‘ડહાપણથી આપણું આયુષ્ય વધશે’
જીવનની સમસ્યાઓ હલ કરવા ડહાપણ ખૂબ જ જરૂરી છે એનો કોણ નકાર કરી શકે? સાચું ડહાપણ એટલે જ્ઞાન અને સમજણને યોગ્ય રીતે ઉપયોગ કરવાની ક્ષમતા. એ મૂર્ખતાથી અને પાગલપણાથી તદ્દન વિપરીત છે. તેથી, બાઇબલ આપણને ડહાપણ પ્રાપ્ત કરવા ઉત્તેજન આપે છે. (નીતિવચન ૪:૭) હકીકતમાં, બાઇબલમાં નીતિવચનનું પુસ્તક ખાસ કરીને ડહાપણ અને શિસ્ત આપવા માટે લખવામાં આવ્યું હતું. એના શરૂઆતના શબ્દો આમ વંચાય છે: “ઈસ્રાએલના રાજા દાઊદના પુત્ર સુલેમાનનાં નીતિવચનો: જ્ઞાન [“ડહાપણ,” NW] તથા શિક્ષણ [“શિસ્ત,” NW] સંપાદન થાય; ડહાપણની વાતો સમજવામાં આવે.”—નીતિવચન ૧:૧, ૨.
નીતિવચનના શરૂઆતના જ થોડા અધ્યાયોનો વિચાર કરો કે જેમાં ભરોસાપાત્ર શિક્ષણો આપવામાં આવ્યાં છે. એક પિતા પોતાના પુત્રને અરજ કરે તેમ, સુલેમાન રાજા પોતાના વાચકોને શિસ્ત સ્વીકારવા અને ડહાપણને ધ્યાન આપવા વિનંતી કરે છે. (પહેલો અને બીજો અધ્યાય) તે આપણને કઈ રીતે યહોવાહ સાથે ગાઢ મિત્રતા વિકસાવવી અને આપણાં હૃદયનું રક્ષણ કરવું એ બતાવે છે. (ત્રીજો અને ચોથો અધ્યાય) આપણને નૈતિક રીતે શુદ્ધ રહેવાની સલાહ આપે છે. (પાંચમો અને છઠ્ઠો અધ્યાય) અનૈતિક વ્યક્તિ બીજાને કઈ રીતે ફસાવે છે એ જાણવું આપણા લાભ માટે છે. (સાતમો અધ્યાય) વ્યક્તિ તરીકે ડહાપણ જે વિનંતી કરે છે એ દરેક જણ માટે કેટલી આકર્ષક છે! (આઠમો અધ્યાય) ત્યાર પછીના અધ્યાયોમાં, દરેક નીતિવચનો ટૂંકમાં જણાવતા પહેલાં, સુલેમાન રાજા અત્યાર સુધી કરેલી ચર્ચાઓનો ઉત્તેજનકારક સારાંશ રજૂ કરે છે.—અધ્યાય ૯.
‘આવો, મારી રોટલી ખાઓ, અને મારો દ્રાક્ષારસ પીઓ’
નીતિવચનના પ્રથમ ભાગનો અંત કંટાળાજનક સારાંશ નથી કે જે આગળ જણાવેલી સલાહની માત્ર ઉપરછલ્લી બાબતો જણાવે. એને બદલે, એ સારાંશ રોમાંચક અને સુંદર દૃષ્ટાંતરૂપે રજૂ કરવામાં આવ્યો છે જે વાચકોને ડહાપણ મેળવવા પ્રોત્સાહન આપે છે.
નીતિવચનનો નવમો અધ્યાય આ શબ્દોથી શરૂ થાય છે: “જ્ઞાને પોતાનું ઘર બાંધ્યું છે, તેણે પોતાના સાત સ્તંભો કોતરી કાઢ્યા છે.” (આ લેખમાં અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) (નીતિવચન ૯:૧) એક વિદ્વાન જણાવે છે કે, “સાત સ્તંભો” શબ્દાવલી “આંગણાંની આજુબાજુ બાંધેલા મહેલને સૂચવે છે, આ મહેલના માળખાની બંને બાજુ ટેકો આપવા ત્રણ ત્રણ સ્તંભો હતા અને એક સ્તંભ ત્રીજી બાજુએ વચ્ચોવચ હતો જેની સામે ખુલ્લી જગ્યા હતી અને એ પ્રવેશમાર્ગ હતો.” જોકે એ સાચું હોય કે નહિ પરંતુ સાચા ડહાપણે તો ઘણા મહેમાનોને આવકારવા એક મજબૂત ઘર બાંધ્યું છે.
ઉજાણી માટે બધું જ તૈયાર છે. માંસ અને દ્રાક્ષદારૂ પણ છે. ડહાપણે પોતે ખોરાક તૈયાર કરવામાં અને ટેબલ ગોઠવવામાં વ્યક્તિગત ધ્યાન આપ્યું છે. “તેણે પોતાનાં પશુઓ કાપ્યાં છે, અને દ્રાક્ષારસ મિશ્ર ર્ક્યો છે; તેણે પોતાની મેજ પર ભોજન તૈયાર રાખ્યું છે.” (નીતિવચન ૯:૨) દેખીતી રીતે જ, આ રૂપકાત્મક ટેબલ પર કાળજીપૂર્વક આત્મિક રીતે જ્ઞાન પ્રકાશિત કરવા માટે સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરવામાં આવ્યું છે.—યશાયાહ ૫૫:૧, ૨.
સાચા ડહાપણે તૈયાર કરેલી મિજબાનીમાં કોને આમંત્રણ આપવામાં આવ્યું છે? “પોતાની દાસીઓને મોકલીને, નગરની સહુથી ઊંચી જગા પરથી તે હાંક મારે છે, કે જે કોઇ મૂર્ખ હોય, તે વળીને અહીં અંદર આવે; વળી જે મૂઢ હોય તેને તે કહે છે, કે આવો, મારી રોટલી ખાઓ, અને મારો મિશ્ર કરેલો દ્રાક્ષારસ પીઓ. હે મૂર્ખો, હઠ છોડી દો, ને જીવો; અને બુદ્ધિને માર્ગે ચાલો.”—નીતિવચન ૯:૩-૬.
ડહાપણે આમંત્રણ આપવા માટે પોતાની દાસીઓને મોકલી છે. તેઓ એવી જાહેર જગ્યાઓએ ગઈ છે કે જ્યાંથી તેઓ વધારેમાં વધારે લોકોને બોલાવી શકે. ‘કોઇ મૂર્ખ હોય’ કે અસમજું હોય તેમ જ જેઓ બિનઅનુભવી છે તેઓ બધાને આમંત્રણ આપવામાં આવ્યું છે. (નીતિવચન ૯:૪) વળી તેઓને જીવનનું વચન આપવામાં આવ્યું છે. નીતિવચનના પુસ્તક સહિત, બાઇબલમાં જે ડહાપણ આપવામાં આવ્યું છે એ બધા જ માટે છે. સાચા ડહાપણના સંદેશવાહકો તરીકે, આજે યહોવાહના સાક્ષીઓ જ્યાં કંઈ લોકો મળે ત્યાં તેઓને બાઇબલનો અભ્યાસ કરવાનું આમંત્રણ આપવામાં વ્યસ્ત છે. ખરેખર, આ જ્ઞાન લેવાથી અનંતજીવન મળી શકે છે.—યોહાન ૧૭:૩.
ડહાપણ જે શિસ્ત આપે છે એને ખ્રિસ્તીઓએ નમ્રપણે સ્વીકારવી જોઈએ. નાનેરાઓ અને યહોવાહ વિષે શીખવાની શરૂઆત જ કરી છે તેઓએ તો એને ખાસ સ્વીકારવી જોઈએ. પરમેશ્વરના માર્ગો વિષે બિનઅનુભવી હોવાથી, તેઓ ‘મૂર્ખ’ હોય શકે. જોકે તેઓના હૃદયની બધી જ પ્રેરણાઓ ખોટી હોતી નથી, પરંતુ તેઓનાં હૃદયો યહોવાહ દેવને ખુશ કરનારા બનાવવા માટે સમયની જરૂર છે. એ માટે આપણે આપણા વિચારો, ઇચ્છાઓ, લાગણીઓ અને ધ્યેયોને પરમેશ્વરની ઇચ્છાના સુમેળમાં લાવવાની જરૂર છે. એ માટે તેઓ “નિષ્કપટ આત્મિક દૂધની ઇચ્છા” રાખે એ કેટલું મહત્ત્વનું છે.—૧ પીતર ૨:૨.
હકીકતમાં, શું આપણે બધાએ “મૂળતત્ત્વો”થી આગળ વધવું ન જોઈએ? ખરેખર આપણે તો “દેવના ઊંડા વિચારોને” સમજવા રસ વિકસાવવો જ જોઈએ અને ભારે ખોરાકનો લાભ લઈને પરિપક્વ બનવું જોઈએ. (હેબ્રી ૫:૧૨–૬:૧; ૧ કોરીંથી ૨:૧૦) ઈસુ ખ્રિસ્તના નિરીક્ષણ હેઠળ “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” બધા માટે નિયમિત રીતે સમયસરનો આત્મિક ખોરાક પૂરો પાડે છે. (માત્થી ૨૪:૪૫-૪૭) ચાલો આપણે બાઇબલ અને બુદ્ધિમાન ચાકર વર્ગે બહાર પાડેલા બાઇબલ આધારિત પ્રકાશનોનો ખંતથી અભ્યાસ કરીને, ડહાપણના ટેબલ પરથી ભોજનનો આનંદ માણીએ.
“તિરસ્કાર કરનારને ઠપકો ન દે”
ડહાપણના શિક્ષણમાં શિખામણ અને ઠપકાનો પણ સમાવેશ થાય છે. એ શિખામણ કે ઠપકો કોઈને પણ ગમતો નથી. તેથી, નીતિવચનના પુસ્તકના પ્રથમ ભાગના અંતમાં ચેતવણી પણ આપવામાં આવી છે: “તિરસ્કાર કરનારને ઠપકો દેનાર ફજેત થાય છે; અને દુષ્ટ માણસને ધમકાવનારને બટ્ટો લાગે છે. તિરસ્કાર કરનારને ઠપકો ન દે, રખેને તે તારો ધિક્કાર કરે; જ્ઞાની પુરુષને ઠપકો દે, એટલે તે તારા પર પ્રેમ કરશે.”—નીતિવચન ૯:૭, ૮ક.
તિરસ્કાર કરનાર પોતાને સીધો રસ્તો બતાવનાર પ્રત્યે ગુસ્સે થાય છે અને તેને ધિક્કારે છે. દુષ્ટ વ્યક્તિ ઠપકાના મૂલ્યની કદર કરતી નથી. બાઇબલના અદ્ભુત સત્યને ધિક્કારનાર કે એની મજાક ઉડાવનારને સત્ય શીખવવું નકામું છે! પ્રેષિત પાઊલ અંત્યોખમાં પ્રચાર કરતા હતા ત્યારે, તેમને સત્ય માટે બિલકુલ પ્રેમ ન હોય એવા યહુદીઓના એક ટોળાનો સામનો કરવો પડ્યો. તેઓએ પાઊલ વિરુદ્ધ દુર્ભાષણ કરીને તેમને દલીલોમાં સંડોવવાના પ્રયત્નો કર્યા ત્યારે, પાઊલે ફક્ત આમ કહ્યું: “તમે તેનો [દેવના શબ્દોનો] નકાર કરો છો, અને અનંતજીવન પામવાને તમે પોતાને અયોગ્ય ઠરાવો છો, માટે જુઓ, અમે વિદેશીઓ તરફ ફરીએ છીએ.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૫, ૪૬.
આપણે નમ્ર હૃદયનાઓ પાસે રાજ્યનો સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન કરીએ ત્યારે, તિરસ્કાર કરનારાઓ સાથે દલીલોમાં ન જોડાઈ જઈએ માટે કાળજી રાખીએ. ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને સૂચના આપી હતી: “ઘરમાં જઇને તેનાંને સલામ કહો. અને જો તે ઘર યોગ્ય હોય તો તમારી કુશળતા તેના પર આવશે, પણ જો તે યોગ્ય નહિ હોય તો તમારી કુશળતા તમારા પર પાછી આવશે. અને જો કોઈ તમારો આવકાર નહિ કરે, ને તમારી વાતો નહિ સાંભળે તો તે ઘરમાંથી અથવા તે નગરમાંથી નીકળતાં તમે તમારા પગ પરની ધૂળ ખંખેરી નાખો.”—માત્થી ૧૦:૧૨-૧૪.
ઠપકા પ્રત્યે સમજુ વ્યક્તિનું વલણ તિરસ્કાર કરનાર વ્યક્તિથી અલગ હશે. સુલેમાન કહે છે: “જ્ઞાની પુરુષને ઠપકો દે, એટલે તે તારા પર પ્રેમ કરશે. જ્ઞાની પુરુષને શિક્ષણ આપ, એટલે તે વધારે જ્ઞાની થશે.” (નીતિવચન ૯:૮ખ, ૯ક) સમજુ વ્યક્તિ જાણે છે કે “કોઈ પણ શિક્ષા હાલ તરત આનંદકારક લાગતી નથી, પણ ખેદકારક લાગે છે; પણ પાછળથી તો તે કસાએલાઓને ન્યાયીપણાનાં શાંતિદાયક ફળ આપે છે.” (હેબ્રી ૧૨:૧૧) જોકે ઠપકો મળવાથી દુઃખ તો થાય છે, પરંતુ એ સ્વીકારવાથી લાભ થવાનો હોય તો શું આપણે એનો વિરોધ કરવો જોઈએ?
શાણા રાજા કહેવાનું ચાલુ રાખે છે, “ન્યાયી માણસને શીખવ, એટલે તેની વિદ્યામાં વૃદ્ધિ થશે.” (નીતિવચન ૯:૯ખ) કોઈ શીખી ન શકે એટલું વિદ્વાન કે વૃદ્ધ હોતું નથી. વૃદ્ધ લોકો પણ સત્ય શીખીને યહોવાહને પોતાનું સમર્પણ કરે છે ત્યારે એ જોઈને આપણને કેવી ખુશી થાય છે! ચાલો આપણે પણ શીખવા માટે તૈયાર રહીએ અને આપણા મગજને સક્રિય રાખીએ.
“તારા આવરદાનાં વર્ષો વધશે”
આ જ વિષયના મુખ્ય મુદ્દા પર ભાર મૂકતા, સુલેમાન બતાવે છે કે ડહાપણ મેળવવા માટે કઈ બાબત સૌથી મહત્ત્વની છે. તે લખે છે: “યહોવાહનું ભય એ જ્ઞાનનો આરંભ છે; અને પરમપવિત્રની ઓળખાણ એજ બુદ્ધિ છે.” (નીતિવચન ૯:૧૦) સાચા પરમેશ્વર માટે ઊંડો, આદરણીય ભય ન હોય તો દૈવી ડહાપણ ન મળી શકે. વ્યક્તિ જ્ઞાની હોય શકે, પરંતુ તેને યહોવાહનો ભય ન હોય તો, ઉત્પન્નકર્તાને આદર મળે એવી રીતે એ જ્ઞાનનો ઉપયોગ કરી શકશે નહિ. જાણીતાં સત્યોનો ખોટો અર્થ કાઢીને તે પોતાને મૂર્ખ બનાવી શકે. વધુમાં, ડહાપણનો નોંધપાત્ર ગુણ, સમજણ મેળવવા પરમ પવિત્ર યહોવાહનું જ્ઞાન લેવું જરૂરી છે.
ડહાપણથી કયાં ફળો પેદાં થાય છે? (નીતિવચન ૮:૧૨-૨૧, ૩૫) ઈસ્રાએલના રાજા કહે છે: “કેમકે મારાવડે તારા આયુષ્યની વૃદ્ધિ થશે, અને તારા આવરદાનાં વર્ષો વધશે.” (નીતિવચન ૯:૧૧) ડહાપણ સાથે સંગત રાખવાથી આયુષ્ય વધે છે. હા, ‘ડહાપણ પોતાના માલિકના જીવનું રક્ષણ કરે છે.’—સભાશિક્ષક ૭:૧૨.
ડહાપણ મેળવવા ખંતથી પ્રયત્ન કરવો એ આપણી પોતાની જવાબદારી છે. એ હકીકત પર ભાર મૂકતા, સુલેમાન જણાવે છે: “જો તું જ્ઞાની હોય, તો તારે પોતાને માટે તું જ્ઞાની છે; અને જો તું તિરસ્કાર કરતો હોય, તો તારે એકલાને જ તેનું ફળ ભોગવવું પડશે.” (નીતિવચન ૯:૧૨) સમજુ વ્યક્તિને પોતાને જ ફાયદો થશે અને તિરસ્કાર કરનારને જે દુઃખ પડે છે એ માટે તે પોતે જ દોષિત છે. ખરેખર, આપણે જે વાવીશું એ જ લણીશું. તેથી ચાલો આપણે, “જ્ઞાન” [“ડહાપણ,” NW] તરફ આપણો કાન ધરીએ.—નીતિવચન ૨:૨.
“મૂર્ખ સ્ત્રી કંકાસિયેણ છે”
એનાથી ભિન્ન, સુલેમાન આગળ કહે છે: “મૂર્ખ સ્ત્રી કંકાસિયેણ છે; તે સમજણ વગરની છે, અને છેક અજાણ છે. તે પોતાના ઘરના બારણા આગળ, નગરની ઊંચી જગાઓ પર આસન વાળીને બેસે છે, જેથી ત્યાં થઇને જનારાઓને, એટલે પોતાને સીધે માર્ગે ચાલનારાઓને તે એમ કહીને બોલાવે, કે જે કોઈ મૂર્ખ હોય, તે વળીને અહીં અંદર આવે.”—નીતિવચન ૯:૧૩-૧૬ક.
મૂર્ખતાને અહીં બોલકણી, શિસ્ત વગરની અને સમજણ વગરની સ્ત્રી તરીકે ચિત્રિત કરવામાં આવી છે. તેણે પણ ઘર બાંધ્યું છે. અને તેણે બિનઅનુભવીને લલચાવવાનું કામ માથે લીધું છે. તેની પાસેથી પસાર થનારાઓ પાસે પસંદગી રહેલી છે. શું તેઓ ડહાપણનું આમંત્રણ સ્વીકારશે કે મૂર્ખતાનું?
“ચોરીને પીધેલું પાણી મીઠું લાગે છે”
ડહાપણ અને મૂર્ખતા બંને, સાંભળનારને “વળીને અહીં અંદર” આવવાનું આમંત્રણ આપે છે. પરંતુ બંનેના આમંત્રણમાં ફરક છે. ડહાપણ લોકોને દ્રાક્ષદારૂ, માંસ અને રોટલી ખાવા આમંત્રણ આપે છે. જ્યારે કે મૂર્ખતાનું લલચાવનાર આમંત્રણ એ વેશ્યાના માર્ગો છે એ આપણે ભૂલવું ન જોઈએ. સુલેમાન કહે છે: “બુદ્ધિહીનને તે કહે છે, કે ચોરીને પીધેલું પાણી મીઠું લાગે છે, અને સંતાઇને ખાધેલી રોટલી સ્વાદિષ્ટ હોય છે.”—નીતિવચન ૯:૧૬ક, ૧૭.
મિશ્રણ કરેલા દ્રાક્ષદારૂને બદલે “મૂર્ખ સ્ત્રી” ચોરેલું પાણી પીવડાવવાનું વચન આપે છે. (નીતિવચન ૯:૧૩) બાઇબલમાં, પોતાની વહાલી પત્ની સાથે જાતીયતાનો આનંદ માણવાને તાજગી આપનાર પીવાના પાણી સાથે સરખાવવામાં આવે છે. (નીતિવચન ૫:૧૫-૧૭) ચોરેલું પાણી, અનૈતિક જાતીય સંબંધોને રજૂ કરે છે જે છૂપી રીતે કરવામાં આવે છે. આવું પાણી દ્રાક્ષદારૂ કરતાં પણ મીઠું લાગે છે કારણ કે એ ચોરેલું છે અને એની કોઈને જાણે ખબર પડશે નહિ એવું લાગે છે. તેથી ચોરેલી રોટલી, ડહાપણની મૂલ્યવાન રોટલી અને માંસ કરતાં બહુ સ્વાદિષ્ટ લાગે છે કારણ કે એ અપ્રમાણિકતાથી મેળવેલી હોય છે. પરંતુ મના કરેલી અને છૂપી હોય એવી વસ્તુ તરફ આકર્ષાવું એ મૂર્ખતાની નિશાની છે.
ડહાપણના આમંત્રણમાં જીવનનું વચન છે, જ્યારે મૂર્ખ સ્ત્રીના માર્ગમાં ચાલવાથી શું પરિણામ આવશે એ વિષે તે કંઈ જણાવતી નથી. પરંતુ સુલેમાન ચેતવણી આપે છે: “પણ તે જાણતો નથી કે તે મૂએલાની જગા છે; અને તેના મેમાનો શેઓલનાં ઊંડાણોમાં ઊતરનારા છે.” (નીતિવચન ૯:૧૮) એક વિદ્વાન કહે છે, “મૂર્ખ સ્ત્રીનું ઘર એ ઘર નથી પરંતુ કબર છે, તમે એક વાર અંદર પ્રવેશો પછી પાછા બહાર નહિ નીકળી શકો.” અનૈતિક જીવન જીવવું ડહાપણભર્યું નથી; એ મરણ પામવા બરાબર છે.
ઈસુ ખ્રિસ્તે કહ્યું: “તમે સાંકડે બારણેથી માંહે પેસો; કેમકે જે માર્ગ નાશમાં પહોંચાડે છે, તે ચોડો છે, ને તેનું બારણું પહોળું છે, ને ઘણા તેમાં થઈને પેસે છે. કેમકે જે માર્ગ જીવનમાં પહોંચાડે છે, તે સાંકડો છે, ને તેનું બારણું સાંકડું છે. અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે.” (માત્થી ૭:૧૩, ૧૪) ચાલો આપણે હંમેશા ડહાપણના ટેબલ પરથી ખાતા રહીએ અને જેઓ જીવનના માર્ગમાં ચાલે છે તેઓની સાથે ચાલતા રહીએ.
[પાન ૩૧ પર ચિત્ર]
સમજુ વ્યક્તિ ઠપકાને સ્વીકારે છે
[પાન ૩૧ પર ચિત્ર]
ડહાપણ પ્રાપ્ત કરવું એ આપણી પોતાની જવાબદારી છે