“જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે” એનું રહસ્ય યહોવા ખોલે છે
“ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ, એટલે જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે તે વિષેનું પ્રકટીકરણ જે પોતાના સેવકોને કહી દેખાડવા માટે ઈશ્વરે તેને આપ્યું તે.”—પ્રકટી. ૧:૧.
તમે કેવો જવાબ આપશો?
મોટી મૂર્તિના કયા ભાગો એંગ્લો-અમેરિકન જગત સત્તાને રજૂ કરે છે?
એંગ્લો-અમેરિકન જગત સત્તા અને સંયુક્ત રાષ્ટ્રસંઘ વચ્ચેનો સંબંધ યોહાન કેવી રીતે દર્શાવે છે?
દાનીયેલ અને યોહાન માનવ સરકારોના અંતનું કેવું વર્ણન કરે છે?
૧, ૨. (ક) દાનીયેલ અને યોહાનની ભવિષ્યવાણીઓ આપણને શું સમજવા મદદ કરે છે? (ખ) જંગલી જાનવરનાં પહેલા છ માથાં શાને રજૂ કરે છે?
દાનીયેલ અને યોહાનની ભવિષ્યવાણીઓને એકસાથે જોઈએ તો, આપણે દુનિયામાં હમણાં બની રહેલા તેમ જ ભવિષ્યમાં બનનાર બનાવોનો અર્થ સમજી શકીશું. યોહાને દર્શનમાં જોયેલું જંગલી જાનવર, દાનીયેલના અહેવાલમાંનું દસ શિંગડાંવાળું ભયંકર જાનવર અને દાનીયેલે જેનો અર્થ સમજાવ્યો એ મોટી મૂર્તિ, આ ત્રણેયને એકબીજા સાથે સરખાવવાથી આપણે શું શીખી શકીએ? આ ભવિષ્યવાણીઓની ખરી સમજણ મેળવવાથી આપણને શું કરવા પ્રેરણા મળશે?
૨ ચાલો આપણે દાનીયેલને થયેલા જંગલી જાનવરના દર્શન વિષે જોઈએ. (પ્રકટી., તેરમો અધ્યાય) અગાઉના લેખમાં જોઈ ગયા તેમ, જાનવરનાં પહેલા છ માથાં ઇજિપ્ત, આશ્શૂર, બાબેલોન, માદાય-ઈરાન, ગ્રીસ અને રોમને રજૂ કરતા હતાં. આ બધી સત્તાઓએ સ્ત્રીના સંતાન માટે ધિક્કાર બતાવ્યો હતો. (ઉત. ૩:૧૫) યોહાને પોતાને થયેલા દર્શન વિષે લખ્યું એ પછી સદીઓ સુધી, છઠ્ઠું માથું રોમ એક મુખ્ય જગત સત્તા તરીકે ટકી રહ્યું. આખરે રોમનું સ્થાન સાતમું માથું લેવાનું હતું. એ કઈ જગત સત્તા હતી? સ્ત્રીના સંતાન સાથે એ કેવી રીતે વર્તવાની હતી?
બ્રિટન અને અમેરિકા શક્તિશાળી બને છે
૩. દસ શિંગડાંવાળું ભયંકર જાનવર શાને રજૂ કરે છે? એનાં દસ શિંગડાં શાને રજૂ કરે છે?
૩ પ્રકટીકરણના તેરમા અધ્યાયમાં જણાવેલા, જંગલી જાનવરના સાતમા માથાની ઓળખ આપણે કઈ રીતે મેળવી શકીએ? યોહાનના દર્શનને દાનીયેલના દર્શનમાંના દસ શિંગડાંવાળા ભયંકર જાનવર સાથે સરખાવવાથી.a (દાનીયેલ ૭:૭, ૮, ૨૩, ૨૪ વાંચો.) દાનીયેલે જોયેલું જાનવર રોમન જગત સત્તાને રજૂ કરે છે. (પાન ૧૪-૧૫ ઉપર ચાર્ટ જુઓ.) પાંચમી સદીમાં રોમન સામ્રાજ્યના ભાગલા પડવા લાગ્યા. ભયંકર જાનવરના માથામાં ફૂટી નીકળતાં દસ શિંગડાં એ સામ્રાજ્યમાંથી નીકળતી બીજી સત્તાઓને રજૂ કરે છે.
૪, ૫. (ક) નાના શિંગડાંએ શું કર્યું? (ખ) જંગલી જાનવરના સાતમા માથાની ઓળખ શું છે?
૪ ભયંકર જાનવરના માથામાંથી નીકળતાં ચાર શિંગડાં કે સત્તાઓનો ખાસ અર્થ રહેલો છે. ત્રણ શિંગડાઓને એક “નાનું શિંગડું” ઉખેડી નાંખે છે. રોમન સામ્રાજ્યનો એક સમયનો ભાગ, બ્રિટન, સમય જતાં મોટી સત્તા બને છે ત્યારે આ ભવિષ્યવાણી પૂરી થાય છે. સત્તરમી સદી સુધી બ્રિટન શક્તિશાળી સત્તા બન્યું ન હતું. એ સમયે જૂના રોમન સામ્રાજ્યના ત્રણ ભાગો સ્પેન, નેધરલૅન્ડ અને ફ્રાંસ ઘણા શક્તિશાળી હતા. બ્રિટને તેઓને એક પછી એક ઉથલાવી નાખ્યાં અને તેઓથી વધારે શક્તિશાળી બની ગયું. અઢારમી સદીના મધ્ય ભાગમાં બ્રિટન દુનિયામાં સૌથી શક્તિશાળી સત્તા બનવા જઈ રહ્યું હતું. તોપણ, એ હજી જંગલી જાનવરનું સાતમું માથું બન્યું ન હતું.
૫ ભલે બ્રિટન સૌથી શક્તિશાળી બન્યું, પણ ઉત્તર અમેરિકાની વસાહતોએ બળવો કર્યો અને અમેરિકા દેશ બન્યો. તેમ છતાં, બ્રિટને અમેરિકાને શક્તિશાળી બનતા અટકાવ્યું નહિ. અરે, પોતાના નૌકા સૈન્યથી એનું રક્ષણ પણ કર્યું. પ્રભુનો દિવસ ૧૯૧૪માં શરૂ થયો ત્યાં સુધીમાં, બ્રિટન ઇતિહાસનું સૌથી મોટું સામ્રાજ્ય બની ચૂક્યું હતું અને અમેરિકાના ઉદ્યોગોનો દુનિયાભરમાં ડંકો વાગતો હતો.b પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન, અમેરિકા બ્રિટનનું ખાસ જોડીદાર બન્યું. આમ, જંગલી જાનવરનું સાતમું માથું એંગ્લો-અમેરિકન જગત સત્તા બન્યું. આ સાતમું માથું સ્ત્રીના સંતાન સાથે કઈ રીતે વર્ત્યું?
૬. સાતમું માથું ઈશ્વરના લોકો સાથે કેવી રીતે વર્ત્યું?
૬ પ્રભુનો દિવસ શરૂ થયો એના થોડા સમય પછી, સાતમા માથાએ ઈશ્વરના લોકો પર હુમલો કર્યો. આ લોકો પૃથ્વી પર ખ્રિસ્તના ભાઈઓમાંથી બાકી રહેલા ઈશ્વરભક્તો હતા. (માથ. ૨૫:૪૦) ઈસુએ જણાવ્યું હતું કે પ્રભુના દિવસની શરૂઆતમાં, સંતાનનો બાકી રહેલો ભાગ પૃથ્વી પર તેમણે સોંપેલું કામ કરતો હશે. (માથ. ૨૪:૪૫-૪૭; ગલા. ૩:૨૬-૨૯) એંગ્લો-અમેરિકન જગત સત્તા આ પવિત્ર લોકો સામે લડી. (પ્રકટી. ૧૩:૩, ૭) આ સત્તાએ પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન ઈશ્વરના લોકોની સતાવણી કરી, તેઓનાં અમુક સાહિત્ય પર પ્રતિબંધ મૂક્યો અને વિશ્વાસુ ચાકર વર્ગના આગેવાનોને જેલમાં પૂરી દીધા. સાતમા માથાએ થોડા સમય માટે પ્રચાર કાર્યને લગભગ બંધ કરી દીધું હતું. યહોવા જાણતા હતા કે આમ થશે અને તેમણે એ વિષે યોહાનને જણાવ્યું હતું. તેમણે યોહાનને એ પણ જણાવ્યું હતું કે સંતાનનો બીજો ભાગ જોરશોરથી પ્રચાર કામ કરવા ફરીથી ઊઠશે. (પ્રકટી. ૧૧:૩, ૭-૧૧) યહોવાના સેવકોનો આપણા સમયનો ઇતિહાસ જણાવે છે કે એ મુજબ જ બન્યું હતું.
એંગ્લો-અમેરિકન જગત સત્તા તથા લોઢા અને માટીના પગના પંજા
૭. જંગલી જાનવરનું સાતમું માથું અને મોટી મૂર્તિ વચ્ચે શો સંબંધ છે?
૭ જંગલી જાનવરના સાતમા માથા અને મોટી મૂર્તિ વચ્ચે શો સંબંધ છે? અમેરિકા બ્રિટનમાંથી છૂટું પડ્યું હતું અને બ્રિટન રોમન સામ્રાજ્યમાંથી આવ્યું હતું. એટલે આપણે કહી શકીએ કે અમેરિકા પણ રોમન સામ્રાજ્યમાંથી આવ્યું હતું. મૂર્તિના પગની પાટલીઓ કે પંજા વિષે શું? એનું વર્ણન લોઢા અને માટીના મિશ્રણ તરીકે થયું છે. (દાનીયેલ ૨:૪૧-૪૩ વાંચો.) આ વર્ણન એ જ બનાવની વાત કરે છે, જ્યારે જંગલી જાનવરનું સાતમું માથું દેખાશે. સાતમું માથું એટલે એંગ્લો-અમેરિકન જગત સત્તા. એકલા લોઢાની બનેલી વસ્તુ કરતાં, લોઢા અને માટીના મિશ્રણની બનેલી વસ્તુ નબળી હોય છે. એ જ રીતે, એંગ્લો-અમેરિકન જગત સત્તા જે સત્તામાંથી નીકળી છે એના કરતાં નબળી છે. એમ કઈ રીતે?
૮, ૯. (ક) કેવી રીતે સાતમા માથાએ લોઢા જેવી તાકાત દેખાડી? (ખ) મૂર્તિના પગના પંજાની માટી શાને રજૂ કરે છે?
૮ અમુક વાર જાનવરના સાતમા માથાએ લોઢા જેવો સ્વભાવ બતાવ્યો. દાખલા તરીકે, એણે પહેલું વિશ્વયુદ્ધ જીતીને પોતાની તાકાતનો પરચો બતાવ્યો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સાતમા માથાની લોઢા જેવી તાકાત પણ જોઈ શકાતી હતી.c એ યુદ્ધ પછી પણ સાતમા માથાએ કેટલીક વાર પોતાની લોઢા જેવી શક્તિ દેખાડી. જોકે, એ પહેલાંથી એ લોઢા સાથે માટી ભળી હતી.
૯ યહોવાના સેવકો લાંબા સમયથી એ મૂર્તિના પગના પંજાનો અર્થ જાણવા માગતા હતા. દાનીયેલ ૨:૪૧ વર્ણન કરે છે તેમ લોઢા અને માટીનું મિશ્રણ, અનેક નહિ પણ એક “રાજ્ય”ને રજૂ કરે છે. એટલે માટી એંગ્લો-અમેરિકન જગત સત્તામાં રહેલી એવી બાબતોને રજૂ કરે છે, જે એ સત્તાને લોઢા જેવા રોમન સામ્રાજ્યથી નબળી બનાવે છે. માટી “માણસોના સંતાન” એટલે કે સામાન્ય લોકોને રજૂ કરે છે. (દાની. ૨:૪૩) એંગ્લો-અમેરિકન જગત સત્તામાં લોકોએ પોતાના હક્કો મેળવવા અવાજ ઉઠાવ્યો છે. એ માટે તેઓએ નાગરિક હક્કોની ઝુંબેશો, મજૂર સંઘો અને આઝાદીની ચળવળોનો સહારો લીધો છે. સામાન્ય લોકોએ એંગ્લો-અમેરિકન જગત સત્તાની લોઢાની જેમ વર્તવાની શક્તિને નબળી પાડી દીધી છે. ઉપરાંત, રાજકારણમાં લોકોના અલગ અલગ વિચારો છે અને જાણીતા આગેવાનો ચૂંટણીમાં ખૂબ ઓછા મતોથી જીતે છે. એટલે તેઓ પાસે પોતે આપેલાં વચનો પાળવાનો પૂરતો અધિકાર નથી. દાનીયેલે જણાવ્યું: “તે રાજ્યનો એક ભાગ બળવાન થશે ને બાકીનો ભાગ તકલાદી થશે.”—દાની. ૨:૪૨; ૨ તીમો. ૩:૧-૩.
૧૦, ૧૧. (ક) પગના પંજાનું ભાવિ શું છે? (ખ) આપણે પગનાં આંગળાંની સંખ્યા વિષે શું સમજણ મેળવી?
૧૦ એકવીસમી સદીમાં પણ બ્રિટન અને અમેરિકા એકબીજાના જોડીદાર રહ્યા છે. તેઓ દુનિયાની મહત્ત્વની બાબતોમાં મોટા ભાગે એકબીજાને સાથ આપે છે. મોટી મૂર્તિ અને જંગલી જાનવર વિષેની ભવિષ્યવાણીઓ સાબિત કરે છે કે એંગ્લો-અમેરિકન જગત સત્તા પછી બીજી કોઈ જગત સત્તા આવશે નહિ. ભલે આ છેલ્લી જગત સત્તા, લોઢાના પગ દ્વારા રજૂ થતી અગાઉની જગત સત્તા, રોમ કરતાં નબળી હોય, પણ એનો પોતાની મેળે અંત નહિ આવે.
૧૧ શું મૂર્તિના પગનાં આંગળાંનો કોઈ ખાસ અર્થ રહેલો છે? વિચાર કરો કે બીજાં દર્શનોમાં, દાનીયેલે ચોક્કસ સંખ્યા જણાવી હતી. જેમ કે, જુદાં જુદાં જાનવરોનાં માથાંનાં શિંગડાંની સંખ્યા. એ સંખ્યા મહત્ત્વની છે. પરંતુ, દાનીયેલે મૂર્તિનું વર્ણન કર્યું ત્યારે પગનાં આંગળાંની સંખ્યા વિષે કંઈ જણાવ્યું ન હતું. એટલે, જેમ મૂર્તિને એક કરતાં વધારે હાથ-પગ, આંગળાં અને પગના પંજા હતા, પણ એની સંખ્યાનું કોઈ મહત્ત્વ નથી, તેમ પગનાં આંગળાંની સંખ્યાનું પણ કોઈ મહત્ત્વ નથી. પરંતુ, દાનીયેલે એ ચોક્કસ જણાવ્યું હતું કે પગના આંગળાં લોઢા અને માટીના હશે. તેમના વર્ણન પરથી આપણે આ સમજણ મેળવીએ છીએ: ઈશ્વરના રાજ્યને રજૂ કરતી “શિલા” મૂર્તિના પગના પંજા સાથે અથડાશે ત્યારે, એંગ્લો-અમેરિકન જગત સત્તા રાજ કરતી હશે.—દાની. ૨:૪૫.
એંગ્લો-અમેરિકા અને બે શિંગડાંવાળું જંગલી જાનવર
૧૨, ૧૩. બે શિંગડાંવાળું જંગલી જાનવર શાને રજૂ કરે છે? એ શું કરે છે?
૧૨ એંગ્લો-અમેરિકન જગત સત્તા લોઢા અને માટીનું મિશ્રણ છે. તોપણ, ઈસુએ યોહાનને આપેલાં દર્શનો બતાવે છે કે છેલ્લા દિવસોમાં એ જગત સત્તા મહત્ત્વની ભૂમિકા ભજવતી રહેશે. કેવી રીતે? યોહાને દર્શનમાં બે શિંગડાંવાળું જંગલી જાનવર જોયું, જે અજગરની જેમ બોલતું હતું. એ અજાયબ જાનવર શાને રજૂ કરે છે? એનાં બે શિંગડાં બેવડી સત્તાને રજૂ કરે છે. આમ, એ દર્શનમાં યોહાન એંગ્લો-અમેરિકન જગત સત્તાને ખાસ ભૂમિકા ભજવતી જુએ છે.—પ્રકટીકરણ ૧૩:૧૧-૧૫ વાંચો.
૧૩ આ જાનવર, સાત માથાવાળા જંગલી જાનવરની મૂર્તિ બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. યોહાને લખ્યું કે જાનવરની એ મૂર્તિ દેખાશે, ગાયબ થઈ જશે અને પાછી દેખાશે. બ્રિટન અને અમેરિકાએ જે સંસ્થા સ્થાપવા પાછળ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો, એની સાથે એવું જ થયું. એ સંસ્થા દુનિયાના દેશોને એક કરવા અને તેઓ વતી બોલવા માટે શરૂ કરવામાં આવી હતી.d એ સંસ્થા પહેલા વિશ્વયુદ્ધ પછી દેખાઈ અને લીગ ઓફ નેશન્સ તરીકે જાણીતી થઈ. પરંતુ, બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે એ ગાયબ થઈ ગઈ. એ યુદ્ધ દરમિયાન, ઈશ્વરના લોકોએ જાહેર કર્યું કે પ્રકટીકરણની ભવિષ્યવાણી મુજબ, જંગલી જાનવરની એ મૂર્તિ પાછી દેખાશે. એ સંયુક્ત રાષ્ટ્રસંઘ તરીકે પાછી દેખાઈ!—પ્રકટી. ૧૭:૮.
૧૪. જંગલી જાનવરની મૂર્તિ કયા અર્થમાં “આઠમો” રાજા છે?
૧૪ જાનવરની મૂર્તિનું ‘આઠમા’ રાજા તરીકે યોહાન વર્ણન કરે છે. કયા અર્થમાં? જંગલી જાનવરના આઠમા માથા તરીકે એનું વર્ણન કરવામાં આવ્યું નથી. એ તો જાનવરની ફક્ત મૂર્તિ જ છે. જે કંઈ સત્તા એને મળે છે, એ એના સભ્ય દેશો પાસેથી આવે છે, ખાસ કરીને એને મુખ્ય ટેકો આપનાર, એંગ્લો-અમેરિકન જગત સત્તા પાસેથી. (પ્રકટી. ૧૭:૧૦, ૧૧) જોકે, એને એવી સત્તા મળે છે, જેથી એ રાજા તરીકે વર્તીને એક ખાસ કામ કરે. એ કામથી એવા બનાવોની હારમાળા શરૂ થશે, જે ઇતિહાસ બદલી નાખશે.
જાનવરની મૂર્તિ દ્વારા વેશ્યાનો નાશ
૧૫, ૧૬. વેશ્યા શાને દર્શાવે છે અને તેને ટેકો આપનારાને શું થયું છે?
૧૫ યોહાનના જણાવ્યા પ્રમાણે, ઘેરા લાલ રંગના જંગલી જાનવર પર સવાર એક વેશ્યા એના પર અધિકાર ચલાવે છે. આ જાનવર, સાત માથાવાળા જંગલી જાનવરની મૂર્તિ છે. એના પર સવાર વેશ્યાનું નામ “મહાન બાબેલોન” છે. (પ્રકટી. ૧૭:૧-૬) આ વેશ્યા બધા જૂઠા ધર્મો, ખાસ કરીને કહેવાતા ખ્રિસ્તી ધર્મના બધા ચર્ચને બરાબર બંધબેસે છે. ધાર્મિક સંગઠનોએ જંગલી જાનવરની મૂર્તિને આશીર્વાદ આપ્યો છે અને એને કાબૂમાં રાખવાનો પ્રયાસ કર્યો છે.
૧૬ જોકે, પ્રભુના દિવસ દરમિયાન, મહાન બાબેલોને પાણીને ઝડપથી સૂકાઈ જતા જોયું છે; આ પાણી એને ટેકો આપતા લોકો છે. (પ્રકટી. ૧૬:૧૨; ૧૭:૧૫) દાખલા તરીકે, જાનવરની મૂર્તિ પહેલી વાર દેખાઈ ત્યારે મહાન બાબેલોનનો મહત્ત્વનો ભાગ, એટલે કે કહેવાતા ખ્રિસ્તી ધર્મના બધા ચર્ચની પશ્ચિમના દેશો પર ભારે પકડ હતી. આજે, ચર્ચ અને એના પાદરીઓ લોકોની નજરમાંથી ઊતરી ગયા છે. અરે, તેઓએ લોકોનો ટેકો પણ ગુમાવી દીધો છે. ઘણા લોકો માને છે કે લડાઈઓ પાછળ ધર્મોનો હાથ છે અથવા બધી તકલીફોનું મૂળ ધર્મો છે. બીજાઓ તો ખુલ્લેઆમ ત્યાં સુધી કહે છે કે દુનિયામાંથી બધા ધર્મોને મિટાવી દેવા જોઈએ.
૧૭. જૂઠા ધર્મોનું જલદી જ શું થવાનું છે? શા માટે?
૧૭ પરંતુ, જૂઠા ધર્મો કંઈ ધીરે ધીરે જતા નહિ રહે. જેઓ પાસે સત્તા છે તેઓના દિલમાં ઈશ્વર વિચાર મૂકશે ત્યાં સુધી, વેશ્યા શક્તિશાળી રહેશે અને દુનિયાના રાજાઓને પોતાની ઇચ્છા પ્રમાણે કરાવવાનો પ્રયત્ન કરશે. (પ્રકટીકરણ ૧૭:૧૬, ૧૭ વાંચો.) સંયુક્ત રાષ્ટ્રસંઘ, જે શેતાનની દુનિયાની સત્તાઓને રજૂ કરે છે, એને યહોવા જલદી જ જૂઠા ધર્મો પર હુમલો કરવા પ્રેરશે. એ સત્તાઓ વેશ્યાની અસર મિટાવી દેશે અને તેની ધનદોલતને ખેદાનમેદાન કરી નાખશે. વીસ-ત્રીસ વર્ષો પહેલાં એવું લાગતું હતું કે આવું નહિ થાય. પણ આજે ઘેરા લાલ રંગના જંગલી જાનવરની પીઠ પર બેઠેલી વેશ્યા ડગમગી રહી છે. તોપણ, એ ધીમેથી ગબડી નહિ પડે. તે અચાનક ગબડી પડશે અને નાશ પામશે.—પ્રકટી. ૧૮:૭, ૮, ૧૫-૧૯.
જાનવરોનો આખરે વિનાશ!
૧૮. (ક) જંગલી જાનવર શું કરશે? એનું શું પરિણામ આવશે? (ખ) દાનીયેલ ૨:૪૪ મુજબ, ઈશ્વરનું રાજ્ય કઈ સરકારોનો નાશ કરશે? (પાન ૧૯ ઉપરનું બૉક્સ જુઓ.)
૧૮ જૂઠા ધર્મોનો નાશ થયા પછી, દેખીતી રીતે જ ઈશ્વરના રાજ્ય પર હુમલો કરવા જંગલી જાનવરને, એટલે કે શેતાનની પૃથ્વી પરની રાજકીય ગોઠવણને પ્રેરવામાં આવશે. પૃથ્વીના રાજાઓ સ્વર્ગ સુધી પહોંચી શકતા નથી. એટલે તેઓ પૃથ્વી પર ઈશ્વરના રાજ્યને ટેકો આપતા લોકો પર પોતાનો ગુસ્સો ઠાલવશે. એનું જે પરિણામ આવશે એ ચોક્કસ છે. (પ્રકટી. ૧૬:૧૩-૧૬; ૧૭:૧૨-૧૪) દાનીયેલ છેલ્લી લડાઈના એક ભાગ વિષે વર્ણન કરે છે. (દાનીયેલ ૨:૪૪ વાંચો.) પ્રકટીકરણ ૧૩:૧માં જણાવેલા જંગલી જાનવર, એની મૂર્તિ અને બે શિંગડાંવાળા જંગલી જાનવરનો નાશ કરવામાં આવશે.
૧૯. આપણે કેવો ભરોસો રાખી શકીએ? આપણે હમણાં શું કરવું જોઈએ?
૧૯ આપણે સાતમા માથાના સમયમાં જીવી રહ્યા છીએ. આ જાનવરનો નાશ થાય એ પહેલાં એના પર કોઈ નવું માથું દેખાશે નહિ. જૂઠા ધર્મો નાબૂદ થશે એ સમયે, એંગ્લો-અમેરિકન જગત સત્તા દુનિયાની શક્તિશાળી સત્તા હશે. દાનીયેલ અને યોહાનની ભવિષ્યવાણીઓની નાનામાં નાની વિગતો પૂરી થઈ છે. આપણે પૂરો ભરોસો રાખી શકીએ કે જલદી જ જૂઠા ધર્મોનો નાશ અને આર્માગેદનની લડાઈ થશે. ઈશ્વરે આ બધી વિગતો અગાઉથી જણાવી છે. ભવિષ્યવાણીમાં આપેલી ચેતવણીઓને શું આપણે ધ્યાન આપીશું? (૨ પીત. ૧:૧૯) આ જ સમય છે કે આપણે યહોવાના પક્ષે ઊભા રહીએ અને તેમના રાજ્યને ટેકો આપીએ.—પ્રકટી. ૧૪:૬, ૭. (w12-E 06/15)
[ફુટનોટ્સ]
a બાઇબલમાં દસનો આંકડો મોટા ભાગે પૂરેપૂરી સંખ્યાને દર્શાવે છે. આ કિસ્સામાં, રોમન સામ્રાજ્યમાંથી નીકળતી બધી સત્તાઓને રજૂ કરે છે.
b બ્રિટન અને અમેરિકા બંને અઢારમી સદીથી હતા. તોપણ, યોહાને જોયેલું દર્શન બતાવે છે કે પ્રભુના દિવસની શરૂઆતમાં એ બંને દેશો એક જગત સત્તા બનશે. પ્રકટીકરણનાં દર્શનો ‘પ્રભુના દહાડા’ વિષેની ભવિષ્યવાણીઓ હતી. (પ્રકટી. ૧:૧૦) પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન, બ્રિટન અને અમેરિકાએ એક જગત સત્તા તરીકે સાથે મળીને કામ કરવાનું શરૂ કર્યું.
c દાનીયેલે પહેલેથી જણાવ્યું હતું કે આ રાજા ભયંકર વિનાશ લાવશે. તેમણે એ વિષે લખ્યું: “તે અદ્ભુત [ભયાનક] રીતે નાશ કરશે.” (દાની. ૮:૨૪) દાખલા તરીકે, બેવડી જગત સત્તાના દુશ્મન પર અમેરિકાએ બે અણુબૉમ્બ ફેંકીને, પહેલાં કદી થયો ન હોય એવો ભારે વિનાશ કર્યો હતો.
d પ્રકટીકરણ—એની ભવ્ય પરાકાષ્ઠા હાથવેંતમાં છે! પાન ૨૪૦, ૨૪૧, ૨૫૩ જુઓ.
[પાન ૧૯ પર બોક્સ]
“આ સઘળાં રાજ્યો” શાને બતાવે છે?
દાનીયેલ ૨:૪૪ની ભવિષ્યવાણી જણાવે છે કે ઈશ્વરનું રાજ્ય ‘આ સઘળાં રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો નાશ કરશે.’ આ ભવિષ્યવાણી ફક્ત મૂર્તિના જુદા જુદા ભાગો દ્વારા રજૂ થતી સત્તાઓ વિષે જ વાત કરે છે.
બીજી બધી માનવ સરકારો વિષે શું? પ્રકટીકરણમાં એના જેવી જ ભવિષ્યવાણી એ વિષે વધારે જણાવે છે. એ જણાવે છે કે “સર્વશક્તિમાન ઈશ્વરના મહાન દિવસની લડાઈ” માટે ‘આખા જગતના રાજાઓને’ યહોવા વિરુદ્ધ એકઠા કરાશે. (પ્રકટી. ૧૬:૧૪; ૧૯:૧૯-૨૧) એટલે, મૂર્તિ દ્વારા રજૂ થયેલાં રાજ્યો જ નહિ, પણ બધી માનવ સરકારોનો આર્માગેદનમાં નાશ થશે.