ઈસુનું બલિદાન—પિતા તરફથી “સંપૂર્ણ ભેટ”
“દરેક સારું દાન અને દરેક સંપૂર્ણ ભેટ . . . પિતા તરફથી આવે છે.”—યાકૂ. ૧:૧૭.
૧. ઈસુના બલિદાનથી શું શક્ય બન્યું છે?
ઈસુના બલિદાનથી ઘણા આશીર્વાદો શક્ય બન્યા છે. બીજાં ઘેટાં માટે યહોવાના કુટુંબનો ભાગ બનવાનો માર્ગ ખૂલ્યો છે. ભાવિમાં મળનાર હંમેશ માટેના ખુશહાલ જીવનની આશા પણ મળી છે. જોકે, ઈસુનું બલિદાન એવી કેટલીક બાબતો સાથે જોડાયેલું છે, જે સ્વર્ગ અને પૃથ્વી પરના લોકો માટે ખૂબ મહત્ત્વની છે.—હિબ્રૂ. ૧:૮, ૯.
૨. (ક) ઈસુએ પ્રાર્થનામાં કઈ મહત્ત્વની બાબતો સામેલ કરી? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૨ ઈસુ મરણ પામ્યા એના લગભગ બે વર્ષ પહેલાં, તેમણે શિષ્યોને આમ પ્રાર્થના કરવાનું શીખવ્યું: “હે સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ. તમારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.” (માથ. ૬:૯, ૧૦) ચાલો જોઈએ કે, ઈસુનું બલિદાન કઈ રીતે ઈશ્વરનું નામ પવિત્ર મનાવવા સાથે, ઈશ્વરના રાજ્ય સાથે અને તેમની ઇચ્છા પૂરી કરવા સાથે જોડાયેલું છે.
“તમારું નામ પવિત્ર મનાઓ”
૩. યહોવાના નામમાં શાનો સમાવેશ થાય છે? શેતાને કઈ રીતે યહોવાનું નામ બદનામ કર્યું?
૩ પ્રાર્થનામાં ઈસુએ સૌથી પહેલી વિનંતી કરી: “તમારું [યહોવાનું] નામ પવિત્ર મનાઓ.” યહોવાના નામમાં તેમની પવિત્રતા, મહિમા, ભવ્યતા અને સર્વોપરિતાનો સમાવેશ થાય છે. ઈસુએ યહોવાને “પવિત્ર પિતા” પણ કહ્યા. (યોહા. ૧૭:૧૧) યહોવા પવિત્ર છે, એટલે તેમનાં દરેક કાર્યો અને નિયમો પણ પવિત્ર છે. યહોવાને પૂરો હક છે કે તે મનુષ્યો માટે નિયમો ઘડે. છતાં, એદન બાગમાં શેતાને ચાલાકીથી એ હક પર સવાલ ઉઠાવ્યો. તે યહોવા વિશે જૂઠું બોલ્યો અને તેમનું નામ બદનામ કર્યું.—ઉત. ૩:૧-૫.
૪. ઈસુએ કઈ રીતે ઈશ્વરના નામને પવિત્ર મનાવ્યું?
૪ જરા ઈસુનો વિચાર કરો. પૃથ્વી પર હતા ત્યારે, તેમણે યહોવાના નામ પ્રત્યે ઘણો પ્રેમ બતાવ્યો અને એને પવિત્ર મનાવવા બનતું બધું કર્યું. (યોહા. ૧૭:૨૫, ૨૬) કઈ રીતે? પોતાનાં વાણી-વર્તન અને શિક્ષણ દ્વારા. ઈસુએ બીજાઓને એ જોવા મદદ કરી કે, યહોવાનાં ધોરણો ખરાં છે અને તેમની આજ્ઞાઓ આપણા ભલા માટે છે. (ગીતશાસ્ત્ર ૪૦:૮-૧૦ વાંચો.) અરે, શેતાને ઈસુને રિબાવી રિબાવીને મારી નંખાવ્યા, તોપણ ઈસુએ વફાદારી તોડી નહિ. તેમણે સાબિત કર્યું કે, એક સંપૂર્ણ વ્યક્તિ માટે યહોવાને પૂરેપૂરી રીતે વફાદાર રહેવું શક્ય છે.
૫. આપણે કઈ રીતે ઈશ્વરના નામને પવિત્ર મનાવી શકીએ?
૫ આપણે કઈ રીતે બતાવી શકીએ કે, આપણને યહોવાના નામ પ્રત્યે પ્રેમ છે? આપણાં વાણી-વર્તન દ્વારા. યહોવા ચાહે છે કે, આપણે પવિત્ર રહીએ. એટલે કે, ફક્ત યહોવાની જ ઉપાસના કરીએ અને દિલથી તેમની આજ્ઞાઓ પાળીએ. (૧ પીતર ૧:૧૫, ૧૬ વાંચો.) સતાવણીમાં પણ આપણે યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવા બનતો પ્રયાસ કરીએ છીએ. તેમનાં નીતિ-નિયમો પ્રમાણે જીવીને આપણે તેમના નામને મહિમા આપીએ છીએ. (માથ. ૫:૧૪-૧૬) આપણાં વાણી-વર્તનથી સાબિત કરીએ છીએ કે, યહોવાના નિયમો આપણા ભલા માટે છે અને શેતાન જૂઠો છે. અપૂર્ણ છીએ એટલે ભૂલો તો થવાની. પરંતુ, ભૂલ કરી બેસીએ ત્યારે આપણે પસ્તાવો કરીએ છીએ. તેમ જ, યહોવાના નામનું અપમાન થાય એવા દરેક કામથી દૂર રહેવાની બનતી કોશિશ કરીએ છીએ.—ગીત. ૭૯:૯.
૬. આપણે પાપી છીએ, તો યહોવા કઈ રીતે આપણને ન્યાયી ગણી શકે?
૬ આપણે અભિષિક્ત હોઈએ કે “બીજાં ઘેટાં”નો ભાગ હોઈએ, જો આપણને ઈસુના બલિદાનમાં શ્રદ્ધા હશે, તો યહોવા આપણાં પાપ માફ કરશે. ઈશ્વરને સમર્પણ કરનાર દરેક વ્યક્તિને તે પોતાનો ભક્ત ગણે છે. તેમણે અભિષિક્તોને ન્યાયી ગણીને પોતાના દીકરાઓ અને “બીજાં ઘેટાં”ના લોકોને ન્યાયી ગણીને પોતાના મિત્રો કહ્યા છે. (યોહા. ૧૦:૧૬; રોમ. ૫:૧, ૨; યાકૂ. ૨:૨૧-૨૫) તેથી, બલિદાનને આધારે આપણા માટે આજે પણ પિતા યહોવા સાથે ગાઢ સંબંધ કેળવવો અને તેમનું નામ પવિત્ર મનાવવું શક્ય બન્યું છે.
“તમારું રાજ્ય આવો”
૭. બલિદાનથી ઈશ્વરના રાજ્યમાં કેવા આશીર્વાદો શક્ય બનશે?
૭ પછી, પ્રાર્થનામાં ઈસુએ આજીજી કરી: “તમારું રાજ્ય આવો.” ઈસુનું બલિદાન કઈ રીતે ઈશ્વરના રાજ્ય સાથે જોડાયેલું છે? ઈશ્વરનું રાજ્ય ઈસુ અને ૧,૪૪,૦૦૦ અભિષિક્તોથી બનેલું છે. બલિદાનને આધારે એ અભિષિક્તો માટે સ્વર્ગમાં જવું શક્ય બન્યું છે. (પ્રકટી. ૫:૯, ૧૦; ૧૪:૧) તેઓ એક હજાર વર્ષ સુધી ઈસુ સાથે રાજાઓ અને યાજકો તરીકે રાજ કરશે. યહોવા એ રાજ્ય દ્વારા પૃથ્વીને બાગ જેવી સુંદર બનાવશે અને બધા મનુષ્યોને સંપૂર્ણ બનવા મદદ કરશે. આમ, યહોવાનું સ્વર્ગમાંનું અને પૃથ્વી પરનું કુટુંબ એકતામાં આવશે. (પ્રકટી. ૫:૧૩; ૨૦:૬) ઈસુ સર્પનું માથું છૂંદશે, એટલે કે આ દુનિયામાંથી શેતાનનું નામનિશાન મિટાવી દેશે.—ઉત. ૩:૧૫.
૮. (ક) ઈશ્વરના રાજ્યનું મહત્ત્વ સમજવા ઈસુએ શિષ્યોને કઈ રીતે મદદ કરી? (ખ) આજે આપણે કઈ રીતે ઈશ્વરના રાજ્યને ટેકો આપી શકીએ?
૮ પૃથ્વી પર હતા ત્યારે, ઈસુએ શિષ્યોને ઈશ્વરના રાજ્યનું મહત્ત્વ સમજવા મદદ કરી. બાપ્તિસ્મા પછી ઈસુએ તરત જ “ઈશ્વરના રાજ્યની ખુશખબર” દૂર દૂર સુધી ફેલાવવાનું શરૂ કરી દીધું. (લુક ૪:૪૩) તેમણે શિષ્યોને આજ્ઞા આપી હતી કે, તેઓ “પૃથ્વીના છેડા સુધી” તેમના સાક્ષી થાય. (પ્રે.કા. ૧:૬-૮) આજે, પ્રચારકામ દ્વારા દુનિયાભરમાં લાખો લોકોને ઈસુના બલિદાન વિશે શીખવાની અને ઈશ્વરના રાજ્યની પ્રજા બનવાની તક મળે છે. અભિષિક્તોને પ્રચારકામમાં ટેકો આપીને આપણે ઈશ્વરના રાજ્યને ટેકો આપીએ છીએ.— માથ. ૨૪:૧૪; ૨૫:૪૦.
“તમારી ઇચ્છા પૂરી થાઓ”
૯. આપણે શા માટે ખાતરી રાખી શકીએ કે, યહોવાનો હેતુ ચોક્કસ પૂરો થશે?
૯ પ્રાર્થનામાં ઈસુએ આગળ કહ્યું: “તમારી ઇચ્છા પૂરી થાઓ.” એ શબ્દોનો શો અર્થ થાય? યહોવા આપણા સરજનહાર છે. તે એક વાર કંઈક વચન આપે એટલે પૂરું થયા બરાબર છે. (યશા. ૫૫:૧૧) યહોવાના હેતુને સફળ થતા શેતાન કોઈ કાળે રોકી શકતો નથી. પૃથ્વી માટે યહોવાનો શો હેતુ હતો? શરૂઆતથી જ તે ચાહતા હતા કે, આદમ-હવાનાં સંપૂર્ણ બાળકોથી આખી પૃથ્વી ભરાઈ જાય. (ઉત. ૧:૨૮) આદમ-હવાને બાળકો થયાં એ પહેલાં જો તેઓ મરણ પામ્યા હોત, તો યહોવાનો એ હેતુ અધૂરો રહી જાત. એટલે, યહોવાએ આદમ-હવાને બાળકો પેદા કરવા દીધા. બલિદાનની જોગવાઈ દ્વારા યહોવાએ શ્રદ્ધા બતાવનાર દરેકને સંપૂર્ણ બનવાની અને હંમેશ માટેનું જીવન મેળવવાની તક આપી છે. યહોવા મનુષ્યોને ઘણો પ્રેમ કરે છે અને તેમની ઇચ્છા છે કે તેઓને એ અદ્ભુત જીવન મળે.
૧૦. મરણ પામેલા લોકોને ઈસુના બલિદાનથી કેવો ફાયદો થશે?
૧૦ પરંતુ, મરણ પામેલા એવા કરોડો લોકો વિશે શું, જેઓને યહોવા વિશે જાણવાની ક્યારેય તક નથી મળી? યહોવા ચાહે છે કે લોકોને જીવન મળે. એટલે, તે મરણ પામેલા લોકોને સજીવન કરશે. ઈસુના બલિદાનથી એ શક્ય બન્યું છે. તેઓને યહોવા વિશે શીખવાની અને કાયમ માટેના જીવનની તક મળશે. (પ્રે.કા. ૨૪:૧૫) યહોવા જીવનના સ્રોત છે. મરણ પામેલા લોકોને ફરીથી જીવન આપીને યહોવા તેઓના પિતા બનશે. (ગીત. ૩૬:૯) યોગ્ય રીતે જ, ઈસુએ પ્રાર્થનામાં યહોવાને “સ્વર્ગમાંના અમારા પિતા” કહ્યા હતા. (માથ. ૬:૯) લોકોને સજીવન કરવામાં ઈસુ યહોવાને સાથ આપશે. પોતાની એ ભૂમિકા વિશે ઈસુએ કહ્યું હતું: “હું મરણ પામેલા લોકોને સજીવન કરનાર છું અને હું તેઓને જીવન આપનાર છું.”—યોહા. ૬:૪૦, ૪૪; ૧૧:૨૫.
૧૧. ‘મોટા ટોળાʼના લોકો માટે યહોવા શું ચાહે છે?
૧૧ યહોવા દરેકને તેમના કુટુંબનો ભાગ બનવા આમંત્રણ આપે છે. ઈસુએ જણાવ્યું હતું: “જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરે છે તે મારો ભાઈ અને બહેન અને મા છે.” (માર્ક ૩:૩૫) યહોવાએ વચન આપ્યું હતું કે, દરેક દેશ, કુળ અને ભાષાના ઘણા લોકો તેમના ભક્તો બનશે. તેઓને “મોટું ટોળું” કહેવામાં આવે છે, જેની સંખ્યા “કોઈ માણસ ગણી ન શકે” એટલી છે. તેઓને ઈસુના બલિદાનમાં વિશ્વાસ છે અને તેઓ ઈશ્વરની આજ્ઞા પાળવા ચાહે છે. તેઓ ઈશ્વરનો મહિમા ગાતા કહે છે: “રાજ્યાસન પર બેઠેલા આપણા ઈશ્વર અને ઘેટા તરફથી ઉદ્ધાર મળે છે.”—પ્રકટી. ૭:૯, ૧૦.
૧૨. પ્રાર્થનામાં, ઈસુએ યહોવાના હેતુ વિશે શું કહ્યું હતું?
૧૨ ઈસુએ શીખવેલી પ્રાર્થના પરથી આપણે યહોવા અને વફાદાર મનુષ્યો માટેના તેમના હેતુ વિશે ઘણું શીખ્યા છીએ. પહેલું, યહોવાના નામને પવિત્ર મનાવવા અને આદર આપવા આપણે બનતું બધું જ કરવું જોઈએ. (યશા. ૮:૧૩) ઈસુનું બલિદાન આપણા માટે ઉદ્ધારનો માર્ગ ખોલે છે, સાથે સાથે યહોવાના નામને મહિમાવંત કરે છે. હકીકતમાં તો, ઈસુના નામનો અર્થ જ થાય છે, “યહોવા ઉદ્ધાર કરનાર છે.” બીજું, યહોવા પોતાના રાજ્ય દ્વારા ઈસુના બલિદાનથી મળનાર આશીર્વાદો મનુષ્યો પર વરસાવશે. અને ત્રીજું, આપણને ખાતરી છે કે યહોવાને પોતાનો હેતુ પૂરો કરવાથી કોઈ રોકી શકતું નથી.—ગીત. ૧૩૫:૬; યશા. ૪૬:૯, ૧૦.
ઈસુના બલિદાન માટે કદર છે એ બતાવી આપો
૧૩. બાપ્તિસ્માથી શું જાહેર થાય છે?
૧૩ ઈસુના બલિદાન માટે કદર બતાવવાની એક રીત છે કે, બલિદાન પર શ્રદ્ધા રાખીને પોતાનું જીવન યહોવાને સમર્પણ કરીએ અને બાપ્તિસ્મા લઈએ. બાપ્તિસ્માથી જાહેર થાય છે કે, “આપણે યહોવાના છીએ.” (રોમ. ૧૪:૮) શુદ્ધ અંતઃકરણ માટેની યહોવાને કરેલી આપણી આજીજીને એ રજૂ કરે છે. (૧ પીત. ૩:૨૧) ઈસુના વહેવડાવેલા લોહીને આધારે યહોવા આપણને શુદ્ધ કરે છે, અને આમ આપણી આજીજીનો જવાબ આપે છે. આપણને પૂરો ભરોસો છે કે, આપણે તેમની પાસે જે કંઈ માંગીશું, એ તે ચોક્કસ આપશે.—રોમ. ૮:૩૨.
૧૪. યહોવાએ આપણને કઈ આજ્ઞા આપી છે અને શા માટે?
૧૪ યહોવા દરેક કામ પ્રેમથી પ્રેરાઈને કરે છે. તે ચાહે છે કે, તેમનો દરેક ભક્ત એકબીજા પર ગાઢ પ્રેમ રાખે. (૧ યોહા. ૪:૮-૧૧) પડોશીઓ પર પ્રેમ બતાવીને સાબિત કરીએ છીએ કે, આપણે “સ્વર્ગમાં રહેતા પિતાના દીકરાઓ” બનવા માંગીએ છીએ. (માથ. ૫:૪૩-૪૮) પડોશીઓ પર પ્રેમ રાખવો એ બીજી સૌથી મોટી આજ્ઞા છે. (માથ. ૨૨:૩૭-૪૦) તેઓ પર પ્રેમ બતાવવાની એક સૌથી સારી રીત છે કે, ખુશખબર ફેલાવીએ. બીજાઓ પર પ્રેમ બતાવીને આપણે યહોવાનું અનુકરણ કરીએ છીએ. હકીકતમાં, જ્યારે આપણે બીજા પર, અને ખાસ કરીને ભાઈ-બહેનો પર પ્રેમ બતાવીએ, ત્યારે યહોવાનો પ્રેમ “આપણામાં સંપૂર્ણ” થાય છે.—૧ યોહા. ૪:૧૨, ૨૦.
ઈસુના બલિદાન દ્વારા યહોવા આશીર્વાદ વરસાવશે
૧૫. (ક) યહોવા આજે કયા આશીર્વાદો વરસાવે છે? (ખ) ભાવિમાં યહોવા કયા આશીર્વાદો આપશે?
૧૫ ઈસુના બલિદાન પર શ્રદ્ધા રાખવાથી માફી મેળવવાનો માર્ગ ખૂલી ગયો છે. બાઇબલ આપણને ખાતરી આપે છે કે, ઈસુના વહેવડાવેલા લોહીથી પાપ “ભૂંસી નાખવામાં આવે” છે. (પ્રેરિતોનાં કાર્યો ૩:૧૯-૨૧ વાંચો.) અગાઉ જોઈ ગયા તેમ, ઈસુના બલિદાનને આધારે યહોવા અભિષિક્તોને પોતાના દીકરાઓ તરીકે દત્તક લે છે. (રોમ. ૮:૧૫-૧૭) યહોવા “બીજાં ઘેટાં”ના લોકોને પણ પોતાના પૃથ્વી પરના કુટુંબનો ભાગ બનવા આમંત્રણ આપે છે. તેઓ સંપૂર્ણ બનશે પછી, એક આખરી કસોટી થશે. જો તેઓ યહોવાને વફાદાર રહેશે, તો યહોવા તેઓને પણ પોતાનાં બાળકો તરીકે દત્તક લેશે. (રોમ. ૮:૨૦, ૨૧; પ્રકટી. ૨૦:૭-૯) યહોવા પોતાનાં બધાં બાળકોને હંમેશાં પ્રેમ બતાવતા રહેશે. બલિદાનથી મળતા આશીર્વાદો કાયમ માટે વરસાવતા રહેશે. (હિબ્રૂ. ૯:૧૨) યહોવાએ આપણને આ અનમોલ ભેટ આપી છે અને કોઈ પણ વ્યક્તિ આપણી પાસેથી એ છીનવી શકતી નથી.
૧૬. ઈસુનું બલિદાન આપણને કઈ રીતે મુક્ત કરશે?
૧૬ જો આપણે પાપોનો પસ્તાવો કરીશું, તો શેતાન આપણને યહોવાના કુટુંબનો ભાગ બનતા ક્યારેય અટકાવી નહિ શકે. ઈસુ “એક જ વાર” મરણ પામ્યા અને કાયમ માટે આપણાં બધાનાં પાપોની કિંમત ચૂકવી દીધી. (હિબ્રૂ. ૯:૨૪-૨૬) આદમે આપણી પાસેથી હંમેશ માટેનું જીવન છીનવી લીધું, પણ ઈસુ દ્વારા આપણને હંમેશ માટેનું જીવન મળશે. ઈસુનું બલિદાન આપણને શેતાનની દુનિયા અને મોતના ડરથી મુક્ત કરશે.—હિબ્રૂ. ૨:૧૪, ૧૫.
૧૭. યહોવાનો પ્રેમ પામીને તમને કેવું લાગે છે?
૧૭ યહોવાનાં વચનો હંમેશાં પૂરાં થાય છે. યહોવાએ બનાવેલા કુદરતી નિયમો ક્યારેય બદલાતા નથી. એવી જ રીતે, યહોવા પણ ક્યારેય બદલાતા નથી અને તેમનાં વચનો કદી પણ નિષ્ફળ જતાં નથી. (માલા. ૩:૬) યહોવાએ આપણને જીવનની ભેટ ઉપરાંત ઘણું આપ્યું છે. તે તેમનો પ્રેમ આપણા પર વરસાવે છે. બાઇબલ જણાવે છે: “આપણે હવે જાણીએ છીએ કે ઈશ્વર આપણને પ્રેમ કરે છે અને એ વાતની આપણને ખાતરી છે. ઈશ્વર પ્રેમ છે.” (૧ યોહા. ૪:૧૬) તેમનાં વચનો હંમેશાં સાચાં પડે છે. બહુ જલદી, તે આ પૃથ્વીને બાગ જેવી સુંદર બનાવી દેશે. દરેક લોકો યહોવાના માર્ગે ચાલશે અને એકબીજાને પ્રેમ કરશે. પછી, સ્વર્ગ અને પૃથ્વી પર રહેતા તેમના બધા ભક્તો કહેશે: “આપણા ઈશ્વરને સ્તુતિ, મહિમા, ડહાપણ, આભાર, માન, શક્તિ, સામર્થ્ય હંમેશાં ને હંમેશાં હો. આમેન.”—પ્રકટી. ૭:૧૨.