હજાર વર્ષ માટે શાંતિ, હંમેશ માટે શાંતિ!
“જેથી ઈશ્વર સર્વમાં સર્વ થાય.”—૧ કોરીં. ૧૫:૨૮.
૧. “મોટી સભા” માટે કેવા રોમાંચક આશીર્વાદો રાહ જુએ છે?
શું તમે કલ્પના કરી શકો કે એક ન્યાયી અને કૃપાળુ રાજા પોતાની શક્તિશાળી સરકાર દ્વારા હજાર વર્ષના સમયગાળામાં પોતાની પ્રજા માટે કેવી સારી સારી બાબતો કરી શકે? “મોટી સભા”ના અસંખ્ય લોકો આવા અદ્ભુત બનાવોની રાહ જુએ છે. તેઓ “મોટી વિપત્તિ”માંથી બચશે, જે આજના દુષ્ટ જગતનો પૂરેપૂરો અંત લાવશે.—પ્રકટી. ૭:૯, ૧૪.
૨. છેલ્લાં છ હજાર વર્ષોથી માણસજાતે શું ભોગવ્યું છે?
૨ છ હજાર વર્ષના માનવ ઇતિહાસ દરમિયાન, માણસોએ જાતે લીધેલા નિર્ણયો અને સત્તાને લીધે તેઓ પર દુઃખ-તકલીફોનો પહાડ તૂટી પડ્યો છે. બાઇબલમાં વર્ષો પહેલાં લખવામાં આવ્યું હતું: “માણસ બીજા માણસ ઉપર નુકસાનકારક સત્તા ચલાવે છે.” (સભા. ૮:૯) આપણે આજે શું જોઈ રહ્યા છીએ? યુદ્ધો અને બળવાઓની સાથે સાથે, હતાશ કરનારી બીજી બાબતો પણ જોવા મળે છે. જેમ કે ગરીબી, બીમારીઓ, વાતાવરણનો બગાડ, આબોહવામાં ફેરફાર વગેરે. સરકારી અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો આપણે ‘જેમ ચાલે છે એમ ચાલવા દો’ વલણ નહિ બદલીએ, તો પરિણામ ખૂબ ભયંકર આવશે.
૩. હજાર વર્ષનું ઈશ્વરનું રાજ શું લઈ આવશે?
૩ ઈશ્વરનું રાજ્ય મસીહી રાજા ઈસુ ખ્રિસ્ત અને તેમની સાથે રાજ કરનારા ૧,૪૪,૦૦૦ દ્વારા એવાં પગલાં ભરશે, જેનાથી માણસજાત અને તેમનું ઘર પૃથ્વીને થયેલું નુકસાન દૂર થશે. યહોવાના હજાર વર્ષના રાજમાં દિલને ઠંડક આપનારું તેમનું આ વચન પૂરું થશે: “જુઓ, હું નવાં આકાશ તથા નવી પૃથ્વી ઉત્પન્ન કરનાર છું; અને આગલી બીનાઓનું સ્મરણ કરવામાં આવશે નહિ, તેઓ મનમાં આવશે નહિ.” (યશા. ૬૫:૧૭) જોકે, હજી બન્યા નથી એવા ઘણા અદ્ભુત બનાવો આપણી માટે વાટ જોઈ રહ્યા છે. ચાલો, ઈશ્વરની ભવિષ્યવાણીની મદદથી એ ઉત્તમ બાબતો પર એક નજર કરીએ, “જે અદૃશ્ય છે.”—૨ કોરીં. ૪:૧૮.
‘તેઓ ઘર બાંધશે અને દ્રાક્ષાવાડીઓ રોપશે’
૪. આજે ઘણા લોકો રહેઠાણને લગતી કઈ પરિસ્થિતિનો સામનો કરે છે?
૪ પોતાનું ઘર હોય એવું કોને ના ગમે, જ્યાં પોતે કુટુંબની સાથે રક્ષણ અને સલામતી અનુભવે? જોકે, આજની દુનિયામાં રહેવાની પૂરતી જગ્યા મળવી, એ મોટી સમસ્યા છે. શહેરો લોકોથી ગીચ ભરેલાં છે. ઘણા લોકોને ગંદા વિસ્તારો અને શહેરની ઝૂંપડપટ્ટીઓમાં ‘આજે અહીં તો કાલે ત્યાં’ રહેવું પડે છે. પોતાનું ઘર હોવું એ તેઓ માટે એક સપનું જ બની રહે છે.
૫, ૬. (ક) યશાયા ૬૫:૨૧ અને મીખાહ ૪:૪ કેવી રીતે પૂરી થશે? (ખ) આપણે એ આશીર્વાદ કેવી રીતે મેળવી શકીએ?
૫ ઈશ્વરના રાજમાં દરેકને પોતાનું ઘર હશે, કેમ કે એ વિષે યશાયા દ્વારા આ ભવિષ્યવાણી આપવામાં આવી હતી: “તેઓ ઘરો બાંધીને તેઓમાં રહેશે, ને દ્રાક્ષાવાડીઓ રોપીને તેમનાં ફળ ખાશે.” (યશા. ૬૫:૨૧) પોતાનું ઘર હોય, એ જ એક આશીર્વાદ નથી. આજે પણ અમુક પોતાના ઘરમાં રહે છે. અરે, અમુક તો બંગલા કે હવેલીમાં રહે છે. પણ તેઓને હંમેશાં ચિંતા હોય છે કે પૈસાની તંગીને લીધે ઘર જતું રહેશે અથવા ચોર-લૂંટારા ઘરમાં ઘૂસી જશે. ઈશ્વરના રાજ્યમાં બધી બાબતો કેટલી અલગ હશે! પ્રબોધક મીખાહે લખ્યું: “તેઓ સર્વ પોતપોતાના દ્રાક્ષાવેલા તળે તથા પોતપોતાની અંજીરી તળે બેસશે; અને કોઈ તેમને બીવડાવશે નહિ.”—મીખા. ૪:૪.
૬ એ સુંદર આશા પર મન રાખીને, આપણે શું કરવું જોઈએ? ખરું કે આપણે બધાને રહેવાની પૂરતી જગ્યાની જરૂર છે. પોતાના સપનાનું ઘર મેળવવાની આશામાં હમણાં કદાચ મોટું દેવું કરવું પડે. એવું કરવાને બદલે, શું એ ડહાપણભર્યું નહિ હોય કે યહોવાના વચન પર ધ્યાન રાખીએ? ઈસુએ પોતા વિષે શું કહ્યું હતું એ જરા યાદ કરો: “લોંકડાંને દર હોય છે, અને આકાશનાં પક્ષીઓને માળા હોય છે; પણ માણસના દીકરાને માથું મૂકવાનું ઠામઠેકાણું નથી.” (લુક ૯:૫૮) કોઈની પણ પાસે ન હોય એવું સૌથી સારું ઘર બાંધવાની કે મેળવવાની આવડત અને શક્તિ ઈસુ પાસે હતી. તો પછી, તેમણે કેમ એવું ના કર્યું? સ્પષ્ટ રીતે, ઈશ્વરના રાજ્યને પ્રથમ મૂકતા પોતાને રોકે કે ધ્યાન ભટકાવે, એવી કોઈ પણ બાબતોથી ઈસુ દૂર રહેવા માગતા હતા. શું આપણે તેમના પગલે ચાલીને પોતાની આંખ નિર્મળ રાખવા ધનદોલતની માયા કે ચિંતાથી દૂર રહી શકીશું?—માથ. ૬:૩૩, ૩૪.
“વરુ તથા ઘેટાનું બચ્ચું સાથે ચરશે”
૭. શરૂઆતમાં યહોવાએ માણસો અને પ્રાણીઓ વચ્ચે કેવા સંબંધની આજ્ઞા આપી હતી?
૭ સર્જન કરતી વખતે, યહોવાએ પૃથ્વી પરનું પોતાનું સૌથી ઉત્તમ સર્જન, મનુષ્યોને છેલ્લે ઉત્પન્ન કર્યા. યહોવાએ કુશળ કારીગર, પોતાના પ્રથમ પુત્રને ખાસ હેતુ જણાવ્યો: “આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ; અને સમુદ્રનાં માછલાં પર, તથા આકાશનાં પક્ષીઓ પર, તથા ગ્રામ્ય પશુઓ પર, તથા આખી પૃથ્વી પર, તથા પૃથ્વી પર પેટે ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર તેઓ અમલ ચલાવે.” (ઉત. ૧:૨૬) આમ, આદમ-હવા અને તેમના પછીના બધા માણસોને પ્રાણીઓ પર કાબૂ મેળવવાની આજ્ઞા આપવામાં આવી.
૮. આજે પ્રાણીઓમાં કેવું વર્તન જોવા મળે છે?
૮ શું બધાં પ્રાણીઓ પર કાબૂ મેળવવો અને તેમની સાથે ભય વગર રહેવું માણસો માટે ખરેખર શક્ય છે? ઘણા લોકોને પોતાનાં પાલતું જાનવરો જેમ કે, કૂતરા અને બિલાડીઓ માટે ઘણી લાગણી હોય છે. પણ જંગલી પ્રાણીઓ વિષે શું? એક અહેવાલ જણાવે છે: “જે વૈજ્ઞાનિકો જંગલી જાનવરોની નજીક રહીને તેમનો અભ્યાસ કરે છે તેઓએ શોધી કાઢ્યું છે કે બચ્ચાંને ઉછેરતાં બધાં પ્રાણીઓ લાગણીશીલ હોય છે.” જાનવરો જોખમ જોઈને ડરી જાય છે અથવા હિંસક બની જાય છે. પણ શું તેઓ કોમળ લાગણી બતાવી શકે? ઉપરનો અહેવાલ આગળ જણાવે છે કે “બચ્ચાંના ઉછેર વખતે પ્રાણીઓ પોતાની સૌથી ઊંડી લાગણી બતાવે છે, જે છે મમતાની હૂંફાળી લાગણી.”
૯. પ્રાણીઓમાં કેવા ફેરફારો ભવિષ્યમાં જોવા મળશે?
૯ એટલે, બાઇબલમાંથી જ્યારે આપણે વાંચીએ કે ભવિષ્યમાં માણસો અને પ્રાણીઓને એકબીજાનો ડર નહિ હોય, ત્યારે આપણે નવાઈ પામવી ન જોઈએ. (યશાયા ૧૧:૬-૯; ૬૫:૨૫ વાંચો.) કેમ નહિ? યાદ કરો કે નુહ અને તેનું કુટુંબ જળપ્રલય પછી વહાણમાંથી બહાર નીકળ્યા ત્યારે, યહોવાએ આમ કહ્યું: ‘પૃથ્વીનાં સર્વ પશુઓ તમારાથી બીશે તથા ડરશે.’ એવું પ્રાણીઓના બચાવ માટે કહેવામાં આવ્યું હતું. (ઉત. ૯:૨, ૩) પોતાની શરૂઆતની આજ્ઞા પૂરી થાય એ માટે, યહોવા અમુક પ્રમાણમાં ડર અને ભય ઓછો કરી શકે છે. (હોશી. ૨:૧૮) નવી દુનિયામાં હશે, તેઓ સર્વ માટે કેટલો આનંદનો સમય હશે!
‘તે દરેક આંસુ લૂછી નાખશે’
૧૦. શા માટે માણસોની આંખમાં આંસુ આવે છે?
૧૦ “પૃથ્વી ઉપર જે જુલમ કરવામાં આવે છે,” એ જોઈને સુલેમાન પોકારી ઊઠ્યા કે “જુલમ વેઠનારાઓનાં આંસુ પડતાં હતાં, અને તેમને દિલાસો દેનાર કોઈ નહોતું.” (સભા. ૪:૧) આજે સ્થિતિ એવી જ છે, અરે, એનાથી પણ ખરાબ છે. આપણામાંથી એવું કોણ છે, જે કોઈક કારણને લીધે આંસુ સારતું નથી? ખરું કે કોઈક વાર ખુશીને લીધે આંસુ આવે છે. જોકે, મોટા ભાગે દુઃખી દિલને લીધે આપણી આંખો છલકાઈ ઊઠે છે.
૧૧. બાઇબલમાંનો કયો બનાવ તમારા દિલને સ્પર્શી જાય છે?
૧૧ યાદ કરો કે બાઇબલમાં લાગણીશીલ અને દિલને સ્પર્શી જાય એવા ઘણા બનાવો આપણને જોવા મળે છે. જ્યારે સારાહ ૧૨૭ વર્ષની ઉંમરે મરણ પામી, ત્યારે “ઈબ્રાહીમ સારાહને માટે શોક કરવાને તથા તેને માટે રડવાને આવ્યો.” (ઉત. ૨૩:૧, ૨) જ્યારે નાઓમીએ પોતાની બે વિધવા વહુઓને વિદાય આપી ત્યારે “તેઓ પોક મૂકીને રડી પડી.” પછી, “તેઓ ફરીથી પોક મૂકીને રડી.” (રૂથ ૧:૯, ૧૪) હિઝકીયાહ રાજા બીમાર પડ્યો અને મરવાની અણી પર હતો. એ સમયે, ઈશ્વરને પ્રાર્થના કર્યા “પછી હિઝકીયાહ બહુ રડ્યો.” એ યહોવાના દિલને સ્પર્શી ગયું. (૨ રાજા. ૨૦:૧-૫) પીતરે ઈસુનો નકાર કર્યો એ પ્રસંગ કોના દિલને અસર નહિ કરે? પીતરે કૂકડાને બોલતો સાંભળ્યો ત્યારે, “બહાર જઈને તે બહુ રડ્યો.”—માથ. ૨૬:૭૫.
૧૨. માણસજાત માટે ઈશ્વરનું રાજ કેવી રીતે ખરી રાહત લાવશે?
૧૨ દુઃખી કરનારા નાના-મોટા બનાવો લોકો પર આવી પડે છે. એટલે, માણસજાતને દિલાસા અને રાહતની ખૂબ જરૂર છે. હજાર વર્ષના રાજમાં ઈશ્વર પોતાની પ્રજા માટે એવું જ કરશે: “તે [ઈશ્વર] તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી.” (પ્રકટી. ૨૧:૪) કેટલું સરસ કે શોક, રૂદન કે દુઃખ નહિ હોય! એટલું જ નહિ પણ ઈશ્વર વચન આપે છે કે તે માણસજાતના કટ્ટર દુશ્મન, મરણને દફનાવી દેશે. એ કેવી રીતે બનશે?
‘જેઓ કબરમાં છે તેઓ સર્વ નીકળી આવશે’
૧૩. આદમે પાપ કર્યું ત્યારથી કઈ રીતે મરણે માણસજાતને અસર કરી છે?
૧૩ આદમે પાપ કર્યું ત્યારથી મરણ માણસો પર રાજ કરે છે. એ હરાવી ન શકાય એવો દુશ્મન, પાપી મનુષ્યો છટકી ન શકે એવો અંત, અપાર દર્દ અને શોકનું મૂળ છે. (રોમ. ૫:૧૨, ૧૪) ખરું જોતાં, લાખો લોકો ‘મરણની બીકથી આખા જીવનપર્યંત દાસત્વમાં’ છે.—હિબ્રૂ ૨:૧૫.
૧૪. મરણને ખતમ કરી દેવામાં આવશે ત્યારે શું થશે?
૧૪ “જે છેલ્લો શત્રુ નાશ પામશે તે મરણ છે,” એવા સમય વિષે બાઇબલ જણાવે છે. (૧ કોરીં. ૧૫:૨૬) એનાથી બે વર્ગને લાભ થશે. હમણાં જીવી રહેલી “મોટી સભા” બચીને નવી દુનિયામાં જઈ શકશે, પછી તેઓ માટે હંમેશાંનું જીવન શક્ય બનશે. મરણે છીનવી લીધા છે એવા અબજો લોકો ફરીથી જીવી ઊઠશે. તેઓનો આવકાર થશે ત્યારે કલ્પના કરો કે કેટલો આનંદ છવાઈ જશે! મરેલાંને જીવતા કરવામાં આવ્યા હોય એવા બાઇબલના પ્રસંગો પર મનન કરવાથી, એની ઝલક મેળવી શકીએ છીએ.—માર્ક ૫:૩૮-૪૨; લુક ૭:૧૧-૧૭ વાંચો.
૧૫. તમારાં સગાં-વહાલાં પાછાં જીવતાં થશે, ત્યારે તમને કેવું લાગશે?
૧૫ જરા આ શબ્દોનો વિચાર કરો, સજીવન કરાયા ત્યારે ‘તેઓ ઘણા નવાઈ પામ્યા’ અને ‘તેઓએ ઈશ્વરની સ્તુતિ કરી.’ જો તમે એ પ્રસંગોએ હાજર હોત, તો કદાચ તમે પણ એવું જ કર્યું હોત. મરણ પામેલાં સગાં-વહાલાંને પાછાં જીવતાં જોઈશું ત્યારે, ખરેખર આપણી ખુશીનો પાર નહિ રહે. ઈસુએ કહ્યું: ‘એવી વેળા આવે છે કે જ્યારે જેઓ કબરમાં છે તેઓ સર્વ તેની વાણી સાંભળશે; અને તેઓ નીકળી આવશે.’ (યોહા. ૫:૨૮, ૨૯) જોકે, આપણામાંના કોઈએ એમ બનતા કદી જોયું નથી, પણ આપણને ખાતરી છે કે એ “અદૃશ્ય” બનાવોમાંથી સૌથી ભવ્ય બનાવ હશે!
ઈશ્વર “સર્વમાં સર્વ” થશે
૧૬. (ક) હજુ સુધી જોયા નથી એવા આશીર્વાદો વિષે કેમ ઉત્સાહથી વાત કરવી જોઈએ? (ખ) કોરીંથના ખ્રિસ્તીઓને ઉત્તેજન આપવા પાઊલે શું કહ્યું?
૧૬ હા, જેઓ આ સંકટના સમયોમાં યહોવાને વફાદાર રહેશે, તેઓ માટે અદ્ભુત ભાવિ રહેલું છે. જોકે, મહાન આશીર્વાદો આપણે જોઈ શકતા નથી, છતાં પણ એને આપણા મનમાં તાજા રાખવાથી જે ખરેખર મહત્ત્વનું છે એના પર ધ્યાન આપવા મદદ મળશે. ઉપરાંત, એનાથી દુનિયાનાં ધ્યાન ભટકાવનારાં બે ઘડીનાં આકર્ષણોથી દૂર રહેવા મદદ મળશે. (લુક ૨૧:૩૪; ૧ તીમો. ૬:૧૭-૧૯) ચાલો, ઉત્સાહથી આપણી અનેરી આશા અને ભાવિ વિષે વાત કરતા રહીએ. કુટુંબ તરીકે ભક્તિ અને અભ્યાસમાં, બીજા ભાઈ-બહેનો સાથેની વાતચીતમાં અને રસ ધરાવનારા તથા બાઇબલ વિદ્યાર્થી સાથેની ચર્ચામાં એ વિષે વાત કરીએ. એમ કરવાથી આપણાં મન અને હૃદયમાં એ બાબતો જીવંત રહેશે. પ્રેરિત પાઊલે સાથી ખ્રિસ્તીઓને ઉત્તેજન આપતી વખતે એમ જ કર્યું હતું. તે તેઓને જાણે છેક ખ્રિસ્તના હજાર વર્ષના રાજ્ય સુધી લઈ ગયા હતા. કલ્પના કરવાનો પ્રયત્ન કરો કે ૧ કોરીંથી ૧૫:૨૪, ૨૫, ૨૮માં લખેલા પાઊલના શબ્દોનો અર્થ શું થાય છે. (વાંચો.)
૧૭, ૧૮. (ક) કઈ રીતે યહોવા માનવ ઇતિહાસની શરૂઆતમાં “સર્વમાં સર્વ” હતા? (ખ) સંપ અને એકતા પાછા લાવવા ઈસુ શું કરશે?
૧૭ હજાર વર્ષના અંતે જીવન કેવું હશે, એનું વર્ણન “ઈશ્વર સર્વમાં સર્વ થાય,” એ શબ્દો કરતાં બીજી કોઈ સારી રીતે ન થઈ શકે. જોકે, એનો અર્થ શું થાય? એદન બાગના સમયનો વિચાર કરો. ત્યારે આદમ અને હવા સંપૂર્ણ હતા અને તેઓ યહોવાના શાંતિભર્યા અને સંપભર્યા વિશ્વ કુટુંબનો ભાગ હતા. વિશ્વના માલિક યહોવા પોતે સર્જેલા દરેક ઉપર રાજ કરતા હતા, ભલે પછી તે સ્વર્ગમાં હોય કે પૃથ્વી પર. તેઓ યહોવા સાથે જાતે વાત કરી શકતા, ભક્તિ કરી શકતા અને આશીર્વાદ મેળવતા. ત્યારે “ઈશ્વર સર્વમાં સર્વ” હતા.
૧૮ યહોવા વિશ્વના માલિક છે, એ વિષે માણસોએ શેતાનના કહેવામાં આવી જઈને બંડ પોકાર્યું. આમ, તેઓનો ઈશ્વર સાથેનો સારો સંબંધ તૂટી ગયો. એ સંપ અને એકતા પાછા લાવવા મસીહનું રાજ્ય ૧૯૧૪થી પગલાં લઈ રહ્યું છે. (એફે. ૧:૯, ૧૦) જે અદ્ભુત બાબતો હમણાં “અદૃશ્ય” છે, એ હજાર વર્ષના રાજ્યમાં હકીકત બની જશે. એ પછી “અંત” આવશે, એટલે કે ઈસુનું હજાર વર્ષનું રાજ્ય પૂરું થશે. પછી શું થશે? “આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર” અપાયો હોવા છતાં, ઈસુને સત્તાની ભૂખ નથી. તે યહોવાની જગ્યા પચાવી પાડવા માંગતા નથી. તે નમ્રતાથી “ઈશ્વરને એટલે બાપને રાજ્ય સોંપી દેશે.” તે પોતાની ખાસ પદવી અને અધિકારનો ઉપયોગ ‘ઈશ્વરને મહિમા’ આપવા કરશે.—માથ. ૨૮:૧૮; ફિલિ. ૨:૯-૧૧.
૧૯, ૨૦. (ક) રાજ્યની પ્રજા કઈ રીતે બતાવશે કે તેઓ યહોવાને જ વિશ્વના માલિક તરીકે સ્વીકારે છે? (ખ) આપણા માટે કેવું સુંદર ભાવિ રહેલું છે?
૧૯ એ સમય સુધીમાં, રાજ્યની પૃથ્વી પરની પ્રજાને સંપૂર્ણ કરવામાં આવશે. તેઓ ઈસુના પગલે ચાલશે અને યહોવા વિશ્વના માલિક છે, એ નમ્રતા અને ખુશીથી સ્વીકારશે. તેઓ પાસે તક છે કે છેલ્લી કસોટી સફળતાપૂર્વક પાર કરીને બતાવી આપે કે તેઓ એમ કરવા માંગે છે. (પ્રકટી. ૨૦:૭-૧૦) એ પછી બંડ પોકારનાર સર્વ માણસો અને ખરાબ દૂતોનો હંમેશ માટે નાશ કરવામાં આવશે. એ સમય કેટલા આનંદ અને ગર્વનો હશે! આખું વિશ્વ કુટુંબ ખુશીથી યહોવાની ભક્તિ કરશે. યહોવા “સર્વમાં સર્વ” થશે.—ગીતશાસ્ત્ર ૯૯:૧-૩ વાંચો.
૨૦ રાજ્ય આપણી માટે જે આશીર્વાદો જલદી જ લાવશે, એ આશા યહોવાની ઇચ્છા પ્રમાણે કરવા પર ધ્યાન આપવા અને પ્રયત્નો કરવા શું તમને પ્રેરણા આપે છે? શેતાનની દુનિયા ખોટી આશા અને દિલાસો આપે છે, એનાથી ફંટાતા શું પોતાને તમે રોકી શકો છો? યહોવા જ વિશ્વના માલિક છે એને ટેકો આપવા, શું તમે તમારી વફાદારીને મજબૂત કરશો? તમે હંમેશાં એમ કરવા ઇચ્છો છો એ તમારાં કાર્યોથી સાબિત કરો. પછી તમને હજાર વર્ષ અને હંમેશ માટે શાંતિ અને સુખ મળશે! (w12-E 09/15)