પાઠ ૦૭
યહોવા ઈશ્વર કેવા છે?
જ્યારે તમે યહોવા ઈશ્વર વિશે વિચારો છો, ત્યારે તમારા મનમાં શું આવે છે? શું તમને એવું લાગે છે કે ઈશ્વર તો બહુ મહાન છે, પણ તમારાથી એટલા દૂર છે કે તમે તેમને ઓળખી ન શકો? અથવા શું તમને એવું લાગે છે કે ઈશ્વર બહુ શક્તિશાળી છે, પણ તેમનામાં જરાય લાગણી નથી? યહોવાએ પોતે બાઇબલમાં જણાવ્યું છે કે તે કેવા ઈશ્વર છે, તેમનામાં કેવા કેવા ગુણો છે અને તે તમારી કેટલી કાળજી રાખે છે.
૧. આપણે કેમ ઈશ્વરને જોઈ શકતા નથી?
બાઇબલમાં જણાવ્યું છે કે “ઈશ્વર અદૃશ્ય છે.” (યોહાન ૪:૨૪) યહોવા આપણી જેમ હાડ-માંસના બનેલા નથી. એટલે આપણે તેમને જોઈ શકતા નથી. તે સ્વર્ગમાં રહે છે અને આપણે સ્વર્ગ પણ જોઈ શકતા નથી.
૨. યહોવામાં કેવા ગુણો છે?
ભલે આપણે યહોવાને જોઈ નથી શકતા, પણ તે સાચે જ છે અને તેમનામાં સુંદર ગુણો છે. તેમને જેટલા વધારે ઓળખીશું, એટલો જ તેમના માટે આપણો પ્રેમ વધશે. બાઇબલમાં લખ્યું છે: “યહોવાને ઇન્સાફ પસંદ છે, તે કદીયે વફાદાર ભક્તોનો સાથ છોડશે નહિ.” (ગીતશાસ્ત્ર ૩૭:૨૮) ‘યહોવા આપણને ખૂબ કરુણા બતાવે છે અને તે દયાળુ ઈશ્વર છે.’ (યાકૂબ ૫:૧૧, ફૂટનોટ) તે એવા લોકોની ખાસ કાળજી લે છે, જેઓ ઘણી તકલીફોમાં છે. ‘યહોવા દુઃખી લોકોના પડખે છે. નિરાશ મનના લોકોને તે બચાવે છે.’ (ગીતશાસ્ત્ર ૩૪:૧૮, ફૂટનોટ) એટલું જ નહિ, આપણે જે કંઈ કરીએ છીએ એની યહોવા પર અસર થાય છે. જો આપણે ખોટું કામ કરીએ તો યહોવા દુઃખી થાય છે. (ગીતશાસ્ત્ર ૭૮:૪૦, ૪૧) પણ જો સારું કરીએ તો યહોવાનું દિલ ખુશ થાય છે.—નીતિવચનો ૨૭:૧૧ વાંચો.
૩. યહોવા કઈ રીતે પ્રેમ બતાવે છે?
યહોવાનો સૌથી સુંદર ગુણ પ્રેમ છે. બાઇબલમાં જણાવ્યું છે કે “ઈશ્વર પ્રેમ છે.” (૧ યોહાન ૪:૮) યહોવાએ બનાવેલી દુનિયા જુઓ અને બાઇબલ વાંચો ત્યારે તમને શું જોવા મળે છે? એ જ કે યહોવા આપણને બધાને કેટલો પ્રેમ કરે છે! (પ્રેરિતોનાં કાર્યો ૧૪:૧૭ વાંચો.) યહોવાએ આપણને કેટલી અજોડ રીતે બનાવ્યા છે, એનો વિચાર કરો. આપણે સુંદર રંગો જોઈ શકીએ છીએ. મધુર ગીતોનો આનંદ માણી શકીએ છીએ. અરે, મસ્ત મજાનું ખાવાનું જોઈને તો તરત મોંમાં પાણી આવી જાય છે. સાચે જ, યહોવા આપણને બહુ પ્રેમ કરે છે અને આપણને ખુશ જોવા માંગે છે.
વધારે જાણો
યહોવા કઈ રીતે જોરદાર કામો કરે છે? તે કઈ રીતે પોતાના સુંદર ગુણો બતાવે છે? ચાલો જોઈએ.
૪. પવિત્ર શક્તિ—ઈશ્વરનું બળ
જેમ આપણે હાથથી કામ કરીએ છીએ, તેમ યહોવા પવિત્ર શક્તિથી કામ કરે છે. પવિત્ર શક્તિ વિશે લોકોના અલગ અલગ વિચારો છે. અમુક માને છે કે પવિત્ર શક્તિ ઈશ્વર છે. પણ બાઇબલ વાંચવાથી ખ્યાલ આવે છે કે પવિત્ર શક્તિ તો ઈશ્વરનું બળ છે. લૂક ૧૧:૧૩ અને પ્રેરિતોનાં કાર્યો ૨:૧૭ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
કલમમાં વાંચ્યું તેમ ઈશ્વર પોતાની પવિત્ર શક્તિ લોકો પર ‘રેડે’ છે. હવે તમને શું લાગે છે, પવિત્ર શક્તિ ઈશ્વર છે કે ઈશ્વરનું બળ છે? તમને કેમ એવું લાગે છે?
યહોવા પોતાની પવિત્ર શક્તિથી અદ્ભુત કામો કરે છે. ગીતશાસ્ત્ર ૩૩:૬a અને ૨ પિતર ૧:૨૦, ૨૧ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
યહોવાએ પોતાની પવિત્ર શક્તિથી કેવાં કેવાં કામો કર્યાં છે?
૫. યહોવાના સુંદર ગુણો
મૂસા નામના એક ઈશ્વરભક્ત વર્ષોથી યહોવાની ભક્તિ કરતા હતા. તોપણ મૂસા તેમને વધારે સારી રીતે ઓળખવા માંગતા હતા. એટલે તેમણે યહોવાને કહ્યું: “મને તમારા માર્ગો વિશે જણાવો, જેથી હું તમને ઓળખી શકું.” (નિર્ગમન ૩૩:૧૩) ત્યારે યહોવાએ મૂસાને પોતાના અમુક ગુણો જણાવ્યા. નિર્ગમન ૩૪:૪-૬ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
યહોવાએ મૂસાને કયા ગુણો જણાવ્યા?
તમને યહોવાના કયા ગુણો સૌથી વધારે ગમ્યા?
૬. યહોવા લોકોની ચિંતા કરે છે
ઘણાં વર્ષો પહેલાંની વાત છે. હિબ્રૂઓ, એટલે કે ઈશ્વરના લોકો ઇજિપ્ત દેશમાં ગુલામ હતા. ત્યાં તેઓ પર ખૂબ જુલમ થતો. એ જોઈને ઈશ્વરને કેવું લાગ્યું? ઑડિયો સાંભળો અને સાથે સાથે બાઇબલમાં પણ જુઓ અથવા નિર્ગમન ૩:૧-૧૦ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો.
લોકોને તકલીફમાં જોઈને યહોવાને કેવું લાગે છે?—કલમ ૭ અને ૮ જુઓ.
શું યહોવા લોકોને મદદ કરવા ચાહે છે અને શું તેમની પાસે એમ કરવાની શક્તિ છે? તમને કેમ એવું લાગે છે?
૭. સૃષ્ટિમાં યહોવાના ગુણો જોવા મળે છે
યહોવાએ બનાવેલી સૃષ્ટિ પર એક નજર કરો. એમાં તેમના સુંદર ગુણોની એક ઝલક જોવા મળે છે. એ પણ જાણવા મળે છે કે યહોવા કેવા ઈશ્વર છે. વીડિયો જુઓ. પછી રોમનો ૧:૨૦ વાંચો અને આ સવાલની ચર્ચા કરો.
યહોવાએ બનાવેલી સૃષ્ટિમાં તેમના કયા ગુણો જોવા મળે છે?
અમુક લોકો કહે છે: “ઈશ્વરનું કોઈ રહેઠાણ નથી, તે બધે જ હોય છે, કણ કણમાં હોય છે.”
તમને શું લાગે છે?
તમને કેમ એવું લાગે છે?
આપણે શીખી ગયા
આપણે યહોવાને જોઈ નથી શકતા, પણ તેમનામાં ઘણા ગુણો છે. તેમનો સૌથી સુંદર ગુણ પ્રેમ છે.
તમે શું કહેશો?
આપણે કેમ યહોવાને જોઈ નથી શકતા?
પવિત્ર શક્તિ એટલે શું?
યહોવામાં કેવા ગુણો છે?
વધારે માહિતી
યહોવાને સારી રીતે ઓળખવા તેમના ચાર ખાસ ગુણો વિશે જાણો.
શું યહોવા કણ કણમાં વસે છે? એ વિશે જાણવા આ લેખ વાંચો.
જાણો કે પવિત્ર શક્તિને કેમ ઈશ્વરના હાથ સાથે સરખાવી છે.
એક અંધ વ્યક્તિને લાગતું હતું કે ઈશ્વરને તેમની કંઈ પડી નથી. જાણો કે તેમના વિચારો કઈ રીતે બદલાયા.
a ગીતશાસ્ત્ર ૩૩:૬માં શ્વાસ માટે વપરાયેલા હિબ્રૂ શબ્દનો અર્થ પવિત્ર શક્તિ થાય છે.