પ્રકરણ બાર
તેમણે પોતાના ઈશ્વરમાં દિલાસો મેળવ્યો
૧, ૨. એલિયાના જીવનના સૌથી યાદગાર દિવસે શું બન્યું હતું?
એલિયા વરસાદમાં દોડી રહ્યા છે તેમ, અંધકાર છવાતો જાય છે. યિઝ્રએલ પહોંચવા તેમણે લાંબો માર્ગ કાપવાનો છે અને તે યુવાન પણ નથી. તોપણ, “યહોવાનો હાથ” એલિયા પર હોવાથી તે પૂરા જોમથી દોડતા રહે છે. શરીરમાં આવી તાકાત, આવી સ્ફૂર્તિ તો તેમણે જીવનમાં પહેલાં કદી અનુભવી નથી. અરે, ઘોડાવાળા શાહી રથને પણ તેમણે પાછળ પાડી દીધો છે, જેમાં રાજા આહાબ જઈ રહ્યો છે!—૧ રાજાઓ ૧૮:૪૬ વાંચો.
૨ હવે સૂમસામ રસ્તા પર એલિયા એકલા દોડી રહ્યા છે. ધોધમાર વરસાદના છાંટા એલિયાના ચહેરાને વાગે છે. તે દોડે છે તેમ, જીવનના એ સૌથી યાદગાર દિવસે બનેલી ઘટનાઓ પર વિચાર કરે છે. એમાં કોઈ શંકા નથી કે એલિયાના ઈશ્વર, યહોવાનો અને સાચી ભક્તિનો અદ્ભુત વિજય થયો છે. એલિયાએ કાર્મેલ પર્વતને ક્યાંય પાછળ છોડી દીધો છે. વાવાઝોડાને લીધે અંધકાર અને વાદળો છવાઈ ગયાં હોવાથી, એ પર્વત હવે નજરે પણ પડતો નથી. એ પર્વત પર યહોવાએ એલિયા દ્વારા મોટો ચમત્કાર કરીને બઆલની જૂઠી ઉપાસનાને ઉઘાડી પાડી હતી. લોકોને છેતરતા બઆલના ૪૫૦ દુષ્ટ પ્રબોધકોની પોલ ખુલ્લી પડી ગઈ હતી અને તેઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. તેઓ એવી જ સજાને લાયક હતા. પછી, સાડા ત્રણ વર્ષથી દેશ પર કાળો કેર વર્તાવતા દુકાળનો અંત લાવવા એલિયાએ યહોવાને પ્રાર્થના કરી હતી. આખરે વરસાદે મહેર કરી!—૧ રાજા. ૧૮:૧૮-૪૫.
૩, ૪. (ક) યિઝ્રએલ જતાં એલિયાને કેમ મોટી મોટી આશાઓ જાગી હશે? (ખ) આપણે હવે કયા સવાલો પર ચર્ચા કરીશું?
૩ ત્રીસ કિલોમીટર દૂર યિઝ્રએલ જતા એલિયાને આશા છે કે હવે સારા દિવસો આવશે. તેમને હતું કે બઆલના પ્રબોધકો માર્યા ગયા હોવાથી પરિસ્થિતિ જરૂર સુધરશે. આહાબે હવે બદલાવું પડશે! આહાબે નજરોનજર એ બનાવો જોયા હોવાથી, તેની પાસે આ કડક પગલાં લેવા સિવાય બીજો કોઈ રસ્તો નથી: તેણે બઆલની ભક્તિ છોડવાની છે, રાણી ઇઝેબેલને કાબૂમાં રાખવાની છે અને યહોવાના સેવકો પર થતી સતાવણીને અટકાવવાની છે.
૪ બધું આપણી ઇચ્છા પ્રમાણે થાય ત્યારે, સુખનો સૂરજ ઊગશે એવી આશાઓ જાગે છે. પછી આપણે કલ્પના કરવા લાગીએ કે જીવનમાં સંજોગો હવે બદલાશે. કદાચ એવું પણ વિચારીએ કે આપણી મોટી મોટી મુશ્કેલીઓનાં વાદળો હવે વિખેરાઈ રહ્યા છે. જો એલિયાએ એવું વિચાર્યું હોય, તો એમાં કોઈ નવાઈ નથી. આખરે તે પણ ‘સ્વભાવે આપણા જેવા જ માણસ હતા.’ (યાકૂ. ૫:૧૭) પરંતુ, તેમની તકલીફોનો અંત આવ્યો ન હતો. બીજી અનેક મુશ્કેલીઓ તેમના પર આવી પડી. થોડા જ કલાકોમાં તે ડરના માર્યા એટલા નિરાશ થઈ ગયા કે તેમણે મરણની ઊંઘમાં સરી જવા ચાહ્યું. એવું તો શું બન્યું હતું? પોતાના આ પ્રબોધકની શ્રદ્ધા અને હિંમત જગાડવાં યહોવાએ શું કર્યું? ચાલો જોઈએ.
અણધાર્યા બનાવો બને છે
૫. કાર્મેલ પર્વત પર બનેલા બનાવો જોયા પછી, શું આહાબ યહોવાને મહિમા આપવાનું શીખ્યો? આપણે શાને આધારે એમ કહીએ છીએ?
૫ આહાબ યિઝ્રએલમાં પોતાના મહેલે પહોંચ્યો ત્યારે, શું તેનામાં કોઈ બદલાણ જોવા મળ્યું? આપણે વાંચીએ છીએ: “એલિયાએ જે સર્વ કર્યું હતું તે, ને તેણે કેવી રીતે સઘળા પ્રબોધકોને તરવારથી મારી નાખ્યા હતા, તે પણ આહાબે ઇઝેબેલને કહ્યું.” (૧ રાજા. ૧૯:૧) નોંધ લો કે એ દિવસે બનેલા બનાવો વિશે આહાબે જે કંઈ કહ્યું, એમાં એલિયાના ઈશ્વર યહોવાનું નામ સુદ્ધાં લીધું ન હતું. એ દિવસે મોટા મોટા ચમત્કારો જોયા હોવા છતાં, તેણે માન્યું નહિ કે એ બધું યહોવાએ કર્યું હતું. તેણે માણસની નજરે વિચારતા કહ્યું કે, ‘એ બધું એલિયાએ કર્યું હતું.’ સાચે જ, યહોવા ઈશ્વરને મહિમા આપવાનું તે શીખ્યો ન હતો. આહાબનું સાંભળીને વેર વાળવા તલપાપડ થયેલી તેની પત્નીએ શું કર્યું?
૬. ઇઝેબેલે એલિયાને કયો સંદેશો મોકલ્યો અને એનો શો અર્થ થાય?
૬ ઇઝેબેલનો ગુસ્સો આસમાને ચઢી ગયો! તેણે એલિયાને આ સંદેશો મોકલ્યો: “કાલે આશરે આ વેળા સુધીમાં હું તારા જીવને એ પ્રબોધકોમાંના એકના જીવ જેવો ન કરું, તો દેવતાઓ મને એવું ને એથી પણ વધારે વિતાડો.” (૧ રાજા. ૧૯:૨) એ તો એલિયા માટે મોતનો પયગામ હતો! ઇઝેબેલે સમ ખાધા હતા કે બઆલના પ્રબોધકોના મોતનું વેર વાળવા જો તે એલિયાને એક દિવસમાં મોતને ઘાટ ન ઉતારે, તો પોતે મોત વહાલું કરી લેશે. જરા કલ્પના કરો, એ તોફાની રાતે યિઝ્રએલના કોઈ સામાન્ય ઘરમાં એલિયા સૂતા છે. રાણીનો સંદેશવાહક આવીને તેમને જગાડે છે અને એ ભયાનક સંદેશો કહી સંભળાવે છે. પછી એલિયાની કેવી હાલત થઈ?
નિરાશા અને ડરની ખાઈમાં ઊતરી ગયેલા એલિયા
૭. ઇઝેબેલની ધમકીની એલિયા પર કેવી અસર પડી? તેમણે શું કર્યું?
૭ એલિયાને હતું કે બઆલની ઉપાસના સામે ચાલતી લડાઈ હવે ખતમ થઈ ગઈ છે. પરંતુ, ઇઝેબેલનો સંદેશો સાંભળતા જ તેમની આશા પર પાણી ફરી વળ્યું. ઇઝેબેલ હજી પણ બદલાઈ ન હતી. તેના હુકમથી ઘણા વફાદાર પ્રબોધકોને રહેંસી નાખવામાં આવ્યા હતા અને હવે એલિયાનો વારો હતો. ઇઝેબેલની ધમકીની એલિયા પર કેવી અસર પડી? તે ખૂબ ડરી ગયા અને ‘પોતાનો જીવ લઈને નાસી ગયા.’ શું એલિયા એવી કલ્પના કરતા હશે કે ઇઝેબેલ તેમને નિર્દયતાથી મારી નાખે છે? જો તેમણે એવા વિચારો મનમાં ઘોળાવા દીધા હોય, તો હિંમત ગુમાવી બેસે એમાં શું નવાઈ!—૧ રાજા. ૧૮:૪; ૧૯:૩.
જો હિંમત જાળવી રાખવી હોય, તો આપણને ડરાવતાં જોખમો પર મન ચકડોળે ચડવા ન દઈએ
૮. (ક) પીતરની મુશ્કેલી કઈ રીતે એલિયા જેવી જ હતી? (ખ) એલિયા અને પીતરના દાખલામાંથી આપણને શું શીખવા મળે છે?
૮ એલિયાની જેમ, બીજા ઈશ્વરભક્તો પણ ડરના માર્યા ગભરાઈ ગયા હતા. ઘણાં વર્ષો પછી, પ્રેરિત પીતર પણ આવી જ મુશ્કેલીમાં આવી પડ્યા હતા. દાખલા તરીકે, ઈસુએ પોતાની જેમ પાણી પર ચાલવા માટે પીતરને શક્તિમાન કર્યા ત્યારે, તે “વાવાઝોડું” જોઈને હિંમત હારી ગયા અને ડૂબવા લાગ્યા. (માથ્થી ૧૪:૩૦ વાંચો.) આમ, એલિયા અને પીતરના દાખલાઓ એક મૂલ્યવાન બોધપાઠ શીખવે છે. જો આપણે હિંમત જાળવી રાખવી હોય, તો આપણને ડરાવતાં જોખમો પર મન ચકડોળે ચડવા ન દઈએ. આપણે ખરા ઈશ્વર પર મન લગાડીએ, જે આપણને આશા આપે છે, શક્તિ આપે છે.
“હવે તો બસ થયું”
૯. એલિયા નાસી છૂટ્યા ત્યારે તેમની મુસાફરી કેવી હતી? એ સમયે તેમના મનની હાલત કેવી હતી?
૯ એલિયા ડરી ગયા હોવાથી કંઈક ૧૫૦ કિલોમીટર દૂર દક્ષિણ-પશ્ચિમે બેર-શેબા નાસી ગયા. એ નગર દક્ષિણમાં યહુદાની સરહદે આવેલું હતું. ત્યાં પોતાના ચાકરને મૂકીને તે અરણ્યમાં એકલા ગયા. અહેવાલ જણાવે છે કે તે “એક દિવસની મજલ જેટલે દૂર” ગયા. જરા કલ્પના કરો, સૂરજ ઊગતા જ એલિયા કંઈ પણ ખોરાક કે જરૂરી વસ્તુઓ લીધા વિના નીકળી પડે છે. નિરાશામાં ડૂબેલા એલિયાને ગભરાટને લીધે કંઈ સૂઝતું નથી. બસ, તે તો આંખો મીંચીને કાળઝાળ ગરમીમાં ખાડા-ટેકરાવાળો રસ્તો માંડ માંડ કાપી રહ્યા છે. પછી સાંજ પડે છે; આગ વરસાવતો સૂર્ય ધીમે ધીમે આથમી રહ્યો છે અને હવે એલિયામાં આગળ ચાલવાના હોશ નથી. થાકથી લોથપોથ એલિયા રોતેમ વૃક્ષ નીચે બેસી પડે છે. ઉજ્જડ વિસ્તારમાં એ જ તેમનો વિસામો છે.—૧ રાજા. ૧૯:૪.
૧૦, ૧૧. (ક) એલિયાએ યહોવાને કરેલી પ્રાર્થનાનો શું અર્થ થતો હતો? (ખ) ટાંકેલી કલમોમાંથી જણાવો કે બીજા ઈશ્વરભક્તો પણ કેટલી હદે નિરાશ થઈ ગયા હતા.
૧૦ નિરાશામાં ડૂબેલા એલિયાએ પ્રાર્થના કરી અને મોત માંગ્યું. તેમણે કહ્યું: “હું મારા પિતૃઓ કરતાં સારો નથી.” તે જાણતા હતા કે કબરમાં તેમના પિતૃઓ ધૂળમાં મળી ગયાં હતાં અને તેઓનાં હાડકાં જ રહી ગયાં હતાં. તેઓ હવે બીજાઓને કોઈ મદદ કરી શકતા ન હતા. (સભા. ૯:૧૦) એલિયા પોતાને પણ એવા જ નકામા ગણતા હતા. એટલે, તે પોકારી ઊઠ્યા: “હવે તો બસ થયું,” આગળ જીવવાનો શો મતલબ?
૧૧ કોઈ ઈશ્વરભક્ત આટલી હદે નિરાશ થઈ જાય, એ જાણીને શું આપણને નવાઈ લાગવી જોઈએ? ના. એલિયાની જેમ નિરાશ થઈ ગયેલા બીજા ઘણા ઈશ્વરભક્તો વિશે બાઇબલ જણાવે છે કે જેઓ મોતને વહાલું કરવા માંગતા હતા. જેમ કે, રિબકા, યાકૂબ, મુસા અને અયૂબ.—ઉત. ૨૫:૨૨; ૩૭:૩૫; ગણ. ૧૧:૧૩-૧૫; અયૂ. ૧૪:૧૩.
૧૨. જો તમે કોઈ વાર નિરાશામાં ડૂબી જાઓ તો એલિયાને પગલે ચાલવા શું કરશો?
૧૨ આજે આપણે ‘સંકટના વખતોમાં’ જીવી રહ્યા છીએ, “જે સહન કરવા અઘરા” છે. એટલે, એ જાણીને આપણને નવાઈ લાગતી નથી કે ઘણા લોકો, અરે, યહોવાના ભક્તો પણ કોઈ વાર નિરાશામાં ડૂબી જાય છે. (૨ તિમો. ૩:૧) જો તમે આવી કોઈ કપરી પરિસ્થિતિમાં આવી પડો, તો એલિયાની જેમ આમ કરજો: તમારી બધી લાગણીઓ ઈશ્વર આગળ ઠાલવી દો. ભૂલશો નહિ, યહોવા “દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વર” છે. (૨ કોરીંથીઓ ૧:૩, ૪ વાંચો.) શું તેમણે એલિયાને દિલાસો આપ્યો?
યહોવાએ પોતાના પ્રબોધકનું પોષણ કર્યું
૧૩, ૧૪. (ક) યહોવાએ સ્વર્ગદૂત દ્વારા કઈ રીતે પોતાના દુ:ખી પ્રબોધકની સંભાળ લીધી? (ખ) યહોવાને આપણા વિશે બધી જ ખબર છે અને આપણી મર્યાદાઓ પણ જાણે છે, એનાથી આપણને કેવો દિલાસો મળે છે?
૧૩ અરણ્યમાં એક ઝાડ નીચે બેઠેલા એલિયાને મોતની ભીખ માંગતા જોઈને સ્વર્ગમાંથી યહોવાને કેવું લાગ્યું હશે? બાઇબલ એનો જવાબ આપે છે. એલિયા ગાઢ ઊંઘમાં સરી પડ્યા પછી, યહોવાએ એક સ્વર્ગદૂતને તેમની પાસે મોકલ્યા. દૂતે પ્રેમથી એલિયાને ઢંઢોળીને જગાડ્યા અને કહ્યું: “ઊઠીને ખા.” દૂતે એલિયા માટે તાજી શેકેલી ગરમાગરમ રોટલી અને પાણી તૈયાર રાખ્યાં હતાં. એલિયાએ ઊઠીને એ ખાધું. શું એલિયાએ એના માટે દૂતનો આભાર માન્યો? અહેવાલ ફક્ત આટલું જ જણાવે છે કે પ્રબોધક ખાઈ-પીને પાછા સૂઈ ગયા. શું તે એટલા બધા દુઃખી અને નિરાશ હતા કે બોલી પણ ન શક્યા? ભલે ગમે એ હોય, પણ દૂતે બીજી વાર તેમને જગાડ્યા ત્યારે કદાચ વહેલી સવાર હતી. તેમણે ફરીથી એલિયાને વિનંતી કરી, “ઊઠીને ખા.” પછી, તેમણે આ નોંધપાત્ર શબ્દો કહ્યા: “કેમ કે તારે લાંબી મજલ કાપવાની છે.”—૧ રાજા. ૧૯:૫-૭.
૧૪ ઈશ્વરે સ્વર્ગદૂતને જણાવ્યું હતું કે એલિયાએ લાંબી મુસાફરી કરીને ક્યાં જવાનું છે. તે એ પણ જાણતા હતા કે એલિયા પોતાના બળે એટલી લાંબી મુસાફરી કરી નહિ શકે. આપણા ઈશ્વર આપણને મદદ કરવા તૈયાર છે, એ જાણીને કેટલો દિલાસો મળે છે! તે આપણાથી પણ વધારે સારી રીતે જાણે છે કે તેમની સેવામાં આપણે શું કરવા માંગીએ છીએ અને કેટલું કરી શકીએ છીએ. (ગીતશાસ્ત્ર ૧૦૩:૧૩, ૧૪ વાંચો.) એલિયા પર એ ખોરાકની કેવી અસર પડી?
૧૫, ૧૬. (ક) યહોવાએ પૂરા પાડેલા ભોજનથી એલિયાને કેવી શક્તિ મળી? (ખ) આજે યહોવા જે રીતે પોતાના ભક્તોની સંભાળ રાખે છે એની આપણે કેમ કદર બતાવવી જોઈએ?
૧૫ અહેવાલ આગળ જણાવે છે: “તેણે ઊઠીને ખાધું તથા પીધું, ને તે ખોરાકના પ્રતાપથી તે ચાળીસ દિવસ ને ચાળીસ રાત ચાલીને ઈશ્વરના પર્વત હોરેબ પહોંચ્યો.” (૧ રાજા. ૧૯:૮) એલિયાએ ૪૦ દિવસ ને ૪૦ રાત સુધી કંઈ ખાધું ન હતું. એવું જ તેમના સમયથી છએક સદીઓ પહેલાં મુસા સાથે બન્યું હતું. દસેક સદીઓ પછી ઈસુ સાથે પણ એવું જ બન્યું. (નિર્ગ. ૩૪:૨૮; લુક ૪:૧, ૨) ખરું કે એ સાદા ભોજનથી એલિયાની બધી તકલીફો દૂર ન થઈ, પણ એનાથી તેમનું ચમત્કારિક રીતે પોષણ થયું. જરા કલ્પના કરો, વૃદ્ધ એલિયા જંગલમાં ઝાડી-ઝાંખરામાંથી માર્ગ કાઢતાં કાઢતાં મહા-મહેનતે આગળ વધે છે. તે લગાતાર દિવસો, અઠવાડિયાઓ, અરે દોઢ મહિના સુધી મુસાફરી કરતા રહે છે!
૧૬ યહોવા આજે પણ પોતાના ભક્તોને ટકાવી રાખે છે. ખરું કે એ માટે તે ચમત્કારિક રીતે ભોજન પૂરું પાડતા નથી, પણ એનાથીયે વધારે સારી રીતે તે આપણી સંભાળ રાખે છે. તે ભક્તોને પોતાના જ્ઞાનથી ભરપૂર કરે છે. (માથ. ૪:૪) બાઇબલ અને એના આધારે તૈયાર કરેલાં સાહિત્યમાંથી શીખીને યહોવાની સેવામાં લાગુ રહેવા આપણને મદદ મળે છે. આ રીતે યહોવા પાસેથી શીખીને કંઈ આપણી બધી જ તકલીફો દૂર નહિ થાય. પરંતુ, એનાથી આપણને તકલીફો સહન કરવાની હિંમત મળે છે. એના વગર તો આપણે પડી ભાંગ્યા હોત! ઉપરાંત, યહોવા તરફથી મળતું એ જ્ઞાન, એ પોષણ આપણને ‘હંમેશ માટેના જીવન’ તરફ દોરી જાય છે.—યોહા. ૧૭:૩.
૧૭. એલિયા ક્યાં ગયા અને શા માટે એ સ્થળ ઐતિહાસિક હતું?
૧૭ એલિયા કંઈક ૩૨૦ કિલોમીટર ચાલ્યા અને આખરે હોરેબ (સિનાઈ) પર્વતે આવી પહોંચ્યા. આ એ જ ઐતિહાસિક જગ્યા હતી, જ્યાં સદીઓ પહેલાં યહોવાએ બળતા ઝાડવાની જ્વાળાઓમાં એક દૂત દ્વારા મુસાને દર્શન આપ્યું હતું. પછી આ જ પર્વત પર યહોવાએ ઇઝરાયેલીઓ સાથે નિયમ કરાર કર્યો હતો. એલિયાએ ત્યાં એક ગુફામાં આશરો લીધો.
યહોવાએ પ્રબોધકને દિલાસો આપ્યો અને શક્તિમાન કર્યા
૧૮, ૧૯. (ક) યહોવાના દૂતે કયો સવાલ પૂછ્યો અને એલિયાએ જવાબમાં શું કહ્યું? (ખ) પોતાની નિરાશા માટે એલિયાએ કયાં ત્રણ કારણો જણાવ્યાં?
૧૮ હોરેબ પર્વત પર યહોવાએ સ્વર્ગદૂત દ્વારા એલિયાને પૂછ્યું: ‘એલિયા, તું અહીં શું કરે છે?’ આ સવાલ કદાચ માયાળુ અવાજમાં પૂછાયો હોવાથી, એલિયાએ તરત પોતાનું મન ઠાલવી દીધું. તેમણે કહ્યું: ‘સૈન્યોના ઈશ્વર યહોવા માટે મને ઘણી જ આસ્થા ચઢી છે; કેમ કે ઇઝરાયેલ પુત્રોએ તમારા કરારનો ત્યાગ કર્યો છે, તમારી વેદીઓને પાડી નાખી છે, ને તમારા પ્રબોધકોને તરવારથી મારી નાખ્યા છે; અને હું, હા, હું એકલો જ બચી રહ્યો છું; અને તેઓ મારો પણ જીવ લેવા શોધે છે.’ (૧ રાજા. ૧૯:૯, ૧૦) એલિયાના શબ્દોમાં ઓછામાં ઓછાં ત્રણ કારણો જોવાં મળે છે કે તે શા માટે નિરાશ થઈ ગયા હતા.
૧૯ પ્રથમ, એલિયાને લાગ્યું કે પોતે કરેલી બધી મહેનત પર પાણી ફરી વળ્યું છે. તેમણે વર્ષોથી યહોવાની ભક્તિમાં “ઘણી જ આસ્થા” બતાવી હતી, ઈશ્વરના પવિત્ર નામને અને તેમની ભક્તિને એલિયાએ જીવનમાં સૌથી પહેલા રાખ્યાં હતાં. તોપણ, તેમણે જોયું કે દિવસે દિવસે પરિસ્થિતિ તો બગડતી જ જાય છે. લોકો હજુ પણ બળવાખોર હતા અને તેઓ ખરા ઈશ્વર તરફ ફર્યા ન હતા. જૂઠી ઉપાસનાની અસર ચારે બાજુ ફેલાતી જતી હતી. બીજું, એલિયાને લાગ્યું કે પોતે એકલા પડી ગયા છે. તેમણે કહ્યું, “હું એકલો જ બચી રહ્યો છું.” તેમને થયું કે એ દેશમાં યહોવાને ભજતા લોકોમાંથી તે એકલા જ બચી ગયા છે. ત્રીજું, એલિયા ખૂબ ડરી ગયા હતા. તેમના સાથી પ્રબોધકોમાંથી મોટા ભાગનાને મારી નાખવામાં આવ્યા હતા. એટલે, તેમણે માની લીધું કે હવે પોતાનો વારો છે. ઈશ્વરને આવી લાગણીઓ જણાવવી એલિયા માટે કંઈ સહેલું નહિ હોય. તોપણ, તેમણે શરમાયા વગર મનની વાત જણાવી દીધી. પ્રાર્થનામાં પોતાના ઈશ્વર આગળ આ રીતે દિલ ખોલીને તેમણે બધા ઈશ્વરભક્તો માટે સારો દાખલો બેસાડ્યો છે.—ગીત. ૬૨:૮.
૨૦, ૨૧. (ક) હોરેબ પર્વત પર ગુફાના પ્રવેશદ્વારે એલિયાએ શું જોયું? (ખ) યહોવાની પ્રચંડ શક્તિનું પ્રદર્શન જોઈને એલિયાને શું શીખવા મળ્યું?
૨૦ એલિયાનો ડર અને ચિંતાઓ દૂર કરવા યહોવાએ શું કર્યું? દૂતે એલિયાને ગુફાના પ્રવેશદ્વારે ઊભા રહેવા કહ્યું. એલિયાએ એમ કર્યું, તેમને ખબર ન હતી કે હવે આગળ શું બનશે. પછી, અચાનક તોફાની પવન ફૂંકાયો! ભારે સુસવાટાથી ફૂંકાયેલા એ પવનથી પર્વતો અને ભેખડોના ટૂકડે-ટૂકડા થઈ ગયા. જરા મનની આંખોથી જુઓ, પવનનો સપાટો એટલો જોરદાર છે કે જાણે એલિયા હમણાં ફંગોળાઈ જશે! તે માંડ માંડ પોતાની આંખોનું રક્ષણ કરે છે. વાળના બનેલા બરછટ ઝભ્ભાને પણ બરાબર પકડી રાખે છે, જેથી પવનમાં એ ખેંચાઈ ન જાય. પછી ધરતી ડોલવા લાગી, એ વિસ્તારને ધરતીકંપે હચમચાવી નાખ્યો! એલિયાએ માંડ માંડ પોતાનું સંતુલન જાળવી રાખ્યું. પછી, ધગધગતો અગ્નિ પ્રગટ્યો. શરીર ભૂંજી નાખે એવી આગની ગરમીથી બચવા એલિયાએ ગુફાની અંદર પાછા હઠી જવું પડ્યું.—૧ રાજા. ૧૯:૧૧, ૧૨.
૨૧ એ બનાવોમાં કુદરતી શક્તિની અદ્ભુત કરામત જોવા મળતી હતી! પણ, અહેવાલ આપણને યાદ કરાવે છે કે એ દરેક બનાવમાં યહોવા ન હતા. એલિયાને ખબર હતી કે યહોવા પુરાણકથાઓમાં આવતા કોઈ દેવતા નથી, જેમ કે બઆલ દેવ. તેના ઉપાસકો માનતા કે બઆલ “વાદળો પર સવારી કરનાર” છે, અથવા વરસાદ લાવે છે. હકીકતમાં, પ્રકૃતિમાં જોવા મળતી કુદરતી શક્તિ યહોવા પાસેથી આવે છે. એટલું જ નહિ, યહોવાએ જે કંઈ બનાવ્યું છે એ સર્વ તેમની આગળ કોઈ વિસાતમાં નથી. આકાશોનાં આકાશો પણ તેમનો સમાવેશ કરી શકે એમ નથી! (૧ રાજા. ૮:૨૭) આ બધું જોઈને એલિયાને કેવી મદદ મળી? ભલે તે આહાબ કે ઇઝેબેલથી ડરી ગયા હતા, પણ હવે તેઓથી ડરવાનું કોઈ કારણ ન હતું. શક્તિશાળી ઈશ્વર યહોવા તેમની સાથે હતા. એવા ઈશ્વર કે જેમની પાસે પ્રચંડ શક્તિ છે. તેમની સામે કોઈ જ ટકી શકે એમ નથી!—ગીતશાસ્ત્ર ૧૧૮:૬ વાંચો.
૨૨. (ક) ‘કોમળ ઝીણા સાદે’ એલિયાને કઈ રીતે ખાતરી કરાવી કે તે યહોવાને ખૂબ વહાલા છે? (ખ) “કોમળ ઝીણો સાદ” કોનો હોય શકે? (ફૂટનોટ જુઓ.)
૨૨ અગ્નિ પસાર થઈ ગયા પછી નીરવ શાંતિ છવાઈ ગઈ અને એલિયાને “એક કોમળ ઝીણો સાદ” સંભળાયો. એ અવાજે એલિયાને ફરીથી પોતાના મનની વાત જણાવવા કહ્યું. એલિયાએ એમ જ કર્યું. તેમણે બીજી વાર પોતાની બધી ચિંતાઓ કહી સંભળાવી.a કદાચ એનાથી તેમનું મન હળવું-ફૂલ થઈ ગયું હશે. ગમે એ હોય, પણ પછી ‘એ કોમળ ઝીણા સાદે’ જે કહ્યું એનાથી એલિયાને ઘણો દિલાસો મળ્યો. યહોવાએ એલિયાને ખાતરી અપાવી કે તે તેમને ખૂબ વહાલા છે. કઈ રીતે? ઇઝરાયેલમાં ચાલતી બઆલની ઉપાસનાને મિટાવી દેવા પોતે શું કરવાના છે, એ વિશે યહોવાએ એલિયાને ઘણી વિગતો આપી. સાચે જ, એલિયાએ જે કંઈ કર્યું હતું એ વ્યર્થ ન હતું, કેમ કે ઈશ્વર હજી પણ બઆલની ઉપાસના સામે પગલાં ભરવાનાં હતાં. એટલું જ નહિ, યહોવા એ માટે હજી પણ એલિયાનો પ્રબોધક તરીકે ઉપયોગ કરવાના હતા. પછી, યહોવાએ એલિયાને અમુક સ્પષ્ટ સૂચનાઓ આપીને તેમની સોંપણીમાં પાછા મોકલ્યા.—૧ રાજા. ૧૯:૧૨-૧૭.
૨૩. યહોવાએ કઈ બે રીતોએ એલિયાને એ જોવા મદદ કરી કે તે એકલા પડી ગયા નથી?
૨૩ એલિયાને હતું કે પોતે એકલા પડી ગયા છે. યહોવાએ બે રીતે તેમની એ લાગણી દૂર કરી. એક, તેમણે એલિયાને કહ્યું કે તે એલિશાનો પ્રબોધક તરીકે અભિષેક કરે, જે પછીથી એલિયાનું સ્થાન લેવાના હતા. આ યુવાન એલિશા અમુક વર્ષો સુધી એલિયાના સાથી અને મદદનીશ બનવાના હતા. એનાથી એલિયાને ચોક્કસ ઘણો દિલાસો મળ્યો હશે! બીજું, યહોવાએ તેમને એવા સમાચાર આપ્યા, જેનાથી એલિયા રોમાંચિત થઈ ઊઠ્યા હશે: ‘હું મારે માટે ઇઝરાયેલમાં એવા સાત હજારને બચાવીશ કે જે સર્વનાં ઘૂંટણ બઆલની આગળ કદી નમ્યાં નથી, ને જેઓમાંના કોઈના મુખે તેને ચુંબન કર્યું નથી.’ (૧ રાજા. ૧૯:૧૮) હા, એલિયા એકલા ન હતા. બઆલની ઉપાસનાનો નકાર કરનારા એ હજારો વફાદાર સેવકો વિશે સાંભળીને એલિયાના હૃદયમાં ઘણો આનંદ છવાઈ ગયો હશે. એ સેવકો માટે એલિયા કીમતી હતા. એલિયાને પણ એ જાણીને ખૂબ ઉત્તેજન મળ્યું કે તેમના દાખલાથી બીજાઓને એ કપરા સમયોમાં ઘણી મદદ મળવાની હતી. સંદેશવાહક દ્વારા પોતાના ઈશ્વર યહોવાનો “કોમળ ઝીણો સાદ” સાંભળીને એલિયાના હૃદયને જરૂર સાંત્વના મળી હશે.
બાઇબલ જાણે ‘કોમળ ઝીણા સાદ’ જેવું છે કે જેના દ્વારા યહોવા આપણને માર્ગદર્શન આપી રહ્યા છે
૨૪, ૨૫. (ક) આજે આપણે કઈ રીતે યહોવાનો “કોમળ ઝીણો સાદ” સાંભળી શકીએ છીએ? (ખ) આપણને કેમ ખાતરી છે કે યહોવાના દિલાસાની એલિયા પર ઊંડી અસર પડી હતી?
૨૪ સૃષ્ટિમાં કુદરતની પ્રચંડ શક્તિ જોઈને એલિયાની જેમ કદાચ આપણાં પણ રુવાંટાં ઊભાં થઈ જાય છે અને એમ થવું જ જોઈએ. સૃષ્ટિ અનેક રીતોએ સર્જનહારની શક્તિ બતાવે છે. (રોમ. ૧:૨૦) યહોવા આજે પણ તેમના વફાદાર સેવકોને મદદ કરવા માટે તેમની પ્રચંડ શક્તિ વાપરે છે. (૨ કાળ. ૧૬:૯) પરંતુ, એનાથીયે વધારે તે આપણી સાથે બાઇબલ દ્વારા વાત કરે છે. (યશાયા ૩૦:૨૧ વાંચો.) બાઇબલ જાણે ‘કોમળ ઝીણા સાદ’ જેવું છે, જેના દ્વારા યહોવા આપણને માર્ગદર્શન આપે છે. એના અનમોલ શિક્ષણથી યહોવા આપણને સુધારે છે, ઉત્તેજન આપે છે અને તેમના પ્રેમની ખાતરી કરાવે છે.
૨૫ હોરેબ પર્વત પર યહોવાએ આપેલા દિલાસાની એલિયા પર શું અસર પડી? તે જલદી જ પ્રબોધક તરીકે પાછા યહોવાની સેવામાં લાગી ગયા. હિંમતવાન બનીને તે લોકોને ચેતવણી આપવા લાગ્યા કે જૂઠા દેવ-દેવીઓની ઉપાસના છોડી દે. એલિયાની જેમ, આપણે પણ ઈશ્વરની પ્રેરણાથી લખાયેલું “પવિત્ર શાસ્ત્ર” દિલમાં ઉતારીશું અને એનાથી “દિલાસો” પામીશું તો, એલિયાની શ્રદ્ધાને પગલે ચાલી શકીશું.—રોમ. ૧૫:૪.
a “કોમળ ઝીણો સાદ” એ જ સ્વર્ગદૂતનો હોય શકે, જેમનો ઉપયોગ ૧ રાજાઓ ૧૯:૯માં “યહોવાનું વચન” આપવા માટે થયો હતો. કલમ ૧૫માં એ દૂતનો ઉલ્લેખ ‘યહોવા’ તરીકે થયો છે. એનાથી આપણને બીજો એક બનાવ પણ યાદ આવી શકે, જેમાં યહોવાએ ઇઝરાયેલીઓને અરણ્યમાં દોરી જવા માટે દૂતનો ઉપયોગ કર્યો હતો. એ દૂત વિશે યહોવાએ આમ કહ્યું હતું: “મારું નામ તેનામાં છે.” (નિર્ગ. ૨૩:૨૧) આપણે પૂરી ખાતરીથી કહી શકતા નથી કે આ એ જ દૂત હશે. તોપણ, નોંધ લો કે પૃથ્વી પર આવ્યા પહેલાં ઈસુ “શબ્દ” તરીકે, યહોવાના મુખ્ય પ્રતિનિધિ તરીકે ઈશ્વરભક્તોને સંદેશો આપતા હતા.—યોહા. ૧:૧.