અભ્યાસ લેખ ૩૯
શું તમારું નામ ‘જીવનના પુસ્તકમાં’ છે?
‘તેમની આગળ યાદગીરીના પુસ્તકમાં યહોવાનો ડર રાખનારાઓનાં નામ લખવામાં આવ્યાં.’—માલા. ૩:૧૬.
ગીત ૧૭ હિંમત ન હારો!
ઝલકa
૧. માલાખી ૩:૧૬ પ્રમાણે યહોવા કયું પુસ્તક લખી રહ્યા છે? એમાં તે શું લખે છે?
હજારો વર્ષોથી યહોવા એક ખાસ પુસ્તક લખી રહ્યા છે. એમાં તે પોતાના વફાદાર ભક્તોનાં નામ લખે છે. એ પુસ્તકમાં સૌથી પહેલું નામ હાબેલનું છે.b (લૂક ૧૧:૫૦, ૫૧) સમય વીતતો ગયો તેમ એમાં યહોવાએ બીજા ઘણા ભક્તોનાં નામ લખ્યાં. હમણાં એ પુસ્તકમાં લાખો ભક્તોનાં નામ છે. બાઇબલમાં એને ‘યાદગીરીનું પુસ્તક,’ ‘જીવનનું પુસ્તક’ અને ‘જીવનનો વીંટો’ કહેવામાં આવ્યું છે. આ લેખમાં એને ‘જીવનનું પુસ્તક’ કહેવામાં આવ્યું છે.—માલાખી ૩:૧૬ વાંચો; પ્રકટી. ૩:૫; ૧૭:૮.
૨. (ક) જીવનના પુસ્તકમાં કોનાં નામ છે? (ખ) આપણે ચાહતા હોઈએ કે એ પુસ્તકમાં આપણું પણ નામ લખાય તો શું કરવું જોઈએ?
૨ એ ખાસ પુસ્તકમાં એવા લોકોનાં નામ છે, જેઓ પૂરા દિલથી યહોવાની ભક્તિ કરે છે. તેમનો ડર રાખે છે. તેમના નામને વહાલું ગણે છે. એ બધા લોકો પાસે હંમેશ માટે જીવવાની તક છે. જો યહોવા સાથે આપણો ગાઢ સંબંધ હશે અને આપણને ઈસુ ખ્રિસ્તના બલિદાન પર શ્રદ્ધા હશે, તો એ પુસ્તકમાં આપણું નામ પણ લખવામાં આવી શકે. (યોહા. ૩:૧૬, ૩૬) આપણાં દિલની તમન્ના છે કે એ પુસ્તકમાં આપણું નામ હોય, પછી ભલે આપણી આશા પૃથ્વી પર જીવવાની હોય કે સ્વર્ગમાં.
૩-૪. (ક) જો હમણાં આપણું નામ જીવનના પુસ્તકમાં હોય તો શું એનો એવો મતલબ કે હંમેશ માટેનું જીવન મળશે જ? સમજાવો. (ખ) આ લેખમાં અને આવતા લેખમાં આપણે કયા સવાલોના જવાબ જોઈશું?
૩ જો કોઈનું નામ જીવનના પુસ્તકમાં લખેલું હોય તો શું એનો એવો મતલબ કે તેને પાકું હંમેશ માટેનું જીવન મળશે જ? એનો જવાબ જાણવા ચાલો જોઈએ કે યહોવાએ મૂસાને શું કીધું. તેમણે કીધું હતું: “જેણે મારી વિરુદ્ધ પાપ કર્યું છે, તેનું નામ હું મારા પુસ્તકમાંથી ભૂંસી નાખીશ.” (નિર્ગ. ૩૨:૩૩) યહોવા કોઈનું નામ એ પુસ્તકમાં લખે છે ત્યારે જાણે પહેલા પેન્સિલથી લખે છે. એ નામ ભૂંસવામાં પણ આવી શકે છે. (પ્રકટી. ૩:૫) આપણે ચાહીએ છીએ કે આપણું નામ એ પુસ્તકમાંથી ક્યારેય ભૂંસવામાં ન આવે. જો આપણે યહોવાને ગમે છે એવાં કામો કરતા રહીશું તો ભાવિમાં તે હંમેશ માટે એ પુસ્તકમાં આપણું નામ લખશે, જાણે પેનથી લખશે.
૪ કદાચ આપણાં મનમાં અમુક સવાલો થાય. જેમ કે, જેઓનાં નામ જીવનના પુસ્તકમાં લખ્યાં છે અને જેઓનાં નથી લખ્યાં, તેઓ વિશે બાઇબલમાં શું જણાવ્યું છે? જેઓનાં નામ એ પુસ્તકમાં લખ્યાં છે તેઓને હંમેશ માટેનું જીવન ક્યારે મળશે? જેઓને યહોવાને ઓળખવાનો મોકો ન મળ્યો અને ગુજરી ગયા, શું તેઓનાં નામ જીવનના પુસ્તકમાં લખવામાં આવી શકે? આ લેખમાં અને આવતા લેખમાં એ સવાલોના જવાબ જોઈશું.
જીવનના પુસ્તકમાં કોનાં કોનાં નામ છે?
૫-૬. (ક) ફિલિપીઓ ૪:૩ પ્રમાણે કોનાં નામ હમણાં જીવનના પુસ્તકમાં છે? (ખ) તેઓનાં નામ હંમેશ માટે એ પુસ્તકમાં ક્યારે લખવામાં આવશે?
૫ જીવનના પુસ્તકમાં કોનાં કોનાં નામ લખ્યાં છે? એનો જવાબ જાણવા આપણે પાંચ ગ્રૂપના લોકો વિશે જોઈશું. તેઓમાંથી અમુકનાં નામ એ પુસ્તકમાં લખ્યાં છે, જ્યારે કે અમુકનાં નથી લખ્યાં.
૬ પહેલા ગ્રૂપમાં એવા લોકો છે જેઓને ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરવા પસંદ કરવામાં આવ્યા છે. પણ શું તેઓનાં નામ હમણાં જીવનના પુસ્તકમાં છે? હા! પ્રેરિત પાઉલે ફિલિપીનાં ભાઈ-બહેનોને લખેલા પત્રથી ખબર પડે છે કે આજે અભિષિક્તોનાં નામ જીવનના પુસ્તકમાં છે. (ફિલિપીઓ ૪:૩ વાંચો.) પણ જો તેઓ ચાહતા હોય કે તેઓનું નામ હંમેશાં એ પુસ્તકમાં રહે તો તેઓએ છેલ્લા શ્વાસ સુધી યહોવાને વફાદાર રહેવું પડશે. તેઓનાં મરણ પહેલાં અથવા મોટી વિપત્તિ શરૂ થાય એ પહેલાં તેઓ પર છેલ્લી મહોર કરવામાં આવશે. એ સમયે તેઓનાં નામ હંમેશ માટે એ પુસ્તકમાં લખવામાં આવશે.—પ્રકટી. ૭:૩.
૭. પ્રકટીકરણ ૭:૧૬, ૧૭ પ્રમાણે મોટા ટોળાના લોકોનાં નામ જીવનના પુસ્તકમાં ક્યારે હંમેશ માટે લખાશે?
૭ બીજા ગ્રૂપમાં મોટા ટોળાના લોકો છે. શું તેઓનાં નામ આજે જીવનના પુસ્તકમાં છે? હા! શું તેઓનાં નામ આર્માગેદન પછી પણ એ પુસ્તકમાં હશે? હા! (પ્રકટી. ૭:૧૪) ઈસુએ કીધું હતું કે ઘેટાં જેવા એ લોકો “હંમેશ માટેનું જીવન મેળવશે.” (માથ. ૨૫:૪૬; યોહા. ૧૦:૧૬) પણ તેઓને આર્માગેદન પછી તરત હંમેશ માટેનું જીવન નહિ મળે. એ સમયે જીવનના પુસ્તકમાં તેઓનું નામ જાણે પેન્સિલથી લખેલું હશે. ૧,૦૦૦ વર્ષના રાજ દરમિયાન ઈસુ “તેઓની સંભાળ રાખશે. તે તેઓને જીવનનાં પાણીનાં ઝરણાઓ સુધી દોરી જશે.” જે લોકો ઈસુના કહ્યા પ્રમાણે કરશે અને છેલ્લી કસોટીમાં પણ યહોવાને વફાદાર રહેશે, તેઓનાં નામ જીવનના પુસ્તકમાં હંમેશ માટે લખવામાં આવશે. એ નામ જાણે પેનથી લખવામાં આવશે.—પ્રકટીકરણ ૭:૧૬, ૧૭ વાંચો.
૮. કોનાં નામ જીવનના પુસ્તકમાં નથી અને તેઓનું શું થશે?
૮ ત્રીજા ગ્રૂપમાં બકરાં જેવા લોકો છે, જેઓનો આર્માગેદનમાં નાશ થઈ જશે. તેઓનાં નામ જીવનના પુસ્તકમાં નથી. ઈસુએ કીધું હતું કે તેઓનો “હંમેશ માટે નાશ થશે.” (માથ. ૨૫:૪૬) પાઉલે પણ જણાવ્યું હતું કે “એ લોકોને હંમેશ માટેના નાશની સજા” થશે. (૨ થેસ્સા. ૧:૯; ૨ પિત. ૨:૯) જે લોકોએ પવિત્ર શક્તિ વિરુદ્ધ જાણીજોઈને પાપ કર્યું છે અને મરી ગયા છે, તેઓનાં નામ પણ જીવનના પુસ્તકમાં નથી. તેઓને ફરી જીવતા કરવામાં નહિ આવે. તેઓને હંમેશનું જીવન નહિ મળે, પણ તેઓનો હંમેશ માટે નાશ થઈ ચૂક્યો હશે. (માથ. ૧૨:૩૨; માર્ક ૩:૨૮, ૨૯; હિબ્રૂ. ૬:૪-૬) ચાલો હવે બાકીનાં બે ગ્રૂપ વિશે જોઈએ. એ બંને ગ્રૂપમાં એવા લોકોનો સમાવેશ થાય છે, જેઓને પૃથ્વી પર ફરી જીવતા કરવામાં આવશે.
મરણમાંથી કોને જીવતા કરવામાં આવશે?
૯. (ક) પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૫ પ્રમાણે કયા બે ગ્રૂપના લોકોને પૃથ્વી પર જીવતા કરવામાં આવશે? (ખ) એ બંને ગ્રૂપ વચ્ચે શું ફરક છે?
૯ બાઇબલમાં જણાવ્યું છે કે “સારા લોકો” અને “ખરાબ લોકોને” મરણમાંથી ઉઠાડવામાં આવશે. તેઓ પાસે પૃથ્વી પર હંમેશાં જીવવાની તક હશે. (પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૫ વાંચો.) “સારા લોકો” એટલે કે જેઓ યહોવાને વફાદાર હતા. ‘ખરાબ લોકો’ એટલે કે જેઓ મરણ પહેલાં યહોવાની ભક્તિ કરતા ન હતા. એમાંના કેટલાકે તો ખરાબ કામો કરવામાં હદ વટાવી દીધી હતી. એ બંને ગ્રૂપના લોકોને ફરી જીવતા કરવામાં આવશે. તો શું એનો એવો અર્થ થાય કે તેઓનાં નામ જીવનના પુસ્તકમાં છે? એનો જવાબ જાણવા આપણે એક એક કરીને બંને ગ્રૂપના લોકો વિશે ચર્ચા કરીએ.
૧૦. (ક) ‘સારા લોકોને’ કેમ ફરી જીવતા કરવામાં આવશે? (ખ) તેઓમાંથી અમુકને કઈ ખાસ જવાબદારી સોંપવામાં આવશે? (લોકોને પૃથ્વી પર ફરી જીવતા કરવામાં આવશે એ વિશે વધુ જાણવા આ અંકમાં આપેલો લેખ જુઓ: “વાચકો તરફથી પ્રશ્નો.”)
૧૦ ચોથા ગ્રૂપમાં “સારા લોકો” છે. મરતા પહેલાં તેઓનાં નામ જીવનના પુસ્તકમાં હતાં. પણ મરણ પછી શું તેઓનાં નામ પુસ્તકમાંથી ભૂંસી નાખવામાં આવ્યાં? ના, યહોવા તેઓને ભૂલ્યા નથી. બાઇબલમાં લખ્યું છે, “તે મરેલાઓના નહિ, પણ જીવતાઓના ઈશ્વર છે. તેમની નજરમાં તેઓ બધા જીવે છે.” (લૂક ૨૦:૩૮) એનો અર્થ થાય કે સારા લોકોને ફરી જીવતા કરવામાં આવશે ત્યારે તેઓનાં નામ જીવનના પુસ્તકમાં લખેલાં હશે. પણ એ વખતે તેઓનાં નામ જાણે “પેન્સિલથી” લખેલાં હશે. (લૂક ૧૪:૧૪) તેઓમાંથી અમુકને યહોવા ખાસ જવાબદારી સોંપશે. તે તેઓને “આખી પૃથ્વી પર આગેવાનો ઠરાવશે.”—ગીત. ૪૫:૧૬.
૧૧. ‘ખરાબ લોકોનાં’ નામ જીવનના પુસ્તકમાં લખાય એ માટે તેઓએ શું કરવું પડશે?
૧૧ પાંચમા ગ્રૂપમાં ‘ખરાબ લોકો’ છે. મરતા પહેલાં તેઓ કદાચ ખરા-ખોટા વિશે યહોવાનાં ધોરણો જાણતા ન હતા. એટલે તેઓ દુષ્ટ કામો કરતા હતા. એ જ કારણે તેઓનાં નામ જીવનના પુસ્તકમાં નથી. પણ યહોવા તેઓને ફરી જીવતા કરશે ત્યારે તેઓ પાસે એક અમૂલ્ય તક હશે. એ જ કે તેઓનું નામ જીવનના પુસ્તકમાં લખવામાં આવે. એ માટે તેઓએ યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવું પડશે અને પોતાનામાં ફેરફાર કરવો પડશે. મરણ પહેલાં તેઓ જે દુષ્ટ કામો કરતા હતા, એ છોડવાં પડશે. એમ કરવા તેઓને બીજાઓની મદદની જરૂર પડશે. ઈસુના ૧,૦૦૦ વર્ષના રાજ દરમિયાન તેઓને ઘણું શીખવવામાં આવશે. દુનિયામાં આટલા મોટા પાયે શીખવવાનું કામ પહેલાં ક્યારેય થયું નથી.
૧૨. (ક) ખરાબ લોકોને કોણ શીખવશે? (ખ) જે લોકો ફેરફાર નહિ કરે તેઓનું શું થશે?
૧૨ ખરાબ લોકોને કોણ શીખવશે? મોટા ટોળાના લોકો અને મરણમાંથી જીવતા કરાયેલા સારા લોકો. પણ જો ખરાબ લોકો યહોવા સાથે દોસ્તી કરશે અને તેમને સમર્પણ કરશે તો જ તેઓનાં નામ જીવનના પુસ્તકમાં લખવામાં આવશે. ઈસુ ખ્રિસ્ત અને તેમની સાથે ન્યાય કરનારાઓ ધ્યાન આપશે કે એ લોકો જીવનમાં ફેરફાર કરે છે કે નહિ. (પ્રકટી. ૨૦:૪) જેઓ પોતાનામાં ફેરફાર નહિ કરે તેઓનો નાશ કરી દેવામાં આવશે, પછી ભલે તેઓ ૧૦૦ વર્ષના હોય. (યશા. ૬૫:૨૦) યહોવા અને ઈસુ લોકોનાં દિલ વાંચી શકે છે. એટલે નવી દુનિયામાં કોઈને પણ નુકસાન કે વિનાશ કરવા દેવામાં નહિ આવે.—યશા. ૧૧:૯; ૬૦:૧૮; ૬૫:૨૫; યોહા. ૨:૨૫.
તેઓને હંમેશ માટેના જીવન અને ન્યાય માટે જીવતા કરવામાં આવશે
૧૩-૧૪. (ક) યોહાન ૫:૨૯માં આપેલા ઈસુના શબ્દો વિશે આપણે પહેલાં શું માનતા હતા? (ખ) ઈસુના એ શબ્દો પર ધ્યાન આપવાથી શું ખબર પડે છે?
૧૩ ઈસુએ પણ કીધું હતું: “એવો સમય આવે છે જ્યારે જેઓ કબરમાં છે તેઓ બધા તેનો અવાજ સાંભળશે અને બહાર નીકળી આવશે. જેઓએ સારાં કામ કર્યાં છે તેઓ હંમેશ માટેનું જીવન મેળવશે. જેઓએ દુષ્ટ કામો કર્યાં છે, તેઓ સજાને લાયક ઠરશે.” (યોહા. ૫:૨૮, ૨૯) ઈસુ શું કહેવા માંગતા હતા?
૧૪ પહેલાં આપણે માનતા હતા કે લોકોને જીવતા કરવામાં આવશે એના પછી તેઓ જે કામો કરશે, એની ઈસુ વાત કરતા હતા. અમુક લોકો સારાં કામ કરશે, જ્યારે કે અમુક લોકો દુષ્ટ કામ કરશે. પણ ધ્યાન આપો કે ઈસુએ એવું ન કીધું કે લોકો સારાં કામ કરશે અથવા દુષ્ટ કામો કરશે. પણ તેમણે તો એવું કીધું હતું કે “જેઓએ સારાં કામ કર્યાં છે” અને “જેઓએ દુષ્ટ કામો કર્યાં છે.” એનાથી ખબર પડે છે કે અહીંયા ઈસુ લોકોનાં એવાં કામોની વાત કરે છે, જે તેઓએ મરણ પહેલાં કર્યાં હતાં. આ વાત આપણા ગળે ઊતરી જાય છે, ખરું ને? નવી દુનિયામાં કોઈ પણ દુષ્ટ કામ ચલાવી લેવામાં નહિ આવે. એટલે કહી શકાય કે ખરાબ લોકોએ દુષ્ટ કામો મરણ પહેલાં કર્યાં હશે. પછી ઈસુએ જણાવ્યું હતું કે અમુક લોકોને ‘હંમેશ માટેના જીવન’ અને અમુક લોકોને ન્યાય માટે જીવતા કરવામાં આવશે. એનો શું અર્થ થાય?
૧૫. ‘હંમેશ માટેના જીવન’ માટે કોને જીવતા કરવામાં આવશે અને કેમ?
૧૫ જે લોકોએ મરણ પહેલાં સારાં કામો કર્યાં હતાં તેઓનાં નામ જીવનના પુસ્તકમાં લખેલાં હશે. એટલે તેઓને ‘હંમેશ માટેના જીવન’ માટે જીવતા કરવામાં આવશે. આપણે જોયું કે યોહાન ૫:૨૯માં એવા લોકો વિશે જણાવ્યું છે, “જેઓએ સારાં કામ કર્યાં છે.” આ એ જ “સારા લોકો” છે જેઓ વિશે પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૫માં જણાવ્યું છે. ધ્યાન આપો, રોમનો ૬:૭માં જણાવ્યું છે કે “જેનું મરણ થાય છે, તે પોતાના પાપથી આઝાદ થાય છે.” એનો મતલબ કે જે સારા લોકો ગુજરી ગયા છે તેઓનાં પાપ યહોવાએ માફ કરી દીધાં છે. પણ યહોવાને વફાદાર રહેવા તેઓએ જે કંઈ કર્યું હતું એ યહોવા ભૂલ્યા નથી. (હિબ્રૂ. ૬:૧૦) તેઓને ફરી જીવતા કરવામાં આવશે એ પછી પણ તેઓએ યહોવાને વફાદાર રહેવાનું છે. એમ કરશે તો જ તેઓનાં નામ જીવનના પુસ્તકમાં રહેશે.
૧૬. લોકોને ન્યાય માટે જીવતા કરવામાં આવશે એનો શું અર્થ થાય?
૧૬ જે લોકોએ મરણ પહેલાં ‘દુષ્ટ કામો કર્યાં હતાં’ તેઓ વિશે શું? તેઓ ગુજરી ગયા ત્યારે યહોવાએ તેઓનાં પાપ માફ કરી દીધાં. પણ તેઓ જીવતા હતા ત્યારે યહોવાની ભક્તિ કરતા ન હતા. એટલે તેઓનાં નામ જીવનના પુસ્તકમાં નથી. આપણે જોઈ ગયા કે પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૫માં ‘ખરાબ લોકો’ વિશે જણાવ્યું છે. તેઓએ પણ યહોવાની ભક્તિ કરી ન હતી અને તેઓનાં નામ પણ જીવનના પુસ્તકમાં નથી. એટલે આપણે કહી શકીએ કે બંને કલમોમાં એક જ પ્રકારના લોકોની વાત થઈ છે. તેઓને ન્યાય માટે જીવતા કરવામાં આવશે.c એનો શું અર્થ થાય? ઈસુ તેઓની પરખ કરશે. તે ધ્યાન આપશે કે શું તેઓ ફેરફાર કરે છે. (લૂક ૨૨:૩૦) એ બધું કરવામાં સમય લાગશે. પછી નક્કી કરવામાં આવશે કે તેઓનાં નામ જીવનના પુસ્તકમાં લખવામાં આવશે કે નહિ. જો ખરાબ લોકો જીવનમાં ફેરફાર કરશે અને યહોવાને સમર્પણ કરશે, તો તેઓનાં નામ જીવનના પુસ્તકમાં લખવામાં આવશે.
૧૭-૧૮. (ક) જે લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે તેઓએ શું કરવું પડશે? (ખ) પ્રકટીકરણ ૨૦:૧૨, ૧૩માં કયા ‘કાર્યોની’ વાત થઈ છે?
૧૭ ઈસુ ખ્રિસ્તના ૧,૦૦૦ વર્ષના રાજમાં નવા વીંટાઓ ખોલવામાં આવશે. એમાં નિયમો અને કાયદા-કાનૂન લખેલા હશે. જે સારા અને ખરાબ લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે, તેઓએ એમાં લખેલું બધું પાળવું પડશે. એ વિશે પ્રેરિત યોહાને એક દર્શનમાં જોયું: “મેં મરણ પામેલા લોકોને, નાના-મોટા લોકોને રાજ્યાસન આગળ ઊભેલા જોયા. વીંટાઓ ખોલવામાં આવ્યા. બીજો એક વીંટો ખોલવામાં આવ્યો, જે જીવનનો વીંટો હતો. વીંટાઓમાં જે લખ્યું હતું એના આધારે, એ મરણ પામેલા લોકોનાં કાર્યો મુજબ તેઓનો ન્યાય કરવામાં આવ્યો.”—પ્રકટી. ૨૦:૧૨, ૧૩.
૧૮ આ કલમમાં કયા ‘કાર્યોની’ વાત થઈ છે જેના આધારે એ લોકોનો ન્યાય કરવામાં આવશે? શું એ કાર્યોની, જે તેઓએ મરણ પહેલાં કર્યાં હતાં? ના. આપણે આગળ જોઈ ગયા કે એક વ્યક્તિનું મરણ થાય ત્યારે તેનાં બધાં પાપ માફ કરી દેવામાં આવે છે. એટલે તેણે મરણ પહેલાં કરેલાં કાર્યો ન હોય શકે. તો પછી અહીંયા કયા કાર્યોની વાત થઈ છે? નવી દુનિયામાં જીવતા કરવામાં આવેલા લોકોને ઘણું શીખવવામાં આવશે. પછી તેઓ જે કાર્યો કરશે એની અહીંયા વાત થઈ છે. નૂહ, શમુએલ, દાઉદ અને દાનિયેલ જેવા વફાદાર ઈશ્વરભક્તોએ પણ ઈસુ ખ્રિસ્ત વિશે ઘણું શીખવું પડશે. તેઓએ તેમના બલિદાનમાં શ્રદ્ધા મૂકવી પડશે. જરા વિચારો, એ વફાદાર ઈશ્વરભક્તોએ આટલું બધું શીખવું પડશે તો ખરાબ લોકોએ એના કરતાં કેટલું વધારે શીખવું પડશે!
૧૯. જે લોકો અમૂલ્ય તક જતી કરશે તેઓનું શું થશે?
૧૯ જે લોકો નવી દુનિયામાં ઈસુ વિશે શીખશે અને તેમના બલિદાનમાં શ્રદ્ધા મૂકશે, તેઓનાં નામ હંમેશ માટે જીવનના પુસ્તકમાં લખવામાં આવશે. પણ જે લોકો એ અમૂલ્ય તક જતી કરશે તેઓનું શું થશે? પ્રકટીકરણ ૨૦:૧૫માં જણાવ્યું છે: “જેનું નામ જીવનના પુસ્તકમાં લખેલું ન હતું, તે દરેકને આગના સરોવરમાં નાખી દેવામાં આવ્યા.” એનો અર્થ કે હંમેશ માટે તેઓનો નાશ કરી દેવામાં આવશે. આપણું નામ જીવનના પુસ્તકમાં લખવામાં આવે અને એમાંથી કદી ન ભૂંસાય એ માટે ચાલો બનતું બધું કરીએ.
૨૦. ઈસુ ખ્રિસ્તના ૧,૦૦૦ વર્ષના રાજમાં કયું કામ મોટા પાયે થશે? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)
૨૦ ઈસુ ખ્રિસ્તનું ૧,૦૦૦ વર્ષનું રાજ કેટલું અનોખું હશે! એ વખતે પહેલી વાર મોટા પાયે લોકોને શીખવવાનું કામ થશે. તેમ જ સારા અને ખરાબ લોકોનાં કામો પર ધ્યાન આપવામાં આવશે. તેઓની પરખ કરવામાં આવશે. (યશા. ૨૬:૯; પ્રે.કા. ૧૭:૩૧) આખી પૃથ્વી પર આટલા બધા લોકોને શીખવવાનું કામ કઈ રીતે થશે? આવતા લેખમાં આપણે યહોવાની એ અદ્ભુત ગોઠવણ વિશે જોઈશું.
ગીત ૧૨ અમર જીવનનું વચન
a ઈસુએ યોહાન ૫:૨૮, ૨૯માં જણાવ્યું હતું કે મરણ પામેલા લોકોને ‘હંમેશ માટેના જીવન’ અને ‘સજા’ માટે જીવતા કરવામાં આવશે. “સજા” માટે મૂળ ભાષામાં જે શબ્દ વપરાયો છે, એનો અર્થ “ન્યાય” પણ થઈ શકે. આ કલમની સમજણમાં હવે ફેરફાર થયો છે. આ લેખમાં એની ચર્ચા કરીશું. એ પણ જોઈશું કે હંમેશ માટેના જીવન માટે કોને જીવતા કરવામાં આવશે અને ન્યાય માટે કોને જીવતા કરવામાં આવશે.
b “દુનિયાનો પાયો નંખાયો” ત્યારથી યહોવા એ પુસ્તક લખી રહ્યા છે. ‘દુનિયા’ એવા લોકોને રજૂ કરે છે, જેઓનાં પાપ ઈસુના બલિદાનના આધારે માફ થઈ શકે છે. (માથ. ૨૫:૩૪; પ્રકટી. ૧૭:૮) હાબેલ સૌથી પહેલા વફાદાર ઈશ્વરભક્ત હતા. એટલે એ પુસ્તકમાં સૌથી પહેલું નામ કદાચ હાબેલનું હોય શકે.
c યોહાન ૫:૨૯માં “સજા” માટે જે ગ્રીક શબ્દ વપરાયો છે એનો અર્થ “ન્યાય” પણ થઈ શકે છે. આપણાં સાહિત્યમાં પહેલાં સમજાવવામાં આવ્યું હતું કે એ કલમમાં ન્યાય કરવાનો અર્થ થાય કોઈને ગુનેગાર ઠરાવવો કે સજા કરવી. પણ આગળ-પાછળની કલમો વાંચવાથી લાગે છે કે ઈસુ એવું કહેવા માંગતા ન હતા. એવું લાગે છે કે તે ન્યાય કરવા વિશે વાત કરી રહ્યા હતા જેનો અર્થ થાય, થોડા સમય માટે કોઈની પરખ કે કસોટી કરવી, કે પછી એક ગ્રીક શબ્દકોશ પ્રમાણે એનો અર્થ થાય, “કોઈનાં વાણી-વર્તન પર નજર રાખવી.”