અધિકારીઓને માન આપો
“તમે સર્વેને માન આપો. બંધુમંડળ પર પ્રીતિ રાખો. દેવનું ભય રાખો. રાજાનું સન્માન કરો.”—૧ પીતર ૨:૧૭.
“છોકરાઓ મન ફાવે તેમ કરે છે, તેઓને માબાપ પ્રત્યે કંઈ જ માન નથી,” એક મા પોતાનો ઊભરો ઠાલવે છે. ઉપરાંત ઠેરઠેર સત્તાને પડકારતા સ્ટીકરો પણ જોવા મળે છે. આજના આવા વલણના આ તો ફક્ત બે જ ઉદાહરણ છે. આખા જગતમાં માબાપ, શિક્ષકો, કર્મચારીઓ કે સરકારી અધિકારીઓને માન આપવામાં આવતું નથી.
૨ ઘણા કહેશે કે ‘એ અધિકારીઓ માનને લાયક છે જ નહિ.’ અને ઘણી વાર, એ ખરું હોય શકે. આપણે છાપામાં લગભગ દરરોજ વાંચીએ છીએ કે સરકારો, કર્મચારીઓ અને શિક્ષકોની રગેરગમાં ભ્રષ્ટાચાર અને લોભ ફેલાઈ ગયો છે. ઘણાં માબાપ પણ બાળકો સાથે બહુ ખરાબ રીતે વર્તતા હોય છે. જોકે, આનંદની વાત છે કે યહોવાહ પરમેશ્વરના ભક્તોમાં જેઓને અધિકાર સોંપાયો છે, તેઓ પ્રત્યે બહુ થોડા આવું વલણ રાખે છે.—માત્થી ૨૪:૪૫-૪૭.
૩ સાચા ખ્રિસ્તીઓ તરીકે, આપણે સરકારી અધિકારીઓને માન આપીએ એ યોગ્ય છે. કારણ કે પ્રેષિત પાઊલે કહ્યું કે, “મુખ્ય અધિકારીઓને આધીન રહેવું; કેમકે પરમેશ્વરના તરફથી ન હોય એવો કોઈ અધિકાર નથી; જે અધિકારીઓ છે તેઓ પરમેશ્વરથી નીમાએલા છે.” (રૂમી ૧૩:૧, ૨, ૫; ૧ પીતર ૨:૧૩-૧૫) કુટુંબમાં પણ જેઓને અધિકાર છે તેઓને આધીન થવું જોઈએ. એ માટે પાઊલ એક મહત્ત્વનું કારણ જણાવે છે: “સ્ત્રીઓ, જેમ પ્રભુમાં તમને ઘટે છે તેમ તમે પોતાના પતિઓને આધીન રહો. છોકરાં, તમે દરેક બાબતમાં તમારાં માબાપની આજ્ઞાનું પાલન કરો, કેમકે તે પ્રભુને ગમે છે.” (કોલોસી ૩:૧૮, ૨૦) આપણે મંડળના વડીલોને પણ માન આપવું જ જોઈએ, કારણ કે ‘ટોળા ઉપર પવિત્ર આત્માએ તેઓને નીમ્યા છે.’ (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮) આ રીતે, તેઓને માન આપીને આપણે યહોવાહ પરમેશ્વરને માન આપીએ છીએ. તેમ છતાં, આપણે હંમેશા યહોવાહ પરમેશ્વરની સત્તાને જીવનમાં પ્રથમ સ્થાન આપવું જોઈએ.—પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯.
૪ પરમેશ્વર યહોવાહની સત્તાને ધ્યાનમાં રાખીને, ચાલો આપણે બાઇબલમાંથી કેટલાંક ઉદાહરણો જોઈએ. એમાંથી આપણે શીખીશું કે અધિકારને માન નહિ આપનારાઓની કેવી હાલત થઈ છે, અને માન આપનારાઓને કેવા આશીર્વાદ મળ્યા છે.
ચેતવણી આપતાં ઉદાહરણો
૫ દાઊદના વૃત્તાંતમાંથી આપણે શીખીએ છીએ કે દેવે પોતે નીમેલા અધિકારને માન નહિ આપનારા લોકો વિષે તે કેવું અનુભવે છે. યહોવાહ પરમેશ્વરનો કરારકોશ દાઊદ યરૂશાલેમ લાવે છે ત્યારે, તે બહુ જ ખુશ હોય છે. પરંતુ, તેમની પત્ની મીખાલે “દાઊદ રાજાને યહોવાહની આગળ કૂદતો તથા નાચતો દીઠો; એટલે તેણે તેને પોતાના અંતઃકરણમાં તુચ્છ ગણ્યો.” તેથી, તેણે દાઊદને ટોણો મારતા કહ્યું કે, “આજ ઈસ્રાએલનો રાજા કેટલો મહિમાવંત દેખાતો હતો! કેમકે જેમ કોઇ હલકો માણસ નિર્લજ્જતાથી નવસ્ત્રો થાય, તેમ તે પોતાના ચાકરોની દાસીઓના દેખતાં આજ નવસ્ત્રો થયો.” શું એ યોગ્ય હતું? ના! દાઊદ તેના પતિ હતા. એટલું જ નહિ, તે યહોવાહ પરમેશ્વરથી નીમાયેલા ઈસ્રાએલના રાજા પણ હતા. આથી, એનું પરિણામ શું આવ્યું? મીખાલ જીવનભર વાંઝણી રહી.—૨ શમૂએલ ૬:૧૪-૨૩.
૬ કોરાહનો દાખલો પણ આપણને ગંભીર ચેતવણી આપે છે. કોરાહ લેવી હતો. તેને પરમેશ્વરના મંડપમાં સેવા કરવાનો એક મોટો આશીર્વાદ હતો! પરંતુ, તેણે એની કદર કરવાને બદલે, પરમેશ્વર યહોવાહે નીમેલા મુસા તથા હારુનની ભૂલો શોધી. તેણે ઇસ્રાએલના બીજા આગેવાનોને ભેગા કર્યા, અને ઘમંડથી મુસા તથા હારૂનને કહ્યું કે, “આખી જમાતમાંના સર્વ પવિત્ર છે, ને યહોવાહ તેઓની મધ્યે છે, તે જોતાં તમે વિશેષ સત્તા ધારણ કરો છો: તો તમે યહોવાહની મંડળી પર પોતાને મોટા કેમ મનાવો છો?” કોરાહ અને તેના સાથીઓ વિષે યહોવાહ પરમેશ્વરને કેવું લાગ્યું? એ યહોવાહની નજરમાં તેમનું પોતાનું અપમાન હતું. પરિણામે, તેઓ ઊભા હતા ત્યાં જ જમીન ફાટી, અને કોરાહના સાથીઓને ગળી ગઈ. પછી, યહોવાહ દેવે અગ્નિ મોકલ્યો, જેણે કોરાહ અને ૨૫૦ આગેવાનોને ભસ્મ કર્યા.—ગણના ૧૬:૧-૩, ૨૮-૩૫.
૭ પહેલી સદીના મંડળમાં પણ એવા લોકો હતા, જેઓ યહોવાહ દેવે નીમેલા ભાઈઓનો વિરોધ કરતા હતા. કોરીંથ મંડળમાં કહેવાતા ‘ઉત્તમ પ્રેરિતોને’ પાઊલ ગમતા ન હતા. તેઓએ તેમના બોલવા વિષે વાંધો ઉઠાવતા કહ્યું કે, “તે પોતે શરીરે નબળો, ને તેનું બોલવું દમ વગરનું છે.” (૨ કોરીંથી ૧૦:૧૦; ૧૧:૫) ભલે પાઊલ સારી રીતે બોલતા ન હોય, પણ પ્રેષિત તરીકે તેમને માન મળવું જ જોઈએ. શું પાઊલનું બોલવું ખરેખર દમ વગરનું હતું? ચાલો બાઇબલમાં એનો પુરાવો જોઈએ. હેરોદ અગ્રીપા બીજો કે “જે રિવાજો તથા મતો યહુદીઓમાં ચાલે છે, તે સર્વ વિષે માહિતગાર” હતો તેની સાથે પાઊલ ટૂંકી ચર્ચા કરે છે. એનાથી હેરોદ એટલો પ્રભાવિત થયો કે તેણે કહ્યું: “થોડા પ્રયાસથી તું મને ખ્રિસ્તી કરવા માગે છે”! (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૧૫-૪૩; ૧૭:૨૨-૩૪; ૨૬:૧-૨૮) છતાં, કહેવાતા “ઉત્તમ પ્રેરિતો” માનતા હતા કે, પાઊલનું બોલવું દમ વગરનું હતું! પરમેશ્વર યહોવાહને તેઓનું વલણ કેવું લાગ્યું? ઈસુએ એફેસસ મંડળના વડીલોના વખાણ કરતા કહ્યું કે, ‘જેઓ પોતાને પ્રેરિત કહેવડાવે છે પણ એવા નથી, તેઓને તમે પારખી લીધા, ને તેઓ જૂઠા છે એમ તમને માલૂમ પડ્યું છે.’—પ્રકટીકરણ ૨:૨.
નમૂનારૂપ ઉદાહરણો
૮ જોકે, ઘણી વખત અધિકારીઓ પોતાની સત્તાનો ગેરલાભ ઊઠાવતા હોય છે. છતાં, બાઇબલમાં ઘણાં ઉદાહરણો છે જેમાં એવા અધિકારીઓને પણ આદર આપવામાં આવ્યો હોય. એવો એક દાખલો દાઊદનો છે. તે શાઊલ રાજાના સેવક હતા. પરંતુ, દાઊદની સફળતા પર શાઊલને અદેખાઈ આવી, અને તેણે દાઊદને મારી નાખવાના અનેક પ્રયત્નો કર્યા. જોકે, તે હંમેશા નિષ્ફળ ગયો. (૧ શમૂએલ ૧૮:૮-૧૨; ૧૯:૯-૧૧; ૨૩:૨૬) પછી શાઊલને મારી નાખવાની તક દાઊદને મળી, ત્યારે તેમણે કહ્યું: “યહોવાહના અભિષિક્ત પ્રત્યે હું એવું કામ કરૂં, એવું યહોવાહ ન થવા દો, કેમકે તે યહોવાહનો અભિષિક્ત છે.” (૧ શમૂએલ ૨૪:૩-૬; ૨૬:૭-૧૩) દાઊદ જાણતા હતા કે શાઊલ ખોટું કરે છે, પણ તેનો ન્યાય કરવાનું તેમણે યહોવાહ પરમેશ્વર પર છોડ્યું. દાઊદે કદી શાઊલનું ભૂંડું ચાહ્યું નહિ.—૧ શમૂએલ ૨૪:૧૨, ૧૫; ૨૬:૨૨-૨૪.
૯ શું પોતાને થતા અન્યાયને કારણે દાઊદ દુઃખી થયા? હા, દાઊદે યહોવાહ પરમેશ્વરને પોકાર કર્યો કે, “જુલમગારો મારો જીવ લેવા મથે છે.” (ગીતશાસ્ત્ર ૫૪:૩) તેમણે યહોવાહને પૂરા દિલથી પ્રાર્થના કરી: “હે મારા પરમેશ્વર, મારા શત્રુઓથી મને છોડાવ . . . પરાક્રમીઓ મારી સામે એકઠા થાય છે; હે યહોવાહ, મારા ઉલ્લંઘન કે મારા પાપને લીધે આ થાય છે, એમ નથી. મારો કંઇ પણ દોષ હોવા ન છતાં તેઓ દોડી આવીને તૈયારી કરે છે; મને સહાય કરવાને જાગ અને જો.” (ગીતશાસ્ત્ર ૫૯:૧-૪) શું તમે પણ ક્યારેક આવું અનુભવ્યું છે કે કોઈનું કંઈ બગાડ્યું ન હોય, છતાં સત્તા ધરાવતી હોય એવી કોઈ વ્યક્તિએ તમને સતાવ્યા હોય? એમ હોય તો, દાઊદનો વિચાર કરો. દાઊદે હંમેશા શાઊલને માન આપ્યું. અરે! શાઊલ મરણ પામ્યો ત્યારે પણ ખુશ થવાને બદલે, દાઊદે વિલાપ કર્યો: “શાઊલ તથા યોનાથાન જીવતાં પ્રિય તથા ખુશકારક હતા. તેઓ ગરુડ કરતાં વેગવાન હતા, તેઓ સિંહો કરતાં બળવાન હતા. અરે ઈસ્રાએલની દીકરીઓ, શાઊલને માટે વિલાપ કરો.” (૨ શમૂએલ ૧:૨૩, ૨૪) ભલે શાઊલે દાઊદને હેરાન કર્યા, પણ દાઊદે યહોવાહના અભિષિક્તને ઊંડું માન આપ્યું. ચાલો આપણે એ સુંદર ઉદાહરણ અનુસરીએ!
૧૦ પહેલી સદીમાં પણ એવા ભક્તો થઈ ગયા, જેઓએ યહોવાહ દેવે નીમેલા અધિકારને માન આપ્યું. પાઊલનો દાખલો લો. એ વખતના મંડળમાં નીમેલા ભાઈઓએ જે નિર્ણયો લીધા, એનો સ્વીકાર કરીને પાઊલે તેઓને માન આપ્યું. પાઊલ યરૂશાલેમમાં છેલ્લી વાર આવ્યા ત્યારે, એ ભાઈઓએ તેમને કહ્યું કે તે વિધિ પ્રમાણે શુદ્ધ થાય. જેથી તેઓને માલૂમ પડે કે તે મુસાના નિયમ વિરુદ્ધ ન હતા. પાઊલ એવી દલીલ કરી શક્યા હોત કે, ‘મારું જીવન જોખમમાં હતું ત્યારે તેઓએ મને યરૂશાલેમ છોડી જવાની સલાહ આપી હતી. હવે એ જ ભાઈઓ ચાહે છે કે હું મુસાના નિયમને માન આપું છું એ જાહેરમાં બતાવું. મેં તો ગલાતીના મંડળને પત્રમાં એવી સલાહ આપી છે કે વિધિઓ પાળવામાં ચુસ્ત ન બનો. હવે હું મંદિરમાં જઈશ તો, બીજાઓ એમ માનીને ઠોકર ખાશે કે હું સુન્નતીઓ સાથે મળી ગયો છું.’ પરંતુ, પાઊલે એવો વિચાર કર્યો નહિ. નીમેલા ભાઈઓની સલાહથી કોઈ ખ્રિસ્તી સિદ્ધાંતનો ભંગ થતો ન હતો. તેથી, એ પ્રમાણે કરીને તેમણે તેઓને માન આપ્યું. એનું પરિણામ શું આવ્યું? પાઊલને ઉશ્કેરાયેલા યહુદીઓના હાથમાંથી છોડાવવા પડ્યા, અને તેમણે બે વર્ષ જેલમાં કાઢવા પડ્યા. પરંતુ, એ સંજોગોમાં પણ પાઊલે યહોવાહ પરમેશ્વરની ઇચ્છા પૂરી કરી. એ સમયે, તેમણે કાઈસારીઆના અધિકારીઓને અને પછીથી રોમમાં ખુદ કૈસરને પણ યહોવાહ પરમેશ્વર વિષે જણાવ્યું.—પ્રેરિતોનાં કૃત્યો ૯:૨૬-૩૦; ૨૧:૨૦-૨૬; ૨૩:૧૧; ૨૪:૨૭; ગલાતી ૨:૧૨; ૪:૯, ૧૦.
તમારા વિષે શું?
૧૧ જેઓને અધિકાર આપવામાં આવ્યો છે, તેઓને શું તમે યોગ્ય માન આપો છો? ખ્રિસ્તીઓને આજ્ઞા મળી છે કે, “દરેકને તેના જે હક હોય તે આપો . . . જેને માનનો તેને માન.” ફક્ત કર ચૂકવીને આપણે “મુખ્ય અધિકારીઓને” આધીન રહીએ, એટલું જ પૂરતું નથી. પરંતુ, આપણી વાણી અને વર્તનથી પણ તેઓને માન આપવું જોઈએ. (રૂમી ૧૩:૧-૭) પણ જો કોઈ સરકારી અધિકારીઓ તમારી સાથે અન્યાય કરે તો શું? મૅક્સિકોના એક રાજ્યમાં યહોવાહના લોકોનાં ૫૭ કુટુંબ રહેતાં હતાં. એક સમાજના અધિકારીઓએ તેઓનાં ખેતર બળજબરીથી લઈ લીધાં, કારણ કે તેઓએ અમુક ધાર્મિક તહેવારોમાં ભાગ લીધો ન હતો. એ સમસ્યાનો ઉકેલ લાવવા બધા ભેગા મળ્યા. એમાં યહોવાહના સાક્ષીઓનો પહેરવેશ અને રીતભાત હંમેશા આદરપૂર્ણ હતા. છેવટે, લગભગ એક વર્ષ પછી યહોવાહના લોકોની જીત થઈ. તેઓની વાણી અને વર્તનથી અમુક લોકો પર એટલી તો અસર થઈ કે, તેઓ પણ યહોવાહના સેવકો બનવા માગતા હતા!
૧૨ કુટુંબમાં દેવે સોંપેલા અધિકારને કઈ રીતે માન આપી શકાય? ઈસુએ સહન કરેલાં દુઃખો વિષે જણાવ્યા પછી, પ્રેષિત પીતરે કહ્યું: “એજ પ્રમાણે, સ્ત્રીઓ, તમે તમારા પતિઓને આધીન રહો; કે જેથી જો કોઈ પતિ સુવાર્તાનાં વચન માનનાર ન હોય, તો તેઓ પોતાની સ્ત્રીઓનાં આચરણથી, એટલે તમારાં મર્યાદાયુક્ત નિર્મળ આચરણ જોઈને સુવાર્તાનાં વચન વગર મેળવી લેવાય.” (૧ પીતર ૩:૧, ૨; એફેસી ૫:૨૨-૨૪) પીતર અહીં ભાર મૂકે છે કે પત્નીએ પતિને “ઊંડું માન” આપવું કેટલું મહત્ત્વનું છે, ભલે કેટલાક પતિ એવા માનને લાયક ન પણ હોય. પત્નીનું સુંદર ઉદાહરણ, અવિશ્વાસુ પતિ પર સારી અસર પાડી શકે, અને તે પણ યહોવાહના સેવક બની શકે.
૧૩ શું એનો અર્થ એમ થાય કે જેના પતિ વિશ્વાસુ હોય, તેઓને ઓછું માન આપવું જોઈએ? ના. એ વિષે પીતરે સારાહનું ઉદાહરણ આપ્યું. સારાહે તેમના પતિ ઈબ્રાહીમને ઊંડું માન આપ્યું જે યહોવાહ પરમેશ્વરના વિશ્વાસુ ભક્ત હતા. (રૂમી ૪:૧૬, ૧૭; ગલાતી ૩:૬-૯; ૧ પીતર ૩:૬) પરંતુ, કોઈ વાતમાં તમે તમારા પતિ સાથે સહમત નથી, તો શું કરશો? ઈસુએ આપેલી સલાહ અહીં લાગુ પાડી શકાય: “જે કોઈ બળાત્કારથી તને એક ગાઉ લઈ જાય, તેની સાથે બે ગાઉ જા.” (માત્થી ૫:૪૧) શું તમે પતિની ઇચ્છા સ્વીકારીને તેમને માન આપો છો? એમ કરવું મુશ્કેલ હોય તો પતિ સાથે એ વિષે વાત કરો. એવું માની લેશો નહિ કે તેમને બધી જ ખબર છે. તમે તેમની સાથે એ વિષે વાતચીત કરો ત્યારે આદર બતાવો. બાઇબલ ઉત્તેજન આપે છે: “તમારૂં બોલવું હંમેશાં કૃપાયુક્ત સલૂણું હોય, કે જેથી દરેકને યોગ્ય ઉત્તર આપવો એ તમે જાણો.”—કોલોસી ૪:૬.
૧૪ બાળકો વિષે શું? બાઇબલ આજ્ઞા આપે છે: “છોકરાં, પ્રભુમાં તમારાં માબાપની આજ્ઞાઓ માનો; કેમકે એ યથાયોગ્ય છે. તારા બાપનું તથા તારી માનું સન્માન કર (તે પહેલી વચનયુક્ત આજ્ઞા છે).” (એફેસી ૬:૧-૩) માબાપને આધીન રહેવાનો અર્થ ‘માબાપને માન આપવું’ થાય છે. ‘માન’ ભાષાંતર થયેલા ગ્રીક શબ્દનો અર્થ “કિંમત કરવી” કે “મૂલ્ય નક્કી કરવું” થાય છે. આમ, ફક્ત બતાવવા ખાતર માબાપની આજ્ઞા પાળવી એટલું જ પૂરતું નથી. યહોવાહ પરમેશ્વર જણાવે છે કે માબાપને ઊંડું માન આપો, અને તેઓની સલાહ માનો.—નીતિવચન ૧૫:૫.
૧૫ તમારાં માબાપનું વલણ એવું હોય જેનાથી તેઓને માન આપવાનું અઘરું લાગે તો શું? એ બાબતને તેઓની નજરે જોવાનો પ્રયત્ન કરો. શું એ સાચું નથી કે તેઓએ તમને “જન્મ” આપ્યો, અને તમારું પાલન-પોષણ કર્યું? (નીતિવચન ૨૩:૨૨) વળી, તેઓ જે કંઈ કરે છે એ તમારા માટે જ કરે છે. એમ કરીને તેઓ તમારા પ્રત્યે પ્રેમ દર્શાવે છે. (હેબ્રી ૧૨:૭-૧૧) તેથી, તમારાં માબાપ સાથે માનપૂર્વક વાતચીત કરો, અને નમ્રતાથી તેઓને તમારી લાગણીઓ સમજાવો. યોગ્ય જવાબ ન આપે તોપણ, તેઓ સાથે માનથી વાત કરો. (નીતિવચન ૨૪:૨૯) યાદ કરો કે રાજા શાઊલ યહોવાહ પરમેશ્વરની સલાહથી વિરુદ્ધ ગયા છતાં, દાઊદ તેમની સાથે કેવી રીતે વર્ત્યા હતા. મદદ મેળવવા તમારી લાગણીઓ પરમેશ્વર યહોવાહને જણાવો. દાઊદે કહ્યું કે “તેની [યહોવાહની] આગળ તમારૂં હૃદય ખુલ્લું કરો; પરમેશ્વર આપણો આશ્રય છે.”—ગીતશાસ્ત્ર ૬૨:૮; યિર્મેયાહનો વિલાપ ૩:૨૫-૨૭.
જવાબદાર ભાઈઓને માન આપો
૧૬ પરમેશ્વર યહોવાહ મંડળના વડીલોની પસંદગી કરે છે. છતાં, ‘માણસ માત્ર ભૂલને પાત્ર’ કહેવત પ્રમાણે વડીલો પણ ભૂલો કરતા હોય છે. (ગીતશાસ્ત્ર ૧૩૦:૩; સભાશિક્ષક ૭:૨૦; પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮; યાકૂબ ૩:૨) એ શક્ય છે કે કેટલીક વ્યક્તિઓ મંડળના વડીલોથી બહુ ખુશ ન હોય. ક્યારેક આપણને કદાચ એમ લાગે કે મંડળમાં કંઈક અન્યાય થયો છે, તો આપણે શું કરીશું? એ વિષે પ્રથમ સદીના જૂઠા શિક્ષકો અને સ્વર્ગદૂતો વચ્ચેનો તફાવત જુઓ: “તેઓ [જૂઠા શિક્ષકો] ઉદ્ધત તથા સ્વચ્છંદી થઈને અધિકારીઓની નિંદા કરતાં ડરતા નથી; તો પણ દૂતો વિશેષ બળવાન તથા શક્તિમાન હોવા છતાં પ્રભુની આગળ તેઓની નિંદા કરીને તેઓ પર દોષ મૂકતા નથી.” (૨ પીતર ૨:૧૦-૧૩) પ્રથમ સદીમાં એ જૂઠા શિક્ષકો એવા “અધિકારીઓની” નિંદા કરતા હતા, જેઓને યહોવાહ દેવે નીમ્યા હતા. પરંતુ, સ્વર્ગદૂતોએ ભાઈઓમાં ભાગલા પાડતા એ જૂઠા શિક્ષકોની પણ નિંદા કરી નહિ. સ્વર્ગદૂતો માણસો કરતાં ઊંચું સ્થાન ધરાવે છે, અને ન્યાય લાવવામાં વધારે ઉત્સાહી હોય છે. તેથી, મંડળમાં જે ચાલી રહ્યું હતું, એ વિષે તેઓ સારી રીતે પરિચિત હતા. છતાં, તેઓએ યહોવાહ પરમેશ્વરના અધિકારને માન આપીને, ન્યાય કરવાનું તેમના પર છોડ્યું.—હેબ્રી ૨:૬, ૭; યહુદા ૯.
૧૭ અમુક વખત ખરેખર એમ બની શકે કે કોઈ બાબતનો યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યો ન હોય. પરંતુ, શું આપણે ખ્રિસ્તી મંડળની દેખરેખ રાખનાર, ઈસુ ખ્રિસ્તમાં ભરોસો ન રાખવો જોઈએ? શું તેમને ખબર નથી કે, તેમના મંડળમાં શું ચાલી રહ્યું છે? શું આપણે તેમના પર એવો ભરોસો રાખીને માન આપવું ન જોઈએ કે, તેમનામાં સમસ્યાનો ઉકેલ લાવવાની આવડત છે? તેથી, બાઇબલ કહે છે કે, ‘બીજાનો ન્યાય કરનાર આપણે કોણ?’ (યાકૂબ ૪:૧૨; ૧ કોરીંથી ૧૧:૩; કોલોસી ૧:૧૮) એને બદલે, આપણે આપણી ચિંતાઓ પ્રાર્થનામાં પરમેશ્વર યહોવાહને જણાવવી જોઈએ.
૧૮ આપણે બધા જ ભૂલો કરીએ છીએ, એટલે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. એમ પણ બની શકે કે કોઈ વડીલ એવી ભૂલ કરે જેનાથી કેટલાકને દુઃખ થાય. પરંતુ, એ સંજોગોમાં આપણે ઉતાવળા બનીએ તો કંઈ એનો ઉકેલ આવી જવાનો નથી. એનાથી બાબત વધારે બગડી શકે. પરંતુ, સમજુ લોકો બાબતો યહોવાહ પરમેશ્વર પર છોડી દેશે, કેમ કે તે પોતાના સમયે અને પોતાની રીતે સર્વ મુશ્કેલીઓનો ઉકેલ લાવશે.—૨ તીમોથી ૩:૧૬; હેબ્રી ૧૨:૭-૧૧.
૧૯ તમે કોઈક કારણે હતાશ થઈ ગયા હોવ તો શું કરશો? મંડળમાં બીજા ભાઈ-બહેનો સાથે એની ચર્ચા કરવાને બદલે, વડીલો સાથે એ વિષે શાંતિથી વાત કરો. ભૂલો શોધવાને બદલે, એ સમજાવો કે એની તમારા પર કેવી અસર થઈ છે. હંમેશા તેઓની પરિસ્થિતિ પણ સમજો. તેમને માનથી સમજાવો. (૧ પીતર ૩:૮) મહેણાં ન મારો, પણ એક ખ્રિસ્તી તરીકે તેઓના અનુભવમાં ભરોસો રાખો. તેઓ માયાળુ રીતે બાઇબલમાંથી જે ઉત્તેજન આપે, એની કદર કરો. વળી, હજુ પણ વધારે સુધારાની જરૂર લાગે તો, યહોવાહ પર ભરોસો રાખો. તે જરૂર વડીલોને સારી અને સાચી બાબતો કરવા માટે પ્રેરણા આપશે.—ગલાતી ૬:૧૦; ૨ થેસ્સાલોનીકી ૩:૧૩.
૨૦ જોકે, આ વિષયમાં એક વધુ બાબતનો પણ સમાવેશ થાય છે. જેઓને અધિકાર સોંપવામાં આવ્યો છે, તેઓએ શું બીજાઓનું માન ન રાખવું જોઈએ? ચાલો હવે પછીના લેખમાં આપણે એ વિષે શીખીએ.
તમારો જવાબ શું છે?
• શા માટે જેઓને અધિકાર છે, તેઓને આપણે માન આપવું જોઈએ?
• દેવે સોંપેલા અધિકારને માન આપતા નથી તેઓ વિષે યહોવાહ પરમેશ્વર અને ઈસુ ખ્રિસ્ત કેવું અનુભવે છે?
• અધિકારીઓને માન આપતા કયાં સુંદર ઉદાહરણો આપણી પાસે છે?
• આપણા પર અધિકાર ધરાવતા હોય, તેઓ ભૂલ કરે તો આપણે શું કરવું જોઈએ?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. અધિકાર પ્રત્યે લોકોનું સામાન્ય વલણ કેવું છે? શા માટે?
૩, ૪. આપણે અધિકારીઓને શા માટે માન આપવું જોઈએ?
૫. મીખાલે કઈ રીતે દાઊદનું અપમાન કર્યું, અને એનું શું પરિણામ આવ્યું?
૬. યહોવાહે નીમેલા આગેવાનોનું કોરાહે અપમાન કર્યું, એ વિષે દેવને કેવું લાગ્યું?
૭. શું કહેવાતા ‘ઉત્તમ પ્રેરિતો’ પાસે પાઊલ વિરુદ્ધ કોઈ યોગ્ય કારણ હતું?
૮. યહોવાહે શાઊલને આપેલા અધિકારને દાઊદે કઈ રીતે માન આપ્યું?
૯. (ક) શાઊલે દાઊદને હેરાન કર્યા ત્યારે તેમને કેવું લાગ્યું? (ખ) કઈ રીતે કહી શકાય કે દાઊદે ખરેખર શાઊલને માન આપ્યું?
૧૦. યહોવાહ દેવે નીમેલા ભાઈઓને પાઊલે કઈ રીતે માન આપ્યું, અને એનું પરિણામ શું આવ્યું?
૧૧. સરકારી અધિકારીઓને આપણે કઈ રીતે માન આપી શકીએ?
૧૨. શા માટે એ મહત્ત્વનું છે કે અવિશ્વાસુ પતિને પણ “ઊંડું માન” આપવામાં આવે?
૧૩. કઈ રીતે પત્નીઓ પોતાના પતિને માન આપી શકે?
૧૪. માબાપને માન આપવાનો શું અર્થ થાય?
૧૫. માબાપ ભૂલ કરે તોપણ, બાળકો કઈ રીતે તેઓનું માન જાળવી શકે?
૧૬. જૂઠા શિક્ષકો અને દૂતોનાં ઉદાહરણથી આપણે શું શીખી શકીએ?
૧૭. તમને લાગે કે વડીલોએ ભૂલ કરી છે તો એ સમયે તમારા વિશ્વાસની કઈ રીતે કસોટી થઈ શકે?
૧૮, ૧૯. તમને લાગે કે વડીલોએ ભૂલ કરી છે તો શું કરશો?
૨૦. હવે પછીના લેખમાં આપણે શું શીખીશું?
[પાન ૧૨ પર ચિત્ર]
સારાહે ઈબ્રાહીમના અધિકારને ઊંડુ માન આપ્યું, અને એનાથી તે ખુશ હતી
[પાન ૧૩ પર ચિત્ર]
કુટુંબના શિર તરીકે, દાઊદના અધિકારને મીખાલે માન આપ્યું નહિ
[પાન ૧૫ પર ચિત્ર]
‘યહોવાહના અભિષિક્ત પ્રત્યે હું એવું કામ કરૂં, એવું ન થવા દો!’
[પાન ૧૬ પર ચિત્ર]
પ્રાર્થનામાં તમારી મુસીબતો પરમેશ્વર યહોવાહને જણાવો