તેઓને મસીહ મળ્યા
‘મસીહ અમને મળ્યા છે.’—યોહા. ૧:૪૧.
૧. આંદ્રિયાએ કહ્યું કે ‘મસીહ અમને મળ્યા છે,’ એ પહેલાં શું બન્યું હતું?
યોહાન બાપ્તિસ્મક પોતાના બે શિષ્યો સાથે છે. ઈસુ તેમની તરફ ચાલતા આવી રહ્યા છે. ત્યારે યોહાને કહ્યું: ‘જુઓ, ઈશ્વરનું હલવાન!’ બંને શિષ્યો આંદ્રિયા અને યોહાન તરત જ ઈસુ પાછળ જાય છે અને આખો દિવસ તેમની સાથે પસાર કરે છે. પછીથી આંદ્રિયા પોતાના ભાઈ પીતરને શોધીને ઉત્સાહથી જણાવે છે કે ‘મસીહ અમને મળ્યા છે.’ પછી તેને ઈસુ પાસે લઈ જાય છે.—યોહા. ૧:૩૫-૪૧.
૨. મસીહ વિષેની બીજી કેટલીક ભવિષ્યવાણીઓ પર વિચાર કરવાથી આપણને શું લાભ થશે?
૨ સમય પસાર થયો તેમ આંદ્રિયા, પીતર અને બીજાઓએ શાસ્ત્રનો ખંતથી અભ્યાસ કર્યો. એ કારણથી તેઓ પૂરા ભરોસાથી કહી શક્યા કે નાઝારેથથી આવેલા ઈસુ જ વચનના મસીહ છે. હવે આપણે મસીહને લગતી બીજી કેટલીક ભવિષ્યવાણીઓ વિષે જોઈશું, એનાથી બાઇબલ પર આપણી શ્રદ્ધા વધશે. તેમ જ યહોવાહના પસંદ કરેલા મસીહમાં આપણો ભરોસો મજબૂત થશે.
“જો, તારો રાજા તારી પાસે આવે છે”
૩. ઈસુ જ્યારે યરૂશાલેમમાં પ્રવેશ્યા ત્યારે કઈ ભવિષ્યવાણી પૂરી થઈ?
૩ મસીહ યરૂશાલેમમાં પ્રવેશશે ત્યારે રાજાની જેમ તેમનું સ્વાગત થશે. ઝખાર્યાહે ભાખ્યું હતું: ‘હે સિયોનની પુત્રી, બહુ આનંદ કર; હે યરૂશાલેમની પુત્રી, જયપોકાર કર; જો, તારો રાજા તારી પાસે આવે છે: તે ન્યાયી તથા તારણ સાધનાર છે; તે નમ્ર છે, અને ગધેડીના વછેરા પર સવાર થઈને આવે છે.’ (ઝખા. ૯:૯) એક ઈશ્વરભક્તે બાઇબલમાં લખ્યું, “યહોવાહને નામે જે આવે છે તેને ધન્ય છે.” (ગીત. ૧૧૮:૨૬) ઈસુ યરૂશાલેમમાં પ્રવેશ્યા ત્યારે મોટું ટોળું ખુશીની ચિચિયારી પાડે છે. જોકે ઈસુએ ટોળાંને એમ કરવા કહ્યું ન હતું. એ તો ભવિષ્યવાણીમાં લખ્યા પ્રમાણે થયું. તમે એ વિષેની બાઇબલ કલમ વાંચો ત્યારે એ સમયના ખુશીના માહોલની કલ્પના કરો!—માત્થી ૨૧:૪-૯ વાંચો.
૪. ગીતશાસ્ત્ર ૧૧૮:૨૨, ૨૩ના શબ્દો કઈ રીતે સાચા પડ્યા?
૪ ભલે મોટા ભાગના લોકો ઈસુને મસીહ તરીકે ન સ્વીકારે, ઈશ્વરને મન તે કીમતી છે. ભવિષ્યવાણી પ્રમાણે ઘણા લોકોએ ઈસુને ‘ધિક્કાર્યા’ અને તેમની કોઈ “કદર” ના કરી. તેઓએ પુરાવામાં ભરોસો મૂક્યો નહિ. (યશા. ૫૩:૩; માર્ક ૯:૧૨) પણ બાઇબલ જણાવે છે: “ઘર બાંધનારાઓએ જે પથ્થર બાતલ કર્યો હતો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે. આ કાર્ય યહોવાહથી થયું છે.” (ગીત. ૧૧૮:૨૨, ૨૩) ઈસુ એકવાર જ્યારે યહુદી ધર્મગુરુઓ સાથે વાત કરતા હતા ત્યારે તેમણે આ ભવિષ્યવાણી તરફ તેઓનું ધ્યાન દોર્યું. પીતરે પણ જણાવ્યું કે આ ભવિષ્યવાણી ઈસુમાં પૂરી થઈ. (માર્ક ૧૨:૧૦, ૧૧; પ્રે.કૃ. ૪:૮-૧૧) ભલે શ્રદ્ધા વગરની વ્યક્તિઓએ ઈસુને મસીહ તરીકે સ્વીકાર્યા નહિ, તે જ મંડળના “ખૂણાનો મુખ્ય પથ્થર” બન્યા. તે તો ‘ઈશ્વરથી પસંદ કરાયેલા તથા મૂલ્યવાન છે.’—૧ પીત. ૨:૪-૬.
એક દગો દેશે અને બીજાઓ છોડીને જતા રહેશે
૫, ૬. મસીહને દગો દેવામાં આવશે એ વિષે શું ભાખવામાં આવ્યું હતું? એ કેવી રીતે પૂરું થયું?
૫ પહેલેથી જણાવ્યું હતું કે મસીહનો મિત્ર તેમને દગો દેશે. દાઊદે લખ્યું હતું: “મારો ખાસ મિત્ર, જેનો મને ભરોસો હતો, જે મારી રોટલી ખાતો હતો, તેણે મારી સામે લાત ઉગામી છે.” (ગીત. ૪૧:૯) બાઇબલના જમાનામાં, જોડે રોટલી ખાવી એ મિત્રતાનું પ્રતિક ગણાતું. (ઉત. ૩૧:૫૪) યહુદા ઈસકારીઓત તો ઈસુનો મિત્ર અને શિષ્ય હતો. એટલે જ્યારે તેણે દગો દીધો ત્યારે ઈસુને કેટલું દુઃખ થયું હશે! તેના વિષે વાત કરતા ઈસુએ દાઊદની ભવિષ્યવાણી પર શિષ્યોનું ધ્યાન દોરતા કહ્યું: “આ હું તમારા સર્વના સંબંધમાં નથી કહેતો; જેઓને મેં પસંદ કર્યા છે તેઓને હું ઓળખું છું; પણ જે મારી સાથે રોટલી ખાય છે, તેણે મારી સામે લાત ઉગામી છે, એ શાસ્ત્ર લેખ પૂરો થવા સારુ એમ થવું જોઈએ.”—યોહા. ૧૩:૧૮.
૬ ચાંદીના ૩૦ સિક્કા માટે મસીહને દગો દેવામાં આવશે, જે ગુલામના વેચાણની કિંમત હતી. માત્થીએ ઝખાર્યાહ ૧૧:૧૨, ૧૩ની ભવિષ્યવાણી પર ધ્યાન દોરતા જણાવ્યું કે ઈસુને નજીવી રકમ માટે દગો દેવામાં આવ્યો. એ ૩૦ સિક્કા યહુદાએ મંદિરમાં ફેંકી દીધા અને “જઈને ગળે ફાંસો ખાધો.” (માથ. ૨૬:૧૪-૧૬; ૨૭:૩-૧૦) પણ માત્થીએ શા માટે કહ્યું કે “યિર્મેયાહ પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું”? માત્થીના દિવસોમાં યિર્મેયાહ અને ઝખાર્યાહના પુસ્તકોનો એક જૂથમાં સમાવેશ થતો હતો. એ જૂથમાં યિર્મેયાહનું પુસ્તક સૌથી પહેલું મૂકવામાં આવ્યું હોય શકે.—વધુ માહિતી: લુક ૨૪:૪૪.
૭. ઝખાર્યાહ ૧૩:૭નું ભવિષ્યવચન કઈ રીતે સાચું પડ્યું?
૭ મસીહના શિષ્યો વિખેરાઈ જશે. ઝખાર્યાહે લખ્યું: “પાળકને માર, એટલે ઘેટાં વિખેરાઈ જશે.” (ઝખા. ૧૩:૭) ૩૩ની સાલમાં ૧૪મી નીસાને ઈસુએ તેમના શિષ્યોને કહ્યું: “તમે સહુ આજ રાત્રે મારા સંબંધી ઠોકર ખાશો, કેમ કે એમ લખેલું છે કે હું ઘેટાંપાળકને મારીશ, ને ટોળાનાં ઘેટાં વિખેરાઈ જશે.” બરાબર એવું જ બન્યું. માત્થી જણાવે છે કે ‘બધા શિષ્યો ઈસુને મૂકીને નાસી ગયા.’—માથ. ૨૬:૩૧, ૫૬.
ખોટા આરોપ મૂકવામાં આવશે અને મારવામાં આવશે
૮. યશાયાહ ૫૩:૮ની કલમ કઈ રીતે સાચી પડી?
૮ મસીહ પર મુકદમો ચલાવવામાં આવશે અને દોષિત ઠરાવવામાં આવશે. (યશાયાહ ૫૩:૮ વાંચો.) નીસાન ૧૪ની વહેલી સવારે યહુદી ન્યાયસભાના બધા સભ્યો ભેગા થયા. તેઓ ઈસુને બાંધીને રોમન સૂબેદાર પોંતિયસ પીલાત પાસે લઈ ગયા. તે ઈસુની ઊલટ-તપાસ કરે છે, પણ કંઈ દોષ માલૂમ પડતો નથી. જ્યારે તે ઈસુને છોડી મૂકવા વિષે ટોળાંને પૂછે છે, ત્યારે તેઓ બૂમો પાડે છે: “તેને વધસ્તંભે જડાવ.” ટોળું ઈસુને બદલે ગુનેગાર બારાબાસને છોડવાની માગણી કરે છે. પીલાત ટોળાંને ખુશ રાખવા બારાબાસને છોડી દે છે. પણ ઈસુને ચાબુકથી ફટકારવાનો અને વધસ્તંભ પર જડવાનો હુકમ કરે છે.—માર્ક ૧૫:૧-૧૫.
૯. ગીતશાસ્ત્ર ૩૫:૧૧ના શબ્દો કઈ રીતે ઈસુના સમયમાં સાચા પડ્યા?
૯ મસીહ વિરુદ્ધ ખોટા સાક્ષી ઊભા થશે. દાઊદે લખ્યું: “જૂઠા સાક્ષીઓ ઊભા થાય છે; હું જાણતો નથી તે બાબત વિષે તેઓ મને પૂછે છે.” (ગીત. ૩૫:૧૧) ભવિષ્યવાણી મુજબ, “ઈસુને મારી નાખવાને મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ તેની વિરૂદ્ધ જૂઠી શાહેદી શોધી.” (માથ. ૨૬:૫૯) બાઇબલ કહે છે, ‘ઘણાઓએ તેની વિરુદ્ધ જૂઠી સાક્ષી આપી પણ તેઓની સાક્ષી મળતી આવતી નહોતી.’ (માર્ક ૧૪:૫૬) ઈસુના વિરોધીઓને સાચી-જૂઠી સાક્ષીની કંઈ પડી ન હતી. તેઓ તો ગમે તેમ કરીને ઈસુને મારી નાખવા માગતા હતા.
૧૦. યશાયાહ ૫૩:૭ કેવી રીતે સાચી પડી એ સમજાવો.
૧૦ આરોપ મૂકનારાઓને મસીહ જવાબ આપશે નહિ. યશાયાહે ભાખ્યું હતું: “તેના પર જુલમ ગુજારવામાં આવ્યો તોપણ તેણે નમ્ર થઈને પોતાનું મોં ઉઘાડ્યું નહિ; હલવાન વધ કરવા માટે લઈ જવામાં આવે છે તેના જેવો, અને ઘેટી પોતાના કાતરનારની આગળ મૂંગી રહે છે, તેના જેવો તે હતો; તેણે તો પોતાનું મોં ઉઘાડ્યું જ નહિ.” (યશા. ૫૩:૭) ‘મુખ્ય યાજકોએ તથા વડીલોએ ઈસુ પર તહોમત મૂક્યું છતાં તેમણે કંઈ ઉત્તર દીધો નહિ. ત્યારે પીલાત તેને કહે છે, કે તારી વિરુદ્ધ તેઓ કેટલી શાહેદી આપે છે, એ શું તું નથી સાંભળતો? પણ તેમણે એક શબ્દનો પણ ઉત્તર દીધો નહિ, જેથી પીલાતને ઘણી અચરજ થઈ.’ (માથ. ૨૭:૧૨-૧૪) જૂઠા આરોપ મૂકવામાં આવ્યા, છતાં ઈસુએ વિરોધીઓનું અપમાન કર્યું નહિ.—રૂમી ૧૨:૧૭-૨૧; ૧ પીત. ૨:૨૩.
૧૧. યશાયાહ ૫૦:૬ અને મીખાહ ૫:૧ના શબ્દો કઈ રીતે પૂરા થયા?
૧૧ યશાયાહે ભવિષ્યવાણી કરી હતી કે મસીહને મારવામાં આવશે. તેમણે લખ્યું: ‘મેં મારનારની આગળ મારી પીઠ, તથા વાળ ખેંચી કાઢનારાની આગળ મારા ગાલ ધર્યા; અપમાન કરનારા તથા થૂંકનારાથી મેં મારું મુખ ઢાંકી દીધું નહિ.’ (યશા. ૫૦:૬) મીખાહે ભવિષ્યવાણી કરી કે “તેઓ ઈસ્રાએલના ન્યાયાધીશને ગાલ પર સોટી મારશે.” (મીખા. ૫:૧) માર્ક જણાવે છે કે આ ભવિષ્યવાણીઓ ઈસુ માટે હતી. તેમણે લખ્યું: ‘કેટલાક તેમના પર થૂંકવા તથા તેમનું મોં ઢાંકવા લાગ્યા. મુક્કીઓ મારીને કહેવા લાગ્યા કે તું પ્રબોધક હોય તો કહી બતાવ; અને ભાલદારોએ તેમને તમાચા માર્યા.’ માર્કે એ પણ જણાવ્યું કે ‘સિપાઈઓએ ઈસુને માથામાં સોટી મારી, તેમના પર થૂંક્યા અને ઘૂંટણ ટેકવીને તેમની આગળ નમ્યાં.’ (માર્ક ૧૪:૬૫; ૧૫:૧૯) આ રીતે કોઈ કારણ વગર ઈસુને સતાવવામાં આવ્યા.
મરણ સુધી ઈશ્વરને વિશ્વાસુ રહેશે
૧૨. ગીતશાસ્ત્ર ૨૨:૧૬ અને યશાયાહ ૫૩:૧૨ના શબ્દો ઈસુને કઈ રીતે લાગુ પડ્યા?
૧૨ મસીહને વધસ્તંભ પર મારી નાખવામાં આવશે. દાઊદે લખ્યું: “ભૂંડાઓની ટોળીએ મને ઘેરી લીધો છે; તેઓએ મારા હાથ તથા મારા પગ વીંધી નાખ્યા.” (ગીત. ૨૨:૧૬) બાઇબલ વાંચનારા ચોક્કસ આ અહેવાલ વિષે જાણતા હશે. માર્કના અહેવાલ પ્રમાણે ઈસુને સવારના નવેક વાગ્યે વધસ્તંભે જડવામાં આવ્યા. તેમના હાથ અને પગને ખીલાથી જડી દેવામાં આવ્યા. (માર્ક ૧૫:૨૫) બીજી એક ભવિષ્યવાણી કહે છે કે મસીહ પાપીઓ સાથે મરશે. યશાયાહે લખ્યું: ‘પોતાનો જીવ મરણ પામતાં સુધી રેડી દીધો, અને તે અપરાધીઓમાં ગણાયો.’ (યશા. ૫૩:૧૨) ભવિષ્યવાણી પ્રમાણે ‘ઈસુની જોડે બે ચોરને વધસ્તંભે જડ્યા, એકને તેમની જમણી તરફ ને બીજાને તેમની ડાબી તરફ’ રાખવામાં આવ્યા.—માથ. ૨૭:૩૮.
૧૩. ગીતશાસ્ત્ર ૨૨:૭, ૮ કઈ રીતે પૂરી થઈ?
૧૩ દાઊદે ભાખ્યું હતું કે લોકો મસીહનું અપમાન કરશે. (ગીતશાસ્ત્ર ૨૨:૭, ૮ વાંચો.) ઈસુ વધસ્તંભ પર હતા ત્યારે લોકોએ તેમની મશ્કરી કરી. એ વિષે માત્થીએ કહ્યું: ‘પાસે થઈને જનારાઓએ પોતાનાં માથાં હલાવતાં તથા ઈસુની મશ્કરી કરતાં કહ્યું, અરે મંદિરને પાડી નાખનાર તથા તેને ત્રણ દહાડામાં બાંધનાર, તું પોતાને બચાવ; જો તું ઈશ્વરનો દીકરો હોય તો વધસ્તંભ પરથી ઊતરી આવ. એ જ રીતે મુખ્ય યાજકોએ, શાસ્ત્રીઓએ અને વડીલોએ તેમની મશ્કરી કરતા કહ્યું, બીજાઓને તેણે બચાવ્યા; પણ પોતાને તે બચાવી નથી શકતો. એ તો ઈસ્રાએલનો રાજા છે; તે હમણાં વધસ્તંભ પરથી ઊતરી આવે, એટલે અમે તેના પર વિશ્વાસ કરીએ. તે ઈશ્વર પર ભરોસો રાખે છે; જો ઈશ્વર ચાહતો હોય તો હમણાં તેનો છૂટકો કરે; કેમ કે તેણે કહ્યું હતું કે હું ઈશ્વરનો દીકરો છું.’ (માથ. ૨૭:૩૯-૪૩) ઈસુએ આ બધું અપમાન ચૂપચાપ સહી લીધું અને લોકોની નિંદા કરી નહિ. આ રીતે તેમણે આપણા માટે સારો દાખલો બેસાડ્યો.
૧૪, ૧૫. મસીહના કપડાં વિષેની અને સરકો પીવા આપશે એ વિષેની ભવિષ્યવાણી કઈ રીતે સાચી પડી?
૧૪ મસીહના કપડાં માટે ચિઠ્ઠીઓ નાખવામાં આવશે. દાઊદે લખ્યું: “તેઓ માંહોમાંહે મારાં લૂગડાં વહેંચી લે છે; અને મારા ઝભ્ભાને માટે તેઓ ચિઠ્ઠી નાખે છે.” (ગીત. ૨૨:૧૮) લખ્યા પ્રમાણે જ બન્યું. બાઇબલ જણાવે છે કે રોમન સૈનિકોએ ‘ઈસુને વધસ્તંભે જડ્યા પછી ચિઠ્ઠી નાખીને તેમના લૂગડાં માંહોમાંહે વહેંચી લીધાં.’—માથ. ૨૭:૩૫; યોહાન ૧૯:૨૩, ૨૪ વાંચો.
૧૫ તેઓ મસીહને સરકો અને કડવું પીણું પીવા આપશે. ભવિષ્યવાણી કહે છે: ‘તેમણે મારા ખોરાકમાં ઝેર ભેળવ્યું. મને તરસ લાગી ત્યારે તેમણે સરકો પીવા આપ્યો.’ (ગીત. ૬૯:૨૧, કોમન લેંગ્વેજ) આ ભવિષ્યવાણી સાચી પડી. એ વિષે માત્થીએ લખ્યું, ‘તેઓએ કડવું પીણું ભેળવેલો સરકો ઈસુને પીવાને આપ્યો, પણ ચાખ્યા પછી તેમણે તે પીવાની ના પાડી.’ (NW) અમુક સમય બાદ ‘તેઓમાંથી એક જણે દોડીને વાદળી લઈને સરકાથી તે ભીંજવી, ને લાકડીની ટોચે બાંધીને ચૂસવાને તેને આપી.’—માથ. ૨૭:૩૪, ૪૮.
૧૬. ગીતશાસ્ત્ર ૨૨:૧ કઈ રીતે પૂરી થઈ?
૧૬ ઈશ્વરે મસીહને છોડી દીધા હોય એમ લાગશે. (ગીતશાસ્ત્ર ૨૨:૧ વાંચો.) માર્ક જણાવે છે કે આશરે બપોરના ત્રણ વાગ્યે ઈસુએ મોટે સાદે બૂમ પાડી: “એલોઈ, એલોઈ, લામા સાબાખથાની.” એટલે કે ‘મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ મૂકી દીધો છે?’ (માર્ક ૧૫:૩૪) જ્યારે ઈસુએ એમ કહ્યું ત્યારે એનો અર્થ એ નહોતો કે ઈશ્વરમાં તેમની શ્રદ્ધા ઘટી ગઈ હતી. તે જાણતા હતા કે મરણ વખતે ઈશ્વર તેમને શત્રુઓથી બચાવવાના ન હતા. ઈશ્વરને વફાદાર રહેવાની ઈસુ પાસે આ એક મોટી તક હતી. માટે જ્યારે ઈસુએ કહ્યું કે ‘મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ મૂકી દીધો છે?’ ત્યારે ગીતશાસ્ત્ર ૨૨:૧ની ભવિષ્યવાણી પૂરી થઈ.
૧૭. ઝખાર્યાહ ૧૨:૧૦ અને ગીતશાસ્ત્ર ૩૪:૨૦ કઈ રીતે પૂરી થઈ?
૧૭ શત્રુઓ મસીહને વીંધશે પણ હાડકાંને ભાંગશે નહિ. ઝખાર્યાહે લખ્યું છે કે યરૂશાલેમના લોકો ‘જેને વીંધ્યો છે, તેની તરફ જોશે.’ (ઝખા. ૧૨:૧૦) ગીતશાસ્ત્ર ૩૪:૨૦ કહે છે કે ‘ઈશ્વર તેમના બધા હાડકાંનું રક્ષણ કરે છે. તેઓમાંનું એકે ભાંગવામાં આવતું નથી.’ યોહાને આ ભવિષ્યવાણી વિષે લખ્યું: “એક સિપાઈએ ભાલાથી તેની કૂખ વીંધી, એટલે તરત તેમાંથી લોહી તથા પાણી નીકળ્યા. [યોહાન] જેણે એ જોયું છે તેણે જ આ સાક્ષી આપી છે, . . . તેની સાક્ષી ખરી છે; . . . ‘તેનું એક પણ હાડકું ભાંગવામાં આવશે નહિ,’ એ શાસ્ત્રવચન પૂર્ણ થવા સારુ એમ બન્યું; વળી બીજું શાસ્ત્રવચન છે, કે ‘જેને તેઓએ વીંધ્યો તેને તેઓ જોશે.’”—યોહા. ૧૯:૩૩-૩૭.
૧૮. ઈસુને કઈ રીતે અમીરો સાથે દફનાવવામાં આવ્યા?
૧૮ મસીહને અમીરો સાથે દફનાવવામાં આવશે. (યશાયાહ ૫૩:૫, ૮, ૯ વાંચો.) નીસાન ૧૪ની વહેલી સાંજે “યુસફ નામે આરીમથાઈનો એક દ્રવ્યવાન માણસ,” પીલાતની પાસે ઈસુની લાશ માગે છે. પીલાત તેને લઈ જવાની પરવાનગી આપે છે. માત્થી જણાવે છે કે ‘યુસફે લાશ લઈને શણના સફેદ લૂગડાંમાં વીંટાળી, અને ખડકમાં ખોદાવેલી નવી કબરમાં તેને મૂકી; અને એક મોટો પથ્થર કબરના મોં પર ગબડાવીને તે ચાલ્યો ગયો.’—માથ. ૨૭:૫૭-૬૦.
મસીહને રાજા તરીકે મહિમા આપીએ!
૧૯. ગીતશાસ્ત્ર ૧૬:૧૦ની ભવિષ્યવાણી કઈ રીતે સાચી પુરવાર થઈ?
૧૯ મસીહને સજીવન કરવામાં આવશે. દાઊદે લખ્યું, “[યહોવાહ] તમે મને મૂએલાંઓ મધ્યે રહેવા દેશો નહિ.” (ગીત. ૧૬:૧૦, IBSI) કેટલીક સ્ત્રીઓ, ઈસુને રાખ્યા હતા એ કબરે આવી. ત્યાં સ્વર્ગદૂતને બેઠેલો જોઈને તેઓને બહુ નવાઈ લાગી. સ્વર્ગદૂતે સ્ત્રીઓને કહ્યું, “અચરજ ન થાઓ; વધસ્તંભે જડાએલા ઈસુ નાઝારીને તમે શોધો છો; તે ઊઠ્યો છે; તે અહીં નથી; જુઓ, જે જગાએ તેને મૂક્યો હતો તે આ છે.” (માર્ક ૧૬:૬) થોડા સમય પછી પેન્તેકોસ્ત ૩૩ના દિવસે, પ્રેરિત પીતરે યરૂશાલેમમાં ઘણા લોકોને જણાવ્યું, “[દાઊદે] અગાઉથી જાણીને તેણે ખ્રિસ્તના પુનરુત્થાન વિષે કહ્યું, કે તેને હાડેસમાં [કબરમાં] રહેવા દેવામાં આવ્યો નહિ, અને તેના દેહે કોહવાણ પણ જોયું નહિ.” (પ્રે.કૃ. ૨:૨૯-૩૧) ઈશ્વરે તેમના દીકરાનું શરીર કોહવાઈ જવા દીધું નહિ. યહોવાહે ચમત્કારિક રીતે ઈસુને સજીવન કર્યા અને સ્વર્ગમાં લઈ લીધા.—૧ પીત. ૩:૧૮.
૨૦. મસીહના રાજ વિષેની ભવિષ્યવાણી કેવી રીતે પૂરી થઈ?
૨૦ ભાખવામાં આવ્યું તેમ, ઈશ્વરે જાહેર કર્યું કે ઈસુ તેમના દીકરા છે. (ગીતશાસ્ત્ર ૨:૭; માત્થી ૩:૧૭ વાંચો.) ઈસુ યરૂશાલેમમાં પ્રવેશ્યા ત્યારે લોકોએ તેમનો અને તેમના રાજ્યનો જયજયકાર કર્યો. આજે આપણે પણ ખુશી ખુશી બીજાઓને ઈસુ અને તેમના રાજ્ય વિષે જણાવીએ છીએ. (માર્ક ૧૧:૭-૧૦) ઈસુ “સત્ય, નમ્રતા તથા ન્યાયીપણાને અર્થે” સવારી કરશે અને જલદી જ શત્રુઓનો નાશ કરશે. (ગીત. ૨:૮, ૯; ૪૫:૧-૬) તેમના રાજમાં દુનિયા ફરતે શાંતિ હશે અને કશાની ખોટ પડશે નહિ. (ગીત. ૭૨:૧, ૩, ૧૨, ૧૬; યશા. ૯:૬, ૭) યહોવાહના પુત્ર ઈસુએ સ્વર્ગમાં મસીહી રાજ શરૂ કરી દીધું છે. એ સંદેશો જાહેર કરવાનો આપણી પાસે કેટલો મોટો લહાવો છે! (w11-E 08/15)
તમે કેવો જવાબ આપશો?
• ઈસુને એક દગો દેશે અને બીજાઓ છોડીને જતા રહેશે, એ વિષેની ભવિષ્યવાણી કેવી રીતે પૂરી થઈ?
• ઈસુના મરણ વિષેની અમુક ભવિષ્યવાણીઓ કઈ છે?
• ઈસુ જ મસીહ છે, એમ તમે પૂરી ખાતરીથી કેમ કહી શકો?
[પાન ૧૫ પર ચિત્ર]
રાજાની જેમ ઈસુ યરૂશાલેમમાં પ્રવેશ્યા, એનાથી કઈ ભવિષ્યવાણી પૂરી થઈ?
[પાન ૧૭ પર ચિત્ર]
આપણા પાપને માટે ઈસુ મરણ પામ્યા, પણ આજે તે મસીહી રાજા છે