અભ્યાસ લેખ ૪૨
યહોવાને પ્રમાણિક રહેનારાઓ ખુશ છે
‘ધન્ય છે તેઓને, જેઓ પ્રમાણિક છે, જેઓ યહોવાના નિયમો પાળે છે.’—ગીત. ૧૧૯:૧, ફૂટનોટ.
ગીત ૧૮ યહોવાનો અમૃત પ્રેમ
ઝલકa
૧-૨. (ક) અમુક અધિકારીઓએ શું કર્યું છે? પણ એવામાં ઈશ્વરભક્તો શું કરે છે? (ખ) સતાવણી થાય તોપણ કેમ ખુશ રહી શકીએ? (પહેલા પાનનું ચિત્ર પણ જુઓ.)
આજે ૩૦ કરતાં વધારે દેશો અને વિસ્તારોમાં આપણા કામ પર નિયંત્રણ કે પ્રતિબંધ છે. એમાંની અમુક જગ્યાએ અધિકારીઓએ આપણાં ભાઈ-બહેનોને જેલની સજા ફટકારી છે. શું તેઓએ કોઈ ગુનો કર્યો હતો? ના, યહોવાની નજરે તેઓએ કોઈ ગુનો કર્યો નથી. તેઓ તો બાઇબલ વાંચતાં હતાં, એનો અભ્યાસ કરતા હતાં, લોકોને ખુશખબર જણાવતાં હતાં અને સભાઓમાં જતાં હતાં. તેઓએ રાજકીય બાબતોમાં પણ કોઈનો પક્ષ લીધો નહિ. તેઓનો ઘણો વિરોધ થયો, તોપણ તેઓની શ્રદ્ધા ઓછી થઈ નહિ. તેઓ યહોવાને પ્રમાણિક છે.b એ કારણે તેઓ ખુશ છે.
૨ સાચે જ, એ ભાઈ-બહેનો ખૂબ હિંમત બતાવે છે. તમે એવાં અમુક ભાઈ-બહેનોના ફોટા જોયા હશે. તેઓના ચહેરા પર હંમેશાં સ્માઈલ હોય છે. તેઓની ખુશીનું કારણ શું છે? તેઓ જાણે છે કે તેઓ યહોવાને પ્રમાણિક રહે છે, એનાથી તેમનું દિલ ખુશ થાય છે. (૧ કાળ. ૨૯:૧૭) ઈસુએ પણ કીધું: ‘સાચા માર્ગે ચાલવાને લીધે જેઓની સતાવણી થાય છે તેઓ સુખી છે. તમે ખુશ થાઓ અને ખૂબ આનંદ કરો, કેમ કે તમારા માટે મોટું ઇનામ રાખેલું છે.’—માથ. ૫:૧૦-૧૨.
પ્રેરિતોના દાખલાને અનુસરીએ
૩. પ્રેરિતોની સતાવણી થઈ ત્યારે તેઓએ શું કર્યું અને કેમ? (પ્રેરિતોનાં કાર્યો ૪:૧૯, ૨૦)
૩ આજે આપણાં ભાઈ-બહેનો સાથે જે થઈ રહ્યું છે, એવું જ કંઈક પહેલી સદીમાં પ્રેરિતો સાથે પણ થયું હતું. પ્રેરિતોએ ઈસુ વિશે પ્રચાર કર્યો ત્યારે તેઓની પણ સતાવણી થઈ હતી. ન્યાયસભાના અધિકારીઓએ પ્રચારકામ અટકાવવાના ઘણા પ્રયત્નો કર્યા. તેઓએ કેટલીય વાર પ્રેરિતોને “હુકમ કર્યો કે ઈસુના નામમાં કંઈ કહેવું નહિ.” (પ્રે.કા. ૪:૧૮; ૫:૨૭, ૨૮, ૪૦) પ્રેરિતોએ શું કર્યું? (પ્રેરિતોનાં કાર્યો ૪:૧૯, ૨૦ વાંચો.) તેઓ જાણતા હતા કે આ અધિકારીઓ કરતાં જે વધારે અધિકાર ધરાવે છે, તેમણે આજ્ઞા આપી છે કે તેઓ ખ્રિસ્ત વિશે ‘બધા લોકોને પ્રચાર કરે અને પૂરેપૂરી સાક્ષી આપે.’ (પ્રે.કા. ૧૦:૪૨) એટલે બધા પ્રેરિતો વતી પિતર અને યોહાને અધિકારીઓ સાથે વાત કરી. તેઓએ હિંમતથી જણાવ્યું કે તેઓ અધિકારીઓની નહિ, પણ ઈશ્વરની આજ્ઞા પાળશે. તેઓ ઈસુ વિશે પ્રચાર કરવાનું ચાલુ રાખશે. તેઓ તો જાણે અધિકારીઓને કહી રહ્યા હતા, ‘શું તમને એવું લાગે છે કે તમે ઈશ્વર કરતાં મહાન છો કે અમે તમારી આજ્ઞા પાળીએ?’
૪. પ્રેરિતોનાં કાર્યો ૫:૨૭-૨૯ પ્રમાણે પ્રેરિતોએ શું કર્યું અને આપણે કઈ રીતે તેઓના દાખલાને અનુસરી શકીએ?
૪ પ્રેરિતોએ કહ્યું: “અમારા રાજા તો ઈશ્વર છે, એટલે અમે માણસોના બદલે ઈશ્વરની જ આજ્ઞા માનીશું.” તેઓએ આપણા માટે સરસ દાખલો બેસાડ્યો છે! (પ્રેરિતોનાં કાર્યો ૫:૨૭-૨૯ વાંચો.) પ્રેરિતોએ અધિકારીઓની આજ્ઞા ન પાળી અને ઈસુ વિશે પ્રચાર કરવાનું ચાલુ રાખ્યું. એટલે તેઓને બહુ મારવામાં આવ્યા. પણ શું એનાથી તેઓની હિંમત તૂટી ગઈ? ના જરાય નહિ. “ઈસુના નામને લીધે પોતે અપમાન સહેવા યોગ્ય ગણાયા છે, એ જાણીને પ્રેરિતો ન્યાયસભામાંથી આનંદ કરતાં કરતાં નીકળી ગયા.” તેઓ મક્કમ રહ્યા અને પૂરા જોશથી ખુશખબર જણાવતા રહ્યા.—પ્રે.કા. ૫:૪૦-૪૨.
૫. આપણને કયા સવાલો થઈ શકે?
૫ વિરોધ થયો ત્યારે પ્રેરિતોએ જે કર્યું એનાથી આપણને અમુક સવાલો થઈ શકે. બાઇબલમાં આજ્ઞા છે, “આપણે ઉચ્ચ અધિકારીઓને આધીન રહેવું જોઈએ.” (રોમ. ૧૩:૧) પણ પ્રેરિતોએ અધિકારીઓને બદલે ઈશ્વરને આધીન રહેવાનો નિર્ણય લીધો. તો શું તેઓનો નિર્ણય બરાબર હતો? ‘સરકારો અને અધિકારીઓને આધીન રહેવાની’ સાથે સાથે આપણે કઈ રીતે વિશ્વના માલિક યહોવાને પણ પ્રમાણિક રહી શકીએ?—તિત. ૩:૧.
‘ઉચ્ચ અધિકારીઓ’
૬. (ક) રોમનો ૧૩:૧માં જણાવેલા ‘ઉચ્ચ અધિકારીઓ’ કોણ છે અને આપણે શું કરવું જોઈએ? (ખ) તેઓ પાસે જે અધિકાર છે એ વિશે શું કહી શકાય?
૬ રોમનો ૧૩:૧ વાંચો. આ કલમમાં ‘ઉચ્ચ અધિકારીઓ’ એવા લોકોને કહ્યા છે, જેઓને બીજાઓ ઉપર અમુક અધિકાર છે. તેઓ ધ્યાન રાખે છે કે લોકો કાયદા-કાનૂન પાળે, બધું નિયમ પ્રમાણે થાય. ક્યારેક તો તેઓ યહોવાના લોકોના રક્ષણ માટે પણ આગળ આવે છે. (પ્રકટી. ૧૨:૧૬) બધા ઈશ્વરભક્તોએ આ અધિકારીઓને આધીન રહેવું જોઈએ. બાઇબલમાં જણાવ્યું છે કે આપણે તેઓને માન આપીએ અને કર ભરીએ. (રોમ. ૧૩:૭) આ સરકારો પાસે જે અધિકાર છે, એ યહોવાએ જ તેઓને આપ્યો છે. એ વિશે ઈસુએ પણ જણાવ્યું હતું. રોમન રાજ્યપાલ પોંતિયુસ પિલાતે ઈસુને કીધું કે તેમનું જીવન અને મરણ તેના હાથમાં છે. એ વખતે ઈસુએ કીધું: “જો સ્વર્ગમાંથી તમને અધિકાર મળ્યો ન હોત, તો તમને મારા પર કોઈ જ અધિકાર ન હોત.” (યોહા. ૧૯:૧૧) પિલાતની જેમ આજના અધિકારીઓ અને નેતાઓ પાસે પણ અમુક હદે જ અધિકાર છે.
૭. (ક) આપણે ક્યારે અધિકારીઓને આધીન નહિ રહીએ? (ખ) ઈસુના શિષ્યોની સતાવણી કરનારા અધિકારીઓએ શું કરવું પડશે?
૭ યહોવાના નિયમો તૂટતા ન હોય ત્યાં સુધી ઈશ્વરભક્તો સરકારના નિયમો પાળે છે. પણ જો સરકારો એવું કંઈક કરવાનું કહે જે યહોવાની નજરે ખોટું છે, તો આપણે સરકારોને આધીન નહિ રહીએ. કદાચ તેઓ આપણને એવું કંઈક કરતા અટકાવે જે કરવાની યહોવાએ આજ્ઞા આપી છે. એવા સમયે પણ આપણે તેઓનું નહિ માનીએ. દાખલા તરીકે, સરકારો એવો નિયમ બહાર પાડે કે અમુક ઉંમર પછી દરેકે સેનામાં ભરતી થવું.c અથવા નવી દુનિયા ભાષાંતર બાઇબલ કે આપણાં સાહિત્ય પર પ્રતિબંધ મૂકે. અથવા તેઓ આપણું પ્રચારકામ કે સભાઓ બંધ કરાવી દે. આજે ઘણા અધિકારીઓ અને સરકારો એવું જ કરે છે. તેઓ પોતાના અધિકારનો ખોટો ઉપયોગ કરે છે અને ઈસુના શિષ્યોની સતાવણી કરે છે. એ બધું કંઈ યહોવાની નજરથી છુપાયેલું નથી. તેઓએ યહોવાને પોતાનાં કામોનો હિસાબ આપવો પડશે.—સભા. ૫:૮.
૮. યહોવા અને ‘ઉચ્ચ અધિકારીઓ’ વચ્ચે શું ફરક છે અને એ ફરક જાણવો કેમ જરૂરી છે?
૮ ‘ઉચ્ચ અધિકારી’ એટલે કે એવી વ્યક્તિ, જેની પાસે ઊંચો હોદ્દો કે દરજ્જો હોય. પણ એનો એ મતલબ નથી કે તેની ઉપર કોઈ નથી. બાઇબલમાં માણસોની સરકારોને ‘ઉચ્ચ અધિકારી’ કહ્યા છે. પણ તેઓની ઉપર કોઈ છે. એ ઈશ્વર યહોવા છે. યહોવા પાસે તેઓ કરતાં વધારે અધિકાર છે. બાઇબલમાં ઘણી વાર યહોવાને ‘સર્વોપરી ઈશ્વર’ કહ્યા છે.—દાનિ. ૭:૧૮, ૨૨, ૨૫, ૨૭.
‘સર્વોપરી ઈશ્વર’
૯. દાનિયેલ પ્રબોધકે દર્શનમાં શું જોયું?
૯ દાનિયેલ પ્રબોધકે અમુક દર્શનો જોયા હતા. એ દર્શનોથી ખબર પડે છે કે યહોવા બાકી બધા અધિકારીઓ કરતાં સર્વોપરી છે. દાનિયેલે દર્શનમાં ચાર મોટાં મોટાં જાનવરો જોયાં. એ જાનવરો અલગ અલગ મહાસત્તાને દર્શાવે છે. જેમ કે, બાબેલોન, માદાય-ઈરાન, ગ્રીસ, રોમ અને રોમમાંથી આવેલી મહાસત્તા એટલે કે બ્રિટન-અમેરિકા, જે આજે રાજ કરે છે. (દાનિ. ૭:૧-૩, ૧૭) પછી દાનિયેલે જોયું કે યહોવા પોતાની રાજગાદી પર બિરાજમાન છે. તેમની આગળ અદાલત ભરાઈ. (દાનિ. ૭:૯, ૧૦) પછી દર્શનમાં દાનિયેલે એવું કંઈક જોયું જેનાથી ખબર પડે છે કે આજની સરકારોનું શું થશે.
૧૦. દાનિયેલ ૭:૧૩, ૧૪, ૨૭ પ્રમાણે યહોવા કોને પૃથ્વી પર રાજ કરવાનો અધિકાર આપશે અને એનાથી શું સાબિત થાય છે?
૧૦ દાનિયેલ ૭:૧૩, ૧૪, ૨૭ વાંચો. યહોવા માણસોની સરકારો પાસેથી રાજ કરવાનો હક લઈ લેશે. તે એવા લોકોને રાજાઓ બનાવશે, જેઓ વધારે શક્તિશાળી છે અને એ અધિકાર મેળવવાને લાયક છે. તે કોને અધિકાર આપશે? “માણસના દીકરા જેવા કોઈને,” એટલે કે ઈસુ ખ્રિસ્તને અને ‘સર્વોપરી ઈશ્વરના પવિત્ર જનોને’ એટલે કે ૧,૪૪,૦૦૦ લોકોને. તેઓ “યુગોના યુગો” રાજ કરશે. (દાનિ. ૭:૧૮) ફક્ત યહોવા જ માણસોની સરકારો પાસેથી અધિકાર લઈને બીજાઓને આપી શકે છે. એનાથી સાબિત થાય છે કે તે ‘સર્વોપરી ઈશ્વર’ છે!
૧૧. દાનિયેલે બીજું શું લખ્યું જેનાથી ખબર પડે કે યહોવા પાસે જ સૌથી વધારે અધિકાર છે?
૧૧ દાનિયેલે પહેલાં પણ લખ્યું હતું કે યહોવા કોઈની પાસેથી પણ અધિકાર લઈને બીજા કોઈને આપી શકે છે. તેમણે લખ્યું: ‘સ્વર્ગના ઈશ્વર રાજાઓને સિંહાસન પર બેસાડે છે અને એના પરથી હટાવી દે છે.’ તેમણે એ પણ લખ્યું: ‘મનુષ્યના રાજ્ય પર સર્વોચ્ચ ઈશ્વર રાજ કરે છે. તે ચાહે તેને એ રાજ સોંપે છે.’ (દાનિ. ૨:૧૯-૨૧; ૪:૧૭) શું તમને બાઇબલનો એવો કોઈ કિસ્સો યાદ છે, જેમાં યહોવાએ કોઈ રાજાને રાજગાદી પરથી હટાવ્યો હોય કે રાજગાદી પર બેસાડ્યો હોય?
૧૨. એવો કિસ્સો જણાવો જેમાં યહોવાએ કોઈ રાજાને તેની રાજગાદી પરથી હટાવી દીધો હોય. (ચિત્ર જુઓ.)
૧૨ બાઇબલના ઘણા કિસ્સા બતાવે છે કે યહોવા પાસે ‘ઉચ્ચ અધિકારીઓ’ કરતાં વધારે અધિકાર છે અને તે સર્વોપરી ઈશ્વર છે. ચાલો ત્રણ કિસ્સા જોઈએ. ઇજિપ્તના રાજાએ ઈશ્વરના લોકોને ગુલામ બનાવ્યા હતા. યહોવાએ મૂસા દ્વારા ઘણી વાર રાજાને કીધું કે તેઓને જવા દે. પણ રાજા ટસનો મસ ન થયો. આખરે યહોવાએ પોતાના લોકોને તેની ગુલામીમાંથી છોડાવ્યા અને રાજાને લાલ સમુદ્રમાં ડુબાડી દીધો. (નિર્ગ. ૧૪:૨૬-૨૮; ગીત. ૧૩૬:૧૫) બાબેલોનના રાજા બેલ્શાસ્સારે મહેલમાં એક મોટી મિજબાની રાખી. તેણે ‘સ્વર્ગના પ્રભુ વિરુદ્ધ પોતાને ઊંચો કર્યો.’ તેણે યહોવાને બદલે ‘સોના-ચાંદીના દેવોની સ્તુતિ કરી.’ (દાનિ. ૫:૨૨, ૨૩) યહોવાએ તેનું ઘમંડ ધૂળભેગું કરી નાખ્યું. “એ જ રાતે” તેનો જીવ ગયો. તેનું રાજ્ય માદીઓ અને ઈરાનીઓને આપવામાં આવ્યું. (દાનિ. ૫:૨૮, ૩૦, ૩૧) પેલેસ્ટાઈનના રાજા હેરોદ અગ્રીપા પહેલાએ પ્રેરિત યાકૂબને મારી નંખાવ્યા. તેણે પિતરની ધરપકડ કરી. તે પિતરને પણ મારી નાખવા માંગતો હતો. પણ યહોવાએ તેને અટકાવ્યો. “યહોવાના દૂતે તેને માંદગીમાં પટક્યો” અને થોડા સમય પછી તે મરી ગયો.—પ્રે.કા. ૧૨:૧-૫, ૨૧-૨૩.
૧૩. ઘણા રાજાઓએ ભેગા મળીને યહોવાના લોકો પર હુમલો કર્યો ત્યારે યહોવાએ શું કર્યું? દાખલો આપો.
૧૩ કેટલીક વાર એવું પણ બન્યું કે ઘણા રાજાઓએ ભેગા મળીને યહોવાના લોકો પર હુમલો કર્યો. એવા સમયે પણ યહોવાએ સાબિત કર્યું કે તે એ બધા રાજાઓ કરતાં સર્વોપરી છે. જેમ કે, ઇઝરાયેલીઓ વચનના દેશ પર કબજો કરવાના હતા એ પહેલાં કનાનના ૩૧ રાજાઓ સાથે મળીને આવ્યા. તેઓએ ઇઝરાયેલીઓને રોકવાની પૂરી કોશિશ કરી. પણ યહોવા ઇઝરાયેલીઓ વતી લડ્યા અને એ બધા રાજાઓને હરાવી દીધા. (યહો. ૧૧:૪-૬, ૨૦; ૧૨:૧, ૭, ૨૪) એકવાર સિરિયાનો રાજા બેન-હદાદ બીજા ૩૨ રાજાઓ સાથે મળીને ઇઝરાયેલીઓ સામે આવ્યો. એ વખતે પણ યહોવાએ બધા રાજાઓને ધૂળ ચાટતા કરી દીધા.—૧ રાજા. ૨૦:૧, ૨૬-૨૯.
૧૪-૧૫. (ક) નબૂખાદનેસ્સાર અને દાર્યાવેશ રાજાએ યહોવાના અધિકાર વિશે શું જણાવ્યું? (ખ) ગીતશાસ્ત્રના એક લેખકે યહોવા અને તેમના લોકો વિશે શું કહ્યું?
૧૪ યહોવાએ અનેક વાર સાબિત કર્યું કે તે સર્વોપરી છે. ઘણા રાજાઓએ પણ એ સ્વીકાર્યું. એકવાર બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર પોતાના પર બહુ ઘમંડ કરવા લાગ્યો. તેણે કીધું કે આખું રાજ્ય તેણે પોતાના “સામર્થ્ય અને તાકાતથી” ઊભું કર્યું છે. તેને લાગતું હતું કે તે જ સૌથી મહાન છે. એટલે યહોવાએ તેને સજા કરી. તે ગાંડો થઈ ગયો. તેની સમજશક્તિ પાછી આવી ત્યારે તેણે “સર્વોચ્ચ ઈશ્વરની સ્તુતિ કરી.” તેણે સ્વીકાર્યું કે યહોવાનું “રાજ કાયમનું રાજ છે.” તેણે એ પણ કીધું કે યહોવાને પોતાની ઇચ્છા પૂરી કરતા “કોઈ રોકી શકતું નથી.” (દાનિ. ૪:૩૦, ૩૩-૩૫) યાદ કરો દાનિયેલ સાથે શું થયું હતું. તે યહોવાને પ્રમાણિક રહ્યા એટલે તેમને સિંહોના બીલમાં નાખી દેવામાં આવ્યા. પણ યહોવાએ તેમનું રક્ષણ કર્યું. એ જોઈને દાર્યાવેશ રાજાએ હુકમ કર્યો, “બધા લોકો દાનિયેલના ઈશ્વરનો આદર કરે અને તેનો ડર રાખે. તેનો ઈશ્વર જીવંત અને સનાતન છે. તેનું રાજ સર્વકાળ ટકી રહે છે, તેના રાજ્યનો ક્યારેય નાશ થશે નહિ.”—દાનિ. ૬:૭-૧૦, ૧૯-૨૨, ૨૬, ૨૭.
૧૫ ગીતશાસ્ત્રના એક લેખકે લખ્યું: “યહોવાએ દેશોના ઇરાદા ઊંધા વાળ્યા છે. તેમણે લોકોની યોજનાઓ પર પાણી ફેરવી દીધું છે.” એ લેખકે એમ પણ લખ્યું: “ધન્ય છે એ પ્રજાને જેના ઈશ્વર યહોવા છે! એ પ્રજાને તેમણે પોતાની અમાનત બનાવી છે.” (ગીત. ૩૩:૧૦, ૧૨) ખરેખર યહોવાને પ્રમાણિક રહેવામાં આપણું જ ભલું છે!
આખરી યુદ્ધ
૧૬. “મોટી વિપત્તિ” વખતે યહોવા શું કરશે અને આપણે કેમ એવી ખાતરી રાખી શકીએ? (ચિત્ર જુઓ.)
૧૬ આપણે જોઈ ગયા કે પહેલાંના સમયમાં યહોવાએ કઈ રીતે પોતાને સર્વોપરી સાબિત કર્યા અને ભક્તોનું રક્ષણ કર્યું. પણ ભાવિ વિશે શું? બહુ જ જલદી “મોટી વિપત્તિ” શરૂ થશે. (માથ. ૨૪:૨૧) દેશોનો સમૂહ સાથે મળીને ઈશ્વરભક્તો પર હુમલો કરશે. બાઇબલમાં દેશોના સમૂહને માગોગનો ગોગ કહ્યો છે. આપણે પાકી ખાતરી રાખી શકીએ કે પહેલાંના સમયની જેમ એ સમયે પણ યહોવા વફાદાર ભક્તોનું રક્ષણ કરશે. (દાનિ. ૧૨:૧) એ સમૂહમાં સંયુક્ત રાષ્ટ્રોના બધા ૧૯૩ સભ્યો જોડાઈ જાય, તોપણ સર્વોપરી ઈશ્વર યહોવા અને સ્વર્ગના સૈન્ય સામે તેઓની કોઈ વિસાત નથી! યહોવાએ વચન આપ્યું છે: “હું પોતાને ચોક્કસ મોટો મનાવીશ અને પોતાને પવિત્ર મનાવીશ. ઘણી પ્રજાઓની નજર આગળ હું મારી ઓળખ આપીશ. પછી તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.”—હઝકિ. ૩૮:૧૪-૧૬, ૨૩; ગીત. ૪૬:૧૦.
૧૭. આવનાર સમયમાં પૃથ્વીના રાજાઓનું શું થશે? યહોવાને પ્રમાણિક છે એ ભક્તોનું શું થશે?
૧૭ માગોગનો ગોગ હુમલો કરશે ત્યારે યહોવા પોતાના ભક્તોનું રક્ષણ કરવા પગલાં ભરશે. એ વખતે આખરી યુદ્ધ, એટલે કે આર્માગેદનનું યુદ્ધ શરૂ થશે. એ યુદ્ધમાં યહોવા ‘આખી પૃથ્વીના રાજાઓનું’ નામનિશાન મિટાવી દેશે. (પ્રકટી. ૧૬:૧૪, ૧૬; ૧૯:૧૯-૨૧) પણ “સાચા માર્ગે ચાલનાર લોકો પૃથ્વી પર રહેશે અને પ્રમાણિક લોકો એમાં કાયમ માટે જીવશે.”—નીતિ. ૨:૨૧.
હંમેશાં યહોવાને પ્રમાણિક રહીએ
૧૮. યહોવાના ઘણા ભક્તોએ શું કર્યું છે અને કેમ? (દાનિયેલ ૩:૨૮)
૧૮ પ્રાચીન સમયની જેમ આજે પણ યહોવાના ભક્તો તેમને પ્રમાણિક રહે છે. તેમને પ્રમાણિક રહેવા તેઓ કેદમાં જવા કે પોતાનો જીવ આપવા પણ તૈયાર હોય છે. કેમ કે તેઓ યહોવાને પ્રેમ કરે છે અને પૂરા દિલથી સ્વીકારે છે કે યહોવા જ વિશ્વના માલિક છે, ફક્ત તેમને જ આપણા પર રાજ કરવાનો અધિકાર છે. તેઓ ત્રણ હિબ્રૂ યુવાનો જેવા છે. એ યુવાનો યહોવાને પ્રમાણિક રહેવા આગની ભઠ્ઠીમાં જવા પણ તૈયાર હતા.—દાનિયેલ ૩:૨૮ વાંચો.
૧૯. (ક) યહોવા શાના આધારે લોકોનો ન્યાય કરશે? (ખ) આપણે શું કરવું જોઈએ?
૧૯ યહોવાને પ્રમાણિક રહેવું ખૂબ જરૂરી છે. એ વિશે દાઉદ રાજાએ લખ્યું: “યહોવા લોકોને ફેંસલો સંભળાવશે. હે યહોવા, મારી સચ્ચાઈ પ્રમાણે, મારી પ્રમાણિકતા પ્રમાણે મારો ન્યાય કરો.” (ગીત. ૭:૮, ફૂટનોટ) બીજી એક જગ્યાએ દાઉદે લખ્યું: ‘મારી પ્રમાણિકતા અને સચ્ચાઈ મને સલામત રાખશે.’ (ગીત. ૨૫:૨૧, ફૂટનોટ) એનાથી ખબર પડે છે કે યહોવા આપણી પ્રમાણિકતાને આધારે આપણો ન્યાય કરશે. ચાલો પાકો નિર્ણય કરીએ કે ભલે કોઈ પણ સંજોગો આવે, આપણે યહોવાને પ્રમાણિક રહીશું, હંમેશાં તેમને વફાદાર રહીશું. પછી આપણે પણ ગીતશાસ્ત્રના એક લેખક જેવું કહી શકીશું: “ધન્ય છે તેઓને, જેઓ પ્રમાણિક રહીને જીવે છે, જેઓ યહોવાના નિયમો પાળે છે.”—ગીત. ૧૧૯:૧, ફૂટનોટ.
ગીત ૩૨ અડગ રહીએ
a બાઇબલમાં આજ્ઞા છે કે આપણે ઉચ્ચ અધિકારીઓને, એટલે કે સરકારી અધિકારીઓને આધીન રહેવું જોઈએ. પણ અમુક સરકારો યહોવાનો અને તેમના ભક્તોનો વિરોધ કરે છે. તો પછી આપણે કઈ રીતે એ અધિકારીઓને આધીન રહેવાની સાથે સાથે યહોવાને પ્રમાણિક રહી શકીએ?
b શબ્દોની સમજ: યહોવાને પ્રમાણિક રહેવું એટલે કે સંજોગો સારા હોય કે ખરાબ, યહોવાને હંમેશાં વફાદાર રહેવું અને ફક્ત તેમને જ આપણા રાજા માનવા.
c આ અંકમાં આપેલો લેખ જુઓ: “ઇઝરાયેલીઓ યુદ્ધોમાં ભાગ લેતા હતા, તો શું આપણે પણ યુદ્ધોમાં ભાગ લઈ શકીએ?”