લોકો કેમ બૂરાઈ કરે છે?
મોટા ભાગે લોકો કબૂલ કરશે કે આપણે બધા અધૂરાં છીએ. એટલે ભૂલો કરી બેસીએ છીએ. અનેક ખરાબ કાર્યો કર્યા પછી પસ્તાઈએ છીએ. તેમ છતાં, આજે દુનિયામાં જ્યાં જુઓ ત્યાં લોકો જાણીજોઈને ગુના કરતા હોય છે. કોઈ નાનો તો કોઈ મોટો ગુનો કરે છે.
ખરું કે દરેક માણસમાં કંઈને કંઈ ખામી તો છે જ. પણ દરેક વ્યક્તિને પરમેશ્વરે અંતઃકરણ આપ્યું છે. એટલે પોતામાં રહેલો વિવેક વ્યક્તિને ગંભીર ગુના કરતા રોકે છે. મોટા ભાગના લોકો સમજે છે કે કોઈ અજાણતા ખોટું કરે અને કોઈ જાણીજોઈને કરે એમાં ફરક છે. ભૂલથી કોઈને ઈજા પહોંચાડીએ ને કોઈનું જાણીજોઈને ખૂન કરીએ એમાં જમીન-આસમાનનો ફરક છે. છતાં ઘણી વખત જોવા મળ્યું છે, કે આપણી આસપાસ રહેતાં સામાન્ય લાગતા લોકો ચોંકાવનારા બૂરા કામો કરી નાંખતા હોય છે. શા માટે લોકો એવું કરે છે?
બાઇબલ આ વિષય પર પ્રકાશ પાડે છે. લોકો બૂરાઈ કરે છે, એનું ખરું કારણ બાઇબલમાં આપેલું છે. ચાલો એના વિષે જોઈએ:
▪ “જુલમ બુદ્ધિમાન માણસને મૂર્ખ બનાવે છે.”—સભાશિક્ષક ૭:૭.
બાઇબલ જણાવે છે કે લોકો ખૂબ દબાણમાં આવી જઈને ન કરવાનું કરી નાંખે છે. તો ઘણા અન્યાય અને જોરજુલમથી છૂટકારો મેળવવા ખોટો રસ્તો અપનાવે છે. ગુના અને આતંકવાદ વિષેનું એક પુસ્તક કહે છે, “મોટાભાગના કિસ્સાઓમાં કોઈ વ્યક્તિ આતંકવાદી બને એની પાછળનું કારણ રાજકીય, સામાજિક અને આર્થિક બાબતોમાં મળતી હતાશા હોય છે.”—અર્બન ટેરરિઝમ.
▪ ‘પૈસાનો લોભ સઘળા પ્રકારનાં પાપનું મૂળ છે.’—૧ તીમોથી ૬:૧૦.
સારા લોકો પણ પૈસાની વાત આવે ત્યારે પોતાનો વિવેક ભૂલી જઈને નિયમો તોડતા અચકાતા નથી. સામાન્ય સંજોગોમાં ઘણા લોકો એકબીજા સાથે સારી રીતે વર્તતા હોય છે. પણ પૈસા મેળવવા કે ગુમાવવાની વાત આવે ત્યારે તેઓ સાવ બદલાઈ જાય છે. તેઓ ઝઘડો કરતા અચકાતા નથી અને ગુસ્સાથી લાલ-પીળા થઈ જાય છે. પૈસાની લાલચમાં આવીને લોકો છેતરપિંડી કરે છે, ધમકાવીને પૈસા પડાવે છે. બ્લૅક મેઇલ કરે, અપહરણ કરે અરે કોઈનું ખૂન પણ કરી નાંખે!
▪ “દુષ્કર્મ માટે વ્યક્તિને જલદી શિક્ષા થતી નથી. તેથી મનુષ્યોનું હૃદય દુષ્કર્મો કરવામાં ચોંટેલું રહે છે.”—સભાશિક્ષક ૮:૧૧, કોમન લેંગ્વેજ.
સામાન્ય રીતે લોકો કાયદો પાડતા હોય છે. પણ જો કોઈ જોતું ન હોય કે કાયદામાં ઢીલ દેખાય, તો એનો ફાયદો ઉઠાવતા ખચકાતા નથી. દલીલો અને હકીકતો (અંગ્રેજી) નામનું એક મૅગેઝિન કહે છે, “રીઢા ગુનેગારો અપરાધ કરીને સહેલાઈથી છૂટી જાય છે. એ જોઈને સામાન્ય લોકો પણ ખોટા કામો કરવા માટે પ્રેરાય છે.” જેમ કે, કોઈ સંસ્થાના પૈસાની ઉચાપત કરવી, એક્ઝામમાં ચોરી કરવી, હાઈવે પર પૂરપાટ ગાડી ચલાવવી વગેરે વગેરે.
▪ “દુષ્ટ વાસનાઓ માણસને લલચાવે છે અને તેની પોતાની દુષ્ટ ઇચ્છાઓ તેને પરીક્ષણ તરફ ખેંચી જાય છે. દુષ્ટ ઇચ્છાઓ પાપ કરાવે છે.”—યાકૂબ ૧:૧૪, ૧૫, ઈઝી-ટુ-રીડ વર્ઝન.
બાઇબલ સમયમાં ઈશ્વરના સેવકોને કહેવામાં આવ્યું હતું કે “બધા લોકો પર જે પરીક્ષણ આવે છે તે જ પરીક્ષણો તમારા પર પણ આવે છે.” (૧ કોરિંથી ૧૦:૧૩, ઈઝી-ટુ-રીડ વર્ઝન) દરરોજ આપણા પર અનેક પરીક્ષણો આવતા હોય છે. ખોટા વિચારો અને વાસના ઉશ્કેરાય એવી બાબતોનો મારો થતો રહે છે. તેમ છતાં, વ્યક્તિના વિચારોનું પરિણામ કેવું આવશે એ તેની પસંદગી પર રહેલું છે. ખોટા વિચારોને મનમાંથી તદ્દન કાઢી નાંખવા કે એમાં રાચવું એ વ્યક્તિના પોતાના હાથમાં છે. યાકૂબની કલમ ચેતવે છે કે જો કોઈ વ્યક્તિ ખોટા વિચારોને મનમાં ઘર કરવા દેશે તો ‘દુષ્ટ ઇચ્છાઓ તેને પાપ’ કરાવશે. છેવટે તેણે જ ખરાબ પરિણામ ભોગવવું પડશે.
▪ “જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.”—નીતિવચનો ૧૩:૨૦.
આપણી સાથે હળતા-મળતા લોકોની આપણા પર સારી કે ખરાબ અસર થતી હોય છે. ઘણા લોકો મિત્રોને ખુશ રાખવા અમુક ખોટી બાબતો કરતા હોય છે. ખરાબ સંગતને લીધે તેઓને ખરાબ પરિણામો ભોગવવા પડે છે. બાઇબલમાં “મૂર્ખ” શબ્દનો અર્થ બુદ્ધિ વિનાનો એવો નહિ, બલ્કે ઈશ્વરની સલાહનો ઇનકાર કરનારને કહેવામાં આવે છે. મોટા હોઈએ કે નાના, જો બાઇબલનાં માર્ગદર્શન પ્રમાણે સારા મિત્રો પસંદ નહિ કરીએ, તો “નુકસાન” આપણે જ વેઠવું પડશે.
આ અને આના જેવી બીજી ઘણી બાઇબલની કલમો ઓછામાં ઘણું કહી જાય છે. જેમ કે, શા માટે સામાન્ય લાગતા લોકો પણ ચોંકાવનારા બૂરા કામ કરે છે. લોકો શા માટે ભયાનક કૃત્યો કરે છે. એ પણ જણાવ્યું છે કે ટૂંક સમયમાં એવા કામોનો અંત આવશે. આ વચનો કયા છે? શું સાચે જ દુનિયામાં થતાં બધા જ ખરાબ કામોનો અંત આવી જશે? હવે પછીનો લેખ આ સવાલોના જવાબ આપશે. (w10-E 09/01)