દાનિયેલ
૨ નબૂખાદનેસ્સારના રાજના બીજા વર્ષે તેને કેટલાંક સપનાં આવ્યાં. તે એટલો બેચેન થઈ ગયો+ કે તેની ઊંઘ ઊડી ગઈ. ૨ રાજાને પોતાનાં સપનાં જાણવાં હતાં. એટલે તેણે હુકમ કર્યો કે જાદુગરો,* તાંત્રિકો, ભૂવાઓ અને ખાલદીઓને* બોલાવવામાં આવે. તેઓ આવ્યા અને રાજાની હજૂરમાં ઊભા રહ્યા.+ ૩ રાજાએ તેઓને કહ્યું: “મને એક સપનું આવ્યું હતું. હું બેચેન થઈ ગયો છું, મારે મારું સપનું જાણવું છે.” ૪ ખાલદીઓએ રાજાને અરામિક ભાષામાં*+ કહ્યું: “હે રાજા, જુગ જુગ જીવો! તમારા આ સેવકોને તમારું સપનું જણાવો અને અમે એનો અર્થ જણાવીશું.”
૫ રાજાએ ખાલદીઓને કહ્યું: “જો તમે મારું સપનું અને એનો અર્થ નહિ જણાવો, તો હું તમારા ટુકડે-ટુકડા કરી નાખીશ. હું તમારાં ઘરોને જાહેર શૌચાલય* બનાવી દઈશ. મારો નિર્ણય બદલાશે નહિ. ૬ પણ જો તમે મને એ સપનું અને એનો અર્થ જણાવશો, તો તમને ઘણી ભેટ-સોગાદો અને ઇનામ મળશે, તમારું માન-સન્માન કરવામાં આવશે.+ એટલે મને સપનું અને એનો અર્થ જણાવો.”
૭ તેઓએ રાજાને બીજી વાર કહ્યું: “રાજા, તમે સપનું જણાવો અને અમે એનો અર્થ જણાવીશું.”
૮ રાજાએ કહ્યું: “મને ખબર છે, તમારે સમય જોઈએ છે એટલે મોડું કરી રહ્યા છો. પણ તમે મારો નિર્ણય બરાબર જાણો છો. ૯ જો તમે સપનું નહિ જણાવો, તો તમને બધાને એકસરખી સજા થશે. તમને લાગે છે કે સમય જતાં મારું મન બદલાશે. એટલે તમે ભેગા મળીને મને છેતરવાનું અને જૂઠી વાતો કહેવાનું નક્કી કર્યું છે. પણ તમે મને છેતરી નહિ શકો. પહેલા મને મારું સપનું જણાવો, એટલે મને ખબર પડશે કે તમે એનો અર્થ પણ જણાવી શકો છો.”
૧૦ ખાલદીઓએ રાજાને કહ્યું: “આખી પૃથ્વી પર એવો એકેય માણસ નથી જે રાજાની માંગણી પૂરી કરી શકે. કોઈ પણ મહાન રાજાએ કે રાજ્યપાલે આજ સુધી કોઈ તાંત્રિક કે જાદુગર કે ખાલદીને આવું ફરમાન કર્યું નથી. ૧૧ તમે જે જાણવા ચાહો છો એ બતાવવું ખૂબ અઘરું છે. કોઈ માણસ એ જણાવી શકતો નથી, ફક્ત દેવો જ જણાવી શકે છે, જેઓ માણસોની વચ્ચે રહેતા નથી.”
૧૨ એ સાંભળીને રાજાનો ગુસ્સો ભડકી ઊઠ્યો. તેણે બાબેલોનના બધા જ્ઞાનીઓને મારી નાખવાનો હુકમ કર્યો.+ ૧૩ હુકમ બહાર પડ્યા પછી રાજાના માણસો બધા જ્ઞાનીઓને મારી નાખવા નીકળી પડ્યા. તેઓ દાનિયેલ અને તેના સાથીઓને પણ શોધવા લાગ્યા, જેથી તેઓને પણ મારી નાખે.
૧૪ એ સમયે દાનિયેલે સમજી-વિચારીને અને સાવધાનીથી આર્યોખ સાથે વાત કરી. તે રાજાના અંગરક્ષકોનો ઉપરી હતો. તે બાબેલોનના જ્ઞાનીઓને મારી નાખવા નીકળ્યો હતો. ૧૫ દાનિયેલે અંગરક્ષકોના ઉપરી આર્યોખને પૂછ્યું: “રાજાએ આવો કડક હુકમ કેમ બહાર પાડ્યો છે?” આર્યોખે દાનિયેલને આખી વાત જણાવી.+ ૧૬ એટલે દાનિયેલે રાજા પાસે જઈને થોડો સમય માંગ્યો, જેથી તે સપનાનો અર્થ જણાવી શકે.
૧૭ દાનિયેલે ઘરે જઈને પોતાના સાથીઓ હનાન્યા, મીશાએલ અને અઝાર્યાને એ વાત જણાવી. ૧૮ તેણે તેઓને પ્રાર્થના કરવા કહ્યું કે સ્વર્ગના ઈશ્વર દયા બતાવે અને રહસ્ય જણાવે, જેથી બાબેલોનના જ્ઞાનીઓ સાથે દાનિયેલ અને તેના સાથીઓ માર્યા ન જાય.
૧૯ રાતે દર્શનમાં દાનિયેલને એ સપનાનું રહસ્ય જણાવવામાં આવ્યું.+ તેથી દાનિયેલે સ્વર્ગના ઈશ્વરની સ્તુતિ કરી. ૨૦ તેણે કહ્યું:
“યુગોના યુગો સુધી* ઈશ્વરના નામની સ્તુતિ થાય,
તે જ બુદ્ધિ અને સામર્થ્ય આપે છે.+
તે રાજાઓને સિંહાસન પર બેસાડે છે અને એના પરથી હટાવી દે છે,+
તે બુદ્ધિશાળીને બુદ્ધિ આપે છે અને સમજુને જ્ઞાન આપે છે.+
૨૨ તે ઊંડી અને ગુપ્ત વાતો ખુલ્લી પાડે છે,+
તે જાણે છે કે અંધકારમાં શું છે,+
અજવાળું તેમની સાથે રહે છે.+
૨૩ હે અમારા બાપદાદાઓના ઈશ્વર, હું તમારો આભાર માનું છું, તમારો જયજયકાર કરું છું,
તમે મને બુદ્ધિ અને શક્તિ આપી છે.
અમે તમને જે પૂછ્યું, એ તમે મને જણાવ્યું છે,
રાજાને જે વાતની ચિંતા હતી, એ તમે અમને જણાવી છે.”+
૨૪ દાનિયેલ આર્યોખ પાસે ગયો, જેને રાજાએ બાબેલોનના જ્ઞાનીઓનો નાશ કરવા ઠરાવ્યો હતો.+ દાનિયેલે તેને કહ્યું: “બાબેલોનના જ્ઞાનીઓનો નાશ કરશો નહિ. મને રાજા પાસે લઈ જાઓ. હું તેમના સપનાનો અર્થ જણાવીશ.”
૨૫ આર્યોખ તરત જ દાનિયેલને રાજા પાસે લઈ ગયો. તેણે રાજાને કહ્યું: “યહૂદાના ગુલામોમાંથી* મને એક માણસ મળી આવ્યો છે.+ તે તમારા સપનાનો અર્થ જણાવી શકે છે.” ૨૬ રાજાએ દાનિયેલને, જેનું નામ બેલ્ટશાસ્સાર હતું,+ તેને કહ્યું: “શું તું સાચે જ મારું સપનું અને એનો અર્થ જણાવી શકે છે?”+ ૨૭ દાનિયેલે કહ્યું: “રાજા જે રહસ્ય જાણવા માંગે છે, એ કોઈ જ્ઞાની, તાંત્રિક, જાદુગર કે જ્યોતિષ જણાવી શકતો નથી.+ ૨૮ પણ સ્વર્ગમાં એક ઈશ્વર છે, જે રહસ્યો ખુલ્લાં પાડે છે.+ તેમણે રાજા નબૂખાદનેસ્સારને જણાવ્યું છે કે છેલ્લા દિવસોમાં શું બનવાનું છે. આ તમારું સપનું છે, તમે પલંગ પર સૂતા હતા ત્યારે તમને આ દર્શનો થયાં હતાં:
૨૯ “હે રાજા, તમે સૂતા હતા ત્યારે તમે સપનામાં જોયું* કે ભાવિમાં શું બનવાનું છે. રહસ્યો ખુલ્લાં પાડનાર ઈશ્વરે તમને જણાવ્યું છે કે આવનાર દિવસોમાં શું થશે. ૩૦ હવે હું બીજાઓ કરતાં વધારે બુદ્ધિશાળી છું એટલે નહિ, પણ તમે તમારા હૃદયના વિચારો અને સપનાનો અર્થ સમજી શકો એટલે મને રહસ્ય જણાવવામાં આવ્યું છે.+
૩૧ “હે રાજા, તમે સપનામાં એક મોટી મૂર્તિ* જોઈ. તમારી સામે જે મૂર્તિ હતી, એ ખૂબ વિશાળ અને પ્રકાશથી ઝળહળતી હતી. એનો દેખાવ ખૂબ ડરામણો હતો. ૩૨ એનું માથું ચોખ્ખા સોનાનું હતું,+ એની છાતી અને હાથ ચાંદીનાં હતાં,+ એનું પેટ અને જાંઘ તાંબાનાં હતાં,+ ૩૩ એના પગ લોખંડના હતા,+ એના પગના પંજાનો અમુક ભાગ લોખંડનો અને અમુક ભાગ માટીનો* હતો.+ ૩૪ તમે જોતા હતા એવામાં કોઈ માણસનો હાથ અડ્યા વગર પર્વતમાંથી એક પથ્થર કાપી નંખાયો. એ પથ્થર જઈને લોખંડ અને માટીથી બનેલા પંજાને અથડાયો અને એના ટુકડે-ટુકડા કરી નાખ્યા.+ ૩૫ એ જ સમયે લોખંડ, માટી, તાંબા, ચાંદી અને સોનાના ચૂરેચૂરા થઈ ગયા. એ બધું ઉનાળાની ૠતુમાં ખળીમાં* પડેલાં ફોતરાં જેવું થઈ ગયું. પવન તેઓને એવી રીતે ઉડાવી લઈ ગયો કે તેઓનું નામનિશાન રહ્યું નહિ. પણ જે પથ્થર મૂર્તિ સાથે અથડાયો હતો, એનો મોટો પર્વત બની ગયો અને એનાથી આખી પૃથ્વી ભરાઈ ગઈ.
૩૬ “એ તમારું સપનું હતું અને હવે અમે એનો અર્થ જણાવીશું. ૩૭ હે રાજા, તમે રાજાઓના રાજા છો. સ્વર્ગના ઈશ્વરે તમને રાજ્ય,+ પરાક્રમ, સામર્થ્ય અને ગૌરવ આપ્યું છે. ૩૮ તેમણે તમારા હાથમાં પૃથ્વીના બધા લોકો સોંપ્યા છે. તેમણે તમને પ્રાણીઓ અને પક્ષીઓ પણ આપ્યાં છે. તેમણે એ બધાં પર તમને અધિકાર આપ્યો છે.+ મૂર્તિનું સોનાનું માથું તો તમે છો.+
૩૯ “તમારા પછી બીજું એક રાજ્ય ઊભું થશે.+ પણ એ તમારા કરતાં ઊતરતું હશે. એ પછી ત્રીજું રાજ્ય ઊભું થશે, જે તાંબાનું હશે. એ રાજ્ય આખી પૃથ્વી પર રાજ કરશે.+
૪૦ “ચોથું રાજ્ય લોખંડ જેવું મજબૂત હશે.+ જેમ લોખંડ બધી વસ્તુઓને ભાંગીને એના ચૂરેચૂરા કરી નાખે છે, તેમ આ રાજ્ય એની અગાઉનાં બધાં રાજ્યોને ભાંગીને ચૂરેચૂરા કરી નાખશે.+
૪૧ “તમે જોયું કે મૂર્તિના પગનાં પંજાનો અને આંગળીઓનો અમુક ભાગ માટીનો* અને અમુક ભાગ લોખંડનો હતો. એનો અર્થ કે એ રાજ્યના ભાગલા પડી જશે. પણ જેમ તમે માટી સાથે લોખંડ ભળેલું જોયું, તેમ એ રાજ્યનો અમુક ભાગ લોખંડ જેવો મજબૂત હશે. ૪૨ જેમ પગની આંગળીઓનો અમુક ભાગ લોખંડનો અને અમુક ભાગ માટીનો હતો, તેમ રાજ્યનો અમુક ભાગ મજબૂત અને અમુક ભાગ નબળો હશે. ૪૩ તમે જોયું કે લોખંડ માટી સાથે ભળેલું હતું, તેમ રાજ્યનો મજબૂત ભાગ લોકો* સાથે ભળેલો હશે. પણ જેમ માટી લોખંડ સાથે મળી જતી નથી, તેમ તેઓ એકબીજાને વળગી રહેશે નહિ.
૪૪ “એ રાજાઓના દિવસોમાં સ્વર્ગના ઈશ્વર એક રાજ્યની* સ્થાપના કરશે.+ એ રાજ્યનો કદી નાશ થશે નહિ+ કે એને બીજા લોકોના હાથમાં સોંપવામાં આવશે નહિ.+ એ રાજ્ય આ બધાં રાજ્યોને ભાંગીને તેઓનો અંત લાવશે+ અને એ હંમેશાં ટકશે.+ ૪૫ તમે જે જોયું એવું જ થશે. તમે જોયું કે કોઈ માણસનો હાથ અડ્યા વગર પર્વતમાંથી એક પથ્થર કાપી નાખવામાં આવ્યો અને એણે લોખંડ, તાંબા, માટી, ચાંદી અને સોનાના ચૂરેચૂરા કરી નાખ્યા.+ મહાન ઈશ્વરે રાજાને બતાવ્યું છે કે ભાવિમાં શું બનવાનું છે.+ આ સપનું સાચું છે અને એનો અર્થ ભરોસાપાત્ર છે.”
૪૬ ત્યારે રાજા નબૂખાદનેસ્સાર દાનિયેલ આગળ ઘૂંટણિયે પડ્યો. તેણે જમીન સુધી માથું નમાવીને દાનિયેલને માન આપ્યું. તેણે હુકમ આપ્યો કે દાનિયેલને ભેટ-સોગાદો આપવામાં આવે અને તેની આગળ ધૂપ* ચઢાવવામાં આવે. ૪૭ રાજાએ દાનિયેલને કહ્યું: “સાચે જ તારો ઈશ્વર તો ઈશ્વરોનો ઈશ્વર છે, રાજાઓનો રાજા* છે અને રહસ્ય ખુલ્લું પાડનાર ઈશ્વર છે. એટલે જ તું આ રહસ્યનો ખુલાસો કરી શક્યો છે.”+ ૪૮ રાજાએ દાનિયેલને ઊંચો હોદ્દો આપ્યો અને ઉત્તમ ભેટ-સોગાદો આપી. તેણે દાનિયેલને બાબેલોનના પ્રાંતનો* અધિકારી+ અને બાબેલોનના જ્ઞાનીઓનો સરસૂબો* બનાવ્યો. ૪૯ દાનિયેલની વિનંતીથી રાજાએ શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોને+ બાબેલોનના પ્રાંતનો વહીવટ સોંપ્યો. પણ દાનિયેલ તો રાજાના દરબારમાં સેવા આપતો રહ્યો.