પાઠ ૫૮
હંમેશાં યહોવાને વળગી રહો
યહોવાના ભક્તો દરેક સંજોગમાં તેમને વફાદાર રહેવા ચાહે છે. તેઓએ દૃઢ નિર્ણય લીધો છે કે ભલે ગમે એ થાય, તેઓ હંમેશાં યહોવાને વળગી રહેશે, તેમની ભક્તિ કરવાનું કદી નહિ છોડે. અમને પૂરી ખાતરી છે કે તમે પણ એવું જ કરવા ચાહો છો. યહોવા તમારી વફાદારીની ખૂબ જ કદર કરે છે. (૧ કાળવૃત્તાંત ૨૮:૯ વાંચો.) પણ કેવા સંજોગોમાં યહોવાને વફાદાર રહેવું અઘરું બની શકે? એવા સંજોગોમાં તમે શું કરી શકો? ચાલો જોઈએ.
૧. બીજાઓ કઈ રીતે આપણા માટે યહોવાને વફાદાર રહેવું અઘરું બનાવી શકે?
આપણે યહોવાની ભક્તિ છોડી દઈએ એ માટે અમુક લોકો ઘણી કોશિશ કરશે. જેમ કે, આપણી શ્રદ્ધા તોડવા અમુક લોકો આપણા સંગઠન વિશે જૂઠી વાતો ફેલાવે છે. તેઓ પહેલાં યહોવાનું જે શિક્ષણ માનતા હતા, એનો હવે વિરોધ કરે છે. તેઓને ઈશ્વર-વિરોધીઓ કહેવામાં આવે છે. અમુક ધર્મગુરુઓ યહોવાના સાક્ષીઓ વિશે અફવાઓ ફેલાવે છે. એ અફવાઓ ફાંદા જેવી છે. જો કોઈ વ્યક્તિ ધ્યાન ન રાખે, તો એમાં ફસાઈને યહોવાથી દૂર જતી રહેશે. એવા લોકો સાથે દલીલો કરવી, તેઓની ચોપડીઓ વાંચવી, તેઓ વેબસાઇટ પર જે લખે છે એ વાંચવું અથવા તેઓના વીડિયો જોવા યોગ્ય નથી. એનાથી યહોવામાં આપણી શ્રદ્ધા ડગમગી શકે છે. ઈસુના સમયમાં પણ અમુક ધર્મગુરુઓ લોકોને યહોવાની ભક્તિ કરતા અટકાવતા હતા. તેઓ વિશે ઈસુએ કહ્યું હતું: “તેઓની વાત જવા દો. તેઓ આંધળા આગેવાનો છે, જો આંધળો આંધળાને દોરે તો બંને ખાડામાં પડશે.”—માથ્થી ૧૫:૧૪.
૨. કેવા નિર્ણયો આપણા માટે યહોવાને વફાદાર રહેવું અઘરું બનાવી શકે?
યહોવા માટે પ્રેમ હોવાથી આપણે તેમના શિક્ષણને વળગી રહીએ છીએ. આપણે એવી કોઈ પણ ધાર્મિક માન્યતા કે રીતરિવાજોને ટેકો આપતા નથી, જે યહોવાના શિક્ષણની વિરુદ્ધ છે. આપણે એવી નોકરી કે પ્રવૃત્તિઓ કરતા નથી અથવા એવી સંસ્થામાં પણ જોડાતા નથી, જેનાં કામ યહોવાના શિક્ષણની વિરુદ્ધ છે. યહોવા આપણને સાફ સાફ કહે છે: ‘ઓ મારા લોકો, મહાન બાબેલોનમાંથી બહાર નીકળી આવો.’—પ્રકટીકરણ ૧૮:૨, ૪.
વધારે જાણો
આપણે દરેક સંજોગમાં યહોવાને વળગી રહેવા માંગીએ છીએ. પણ કોઈના લીધે આપણો એ નિર્ણય નબળો ન પડી જાય એ માટે શું કરી શકીએ? મહાન બાબેલોનમાંથી બહાર નીકળીને કઈ રીતે બતાવી શકીએ કે આપણે યહોવાને વફાદાર છીએ? ચાલો જોઈએ.
૩. જૂઠા શિક્ષકોથી સાવધ રહો
જો યહોવાના સંગઠન વિશે કોઈ અફવા સાંભળીએ, તો શું કરવું જોઈએ? નીતિવચનો ૧૪:૧૫ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
આપણે કેમ આંખ મીંચીને દરેક વાત પર ભરોસો કરવો ન જોઈએ?
૨ યોહાન ૯-૧૧ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
આપણે ઈશ્વર-વિરોધીઓ સાથે કઈ રીતે વર્તવું જોઈએ?
ભલે આપણે તેઓ સાથે વાત કરતા ન હોઈએ, પણ તેઓના વિચારો કઈ રીતે આપણને અસર કરી શકે?
જો આપણે યહોવા અને તેમના સંગઠન વિરુદ્ધ ફેલાયેલી અફવાઓ પર ધ્યાન આપીશું, તો યહોવાને કેવું લાગશે?
૪. જો કોઈ ભાઈ કે બહેન પાપ કરે, તો યહોવાને વફાદાર રહો
જો આપણને જાણવા મળે કે મંડળમાં કોઈએ મોટું પાપ કર્યું છે, તો આપણે શું કરવું જોઈએ? ચાલો જોઈએ કે ઈશ્વરે પ્રાચીન ઇઝરાયેલીઓને જે નિયમો આપ્યા હતા, એમાંથી આપણે શું શીખી શકીએ. લેવીય ૫:૧ વાંચો.
આ કલમમાં જણાવ્યું છે તેમ જો આપણને જાણવા મળે કે કોઈ ભાઈ કે બહેને મોટું પાપ કર્યું છે, તો આપણે વડીલોને એ વિશે જણાવવું જોઈએ. પણ એ પહેલાં આપણે એ વ્યક્તિને ઉત્તેજન આપવું જોઈએ કે તે જઈને વડીલો સાથે વાત કરે અને પોતાનું પાપ કબૂલ કરે. જો તે એવું ન કરે, તો આપણે યહોવાને વફાદાર રહેવું જોઈએ અને વડીલોને એ બધું જ જણાવવું જોઈએ, જે આપણને ખબર છે. એ પગલાં ભરીને આપણે કઈ રીતે . . .
યહોવા ઈશ્વરને પ્રેમ બતાવીને તેમને વફાદાર રહીએ છીએ?
પાપ કરનાર વ્યક્તિને પ્રેમ બતાવીએ છીએ?
મંડળનાં ભાઈ-બહેનોને પ્રેમ બતાવીએ છીએ?
૫. મહાન બાબેલોનથી દૂર રહો
લૂક ૪:૮ અને પ્રકટીકરણ ૧૮:૪, ૫ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
શું હું હજી પણ એવા ધર્મનો સભ્ય છું, જે યહોવાના શિક્ષણની વિરુદ્ધ છે?
શું હું એવી સંસ્થાનો સભ્ય છું, જે યહોવાને પસંદ ન હોય એવી માન્યતાઓને ટેકો આપે છે?
શું મારી નોકરી એવા ધર્મને કોઈ રીતે ટેકો આપે છે?
શું એવા ધર્મથી અલગ થવા મારે બીજું કંઈક કરવાની જરૂર છે?
જો એમાંના એક પણ સવાલનો જવાબ “હા” હોય, તો મારે કયા ફેરફાર કરવાની જરૂર છે?
એ બધા સંજોગોમાં આપણે એવો નિર્ણય લેવો જોઈએ, જેથી આપણું અંતઃકરણ સાફ રહે અને આપણે યહોવાને વફાદાર છીએ એ દેખાઈ આવે.
અમુક લોકો કહે છે: “યહોવાના સાક્ષીઓ વિશે ઈશ્વર-વિરોધીઓ શું શીખવે છે એની તો ખબર હોવી જ જોઈએ. તો જ હું એ વિરોધીઓને ખોટા સાબિત કરી શકીશ.”
શું એવું વિચારવું યોગ્ય છે? તમને કેમ એવું લાગે છે?
આપણે શીખી ગયા
યહોવાને વફાદાર રહેવા એવા લોકો સાથે હળવું-મળવું ન જોઈએ, જેઓ આપણને ભમાવવાની કોશિશ કરે છે.
તમે શું કહેશો?
આપણે કેમ ઈશ્વર-વિરોધીઓની વાતો સાંભળવી ન જોઈએ?
જો આપણને ખબર પડે કે કોઈ ભાઈ કે બહેને મોટું પાપ કર્યું છે, તો શું કરવું જોઈએ?
યહોવાથી દૂર લઈ જતા ધર્મોમાંથી બહાર નીકળી આવવા શું કરવું જોઈએ?
વધારે માહિતી
જ્યારે બીજાઓ યહોવાના સાક્ષીઓ વિશે જૂઠી અફવાઓ ફેલાવે, ત્યારે આપણે શું કરી શકીએ? આ લેખમાં વાંચો.
કઈ રીતે પારખી શકીએ કે કોઈ સંસ્થા કે પ્રવૃત્તિ મહાન બાબેલોનને ટેકો આપે છે કે નહિ?
“‘છેલ્લા દિવસોના’ અંત ભાગમાં ઈશ્વરના કામમાં મંડ્યા રહીએ” (ચોકીબુરજ, ઑક્ટોબર ૨૦૧૯, ફકરા ૧૬-૧૮)
આપણી શ્રદ્ધા નબળી પાડવા અમુક વિરોધીઓએ શું કર્યું છે?
“હું બાળપણથી ઈશ્વરને શોધતો હતો” લેખમાં એક માણસ વિશે જણાવ્યું છે, જે શિન્ટો ધર્મના ધર્મગુરુ હતા. એ લેખમાં વાંચો કે તેમણે કેમ એ ધર્મ સાથે સંબંધ તોડી નાખ્યો.