યહોવાહનો શબ્દ જીવંત છે
યાકૂબ અને પીતરના પત્રોના મુખ્ય વિચારો
યાકૂબ ઈસુના સાવકા ભાઈ હતા. ૩૩ની સાલના પેન્તેકોસ્તનાં ત્રીસ વર્ષો પછી, તેમણે પત્ર લખ્યો. એ “બારે કુળને” એટલે કે સ્વર્ગમાં જનારા ભક્તોને લખ્યો. (યાકૂ. ૧:૧) એમાં તેમણે શ્રદ્ધામાં અડગ રહેવા અને કસોટીઓ સહન કરવા ઉત્તેજન આપ્યું. મંડળમાં અમુક મુશ્કેલીઓ સુધારવા સલાહ આપી.
૬૪ની સાલમાં કાઈસાર નીરોએ ખ્રિસ્તીઓને સતાવવાનું શરૂ કર્યું. એના પહેલાં જ પીતરે ખ્રિસ્તીઓને શ્રદ્ધામાં અડગ રહેવા ઉત્તેજન આપતો પત્ર લખ્યો. થોડા સમય પછી તેમણે બીજો પત્ર લખ્યો. ભાઈ-બહેનોને બાઇબલની સલાહ દિલમાં ઉતારવા ઉત્તેજન આપ્યું. યહોવાહના ન્યાયના દિવસની ચેતવણી આપી. ચાલો આપણે યાકૂબ અને પીતરના પત્રોમાંથી લાભ લઈએ.—હેબ્રી ૪:૧૨.
‘વિશ્વાસથી માગનારને’ સમજણ
યાકૂબે લખ્યું: ‘જે માણસ પરીક્ષણમાં પાર ઊતરે છે તેને ધન્ય છે; કેમકે પાર ઊતર્યા પછી જીવનનો મુગટ તેને મળશે.’ જેઓ ‘વિશ્વાસથી માગે છે,’ તેઓને યહોવાહ કસોટીઓ સહેવા મદદ કરશે.—યાકૂ. ૧:૫-૮, ૧૨.
મંડળના ઉપદેશકો કે વડીલોને પણ યહોવાહમાં પૂરી શ્રદ્ધા હોવી જોઈએ. યાકૂબે ચેતવણી આપી કે ‘જીભ એક નાનો અવયવ છે, છતાં તે આખા શરીરને મલિન કરી શકે.’ એટલે આપણાં વાણી-વર્તન પર ધ્યાન રાખીએ, જેથી યહોવાહ સાથેનો નાતો કપાઈ ન જાય. સત્યમાં ધીમા પડી ગયા હોય, તેમણે શું કરવું જોઈએ, એ પણ જણાવ્યું.—યાકૂ. ૩:૧, ૫, ૬; ૫:૧૪, ૧૫.
સવાલ-જવાબ:
૨:૧૩—કઈ રીતે “ન્યાય પર દયા વિજય મેળવે છે”? આપણે દરેકે યહોવાહને હિસાબ આપવો પડશે. ઈશ્વર આપણો ન્યાય કરે ત્યારે તે જોશે કે આપણે બીજા સાથે દયાથી વર્ત્યા છીએ કે કેમ. જો એમ હશે તો, ઈસુની કુરબાનીને લીધે તે આપણને માફ કરશે. (રૂમી ૧૪:૧૨) ચાલો આપણે દરેક દયાળુ બનીએ!
૪:૫—અહીં યાકૂબ કઈ કલમની વાત કરે છે? તે કોઈ એક કલમની વાત કરતા નથી. પણ એ શબ્દો ઈશ્વરની પ્રેરણાથી લખાયેલા છે. એના વિચારો આ કોઈક કલમોમાંથી હોય શકે: ઉત્પત્તિ ૬:૫; ૮:૨૧; નીતિવચનો ૨૧:૧૦ અને ગલાતી ૫:૧૭.
૫:૨૦—“પાપીને તેના ભૂલભરેલા માર્ગથી જે પાછો ફેરવે છે,” તે કોનો પ્રાણ બચાવે છે? ભૂલભરેલા માર્ગમાંથી પાછા ફરેલા પાપીનો નાશમાંથી બચાવ થાય છે. તે યહોવાહ સાથે ફરીથી નાતો બાંધે છે. આમ પાપીને મદદ કરનાર ‘પાપો ઢાંકે’ છે.
આપણે શું શીખી શકીએ?
૧:૧૪, ૧૫. ખોટી ઇચ્છાઓ પાપમાં ફસાવે છે. તેથી એવા વિચારો પણ મનમાં આવવા ન દઈએ. ઉત્તેજન આપતી ‘બાબતોનો વિચાર કરીએ.’—ફિલિ. ૪:૮.
૨:૮, ૯. ‘પક્ષપાત કરવો’ એ “રાજમાન્ય નિયમ” વિરુદ્ધ છે. આપણે કોઈ ભેદભાવ ન રાખીએ.
૨:૧૪-૨૬. મુસાના નિયમના કોઈ કામો કે ખ્રિસ્તી તરીકેની કોઈ “કરણીઓથી નહિ,” પણ ઈશ્વરની ‘કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામીએ’ છીએ. (એફે. ૨:૮, ૯; યોહા. ૩:૧૬) એ વિશ્વાસ જીવનમાં દેખાઈ આવવો જોઈએ.
૩:૧૩-૧૭. આપણું મન “ઐહિક, વિષયી તથા શેતાની” જ્ઞાનથી ન ભરીએ. પણ “જે જ્ઞાન ઉપરથી” ઈશ્વર પાસેથી છે, એ દિલમાં ઉતારીએ. એની ‘દાટેલા દ્રવ્યની જેમ શોધ કરીએ.’—નીતિ. ૨:૧-૫.
૩:૧૮. યહોવાહના રાજ્યની ખુશખબર ‘સલાહ કરાવનારાઓ શાંતિમાં વાવે છે.’ આપણે અભિમાની કે ઝઘડાખોર ન બનીએ. બધા સાથે સંપીને રહીએ.
‘વિશ્વાસમાં દ્રઢ રહો’ (૧ પીત. ૧:૧–૫:૧૪)
પીતરે ભાઈ-બહેનોને સ્વર્ગના જીવનની ‘આશા’ યાદ અપાવી. “તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર પ્રજા” છો. આધીન રહેવા વિષેની સલાહ આપીને પીતરે કહ્યું, “તમે સર્વ એક મનનાં, બીજાના સુખદુઃખમાં ભાગ લેનારાં, ભાઈઓ પર પ્રીતિ રાખનારાં, કરુણાળુ તથા નમ્ર થાઓ.”—૧ પીત. ૧:૩, ૪; ૨:૯; ૩:૮.
“સર્વનો [યહૂદી ગોઠવણનો] અંત પાસે આવ્યો” હતો. પીતરે સલાહ આપી: “તમે સંયમી થાઓ, ને સાવધ રહીને પ્રાર્થના કરો.” પછી જણાવ્યું કે ‘સાવચેત થાઓ, જાગતા રહો; વિશ્વાસમાં દ્રઢ રહીને શેતાનની સામા થાઓ.’—૧ પીત. ૪:૭; ૫:૮, ૯.
સવાલ-જવાબ:
૩:૨૦-૨૨—બાપ્તિસ્મા આપણને કઈ રીતે બચાવી શકે? ખરું કે જીવન બચાવવા બાપ્તિસ્મા પામવું જ જોઈએ, પણ એટલું જ પૂરતું નથી. જીવન તો ફક્ત “ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વડે” જ શક્ય છે. બાપ્તિસ્મા પામનારને શ્રદ્ધા હોવી જોઈએ કે ઈસુએ કુરબાની આપી. તેમને સજીવન કરવામાં આવ્યા. હવે તે ‘ઈશ્વરની જમણી તરફ બેઠેલા છે.’ ઈસુની પાસે જીવતા અને મરણ પામેલા પર અધિકાર છે. એવી શ્રદ્ધા રાખીને બાપ્તિસ્મા પામનાર બચી શકે છે, જેવી રીતે “આઠ જણ પાણીથી બચી ગયાં” હતા.
૪:૬—જેઓને ‘સુવાર્તા પ્રગટ કરવામાં આવી, એવા મૂએલાંઓ’ કોણ છે? તેઓ “અપરાધોમાં તથા પાપોમાં મૂએલા હતા.” સુવાર્તા સાંભળી એ પહેલાં, તેઓનો યહોવાહ સાથે કોઈ નાતો ન હતો. (એફે. ૨:૧) હવે સુવાર્તા માનવાથી, યહોવાહની નજરમાં જાણે કે તેઓ “જીવે” છે.
આપણે શું શીખી શકીએ?
૧:૭. કસોટી થયા પછી શ્રદ્ધા અમૂલ્ય બને છે. એવી શ્રદ્ધા ‘જીવનો ઉદ્ધાર’ કરે છે. (હેબ્રી ૧૦:૩૯) આપણી શ્રદ્ધાની કસોટી થાય ત્યારે, પીછેહઠ કરવી ન જોઈએ.
૧:૧૦-૧૨. પહેલાંના ઈશ્વરભક્તોએ સ્વર્ગમાં જનારાઓ વિષે જણાવ્યું. એની સમજણ સ્વર્ગદૂતો પણ મેળવવા ચાહતા હતા, જે મંડળ સ્થપાયું ત્યારે યહોવાહે આપી. (એફે. ૩:૧૦) સ્વર્ગદૂતોએ “દેવના ઊંડા વિચારોને” શોધવા અને સમજવાની તમન્ના રાખી. આપણે પણ એવી જ તમન્ના રાખીએ.—૧ કોરીં. ૨:૧૦.
૨:૨૧. ઈસુની જેમ આપણે પણ છેલ્લા દમ સુધી યહોવાહને વળગી રહીએ.
૫:૬, ૭. બધી ચિંતાઓ યહોવાહ પર નાખીએ. તે આપણને મદદ કરશે. તેમની ભક્તિ જીવનમાં પ્રથમ મૂકીએ.—માથ. ૬:૩૩, ૩૪.
“પ્રભુનો દિવસ આવશે”
પીતરે કહ્યું, “ભવિષ્યવચન માણસની ઇચ્છા પ્રમાણે કદી આવ્યું નથી; પણ પવિત્ર આત્માની પ્રેરણાથી માણસો દેવનાં વચન બોલ્યાં.” મન મૂકીને બાઇબલમાંથી શીખતા રહીશું તો, “ખોટા ઉપદેશકો” અને જૂઠા શિક્ષણથી દૂર રહીશું.—૨ પીત. ૧:૨૧; ૨:૧-૩.
“છેલ્લા સમયમાં ઠઠ્ઠા કરનારા આવશે,” પીતરે કહ્યું. “જેમ ચોર આવે છે, તેમ પ્રભુનો દિવસ આવશે.” તેમણે છેવટે સલાહ આપી: ‘એ દિવસના આવવાની આતુરતાથી તમારે રાહ જોવી.’—૨ પીત. ૩:૩, ૧૦-૧૨.
સવાલ-જવાબ:
૧:૧૯—“સવારનો તારો” કોણ છે? એ ક્યારે ઊગે છે અને એ આપણને કેવી રીતે ખબર પડે છે? “સવારનો તારો” એટલે કે સ્વર્ગમાં રાજા બનેલા ઈસુ. (પ્રકટી. ૨૨:૧૬) ૧૯૧૪માં ઈસુ રાજા બન્યા, જાણે કે નવો દિવસ ઊગ્યો. ઈસુનું રૂપાંતર એ જ બતાવતું હતું કે ઈસુ સ્વર્ગમાં રાજા બનશે. (માર્ક ૯:૧-૩) યહોવાહ જે કહે છે એ કરે જ છે. આપણે બાઇબલના વિચારો દિલમાં ઉતારીએ ત્યારે, જાણે કે દિલમાં અજવાળું પથરાય છે. એનાથી આપણે જાણીએ છીએ કે “સવારનો તારો” ઊગ્યો છે.
૨:૪—અહીં “નરક” શું છે? દુષ્ટ દૂતોને ક્યારે એમાં નાખવામાં આવ્યા? આ કલમમાં “નરક” માટે મૂળ ભાષામાં “ટાર્ટરસ” શબ્દ વપરાયો છે. ટાર્ટરસ કોઈ જગ્યા નથી, પણ એ જેલ જેવી હાલત છે. નુહના સમયમાં યહોવાહે દુષ્ટ સ્વર્ગદૂતોને જાણે કે એવી જેલમાં નાખ્યા હતા. તેઓ યહોવાહના જ્ઞાન વગર અંધકારમાં છે. તેઓનો નાશ થાય ત્યાં સુધી એમાં જ રહેશે.
૩:૧૭—પીતરે ‘અગાઉથી ચેતવાનું’ કહ્યું, એનો શું અર્થ થતો હતો? તે ભાવિના બનાવો વિષે વાત કરતા હતા. પીતર અને બીજા ઈશ્વરભક્તોને યહોવાહે એ માહિતી આપી હતી. ભલે ઝીણી-ઝીણી બધી જ વિગતો આપી ન હતી, પણ ‘અગાઉથી ચેતવા’ માટે એ પૂરતી હતી.
આપણે શું શીખી શકીએ?
૧:૨, ૫-૭. આપણે ‘ઈશ્વરને અને ઈસુને ઓળખીએ.’ શ્રદ્ધા અને ધીરજ કેળવીએ. ભક્તિમાં મંડ્યા રહીએ. એમ કરીશું તો, આપણે યહોવાહની ભક્તિમાં ‘આળસુ તથા નિષ્ફળ’ બનીશું નહિ.—૨ પીત. ૧:૮.
૧:૧૨-૧૫. “સત્યમાં સ્થિર” રહેવા આપણને મિટિંગ, બાઇબલ વાંચન અને સ્ટડીમાંથી ઘણી મદદ મળે છે.
૨:૨. ધ્યાન રાખીએ કે આપણા વાણી-વર્તનથી યહોવાહ અને તેમના સંગઠનનું નામ બદનામ ન થાય.—રૂમી ૨:૨૪.
૨:૪-૧૦. યહોવાહે આજ સુધી જે કર્યું છે, એ ગૅરંટી આપે છે કે ‘તે ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે. તે અન્યાયીઓને ન્યાયકાળ સુધી શિક્ષાને માટે રાખી મૂકવાનું જાણે છે.’
૨:૧૦-૧૩. ‘અધિકારીઓ’ એટલે વડીલોથી પણ ભૂલો થાય છે. તેઓ વિષે કચકચ ન કરીએ.—હેબ્રી ૧૩:૭, ૧૭.
૩:૨-૪, ૧૨. ‘પ્રબોધકો દ્વારા જે કહેવામાં આવ્યું એ, અને પ્રભુ તારનારે આપેલી આજ્ઞા’ યાદ રાખીએ. એ રીતે યહોવાહનો દિવસ આપણી નજર આગળ રહેશે.
૩:૧૧-૧૪. ‘ઈશ્વરના દિવસના આવવાની આતુરતાથી’ રાહ જોવા, શું કરવું જોઈએ? (૧) “પવિત્ર આચરણ” રાખવા તન-મન શુદ્ધ રાખીએ. સારા સંસ્કાર કેળવીએ. જૂઠા શિક્ષણથી દૂર રહીએ. (૨) “ભક્તિભાવમાં” મંડ્યા રહીએ. જેમ કે હોંશથી પ્રચાર કરીએ, શિષ્યો બનાવીએ. (૩) વાણી-વર્તનમાં “નિષ્કલંક” રહેવા, દુનિયાનો રંગે ન રંગાઈએ. (૪) જે કંઈ કરીએ, ‘નિર્દોષ રહીને’ ચોખ્ખા દિલથી કરીએ. (૫) યહોવાહ, મંડળ અને બધા સાથે શાંતિમાં રહીએ. (w08 11/15)