પ્રકરણ ૨૧
“એ શહેર આ નામથી ઓળખાશે, ‘યહોવા ત્યાં છે’”
ઝલક: શહેર અને દાનની જમીનનો અર્થ શું થાય?
૧, ૨. (ક) દેશની જમીનનો અમુક ભાગ કેમ અલગ રાખવાનું કહેવામાં આવ્યું હતું? (કવર પરનું ચિત્ર જુઓ.) (ખ) ગુલામીમાં રહેતા યહૂદીઓને દર્શન વિશે જાણીને કઈ વાતની ખાતરી થઈ હશે?
હઝકિયેલને છેલ્લા દર્શનમાં બીજું શું બતાવવામાં આવ્યું હતું? તેમને એ પણ બતાવવામાં આવ્યું કે દેશની જમીનનો અમુક ભાગ અલગ રાખવો. શા માટે? એ જમીન યહોવા માટે દાનની જમીન તરીકે અલગ રાખવાની હતી. એ ઇઝરાયેલના કોઈ પણ કુળને વારસામાં મળવાની ન હતી. હઝકિયેલને એક અનોખા શહેર વિશે પણ જણાવવામાં આવ્યું. એ શહેરનું નામ અજોડ હતું. આ દર્શન વિશે સાંભળીને ગુલામીમાં રહેતા યહૂદીઓને કેવું લાગ્યું હશે? તેઓને સોએ સો ટકા ખાતરી થઈ ગઈ હશે કે જ્યારે તેઓ પોતાના વહાલા દેશ પાછા ફરશે, ત્યારે યહોવા ચોક્કસ તેઓની સાથે હશે.
૨ હઝકિયેલ દાનની જમીન વિશે ઘણી બધી માહિતી જણાવે છે. ચાલો આપણે એ ઝીણવટથી જોઈએ. યહોવાના ભક્તો તરીકે આપણને એમાંથી ઘણું બધું શીખવા મળે છે.
‘પવિત્ર દાન અને શહેર’
૩. યહોવાએ જે જમીન અલગ રાખવાની કીધી, એના પાંચ ભાગ કયા છે અને એ કેમ અલગ રાખવામાં આવ્યા? (‘તમારે દાન માટેની જમીન અલગ રાખવી’ બૉક્સ જુઓ.)
૩ જે જમીન અલગ રાખવામાં આવી હતી (બૉક્સ ૨૧-ક, ૧), એનો એક હિસ્સો ખાસ હતો (૨). ઉત્તરથી લઈને દક્ષિણ સુધી એની પહોળાઈ ૨૫,૦૦૦ હાથ હતી (૧૩ કિ.મી.). પૂર્વથી લઈને પશ્ચિમ સુધી એની લંબાઈ પણ ૨૫,૦૦૦ હાથ હતી. એ ચોરસ જગ્યાને “દાન માટેની પૂરેપૂરી” જમીન કહેવામાં આવી (૨). એ જમીનના ત્રણ અલગ અલગ ભાગ પાડવામાં આવ્યા હતા. ઉપરનો ભાગ લેવીઓ માટે હતો. વચ્ચેનો ભાગ મંદિર અને યાજકો માટે હતો. એ બંને ભાગોને “પવિત્ર દાન” માટેની જમીન કહેવામાં આવ્યા (૪). ‘બાકી રહેલી જમીન,’ એટલે કે નીચેનો નાનો ભાગ “લોકોના વપરાશ માટે હતો” (૫). એ જમીન શહેર માટે હતી.—હઝકિ. ૪૮:૧૫, ૨૦.
૪. યહોવાને આપેલા દાન પરથી શું શીખવા મળે છે?
૪ યહોવાને આપેલા આ દાન પરથી આપણને શું શીખવા મળે છે? ધ્યાન આપો, યહોવાએ કીધું હતું કે સૌથી પહેલા દેશની જમીનનો એક ભાગ દાનની જમીન તરીકે અલગ રાખવામાં આવે. પછી બાકીની જમીન બધાં કુળોમાં વહેંચી આપવામાં આવે. આમ કહીને યહોવાએ એ વાત પર ભાર આપ્યો કે દેશમાં તેમની ભક્તિ માટે અલગ જગ્યા હોવી જ જોઈએ. ઈશ્વરભક્તોનાં જીવનમાં યહોવાની ભક્તિ સૌથી પહેલા હોવી જોઈએ. (હઝકિ. ૪૫:૧) ગુલામીમાં રહેતા યહૂદીઓને આના પરથી શું શીખવા મળ્યું હશે? એ જ કે તેઓનાં જીવનમાં યહોવાની ભક્તિ સૌથી પહેલા, પછી બીજું બધું. આપણે પણ યહોવાની ભક્તિ આપણાં જીવનમાં સૌથી પહેલા રાખવી જોઈએ. જેમ કે, બાઇબલ વાંચવું, સભાઓમાં જવું અને ખુશખબર જણાવવી. યહોવા પોતે સાફ સાફ જણાવે છે કે આપણાં રોજનાં જીવનમાં એકદમ મહત્ત્વનું શું હોવું જોઈએ. એ છે યહોવાની ભક્તિ!
“જમીનની વચ્ચે શહેર હશે”
૫, ૬. (ક) શહેરની જમીન કોના માટે હતી? (ખ) શહેરનો મતલબ શું નથી થતો? કેમ એવું?
૫ હઝકિયેલ ૪૮:૧૫ વાંચો. “શહેર” અને એની આજુબાજુની જમીનનો શું મતલબ થતો હતો? (હઝકિ. ૪૮:૧૬-૧૮) દર્શનમાં યહોવાએ હઝકિયેલને જણાવ્યું કે ‘શહેરના વારસાની જગ્યા ઇઝરાયેલના બધા લોકો માટે હશે.’ (હઝકિ. ૪૫:૬, ૭) એનાથી શું ખબર પડે છે? શહેર અને એની આસપાસની જમીન “પવિત્ર દાનની” જમીનનો ભાગ ન હતી. પવિત્ર દાનની જમીન ‘યહોવા માટે અલગ કરવાની’ હતી. (હઝકિ. ૪૮:૯) એ વાત ધ્યાનમાં રાખીએ અને જોઈએ કે શહેર માટે કરવામાં આવેલી ગોઠવણોથી શું શીખવા મળે છે.
૬ ચાલો પહેલા જોઈએ કે શહેરનો મતલબ શું નથી થતો. એના પછી જોઈશું કે શહેર માટે કરેલી ગોઠવણોથી શું શીખવા મળે છે. દર્શનનું એ શહેર શું ન હોય શકે? એ ફરીથી વસાવેલું યરૂશાલેમ શહેર ન હોય શકે, જ્યાં મંદિર બનાવવામાં આવ્યું હતું. કેમ એવું? હઝકિયેલે દર્શનમાં જે શહેર જોયું, એમાં મંદિર ન હતું. દર્શનનું શહેર ફરીથી વસાવેલા ઇઝરાયેલનું બીજું કોઈ શહેર પણ નથી. દર્શનમાં જેવા શહેર વિશે જણાવ્યું છે, એવું કોઈ શહેર યહૂદીઓએ ગુલામીમાંથી પાછા ફરીને બનાવ્યું ન હતું. તેઓના વંશજોએ પણ ક્યારેય એવું શહેર બનાવ્યું ન હતું. દર્શનનું શહેર સ્વર્ગને પણ રજૂ કરી ન શકે. એનું કારણ એ કે દર્શનનું શહેર તો ‘લોકો માટેની જગ્યામાં’ બનાવવામાં આવ્યું હતું. એ જગ્યા યહોવાની ભક્તિની પવિત્ર જગ્યા કરતાં અલગ હતી.—હઝકિ. ૪૨:૨૦.
૭. (ક) હઝકિયેલે જે શહેર જોયું, એ શું હતું? (ખ) એ શહેર શાને રજૂ કરતું હોય શકે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૭ તો પછી હઝકિયેલે જોયેલું એ શહેર છે શું? યાદ કરો કે હઝકિયેલે જે દર્શનમાં દેશ જોયો હતો, એ જ દર્શનમાં શહેર પણ જોયું હતું. (હઝકિ. ૪૦:૨; ૪૫:૧, ૬) બાઇબલ જણાવે છે કે એ દેશ સાચૂકલો દેશ નથી પણ ઈશ્વરભક્તોનો “દેશ” છે, જ્યાં તેઓ યહોવાની ભક્તિ કરે છે. એટલે દર્શનમાંના શહેરનું પણ એવું જ હોવું જોઈએ. એ પણ કોઈ સાચૂકલું શહેર નથી. આપણે શહેરની વાત કરીએ ત્યારે મનમાં કેવું ચિત્ર ઊભું થાય છે? આપણે એવી કોઈ જગ્યાની કલ્પના કરીએ છીએ, જેમાં લોકો ભેગા મળીને રહેતા હોય. એમાં કાયદા-કાનૂન હોય. બધું નિયમો પ્રમાણે કરવામાં આવતું હોય. એ ધ્યાનમાં રાખીને હઝકિયેલે જોયેલા ચોરસ આકારના શહેરનો વિચાર કરીએ. એમાં પણ નીતિ-નિયમો છે. એવું લાગે છે કે એ શહેર એવા કોઈ સંગઠનને રજૂ કરે છે, જેમાં જોરદાર ગોઠવણો કરેલી હોય.
૮. (ક) આ સંગઠન ક્યાં છે? (ખ) આપણે એમ શાના પરથી કહીએ છીએ?
૮ આ સંગઠન ક્યાં છે? દર્શનમાં બતાવ્યું છે કે શહેર યહોવાની ભક્તિ કરનારા લોકોના દેશમાં છે. એનાથી જાણવા મળે છે કે યહોવાના લોકો જે કંઈ કરે છે, એમાં આ સંગઠન તેઓને માર્ગદર્શન આપે છે. એ પણ ન ભૂલીએ કે એ શહેર તો લોકો માટેની જગ્યા પર બાંધવામાં આવ્યું હતું, પવિત્ર જગ્યા પર નહિ. એનાથી ખબર પડે છે કે એ શહેર સ્વર્ગના કોઈ સંગઠનને રજૂ કરતું નથી. પણ એ શહેર તો પૃથ્વી પરના એક સંગઠનને રજૂ કરે છે. એ સંગઠન ઈશ્વરભક્તોને બનતી બધી મદદ પૂરી પાડે છે, જેથી તેઓ યહોવાની શુદ્ધ ભક્તિ કરી શકે.
૯. (ક) ધરતી પરના સંગઠનમાં કોણ કામ કરે છે? (ખ) હજાર વર્ષના રાજમાં ઈસુ શું કરશે?
૯ ધરતી પરના એ સંગઠનમાં કોણ કામ કરે છે? હઝકિયેલના દર્શનમાં શહેરનું સરકારી કામકાજ કરનારને ‘આગેવાન’ કહેવામાં આવે છે. (હઝકિ. ૪૫:૭) તે યહોવાના લોકોના આગેવાન હતા. તે ન તો યાજક હતા, ન તો લેવી. એ આગેવાન આપણને મંડળની આગેવાની લેનારા વડીલોની યાદ અપાવે છે. ખાસ કરીને ‘બીજાં ઘેટાંના’ વડીલોની. (યોહા. ૧૦:૧૬) આ ભાઈઓ બહુ નમ્ર છે. તેઓ અભિષિક્ત ભાઈઓ નથી. તેઓ ખ્રિસ્તની સ્વર્ગની સરકારના કહેવા પ્રમાણે કરે છે. તેઓને આપણા બધા પર બહુ પ્રેમ છે. એટલે જેમ ઘેટાંપાળક ઘેટાંની સંભાળ રાખે, તેમ તેઓ આપણી પ્રેમથી સંભાળ રાખે છે. આવનાર હજાર વર્ષના રાજમાં ઈસુ “આખી પૃથ્વી પર આગેવાનો” ઠરાવશે. એ આગેવાનો એટલે એવા વડીલો, જેઓ યોગ્ય હોય અને બહુ પ્રેમથી ઈશ્વરભક્તોની સંભાળ રાખતા હોય. (ગીત. ૪૫:૧૬) આ વડીલો ઈશ્વરના રાજ્યમાં મળતું માર્ગદર્શન પૂરાં દિલથી પાળશે. તેઓ ઈશ્વરભક્તોની બહુ સારી રીતે દેખરેખ રાખશે.
“યહોવા ત્યાં છે”
૧૦. (ક) શહેરનું નામ શું છે? (ખ) એ નામથી લોકોને કઈ વાતની પાકી ખાતરી થઈ હશે?
૧૦ હઝકિયેલ ૪૮:૩૫ વાંચો. શહેરનું નામ છે, “યહોવા ત્યાં છે.” આ શહેરથી લોકોને ભરોસો બેઠો હશે કે યહોવા તેઓની સાથે છે. યહોવાએ હઝકિયેલને દર્શનમાં બતાવ્યું કે એ શહેર દેશની વચ્ચોવચ છે. ગુલામીમાં રહેતા યહૂદીઓને એનાથી યહોવા પાકી ખાતરી કરાવતા હતા. તે જાણે તેઓને કહેતા હતા કે ‘હું ફરીથી તમારી સાથે રહીશ!’ એ જાણીને તેઓને કેટલી બધી હિંમત મળી હશે!
૧૧. શહેર અને એના નામ પરથી શું શીખવા મળે છે?
૧૧ હઝકિયેલના દર્શન વિશે જે જોયું, એનાથી શું શીખવા મળે છે? ચાલો પહેલા શહેરના નામ વિશે જોઈએ. એ નામથી સોએ સો ટકા ખાતરી મળે છે કે યહોવા ધરતી પરના પોતાના વફાદાર ભક્તો સાથે છે અને હંમેશાં રહેશે. શહેરના આ અજોડ નામથી એક સચ્ચાઈ બહાર આવે છે. એ શહેર અથવા સંગઠન લોકોને કોઈ જવાબદારી નથી સોંપતું. પણ એ તો યહોવાની આજ્ઞાઓ પાળવા લોકોને મદદ કરે છે. યહોવાની આજ્ઞાઓ ભારે નથી. એ તો આપણા ભલા માટે છે. દાખલા તરીકે, દર્શનમાં યહોવાએ જમીન વહેંચી આપવાની જવાબદારી સંગઠનને ન સોંપી. કેમ નહિ? કેમ કે માણસો તો મન ફાવે એમ જમીન વહેંચી દે. પણ યહોવાએ પોતે બધાં કુળોને જમીન વહેંચી આપી હતી. એવી જ રીતે, આજે યહોવાએ પોતાના દરેક ભક્તને જાણે જમીનનો એક ભાગ આપ્યો છે. યહોવાએ બધા ભક્તોને તેમની ભક્તિ કરવાનો સરસ મોકો આપ્યો છે. અરે, જેઓને દુનિયા સાવ મામૂલી ગણે છે, તેઓને પણ યહોવાએ મોકો આપ્યો છે. જેઓ સંગઠનમાં જવાબદારી ઉપાડે છે, તેઓ પાસેથી યહોવા કઈ આશા રાખે છે? એ જ કે તેઓ યહોવાના નિર્ણયો પ્રમાણે કરે.—હઝકિ. ૪૬:૧૮; ૪૮:૨૯.
૧૨. (ક) શહેરની જાણવા જેવી બીજી એક વાત કઈ છે? એનાથી શું ખબર પડે છે? (ખ) શહેરની બનાવટ પરથી આજે મંડળના વડીલો શું શીખી શકે છે?
૧૨ “યહોવા ત્યાં છે,” શહેરની જાણવા જેવી બીજી એક વાત પણ છે. એને ૧૨ દરવાજા છે! જૂના જમાનામાં શહેર સલામત રહે, એ માટે બને એટલા ઓછા દરવાજા રાખવામાં આવતા. (હઝકિ. ૪૮:૩૦-૩૪) પણ આ ચોરસ શહેરની દરેક બાજુએ ત્રણ ત્રણ દરવાજા છે. એ શું બતાવે છે? એ જ કે આ શહેરની જવાબદારી ઉપાડનારા ભાઈઓનો લોકો સાથે એકદમ પાકો સંબંધ છે. એટલે તેઓ લોકોને મદદ કરવા રાત-દિવસ તૈયાર હોય છે. એટલું જ નહિ, શહેરને ૧૨ દરવાજા છે, જે બતાવે છે કે એ બધા માટે ખુલ્લું છે. એમાં “ઇઝરાયેલના બધા લોકો” જઈ શકે છે. (હઝકિ. ૪૫:૬) આ શહેરની બનાવટ પરથી આજે મંડળના વડીલો શું શીખી શકે છે? મંડળમાં બધાં ભાઈ-બહેનો યહોવાની દિલથી ભક્તિ કરવા માંગે છે. એટલે યહોવા ચાહે છે કે વડીલો તેઓના પાકા દોસ્ત બને, જેથી બધા જ તેઓની પાસે છૂટથી આવી શકે. તેઓ બધાં ભાઈ-બહેનોને મદદ કરવા રાત-દિવસ તૈયાર હોવા જોઈએ.
યહોવાના લોકો ‘ભક્તિ કરવા અંદર આવે’ છે અને ‘શહેરમાં સેવા આપે છે’
૧૩. યહોવાએ કઈ કઈ સેવા વિશે જણાવ્યું?
૧૩ ચાલો હઝકિયેલના સમયમાં પાછા જઈએ. હઝકિયેલે જમીનની વહેંચણી વિશેનું જે દર્શન જોયું, એનો ફરીથી વિચાર કરીએ. આપણને હજુ એમાંથી શું શીખવા મળે છે? યહોવા જણાવે છે કે લોકો અલગ અલગ રીતોએ સેવા આપશે. “મંદિરના [પવિત્ર સ્થાનના] સેવકો,” એટલે કે યાજકો બલિદાનો ચઢાવશે. તેઓ યહોવાની આગળ આવીને તેમની સેવા કરશે. “મંદિરના સેવકો,” એટલે કે લેવીઓ ‘મંદિરની સેવા માટે જે કંઈ કરવાની જરૂર હોય, એની દેખરેખ રાખશે.’ (હઝકિ. ૪૪:૧૪-૧૬; ૪૫:૪, ૫) તેઓ સિવાય બીજા પણ અમુક લોકો શહેરની નજીક આવીને કામ કરશે. તેઓ કોણ છે?
૧૪. શહેરની નજીક કામ કરનારા લોકોની જેમ આજે કોણ સેવા આપે છે?
૧૪ તેઓ “ઇઝરાયેલનાં બધાં કુળોના” લોકો છે. તેઓ શહેરની નજીક આવીને કામ કરે છે. તેઓ જે કંઈ સેવા આપે છે, એનાથી આખા શહેરના લોકોને મદદ મળે છે. તેઓ ખેતીવાડી કરે છે. એની ઊપજ ‘શહેરમાં સેવા આપનારા લોકો માટે ખોરાક પૂરો પાડે છે.’ (હઝકિ. ૪૮:૧૮, ૧૯) આજે યહોવાની ભક્તિ કરનારા લોકો પણ એક ‘દેશમાં’ રહે છે. એમાં રહેનારા બધા લોકોને પણ સેવા કરવાનો એવો જ સુંદર મોકો મળ્યો છે. કઈ રીતે? યહોવાએ આગેવાની લેવાની જવાબદારી ખ્રિસ્તના અભિષિક્ત ભાઈઓને અને ‘મોટા ટોળાના’ અમુક ભાઈઓને સોંપી છે. આપણે એ બધા ભાઈઓને પૂરો સાથ-સહકાર આપીએ. એ કેટલો જોરદાર મોકો કહેવાય! (પ્રકટી. ૭:૯, ૧૦) ખાસ કરીને આ રીતે આપણે તેઓને સાથ આપીએ: વિશ્વાસુ ચાકર જે કહે એ પૂરાં દિલથી પાળીએ.
૧૫, ૧૬. (ક) દર્શનમાં હઝકિયેલને બીજું શું બતાવવામાં આવ્યું? (ખ) આજે આપણને પણ કેવી સેવા કરવાનો મોકો મળ્યો છે?
૧૫ હઝકિયેલને દર્શનમાં બીજું કંઈક પણ બતાવવામાં આવ્યું. એના પરથી આપણને યહોવાની ભક્તિ વિશે એક મહત્ત્વની વાત શીખવા મળે છે. યહોવા હઝકિયેલને જણાવે છે કે ૧૨ કુળના લોકો બે જગ્યાએ કામ કરશે. એમાં લેવીઓનો સમાવેશ નથી થતો. લોકો જ્યાં કામ કરશે, એ બે જગ્યાઓ આ છે: મંદિરનું આંગણું અને શહેરની જમીન, એટલે કે ચરાવવાની જગ્યા. લોકો ત્યાં શું કરશે? મંદિરના આંગણામાં બધાં કુળોના લોકો યહોવાની ‘ભક્તિ કરશે.’ ત્યાં તેઓ યહોવાને બલિદાનો અર્પણ કરશે. (હઝકિ. ૪૬:૯, ૨૪) બધાં કુળના લોકો શહેરની જમીન ખેડશે અને એમાં વાવશે. એ ખેતરોમાં જે ઊગશે, એનાથી શહેરના લોકોને ઘણી મદદ મળશે. આ મહેનતુ લોકો પાસેથી આપણે શું શીખી શકીએ છીએ?
૧૬ આજે મોટા ટોળાના લોકોને પણ એવી જ સેવા કરવાનો મોકો મળ્યો છે. તેઓ યહોવાના “મંદિરમાં” તેમને ‘સ્તુતિનાં અર્પણ’ ચઢાવે છે અને તેમની ભક્તિ કરે છે. (હિબ્રૂ. ૧૩:૧૫; પ્રકટી. ૭:૯-૧૫) કઈ રીતે? તેઓ લોકોને ખુશખબર જણાવે છે. તેઓ સભાઓમાં જવાબ આપે છે અને ગીતો ગાય છે. આમ કરીને તેઓ યહોવામાં અડગ શ્રદ્ધા બતાવે છે અને તેમને અર્પણો ચઢાવે છે. આ રીતે તેઓ પૂરાં દિલથી યહોવાની ભક્તિ કરે છે. એને તેઓ પોતાનાં જીવનની સૌથી પહેલી જવાબદારી ગણે છે. (૧ કાળ. ૧૬:૨૯) એટલું જ નહિ, ઘણા ઈશ્વરભક્તો અલગ અલગ રીતે યહોવાના સંગઠનને સાથ આપે છે. જેમ કે, તેઓ પ્રાર્થનાઘરો અને શાખા કચેરીઓનાં બાંધકામ અને રિપેરકામમાં મદદ કરે છે. તેઓ યહોવાના સંગઠનના બીજાં કામોમાં પણ મદદ કરે છે. બીજા લોકો એ કામ માટે દાન આપે છે. આમ કરીને તેઓ જાણે જમીન ખેડે છે અને એમાં વાવે છે. તેઓ આ બધું “ઈશ્વરના મહિમા માટે” કરે છે. (૧ કોરીં. ૧૦:૩૧) આ બધાં કામો તેઓ પૂરા જોશથી કરે છે, એમાં દિલ રેડી દે છે. “એવાં બલિદાનોથી ઈશ્વર ઘણા ખુશ થાય છે.” (હિબ્રૂ. ૧૩:૧૬) આ રીતે તમે પણ શું પૂરાં તન-મનથી સેવા કરો છો?
“આપણે નવાં આકાશ અને નવી પૃથ્વીની રાહ જોઈએ છીએ”
૧૭. (ક) નવી દુનિયામાં એ ભવિષ્યવાણી મોટા પાયે કઈ રીતે પૂરી થશે? (ખ) એ વખતે શહેર જેવા એ સંગઠનથી કોને મદદ મળશે?
૧૭ હઝકિયેલે દાનની જમીન વિશેનું દર્શન જોયું. શું એ ભવિષ્યવાણી નવી દુનિયામાં મોટા પાયે પૂરી થશે ખરી? હા, ચોક્કસ. હઝકિયેલે એક જમીન જોઈ, જેને “પવિત્ર દાન” કહેવામાં આવી. એમાં યહોવાનું મંદિર હતું. એ જમીન દેશની વચ્ચોવચ હતી. (હઝકિ. ૪૮:૧૦) એનાથી આપણને આ વાતની સોએ સો ટકા ખાતરી થાય છે: આર્માગેદન પછી આપણે પૃથ્વી પર ભલે ગમે ત્યાં રહેતા હોઈએ, યહોવા આપણી સાથે હશે. (પ્રકટી. ૨૧:૩) હજાર વર્ષના રાજમાં શહેર જેવું એ સંગઠન આખી પૃથ્વી પર કામ કરશે. એ સંગઠનમાં કોણ કામ કરશે? એ લોકો જેઓને ઈશ્વરભક્તોની સંભાળ રાખવાની જવાબદારી સોંપવામાં આવશે. તેઓ ‘નવી પૃથ્વીના,’ એટલે કે નવા સમાજના બધા લોકોને બહુ પ્રેમથી માર્ગદર્શન આપશે અને મદદ કરશે.—૨ પિત. ૩:૧૩.
૧૮. (ક) શાના પરથી કહી શકીએ કે ધરતી પરનું શહેર જેવું સંગઠન યહોવાના રાજના કહેવા પ્રમાણે જ કરશે? (ખ) શહેરનું નામ આપણને શાની ખાતરી આપે છે?
૧૮ આપણને પૂરેપૂરો ભરોસો છે કે શહેર જેવું આ સંગઠન યહોવાના રાજમાં જે કંઈ માર્ગદર્શન મળશે, એ પ્રમાણે જ કામ કરશે. બાઇબલમાં સાફ સાફ જણાવ્યું છે કે ધરતી પરનું શહેર જેવું સંગઠન, સ્વર્ગમાંના શહેર નવા યરૂશાલેમને મળતું આવે છે. એ સંગઠન ખ્રિસ્ત સાથે રાજ કરતા ૧,૪૪,૦૦૦ રાજાઓથી બનેલું છે. જેમ સ્વર્ગમાંના શહેરને ૧૨ દરવાજા છે, તેમ ધરતી પરના શહેર જેવા સંગઠનને પણ ૧૨ દરવાજા છે. (પ્રકટી. ૨૧:૨, ૧૨, ૨૧-૨૭) એના પરથી ખબર પડે છે કે ઈશ્વરના રાજમાંથી જે કંઈ કહેવામાં આવે છે, એ પ્રમાણે જ ધરતી પરનું સંગઠન કરશે. એ સંગઠન સ્વર્ગના રાજમાં લેવાયેલા દરેક ફેંસલાને માન આપશે અને એ પ્રમાણે જ કરશે. આપણે જોઈ ગયા કે એ શહેરનું નામ છે, “યહોવા ત્યાં છે.” એના પરથી પૂરેપૂરી ખાતરી મળે છે કે યહોવાની ભક્તિ થતી રહેશે. એને કોઈ રોકી નહિ શકે. નવી દુનિયામાં વધારે ને વધારે લોકો યહોવાની ભક્તિ કરશે. યુગોના યુગો સુધી, હા, સદાને માટે યહોવાની ભક્તિ થતી રહેશે. આપણા માટે કેવું સોનેરી ભાવિ!