ક-૫
ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં ઈશ્વરનું નામ
બાઇબલ વિદ્વાનો સ્વીકારે છે કે ઈશ્વરના નામને રજૂ કરતા ચાર મૂળાક્ષરો (יהוה) હિબ્રૂ શાસ્ત્રવચનોનાં મૂળ લખાણોમાં આશરે ૭,૦૦૦ વખત જોવા મળે છે. છતાં ઘણાને લાગે છે કે એ નામ ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોનાં મૂળ લખાણોમાં ન હતું. એટલે આજના મોટા ભાગનાં બાઇબલોમાં “નવો કરાર” તરીકે ઓળખાતા ભાગમાં ભાષાંતર કરનારાઓ યહોવા નામ વાપરતા નથી. હિબ્રૂ શાસ્ત્રવચનોની જે કલમોમાં ચાર મૂળાક્ષરો છે, એ કલમો ટાંકતી વખતે પણ તેઓ ઈશ્વરના નામને બદલે “પ્રભુ” વાપરે છે.
પણ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર એવું કરતું નથી. આ બાઇબલનાં ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં યહોવા નામ ૨૩૭ વખત વપરાયું છે. એ માટે આ બાઇબલનું ભાષાંતર કરનારાઓએ બે મહત્ત્વના મુદ્દા ધ્યાનમાં રાખ્યા છે: (૧) આપણી પાસે જે હજારો ગ્રીક હસ્તપ્રતો છે, એ મૂળ લખાણો નથી. એમાંની મોટા ભાગની હસ્તપ્રતો મૂળ લખાણો લખાયાં, એની આશરે બે સદી પછી બનાવવામાં આવી હતી. (૨) એ સમય સુધીમાં હસ્તપ્રતોની નકલ કરનારાઓ ચાર મૂળાક્ષરોને બદલે ગ્રીક શબ્દ કીરીઓસ વાપરવા લાગ્યા હતા, જેનો અર્થ “પ્રભુ” થાય છે. અથવા તેઓએ એવી હસ્તપ્રતોમાંથી નકલો કરી હતી, જેમાં એવો ફેરફાર પહેલેથી થયેલો હતો.
નવી દુનિયા ભાષાંતર સમિતિ એ નિર્ણય પર આવી કે મૂળ ગ્રીક હસ્તપ્રતોમાં ચાર મૂળાક્ષરો હતા, એના નક્કર પુરાવા છે. એ પુરાવા આ છે:
ઈસુ અને તેમના પ્રેરિતોના દિવસોમાં વપરાતી હિબ્રૂ શાસ્ત્રવચનોની નકલોમાં બધે જ ચાર મૂળાક્ષરો હતા. અગાઉ અમુક લોકોએ એ વાતનો વિરોધ કર્યો હતો. પણ પહેલી સદીની હિબ્રૂ શાસ્ત્રવચનોની નકલો કૂમરાનમાં મળી આવી છે. એ નકલોમાંથી મળેલા પુરાવાને લીધે શંકાને કોઈ સ્થાન રહેતું નથી.
ઈસુ અને તેમના પ્રેરિતોના દિવસોમાં હિબ્રૂ શાસ્ત્રવચનોનાં ગ્રીક ભાષાંતરોમાં પણ ચાર મૂળાક્ષરો હતા. સદીઓ સુધી વિદ્વાનોને લાગતું હતું કે હિબ્રૂ શાસ્ત્રવચનોના ગ્રીક સેપ્ટુઆજિંટ ભાષાંતરની હસ્તપ્રતોમાં ચાર મૂળાક્ષરો ન હતા. પણ ૧૯૫૦ના સમયગાળામાં ગ્રીક સેપ્ટુઆજિંટ ભાષાંતરના અમુક ટુકડાઓ મળી આવ્યા. એ ભાષાંતર ઈસુના દિવસોમાં વપરાતું હતું. વિદ્વાનોએ એ ટુકડાઓનો અભ્યાસ કર્યો. એમાં ઈશ્વરનું નામ હિબ્રૂ અક્ષરોમાં લખેલું મળી આવ્યું. એનો મતલબ કે ઈસુના દિવસોમાં ગ્રીક શાસ્ત્રવચનોની નકલોમાં ઈશ્વરનું નામ હતું. પણ ઈ.સ. ચોથી સદી સુધીમાં ગ્રીક સેપ્ટુઆજિંટની જાણીતી હસ્તપ્રતોમાંથી ઈશ્વરનું નામ કાઢી નાખવામાં આવ્યું હતું. જેમ કે, કોડેક્સ વેટિકેનસ અને કોડેક્સ સાઇનાઇટિકસ જેવી હસ્તપ્રતોમાં ઉત્પત્તિથી માલાખી સુધીનાં પુસ્તકોમાં ઈશ્વરનું નામ જોવા મળતું નથી (જ્યાં અગાઉની હસ્તપ્રતોમાં એ નામ હતું). એટલે એમાં કંઈ નવાઈ નથી કે એ સમયથી અત્યાર સુધી સાચવી રાખેલાં ગ્રીક શાસ્ત્રવચનોમાં કે નવા કરાર તરીકે ઓળખાતા ભાગમાં ઈશ્વરનું નામ જોવા મળતું નથી.
ઈસુએ જણાવ્યું: “હું મારા પિતાના નામે આવ્યો છું.” તેમણે ભાર મૂક્યો કે તે બધાં કામ પોતાના “પિતાના નામે” કરે છે
ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો જણાવે છે કે ઈસુએ વારંવાર ઈશ્વરનું નામ વાપર્યું અને એ નામ બીજાઓને જણાવ્યું. (યોહાન ૧૭:૬, ૧૧, ૧૨, ૨૬) ઈસુએ જણાવ્યું: “હું મારા પિતાના નામે આવ્યો છું.” તેમણે ભાર મૂક્યો કે તે બધાં કામ પોતાના “પિતાના નામે” કરે છે.—યોહાન ૫:૪૩; ૧૦:૨૫.
હિબ્રૂ શાસ્ત્રવચનોની જેમ ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો પણ ઈશ્વરની પ્રેરણાથી લખાયાં છે. એ પણ બાઇબલનો ભાગ છે. એટલે યહોવા નામ ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાંથી અચાનક ગાયબ થઈ જાય, એ વાત ગળે ઉતારવી અઘરી છે. આશરે ઈ.સ. ૫૦ના સમયગાળામાં શિષ્ય યાકૂબે યરૂશાલેમના વડીલોને કહ્યું: “સિમઓને વિગતવાર જણાવ્યું કે કઈ રીતે ઈશ્વરે પહેલી વાર બીજી પ્રજાઓ તરફ ધ્યાન આપ્યું, જેથી તેઓમાંથી એવા લોકોને બહાર કાઢી લાવે, જેઓ તેમના નામે ઓળખાય.” (પ્રેરિતોનાં કાર્યો ૧૫:૧૪) જો પહેલી સદીમાં કોઈ ઈશ્વરનું નામ જાણતું કે વાપરતું ન હોત, તો યાકૂબે જે કહ્યું એનો કોઈ અર્થ રહેતો નથી.
ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં ઈશ્વરના નામનું ટૂંકું રૂપ જોવા મળે છે. પ્રકટીકરણ ૧૯:૧, ૩, ૪, ૬માં વપરાયેલા ગ્રીક શબ્દનું ઘણી વાર “હાલેલુયાહ” ભાષાંતર થયું છે, જેમાં ઈશ્વરનું નામ સમાયેલું છે. એ હિબ્રૂ શબ્દો પરથી આવે છે જેનો અર્થ થાય, “યાહનો જયજયકાર કરો.” “યાહ” એ યહોવા નામનું ટૂંકું રૂપ છે. ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં એવાં ઘણાં નામ છે, જે ઈશ્વરના નામ પરથી આવ્યાં છે. હકીકતમાં, અમુક લખાણો સમજાવે છે કે ખુદ ઈસુના નામનો અર્થ થાય, “યહોવા ઉદ્ધાર છે.”
શરૂઆતનાં યહૂદી લખાણો બતાવે છે કે યહૂદી ખ્રિસ્તીઓ પોતાનાં લખાણોમાં ઈશ્વરનું નામ વાપરતા હતા. તોસેફ્તા નામના પુસ્તકમાં મૌખિક નિયમો લખી લેવામાં આવ્યા હતા. એનું લખાણ આશરે ઈ.સ. ૩૦૦માં પૂરું થયું. એ પુસ્તકમાં સાબ્બાથના દિવસે બાળવામાં આવતાં ખ્રિસ્તી લખાણો વિશે આમ જણાવ્યું છે: “તેઓ પ્રચારકોનાં અને મિનિમનાં (કદાચ યહૂદી ખ્રિસ્તીઓ) પુસ્તકો આગમાં બાળતાં અચકાયા નહિ. તેઓને એ પુસ્તકો બાળી નાખવાની છૂટ હતી, જેમાં ઈશ્વરનું નામ હતું.” ગાલીલના વતની રાબ્બી યોશેના શબ્દો તોસેફ્તામાં ટાંકવામાં આવ્યા છે. તે ઈ.સ. બીજી સદીની શરૂઆતમાં થઈ ગયા હતા. તે કહે છે કે અઠવાડિયાના બાકીના દિવસોમાં, “આ પુસ્તકોમાંથી (કદાચ ખ્રિસ્તી લખાણો) લોકો ઈશ્વરનું નામ કાપીને અલગ સાચવી રાખે છે અને બાકીનું બધું બાળી નાખે છે.”
અમુક બાઇબલ વિદ્વાનો કબૂલ કરે છે કે ઈશ્વરનું નામ કદાચ ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોની એ કલમોમાં હતું, જે હિબ્રૂ શાસ્ત્રવચનોમાંથી ટાંકી છે. ધી એન્કર બાઇબલ ડિક્શનરીમાં “નવા કરારમાં ચાર મૂળાક્ષરો” મથાળા નીચે આમ જણાવ્યું છે: “એવા અમુક પુરાવા છે કે પહેલી વાર નવો કરાર લખાયો ત્યારે, જૂના કરારમાંથી ટાંકેલી અમુક કે બધી કલમોમાં ઈશ્વરના નામ યાહવેહ માટેના ચાર મૂળાક્ષરો હતા.” વિદ્વાન જ્યોર્જ હાવર્ડ કહે છે: “શરૂઆતના ખ્રિસ્તીઓ ગ્રીક બાઇબલની [સેપ્ટુઆજિંટ] નકલો વાપરતા હતા. એમાં ઈશ્વરના નામને રજૂ કરતા ચાર મૂળાક્ષરો હતા. એટલે એ માનવું વાજબી છે કે નવા કરારના લેખકોએ જ્યારે એ બાઇબલમાંથી કલમો ટાંકી, ત્યારે બાઇબલનાં લખાણોમાં ચાર મૂળાક્ષરો સાચવી રાખ્યા હતા.”
બાઇબલના જાણીતા ભાષાંતર કરનારાઓએ ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં ઈશ્વરનું નામ વાપર્યું છે. નવી દુનિયા ભાષાંતર બહાર પડ્યું એના ઘણા સમય પહેલાં, અમુક જાણીતા ભાષાંતર કરનારાઓએ એવું કર્યું હતું. એ ભાષાંતર કરનારાઓ અને તેઓનાં પુસ્તકોનાં નામ આ છે: હરમન હેઇનફેટરનું અ લિટરલ ટ્રાન્સલેશન ઓફ ધ ન્યૂ ટેસ્ટામેન્ટ . . . ફ્રોમ ધ ટેક્સ્ટ ઓફ ધ વેટિકન મૅન્યુસ્ક્રિપ્ટ (૧૮૬૩); બેન્જામિન વિલ્સનનું ધી એમ્ફેટીક ડાયગ્લોટ (૧૮૬૪); જ્યોર્જ બારકર સ્ટીવન્સનું ધી એપિસ્ટલ્સ ઓફ પોલ ઇન મોડર્ન ઇંગ્લીશ (૧૮૯૮); ડબલ્યુ. જી. રધરફર્ડનું સેન્ટ પોલ્સ એપિસ્ટલ ટુ ધ રોમન્સ (૧૯૦૦); લંડનના બિશપ જે. ડબલ્યુ. સી. વેન્ડનું ધ ન્યૂ ટેસ્ટામેન્ટ લેટર્સ (૧૯૪૬). ૨૦મી સદીની શરૂઆતમાં પણ ભાષાંતર કરનાર પાબ્લો બેસોને સ્પેનિશ ભાષાંતરમાં લૂક ૨:૧૫ અને યહૂદા ૧૪માં “જેહોવા” નામ વાપર્યું હતું. તેણે પોતાના ભાષાંતરમાં ૧૦૦થી વધારે વાર ફૂટનોટમાં જણાવ્યું કે એ જગ્યાએ ઈશ્વરનું નામ હોવું જોઈએ. એ ભાષાંતરોના ઘણા સમય પહેલાં, છેક ૧૬મી સદીથી હિબ્રૂ ભાષામાં જે ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો હતાં, એમાં ઘણી જગ્યાએ ચાર મૂળાક્ષરો જોવા મળતા હતા. ફક્ત જર્મન ભાષાની જ વાત કરીએ તો એનાં ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં ૧૧ ભાષાંતરો “યહોવા” (અથવા હિબ્રૂ ઉચ્ચાર “યાહવેહ”) વાપરે છે. ચાર ભાષાંતર કરનારાઓ “પ્રભુ” પછી કૌંસમાં ઈશ્વરનું નામ મૂકે છે. ૭૦ કરતાં વધારે જર્મન ભાષાંતરો ઈશ્વરનું નામ ફૂટનોટમાં અથવા કલમો વિશેની વધારે માહિતીમાં મૂકે છે.
સો કરતાં વધારે ભાષાઓમાં બાઇબલ ભાષાંતરો ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં ઈશ્વરનું નામ વાપરે છે. આફ્રિકન, મૂળ અમેરિકન, એશિયન, યુરોપિયન અને પેસિફિક ટાપુઓની ઘણી ભાષાઓમાં ઈશ્વરનું નામ છૂટથી વપરાય છે. (પાન ૨૪૪૬ અને ૨૪૪૭ની સૂચિ જુઓ.) આ બધી ભાષાઓમાં બાઇબલનું ભાષાંતર કરનારાઓએ ઈશ્વરનું નામ વાપરવાનો નિર્ણય લીધો, જે આગળ જોઈ ગયા એવા પુરાવાને આધારે હતો. એમાંનાં ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોનાં અમુક ભાષાંતરો તો હાલમાં જ બહાર પડ્યાં છે. જેમ કે, રોટુમન બાઇબલ (૧૯૯૯) ૪૮ કલમોમાં ૫૧ વાર “જીહોવા” વાપરે છે. ઇન્ડોનેશિયાની એક ભાષા બાટાકનું (ટોબા) ભાષાંતર (૧૯૮૯) ૧૧૦ વાર “જાહોવા” વાપરે છે.
એમાં કોઈ શંકા નથી કે ઈશ્વરનું નામ યહોવા ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં એની જગ્યાએ પાછું મૂકવું જોઈએ, કેમ કે એના નક્કર પુરાવા છે. નવી દુનિયા ભાષાંતર બાઇબલમાં એવું જ કરવામાં આવ્યું છે. એનું ભાષાંતર કરનારાઓને ઈશ્વરના નામ માટે ઘણો આદર છે અને ઈશ્વરનો ડર છે. એટલે તેઓ મૂળ લખાણમાંથી કંઈ પણ કાઢવા માંગતા નથી.—પ્રકટીકરણ ૨૨:૧૮, ૧૯.