રથો અને મુગટ તમારું રક્ષણ કરશે
‘જો તમે તમારા ઈશ્વર યહોવાની વાણી ખંતથી સાંભળશો, તો એ સફળ થશે.’—ઝખા. ૬:૧૫.
૧, ૨. ઝખાર્યાએ સાતમું સંદર્શન જોયું એ સમયે યહુદીઓ કેવી હાલતમાં હતા?
ઝખાર્યાએ સાતમું સંદર્શન જોયું પછી, તેમની પાસે વિચારવા માટે ઘણું હતું. યહોવાએ બેઇમાન લોકોને સજા કરવાનું વચન આપ્યું હતું, એ જાણીને ઝખાર્યાની હિંમત બંધાઈ હશે. પરંતુ, યરૂશાલેમમાં કંઈ બદલાયું ન હતું. હજી પણ ઘણા લોકો દુષ્ટતા અને બેઇમાની કરતા હતા. મંદિરનું કામ ઠેરનું ઠેર હતું. યહુદીઓએ શા માટે યહોવાના કામને પડતું મૂક્યું હતું? શું તેઓ આરામદાયક જીવન જીવવા યરૂશાલેમ પાછા ફર્યા હતા?
૨ ઝખાર્યા જાણતા હતા કે યરૂશાલેમ આવેલા યહુદીઓ ઈશ્વરભક્તો છે. આ એ જ લોકો છે, જેઓના “મનમાં ઈશ્વરે પ્રેરણા કરી હતી” કે તેઓ બાબેલોનનાં ઘરો અને વેપાર-ધંધો છોડીને વતન પાછા ફરે. (એઝ. ૧:૨, ૩, ૫) તેઓ ઘરબાર છોડીને અજાણ્યા દેશમાં જવા નીકળી પડ્યા હતા, એ દેશ જે તેઓમાંથી મોટાભાગના લોકોએ ક્યારેય જોયો ન હતો. યહોવાનું મંદિર ફરીથી ઊભું કરવું તેઓ માટે સૌથી મહત્ત્વનું હતું. એટલે જ તો તેઓ ઉબળખાબળ વિસ્તારોમાં આશરે ૧,૬૦૦ કિલોમીટર લાંબી અને જોખમભરી મજલ કાપવા તૈયાર હતા.
૩, ૪. યહુદીઓ સામે કેવા પડકારો આવ્યા?
૩ બાબેલોનથી યરૂશાલેમની લાંબી મુસાફરીની કલ્પના કરો. ભાવિ ઘર વિશે વાત કરવા અને વિચારવા લોકો પાસે સમય જ સમય હતો. બાપદાદાઓ પાસેથી તેઓએ યરૂશાલેમની સુંદરતા અને ભવ્ય મંદિર વિશે સાંભળ્યું હતું. (એઝ. ૩:૧૨) એક જમાનામાં એ શહેરની દીવાલો મજબૂત હતી, એનાં દરવાજા અને બુરજો અડીખમ હતાં. જોકે, હાલ બધું જ જમીનદોસ્ત થયેલું છે. જો તમે એ યહુદીઓની સાથે હોત, તો યરૂશાલેમને જોઈને તમને કેવું લાગ્યું હોત? એની પડી ભાંગેલી ઇમારતો અને એમાં ઉગી નીકળેલાં ઝાડી-ઝાંખરાં જોઈને, શું તમને બાબેલોનની મજબૂત દીવાલો યાદ ન આવી હોત? એ બધું જોઈને શું યહુદીઓ નિરાશ થઈ ગયા? ના, જરાય નહિ. કારણ કે, એ લાંબી મુસાફરી દરમિયાન યહોવાએ તેઓને મદદ કરી હતી અને તેઓનું રક્ષણ કર્યું હતું. યરૂશાલેમ પહોંચીને તરત જ, તેઓએ મંદિર હતું ત્યાં વેદી બનાવી અને દરરોજ યહોવાને અર્પણો ચઢાવવા લાગ્યા. (એઝ. ૩:૧, ૨) પૂરા જોમ અને જુસ્સા સાથે તેઓ કામ ઉપાડવા તૈયાર હતા. એવું લાગતું કે તેઓને કંઈ રોકી નહિ શકે!
૪ મંદિરની સાથે સાથે તેઓએ ઘરો અને શહેરો બાંધવાનાં હતાં. કુટુંબનાં ભરણ-પોષણ માટે ખેતીકામ પણ કરવાનું હતું. (એઝ. ૨:૭૦) એ કામ પહાડ જેવું વિશાળ હતું. અધૂરામાં પૂરું, દુશ્મનો આવ્યા અને કામ રોકવા હાથ ધોઈને પાછળ પડી ગયા. એ દુશ્મનો સામે યહુદીઓએ ૧૫ વર્ષ સંઘર્ષ કર્યો. છેવટે, તેઓ ઢીલા પડી ગયા! (એઝ. ૪:૧-૪) પછી, ઈસવીસન પૂર્વે ૫૨૨માં બીજો એક પડકાર ઊભો થયો. ઇરાનના રાજાએ બાંધકામ પર રોક લગાવવા ફરમાન બહાર પાડ્યું. હવે લાગતું કે એ શહેર ક્યારેય બંધાશે નહિ.—એઝ. ૪:૨૧-૨૪.
૫. યહોવાએ કઈ રીતે પોતાના લોકોને મદદ કરી?
૫ યહોવા જાણતા હતા કે તેમના લોકોને હિંમત અને ઉત્તેજનની જરૂર છે. યહોવાએ ઝખાર્યાને એક છેલ્લું સંદર્શન દેખાડ્યું. એ દ્વારા યહોવાએ ખાતરી આપી કે તે પોતાના લોકોને ચાહે છે. તેમ જ, ભક્તિ માટે તેઓ જે મહેનત કરે છે, એ તેમની નજર બહાર ગયું નથી. યહોવાએ વચન આપ્યું કે જો તેઓ પાછા કામે લાગશે, તો તે ચોક્કસ તેઓનું રક્ષણ કરશે. મંદિર બાંધવા વિશે યહોવાએ જણાવ્યું, ‘જો તમે તમારા ઈશ્વર યહોવાની વાણી ખંતથી સાંભળશો, તો એ સફળ થશે.’—ઝખા. ૬:૧૫.
સ્વર્ગદૂતોની એક સેના
૬. (ક) આઠમા સંદર્શનની શરૂઆત કેવી રીતે થઈ? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) શા માટે ઘોડા અલગ-અલગ રંગના હતા?
૬ આઠમું સંદર્શન છેલ્લું હતું. એ સૌથી વધારે શ્રદ્ધા દૃઢ કરનારું હતું. (ઝખાર્યા ૬:૧-૩ વાંચો.) ઝખાર્યાની આંખો સામે કેવું ચિત્ર ઊભું થયું હશે, એની કલ્પના કરો. પિત્તળથી બનેલા “બે પર્વતો વચ્ચેથી” ચાર રથો નીકળી આવે છે. એ રથોના ઘોડા અલગઅલગ રંગના છે. એટલે, એના ચાલકો એકબીજાથી અલગ તરી આવે છે. ઝખાર્યા પૂછે છે: ‘આ બધું શું છે?’ (ઝખા. ૬:૪) આપણે પણ એનો જવાબ જાણવા આતુર છીએ, ખરું ને? કારણ કે, એ સંદર્શન આપણને અસર કરે છે.
પોતાના લોકોને રક્ષણ અને હિંમત આપવા યહોવા આજે પણ દૂતોનો ઉપયોગ કરે છે
૭, ૮. (ક) બે પર્વતો શાને રજૂ કરે છે? (ખ) એ પર્વતો શા માટે પિત્તળના બનેલા છે?
૭ બાઇબલમાં અમૂક વાર પર્વતો રાજ્ય કે સરકારને રજૂ કરે છે. ઝખાર્યાએ જોયેલા પર્વતો દાનીયેલની ભવિષ્યવાણીમાં જણાવેલા પર્વતો જેવા જ છે. એમાંનો એક પર્વત યહોવાના સર્વોચ્ચ અને હંમેશ માટેના રાજને દર્શાવે છે. અને બીજો પર્વત ઈસુના મસીહી રાજ્યને દર્શાવે છે. (દાની. ૨:૩૫, ૪૫) ૧૯૧૪માં ઈસુ રાજા બન્યા ત્યારથી એ બંને પર્વતો અસ્તિત્વ ધરાવે છે. પૃથ્વી માટે યહોવાનો હેતુ પૂરો કરવામાં એ પર્વતોની ખાસ ભૂમિકા છે.
૮ એ પર્વતો શા માટે પિત્તળના બનેલા છે? પિત્તળ ઘણું મૂલ્યવાન અને ચળકતું ધાતુ છે. હકીકતમાં, મુલાકાતમંડપ બનાવવા અને પછીથી મંદિર બાંધવા, યહોવાએ ઇઝરાયેલીઓને પિત્તળ વાપરવા જણાવ્યું હતું. (નિર્ગ. ૨૭:૧-૩; ૧ રાજા. ૭:૧૩-૧૬) એ બે પર્વતો પિત્તળથી બનેલા છે, એ બતાવે છે કે યહોવાનું સર્વોચ્ચ રાજ અને મસીહી રાજ્ય સૌથી ઉત્તમ છે. એના દ્વારા મનુષ્ય કાયમ માટે સુખ-શાંતિ અને સલામતી અનુભવશે.
૯. રથોના ચાલકો કોણ છે? તેઓ પાસે કઈ ખાસ સોંપણી છે?
૯ રથો અને એના ચાલકો કોને રજૂ કરે છે? ચાલકો તો દૂતો છે, કદાચ અલગઅલગ વર્ગના દૂતો. (ઝખાર્યા ૬:૫-૮ વાંચો.) તેઓ ‘આખી પૃથ્વીના માલિકની હજૂરમાંથી’ એક ખાસ સોંપણી લઈને નીકળ્યા છે. પોતાના લોકોને રક્ષણ આપવા યહોવાએ દૂતોને અમુક જગ્યાએ મોકલ્યા છે, ખાસ કરીને ‘ઉત્તરના પ્રદેશ’ બાબેલોનથી રક્ષણ આપવા. એ સંદર્શન દ્વારા યહોવા પોતાના લોકોને ખાતરી આપે છે કે, તેઓ ફરી ક્યારેય બાબેલોનની ગુલામીમાં જશે નહિ. મંદિરનું બાંધકામ કરનાર લોકોને એ શબ્દોથી કેટલી રાહત મળી હશે! તેઓ જાણી ગયા હતા કે, દુશ્મનો તેઓને રોકી શકશે નહિ.
૧૦. રથો અને ચાલકો વિશેની ભવિષ્યવાણી, આજે આપણને કઈ રીતે મદદ કરી શકે?
૧૦ આજે પણ, યહોવા પોતાના લોકોને રક્ષણ અને ઉત્તેજન આપવા દૂતોનો ઉપયોગ કરે છે. (માલા. ૩:૬; હિબ્રૂ. ૧:૭, ૧૪) ૧૯૧૯માં યહોવાના લોકોને મહાન બાબેલોનની સાંકેતિક ગુલામીમાંથી આઝાદ કરવામાં આવ્યા. એ સમયથી દુશ્મનોએ સાચી ભક્તિને દાબી દેવા ઘણા ધમપછાડા કર્યા છે. (પ્રકટી. ૧૮:૪) પણ તેઓ એમાં સફળ થયા નથી. દૂતો સંગઠનનું રક્ષણ કરી રહ્યા છે, એટલે આપણે જરાય ડરવાની જરૂર નથી. હવે પછી, યહોવાના લોકો ક્યારેય જૂઠા ધર્મોની ગુલામીમાં જશે નહિ. (ગીત. ૩૪:૭) આપણે તો યહોવાની ભક્તિમાં વ્યસ્ત અને ખુશ રહેવાનું છે. ઝખાર્યાની ભવિષ્યવાણી એ સમજવા મદદ કરે છે કે, બે પર્વતો વચ્ચે આપણે સુરક્ષિત અને સલામત છીએ.
૧૧. યહોવાના લોકો પર થનાર હુમલાથી આપણે શા માટે ડરવું ન જોઈએ?
૧૧ એ દિવસ દૂર નથી જ્યારે શેતાનની દુનિયાની રાજકીય સત્તાઓ ભેગી મળશે અને યહોવાના લોકોને કચડી નાખવાનો પ્રયાસ કરશે. (હઝકી. ૩૮:૨, ૧૦-૧૨; દાની. ૧૧:૪૦, ૪૪, ૪૫; પ્રકટી. ૧૯:૧૯) હઝકીએલની ભવિષ્યવાણી જણાવે છે કે, તેઓ વાદળોની જેમ આખી પૃથ્વીને ઢાંકી દે છે. તેઓ ઘોડા પર સવાર છે, ગુસ્સો આસમાને છે અને યહોવાના લોકો પર હુમલો કરવા આવી રહ્યા છે. (હઝકી. ૩૮:૧૫, ૧૬)a એ બધાથી શું આપણે ડરવું જોઈએ? જરાય નહિ! યહોવાની સેના આપણી પડખે ઊભી છે. મહાન વિપત્તિ દરમિયાન, દૂતો યહોવાના લોકોનું રક્ષણ કરશે. જે કોઈ યહોવાની સત્તા વિરુદ્ધ હશે, તેઓ એનો ખાતમો બોલાવી દેશે. (૨ થેસ્સા. ૧:૭, ૮) એ નજારો જોવા લાયક હશે! પણ, દૂતોથી બનેલી એ સેનાના સેનાપતિ કોણ છે?
રાજા અને યાજકને યહોવા મુગટ પહેરાવે છે
૧૨, ૧૩. (ક) યહોવાએ ઝખાર્યાને શું કરવાનું કહ્યું? (ખ) “અંકુર” કઈ રીતે ઈસુ ખ્રિસ્તને રજૂ કરે છે? સમજાવો.
૧૨ એ આઠ સંદર્શનો ફક્ત ઝખાર્યાએ જોયા હતા. પણ, પછી તે એવું કંઈક કરે છે, જે બધા લોકો જુએ છે. મંદિરના બાંધકામમાં ભાગ લેનાર દરેકને આનાથી ઘણું ઉત્તેજન મળે છે. (ઝખાર્યા ૬:૯-૧૨ વાંચો.) હેલ્દાય, ટોબીયાહ અને યદાયાહ નામના ત્રણ માણસો બાબેલોનથી આવ્યા છે. યહોવા ઝખાર્યાને જણાવે છે કે, એ માણસો પાસેથી સોનું-રૂપું લે અને એનો ભવ્ય “મુગટ” બનાવે. (ઝખા. ૬:૧૧) શું એ મુગટ સૂબેદાર ઝરૂબ્બાબેલ માટે હતો, જે યહુદા કુળમાંથી હતા અને દાઊદના વંશજ હતા? ના. યહોવાએ ઝખાર્યાને જણાવ્યું કે પ્રમુખ યાજક યહોશુઆને એ મુગટ પહેરાવે. એ જોઈને લોકોને કેટલું આશ્ચર્ય થયું હશે!
૧૩ મુગટ પહેરવાથી શું પ્રમુખ યાજક યહોશુઆ રાજા બની ગયા? ના. દાઊદના વંશજ ન હોવાને લીધે તે રાજગાદીએ બેસી શકતા ન હતા. તેમને મુગટ પહેરાવવું એ દર્શાવતું હતું કે, ભાવિના અનંત રાજા અને યાજક સાથે શું બનવાનું હતું, જે “અંકુર” તરીકે ઓળખાય છે. બાઇબલ સમજાવે છે કે, એ “અંકુર” ઈસુ ખ્રિસ્ત છે.—યશા. ૧૧:૧; માથ. ૨:૨૩.
૧૪. રાજા અને પ્રમુખ યાજક તરીકે ઈસુ કયું કામ હાથ ધરશે?
૧૪ ઈસુ રાજા અને પ્રમુખ યાજક છે. તે યહોવાની સેનાના આગેવાન છે. આ હિંસક દુનિયામાં યહોવાના લોકોને સુરક્ષિત મહેસૂસ કરાવવા તે સખત મહેનત કરે છે. (યિર્મે. ૨૩:૫, ૬) જલદી જ, ખ્રિસ્ત ઈસુ આ દુનિયાની સરકારોના ટુકડેટુકડા કરી નાખશે. આમ, તે યહોવાની સર્વોચ્ચ સત્તાનો જયજયકાર કરશે અને ઈશ્વરભક્તોને બચાવશે. (પ્રકટી. ૧૭:૧૨-૧૪; ૧૯:૧૧, ૧૪, ૧૫) પણ એ પહેલાં, ઈસુએ ઘણું કામ કરવાનું છે.
તે મંદિર બાંધશે
૧૫, ૧૬. (ક) ઈશ્વરના લોકોને કઈ રીતે સંગઠિત અને શુદ્ધ કરવામાં આવ્યા છે? એ કામ કોણ કરી રહ્યું છે? (ખ) ઈસુના હજાર વર્ષના રાજ પછી, પૃથ્વી કેવી હશે?
૧૫ રાજા અને પ્રમુખ યાજકની જવાબદારીની સાથે સાથે ઈસુએ “યહોવાનું મંદિર” પણ બાંધવાનું હતું. (ઝખાર્યા ૬:૧૩ વાંચો.) ૧૯૧૯માં, ઈસુએ મંદિર બાંધ્યું એટલે કે, સાચી ભક્તિ માટે ગોઠવણ કરી. તેમણે ઈશ્વરના લોકોને મહાન બાબેલોનની ગુલામીમાંથી આઝાદ કર્યા. ઈસુએ ઈશ્વરના લોકોને સંગઠિત કર્યા અને “વિશ્વાસુ અને સમજુ ચાકર” નીમ્યો. એ ચાકર અભિષિક્તોનો એવો સમૂહ છે, જે પૃથ્વી પર સાચી ભક્તિ માટે થઈ રહેલા કામની આગેવાની લે છે. (માથ. ૨૪:૪૫) ઈસુ આજે યહોવાના લોકોને શુદ્ધ કરી રહ્યા છે, જેથી તેઓ સાચી ભક્તિ કરી શકે.—માલા. ૩:૧-૩.
૧૬ ઈસુ અને ૧,૪૪,૦૦૦ રાજાઓ અને યાજકો હજાર વર્ષ માટે રાજ કરશે. એ દરમિયાન, તેઓ વફાદાર મનુષ્યોને સંપૂર્ણ બનવા મદદ કરશે. તેઓ પોતાનું કામ પૂરું કરશે પછી, પૃથ્વી પર ફક્ત યહોવાના સાચા ભક્તો જ હશે. ફરીથી આખા વિશ્વમાં સાચી ઉપાસના થશે!
મંદિરના બાંધકામમાં ભાગ લો
૧૭. યહોવાએ યહુદીઓને કઈ ખાતરી આપી અને ઝખાર્યાના સંદેશાની તેઓ પર કેવી અસર થઈ?
૧૭ ઝખાર્યાના સંદેશાની એ સમયના યહુદીઓ પર કેવી અસર થઈ? યહોવાએ વચન આપ્યું હતું કે, મંદિરનું બાંધકામ પૂરું કરવા તે તેઓને મદદ અને રક્ષણ આપશે. એ વચનથી તેઓને આશાનું કિરણ દેખાયું. તોપણ તેઓને થયું હશે કે, એટલું મોટું કામ ગણ્યાગાંઠ્યા લોકો કઈ રીતે પૂરું કરશે. એટલે, ઝખાર્યાએ તેઓને એવું કંઈક જણાવ્યું જેનાથી તેઓનાં ડર અને શંકા દૂર થયાં. હેલ્દાય, ટોબીયાહ અને યદાયાહ જેવા માણસો તેઓની મદદે આવ્યા હતા. યહોવાએ જણાવ્યું કે, બીજા ઘણા લોકો પણ “આવીને યહોવાના મંદિરમાં બાંધકામ કરશે.” (ઝખાર્યા ૬:૧૫ વાંચો.) યહુદીઓને ખાતરી હતી કે, એ કામમાં યહોવા તેઓની સાથે છે. તેઓની હિંમત બંધાઈ! ઇરાનના રાજાએ બાંધકામ પર રોક લગાવી હતી, છતાં તેઓએ ફરીથી બાંધકામ શરૂ કર્યું. રાજાનું ફરમાન યહુદીઓ માટે પહાડ જેવો પડકાર હતો, પણ જલદી જ યહોવાએ એ પડકાર દૂર કર્યો. છેવટે, ઈસવીસન પૂર્વે ૫૧૫માં મંદિરનું બાંધકામ પૂરું થયું. (એઝ. ૬:૨૨; ઝખા. ૪:૬, ૭) જોકે, યહોવાએ કહેલા શબ્દોની મોટી પરિપૂર્ણતા આજે આપણા સમયમાં થઈ રહી છે.
૧૮. ઝખાર્યા ૬:૧૫ના શબ્દો આજે કઈ રીતે પૂરા થઈ રહ્યા છે?
૧૮ આજે, લાખો લોકો યહોવાની ભક્તિ કરી રહ્યા છે. તેઓ રાજીખુશીથી પોતાનું ‘દ્રવ્ય’ એટલે કે, સમય, શક્તિ અને ધનસંપત્તિ આપી રહ્યાં છે. આમ, તેઓ યહોવાના મંદિરને એટલે કે, સાચી ઉપાસનાને ટેકો આપી રહ્યા છે. (નીતિ. ૩:૯) યહોવા માટે આપણે જે કંઈ કરીએ છીએ, એની તે ખૂબ કદર કરે છે. યાદ કરો, હેલ્દાય, ટોબીયાહ અને યદાયાહ જે સોનું-રૂપું લાવ્યા હતા, ઝખાર્યાએ એનો મુગટ બનાવ્યો હતો. એ મુગટ એક “સ્મારક” હતો, જે યાદ અપાવતું કે સાચી ઉપાસના માટે તેઓએ કેવાં દાનો આપ્યાં હતાં. (ઝખા. ૬:૧૪) એવી જ રીતે, આપણાં કામોને અને પ્રેમને યહોવા ક્યારેય ભૂલશે નહિ.—હિબ્રૂ. ૬:૧૦.
૧૯. ઝખાર્યાના સંદર્શનોની આપણા પર કેવી અસર થવી જોઈએ?
૧૯ આ છેલ્લા દિવસોમાં, યહોવાના લોકો ઘણું મોટું કામ ઉપાડી શક્યા છે. એ યહોવાના આશીર્વાદથી અને ઈસુની આગેવાનીને લીધે જ શક્ય બન્યું છે. સલામત અને કાયમ ટકનારા સંગઠનનો ભાગ બનીને, આપણે ખરેખર ખુશ છીએ! આપણે જાણીએ છીએ કે, સાચી ભક્તિ માટેનો યહોવાનો હેતુ ચોક્કસ પૂરો થશે. યહોવાના લોકોમાં તમારી ગણતરી થાય છે, એની દિલથી કદર કરો. ઈશ્વર ‘યહોવાની વાણી ખંતથી સાંભળો’ અને પાળો. એમ કરશો તો ઈસુ અને બીજા દૂતો તમારું રક્ષણ કરશે. સાચી ભક્તિને ટેકો આપવા બનતું બધું જ કરો. આ દુષ્ટ દુનિયાના બાકી રહેલા દિવસો દરમિયાન અને નવી દુનિયામાં કાયમ માટે યહોવા તમારી સંભાળ રાખશે!
a વધુ માહિતી માટે મે ૧૫, ૨૦૧૫ ચોકીબુરજ પાન ૨૯-૩૦નો આ લેખ જુઓ: “વાચકો તરફથી પ્રશ્નો.”