યર્મિયા
૨૮ એ જ વર્ષે, યહૂદાના રાજા સિદકિયાના શાસનની શરૂઆતમાં,+ તેના શાસનના ચોથા વર્ષના પાંચમા મહિનામાં પ્રબોધક હનાન્યાએ મારી સાથે વાત કરી. તે ગિબયોનના+ વતની આઝ્ઝુરનો દીકરો હતો. તેણે યહોવાના મંદિરમાં યાજકો અને બધા લોકોની હાજરીમાં મને કહ્યું: ૨ “ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘હું બાબેલોનના રાજાની ઝૂંસરી ભાંગી નાખીશ.+ ૩ બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર યહોવાના મંદિરમાંથી જે વાસણો બાબેલોન લઈ ગયો હતો, એને હું બે જ વર્ષમાં* આ જગ્યાએ પાછાં લઈ આવીશ.’”+ ૪ “યહોવા કહે છે, ‘હું બાબેલોનના રાજાની ઝૂંસરી ભાંગી નાખીશ. હું યહોયાકીમના દીકરા,+ યહૂદાના રાજા યખોન્યાને+ અને યહૂદાના ગુલામોને બાબેલોનથી આ જગ્યાએ પાછા લઈ આવીશ.’”+
૫ યર્મિયા પ્રબોધકે યાજકો અને યહોવાના મંદિરમાં ઊભેલા લોકોની હાજરીમાં હનાન્યા પ્રબોધક સાથે વાત કરી. ૬ યર્મિયા પ્રબોધકે કહ્યું: “આમેન!* યહોવા એવું જ કરે! યહોવા તારી ભવિષ્યવાણી પૂરી કરે! તારા કહ્યા પ્રમાણે યહોવાના મંદિરનાં વાસણોને અને ગુલામોને તે બાબેલોનથી આ જગ્યાએ પાછાં લાવે. ૭ હું તને અને આ લોકોને જે સંદેશો આપું છું એ કાન દઈને સાંભળ. ૮ મારી અને તારી પહેલાં થઈ ગયેલા પ્રબોધકોએ વર્ષો અગાઉ ભવિષ્યવાણી કરી હતી. તેઓએ ઘણાં દેશો અને શક્તિશાળી રાજ્યો પર આવનાર યુદ્ધ, આફત અને ભયંકર રોગચાળા* વિશે ભાખ્યું હતું. ૯ પણ જો કોઈ પ્રબોધક શાંતિ વિશે ભવિષ્યવાણી કરે અને એ સાચી પડે, તો સાબિત થશે કે એ પ્રબોધકને યહોવાએ જ મોકલ્યો છે.”
૧૦ ત્યારે હનાન્યા પ્રબોધકે યર્મિયા પ્રબોધકની ગરદન પરથી ઝૂંસરી ઉતારી અને એને ભાંગી નાખી.+ ૧૧ હનાન્યાએ બધા લોકોની હાજરીમાં કહ્યું: “યહોવા કહે છે, ‘આ જ રીતે, હું બે જ વર્ષમાં બધા દેશોની ગરદન પરથી બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારની ઝૂંસરી ભાંગી નાખીશ.’”+ પછી યર્મિયા પ્રબોધક પોતાને રસ્તે ગયો.
૧૨ હનાન્યા પ્રબોધકે યર્મિયા પ્રબોધકની ગરદન પરની ઝૂંસરી ભાંગી નાખી એ પછી, યહોવાનો આ સંદેશો યર્મિયાને મળ્યો: ૧૩ “જઈને હનાન્યાને કહે, ‘યહોવા કહે છે, “તેં લાકડાની ઝૂંસરીઓ ભાંગી નાખી છે,+ પણ હવે તું લોઢાની ઝૂંસરીઓ બનાવીશ.” ૧૪ કેમ કે ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “હું બધા દેશોની ગરદન પર લોઢાની ઝૂંસરી મૂકીશ, જેથી તેઓ બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારની સેવા કરે. તેઓએ તેની સેવા કરવી જ પડશે.+ પૃથ્વી પરનાં બધાં જાનવરો પણ હું તેની સેવામાં આપીશ.”’”+
૧૫ પછી યર્મિયા પ્રબોધકે હનાન્યા+ પ્રબોધકને કહ્યું: “હે હનાન્યા, સાંભળ! યહોવાએ તને નથી મોકલ્યો, પણ તેં આ લોકોને જૂઠી વાત કહી છે અને તેઓએ એના પર ભરોસો કર્યો છે.+ ૧૬ એટલે યહોવા કહે છે, ‘હું તારો નાશ કરી નાખીશ, આ વર્ષે તું મરી જશે, કેમ કે તેં યહોવા વિરુદ્ધ બળવો કરવા લોકોને ઉશ્કેર્યા છે.’”+
૧૭ એ જ વર્ષે, સાતમા મહિનામાં હનાન્યા પ્રબોધકનું મરણ થયું.