહી પાપ દૂર કરે એ શક્ય નથી.
it-૨-E ૬૦૨-૬૦૩
સંપૂર્ણ કરવું
મુસાને આપેલા નિયમની સંપૂર્ણતા. મુસા દ્વારા ઇઝરાયેલીઓને નિયમ આપવામાં આવ્યો હતો. એ નિયમમાં યાજકપદની અને જુદાં જુદાં પ્રાણીઓના બલિદાન અર્પણ તરીકે આપવાની ગોઠવણ હતી. ખરું કે એ નિયમ ઈશ્વર પાસેથી આવ્યો હોવાથી સંપૂર્ણ હતો. તોય નિયમશાસ્ત્ર, યાજકપદ કે પ્રાણીઓના બલિદાનો, નિયમ પાળનારને સંપૂર્ણ કરી શકતા ન હતા. પ્રેરિત પાઊલે પણ એ જ જણાવ્યું. (હિબ્રૂ ૭:૧૧, ૧૯; ૧૦:૧) એ નિયમ લોકોને પાપ અને મરણમાંથી કાયમ માટે છૂટકારો આપી ન શક્યું, પણ એનાથી એ સાબિત થતું કે તેઓ પાપી છે. (રોમ ૩:૨૦; ૭:૭-૧૩) જોકે આ ગોઠવણો ઈશ્વરના હેતુ પ્રમાણે હતી. એ નિયમો મનુષ્યના “રખેવાળ” એટલે કે શીખવનાર તરીકે હતા, જે વ્યક્તિઓને ખ્રિસ્ત પાસે દોરી લાવતા હતા. આમ ‘નિયમશાસ્ત્ર આવનારા આશીર્વાદોનો પડછાયો’ બન્યો. (ગલા ૩:૧૯-૨૫; હિબ્રૂ ૧૦:૧) એટલે પાઊલે લખ્યું: ‘મનુષ્યની અપૂર્ણતાને લીધે, નિયમશાસ્ત્ર, પૂરી રીતે બચાવી શકતું ન હતું.’ (રોમ ૮:૩) એમ કહીને પાઊલ શું કહેવા માંગતા હતા? એ જ કે નિયમશાસ્ત્ર પ્રમાણે પ્રમુખ યાજકને પસંદ કરવામાં આવતા. એ નિયમ પ્રમાણે પ્રમુખ યાજક બલિદાનો ચઢાવવાની ગોઠવણ કરતા, અને પ્રાયશ્ચિતના દિવસે બલિદાનનું લોહી લઈને પરમપવિત્ર સ્થાનમાં પ્રવેશ કરતા, જેથી નિયમ પાળનારાઓને ‘સંપૂર્ણ રીતે બચાવી’ શકે. (હિબ્રૂઓ ૭:૧૧, ૧૮-૨૮) ખરું કે યાજકપદની શરૂઆત હારૂનથી થઈ હતી. એ ગોઠવણ પ્રમાણે યાજકો લોકો માટે પ્રાણીનું બલિદાન ચઢાવતા, જેથી લોકો ઈશ્વર સાથેનો સંબંધ ફરી બાંધી શકતા. તોપણ એ પાપના ડાઘને પૂરી રીતે ભૂંસી શકતા ન હતા. એટલે પ્રેરિત પાઊલ એનો ઉલ્લેખ કરીને લખે છે કે પ્રાયશ્ચિતનાં ‘બલિદાનો ચઢાવવાં જેઓ ઈશ્વર આગળ આવે છે, તેઓને નિયમશાસ્ત્ર કદી સંપૂર્ણ કરી શકતું નથી.’ બીજા શબ્દોમાં એ વ્યક્તિનું અંતઃકરણ પૂરેપૂરી રીતે શુદ્ધ કરી શકતું ન હતું. (હિબ્રૂ ૧૦:૧-૪; ૯:૯, સરખાવો) પાપમાંથી પૂરી રીતે છૂટકારો મેળવવા કિંમત ચૂકવવાની જરૂર પડતી. પ્રમુખ યાજક અપૂર્ણ માનવી હોવાથી એ કિંમત ચૂકવી શકતા ન હતા. ફક્ત ઈસુ ખ્રિસ્તનું બલિદાન અને તેમની સનાતન યાજક તરીકેની સેવા એ કિંમત ચૂકવી શકે છે.—હિબ્રૂ ૯:૧૪; ૧૦:૧૨-૨૨.
કીમતી રત્નો શોધીએ
(હિબ્રૂઓ ૯:૧૬,૧૭) જ્યાં કરાર કરવામાં આવ્યો હોય, ત્યાં કરાર કરનાર માણસનું મરણ પામવું જરૂરી છે. ૧૭ કેમ કે એ માણસ જીવે છે ત્યાં સુધી કરાર લાગુ પડતો નથી. તેના મરણ પછી જ એ કરાર અમલમાં આવે છે.
w૯૨-E ૩/૧ ૩૧ ¶૪-૬
વાચકો તરફથી પ્રશ્નો
પાઊલે જણાવ્યું કે ઈશ્વર અને મનુષ્યો વચ્ચે થયેલો કરાર અમલમાં આવે માટે મરણ જરૂરી હતું. નિયમ કરાર એનો પુરાવો આપે છે. ઈશ્વરે ઇઝરાયેલ સાથે કરેલા કરારમાં મુસા મધ્યસ્થ હતા. આમ, મનુષ્ય તરીકે મુસાએ ઇઝરાયેલીઓ સાથે કરાર કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ઈશ્વરે આપેલા નિયમ કરાર વખતે મુસા ઇઝરાયેલી પ્રજા તરફથી કરાર કરનારા હતા. પણ એ કરાર અમલમાં લાવવા શું મુસાએ પોતાનું રક્ત વહેવડાવવું પડ્યું? ના. તેમના લોહીના બદલે પ્રાણીઓનું લોહી વહેવડાવવામાં આવ્યું.—હિબ્રૂઓ ૯:૧૮-૨૨.
યહોવાએ ઈશ્વરના ઇઝરાયેલ એટલે અભિષિક્તો સાથે નવો કરાર કર્યો હતો. એના વિશે શું? એ કરાર કરવામાં ઈસુ ખ્રિસ્ત મધ્યસ્થ હતા અને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ખરું કે યહોવાએ એ કરારની ગોઠવણ કરી હતી. પણ એનો પૂરેપૂરો આધાર ઈસુ ખ્રિસ્ત પર હતો. ઈસુ ખ્રિસ્ત મધ્યસ્થ હોવાથી તે પૃથ્વી પર હતા ત્યારે તેમણે એવા લોકો સાથે કરાર કર્યો જેઓ પ્રથમ પસંદ કરાયેલા અભિષિક્તો હતા. (લુક ૨૨:૨૦, ૨૮, ૨૯) એટલું જ નહિ. આ કરાર અમલમાં લાવવા જે બલિદાનની જરૂર હતી, એ આપવા ઈસુ જ યોગ્ય હતા. આ બલિદાન કંઈ પ્રાણીઓનું નહિ, પણ પાપ વગરનું સંપૂર્ણ માનવ શરીરનું હતું. એટલે જ પાઊલે જણાવ્યું કે ઈસુએ એ નવો કરાર કર્યો હતો. ‘ઈસુ આપણા માટે ઈશ્વર આગળ હાજર થવા સ્વર્ગમાં ગયા ત્યારે’ નવો કરાર અમલમાં આવ્યો.—હિબ્રૂઓ ૯:૧૨-૧૪, ૨૪.
પાઊલે જણાવ્યું કે એ કરાર કરવામાં મુસા અને ઈસુ ફક્ત મધ્યસ્થ હતા, નહિ કે કરારની ગોઠવણ કરનાર. એ બંને કરારની ગોઠવણ કરનાર તો ખુદ યહોવા ઈશ્વર હતા. જોકે, મુસા અને ઈસુ કરારના મધ્યસ્થ હોવાથી કરારને અમલમાં લાવવા મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. બંને કિસ્સામાં જીવનનું અર્પણ કરવાની જરૂર હતી. મુસાના કિસ્સામાં પ્રાણીઓનું બલિદાન અને ઈસુના કિસ્સામાં તેમણે પોતે અભિષિક્તો સાથે નવો કરાર કરવા પોતાના જીવનનું બલિદાન આપ્યું.
(હિબ્રૂઓ ૧૦:૫-૭) એટલે, ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા ત્યારે તેમણે ઈશ્વરને કહ્યું: “‘તમને બલિદાન અને અર્પણ જોઈતાં નથી, પણ તમે મારા માટે શરીર તૈયાર કર્યું છે. ૬ અગ્નિ-અર્પણો અને પાપનાં અર્પણોથી તમને ખુશી મળતી નથી.’ ૭ પછી, મેં કહ્યું: ‘હે ઈશ્વર, જુઓ! હું તમારી ઇચ્છા પૂરી કરવા આવ્યો છું (વીંટામાં મારા વિશે લખવામાં આવ્યું છે).’”
it-૧-E ૨૪૯-૨૫૦
બાપ્તિસ્મા
લુક જણાવે છે કે ઈસુ ખ્રિસ્ત પોતાના બાપ્તિસ્મા વખતે પ્રાર્થના કરતા હતા. (લુક ૩:૨૧) એ વિશે પાઊલે પત્રમાં લખ્યું કે ઈસુ ખ્રિસ્ત “પૃથ્વી પર આવ્યા” (નહિ કે તે જન્મ્યા અને વાંચી કે બોલી ન શકે એ ઉંમરે, પણ જ્યારે તેમણે બાપ્તિસ્મા માટે પોતાને રજૂ કર્યા અને સેવાકાર્ય શરૂ કર્યું ત્યારે) ત્યારે તેમણે ગીતશાસ્ત્ર ૪૦:૬-૮ના શબ્દો પ્રમાણે યહોવાને આમ કહ્યું: ‘તમને બલિદાન અને અર્પણ જોઈતાં નથી, પણ તમે મારા માટે શરીર તૈયાર કર્યું છે. ‘હે ઈશ્વર, જુઓ! હું તમારી ઇચ્છા પૂરી કરવા આવ્યો છું (વીંટામાં મારા વિશે લખવામાં આવ્યું છે).’ (હિબ્રૂ ૧૦:૫-૯) ઈસુ પોતે યહુદી કુળમાં જન્મ્યા હતા. યહુદીઓ તો ઈશ્વર સાથે કરેલા નિયમકરાર હેઠળ હતા. (નિર્ગ ૧૯:૫-૮; ગલા ૪:૪) ઈસુ બાપ્તિસ્મા લેવા યોહાન પાસે આવ્યા ત્યારે, તે યહુદી હોવાને લીધે યહોવા સાથેના નિયમકરાર હેઠળ હતા. આમ, ઈસુ ફક્ત એ નિયમની માંગ જ પૂરી કરતા ન હતા. પણ પોતાના પિતા યહોવાની “ઇચ્છા” પ્રમાણે કરવા પોતાને સોંપી રહ્યા હતા. તેમજ નિયમકરાર પ્રમાણે પ્રાણીઓનાં બલિદાનનો અંત લાવવા, ઈસુ પોતાના ‘તૈયાર’ કરેલા શરીરને અર્પી રહ્યા હતા. એના વિશે પ્રેરિત પાઊલે જણાવ્યું: ‘આ “ઇચ્છા” દ્વારા ઈસુ ખ્રિસ્તના એક જ વાર અને હંમેશ માટે અર્પણ થયેલા શરીરથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે.’ (હિબ્રૂ ૧૦:૧૦) પિતાની ઇચ્છા પૂરી કરવામાં રાજ્યને લગતાં કામો કરવાનો પણ સમાવેશ થતો હતો. ઈસુએ આ સેવા માટે પણ પોતાને રજૂ કર્યા. (લુક ૪:૪૩; ૧૭:૨૦, ૨૧) યહોવાએ પોતાના પુત્રનું આ સમર્પણ સ્વીકાર્યું અને તેમને પવિત્ર શક્તિથી અભિષિક્ત કરતા કહ્યું: “તું મારો વહાલો દીકરો છે; મેં તને પસંદ કર્યો છે.”—માર્ક ૧:૯-૧૧; લુક ૩:૨૧-૨૩; માથ ૩:૧૩-૧૭.
બાઇબલ વાંચન
સપ્ટેમ્બર ૧૬-૨૨
બાઇબલમાં રહેલો ખજાનો | હિબ્રૂઓ ૧૧
“શ્રદ્ધા બહુ જ મહત્ત્વની છે”
(હિબ્રૂઓ ૧૧:૧) શ્રદ્ધા એટલે કે આપણે જેની આશા રાખીએ છીએ એ ચોક્કસ પૂરું થશે એવી ખાતરી અને જે હકીકત નજરે જોઈ નથી એનો પુરાવો.
યહોવાનાં વચનોમાં શ્રદ્ધા બતાવો
૬ હિબ્રૂઓ ૧૧:૧માં શ્રદ્ધાની પરિભાષા આપવામાં આવી છે. (વાંચો.) એ કલમ પ્રમાણે: (૧) શ્રદ્ધા એટલે “જેની આશા રાખીએ છીએ એ ચોક્કસ પૂરું થશે એવી ખાતરી.” આપણે “જેની આશા” રાખીએ છીએ, એમાં યહોવાએ આપેલા ભાવિ માટેનાં વચનોનો સમાવેશ થાય છે. દાખલા તરીકે, આપણને પૂરી ખાતરી છે કે દુષ્ટતાનો અંત થશે અને આ પૃથ્વી બાગ જેવી સુંદર બનશે. (૨) શ્રદ્ધા એટલે “જે હકીકત નજરે જોઈ નથી” એનો “ખાતરી આપતો પુરાવો.” દાખલા તરીકે, આપણે યહોવા, ઈસુ, સ્વર્ગદૂતો અને સ્વર્ગના રાજ્યને જોયાં નથી. છતાં આપણને ખાતરી છે કે, એ બધાં અસ્તિત્વ ધરાવે છે. (હિબ્રૂ. ૧૧:૩) પરંતુ, આપણને યહોવાનાં વચનોમાં અને નજરે જોઈ નથી એ હકીકતોમાં ખરી શ્રદ્ધા છે, એ કઈ રીતે બતાવી શકીએ? આપણાં વાણી-વર્તન અને જીવનઢબથી.
(હિબ્રૂઓ ૧૧:૬) શ્રદ્ધા વગર ઈશ્વરને ખુશ કરવા અશક્ય છે. અને જે કોઈ ઈશ્વરને ભજવા તેમની આગળ જાય છે, તેને ભરોસો હોવો જોઈએ કે ઈશ્વર સાચે જ છે અને તેમને દિલથી શોધનારાઓને તે ઇનામ આપે છે.
w૧૩-E ૧૧/૧ ૧૧ ¶૨-૫
‘દિલથી શોધનારાઓને ઈશ્વર ઇનામ આપે છે’
યહોવાને ખુશ કરવા માટે શાની જરૂર છે? પાઊલે લખ્યું: “શ્રદ્ધા વગર ઈશ્વરને ખુશ કરવા અશક્ય છે.” પાઊલ એમ નથી કહી રહ્યા કે શ્રદ્ધા વગર ઈશ્વરને ખુશ કરવું અઘરું છે. તે તો કહી રહ્યા હતા કે અશક્ય છે. બીજા શબ્દોમાં ઈશ્વરને ખુશ કરવા શ્રદ્ધા હોવી જ જોઈએ.
યહોવાને ખુશ કરવા કેવી શ્રદ્ધા હોવી જોઈએ? એમાં બે પાસા જરૂરી છે. પહેલું, ‘આપણને ભરોસો હોવો જ જોઈએ કે ઈશ્વર છે.’ અમુક બાઇબલના અનુવાદો આમ લખે છે: આપણે માનવું જોઈએ કે ‘હકીકતમાં ઈશ્વર છે’ અને ‘તેમનું અસ્તિત્વ છે.’ ઈશ્વરના અસ્તિત્વની આપણને શંકા હશે તો તેમને ખુશ કરવા અશક્ય છે. કેમ કે દુષ્ટ દૂતો પણ માને છે કે ઈશ્વર છે. (યાકૂબ ૨:૧૯) ઈશ્વર છે એવી આપણને શ્રદ્ધા હશે તો એ આપણાં વિચારો, વાણી-વર્તન અને જીવનથી દેખાઈ આવશે. એનાથી યહોવા ખુશ થશે.—યાકૂબ ૨:૨૦, ૨૬.
બીજું, ‘આપણને ભરોસો હોવો જ જોઈએ’ કે ઈશ્વર ‘ઇનામ આપે છે.’ જેને ઈશ્વરમાં પૂરી શ્રદ્ધા છે, તેને ખાતરી હોય છે કે ઈશ્વરના માર્ગે ચાલવા પોતે જે મહેનત કરી રહ્યો છે, એ ક્યારેય નકામી નહિ જાય. (૧ કોરીંથીઓ ૧૫:૫૮) યહોવા મારા પ્રયત્નો ધ્યાન પર લેશે કે કેમ એવી શંકા કરનાર તેમને ખુશ કેવી રીતે કરી શકે? (યાકૂબ ૧:૧૭; ૧ પીતર ૫:૭) જેઓ એવું માને છે કે ઈશ્વરને આપણી કંઈ પડી નથી, તે પથ્થર દિલના અને કદર ન કરનાર છે, તેઓ તો હકીકતમાં ઈશ્વરને ઓળખતા જ નથી. બાઇબલ યહોવા વિશે એવું શીખવતું નથી.
ઈશ્વર કોને ઇનામ આપે છે? પાઊલે જણાવ્યું: ઈશ્વરને “દિલથી શોધનારાઓને.” બાઇબલ અનુવાદકો માટેનું એક પુસ્તક આમ કહે છે: “દિલથી શોધનાર” માટે વપરાયેલો ગ્રીક શબ્દનો અર્થ એવો થતો નથી કે ‘ક્યાંક જઈને ઈશ્વરને શોધવા.’ પણ એવો થાય છે કે ઈશ્વરની “ભક્તિ” કરવા તેમની પાસે આવવું. બીજા એક પુસ્તક પ્રમાણે આ ગ્રીક શબ્દનો અર્થ થાય પૂરા દિલથી, પૂરા મનથી ભક્તિ કરવી. સાચે જ, યહોવા એવા લોકોને ચોક્કસ ઇનામ આપે છે, જેઓ પૂરા દિલ અને મનથી તેમની ભક્તિ કરે છે.—માથ્થી ૨૨:૩૭.
(હિબ્રૂઓ ૧૧:૩૩-૩૮) શ્રદ્ધાને લીધે તેઓએ રાજ્યોને હરાવ્યાં, સત્યના માર્ગે ચાલ્યા, વચનો મેળવ્યાં, સિંહોના મોં બંધ કર્યા; ૩૪ આગની જ્વાળાઓ હોલવી નાખી, તલવારની ધારથી બચી ગયા, નિર્બળમાંથી બળવાન કરવામાં આવ્યા, યુદ્ધમાં શક્તિશાળી બન્યા, દુશ્મનોનાં લશ્કરોને ભગાડી મૂક્યાં. ૩૫ સ્ત્રીઓને તેઓના મરણ પામેલાઓ જીવતા કરીને પાછા અપાયા. બીજા કેટલાક શ્રદ્ધા બતાવનારાઓ પર જુલમ કરવામાં આવ્યો. પણ, તેઓ છુટકારા માટે ઈશ્વરને બેવફા બન્યા નહિ, જેથી તેઓને વધારે સારા જીવન માટે જીવતા કરવામાં આવે. ૩૬ હા, બીજા અમુકની કસોટીઓ થઈ, તેઓની મશ્કરી કરવામાં આવી અને ચાબુકથી મારવામાં આવ્યા. એટલું જ નહિ, સાંકળોથી બાંધવામાં આવ્યા અને કેદખાનાઓમાં નાખવામાં આવ્યા. ૩૭ તેઓને પથ્થરે મારવામાં આવ્યા, તેઓની શ્રદ્ધાની પરખ થઈ, કરવતથી વહેરવામાં આવ્યા, તલવારથી કતલ કરવામાં આવ્યા, તેઓએ તંગી, વિપત્તિ અને અપમાન સહન કર્યા અને તેઓએ ઘેટાં-બકરાંના ચામડા પહેરીને ફરવું પડ્યું. ૩૮ અને દુનિયા તેઓને માટે લાયક ન હતી. તેઓએ રણોમાં, પર્વતોમાં, ગુફાઓમાં અને જમીનની બખોલોમાં આશરો લીધો.
ભાવિની આશા પર પૂરી શ્રદ્ધા રાખો
૧૦ હિબ્રૂઓ અધ્યાય ૧૧માં, પ્રેરિત પાઊલે એવી કસોટીઓ વિશે જણાવ્યું હતું જે અમુક ઈશ્વરભક્તોએ સહી હતી. એ ઈશ્વરભક્તો શા માટે કસોટી સહી શક્યા? કારણ કે, તેઓને સજીવન થવાની આશામાં પૂરો ભરોસો હતો. દાખલા તરીકે, પાઊલે એવી અમુક સ્ત્રીઓ વિશે જણાવ્યું હતું, જેઓના દીકરા મરણ પામ્યા હતા અને પછીથી તેઓને જીવતા કરવામાં આવ્યા હતા. પછી, પાઊલે બીજા અમુકનો ઉલ્લેખ કર્યો જેઓ “છુટકારા માટે ઈશ્વરને બેવફા બન્યા નહિ, જેથી તેઓને વધારે સારા જીવન માટે જીવતા કરવામાં આવે.” (હિબ્રૂ. ૧૧:૩૫) આપણે જાણતા નથી કે પાઊલે કયા ઈશ્વરભક્તોને ધ્યાનમાં રાખીને એ વાત લખી હતી. કદાચ તેમના મનમાં નાબોથ અને ઝખાર્યા જેવા ભક્તો હશે. ઈશ્વરને વફાદાર રહેવાને લીધે દુશ્મનોએ તેઓને પથ્થરે મારી નાખ્યા. (૧ રાજા. ૨૧: ૩, ૧૫; ૨ કાળ. ૨૪:૨૦, ૨૧) દાનીયેલ અને તેમના સાથીઓ પોતાના “છુટકારા માટે” યહોવાને બેવફા બની શક્યા હોત. પરંતુ, તેઓને પૂરો ભરોસો હતો કે, કસોટીઓ સહન કરવા યહોવા તેઓને પવિત્ર શક્તિની મદદ આપશે. અરે, તેઓની શ્રદ્ધાએ “સિંહોના મોં બંધ કર્યા” અને “આગની જ્વાળાઓ હોલવી નાખી”!—હિબ્રૂ. ૧૧:૩૩, ૩૪; દાની. ૩:૧૬-૧૮, ૨૦, ૨૮; ૬:૧૩, ૧૬, ૨૧-૨૩.
૧૧ મીખાયા અને યિર્મેયા જેવા ઘણા પ્રબોધકોની મશ્કરી કરવામાં આવી અથવા તેઓને જેલમાં પૂરવામાં આવ્યા. એલિયા જેવા ભક્તોએ “રણોમાં, પર્વતોમાં, ગુફાઓમાં અને જમીનની બખોલોમાં આશરો” લેવો પડ્યો. તેમ છતાં, એ ઈશ્વરભક્તોને પૂરી ખાતરી હતી કે, તેઓ ‘જેની આશા રાખે છે એ ચોક્કસ પૂરું થશે.’ એ દૃઢ આશાને લીધે તેઓએ બધું સહન કર્યું અને યહોવાને વફાદાર રહ્યા.—હિબ્રૂ. ૧૧:૧, ૩૬-૩૮; ૧ રાજા. ૧૮:૧૩; ૨૨:૨૪-૨૭; યિર્મે. ૨૦:૧, ૨; ૨૮:૧૦, ૧૧; ૩૨:૨.
કીમતી રત્નો શોધીએ
(હિબ્રૂઓ ૧૧:૪) શ્રદ્ધાને લીધે હાબેલે કાઈન કરતાં વધારે મૂલ્યવાન બલિદાન ઈશ્વરને અર્પણ કર્યું. એ શ્રદ્ધા દ્વારા તેમના વિશે સાક્ષી આપવામાં આવી કે તે નેક છે, કેમ કે ઈશ્વરે તેમની ભેટો સ્વીકારી. તે મરણ પામ્યા હોવા છતાં, પોતાની શ્રદ્ધા દ્વારા હજુ બોલે છે.
it-૧-E ૮૦૪ ¶૫
શ્રદ્ધા
શ્રદ્ધા રાખનારા ઈશ્વરભક્તોના દાખલા. પાઊલે કહ્યું: ‘મોટા વાદળની જેમ સાક્ષીઓના ટોળા’ પાસે શ્રદ્ધા રાખવાનું કારણ હતું. (હિબ્રૂ ૧૨:૧) દાખલા તરીકે, હાબેલ જાણતા હતા કે ઈશ્વરે ‘સંતાન’ વિશે વચન આપ્યું છે. એ સંતાન “સર્પ”નું માથું છૂંદી નાખશે. તેમની પાસે પુરાવો હતો કે તેમના માબાપને યહોવાએ એદન બાગમાં જે સજા ફરમાવી એ પ્રમાણે થઈ રહ્યું હતું. આદમને બાગમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા પછી, તેનું કુટુંબ પરસેવો પાડીને ખોરાક મેળવતું હતું. કારણ કે જમીનને શાપ લાગ્યો હોવાથી એમાં કાંટા-ઝાંખરા ઊગી નીકળ્યા. હાબેલે પોતાની મા હવાને તેના પતિ માટે તડપતી જોઈ હશે. એટલું જ નહિ, આદમને હવા પર ધણીપણું કરતા પણ જોયા હશે. તેમ જ હવાએ પ્રસૂતિ વખતની પીડા વિશે તેને કહ્યું હશે, એમાં કોઈ શંકા નથી. એ ઉપરાંત, એદન બાગના દરવાજા પર ચોકી કરતા કરૂબો અને સળગતી તલવાર જોઈ હશે. (ઉત ૩:૧૪-૧૯, ૨૪) આ હકીકતથી હાબેલને “પુરાવો” મળ્યો હશે કે આ બધી મુશ્કેલીઓમાંથી છુટકારો “વચનના સંતાન” દ્વારા જ મળશે. એટલે હાબેલે ઈશ્વરને જે બલિદાન ચઢાવ્યું, એ કાઈનના બલિદાન કરતાં વધારે મૂલ્યવાન સાબિત થયું.—હિબ્રૂ ૧૧:૧, ૪.
(હિબ્રૂઓ ૧૧:૫) શ્રદ્ધાને કારણે હનોખને બીજી જગ્યાએ લઈ જવામાં આવ્યા, જેથી તે મરણ ન જુએ. પછી, તે કોઈ પણ જગ્યાએ મળ્યા નહિ, કેમ કે ઈશ્વર તેમને બીજી જગ્યાએ લઈ ગયા હતા; તેમને લઈ જવામાં આવ્યા એ પહેલાં, તેમના વિશે સાક્ષી આપવામાં આવી કે તેમણે ઈશ્વરને ઘણા ખુશ કર્યા હતા.
wp૧૭.૧-E ૧૨-૧૩
“તેમણે ઈશ્વરને ઘણા ખુશ કર્યા હતા”
હનોખને બીજી જગ્યાએ લઈ જવામાં આવ્યા, જેથી તે મરણ ન જુએ. એનો અર્થ શું થાય? યહોવાએ કદાચ હનોખને મરણની ઊંઘમાં એ રીતે નાખ્યા હોઈ શકે કે તેમને મરણની કોઈ પીડા સહેવી ન પડે. જોકે એ પહેલા હનોખને ‘સાક્ષી આપવામાં આવી હતી કે તેમનાથી ઈશ્વર ઘણા ખુશ છે.’ કઈ રીતે? મરણ પહેલાં કદાચ તેમને ઈશ્વરે દર્શન આપ્યું હોય શકે, જેમાં તેમને કદાચ બાગ જેવી નવી દુનિયા બતાવવામાં આવી હોય શકે. યહોવા તેમનાથી ખુશ છે એવી ખાતરી મળ્યા પછી હનોખ મોતની ઊંઘમાં સૂઈ ગયા. હનોખ અને તેમના જેવા બીજા વફાદાર ભક્તો વિશે પાઊલ આગળ લખે છે: “તેઓની શ્રદ્ધા મરણ સુધી અડગ રહી.” (હિબ્રૂઓ ૧૧:૧૩) કદાચ હનોખના દુશ્મનોએ તેમને શોધ્યા હશે, પણ યહોવાએ તેમના શબને એવી રીતે ગાયબ કર્યું કે મળે જ નહિ. જેથી લોકો એની સાથે દુર્વ્યવહાર ન કરે અને જૂઠી ભક્તિમાં એનો ઉપયોગ ન કરે.
બાઇબલ વાંચન
સપ્ટેમ્બર ૨૩-૨૯
બાઇબલમાં રહેલો ખજાનો | હિબ્રૂઓ ૧૨-૧૩
“યહોવા તરફથી મળતી શિસ્ત” તેમના પ્રેમની સાબિતી છે
(હિબ્રૂઓ ૧૨:૫) અને તમને દીકરાઓ ગણીને અપાયેલી શિખામણ તમે તદ્દન ભૂલી ગયા છો: “મારા દીકરા, યહોવા તરફથી મળતી શિસ્તને તુચ્છ ગણીશ નહિ અને તે તને સુધારે ત્યારે નિરાશ થઈશ નહિ.
વીતી ગયેલી બાબતો પર ધ્યાન દેશો નહિ
૧૮ કડક સલાહ. કદાચ પહેલાં આપણને કોઈ કડક સલાહ મળી હોય એનો જ વિચાર મનમાં આવ્યા કરે. એના લીધે કદાચ આપણે દુઃખી અથવા ગુસ્સે થઈએ. એવો પણ વિચાર આવે કે ઈશ્વરની ભક્તિ કરવાનું છોડી દઈએ. (હિબ્રૂ. ૧૨:૫) જો આપણે સલાહને તરત જ નકારી દઈએ અથવા પહેલાં સ્વીકારીએ અને પછી નકાર કરીએ, તો એ બંનેનું પરિણામ સરખું જ આવે છે. એમ કરવાથી આપણને કોઈ ફાયદો થતો નથી. એટલે સારું થશે કે આપણે સુલેમાનની આ સલાહ ધ્યાનમાં લઈએ: “શિખામણને મજબૂત પકડી રાખ; તેને છોડતો નહિ; તેને સંઘરી રાખ; કેમ કે તે તારું જીવન છે.” (નીતિ. ૪:૧૩) એક ડ્રાઈવર રોડ પરની નિશાનીઓ ધ્યાનમાં રાખીને વાહન ચલાવે છે અને આગળ વધે છે. એવી જ રીતે, આપણે પણ સલાહ ધ્યાનમાં રાખીએ અને આગળ વધતા રહીએ.—નીતિ. ૪:૨૬, ૨૭; હિબ્રૂઓ ૧૨:૧૨, ૧૩ વાંચો.
(હિબ્રૂઓ ૧૨:૬, ૭) કેમ કે યહોવા જેઓને પ્રેમ કરે છે, તેઓને તે શિસ્ત આપે છે. હકીકતમાં, જેઓને તે દીકરા તરીકે સ્વીકારે છે, એ દરેકને તે સજા કરે છે.” ૭ તમારી તાલીમના ભાગ તરીકે તમારે સહન કરવું જોઈએ. ઈશ્વર તમને દીકરાઓ માને છે, કેમ કે એવો કયો દીકરો છે, જેને સુધારવા તેના પિતાએ શિસ્ત આપી ન હોય?
w૧૨-E ૭/૧ ૨૧ ¶૩
“તમે પ્રાર્થના કરો, ત્યારે કહો: ‘પિતા’”
પ્રેમાળ પિતા પોતાનાં બાળકોને જરૂરી શિસ્ત આપે છે. કારણ કે તેમને બાળકોની ચિંતા હોય છે. તે ચાહે છે કે તેઓ સારી વ્યક્તિ બને. (એફેસીઓ ૬:૪) એવા પિતા કડક હોય શકે, પણ ક્યારેય જુલમ કરશે નહિ. એવી જ રીતે, યહોવાને લાગે કે કદાચ આપણને શિસ્તની જરૂર છે, પણ તે હંમેશાં પ્રેમથી શિસ્ત આપે છે. તે ક્યારેય તોડી પાડતા શબ્દો વાપરશે નહિ. ઈસુનો સ્વભાવ પણ યહોવા જેવો છે. તેમના શિષ્યો સુધારો કરવામાં ધીમા હતા, તોપણ ઈસુ તેઓ સાથે પ્રેમથી વર્ત્યા, અને તેઓને તોડી પાડ્યા નહિ.—માથ્થી ૨૦:૨૦-૨૮; લુક ૨૨:૨૪-૩૦.
(હિબ્રૂઓ ૧૨:૧૧) ખરું કે, કોઈ શિસ્તથી તરત ખુશી મળતી નથી, પણ દુઃખ થાય છે. પરંતુ, પછીથી જેઓ એનાથી ઘડાય છે, તેઓને શાંતિમય અને નેક જીવનનું ઇનામ મળે છે.
‘શિસ્ત પર ધ્યાન આપો અને જ્ઞાની થાઓ’
૧૮ શિસ્ત મળે ત્યારે આપણને દુઃખ થઈ શકે છે. પરંતુ, યહોવાની શિસ્ત ન સ્વીકારવાથી ખરાબ પરિણામો ભોગવવાં પડે છે, જેનાથી વધારે દુઃખી થવાય છે. (હિબ્રૂ. ૧૨:૧૧) આપણે કાઈન અને રાજા સિદકીયાહના ખરાબ દાખલામાંથી શીખી શકીએ છીએ. કાઈન પોતાના ભાઈને ધિક્કારતો હતો અને તેને મારી નાખવા ચાહતો હતો. જ્યારે યહોવાએ એ જોયું, ત્યારે તેમણે કાઈનને ચેતવણી આપી: “તને કેમ રોષ ચઢ્યો છે? અને તારું મોં કેમ ઊતરી ગયું છે? જો તું સારું કરે, તો તું માન્ય નહિ થશે શું? પણ જો સારું ન કરે, તો પાપ તારે દ્વારે સંતાઈ રહે છે; અને તારી તરફ તેની ઇચ્છા થશે, ને તે પર તું ધણીપણું કરશે.” (ઉત. ૪:૬, ૭) કાઈને યહોવાની શિસ્ત સ્વીકારી નહિ, પોતાના ભાઈનું ખૂન કર્યું અને બાકીનું જીવન તેણે ખરાબ પરિણામો ભોગવવાં પડ્યાં. (ઉત. ૪:૧૧, ૧૨) જો કાઈને યહોવાનું સાંભળ્યું હોત, તો તેણે આટલું બધું દુઃખ સહેવું ન પડ્યું હોત.
કીમતી રત્નો શોધીએ
(હિબ્રૂઓ ૧૨:૧) આમ, આપણી આસપાસ મોટા વાદળની જેમ સાક્ષીઓનું ટોળું હોવાથી, ચાલો દરેક પ્રકારના બોજાને અને સહેલાઈથી ફસાવનાર પાપને નાખી દઈએ અને ઈશ્વરે આપણી આગળ રાખેલી દોડમાં ધીરજથી દોડીએ.
ધીરજથી દોડીએ
૧૧ પાઊલે કહ્યું હતું કે પ્રાચીન સમયમાં થઈ ગયેલા ‘શાહેદો’ એટલે ભક્તોની આપણી આસપાસ વાદળા જેવી ‘મોટી ભીડ’ છે. તેઓ મરણ સુધી યહોવાહને વફાદાર રહ્યા હતા. તેઓનો દાખલો બતાવે છે કે કપરા સંજોગોમાં આપણે પણ યહોવાહને વફાદાર રહી શકીએ છીએ. આ ‘મોટી ભીડʼમાંના ભક્તો જાણે દોડવીર હતા, જેઓએ શરત પૂરી કરી હતી. તેઓનો દાખલો હાલના દોડવીરોને ઉત્તેજન આપે છે. કલ્પના કરો કે તમે શરતમાં છો અને અગાઉના જીતેલા દોડવીરો તમને ઉત્તેજન આપી રહ્યા છે. દોડ પૂરી કરવા શું તમે બનતું બધું નહિ કરો? એવી જ રીતે હિબ્રૂ ખ્રિસ્તીઓએ પ્રાચીન સમયના ઈશ્વરભક્તોના ઉદાહરણને યાદ કરવાની જરૂર હતી. તેઓના ઉદાહરણથી ખ્રિસ્તીઓને ‘ધીરજથી દોડ’ પૂરી કરવાની હિંમત મળી હોત. આપણે પણ તેઓની જેમ કરવું જોઈએ.
(હિબ્રૂઓ ૧૩:૯) જાતજાતના અને અજાણ્યા શિક્ષણ દ્વારા ફંટાઈ જશો નહિ, કેમ કે ખોરાક કરતાં અપાર કૃપાથી હૃદય મજબૂત થાય, એ વધારે સારું છે; જેઓ ખોરાકને વધારે પડતું મહત્ત્વ આપે છે, તેઓને એનાથી ફાયદો થતો નથી.
w૯૦ ૧/૧ ૨૨ ¶૧૦
યહોવાહને ખુશ કરનારા અર્પણો ચઢાવો
૧૦ એટલા માટે હેબ્રીઓએ યહુદીધર્મવાદીઓનાં “જુદા જુદા અને વિચિત્ર શિક્ષણોમાં ખેંચાઇ” જવાનું ટાળવાની જરૂર હતી. (ગલાતી ૫:૧-૬) આવા શિક્ષણોથી નહીં પરંતુ ‘દેવની અપાત્ર કૃપાથી હૃદય દ્રઢ થઇ શકે’ જેથી સત્યમાં સ્થિર રહી શકાય. દેખીતી રીતે જ કેટલાકે ખોરાકો અને અર્પણો વિષે દલીલ કરી, કેમ કે પાઊલે કહ્યું કે હૃદય “ખોરાકોથી દ્રઢ થતું નથી, જે ખાવાથી તો તેઓને લાભ થયો નથી.” આત્મિક લાભો દૈવી ભક્તિભાવથી અને ખંડણીની કદરથી પરિણમે છે, અમુક ખોરાકો ખાવાથી અને અમુક ખાસ દિવસો પાળવાથી પરિણમતા નથી. (રૂમી ૧૪:૫-૯) વધુમાં, ખ્રિસ્તના બલિદાને લેવીયોનાં અર્પણોને નિરર્થક બનાવ્યાં.—હેબ્રી ૯:૯-૧૪; ૧૦:૫-૧૦.
બાઇબલ વાંચન
સપ્ટેમ્બર ૩૦–ઓક્ટોબર ૬
બાઇબલમાં રહેલો ખજાનો | યાકૂબ ૧-૨
“પાપ અને મરણના મોંમા ધકેલતો માર્ગ”
(યાકૂબ ૧:૧૪) પરંતુ, દરેક જણ પોતાની ઇચ્છાથી લલચાઈને કસોટીમાં ફસાય છે.
g૧૭.૪-E ૧૪
લાલચ
તમારી નજરમાં એવું કંઈ આવે જેનાથી તમને આકર્ષણ થાય. ખાસ કરીને ખોટું કામ કરવા. એક દાખલો લઈએ: તમે ખરીદી કરી રહ્યા છો અને કોઈક એવી વસ્તુ પર નજર પડે છે, જે તમને ચોરી લેવાનું મન થાય. અને કોઈને ખબર પણ નહિ પડે. પણ તમારું અંતઃકરણ ડંખવા લાગે છે. એમ ના કરીશ! એટલે તમે એમ કરવાનું માંડી વાળો છો. આમ તમે લાલચ પર જીત મેળવો છો.
બાઇબલ શું કહે છે
સામે લાલચ આવે તો એનો અર્થ એવો નથી કે તમે ખરાબ છો. બાઇબલ જણાવે છે કે બધાના જીવનમાં લાલચ આવે છે. (૧ કોરીંથીઓ ૧૦:૧૩) એવા સંજોગોમાં આપણે શું કરીએ છીએ, એ મહત્ત્વનું છે. અમુક લોકો ખોટી ઇચ્છાઓ પર વિચાર્યા કરે છે, અને મોડા-વહેલાં એની લાલચમાં ફસાઈ જાય છે. જ્યારે કે, બીજા અમુક ખોટી ઇચ્છાને તરત મનમાંથી કાઢી નાખે છે.
“દરેક જણ પોતાની ઇચ્છાથી લલચાઈને કસોટીમાં ફસાય છે.” —યાકૂબ ૧: ૧૪.
(યાકૂબ ૧:૧૫) પછી, એ ઇચ્છા વધે છે ત્યારે પાપને જન્મ આપે છે; છેવટે, પાપ કરવાથી મરણ આવે છે.
g૧૭.૪-E ૧૪
લાલચ
બાઇબલ ખોટાં પગલાં પારખવા મદદ કરે છે. એ જણાવે છે: ‘ખોટી ઇચ્છા વધે છે ત્યારે’ એ “ગર્ભ ધરે છે,” અને “પાપને જન્મ આપે છે.” (યાકૂબ ૧:૧૫, ફૂટનોટ) બીજા શબ્દોમાં, આપણે ખોટી ઇચ્છાઓ પર વિચાર કર્યા કરીએ તો, એ આપણને ખોટાં કામ કરવા દોરી જાય છે. જેવી રીતે ગર્ભ ધારણ કર્યા પછી સ્ત્રી બાળકને જન્મ આપે છે. જોકે, મનમાં ખોટી ઇચ્છા આવે તો એના ગુલામ બનવાને બદલે એના પર જીત મેળવી શકીએ છીએ.
કીમતી રત્નો શોધીએ
(યાકૂબ ૧:૧૭) દરેક સારું દાન અને દરેક સંપૂર્ણ ભેટ ઉપરથી છે. એ પ્રકાશોના પિતા તરફથી આવે છે. પ્રકાશથી પડતા પડછાયામાં વધ-ઘટ થાય છે, પણ ઈશ્વર કદી બદલાતા નથી.
it-૨-E ૨૫૩-૨૫૪
પ્રકાશ
યહોવા “પ્રકાશોના પિતા” છે. (યાકૂ ૧:૧૭) ‘યહોવાએ દિવસે પ્રકાશ આપવા સૂર્ય અને રાત્રે અજવાળા માટે ચંદ્ર અને તારાઓ આપ્યા છે. (યિર્મે ૩૧:૩૫) એટલું જ નહિ, તેમની પાસેથી સત્યનો પ્રકાશ પણ આવે છે. (૨કો ૪:૬) જેઓ તેમના માર્ગમાં ચાલે છે, તેઓ માટે યહોવાના નિયમો, ન્યાયી નિર્ણયો અને શાસ્ત્રવચનો જાણે સળગતી મશાલોના પ્રકાશ જેવા છે. (ગી ૪૩:૩; ૧૧૯:૧૦૫; નીતિ ૬:૨૩; યશા ૫૧:૪) ગીતના લેખકે લખ્યું, ‘તમારા પ્રકાશમાં અમે અજવાળું જોઈએ છીએ.’ (ગી ૩૬:૯; સરખાવો ગી ૨૭:૧; ૪૩:૩.) સૂર્ય ઊગે તેમ તેમ ‘ભર બપોર સુધી’ એનો પ્રકાશ વધતો જાય છે. એવી જ રીતે ઈશ્વરભક્તો માટે સત્યની સમજણ પણ ધીમે ધીમે વધતી જાય છે. (નીતિ ૪:૧૮) યહોવાના માર્ગદર્શન પ્રમાણે ચાલવું, તે તો જાણે તેમના પ્રકાશમાં ચાલવા જેવું છે. (યશા ૨:૩-૫) બીજા શબ્દોમાં, વ્યક્તિ ખોટી નજરે જુએ છે અથવા ખોટા ઇરાદા રાખે છે, ત્યારે તે જાણે ઈશ્વરના પ્રકાશથી દૂર ઘોર અંધકારમાં ચાલે છે. એના વિશે ઈસુએ કહ્યું: “તમારી આંખ દુષ્ટ બાબતો પર લાગેલી હોય, તો તમારું આખું શરીર અંધકારથી ભરેલું હશે. જો શરીરને પ્રકાશ આપતી તમારી આંખ જ અંધકારથી ભરેલી હોય, તો તમે કેવા ઘોર અંધકારમાં છો!”—માથ ૬:૨૩; પુન ૧૫:૯; ૨૮:૫૪-૫૭; નીતિ ૨૮:૨૨; ૨પી ૨:૧૪.
(યાકૂબ ૨:૮) શાસ્ત્રમાં લખેલું છે કે, “જેવો પોતાના પર એવો તારા પડોશી પર પ્રેમ રાખ.” જો તમે આ રાજમાન્ય નિયમ પાળતા હો, તો ઘણું સારું કરો છો.
it-૨-E ૨૨૨ ¶૪
નિયમ
“રાજમાન્ય નિયમ.” રાજા અને પ્રજા વચ્ચેના સંબંધમાં નિયમો જેટલા મહત્ત્વના છે, એટલું જ “રાજમાન્ય નિયમ”નું મહત્ત્વ છે. (યાકૂ ૨:૮) મુસાને આપેલા નિયમશાસ્ત્રનો આધાર પ્રેમ પર હતો. ઈસુએ એના વિશે આમ કહ્યું: “જેવો પોતાના પર એવો તારા પડોશી પર પ્રેમ રાખ.” એ બીજી સૌથી મહત્ત્વની આજ્ઞા (રાજમાન્ય નિયમ) હતી. એના પર નિયમશાસ્ત્રનો અને પ્રબોધકોના શિક્ષણનો પાયો હતો. (માથ ૨૨:૩૭-૪૦) ખરું કે આપણે મુસાના નિયમ હેઠળ નથી. તોપણ નવા કરારને લીધે આપણે યહોવા અને તેમના દીકરા ઈસુ ખ્રિસ્તના નિયમ હેઠળ છીએ.
બાઇબલ વાંચન