યહોવાહનો શબ્દ જીવંત છે માર્કના મુખ્ય વિચારો
અમુક લોકો માત્થી, માર્ક, લુક અને યોહાનના પુસ્તકોને સુવાર્તાનાં પુસ્તકો તરીકે ઓળખે છે. એમાંથી માર્કનું પુસ્તક સૌથી નાનું છે. ઈસુ મરણ પામ્યા ને તેમને સજીવન કરવામાં આવ્યા એના ત્રીસેક વર્ષ પછી યોહાન માર્કે એ પુસ્તક લખ્યું. એ નાનકડા પુસ્તકમાં પુષ્કળ માહિતી છે. જેમ કે ઈસુએ સાડા ત્રણ વર્ષના સેવા કાર્યમાં શું શીખવ્યું ને બીજું શું કર્યું.
એવું લાગે છે કે માર્કે આ પુસ્તક યહુદીઓ માટે નહિ, પણ રોમન પ્રજા માટે લખ્યું હતું. આ પુસ્તકમાં ઈસુને ઈશ્વરના દીકરા તરીકે બતાવવામાં આવ્યા છે, જે મોટા મોટા ચમત્કારો કરે છે ને પૂરા જુસ્સાથી બધે પ્રચાર કરે છે. આ પુસ્તકમાં ઈસુના ઉપદેશ કરતાં તેમનાં કામો પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. દિલથી માર્કના પુસ્તકનો અભ્યાસ કરવાથી આપણે ઈસુને મસીહ તરીકે સારી રીતે ઓળખી શકીશું. એનાથી યહોવાહમાં આપણી શ્રદ્ધા વધશે. તેમ જ યહોવાહના રાજ્ય વિષે જોરશોરથી પ્રચાર કરવા ઈસુની જેમ આપણે પણ પ્રેરાઈશું.—હેબ્રી ૪:૧૨.
ગાલીલમાં સૌથી વધારે પ્રચાર
માર્ક શરૂઆતની ચૌદ કલમોમાં જ યોહાન બાપ્તિસ્મકનાં કામો વિષે અને ઈસુએ રણમાં ચાળીસ દિવસ પસાર કર્યા એના વિષે જણાવી દે છે. પછી તે જણાવે છે કે ઈસુએ ગાલીલમાં શું પ્રચાર કર્યો. તે અનેક વાર “તરત” શબ્દ વાપરે છે. એના પરથી એવું લાગે છે કે ઈસુના કામો વિષે જણાવવું માર્ક માટે બહુ જ તાકીદનું હતું.—માર્ક ૧:૧૦, ૧૨.
ઈસુએ ત્રણ વર્ષની અંદર ગાલીલમાં ત્રણ વાર પ્રચાર કર્યો હતો. મોટે ભાગે જે રીતે બનાવો બન્યા હતા એનો ક્રમવાર માર્ક અહેવાલ આપે છે. ઈસુએ પહાડ પર આપેલો ઉપદેશ અને બીજા લાંબા ઉપદેશો વિષે તેમણે કંઈ લખ્યું નથી.
સવાલ-જવાબ:
૧:૧૫—શાનો “સમય પૂરો થયો”? ઈસુ કહી રહ્યા હતા કે તેમના માટે પ્રચાર શરૂ કરવાનો “સમય પૂરો થયો,” એટલે કે એ સમય આવી ગયો છે. એ સમયે યહોવાહે પસંદ કરેલા રાજા તરીકે ઈસુ ત્યાં હાજર હતા. એટલે કહી શકાય કે ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે. તેમના ઉપદેશથી નમ્ર લોકો લાભ પામ્યા. તેઓ પણ પ્રચાર કરવા લાગ્યા. આમ તેઓ યહોવાહની કૃપા પામવા યોગ્ય બન્યા.
૧:૪૪; ૩:૧૨; ૭:૩૬—ઈસુએ પોતાના ચમત્કારો વિષે કેમ ઢંઢેરો ન પિટાવ્યો? ઈસુ પોતે ચાહતા ન હતા કે ચમત્કારો વિષે સાચું-ખોટું સાંભળીને લોકો તેમને મસીહા કે ખ્રિસ્ત તરીકે માને નહિ. પણ ચમત્કારો જોઈને પોતે નિર્ણય પર આવે કે ઈસુ તે જ ખ્રિસ્ત છે. (યશાયાહ ૪૨:૧-૪; માત્થી ૮:૪; ૯:૩૦; ૧૨:૧૫-૨૧; ૧૬:૨૦; લુક ૫:૧૪) તોપણ ગેરાસીની દેશમાં ભૂત વળગેલાને કે શેતાનના વશમાં હતો એ માણસને સાજો કર્યા પછી ઈસુએ તેને કહ્યું કે ‘ઘરે જઈને તારાં કુટુંબને જણાવ કે શું બન્યું.’ શા માટે? કારણ કે એ દેશના લોકો ઈસુને ત્યાંથી ચાલ્યા જવાનો આગ્રહ કરતા હતા. એટલે ઈસુએ સાજા થયેલા માણસને પોતાની ઓળખ આપી. કેમ કે પોતે એ દેશમાં પાછા જવાના ન હતા. તેમ જ જો કોઈ જૂઠાણું ફેલાવે કે ઈસુને કારણે તેઓએ ભૂંડો ગુમાવ્યાʼતા તો, સાજો થયેલો માણસ તેઓને જૂઠા સાબિત કરવા ત્યાં હાજર હતો.—માર્ક ૫:૧-૨૦; લુક ૮:૨૬-૩૯.
૨:૨૮—ઈસુએ પોતાને “વિશ્રામવારનો પણ પ્રભુ” કેમ કહ્યો? પ્રેરિત પાઊલે લખ્યું કે ‘નિયમશાસ્ત્ર તો સારી વસ્તુઓની પ્રતિછાયા છે.’ એટલે કે પડછાયો છે. (હેબ્રી ૧૦:૧) મુસાના નિયમ પ્રમાણે છ દિવસ કામ કર્યા પછી સાતમો દિવસ વિશ્રામવાર ગણાતો. તોપણ ઈસુએ ઘણા વિશ્રામવારે લોકોને સાજા કર્યા હતા. એ બતાવે છે કે શેતાનના જુલમી રાજ્યનો નાશ થયા પછી ઈસુ હજાર વર્ષ રાજ કરશે. ત્યારે ઇન્સાન પર અગણિત આશીર્વાદો આવશે. તેઓ ખરી શાંતિ અનુભવશે. આ રીતે ઈસુ એ રાજ્યના રાજા ને ‘વિશ્રામવારના પણ પ્રભુ’ છે.—માત્થી ૧૨:૮; લુક ૬:૫.
૩:૫; ૭:૩૪; ૮:૧૨—જુદા જુદા સંજોગોમાં ઈસુને કેવું લાગ્યું હતું એ વિષે માર્કને કેવી રીતે ખબર પડી? ખરું કે માર્ક બાર પ્રેષિતોમાંના ન હતા. તેમ જ તે ઈસુ સાથે ફર્યા જ ન હતા. તોપણ જૂના જમાનાના રિવાજ પ્રમાણે માનવામાં આવે છે કે માર્કે પીતર પાસેથી બધી માહિતી મેળવી હતી જે તેમના નજીકના મિત્ર હતા.—૧ પીતર ૫:૧૩.
૬:૫૧, ૫૨—ઈસુના શિષ્યો ‘રોટલી વિષે’ શું સમજ્યા ન હતા? ઈસુએ રોટલીની વાત કરી એના કલાકો પહેલાં જ તેમણે પાંચ રોટલી અને બે માછલીથી ૫,૦૦૦ પુરુષો અને સ્ત્રીઓ તથા બાળકોને જમાડ્યા હતા. આ બનાવ પરથી શિષ્યોએ સમજવાની જરૂર હતી કે ઈસુએ યહોવાહની શક્તિથી એ ચમત્કાર કર્યો હતો. (માર્ક ૬:૪૧-૪૪) એ સમજ્યા હોત તો ઈસુ પાણી પર ચાલ્યા ત્યારે તેઓ નવાઈ ન પામ્યા હોત. કેમ કે એટલા બધા લોકોને જમાડ્યા એ ચમત્કાર જ પુરાવો આપતો હતો કે યહોવાહે ઈસુને કેટલી શક્તિ આપી છે.
૮:૨૨-૨૬—ઈસુએ કેમ આંધળાને ધીમે ધીમે દેખતો કર્યો? એ માણસ માટે દયા હોવાથી ઈસુએ એમ કર્યું હશે. તે વર્ષોથી આંધળો હતો. તેની આંખ પર અચાનક પ્રકાશ આવે તો તે બધું સ્પષ્ટ જોઈ ન શકત. એટલે ઈસુએ ધીમે ધીમે તેને દેખતો કર્યો.
આપણે શું શીખી શકીએ?
૨:૧૮; ૭:૧૧; ૧૨:૧૮; ૧૩:૩. બીજા ધર્મના લોકો સમજી શકે એવી રીતે માર્કે યહુદી ધર્મ, એના રિવાજ અને ઈસ્રાએલ દેશની જગ્યાઓ વિષે લખ્યું. જેમ કે તેમણે સાફ જણાવ્યું કે ફરોશીઓ ‘ઉપવાસ કરતા’ હતા. અને કુરબાનીનો અર્થ ઈશ્વરને “અર્પિતદાન.” તેમણે એમ પણ કહ્યું કે સાદુકીઓ “કહે છે કે પુનરુત્થાન નથી.” અને ‘જૈતુનના પહાડ પરથી મંદિર’ દેખાતું હતું. મસીહની વંશાવળીમાં યહુદી સિવાય બીજા કોઈને રસ ન હતો એટલે તેમણે એના વિષે કંઈ જણાવ્યું નથી. માર્ક પાસેથી આપણે પણ ઘણું શીખી શકીએ. પ્રચાર કરતા હોઈએ કે ટૉક આપતા હોઈએ ત્યારે આપણે પોતાને પૂછવું જોઈએ: ‘હું કયા ધર્મ કે સમાજના લોકો સાથે વાત કરું છું?’ પછી તેઓ સમજી શકે એવી ભાષા વાપરવી જોઈએ.
૩:૨૧. ઈસુનાં સગાંઓ તેમના ઉપદેશમાં માનતાં ન હતાં. એટલે તે એવા લોકોની લાગણીને બરાબર સમજે છે જેઓ પોતાના વિશ્વાસને લીધે કુટુંબ તરફથી વિરોધ ને મશ્કરી સહે છે. ઈસુ એવા લોકોને હમદર્દી પણ બતાવે છે.
૩:૩૧-૩૫. ઈસુ બાપ્તિસ્મા પામ્યા ત્યારે તે ઈશ્વરના દીકરા કહેવાયા. અને “ઉપરનું યરૂશાલેમ” એટલે કે સ્વર્ગીય સંસ્થા તેમની માતા બની. (ગલાતી ૪:૨૬) સમય જતાં ઈસુ માટે તેમનાં સગાં-વહાલાં કરતાંય તેમના પગલે ચાલનારા વધારે વહાલાં બન્યાં. એ શું શીખવે છે? એ જ કે યહોવાહની ભક્તિ આપણા જીવનમાં સૌ પ્રથમ હોવી જોઈએ.—માત્થી ૧૨:૪૬-૫૦; લુક ૮:૧૯-૨૧.
૮:૩૨-૩૪. જો કોઈ આપણને એવી સલાહ આપે કે યહોવાહની સેવા કરવા સાથે આપણે પોતાનું પણ જોવું જોઈએ, એશઆરામથી જીવવું જોઈએ તો, એવી સલાહથી દૂર ભાગવું જોઈએ. આપણે દરેકે ઈસુના પગલે ચાલવું હોય તો “પોતાનો નકાર કરવો” જોઈએ. એટલે કે પોતાનું નહિ પણ યહોવાહનું સપનું સાકાર કરવા જીવવું જોઈએ. દરેકે ઈસુની જેમ “પોતાનો વધસ્તંભ ઊંચકીને” યહોવાહની સેવા કરવી જોઈએ. પછી ભલેને દુઃખ-તકલીફો, સતાવણી કે મોત પણ સહેવું પડે. “પોતાનો વધસ્તંભ ઊંચકીને” ઈસુના પગલે થોડો સમય નહિ, પણ જીવનભર ચાલવું જોઈએ. દરેકે ઈસુ જેવા બનવા સખત મહેનત કરવી જોઈએ.—માત્થી ૧૬:૨૧-૨૫; લુક ૯:૨૨, ૨૩.
૯:૨૪. યહોવાહ વિષે બીજાઓને જણાવતા આપણે શરમાવું ન જોઈએ. તેમનામાં વધારે શ્રદ્ધા મૂકવા પ્રાર્થનામાં મદદ માગતા પણ અચકાવું ન જોઈએ.—લુક ૧૭:૫.
ઈસુના જીવનનો છેલ્લો મહિનો
ઈસવીસન ૩૨ની આખરે ઈસુ ‘યરદનને પેલે પાર યહુદાહની સીમોમાં આવ્યા.’ ફરીથી લોકોના ટોળેટોળાં તેમની પાસે આવે છે. (માર્ક ૧૦:૧) ત્યાં પ્રચાર કર્યા પછી ઈસુ યરૂશાલેમ જવા નીકળે છે.
નીશાન ૮ના રોજ ઈસુ બેથાનીમાં આવે છે. તે જમવા બેસે છે એવામાં જ એક સ્ત્રી આવીને ઈસુના માથામાં અત્તરવાળું તેલ નાખે છે. ત્યાર પછી ઈસુ યરૂશાલેમમાં કઈ રીતે આવ્યા, યહોવાહે તેમને કઈ રીતે સજીવન કર્યા એ બધી માહિતી ક્રમવાર માર્કના પુસ્તકમાં મળી આવે છે.
સવાલ-જવાબ:
૧૦:૧૭, ૧૮—એક માણસે ઈસુને “ઉત્તમ ઉપદેશક” કહ્યા ત્યારે ઈસુએ તેને કેમ સુધાર્યો? એ માણસ ઈસુની ખુશામત કરતો હતો. ઈસુને એ પસંદ ન હતું. તેમણે સર્વ મહિમા યહોવાહને આપ્યો. એ ઉપરાંત ઈસુએ મૂળ સત્ય પર તે માણસનું ધ્યાન દોર્યું. જેમ કે યહોવાહ સર્વ વસ્તુઓના સર્જનહાર છે. એ માટે તે જ નક્કી કરી શકે કે સારું શું અને ખરાબ શું.—માત્થી ૧૯:૧૬, ૧૭; લુક ૧૮:૧૮, ૧૯.
૧૪:૨૫—ઈસુએ પોતાના વિશ્વાસુ પ્રેરિતોને કહ્યું હતું: ‘જે દહાડે હું ઈશ્વરના રાજ્યમાં નવો નહિ પીઉં, તે દહાડા સુધી હું ફરી દ્રાક્ષાનો રસ પીનાર નથી.’ એનો શું અર્થ થાય? ઈસુ કંઈ સ્વર્ગમાં દ્રાક્ષદારૂ પીવાની વાત કરતા ન હતા. બાઇબલ ઘણી વાર દ્રાક્ષદારૂને આનંદ સાથે જોડે છે. એટલે ઈસુનો કહેવાનો અર્થ એ હતો કે બધા જ અભિષિક્તો સ્વર્ગમાં ભેગા મળશે, ત્યારે તેમને અનહદ ખુશી થશે.—ગીતશાસ્ત્ર ૧૦૪:૧૫; માત્થી ૨૬:૨૯.
૧૪:૫૧, ૫૨. એ જુવાન કોણ હતો જે પોતાનું ‘લૂગડું મૂકીને ઉઘાડા શરીરે નાસી ગયો?’ ફક્ત માર્કે જ આ બનાવ વિષે લખ્યું હતું. એના પરથી લાગે છે કે માર્ક પોતાની જ વાત કરતો હતો.
૧૫:૩૪—ઈસુએ કહ્યું: ‘મારા ઈશ્વર, મારા ઈશ્વર, તેં મને કેમ મૂકી દીધો છે?’ શું એનો એવો અર્થ થાય કે ઈસુની શ્રદ્ધા ડગમગી ગઈ હતી? ના. આપણે જાણતા નથી કે ઈસુએ શા માટે એમ કહ્યું. તોપણ તેમના શબ્દો પરથી એવું લાગે છે કે યહોવાહે તેમના પરથી રક્ષણ લઈ લીધું હોવાથી તેમણે એમ કહ્યું. યહોવાહે શા માટે એમ કર્યું? જેથી બધી જ રીતે ઈસુની વફાદારીની કસોટી થાય. અથવા ગીતશાસ્ત્ર ૨૨:૧માં તેમના વિષે જે લખવામાં આવ્યું છે એ સાચું પાડવા તેમણે એમ કહ્યું હોઈ શકે.—માત્થી ૨૭:૪૬.
આપણે શું શીખી શકીએ?
૧૦:૬-૯. યહોવાહ ચાહે છે કે પતિ-પત્ની કદી છૂટા ન પડે. લગ્નજીવનમાં જો તકલીફો આવે તો ઉતાવળે છૂટાછેડા લેવા ન જોઈએ. એને બદલે યહોવાહે બાઇબલમાં જે સલાહ આપી છે એને પતિ-પત્નીએ જીવનમાં લાગુ પાડવી જોઈએ. એમ કરવાથી મુશ્કેલીઓ દૂર થશે.—માત્થી ૧૯:૪-૬.
૧૨:૪૧-૪૪. વિધવાના દાખલામાંથી આપણે શું શીખી શકીએ? એ જ કે યહોવાહની ભક્તિને તન-મન-ધનથી સાથ આપવો જોઈએ. (w08 2/15)