બાઇબલ શું કહે છે?
શું સજાતીય સંબંધો ખોટા છે?
આજે ઘણા દેશોમાં લોકો સજાતીય સંબંધ સ્વીકારી રહ્યાં છે. અમેરિકાના એક ચર્ચના ગ્રૂપનું કહેવું છે કે આજની જીવનશૈલી ધ્યાનમાં રાખીને સજાતીય સંબંધ વિષે બાઇબલ શું કહે છે એનો અર્થ ફરીથી સમજવાની જરૂર છે. બ્રાઝિલના એક પાદરીએ તાજેતરમાં સમલિંગ સાથે લગ્ન કર્યા. તેમનું પણ માનવું છે કે બાઇબલનું ફરીથી અર્થઘટન કરવાની જરૂર છે. એનાથી પોતાના ચર્ચના સભ્યોના આધુનિક વિચારોને પણ સ્વીકારી શકાય.
બીજી તરફ, સજાતીય સંબંધ સ્વીકારતા નથી તેઓ ભેદભાવ રાખે છે એવું લોકો કહેશે. તો સજાતીય સંબંધ વિષે બાઇબલ શું કહે છે?
બાઇબલ શું કહે છે?
બાઇબલ કોઈનો ભેદભાવ રાખવાનું શીખવતું નથી. પરંતુ, સજાતીય સંબંધ વિષે સ્પષ્ટ મના કરે છે.
‘સજાતીય સંબંધની સંપૂર્ણ મનાઈ છે, કેમ કે એ તો ઘોર પાપ છે.’—લેવીય ૧૮:૨૨, IBSI.
ઈશ્વરે મુસા દ્વાર ઈસ્રાએલીઓને મનાઈ ફરમાવતા અનેક નિયમો આપ્યા હતા. એમાંનો એક નિયમ સજાતીય સંબંધ વિષે હતો. યહોવાહે એમાં જણાવ્યું હતું કે સજાતીય સંબંધ વિષે તેમને કેવું લાગે છે. પછી ભલે યહુદીઓએ કે બીજી પ્રજાના લોકોએ એવા કામ કર્યા હોય, તેમના મને એ ‘ઘોર પાપ’ હતું. ઈસ્રાએલીઓને જે કામોની મના કરી હતી એવા કામો આજુ-બાજુના દેશના લોકો કરતા હતા. જેમ કે, સજાતીય સંબંધ, નજીકના સગાં સાથે જાતીય સંબંધ, વ્યભિચાર જેવા અનેક કામો. એટલે ઈશ્વરના મને એ પ્રજાઓ અશુદ્ધ હતી. (લેવીય ૧૮:૨૪, ૨૫) તો પછી, પહેલી સદી સુધીમાં શું બાઇબલના વિચારો બદલાઈ ગયા? આ કલમ પર વિચાર કરો:
‘ઈશ્વરે તેઓને શરમજનક દુર્વાસના સંતોષવાને છોડી દીધા; કેમ કે તેઓની સ્ત્રીઓએ પણ અકુદરતી કુકર્મો દ્વારા જાતીયતાનો ગેર-ઉપયોગ કર્યો. એ જ પ્રમાણે પુરુષો, સ્ત્રીઓ સાથેનો કુદરતી જાતીય વ્યવહાર તજી દઈને એકબીજા પ્રત્યે કામાતુર થયા. પુરુષ પુરુષની સાથે સમાગમ કરે છે.’—રોમનો ૧:૨૬, ૨૭, કોમન લેંગ્વેજ.
બાઇબલમાં કેમ સજાતીય કૃત્યોને અકુદરતી અને શરમજનક કહ્યાં છે? કારણ કે ઈશ્વરે મનુષ્યોને એવાં કામો કરવા ઉત્પન્ન કર્યા ન હતા. સજાતીય સંબંધો દ્વારા બાળકો થતા નથી. બાઇબલ જણાવે છે કે નુહના સમયમાં જળપ્રલય આવ્યા પહેલાં અમુક દૂતો સ્વર્ગ છોડીને ધરતી પર આવ્યા અને સ્ત્રીઓ સાથે જાતીય સંબંધ બાંધ્યો. આમ તેઓ દુષ્ટ દૂતો બન્યા. તેઓના એવા સંબંધને બાઇબલ સજાતીય કૃત્યો સાથે સરખાવે છે. (ઉત્પત્તિ ૬:૪; ૧૯:૪, ૫; યહુદા ૬, ૭) દુષ્ટ દૂતોએ કરેલા કામો અને સજાતીય સંબંધ ઈશ્વરની નજરે ઘોર પાપ છે.
સજાતીય કામો પાછળ શું યોગ્ય કારણ હોઈ શકે?
અમુક લોકો કહેશે કે ‘જનીનમાં કોઈ ખામી હોવાથી કે અમુક માહોલમાં મોટા થયા હોવાથી અથવા જીવનમાં જાતીય પજવણી થઈ હોવાથી, વ્યક્તિ સજાતીય સંબંધ બાંધે તો એમાં કંઈ ખોટું છે?’ હા, ખોટું છે. એક દાખલો લઈએ. અમુક વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે, જો માબાપ દારૂડિયા હોય તો છોકરાઓને પણ દારૂની તલપ લાગી શકે. આવા માહોલમાં વ્યક્તિ મોટી થઈ હોય તો, બીજાઓને તેના પર દયા આવશે. જો તેને એની તલપ લાગે તો કોઈ તેને વધારે પીવા ઉત્તેજન નહિ આપે. તેમ જ, તેને એ લત છોડી દેવી હોય તો, કોઈ તેને અટકાવશે નહિ.
એવી જ રીતે, વ્યક્તિ સજાતીય કામોથી છૂટવા મથતી હોય તો, બાઇબલ તેને દોષિત ઠરાવતી નથી. તેમ જ, તે એવાં કામોમાં લાગુ રહે તો બાઇબલ એને નજર અંદાજ કરતું નથી. પછી ભલે જનીનમાં ખામી હોય કે બીજા કોઈ કારણને લીધે તે એવાં કામો કરતી હોય. (રોમનો ૭:૨૧-૨૫; ૧ કોરીંથી ૯:૨૭) સજાતીય કામોથી આઝાદ થવા ચાહતી વ્યક્તિને બાઇબલ ઉત્તેજન અને મદદ આપે છે.
સજાતીય સંબંધ બાંધનારાઓ વિષે ઈશ્વરને કેવું લાગે છે?
બાઇબલ જણાવે છે કે “સઘળાં માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય” એવી ઈશ્વરની ઇચ્છા છે. (૧ તીમોથી ૨:૪) ખરું કે બાઇબલ સજાતીય કામોને ધિક્કારે છે પણ એ વ્યક્તિને ધિક્કારતી નથી.
સજાતીય સંબંધ ઈશ્વરની નજરે ઘોર પાપ છે. એને તે ચલાવી લેતા નથી. એટલે તેમણે બાઇબલમાં સ્પષ્ટ જણાવ્યું છે, ‘સજાતીય સંબંધ રાખનારાઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ.’ (૧ કોરીંથી ૬:૯, ૧૦, IBSI) પરંતુ, આ શબ્દો ઉત્તેજનભર્યા છે: ‘એક સમયે તમારામાંના કેટલાક એવા હતા. પણ હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને આપણા ઈશ્વરની શક્તિ દ્વારા તમને પાપમાંથી શુદ્ધ કરી, પવિત્ર કરવામાં આવ્યા છે, અને ઈશ્વર સાથેના સંબંધમાં તમને સ્વીકારવામાં આવ્યા છે.’—૧ કોરીંથી ૬:૧૧, IBSI
એ શબ્દો પરથી આપણને જોવા મળે છે, કે પહેલી સદીમાં અમુક લોકો ખોટાં કામોમાં ડૂબેલા હતા. પણ યહોવાની ભક્તિ કરવા જેઓએ એ કામો છોડી દીધા, તેઓને મંડળમાં આવકાર આપવામાં આવ્યો. આજે આપણે પણ યહોવાની કૃપા પામવા ઇચ્છતા હોઈએ તો, તેમના માર્ગે ચાલવું જોઈએ અને બાઇબલના શિક્ષણ પ્રમાણે જીવવું જોઈએ. (g12-E 01)
શું તમે કદી વિચાર્યું છે?
● સજાતીય કામો વિષે બાઇબલ શું કહે છે?—રોમનો ૧:૨૬, ૨૭.
● શું બાઇબલ સજાતીય કામો કરનાર વ્યક્તિને ધિક્કારે છે?—૧ તીમોથી ૨:૪.
● શું સજાતીય કામોથી આઝાદ થવું શક્ય છે?—૧ કોરીંથી ૬:૯-૧૧.
[પાન ૨૯ પર ચિત્ર]
સજાતીય સંબંધ વિષે શું ઈશ્વરના વિચારો બદલાયા છે?