પ્રામાણિક રહીને ચાલવાના આશીર્વાદો
“યહોવાહનો આશીર્વાદ ધનવાન કરે છે. અને તેની સાથે કંઈ ખેદ મિશ્રિત નથી.”—નીતિવચનો ૧૦:૨૨.
૧, ૨. શા માટે ભાવિના વિચારોમાં ડૂબી ન જવું જોઈએ?
એક અમેરિકન ફિલૉસોફરે કહ્યું: “ભવિષ્યમાં જે થવાનું છે, કે જે મળવાનું છે એ તરફ વધારે ધ્યાન આપીશું તો, અત્યારે આપણી પાસે જે આશીર્વાદ છે, એની આપણે કદર કરીશું નહિ.” બાળકો પણ એ જ રીતે વિચારીને મોટા થવા પર વધારે ધ્યાન આપે છે. તેઓને લાગે છે કે મોટા થવાથી વધારે લાભ મળે છે. પણ તેઓ ભૂલી જાય છે કે નાના હોવાના પણ અમુક લાભ છે.
૨ આપણે પણ ફિલૉસોફર અને નાનાં બાળકોની જેમ વિચારી શકીએ. કઈ રીતે? આપણને ખબર છે કે યહોવાહ થોડા વખત પછી પૃથ્વી પર સુખ-શાંતિ લાવશે. એમાં કોઈ જાતની બીમારી, ઘડપણ અને દુઃખો નહિ હોય. એ બધું જાણીને આપણે અમુક વખતે ઊંડા વિચારોમાં ખોવાઈ જઈએ છીએ. જો કે એવું વિચારવું કંઈ ખોટું નથી. પણ જો આપણે એ વિચારોમાં વધારે પડતા ડૂબી જઈશું તો, અત્યારે આપણી પાસે જે આશીર્વાદ છે એની આપણે કદર નહિ કરીએ. એ ખરેખર દુઃખની વાત છે! એના લીધે આપણે નિરાશ થઈ શકીએ. ‘આશા પૂરી થવામાં મોડું થાય ત્યારે હૃદય દુઃખી થઈ શકે.’ (નીતિવચનો ૧૩:૧૨, IBSI) જીવનમાં તકલીફો અને મુશ્કેલીઓ આવે ત્યારે આપણે વિચારીએ કે, મારી સાથે જ કેમ આમ થયું. એ સહન કરવાને બદલે આપણે કચકચ કરી શકીએ. પણ જો આપણે હાલના આશીર્વાદો પર મનન કરીશું, તો ખોટા વિચારો નહિ આવે.
૩. આ લેખમાં આપણે શાનો વિચાર કરીશું?
૩ નીતિવચનો ૧૦:૨૨ કહે છે, “યહોવાહનો આશીર્વાદ ધનવાન કરે છે. અને તેની સાથે કંઈ ખેદ મિશ્રિત નથી.” તેથી આપણી પાસે જે આશીર્વાદ છે એનાથી શું આપણે ખુશ થવું ન જોઈએ? ચાલો એ આશીર્વાદો પર થોડો વિચાર કરીએ. અને જોઈએ કે એ આપણા જીવનમાં કેવો ભાગ ભજવે છે. યહોવાહે જે આશીર્વાદો વરસાવ્યા છે એના પર ઊંડો વિચાર કરવાથી આપણે ‘પ્રામાણિક પણે ચાલી શકીશું.’ આપણે ખુશી ખુશી યહોવાહની સેવા કરતા રહેવાનો પાકો નિર્ણય લઈ શકીશું.—નીતિવચનો ૨૦:૭.
હાલનું આપણું જીવન સુખી કરતા આશીર્વાદો
૪, ૫. બાઇબલના કયા શિક્ષણને તમે પોતે એક આશીર્વાદ ગણો છો?
૪ આપણી પાસે બાઇબલના શિક્ષણનું ખરું જ્ઞાન છે. ખ્રિસ્તી દેશો અથવા ચર્ચો બાઇબલમાં માનવાનો દાવો કરે છે. પણ તેઓ બાઇબલના સાચા શિક્ષણ સાથે સહમત નથી. તેઓ એક જ ચર્ચમાં જાય છે, પણ એક વ્યક્તિની માન્યતા બીજી વ્યક્તિથી અલગ છે. જો કે બાઇબલ શિક્ષણની બાબતમાં યહોવાહના ભક્તો તેમનાથી એકદમ અલગ છે! આપણે જુદા જુદા દેશ-જાતિ કે સંસ્કૃતિમાંથી આવીએ છીએ. તોપણ આપણે ભક્તિમાં પરમેશ્વરના નામનો ઉપયોગ કરીએ છીએ. આપણે યહોવાહ પરમેશ્વરને કંઈ ત્રૈક્ય દેવ તરીકે માનતા નથી. (પુનર્નિયમ ૬:૪; ગીતશાસ્ત્ર ૮૩:૧૮; માર્ક ૧૨:૨૯) આપણે જાણીએ છીએ કે યહોવાહ પરમેશ્વર વિશ્વના માલિક છે. શેતાને તેમના રાજ કરવાના હક્ક પર જે સવાલ ઊભો કર્યો છે, એને યહોવાહ જલદી જ થાળે પાડશે. આપણે પરમેશ્વરના માર્ગમાં પ્રામાણિકપણે ચાલીએ છીએ ત્યારે એ સવાલનો જવાબ આપીએ છીએ. આપણે જાણીએ છીએ કે મૂએલાઓ આપણને કંઈ કરી શકતા નથી. તેથી, મરણ પછી નર્કમાં કે બીજી કોઈ જગ્યાએ પરમેશ્વર માણસને રિબાવશે એવો કોઈ ડર આપણને નથી.—સભાશિક્ષક ૯:૫, ૧૦.
૫ આપણે જાણીએ છીએ કે ઉત્ક્રાંતિવાદની (ઈવોલ્યુશન) માન્યતા સાવ ખોટી છે. કેમ કે યહોવાહે આપણને બનાવ્યા છે. તેમણે આપણામાં તેમના જેવા ગુણો પણ મૂક્યા છે. (ઉત્પત્તિ ૧:૨૬; માલાખી ૨:૧૦) આ વિષે ગીતકર્તાએ યહોવાહને કહ્યું: “ભય તથા આશ્ચર્ય પમાડે એવી રીતે મને રચવામાં આવ્યો છે, માટે હું તારી ઉપકારસ્તુતિ કરીશ; તારાં કામ આશ્ચર્યકારક છે, એ મારો જીવ સારી પેઠે જાણે છે.”—ગીતશાસ્ત્ર ૧૩૯:૧૪.
૬, ૭. તમારા કે બીજાના જીવનમાં ખોટી ટેવો છોડવાથી કેવા આશીર્વાદો મળ્યા છે?
૬ આપણે ખોટી આદતો કે ટેવો છોડી દીધી છે. ટીવી કે છાપામાં ઘણી ચેતવણી આવે છે. જેમ કે, સિગારેટ પીવી ખતરનાક છે. વધારે શરાબ શરીર માટે જોખમી છે. લગ્ન સિવાય જાતીય સંબંધ રાખવા ખોટું છે. પણ મોટા ભાગના લોકો એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાખે છે. વિચાર કરો કે કોઈ નેકદિલ માણસ બાઇબલમાંથી શીખે છે. તેને જાણવા મળે છે કે સાચા પરમેશ્વર ઉપરની બધી બાબતોને ધિક્કારે છે. તોપણ લોકો એમ કરે છે ત્યારે પરમેશ્વર દુઃખી થાય છે. હવે એ માણસ શું કરશે? તે એ બધી બાબતો છોડી દેશે. (યશાયાહ ૬૩:૧૦; ૧ કોરીંથી ૬:૯, ૧૦; ૨ કોરીંથી ૭:૧; એફેસી ૪:૩૦) શા માટે? એનાથી તેની તબિયત સારી રહેશે, અને મનની શાંતિ મળશે. પણ મોટે ભાગે તે યહોવાહને ચાહે છે એ માટે એમ કરે છે.
૭ ઘણા માટે ખોટી આદતો છોડવી એ લોઢાના ચણા ચાવવા બરાબર છે. તોપણ દર વર્ષે લાખો લોકો એમ કરે છે. આ લોકોએ નક્કી કર્યું છે કે તેઓ આખી જિંદગી યહોવાહની ભક્તિ કરશે. પછી બાપ્તિસ્મા લેવા માટેના પગલાં ભરે છે. એનાથી લોકો જોઈ શકે છે કે તેઓએ બાઇબલ પ્રમાણે ખોટી આદતો છોડી દીધી છે. એ જોઈને આપણને કેટલું ઉત્તેજન મળે છે! એક તો એ આપણને યાદ કરાવે છે કે આપણે એવી બાબતોથી દૂર રહીએ જે યહોવાહની નજરે ખોટી છે અને જેમાં આપણું નુકસાન છે. અને ખોટા રસ્તા પર ન ચાલવા આપણે વધારે મક્કમ બનીએ છીએ.
૮. કુટુંબ સુખી થાય એ માટે બાઇબલની કઈ કલમો આપણને મદદ કરે છે?
૮ કુટુંબ સુખી હશે. ઘણા દેશોમાં કુટુંબોમાં સંપ હોતો નથી. શા માટે? પતિ-પત્ની છૂટાછેડા લે છે. પરિણામે બાળકો પર દુઃખ આવી પડે છે. યુરોપના અમુક દેશોમાં ૨૦ ટકા કુટુંબોમાં ફક્ત માતા કે પિતા જ છે. આપણા કુટુંબમાં યહોવાહે કઈ રીતે સાથ આપ્યો છે? પતિ, પત્ની અને બાળકોને એફેસી ૫:૨૨–૬:૪માં સારી સલાહ આપવામાં આવી છે. એ વાંચજો. એ સલાહ અને બીજી કલમો જીવનમાં ઉતારીશું તો, લગ્નમાં અને બાળકો મોટા કરવામાં ચોક્કસ મદદ મળશે. એનાથી આપણું કુટુંબ સુખી થશે. આ ખરેખર મોટો આશીર્વાદ છે!
૯, ૧૦. દુનિયાના લોકો ભવિષ્ય માટે કેવું વિચારે છે? આપણે કેવું વિચારીએ છીએ?
૯ આપણને ખાતરી છે કે દુનિયાની તકલીફોનો અંત આવશે. આજકાલ વિજ્ઞાન અને ટેકનૉલૉજી બહુ આગળ વધ્યા છે. નેતાઓ પણ દુનિયાની હાલત સુધારવા માટે મહેનત કરે છે. તોપણ, દુનિયામાં હજુ તકલીફો ચાલી રહી છે. દુનિયાની હાલત સુધારવા વર્લ્ડ ઈકોનોમિક ફૉરમ નામનું સંગઠન સ્થાપનાર ક્લાઉસ સ્વાબ કહે છે: ‘દુનિયામાં મુશ્કેલીઓ દિવસે દિવસે વધી રહી છે. એના તરફ ધ્યાન આપવા માટે સમય બહુ ઓછો પડે છે. દાખલા તરીકે, આખી દુનિયામાં આતંકવાદ છે. લોકો પૃથ્વીને બગાડી રહ્યાં છે. પૈસાની તંગી છે. તેથી દુનિયાની હાલત સુધારવા લોકોમાં સંપ હોવો જોઈએ. એના માટે હમણાં જ પગલાં લેવાની જરૂર છે.’ આ ૨૧મી સદી આગળ વધી રહી છે, તેમ છતાં દુનિયાની હાલત સુધરે એમ લાગતું નથી.
૧૦ પરંતુ આપણે જાણીએ છીએ કે યહોવાહ મસીહી રાજા દ્વારા દુનિયાની તકલીફોનો અંત લાવશે. ત્યારે પરમેશ્વર ‘લડાઈઓ બંધ કરી દેશે, અને પુષ્કળ શાંતિ થશે.’ એ જાણીને આપણને કેવી મનની શાંતિ મળે છે! (ગીતશાસ્ત્ર ૪૬:૯; ૭૨:૭) એ સમયે ઈસુ ખ્રિસ્ત યહોવાહના રાજ્યમાં રાજ કરશે. તે ‘ગરીબ, દુઃખીજનો અને નિર્બળોને જુલમ તથા હિંસામાંથી છોડાવશે.’ (ગીતશાસ્ત્ર ૭૨:૧૨-૧૪) લોકોને ભરપેટ ખોરાક મળશે. (ગીતશાસ્ત્ર ૭૨:૧૬) યહોવાહ ‘તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થશે નહિ; તેમ જ શોક કે રુદન કે દુઃખ ફરીથી થશે નહિ; પ્રથમની વાતો જતી રહેશે.’ (પ્રકટીકરણ ૨૧:૪) આ મસીહી રાજ્ય સ્વર્ગમાં શરૂ થયું છે. આ રાજ્ય જલદી જ પૃથ્વી પરની દુઃખ તકલીફોને દૂર કરશે.—દાનીયેલ ૨:૪૪; પ્રકટીકરણ ૧૧:૧૫.
૧૧, ૧૨. (ક) શું મોજશોખ કરવાથી સાચું સુખ મેળવી શકીએ? સમજાવો. (ખ) સાચું સુખ શેનાથી મળી શકે?
૧૧ આપણને ખબર છે કે સાચું સુખ કેવી રીતે મેળવી શકીએ. દુનિયાના લોકો પૂછે છે કે સાચું સુખ મેળવવા શું કરવું? એક સાઇકોલૉજીસ્ટ કહે છે કે સાચું સુખ મેળવવા ત્રણ બાબતો જરૂરી છે. પહેલું, મોજશોખ કરો. બીજું, કુટુંબ અને નોકરીમાં જવાબદારી ઉપાડો. અને ત્રીજું, બીજાઓનું ભલું કરો. સાઇકોલૉજીસ્ટ કહે છે કે આ ત્રણમાં મોજશોખ છેલ્લે આવવું જોઈએ. ‘એમાં સાવ ડૂબી ન જવું જોઈએ. પણ મોટા ભાગે લોકો એવું વિચારતા નથી. તેઓને લાગે છે કે મોજશોખ કરીશું, તો ખરેખર સુખી થઈશું.’ એ વિષે બાઇબલ શું જણાવે છે?
૧૨ જૂના જમાનામાં સુલેમાન ઈસ્રાએલના રાજા હતા. તે કહે છે: ‘મેં મારા મનમાં વિચાર્યું, “ચાલો ત્યારે, મોજશોખ ભોગવી લઈએ, જેથી સુખ શું છે તે શોધી શકાય.” પરંતુ અનુભવે એ વ્યર્થ જણાયું. મને સમજાયું કે હાસ્યવિનોદ પણ પાગલપણું છે અને મોજશોખથી કશો લાભ થતો નથી.’ (સભાશિક્ષક ૨:૧, ૨, કોમન લેંગ્વેજ) આ કલમ પ્રમાણે મોજશોખથી મળતું સુખ આજે છે ને કાલે નથી. શું કામકાજની જવાબદારી ઉપાડવાથી ખરું સુખ મેળવી શકીએ? ખરું કે એ જરૂરી છે. પણ પ્રચાર કામ અને લોકોને બાઇબલમાંથી શીખવવા દ્વારા એક રીતે સુખ મળે છે. (માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) આ રીતે જેઓ આપણું સાંભળે છે, અને શીખે છે તેઓ નવી દુનિયાનો ભાગ બની શકે છે. એનાથી આપણી સાથે તેઓ પણ નવી દુનિયાનો આશીર્વાદ મેળવી શકશે. (૧ તીમોથી ૪:૧૬) ‘દેવના સેવકો’ હોવાથી આપણે જાણીએ છીએ કે “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.” (૧ કોરીંથી ૩:૯; પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) આ સિદ્ધાંત પાળવાથી આપણે ખરું સુખ મેળવીએ છીએ. એટલું જ નહિ, આપણે પુરાવો આપીએ છીએ કે યહોવાહ વિશ્વના માલિક છે. અને શેતાને જે આરોપ મૂક્યો છે એ જૂઠો સાબિત કરીએ છીએ. (નીતિવચનો ૨૭:૧૧) ખરેખર, યહોવાહ આપણને બતાવે છે કે આપણે તેમની ભક્તિ કરીશું તો, ખરું સુખ મેળવી શકીશું. અને એ સુખ કાયમ માટેનું હશે.—૧ તીમોથી ૪:૮.
૧૩. (ક) દેવશાહી સેવાશાળા શા માટે એક આશીર્વાદ છે? (ખ) દેવશાહી સેવા શાળામાંથી તમે કઈ રીતે લાભ ઉઠાવ્યો છે?
૧૩ યહોવાહ પોતાના સંગઠન દ્વારા આપણને તાલીમ આપે છે. યહોવાહના સાક્ષીઓના મંડળમાં ગરહાર્ડ એક વડીલ છે. તે પોતાનું બાળપણ યાદ કરતા કહે છે: “હું નાનો હતો ત્યારે મને બોલવામાં તકલીફ પડતી હતી. મનમાં ઘણા વિચારો હોય પણ હું લોકો સામે બોલી શકતો ન હતો. હું બોલવાનો પ્રયત્ન કરતો ત્યારે મારી જીભ તાળવે ચોંટી જતી. હું હિંમત હારી જતો અને નિરાશ થઈ જતો. એના લીધે મારા માબાપે સ્પીકીંગ કોર્સની ગોઠવણ કરી, જેથી હું વધારે સ્પષ્ટ રીતે બોલી શકું. પણ એનાથી કંઈ ફાયદો થયો નહિ. બોલવાની ક્ષમતા તો મારામાં હતી, પણ મનમાં એવું હતું કે હું સારી રીતે બોલી શકતો નથી. પછી હું દેવશાહી સેવા શાળામાં જોડાયો. એ ખરેખર સારી વ્યવસ્થા હતી. આ શાળામાં ભાગ લેવાથી મને હિંમત મળી જેનાથી હું સારી રીતે બોલી શક્યો. હું જે શીખ્યો એ મેં જીવનમાં લાગુ પાડ્યું. ખરેખર એનાથી ઘણો ફેર પડ્યો. હવે હું ચોખ્ખી રીતે બોલી શકતો હતો, અને નિરાશ થતો ન હતો. તેમ જ હિંમતથી પ્રચાર કરી શકતો હતો. હવે હું પબ્લિક ટૉક પણ આપું છું. હું યહોવાહની બહુ કદર કરું છું. કેમ કે આ સ્કૂલથી મારા બોલવામાં ઘણો સુધારો થયો.” યહોવાહ તેમના સંગઠન દ્વારા આપણને તાલીમ આપે છે. એનાથી આપણે તેમણે સોંપેલી જવાબદારી ઉપાડી શકીએ છીએ. એ આપણા માટે એક આશીર્વાદ છે.
૧૪, ૧૫. ઓચિંતી આફત આવી પડે ત્યારે શેમાંથી હિંમત અને શક્તિ મળે છે? ઉદાહરણ આપો.
૧૪ આપણે યહોવાહ સાથે નાતો બાંધી શકીએ છીએ અને આખી દુનિયાના ભાઈ-બહેનોનો આપણને પ્રેમ મળે છે. જર્મનીમાં રહેતા કેટરીના બહેન વિષે જોઈએ. તેમણે દક્ષિણ-પૂર્વ એશિયામાં થયેલા ધરતીકંપ અને સુનામી વિષે સાંભળ્યું ત્યારે તે ચિંતામાં ડૂબી ગયા. કેમ કે તેમની દીકરી એ સમયે થાઇલૅન્ડ ફરવા ગઈ હતી. બત્રીસ કલાક સુધી આ બહેન જાણતા ન હતા કે તેમની દીકરી જીવે છે કે નહિ. દર કલાકે સમાચારમાં તેમને જાણવા મળતું કે વધુને વધુ લોકો મોતના મુખમાં ચાલ્યા ગયા છે કે ઇજા પામ્યા છે. છેવટે બત્રીસ કલાક પછી કેટરીનાને કોઈએ ફોનથી જણાવ્યું કે તેમની દીકરી સલામત છે, ત્યારે તેમના મનને શાંતિ થઈ.
૧૫ કેટરીના બહેન ચિંતામાં હતા ત્યારે તેમને શેમાંથી મદદ મળી? તે લખે છે: ‘બત્રીસ કલાકમાં મોટે ભાગે મેં યહોવાહને પ્રાર્થના કરી. એનાથી મેં વારંવાર જોયું કે યહોવાહે કઈ રીતે મને હિંમત અને શક્તિ આપ્યા છે. મંડળના ભાઈ-બહેનો મને મળવા આવ્યા અને ઉત્તેજન આપ્યું.’ (ફિલિપી ૪:૬, ૭) વિચાર કરો કે તેમણે પ્રાર્થના ન કરી હોત અને મંડળના ભાઈ-બહેનો ન હોત તો, તેમની શું હાલત થાત. આ બતાવી આપે છે કે યહોવાહ, તેમના દીકરા ઈસુ અને આખી દુનિયાના ભાઈ-બહેનો સાથેનો સંબંધ એક આશીર્વાદ છે. ખરેખર એની આપણે કદર કરવી જોઈએ!
૧૬. ગુજરી ગએલાને યહોવાહ ફરી ઉઠાડશે એવી ખાતરી હોવી શા માટે આશીર્વાદ કહેવાય? દાખલો આપો.
૧૬ આપણને ખાતરી છે કે ગુજરી ગયેલા લોકોને ફરીથી જોઈશું. (યોહાન ૫:૨૮, ૨૯) માતીઅસનો વિચાર કરો. તે નાનપણથી યહોવાહના સાક્ષી તરીકે મોટો થયો હતો. પણ તેણે એ આશીર્વાદની કદર ન કરી. તે કિશોર વયનો હતો ત્યારે મંડળથી દૂર થઈ ગયો. તે લખે છે: “હું મારા પપ્પા સાથે બહુ વાત ન કરતો. વર્ષો સુધી અમારી વચ્ચે ઘણા મતભેદો હતા. તોપણ પપ્પા ચાહતા હતા કે મારું ભલું થાય. તે મને બહુ પ્રેમ કરતા. પણ ઘણી વાર હું તેમને સમજી ન શક્યો. ૧૯૯૬માં મારા પપ્પા હૉસ્પિટલમાં બેભાન હતા ત્યારે હું તેમનો હાથ પકડીને રડી પડ્યો. ખરું કે તે સાંભળી શકતા ન હતા. તોપણ મેં તેમને દિલથી કહ્યું કે ‘મેં જે કર્યું એ ખોટું હતું, હું તમને પ્રેમ કરું છું.’ એના થોડા સમય પછી બીમારીને લીધે તે મરણ પામ્યા. હવે હું નવી દુનિયાની રાહ જોઉં છું જ્યારે મારા પપ્પા સજીવન થશે. ત્યારે અમારી વચ્ચે કોઈ મતભેદ નહિ હોય. તેમને એ જાણીને પણ બહુ ખુશી થશે કે તેમનો દીકરો મંડળમાં વડીલ છે, અને તેની પત્ની સાથે પાયોનિયરીંગ કરે છે.” યહોવાહ ગુજરી ગએલાને ફરી ઉઠાડશે, એવી ખાતરી હોવી કેવો મોટો આશિષ કહેવાય!
યહોવાહના આશીર્વાદમાં ‘કોઈ ખેદ નથી’
૧૭. યહોવાહના આશિષ પર મનન કરવાથી આપણા પર કેવી અસર પડે છે?
૧૭ ઈસુએ પોતાના પિતા યહોવાહ વિષે કહ્યું: “તે પોતાના સૂરજને ભૂંડા તથા ભલા પર ઉગાવે છે, ને ન્યાયી તથા અન્યાયી પર વરસાદ વરસાવે છે.” (માત્થી ૫:૪૫) યહોવાહ અન્યાયી અને દુષ્ટોને પણ આશિષ આપે છે. તો પછી, તેમના માર્ગે ચાલતા તેમના ભક્તોને તે જરૂર આશિષ આપશે. ગીતશાસ્ત્ર ૮૪:૧૧ કહે છે કે ‘યહોવાહ ન્યાયથી વર્તનારને માટે કંઈ પણ સારું વાનું રોકી રાખશે નહિ.’ યહોવાહ આપણી કેટલી સંભાળ રાખે છે, એના પર મનન કરવાથી આપણું દિલ આનંદ અને ઉપકારથી કેવું ઊભરાઈ જાય છે!
૧૮. (ક) કઈ રીતે કહી શકીએ કે યહોવાહના આશીર્વાદમાં કોઈ ખેદ નથી? (ખ) શા માટે આપણે તકલીફો સહન કરવી પડે છે?
૧૮ “યહોવાહના આશીર્વાદથી” આપણે અત્યારે ખરું સુખ અને બાઇબલની સમજણ મેળવીએ છીએ. ખોટા રસ્તે ચઢી જતા નથી. યહોવાહ અને ભાઈ-બહેનો સાથે સારો નાતો બાંધી શકીએ છીએ. એ આશીર્વાદ અનુભવીને આપણે જાણીએ છીએ કે એમાં “કંઈ ખેદ મિશ્રિત નથી.” (નીતિવચનો ૧૦:૨૨) પણ શા માટે યહોવાહ આપણા પર તકલીફો ચાલવા દે છે? એનાથી આપણે કેટલું દુઃખ સહેવું પડે છે. આપણા પર ત્રણ કારણોને લીધે મુશ્કેલીઓ આવે છે. (૧) આપણે બધા ભૂલો કરીએ છીએ. (ઉત્પત્તિ ૬:૫; ૮:૨૧; યાકૂબ ૧:૧૪, ૧૫) (૨) શેતાન અને તેના દુષ્ટ દૂતોને લીધે. (એફેસી ૬:૧૧, ૧૨) (૩) આ દુષ્ટ જગતને લીધે. (યોહાન ૧૫:૧૯) યહોવાહ આ બધું ચાલવા દે છે. એનો અર્થ એ નથી કે તે આપણા પર તકલીફો લાવે છે. તે તો આપણું ભલું જ ચાહે છે. ‘દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે, અને પ્રકાશોનો પિતા જેનામાં વિકાર થતો નથી તેની પાસેથી આવે છે.’ (યાકૂબ ૧:૧૭) ખરેખર, યહોવાહના આશીર્વાદમાં કોઈ જાતનો ખેદ ભળેલો નથી.
૧૯. ખુશી ખુશી યહોવાહના માર્ગમાં ચાલે છે તેઓ માટે કેવા આશીર્વાદો રહેલા છે?
૧૯ યહોવાહના આશીર્વાદો મેળવવા હોય તો, આપણે તેમની સાથે નાતો બાંધવો જોઈએ. આપણે તેમની સાથે ગાઢ નાતો બાંધીએ ત્યારે ‘ભવિષ્યને માટે પોતાને વાસ્તે પાયારૂપી પૂંજીનો સંગ્રહ કરીએ છીએ, જેથી ખરેખરું જીવન એટલે કે કાયમનું જીવન પ્રાપ્ત કરીએ.’ (૧ તીમોથી ૬:૧૨, ૧૭-૧૯) આજે આપણી પાસે જે આશીર્વાદ છે એ નવી દુનિયામાં પણ અનુભવીશું. સાથે સાથે બીમારી, ઘડપણ અને બીજા દુઃખો પણ નહિ હોય. ‘યહોવાહની વાણી સાંભળશે’ તેઓ, કાયમી જીવનમાં યહોવાહના ઘણા આશીર્વાદ મેળવશે. (પુનર્નિયમ ૨૮:૨) તો ચાલો આપણે ખુશી ખુશી યહોવાહના માર્ગમાં ચાલતા રહીએ. (w06 5/15)
તમે શું શીખ્યા?
• શા માટે આપણે ભાવિ વિષે બહુ વિચારવું ન જોઈએ?
• આપણી પાસે હમણાં કયા આશીર્વાદો છે?
• શા માટે યહોવાહ તેમના સેવકો પર તકલીફો ચાલવા દે છે?