યોહાનને થયેલું પ્રકટીકરણ
૧૯ એ પછી મેં સ્વર્ગમાં મોટા ટોળાના અવાજ જેવો અવાજ સાંભળ્યો, જે કહેતો હતો: “યાહનો જયજયકાર કરો!*+ ઉદ્ધાર, મહિમા અને શક્તિ આપણા ઈશ્વરનાં છે. ૨ તેમના ચુકાદા ખરા અને ન્યાયી છે.+ તેમણે જાણીતી વેશ્યાને સજા કરી છે, જેણે પોતાના વ્યભિચારથી* પૃથ્વીને ભ્રષ્ટ કરી છે. તેમણે તેની પાસેથી પોતાના દાસોના લોહીનો બદલો લીધો છે, જેઓના લોહીથી તેના હાથ રંગાયેલા છે.”+ ૩ તેઓએ તરત જ બીજી વાર કહ્યું: “યાહનો જયજયકાર કરો!*+ બાબેલોનમાંથી નીકળતો ધુમાડો સદાને માટે ઉપર ચઢે છે.”+
૪ રાજ્યાસન પર બેસનાર ઈશ્વર આગળ ૨૪ વડીલો+ અને ચાર કરૂબો+ ઘૂંટણિયે પડ્યા. તેઓએ તેમની ભક્તિ કરી અને કહ્યું: “આમેન! યાહનો જયજયકાર કરો!”*+
૫ રાજ્યાસનમાંથી અવાજ આવ્યો: “ઈશ્વરનો ડર રાખનારા તેમના નાના-મોટા દાસો, તમે બધા આપણા ઈશ્વરની સ્તુતિ કરો.”+
૬ મેં મોટા ટોળા, ધસમસતા પાણી અને મોટી ગર્જના જેવો અવાજ સાંભળ્યો. એ કહેતો હતો: “યાહનો જયજયકાર કરો!*+ આપણા સર્વશક્તિમાન+ ઈશ્વર યહોવા* હવે રાજા તરીકે રાજ કરે છે!+ ૭ ચાલો આનંદ કરીએ, ખુશીથી ઝૂમીએ અને તેમને મહિમા આપીએ. ઘેટાનું લગ્ન આવી પહોંચ્યું છે અને કન્યાએ પોતાને તૈયાર કરી છે. ૮ તેને પહેરવા માટે ઊજળાં, શુદ્ધ, બારીક શણનાં કપડાં આપવામાં આવ્યાં. બારીક શણનાં કપડાં પવિત્ર લોકોનાં નેક કાર્યોને રજૂ કરે છે.”+
૯ દૂતે મને કહ્યું, “આ લખ: જેઓને ઘેટાના લગ્નમાં સાંજના જમણવારમાં બોલાવ્યા છે તેઓ સુખી છે.”+ તેણે એમ પણ કહ્યું: “ઈશ્વરનાં આ વચનો ખરાં છે.” ૧૦ એ સાંભળીને હું તેની ભક્તિ કરવા ઘૂંટણિયે પડ્યો. પણ તેણે મને કહ્યું: “જોજે, એવું ન કરતો!+ ઈશ્વરની ભક્તિ કર!+ હું પણ તારી જેમ અને તારા ભાઈઓની જેમ એક દાસ છું, જેઓ ઈસુ વિશે સાક્ષી આપે છે.+ ભવિષ્યવાણીનો હેતુ ઈસુ વિશે સાક્ષી આપવાનો છે.”+
૧૧ મેં સ્વર્ગ ખુલ્લું થયેલું જોયું. જુઓ, એક સફેદ ઘોડો!+ એના પર જે બેઠા છે, તે વિશ્વાસુ+ અને સાચા+ કહેવાય છે. તે સચ્ચાઈથી* ન્યાય કરે છે અને યુદ્ધ લડે છે.+ ૧૨ તેમની આંખો સળગતી જ્વાળા છે.+ તેમના માથા પર ઘણા મુગટ* છે. તેમના પર એક નામ લખેલું છે. એ તેમના સિવાય બીજું કોઈ જાણતું નથી. ૧૩ તેમણે પહેરેલાં કપડાં પર લોહીના ડાઘ છે. તેમનું નામ ઈશ્વરનો શબ્દ+ છે. ૧૪ સ્વર્ગનાં સૈન્યો સફેદ ઘોડાઓ પર તેમની પાછળ પાછળ આવતાં હતાં. તેઓએ સફેદ, શુદ્ધ, બારીક શણનાં કપડાં પહેર્યાં હતાં. ૧૫ ઘોડેસવારના મોંમાંથી ધારદાર અને લાંબી તલવાર+ નીકળે છે. એ તલવાર પ્રજાઓને મારી નાખવા માટે છે. તે લોઢાના દંડથી તેઓ પર રાજ કરશે.+ સર્વશક્તિમાન ઈશ્વરના ક્રોધ અને કોપના દ્રાક્ષાકુંડને તે ખૂંદે છે.+ ૧૬ તેમના ઝભ્ભા પર અને તેમની જાંઘ પર એક નામ લખેલું છે, રાજાઓના રાજા અને માલિકોના માલિક!+
૧૭ મેં એક દૂતને સૂર્યની આગળ ઊભેલો જોયો. તેણે આકાશમાં ઊડતાં બધાં પક્ષીઓને મોટા અવાજે કહ્યું: “અહીં આવો! ઈશ્વરના સાંજના મોટા જમણવાર માટે ભેગા થાઓ.+ ૧૮ તમે રાજાઓનું, સેનાપતિઓનું, શક્તિશાળી માણસોનું,+ ઘોડાઓનું અને એના સવારોનું માંસ ખાઓ.+ આઝાદ અને દાસ, નાના-મોટા સર્વનું માંસ ખાઓ.”
૧૯ મેં જંગલી જાનવરને, પૃથ્વીના રાજાઓને અને તેઓનાં સૈન્યોને ભેગાં થયેલાં જોયાં. ઘોડા પર જે બેઠા છે, તેમની સામે અને તેમના સૈન્ય સામે તેઓ યુદ્ધ કરવા ભેગાં થયાં હતાં.+ ૨૦ જંગલી જાનવરને અને એની સાથે જૂઠા પ્રબોધકને+ પકડવામાં આવ્યો. તેણે જંગલી જાનવર આગળ ચમત્કારો કરીને લોકોને ભમાવ્યા હતા. આ એ લોકો છે, જેઓએ જંગલી જાનવરની છાપ લીધી હતી+ અને એની મૂર્તિની ઉપાસના કરી હતી.+ તેઓ બંનેને ગંધકથી બળતા આગના સરોવરમાં જીવતા નાખી દેવામાં આવ્યા.+ ૨૧ બાકીના એ લાંબી તલવારથી માર્યા ગયા, જે ઘોડેસવારના મોંમાંથી નીકળતી હતી.+ બધાં પક્ષીઓ તેઓનું માંસ ખાઈ ખાઈને ધરાઈ ગયાં.+