મહિમાવંત રાજા ખ્રિસ્તનો જય હો!
‘તમારા પ્રતાપે સવારી કરીને વિજયવંત થાઓ!’—ગીત. ૪૫:૪.
૧, ૨. ગીતશાસ્ત્ર ૪૫મો અધ્યાય આપણા માટે કેમ મહત્ત્વનો છે?
પ્રતાપી રાજા સત્ય અને ન્યાયપણા માટે દુશ્મનો પર જીત મેળવવા નીકળે છે. દુશ્મનો પર આખરી જીત મેળવીને તે એક સુંદર કન્યા સાથે લગ્ન કરે છે. આવનાર દરેક પેઢી તેમને યાદ રાખે છે અને વખાણ કરે છે. એવા અમુક બનાવોનું ગીતશાસ્ત્ર ૪૫મા અધ્યાયમાં વર્ણન થયું છે.
૨ એ અધ્યાય ફક્ત સારા અંતવાળો રોમાંચક અહેવાલ નથી. એમાં જણાવેલા બનાવોનો આપણા માટે મોટો અર્થ રહેલો છે. કારણ કે એ બનાવો આપણા હાલના જીવનને તો અસર કરે જ છે, ભાવિને પણ અસર કરશે. તેથી, ચાલો આપણે એ કવિતા પર ધ્યાનથી વિચારીએ.
“મારું હૃદય ઉત્તમ વિષયથી ઊભરાઈ જાય છે”
૩, ૪. (ક) કયો “ઉત્તમ વિષય” આપણા હૃદયને અસર કરે છે? (ખ) રાજા માટે આપણે કયો સંદેશો ફેલાવીએ છીએ અને આપણી જીભ કઈ રીતે લહિયાની કલમ જેવી બને છે?
૩ ગીતશાસ્ત્ર ૪૫:૧ વાંચો. આ કવિતામાં જે “ઉત્તમ વિષયથી” લેખકનું હૃદય “ઊભરાઈ જાય છે” એ રાજાને લગતી બાબતો છે. બીજા શબ્દોમાં કહીએ તો એ બાબતો સાંભળીને લેખકનું દિલ ઉત્સાહથી એટલું ભરાઈ ગયું કે જાણે ઊભરાવા લાગ્યું. અને તેમની જીભ “લહિયાની” એટલે કે નકલ ઉતારનારની “કલમ જેવી ચપળ” બની ગઈ.
૪ આપણા વિશે શું? આપણા માટે પણ મસીહી રાજ્યની ખુશખબર ઉત્તમ વિષય છે, જે આપણા હૃદયને અસર કરે છે. રાજ્ય વિશેની ખુશખબર ખાસ કરીને ૧૯૧૪માં “ઉત્તમ” બની. શા માટે? કારણ કે, ૧૯૧૪ પછી એ ખબર ભવિષ્યમાં આવનાર રાજ્ય વિશે રહી નહિ. પરંતુ, હમણાં સ્વર્ગમાં ચાલી રહેલી સરકારને લગતી બની ગઈ છે. આ એ જ ‘રાજ્યની સુવાર્તા’ છે, જેને આપણે ‘સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા આખા જગતમાં પ્રગટ કરીએ છીએ.’ (માથ. ૨૪:૧૪) શું આપણું હૃદય રાજ્યની ખુશખબરથી “ઊભરાઈ” જાય છે? શું આપણે રાજ્યની ખુશખબર ઉત્સાહથી ફેલાવીએ છીએ? લેખકની જેમ આપણી “કવિતા” પણ આપણા રાજા ઈસુ વિશે છે. સ્વર્ગમાં ચાલી રહેલા મસીહી રાજ્યના રાજા ઈસુ છે, એવો સંદેશો આપણે જાહેર કરીએ છીએ. ઉપરાંત, આપણે દુનિયાના દરેક શાસકને અને તેની પ્રજાને આમંત્રણ આપીએ છીએ કે ઈસુના રાજને આધીન થાય. (ગીત. ૨:૧, ૨, ૪-૧૨) સંદેશો ફેલાવવામાં આપણે બાઇબલનો ઉપયોગ કરીએ છીએ ત્યારે, આપણી જીભ પણ “લહિયાની કલમ જેવી ચપળ” બની જાય છે.
આપણે આનંદથી રાજા ઈસુ ખ્રિસ્ત વિશેની ખુશખબર જાહેર કરીએ છીએ
‘રાજાના હોઠો કૃપાથી ભરેલા છે’
૫. (ક) ઈસુ કયા અર્થમાં “સુંદર” હતા? (ખ) કઈ રીતે રાજાના “હોઠો કૃપાથી ભરેલા છે” અને આપણે તેમના દાખલાને કઈ રીતે અનુસરી શકીએ?
૫ ગીતશાસ્ત્ર ૪૫:૨ વાંચો. ઈસુના દેખાવ વિશે બાઇબલમાં ખાસ કંઈ જણાવ્યું નથી. એક સંપૂર્ણ વ્યક્તિ તરીકે તે ચોક્કસ “સુંદર” દેખાતા હશે. જોકે, યહોવા પ્રત્યેની તેમની વફાદારી એ તેમની અસલ સુંદરતા હતી. ઉપરાંત, ઈસુ રાજ્યનો સંદેશો “કૃપાથી” જણાવતા હતા. (લુક ૪:૨૨; યોહા. ૭:૪૬) શું આપણે પ્રચારમાં તેમના દાખલાને અનુસરવાનો બનતો પ્રયત્ન કરીએ છીએ? શું આપણે લોકોના દિલને અસર કરે એવા શબ્દો બોલીએ છીએ?—કોલો. ૪:૬.
૬. યહોવાએ કઈ રીતે ઈસુને ‘સદાકાળ માટે આશીર્વાદ’ આપ્યો છે?
૬ પૃથ્વી પર હતા ત્યારે ઈસુએ યહોવા પ્રત્યે પૂરી વફાદારી અને ઊંડો પ્રેમ બતાવ્યાં હતાં. એ કારણે યહોવાએ ઈસુના પ્રચારકાર્યને આશીર્વાદ આપ્યો. ઉપરાંત, ઈસુએ પોતાના જીવનનું બલિદાન આપ્યું એટલે યહોવાએ તેમને મોટું ઈનામ આપ્યું. પ્રેરિત પાઊલે ઈસુ વિશે લખ્યું કે તેમણે ‘માણસના આકારમાં પ્રગટ થઈને મરણને, હા, વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યા. એને લીધે, ઈશ્વર યહોવાએ તેમને ઘણા ઊંચા કર્યા અને સર્વ નામો કરતાં તેમને એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે આકાશમાંનાં, ભૂમિ પરનાં તથા ભૂમિ તળેનાં સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને નમે અને ઈશ્વરના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે.’ (ફિલિ. ૨:૮-૧૧) યહોવાએ ઈસુને સજીવન કર્યા પછી અવિનાશી જીવન આપીને ‘સદાકાળ માટે આશીર્વાદ’ આપ્યો છે.—રોમ. ૬:૯.
રાજાને તેમના “સાથીઓ” કરતાં શ્રેષ્ઠ કરવામાં આવ્યા છે
૭. શાને આધારે કહી શકાય કે યહોવાએ ઈસુને તેમના “સાથીઓ” કરતાં શ્રેષ્ઠ ગણીને અભિષિક્ત કર્યા છે?
૭ ગીતશાસ્ત્ર ૪૫:૭ વાંચો. ઈસુને ન્યાયી બાબતો માટે ઊંડો પ્રેમ છે. જ્યારે કે, તેમના પિતા યહોવાને અપમાનિત કરતી બાબતો માટે સખત નફરત છે. એ કારણે યહોવાએ તેમને મસીહી રાજ્યના રાજા બનાવ્યા છે. દાઊદના કુળમાંથી આવતા યહુદાના રાજાઓને ઈસુના “સાથીઓ” ગણવામાં આવે છે. તેઓ બધા કરતાં ઈસુને ‘શ્રેષ્ઠ ગણીને આનંદના તેલથી અભિષિક્ત’ કરવામાં આવ્યા છે. શાને આધારે કહી શકાય? પહેલું, યહોવાએ પોતે ઈસુને અભિષિક્ત કર્યા છે. બીજું, યહોવાએ ઈસુને રાજા અને પ્રમુખ યાજક તરીકે અભિષિક્ત કર્યા છે. (ગીત. ૨:૨; હિબ્રૂ ૫:૫, ૬) ત્રીજું, ઈસુને તેલથી નહિ પણ પવિત્ર શક્તિથી અભિષિક્ત કરવામાં આવ્યા છે. અને છેલ્લું, તે પૃથ્વી પરથી નહિ પણ સ્વર્ગમાંથી રાજ કરે છે.
૮. ઈશ્વર જ ઈસુનું રાજ્યાસન છે, એવું કઈ રીતે કહી શકાય? તેમનું રાજ્ય હંમેશાં ન્યાયી હશે એવી આપણને ખાતરી શા માટે છે?
૮ ગીતશાસ્ત્ર ૪૫:૬a વાંચો. યહોવાએ ૧૯૧૪માં તેમના દીકરા ઈસુને મસીહી રાજા તરીકે સ્વર્ગમાં નિયુક્ત કર્યા. ઈસુના રાજ્યનો ‘રાજદંડ’ એ ન્યાયનો રાજદંડ છે. તેથી આપણને ખાતરી મળે છે કે તેમનું રાજ હંમેશાં ન્યાયી અને વાજબી હશે. લેખકે લખ્યું કે “ઈશ્વર જ તમારું સનાતન રાજ્યાસન છે.” એ શબ્દો બતાવે છે કે યહોવાએ ઈસુને રાજ કરવાનો અધિકાર આપ્યો છે. આમ ઈસુને રાજા બનવાનો હક છે. વધુમાં, ઈસુનું રાજ્યાસન ‘સદાને માટે છે.’ યહોવાએ નિયુક્ત કરેલા રાજાના હાથ નીચે યહોવાની સેવા કરવામાં શું તમે ગર્વ અનુભવતા નથી?
રાજા ‘તરવાર કમરે બાંધે’ છે
૯, ૧૦. (ક) ખ્રિસ્તે પોતાની તરવાર કમરે ક્યારે બાંધી અને કઈ રીતે એનો ઉપયોગ કર્યો? (ખ) ભવિષ્યમાં ખ્રિસ્ત કઈ રીતે એ તરવારનો ઉપયોગ કરશે?
૯ ગીતશાસ્ત્ર ૪૫:૩ વાંચો. યહોવાએ રાજાને ‘તરવાર કમરે બાંધવા’ કહ્યું. આમ, યહોવાના રાજનો વિરોધ કરનાર લોકોની સાથે યુદ્ધ કરવાનો અધિકાર યહોવાએ ઈસુને આપ્યો છે. તેમ જ, એ લોકો પર ઈશ્વરનો ન્યાયચુકાદો લાવવાની જવાબદારી પણ આપી. (ગીત. ૧૧૦:૨) ઈસુ એવા રાજા અને યોદ્ધા છે, જેમને કોઈ હરાવી ન શકે. એ કારણે તે ‘પરાક્રમી’ કહેવાયા. ૧૯૧૪માં ઈસુએ તરવાર કમરે બાંધી અને એનો તરત ઉપયોગ કરીને શેતાન તેમ જ તેના દુષ્ટ દૂતોને હરાવીને સ્વર્ગમાંથી પૃથ્વી પર ફેંકી દીધા.—પ્રકટી. ૧૨:૭-૯.
૧૦ એ તો રાજાની વિજયવંત સવારીની ફક્ત શરૂઆત જ હતી. હજી તો ઈસુએ બધું “જીતવા”નું છે. (પ્રકટી. ૬:૨) શેતાનની દુષ્ટ દુનિયા પર યહોવાનો ન્યાયચુકાદો અમલ થવાનો હજી બાકી છે. પછી, શેતાન અને તેના દુષ્ટ દૂતોને ઊંડાણમાં નાખી દેવામાં આવશે, જેથી તેઓ કોઈને હાનિ ન પહોંચાડે. સૌથી પહેલા, મહાન બાબેલોન એટલે કે જૂઠા ધર્મોનું સામ્રાજ્ય નાબૂદ થશે. યહોવા રાજકીય નેતાઓનો ઉપયોગ કરીને એ દુષ્ટ “વેશ્યાનો” નાશ કરશે. (પ્રકટી. ૧૭:૧૬, ૧૭) ત્યાર બાદ રાજા આ દુનિયાની સરકારોનો પૂરેપૂરો વિનાશ કરશે. ખ્રિસ્ત જે ‘ઊંડાણનો દૂત’ પણ કહેવાય છે તે, શેતાન અને તેના દુષ્ટ દૂતોને ઊંડાણમાં નાખીને પોતાની જીત પૂરી કરશે. (પ્રકટી. ૯:૧, ૧૧; ૨૦:૧-૩) ચાલો આપણે જોઈએ કે એ બનાવો વિશે ગીતશાસ્ત્ર ૪૫મા અધ્યાયમાં શું ભાખવામાં આવ્યું છે.
રાજા “સત્ય” માટે સવારી કરે છે
૧૧. કઈ રીતે ખ્રિસ્ત “સત્ય” માટે સવારી કરે છે?
૧૧ ગીતશાસ્ત્ર ૪૫:૪ વાંચો. રાજા જે યુદ્ધ લડી રહ્યા છે એ પોતાના રાજ્યનો વિસ્તાર વધારવા અથવા લોકોને ગુલામ બનાવવા માટે નથી. તે એક સારા કારણ માટે આ યુદ્ધ લડી રહ્યા છે. તે “સત્ય, નમ્રતા તથા ન્યાયીપણાને” માટે સવારી કરે છે. સૌથી અગત્યનું “સત્ય” છે કે આખા વિશ્વ પર રાજ કરવાનો હક ફક્ત યહોવાને જ છે. એ સત્ય માટે ઈસુ લડી રહ્યા છે. ઈશ્વરના એ હક સામે શેતાને બળવો કર્યો છે. ત્યારથી દુષ્ટ દૂતો અને મનુષ્યોએ પણ એ સત્ય પર સવાલ ઉઠાવ્યો છે. જોકે, સમય આવી ગયો છે કે યહોવાનો અભિષિક્ત રાજા લડાઈ કરે અને સાબિત કરી આપે કે ફક્ત યહોવાને જ રાજ કરવાનો હક છે.
૧૨. કઈ રીતે રાજા “નમ્રતા” માટે સવારી કરે છે?
૧૨ રાજા “નમ્રતા” માટે પણ સવારી કરે છે. ઈસુએ નમ્રતા અને ઈશ્વરપિતાની આજ્ઞા પાળવામાં હંમેશાં સૌથી સારો દાખલો બેસાડ્યો છે. (યશા. ૫૦:૪, ૫; યોહા. ૫:૧૯) આપણે રાજાની વફાદાર પ્રજા બનવા માંગીએ છીએ. તેથી, તેમના દાખલાને અનુસરીએ અને આખા વિશ્વના માલિક યહોવાની આજ્ઞા નમ્રતાથી પાળતા રહીએ. ન્યાયી નવી દુનિયામાં ફક્ત તેઓને જ જવાનો મોકો મળશે જેઓ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરે છે.—ઝખા. ૧૪:૧૬, ૧૭.
૧૩. કઈ રીતે ખ્રિસ્ત “ન્યાયીપણા” માટે સવારી કરે છે?
૧૩ ખ્રિસ્ત “ન્યાયીપણા” માટે પણ સવારી કરે છે. એ ન્યાયીપણું ‘ઈશ્વરનું ન્યાયીપણું’ છે, જેને બીજા શબ્દોમાં કહીએ તો સાચું અને ખોટું નક્કી કરવાનાં ઈશ્વરનાં ધોરણો છે. (રોમ. ૩:૨૧; પુન. ૩૨:૪) યશાયા પ્રબોધકે રાજા ઈસુ ખ્રિસ્ત વિશે આમ ભાખ્યું હતું: “એક રાજા ન્યાયથી રાજ કરશે.” (યશા. ૩૨:૧) ઈસુ પોતાના રાજ દરમિયાન “નવાં આકાશ” અને “નવી પૃથ્વી” લાવશે જેમાં દરેક વ્યક્તિ ન્યાયીપણામાં વસશે. (૨ પીત. ૩:૧૩) એનો અર્થ થાય કે, નવી દુનિયામાં જીવી રહેલી દરેક વ્યક્તિએ સાચું અને ખોટું નક્કી કરતા યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવું પડશે.—યશા. ૧૧:૧-૫.
રાજા ‘ભયાવહ કાર્યો’ કરે છે
૧૪. ખ્રિસ્તનો જમણો હાથ કઈ રીતે ‘ભયાવહ કાર્યો’ પાર પાડશે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૧૪ સવારી કરતી વખતે રાજાની કમરે તરવાર બાંધેલી છે. (ગીત. ૪૫:૩) પરંતુ, હવે સમય આવી ગયો છે કે તે જમણા હાથથી તરવાર પકડે અને એને ચલાવે. લેખકે ભાખ્યું, ‘તમારો જમણો હાથ ભયાવહ કાર્યો’ પાર પાડશે. (ગીત. ૪૫:૪) આર્માગેદન વખતે ઈસુ ખ્રિસ્ત જ્યારે શેતાનની દુનિયાનો નાશ કરવા સવારી કરશે, ત્યારે તે પોતાના દુશ્મનો વિરુદ્ધ ભયાવહ કાર્યો પાર પાડશે. શેતાનની દુષ્ટ દુનિયાનો નાશ કરવા ઈસુ શાનો ઉપયોગ કરશે એ આપણે પૂરી રીતે જાણતા નથી. પરંતુ, આપણે એક વાત જાણીએ છીએ. કઈ? એ જ કે, ઈસુ જે કરશે એનાથી યહોવાની આજ્ઞા ન માનનારા અને ખ્રિસ્તના રાજને ન સ્વીકારનારા લોકો ડરથી ધ્રૂજશે. (ગીતશાસ્ત્ર ૨:૧૧, ૧૨ વાંચો.) અંત વિશે કરેલી ભવિષ્યવાણીમાં ઈસુએ જણાવ્યું કે ‘લોકો પૃથ્વી પર શું થશે એની અતિશય ચિંતાથી ભયભીત થઈ જશે. એ સમયે, પૃથ્વી પર જે કંઈ થશે એનાથી આકાશમાં જે બધું છે તે પણ બદલાઈ જશે. પછી લોકો માણસના દીકરાને પરાક્રમ સાથે અને મહા-મહિમા સહિત વાદળાંમાં આવતો જોશે.’—લુક ૨૧:૨૬, ૨૭, ઈઝી-ટુ-રીડ વર્ઝન.
૧૫, ૧૬. યુદ્ધમાં ઈસુની પાછળ ચાલનારા સ્વર્ગનાં “સૈન્યો”માં કોનો સમાવેશ થાય છે?
૧૫ ઈશ્વરના દુશ્મનોનો નાશ કરવા રાજા પોતાના “પરાક્રમ સાથે અને મહા-મહિમા સહિત” આવે છે. એનું વર્ણન કરતા પ્રકટીકરણનું પુસ્તક જણાવે છે, ‘મેં સ્વર્ગ ઊઘડેલું જોયું, તો જુઓ, એક શ્વેત ઘોડો અને તેના પર એક જણ બેઠેલો છે, તેનું નામ વિશ્વાસુ તથા સાચો છે. તે પ્રામાણિકપણે ન્યાય અને લડાઈ કરે છે. સ્વર્ગમાંનાં સૈન્યો શ્વેત ઘોડા પર સવાર થઈને ઊજળાં અને શુદ્ધ બારીક શણનાં કપડાં પહેરીને તેની પાછળ પાછળ ચાલ્યાં. તેના મોંમાંથી ધારવાળી તરવાર નીકળે છે કે એનાથી તે વિદેશીઓને મારે; તે લોઢાના દંડથી તેઓના પર અધિકાર ચલાવશે અને સર્વશક્તિમાન ઈશ્વરના સખત કોપનો દ્રાક્ષાકુંડ તે ખૂંદે છે.’—પ્રકટી. ૧૯:૧૧, ૧૪, ૧૫.
૧૬ યુદ્ધમાં ઈસુની પાછળ ચાલનારા સ્વર્ગનાં “સૈન્યો”માં કોનો સમાવેશ થાય છે? ઈસુએ પહેલી વાર તરવાર કમરે બાંધીને શેતાન અને તેના દુષ્ટ દૂતોને સ્વર્ગમાંથી ફેંકી દીધા હતા. એ સમયે ઈસુને ‘તેમના દૂતોએ’ સાથ આપ્યો હતો. (પ્રકટી. ૧૨:૭-૯) તેથી, એ માનવું યોગ્ય છે કે આર્માગેદનના યુદ્ધ વખતે ખ્રિસ્તના સૈન્યમાં સ્વર્ગદૂતોનો પણ સમાવેશ થશે. શું એ સૈન્યમાં બીજા કોઈનો સમાવેશ થશે? ઈસુએ પોતાના અભિષિક્ત ભાઈઓને આ વચન આપ્યું હતું: ‘જે જીતે છે અને અંત સુધી મારાં કામ કરતો રહે છે, તેને હું વિદેશીઓ પર અધિકાર આપીશ. તે લોઢાના દંડથી વિદેશીઓ પર અધિકાર ચલાવશે અને કુંભારના વાસણની જેમ તેઓના કકડેકકડા થઈ જશે. હું પણ મારા પિતા પાસેથી એમ જ અધિકાર પામ્યો છું.’ (પ્રકટી. ૨:૨૬, ૨૭) એ પરથી, કહી શકાય કે ખ્રિસ્તના સૈન્યમાં સ્વર્ગનું ઇનામ મેળવી લેનાર અભિષિક્તોનો પણ સમાવેશ થાય છે. વિદેશીઓનો નાશ કરીને ઈસુ ‘ભયાવહ કાર્યો’ કરશે ત્યારે અભિષિક્તો તેમની જોડે જ હશે.
રાજા જીત પૂરી કરે છે
૧૭. (ક) ખ્રિસ્ત જે સફેદ ઘોડા પર સવાર છે એ શાને રજૂ કરે છે? (ખ) તરવાર અને ધનુષ્ય શાને રજૂ કરે છે?
૧૭ ગીતશાસ્ત્ર ૪૫:૫ વાંચો. રાજા સફેદ ઘોડા પર સવાર છે, જે યહોવાની નજરે શુદ્ધ અને ન્યાયી યુદ્ધને રજૂ કરે છે. (પ્રકટી. ૬:૨; ૧૯:૧૧) તરવારની સાથે સાથે રાજા પાસે ધનુષ્ય પણ છે. બાઇબલ જણાવે છે કે, “મેં જોયું, તો જુઓ, એક સફેદ ઘોડો હતો, ને તેના પર જે બેઠેલો હતો તેની પાસે એક ધનુષ્ય હતું; અને તેને મુગટ આપવામાં આવ્યો, અને તે જીતતો તથા જીતવા માટે નીકળ્યો.” તરવાર અને ધનુષ્ય શાને રજૂ કરે છે? ખ્રિસ્ત પોતાના દુશ્મનોનો જે રીતે નાશ કરવાના છે એને રજૂ કરે છે.
૧૮. ખ્રિસ્ત જ્યારે “બાણ”નો ઉપયોગ કરશે ત્યારે શું બનશે?
૧૮ ઈશ્વરભક્તે કવિતાના રૂપમાં રાજા વિશે ભાખ્યું કે ‘તારાં બાણ તીક્ષ્ણ છે. તે રાજાના શત્રુઓના હૃદયને વીંધે છે. તેથી, લોકો તને શરણ થાય છે.’ એ વખતે દુનિયા ફરતે વિનાશ હશે. યિર્મેયાની ભવિષ્યવાણી જણાવે છે: ‘તે દિવસે યહોવાથી નાશ કરાયેલા લોકો પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી દેખાઈ આવશે.’ (યિર્મે. ૨૫:૩૩) એ જ બનાવ વિશે બીજી એક ભવિષ્યવાણી જણાવે છે કે, “મેં એક દૂતને સૂર્યમાં ઊભો રહેલો જોયો. તેણે અંતરિક્ષમાં ઊડનારાં સર્વ પક્ષીઓને મોટે સાદે હાંક મારી કે તમે આવો અને ઈશ્વરના મોટા જમણને માટે એકઠાં થાઓ; કે તમે રાજાઓનું, સેનાપતિઓનું, શૂરવીરોનું, ઘોડાઓનું અને સવારોનું, સર્વ સ્વતંત્ર તથા દાસોનું, નાના તથા મોટાનું માંસ ખાઓ.”—પ્રકટી. ૧૯:૧૭, ૧૮.
૧૯. ખ્રિસ્ત કઈ રીતે પોતાની જીત પૂરી કરશે?
૧૯ શેતાનના દુષ્ટ જગતનો નાશ કર્યા પછી, પ્રતાપી રાજા ‘વિજયી’ થશે. (ગીત. ૪૫:૪) તે પોતાની જીત શેતાન અને તેના દુષ્ટ દૂતોને ઊંડાણમાં નાખીને પૂરી કરશે. હજાર વર્ષનાં રાજ દરમિયાન તેઓ ઊંડાણમાં જ રહેશે. (પ્રકટી. ૨૦:૨, ૩) જ્યારે કે, એ સમયમાં ખ્રિસ્ત અને ૧,૪૪,૦૦૦ અભિષિક્તો સ્વર્ગમાંથી રાજ કરશે. શેતાન અને તેના દુષ્ટ દૂતો જાણે મૃત સ્થિતિમાં હશે કેમ કે, તેઓ પૃથ્વી પર કોઈને નુકસાન નહિ પહોંચાડી શકે. પૃથ્વી પર બધા જ લોકો રાજાના રાજ્યનો આનંદ માણી શકશે. જોકે, આખી દુનિયા સુંદર બાગ જેવી બની જાય એ પહેલાં પણ એક મોટા આનંદનો પ્રસંગ હશે. એમાં લોકોને ખ્રિસ્ત અને ૧,૪૪,૦૦૦ અભિષિક્તોની સાથે મળીને આનંદ કરવાનો લહાવો મળશે. એ વિશે આપણે આવતા લેખમાં જોઈશું.
a ગીતશાસ્ત્ર ૪૫:૬ (NW): “ઈશ્વર જ તમારું સનાતન રાજ્યાસન છે, સદાને માટે; તમારો રાજદંડ એ ન્યાયનો રાજદંડ છે.”