જાન્યુઆરી ૧૧-૧૭, ૨૦૨૭
ગીત ૧૦૩ ઘેટાંપાળકો—સુંદર ભેટ
ઘેટાંપાળકોની જેમ સંભાળ રાખતા વડીલો
“હું તેઓ માટે એવા ઘેટાંપાળકો ઊભા કરીશ, જેઓ સારી રીતે તેઓની કાળજી લેશે.”—યર્મિ. ૨૩:૪.
આપણે શું શીખીશું?
વડીલો ઈસુ પાસેથી શું શીખી શકે અને તેઓ યહોવાનાં ઘેટાંની કઈ રીતે સારી સંભાળ રાખી શકે?
૧-૨. (ક) વડીલો આપણને કઈ રીતે મદદ કરે છે? (ખ) આપણને જરૂરી મદદ મળતી રહે એ માટે યહોવાએ શું કર્યું છે? (“બાઇબલ સમયના ઘેટાંપાળકો” બૉક્સ પણ જુઓ.)
કોઈ પ્રેમાળ વડીલે તમને મદદ કરી હોય એ સમય યાદ કરો. કદાચ કોઈ વડીલે તમને બાઇબલમાંથી સલાહ આપી હશે, જેથી તમે ખોટું પગલું ભરી ન બેસો. કોઈ વડીલે તમને દિલાસો આપ્યો હશે, જેથી મરણમાં ગુમાવેલા સગા-વહાલાનું દુઃખ સહન કરી શકો. અથવા કોઈ વડીલે તમને યહોવાના પ્રેમની ખાતરી અપાવી હશે, જેથી તમે નિરાશામાંથી બહાર આવી શકો અને કોઈના પ્રેમને લાયક નથી એ લાગણી દૂર કરી શકો. સ્પેનમાં રહેતાં મારિયાબહેનનેa પણ વડીલો પાસેથી ઘણી મદદ મળી. તે જણાવે છે: “વડીલો મને મળવા આવે છે ત્યારે હું મહેસૂસ કરી શકું છું કે તેઓને મારી કેટલી ચિંતા છે. એ મુલાકાતથી હું જોઈ શકું છું કે તેઓ મને ઓળખવા માંગે છે અને સમજવા માંગે છે કે મને શાની જરૂર છે.”
૨ યહોવા જાણે છે કે આપણને વડીલોના સાથની જરૂર છે. એટલે તેમણે વચન આપ્યું હતું: ‘હું એવા ઘેટાંપાળકો ઊભા કરીશ, જેઓ સારી રીતે ટોળાની કાળજી લેશે.’ તે ચાહતા હતા કે એ ઘેટાંપાળકો ‘તેમની ઇચ્છા પ્રમાણે,’ એટલે કે ઈશ્વરના જ્ઞાન અને સમજણ પ્રમાણે ટોળાની સંભાળ રાખે. (યર્મિ. ૩:૧૫; ૨૩:૪) યહોવાએ પોતાનું એ વચન એકદમ જોરદાર રીતે પૂરું કર્યું. તેમણે પોતાનાં ઘેટાંની સંભાળ રાખવા ઈસુને પૃથ્વી પર મોકલ્યા. પછી ઈસુએ મંડળનાં ભાઈ-બહેનોની સંભાળ રાખવા વડીલોને ઘેટાંપાળકો તરીકે નીમ્યા. (એફે. ૪:૭, ૮, ૧૧) આ લેખમાં આપણે જોઈશું કે ઈસુ કેમ સૌથી સારા ઘેટાંપાળક છે અને વડીલો કઈ રીતે તેમના પગલે ચાલી શકે. પછી જોઈશું કે સારા ઘેટાંપાળક બનવા વડીલો કેવા ગુણો અને કેવી આવડતો કેળવી શકે. આખરે જોઈશું કે ભાઈ-બહેનોની દિલથી સંભાળ રાખવાને લીધે વડીલોને કેવા આશીર્વાદ મળે છે.
“ઉત્તમ ઘેટાંપાળક” પાસેથી શીખીએ
૩. ઈસુએ કેમ પોતાને “ઉત્તમ ઘેટાંપાળક” કહ્યા? (યોહાન ૧૦:૧૧, ૧૪)
૩ ઈસુએ પોતાને “ઉત્તમ ઘેટાંપાળક” કહ્યા. (યોહાન ૧૦:૧૧, ૧૪ વાંચો.) તેમણે કેમ એવું કહ્યું? કેમ કે તે શિષ્યોને ખૂબ જ પ્રેમ કરતા હતા, એટલે સુધી કે તેમણે “ઘેટાં માટે પોતાનું જીવન આપી” દીધું. ઈસુએ એમ પણ કહ્યું: “હું મારાં ઘેટાંને અને મારાં ઘેટાં મને ઓળખે છે.” તે પોતાના એકેએક શિષ્યની તકલીફ સમજતા હતા અને તેમણે તેઓને તાજગી આપવાનું વચન આપ્યું હતું. (માથ. ૧૧:૨૮, ૨૯) એના લીધે તેઓ પણ ઈસુની નજીક આવી શક્યા, તેમને સારી રીતે ઓળખી શક્યા અને તેમના પર ભરોસો કરી શક્યા.
૪-૫. (ક) માર્થા અને મરિયમે મદદ માટે કેમ ઈસુ પર આધાર રાખ્યો? (ખ) તેઓને મદદ કરવા ઈસુએ શું કર્યું?
૪ યોહાનના ૧૧મા અધ્યાયથી આપણે સારી રીતે સમજી શકીએ છીએ કે ઈસુ કેમ ઉત્તમ ઘેટાંપાળક છે. એ અધ્યાયમાં જણાવ્યું છે કે ઈસુ બેથનિયા ગયા, જ્યાં મારથા અને તેની બહેન મરિયમ રહેતી હતી. એ બહેનોને ઈસુના સાથની ખૂબ જ જરૂર હતી. કેમ કે તેઓનો ભાઈ લાજરસ થોડા દિવસો પહેલા ગુજરી ગયો હતો. ઈસુને એ ત્રણેય બહુ વહાલા હતા. (યોહા. ૧૧:૫) તે ઘણી વખત તેઓના ઘરે રોકાતા. તેઓ એકબીજાના પાકા દોસ્તો હતા. ખરું કે, માર્થા અને મરિયમ દુઃખી હતા, કેમ કે ઈસુએ લાજરસને મરતા બચાવ્યો નહિ. તોપણ તેઓને ભરોસો હતો કે આ દુઃખની ઘડીમાં ઈસુ તેઓને દિલાસો આપશે. આજે વડીલો પણ ભાઈ-બહેનોના પાકા દોસ્ત હશે તો તેઓને સારી રીતે મદદ કરી શકશે.
૫ બેથનિયા પહોંચતા ઈસુને આશરે બે દિવસ લાગ્યા હશે. ત્યાં જવું તેમના માટે જોખમોથી ભરેલું હતું. એ વિસ્તારના લોકો તેમને મારી નાખવા માંગતા હતા. (યોહા. ૧૧:૮) પણ ઈસુ પોતાના વહાલા શિષ્યો માટે કંઈ પણ કરવા તૈયાર હતા. એક સારા ઘેટાંપાળક ઘેટાંને મદદ કરવા કોઈ કસર બાકી રાખતા નથી!
૬. ઈસુએ કઈ રીતે માર્થાને દિલાસો આપ્યો?
૬ ઈસુ બેથનિયા આવ્યા ત્યારે લાજરસના મરણને ચાર દિવસ થઈ ગયા હતા. માર્થા કદાચ વિચારતી હશે કે તેના ભાઈને બચાવવા ઈસુ કેમ જલદી ન આવ્યા. (યોહા. ૧૧:૨૧) ઈસુ તેનું દુઃખ સમજતા હતા, પણ તેમણે એ જોવા મદદ કરી કે તે આગળ જતાં શું કરવાના છે. તેમણે ખાતરી આપી: “તારો ભાઈ જીવતો થશે.” (યોહા. ૧૧:૨૩) માર્થા પોતાની લાગણી ઠાલવતી હતી ત્યારે ઈસુએ તેની વાત ધ્યાનથી સાંભળી. તેમણે યાદ અપાવ્યું કે ઈશ્વરે તેમને ગુજરી ગયેલાઓને જીવતા કરવાની શક્તિ આપી છે. (યોહા. ૧૧:૨૪, ૨૫) આમ, ઈસુએ માર્થાની શ્રદ્ધા વધારી. આજે વડીલો પણ ભાઈ-બહેનોને ઉત્તેજન આપે છે. તેઓ ધ્યાનથી ભાઈ-બહેનોનું સાંભળે છે અને ઈશ્વરનાં વચનોમાં તેઓનો ભરોસો મજબૂત કરે છે.
૭. લાજરસનાં સગાં અને મિત્રોનું દુઃખ જોઈને ઈસુને કેવું લાગ્યું? (ચિત્ર પણ જુઓ.)
૭ ઈસુ લાજરસને જીવતો કરવા તેની કબર પાસે ગયા. ત્યાં તેમણે મરિયમ અને બીજા લોકોને રડતા જોયા. તેઓને જોઈને ઈસુને કેવું લાગ્યું? “તેમણે મનમાં ઊંડો નિસાસો નાખ્યો અને તે બહુ દુઃખી થયા.” પછી ઈસુ તેઓની સાથે રડ્યા. (યોહા. ૧૧:૩૩, ૩૫) તે લોકોનું દુઃખ મહેસૂસ કરી શક્યા. પ્રેમ અને દયા બતાવવાનો કેટલો અજોડ દાખલો! તેમના એ ગુણો લોકોનાં દિલને સ્પર્શી ગયા. (યોહા. ૧૧:૩૬) હા, સારા ઘેટાંપાળક ભાઈ-બહેનોનું દુઃખ સમજે છે અને તેઓને એવા જ ગુણો બતાવે છે.—રોમ. ૧૨:૧૫.
ઈસુ, માર્થા, મરિયમ અને બીજા લોકો લાજરસ માટે રડી રહ્યા છે (ફકરો ૭ જુઓ)
૮. ઈસુએ કઈ રીતે ધ્યાન રાખ્યું કે સ્વર્ગમાં ગયા પછી પણ તેમનાં ઘેટાંની સંભાળ રાખવામાં આવે?
૮ ઈસુ પોતાના શિષ્યોને ખૂબ પ્રેમ કરતા હતા અને તેઓ યહોવાની નજીક રહી શકે એ માટે મદદ કરતા હતા. તેમણે શિષ્યોને પણ એવું જ કરવાનું શીખવ્યું. ઈસુ મરણમાંથી જીવતા થયા એ પછી, તેમણે પિતર અને બીજા પ્રેરિતોને એક મોટી જવાબદારી સોંપી. તેમણે સાફ શબ્દોમાં કહ્યું કે તેઓ તેમનાં “નાનાં ઘેટાંની” અથવા ‘ઘેટાંનાં બચ્ચાંની’ સંભાળ રાખે.b (યોહા. ૨૧:૧૫-૧૭, ફૂટનોટ) ઈસુની એ વાત પિતર ક્યારેય ન ભૂલ્યા. વર્ષો પછી તેમણે બીજા વડીલોને પણ અરજ કરી કે તેઓ ઈસુના એ કીમતી નાનાં ઘેટાંની દેખરેખ રાખવાનું ચાલુ રાખે.—૧ પિત. ૫:૧, ૨.
વડીલો કેવા ગુણો અને કેવી આવડતો કેળવી શકે?
૯. કેમ કહી શકીએ કે વડીલોના માથે ભારે જવાબદારી છે? (પ્રેરિતોનાં કાર્યો ૨૦:૨૮)
૯ પ્રેરિત પાઉલે એફેસસના વડીલોને અરજ કરી કે તેઓ ઘેટાંપાળક તરીકેની પોતાની જવાબદારીને નાનીસૂની ન ગણે. (પ્રેરિતોનાં કાર્યો ૨૦:૨૮ વાંચો.) આજે નિરીક્ષકોને માથે ઘણી મોટી જવાબદારી છે. આ પવિત્ર સેવા વિશે ડેવિડભાઈ નામના વડીલ જણાવે છે: “મને લાગે છે કે ઈસુ જાણે મને કહી રહ્યા છે, ‘તું આ નાનાં ઘેટાંને જુએ છે? એ મારાં ઘેટાં છે, પણ હું ચાહું છું કે તું તેઓની સંભાળ રાખે.’” કેટલી ભારે જવાબદારી! પણ વડીલોને ક્યારેક લાગી શકે કે એ જવાબદારી સારી રીતે નિભાવવાની તેઓમાં આવડત નથી. તેઓને કદાચ થાય: ‘જો કોઈ પોતાનું સ્નેહીજન ગુમાવે તો હું તેને કઈ રીતે દિલાસો આપી શકીશ? જો કોઈની શ્રદ્ધા નબળી પડી જાય, તો હું કઈ રીતે તેની હિંમત વધારી શકીશ? જો કોઈ નિરાશ થઈ જાય તો હું કઈ રીતે તેને ઉત્તેજન આપી શકીશ?’ (૧ થેસ્સા. ૫:૧૪) વડીલોએ જરાય ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે યહોવા તેઓને તાકાત આપશે. (ફિલિ. ૪:૧૩) પણ વધારે સારા ઘેટાંપાળક બનવા દરેક વડીલ અમુક ગુણો અને આવડતો કેળવી શકે. ચાલો એ વિશે વધારે જોઈએ.
૧૦. સારા ઘેટાંપાળક બનવા વડીલોએ શું કરવું જોઈએ અને કેમ? (નીતિવચનો ૨૭:૨૩ અને ફૂટનોટ)
૧૦ ઘેટાંને સારી રીતે ઓળખો. (નીતિવચનો ૨૭:૨૩ અને ફૂટનોટ વાંચો.) બીજા એક બાઇબલ ભાષાંતરની આ કલમમાં જણાવ્યું છે: “તમારાં ઘેટાં વિશે બની શકે એટલું જાણો.”c એ સાચું છે કે ભાઈ-બહેનોની અંગત બાબતો જાણવાની કોશિશ ન કરવી જોઈએ, પણ તેઓને સારી રીતે ઓળખવા પ્રયત્ન કરીએ. (૧ પિત. ૪:૧૫) ડેવિડભાઈ જેમના વિશે અગાઉ જોઈ ગયા, તે કહે છે: “જો ભાઈ-બહેનોની મુશ્કેલીઓ સારી રીતે સમજીશું, તો જ તેઓને બાઇબલમાંથી સારી રીતે મદદ આપી શકીશું.”
૧૧. વડીલો ધ્યાનથી સાંભળે છે ત્યારે ભાઈ-બહેનોને કઈ રીતે મદદ મળે છે?
૧૧ ધ્યાનથી સાંભળો. વડીલો ધ્યાનથી સાંભળે છે ત્યારે જાણી શકે છે કે ભાઈ-બહેનોને શાની જરૂર છે. (યાકૂ. ૧:૧૯) કેથરીનબહેનનો વિચાર કરો. તેમના પતિ તેમને અને તેમનાં બાળકોને છોડીને ચાલ્યા ગયા. બહેન કહે છે: “વડીલોએ સમજી-વિચારીને સવાલો પૂછ્યા અને તેઓએ મારી એકેએક વાત ધ્યાનથી સાંભળી. તેઓની વાતોથી હું જોઈ શકી કે તેઓ માટે હું કીમતી છું, તેઓ મારી કદર કરે છે અને મને પ્રેમ કરે છે. તેઓ સાચે જ સમજવા માંગતા હતા કે મારા પર શું વીતી રહ્યું છે. મને લાગ્યું કે તેઓ જાણે મારું દર્દ પોતે મહેસૂસ કરી રહ્યા હતા. તેઓ સાથે વાત કરીને મારો ભરોસો વધ્યો કે યહોવાએ મને અને મારાં બાળકોને છોડી દીધાં નથી.”
૧૨. ભાઈ-બહેનોની મુલાકાત લેતી વખતે વડીલો કઈ રીતે બાઇબલનો સારો ઉપયોગ કરી શકે?
૧૨ સંજોગોને આધારે યોગ્ય કલમો બતાવો. (તિત. ૧:૭, ૯) જ્યારે વડીલ સમજે છે કે ભાઈ-બહેનો કેવા સંજોગોમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે તે તેઓને સારી રીતે મદદ કરી શકે છે.d એન્ડ્રુભાઈ વડીલ છે, તે કહે છે: “હું વિચારું છું કે ભાઈ-બહેનો કેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે અને પછી તેઓના સંજોગોને આધારે બાઇબલનો કોઈ કિસ્સો કે સિદ્ધાંત બતાવું છું. એ માટે હું ઘણી વાર ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ પુસ્તક વાપરું છું.” એલીહૂ નામના અનુભવી વડીલને પણ એ પુસ્તકથી ઘણી મદદ મળે છે. તે કહે છે, “ઉત્તેજન આપતી મુલાકાત માટે તૈયારી કરતી વખતે હું અવાર-નવાર આવા વિષયો પર અભ્યાસ કરું છું: ‘ચિંતા,’ ‘નિરાશા’ અને ‘હિંમત હારી જવી.’ આપણાં ભાઈ-બહેનો રોજ એવી જ અમુક લાગણીઓનો સામનો કરે છે. સંશોધન કરવાથી હું એવી કલમો શોધી શકું છું જે ભાઈ-બહેનોનાં દિલને સ્પર્શી જાય અને તેઓને ઉત્તેજન મળે.” કેથરીનબહેન વિશે આપણે અગાઉના ફકરામાં જોઈ ગયા, તે કહે છે: “એક વડીલે મને યશાયા ૨૬:૩ બતાવી. મેં અને મારી દીકરીઓએ એ કલમ વારંવાર વાંચી. અમને સૌથી અઘરા દિવસોનો સામનો કરવા એ કલમથી ઘણી મદદ મળી.”
૧૩. ભાઈ-બહેનો અચકાયા વગર વાત કરી શકે એ માટે વડીલો શું કરી શકે? (ચિત્રો અને “તમે બધા ભાઈઓ છો” બૉક્સ પણ જુઓ.)
૧૩ ભાઈ-બહેનો અચકાયા વગર વાત કરી શકે એવી વ્યક્તિ બનો. ઈસુ પાસે કેટકેટલાંય કામો હતાં તોપણ તેમણે લોકો માટે, અરે બાળકો માટે પણ સમય કાઢ્યો. (લૂક ૧૮:૧૫, ૧૬) વડીલો શું શીખી શકે? સારા ઘેટાંપાળક નાના-મોટા દરેક ભાઈ-બહેન માટે સમય કાઢે છે. જો વડીલો સભા પહેલાં અને પછી ભાઈ-બહેનો સાથે થોડી મિનિટો પણ વાત કરશે, તો વડીલો પર તેઓનો ભરોસો વધશે. તેઓ માટે વડીલો સાથે દોસ્તી કરવી સહેલું થઈ જશે. લોરેનબહેન કહે છે: ‘જે વડીલ અવાર-નવાર મારા હાલચાલ પૂછે છે અને મને મદદ કરે છે, તેમની સાથે હું સહેલાઈથી વાતચીત કરી શકું છું. પછી જો મારી સામે કોઈ મોટી મુશ્કેલી આવે તો હું અચકાયા વગર તેમની પાસે મદદ માંગી શકું છું, કેમ કે મને ખબર છે કે તેમને મારી ચિંતા છે અને તે મારી પડખે છે.’
ભાઈ-બહેનો સારા ઘેટાંપાળક પર ભરોસો કરી શકે છે અને તેમની સાથે દોસ્તી કરી શકે છે (ફકરો ૧૩ જુઓ)
૧૪. જેઆનભાઈના દાખલામાંથી શું શીખવા મળે છે?
૧૪ પ્રેમ બતાવો. ઈસુએ કહ્યું કે પ્રેમ એ તેમના શિષ્યોની ઓળખ હશે. (યોહા. ૧૩:૩૫) વડીલ જ્યારે યહોવાનાં ઘેટાંને પ્રેમ બતાવે છે, ત્યારે દેખાઈ આવે છે કે તે સારા ઘેટાંપાળક છે. જેઆનભાઈનો વિચાર કરો. તે હમણાં એક વડીલ છે. તે જણાવે છે કે એક પ્રેમાળ ઘેટાંપાળકે તેમને કઈ રીતે મદદ કરી હતી: ‘મેં બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું ત્યારે મારા જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. ક્યારેક ક્યારેક હું ઉદાસ થઈ જતો, મને લાગતું કે હું યહોવાથી દૂર થઈ ગયો છું. પણ એક વડીલ હંમેશાં મને પ્રેમથી મદદ કરતા રહ્યા. એટલે મેં બાઇબલ અભ્યાસ કરવાનું અને સભાઓમાં આવવાનું ચાલુ રાખ્યું. એ વડીલે બતાવેલા પ્રેમને લીધે હું યહોવાને વળગી રહી શક્યો. તે મારી સાથે ધીરજ અને પ્રેમથી વર્ત્યા, એની હું બહુ જ કદર કરું છું. તેમના લીધે હું જોઈ શક્યો કે યહોવા મને પ્રેમ કરે છે અને મને સમજે છે. એટલે હિંમત ન હારવા મને ઉત્તેજન મળ્યું.’
યહોવાનાં ઘેટાંની સંભાળ રાખવાથી કેવા આશીર્વાદો મળે છે?
૧૫. યહોવાનાં ઘેટાંની સંભાળ રાખવાથી કેવા આશીર્વાદ મળે છે? (પ્રેરિતોનાં કાર્યો ૨૦:૩૧, ૩૫)
૧૫ ઘેટાંની સંભાળ રાખવી કંઈ સહેલું કામ નથી. પાઉલ યહોવાનાં ઘેટાંને ખૂબ પ્રેમ કરતા હતા અને તેમને તેઓની ઘણી ચિંતા હતી. એટલે તેમણે ઘણી વાર ભાઈ-બહેનો માટે રાતોના ઉજાગરા કર્યા. (૨ કોરીં. ૧૧:૨૭, ૨૮) પાઉલે ભાઈ-બહેનોની સંભાળ રાખવા ઘણું જતું કર્યું. પણ તેમને ઉત્તમ ઘેટાંપાળક ઈસુ જેવું જ લાગતું હતું, જેમણે કહ્યું હતું: “લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.” (પ્રેરિતોનાં કાર્યો ૨૦:૩૧, ૩૫ વાંચો.) હાવિયેરભાઈ ૩૦ કરતાં વધારે વર્ષોથી વડીલ છે. તે પણ એવું જ અનુભવે છે. તે કહે છે: “ભાઈ-બહેનોની મુલાકાત કરું છું ત્યારે મારી પણ શ્રદ્ધા વધે છે. યહોવા માટેનો મારો પ્રેમ વધે છે. એ મુલાકાતોથી હું જોઈ શકું છું કે જેઓ યહોવાને પ્રેમ કરે છે અને તેમની દિલથી ભક્તિ કરે છે, તેઓ યહોવા માટે ખૂબ કીમતી છે.”
૧૬. પાઉલે કેમ પોતાની સરખામણી એક મા સાથે કરી?
૧૬ એક મા જે રીતે પોતાના બાળકને પ્રેમ કરે છે, એ રીતે એક સારા ઘેટાંપાળક પોતાનાં ઘેટાંને પ્રેમ કરે છે. થેસ્સાલોનિકાનાં ભાઈ-બહેનોને યાદ કરતી વખતે પાઉલે કહ્યું કે એક માની જેમ તેમણે તેઓની સંભાળ રાખી હતી. (૧ થેસ્સા. ૨:૭, ૮) મા પોતાના બાળક માટે ઘણા ત્યાગ આપે છે, પણ એમ કરીને તેને ઘણી ખુશી મળે છે. એ બાળકને મોટા થતા જોઈને માને ઘણો ગર્વ થાય છે. એવી જ રીતે, થેસ્સાલોનિકાના ખ્રિસ્તીઓને ભક્તિમાં પ્રગતિ કરતા જોઈને પાઉલને ઘણો ગર્વ થયો. (૨ થેસ્સા. ૧:૩, ૪) આજે, વડીલો ભાઈ-બહેનોને મદદ કરવા ખુશી ખુશી પોતાનાં સમય-શક્તિ ખર્ચે છે. જ્યારે ભાઈ-બહેનોની શ્રદ્ધા વધે છે, ત્યારે એ જોઈને વડીલોની ખુશી બમણી થઈ જાય છે. યાદ છે, જેઆનભાઈને એક વડીલે મદદ કરી હતી. એ મિગેલભાઈ હતા. મિગેલભાઈ કહે છે: “જેઆનને મદદ કરીને મને બહુ સારું લાગ્યું. તેણે સારા ગુણો કેળવવા ખાસ્સી મહેનત કરી છે. તે આજે વડીલ તરીકે સેવા આપે છે, એ જોઈને મને તેના પર ઘણો ગર્વ થાય છે.”
૧૭. યહોવાએ જે ઘેટાંપાળકો આપ્યા છે એ માટે તમે કેમ આભારી છો?
૧૭ આ છેલ્લા દિવસોમાં આપણી સંભાળ રાખવા યહોવાએ વફાદાર ઘેટાંપાળકો આપ્યા છે. એ માટે આપણે યહોવાનો લાખ લાખ આભાર માનીએ છીએ. એ વડીલો ઉત્તમ ઘેટાંપાળક ઈસુની જેમ સખત મહેનત કરે છે. તેઓ સારા ગુણો અને આવડતો કેળવે છે, જેથી આપણને જરૂરી સલાહ આપી શકે, આપણી હિંમત વધારી શકે અને મુશ્કેલ ઘડીમાં દિલાસો આપી શકે. આપણે એ પ્રેમાળ વડીલોનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. એ વડીલો આપણને અને ખાસ કરીને યહોવાને ખૂબ જ વહાલા છે.—૧ થેસ્સા. ૫:૧૨, ૧૩.
ગીત ૧૦૮ યહોવાનો અમૃત પ્રેમ
a નામ બદલ્યાં છે.
b ઈસુએ પોતાના શિષ્યોને ‘નાનાં ઘેટાં’ કહ્યા. એ શબ્દોમાં તેમનો પ્રેમ દેખાઈ આવે છે.
c નીતિવચનો ૨૭:૨૩માં એવા ઘેટાંપાળકોને સલાહ આપી છે, જેઓ પોતાનાં ઘેટાં-બકરાંની સંભાળ રાખે છે. એમાં આપેલી સલાહ યહોવાનાં ઘેટાંની સંભાળ રાખતા વડીલો પણ લાગુ પાડી શકે.
d ઉત્તેજન આપતી મુલાકાત લેતી વખતે વડીલો યાદ રાખે છે કે તેઓ ભાઈ-બહેનો પર પોતાના વિચારો થોપી ન બેસાડે. તેઓ જાણે છે કે ભાઈ-બહેનોએ શું કરવું જોઈએ કે ન કરવું જોઈએ એ જણાવવાનો અધિકાર તેઓ પાસે નથી. (૨ કોરીં. ૧:૨૪) દરેક ઈશ્વરભક્તની જવાબદારી છે કે તે પોતે નિર્ણય લે. (ગલા. ૬:૫) ચોકીબુરજ, જાન્યુઆરી ૧૫, ૨૦૧૩, પાન ૨૭-૨૮, ફકરા ૨-૪ પણ જુઓ.