દસ
શું સ્વર્ગદૂતો આપણને અસર કરી શકે?
શું સારા દૂતો લોકોને મદદ કરે છે?
શું દુષ્ટ દૂતો મનુષ્યોને નુકસાન કરી શકે?
શું આપણે દુષ્ટ દૂતોથી ડરવું જોઈએ?
૧. આપણે કેમ સ્વર્ગદૂતો વિશે જાણવું જોઈએ?
તમારા કોઈ ઓળખીતા સાથે ઘર જેવો સંબંધ રાખવા, તમે શું કરશો? તમે ફક્ત તમારા દોસ્ત કે બેનપણીને જ નહિ, ધીમે ધીમે તેના આખા પરિવારને ઓળખતા થશો, ખરું ને? એ જ રીતે, પરમેશ્વર યહોવાને સારી રીતે ઓળખવા તેમના પરિવાર વિશે જાણવાની જરૂર છે. તેમના પરિવારમાં કોણ કોણ છે? અબજો સ્વર્ગદૂતો. તેઓ કેવા છે, શું કરે છે? તેઓને યહોવાએ કેવી જવાબદારી સોંપી છે? અત્યાર સુધી બની ગયેલા બનાવોમાં, શું તેઓનો કોઈ હાથ છે? તેઓ આપણને મદદ કરી શકે? કે પછી કોઈ નુકસાન કરી શકે? ચાલો આપણે જોઈએ.
૨. સ્વર્ગદૂતોને કોણે બનાવ્યા અને તેઓની સંખ્યા કેટલી છે?
૨ બાઇબલ અનેક વાર સ્વર્ગદૂતોની વાત કરે છે. તેઓ વિશે વધારે જાણવા માટે ચાલો બાઇબલમાંથી અમુક કલમો જોઈએ. સૌથી પહેલા કલોસી ૧:૧૬ વાંચીએ: ‘આકાશમાંની ને પૃથ્વી પરની બધી વસ્તુઓ ઈસુ ખ્રિસ્ત દ્વારા જ સર્જાઈ હતી.’ યહોવાએ ઈસુ દ્વારા સર્વ સ્વર્ગદૂતોને પણ બનાવ્યા. કેટલા દૂતો બનાવ્યા? બાઇબલ કહે છે કે કરોડોના કરોડો. તેઓ બધા બહુ શક્તિશાળી છે.—ગીતશાસ્ત્ર ૧૦૩:૨૦; પ્રકટીકરણ ૫:૧૧.
૩. અયૂબ ૩૮:૪-૭ સ્વર્ગદૂતો વિશે શું જણાવે છે?
૩ બાઇબલ એમ પણ કહે છે કે પૃથ્વીનો પાયો નંખાયો ત્યારે, ‘સર્વ ઈશ્વરદૂતો હર્ષનાદ કરતા હતા.’ (અયૂબ ૩૮:૪-૭) એ બતાવે છે કે મનુષ્યની, અરે આપણી પૃથ્વીની રચના થઈ એ પહેલાં સ્વર્ગદૂતોને બનાવવામાં આવ્યા હતા. આ કલમો એમ પણ કહે છે કે તેઓ “ભેગા મળીને ગાયન કરતા હતા.” એ બતાવે છે કે દૂતોને પણ આપણા જેવી લાગણીઓ છે. ‘સર્વ સ્વર્ગદૂતો’ ભેગા મળીને ખુશી મનાવતા હતા. એ વખતે સર્વ દૂતો એક પરિવારની જેમ હળી-મળીને યહોવાને ભજતા હતા.
સ્વર્ગદૂતોનો સાથ
૪. સ્વર્ગદૂતોને મનુષ્યો પર ખૂબ પ્રેમ છે, એ આપણે કઈ રીતે જાણી શકીએ?
૪ યહોવાએ આદમ અને હવાને બનાવ્યા ત્યારે સ્વર્ગદૂતો પણ એ જોતા હતા. આદમનું કુટુંબ ધીમે ધીમે વધતું ગયું. સ્વર્ગદૂતો જોતા હતા કે ધરતી અને મનુષ્યો માટે યહોવાની ઇચ્છા કેવી રીતે પૂરી થશે. (નીતિવચનો ૮:૩૦, ૩૧; ૧ પિતર ૧:૧૧, ૧૨) સમય જતાં, તેઓએ એ પણ જોયું કે મોટા ભાગના મનુષ્યોએ તેઓના સર્જનહાર, યહોવાને છોડી દીધા. વિચારો કે એનાથી દૂતોને કેટલું દુઃખ થયું હશે. એટલે જ કોઈ પણ વ્યક્તિ યહોવા તરફ પાછી ફરે છે ત્યારે, “ઈશ્વરના દૂતો આનંદ કરે છે.” (લૂક ૧૫:૧૦) દૂતોને યહોવાના ભક્તો માટે બહુ પ્રેમ છે. એટલે જ યહોવાએ વારંવાર પોતાના ભક્તોને હિંમત આપવા કે તેઓનું રક્ષણ કરવા દૂતોને ધરતી પર મોકલ્યા. (હિબ્રૂ ૧:૭, ૧૪) ચાલો અમુક ઉદાહરણો જોઈએ.
૫. સ્વર્ગદૂતોએ મદદ કરી હોય, એવાં અમુક ઉદાહરણો બાઇબલમાંથી જણાવો.
૫ અગાઉના જમાનામાં સદોમ અને ગમોરાહ નામનાં શહેરો હતાં. એમાં એટલાં દુષ્ટ કામો ચાલતાં હતાં કે યહોવા એ શહેરોનો નાશ કરવાના હતા. એ પહેલાં તેમણે પોતાના ભક્ત લોત અને તેમના કુટુંબને બચાવવા બે દૂતોને મોકલ્યા. તેઓ લોત અને તેમની બે દીકરીઓને સલામત જગ્યાએ લઈ ગયા. (ઉત્પત્તિ ૧૯:૧૫, ૧૬) સદીઓ પછી, દાનિયેલ નામના પયગંબરને સિંહોની ગુફામાં ફેંકી દેવામાં આવ્યા. પણ સિંહોએ તેમને કંઈ જ ન કર્યું. કેમ? દાનિયેલે પોતે કહ્યું: “મારા ઈશ્વરે પોતાના દૂતને મોકલીને સિંહોનાં મોં બંધ કરાવ્યાં.” (દાનિયેલ ૬:૨૨) પહેલી સદીમાં એક દૂતે ઈશ્વરભક્ત પિતરને કેદમાંથી આઝાદ કર્યા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૬-૧૧) ઈસુએ ધરતી પર પોતાનું જીવન યહોવાની ભક્તિ માટે આપી દીધું ત્યારે પણ દૂતોએ તેમને મદદ કરી. (માર્ક ૧:૧૩) ઈસુના મરણ પહેલાં પણ સ્વર્ગદૂતે તેમને ‘બળ’ આપ્યું, હિંમત આપી. (લૂક ૨૨:૪૩) જીવનના એ સૌથી મુશ્કેલ સમયમાં ઈસુને સ્વર્ગદૂતની કેટલી મદદ મળી!
૬. (ક) આજે સ્વર્ગદૂતો કેવી રીતે ઈશ્વરના લોકોનું રક્ષણ કરે છે? (ખ) હવે કયા સવાલો પર વિચાર કરીશું?
૬ આજે આપણે સ્વર્ગદૂતોને જોઈ શકતા નથી. એનો એવો અર્થ નથી કે આપણે એકલા પડી ગયા છીએ. શક્તિશાળી સ્વર્ગદૂતો હજુય આપણું રક્ષણ કરે છે, જેથી આપણી શ્રદ્ધા નબળી ન પડી જાય. બાઇબલ કહે છે: ‘યહોવાના ભક્તોની આસપાસ તેમનો દૂત ચોકી કરે છે, અને તેઓને બચાવે છે.’ (ગીતશાસ્ત્ર ૩૪:૭) આ શબ્દો આપણને કેટલી બધી હિંમત આપે છે! આજે આપણને એની ખાસ જરૂર છે. શા માટે? કેમ કે એવું નથી કે ફક્ત સારા સ્વર્ગદૂતો જ છે. ના, એવા દુષ્ટ દૂતો પણ છે, જેઓનું ચાલે તો આપણને હમણાં જ ખતમ કરી દે! તેઓ કોણ છે? તેઓ કેવી રીતે આપણને નુકસાન કરી શકે? આના જવાબો માટે આપણે એ જાણવું પડશે કે મનુષ્યને બનાવ્યા પછી શું થયું.
દુષ્ટ દૂતો, આપણા ખતરનાક દુશ્મન
૭. મનુષ્યોને ખોટા રસ્તે ચઢાવી દેવામાં શેતાન કેટલો કામયાબ રહ્યો?
૭ આપણે ત્રીજા પ્રકરણમાં શીખી ગયા તેમ, બધા સ્વર્ગદૂતોમાંથી એકના મનમાં ખોટી ઇચ્છા જાગી. તેને થયું કે ‘લોકો મને ઈશ્વર માને તો કેવું સારું!’ તે પોતાના સર્જનહાર, યહોવાની સામે થયો. એક પછી એક દુષ્ટ કામો કરવા લાગ્યો. તે શેતાન નામે ઓળખાયો. (પ્રકટીકરણ ૧૨:૯) સૌથી પહેલા તેણે હવાને છેતરી. એ પછીનાં ૧,૬૦૦ વર્ષોમાં તેણે લગભગ બધા મનુષ્યોને ખોટા રસ્તે ચઢાવી દીધા. ફક્ત હાબેલ, હનોખ અને નૂહ જેવા અમુક ભક્તો જ યહોવાને વળગી રહ્યા.—હિબ્રૂ ૧૧:૪, ૫, ૭.
૮. (ક) અમુક સ્વર્ગદૂતો કેવી રીતે દુષ્ટ દૂતો બન્યા? (ખ) નૂહના જમાનામાં જળપ્રલયથી બચવા માટે દુષ્ટ દૂતોએ શું કર્યું?
૮ નૂહના જમાનામાં બીજા અમુક સ્વર્ગદૂતો પણ ઈશ્વરનો પરિવાર છોડીને ધરતી પર આવ્યા. અહીં તેઓએ માણસનું રૂપ લીધું. શા માટે? ઉત્પત્તિ ૬:૨ કહે છે: “ઈશ્વરના દીકરાઓએ માણસોની દીકરીઓને જોઈ કે, તેઓ સુંદર છે. અને જે સર્વને તેઓએ પસંદ કરી તેઓમાંથી તેઓએ પત્નીઓ કરી.” આ દૂતો પોતાની વાસના પૂરી કરવા, મન ફાવે તેમ વર્ત્યા. દુનિયા ઘોર પાપ અને દુષ્ટ કામોથી ભરાઈ ગઈ. પણ ઈશ્વરે આ જોયા કર્યું નહિ. તે ધરતી પર જળપ્રલય લાવ્યા. બધા દુષ્ટ લોકોનો નાશ કર્યો. યહોવાએ ફક્ત એવા લોકોને જ બચાવ્યા, જેઓ તેમને દિલથી ભજતા હતા. (ઉત્પત્તિ ૭:૧૭, ૨૩) પેલા દુષ્ટ દૂતોનું શું થયું? જળપ્રલયથી જીવ બચાવવા તેઓએ માણસનું રૂપ છોડીને પાછું દૂતોનું રૂપ લીધું. તેઓ પાછા સ્વર્ગમાં ગયા. શેતાનની સાથે મળી ગયા અને શેતાન તેઓનો “સરદાર” બન્યો.—માથ્થી ૯:૩૪.
૯. (ક) દુષ્ટ દૂતો પાછા સ્વર્ગમાં ગયા ત્યારે શું બન્યું? (ખ) આપણે ખરાબ દૂતો વિશે હવે શું શીખીશું?
૯ પછી શેતાન અને દુષ્ટ દૂતો માટે યહોવાના કુટુંબમાં કોઈ જગ્યા ન હતી. (યહૂદા ૬) સાથે સાથે આ દુષ્ટ દૂતો માણસનું રૂપ પણ લઈ શકતા નથી. પણ તેઓ હજુયે માણસોને ખોટા રસ્તે દોરે છે, ખોટાં કામો કરાવે છે. અરે, શેતાન આ જ દુષ્ટ દૂતોની મદદથી “આખા જગતને ભમાવે છે.” (પ્રકટીકરણ ૧૨:૯; ૧ યોહાન ૫:૧૯) કેવી રીતે? આ દુષ્ટ દૂતો જુદી જુદી રીતોથી લોકોને છેતરે છે. (૨ કરિંથી ૨:૧૧) ચાલો આપણે અમુક રીતો જોઈએ.
દુષ્ટ દૂતોની ચાલાકી
૧૦. મેલીવિદ્યા એટલે શું?
૧૦ દુષ્ટ દૂતો મેલીવિદ્યા, અંધશ્રદ્ધા, વહેમ અને જાદુ-મંતરથી લોકોને છેતરે છે. આવી રીતોથી લોકો દુષ્ટ દૂતોના હાથની કઠપૂતળી બની જાય છે. બાઇબલ કોઈ પણ પ્રકારની મેલીવિદ્યાની મનાઈ કરે છે. એને લગતી કોઈ પણ ચીજ-વસ્તુ કે વ્યક્તિથી ચેતવે છે. (ગલાતી ૫:૧૯-૨૧) જેમ શિકારી પોતાના શિકારને ફસાવવા જુદી જુદી લાલચ મૂકે, તેમ દુષ્ટ દૂતો મેલીવિદ્યાની જુદી જુદી રીતોથી લોકોને પોતાના વશમાં કરી લે છે.
૧૧. શુકન જોવા એટલે શું? આપણે કેમ એવી માન્યતાઓમાં ફસાવું ન જોઈએ?
૧૧ આજે દુષ્ટ દૂતો શુકન-અપશુકનની માન્યતાથી પણ લોકોને ફસાવે છે. એ કઈ રીતે? કોઈ જ્યોતિષી કે ભૂવા પાસે જઈને પોતાનું ભાવિ પૂછે. પોતાને ખબર ન હોય એવી વાત જાણવા ચાહે. શુકન જોવા એટલે મુહૂર્ત જોવડાવવું, રાશિ કઢાવવી કે હાથની રેખાઓ બતાવવી, કુંડળી મેળવવી વગેરે. તમને થશે કે એમાં ખોટું શું છે? પણ બાઇબલ જણાવે છે કે જ્યોતિષીઓ અને ભવિષ્ય ભાખનારા તો દુષ્ટ દૂતોના ઇશારે નાચે છે. દાખલા તરીકે, પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧૬-૧૮ જણાવે છે કે એક સ્ત્રીને દુષ્ટ દૂતે વશ કરી હતી. તેની શક્તિથી સ્ત્રી ‘ભવિષ્ય ભાખતી’ હતી. પણ તેને દુષ્ટ દૂતના પંજામાંથી છોડાવવામાં આવી. પછી, ભવિષ્ય ભાખવાની તેની શક્તિ પણ ચાલી ગઈ.
૧૨. ગુજરી ગયેલા સાથે વાત કરવાની કોશિશ કરવી શા માટે ખતરનાક છે?
૧૨ ખરાબ દૂતો બીજી કઈ રીતે લોકોને છેતરે છે? કોઈનું સગું-વહાલું ગુજરી જાય ત્યારે, તેઓ કેવા ભાંગી પડે છે. એવા સમયે જો કોઈક કહે કે તમે ગુજરી ગયેલા સાથે વાત કરી શકો, તો તે તૈયાર પણ થઈ જાય. શોક પાળતી વ્યક્તિ ઘણી વાર દુષ્ટ દૂતોના આ ફાંદામાં ફસાઈ જાય છે. તે દિલાસો મેળવવા કોઈ ભૂવા કે જંતર-મંતર કરનાર પાસે જશે. તેઓ જાત-જાતની વિધિ કરીને વ્યક્તિના ગુજરી ગયેલા સંબંધીના અવાજમાં બોલવા માંડશે. તેના વિશે કોઈ ખાસ વાત જણાવશે. એનાથી શોક પાળનાર વ્યક્તિને એવું જ લાગે કે ‘મારા સગા-વહાલા કોઈને કોઈ રૂપમાં હજુ જીવે છે. તેની સાથે વાત કરીને જીવને ટાઢક વળશે.’ પણ આવો ‘દિલાસો’ જૂઠો છે. ખતરનાક પણ છે. કેમ? કારણ કે ભૂવાઓ તો દુષ્ટ દૂતોના હાથની કઠપૂતળી છે. ખરેખર તો દુષ્ટ દૂતો જ ગુજરી ગયેલી વ્યક્તિનો અવાજ કાઢે છે, તેઓ વિશે કોઈ ખાસ વાત જણાવે છે. (૧ શમુએલ ૨૮:૩-૧૯) આપણે છઠ્ઠા પ્રકરણમાં શીખ્યા તેમ, કોઈ પણ વ્યક્તિ ગુજરી જાય, પછી તે મોતની ઊંઘમાં જ રહે છે. યહોવા તેને જીવતી ન કરે ત્યાં સુધી, તે બીજું કંઈ એટલે કંઈ જ કરી શકતી નથી. (ગીતશાસ્ત્ર ૧૧૫:૧૭) તો પછી ભૂવાઓ ગુજરી ગયેલી વ્યક્તિ સાથે વાત કરવાનો દાવો કરે છે એના વિશે શું? તેઓ તો દુષ્ટ દૂતોની ચાલમાં ફસાઈ ગયા છે. એમ કરીને તેઓ ઈશ્વરની આજ્ઞા પણ તોડે છે. (પુનર્નિયમ ૧૮:૧૦, ૧૧; યશાયા ૮:૧૯) ચેતો! જોજો, તમે ખરાબ દૂતોના ફાંદામાં ફસાઈ ન જાવ!
૧૩. ખરાબ દૂતોના પંજામાં હતા એવા હજારો લોકોએ શું કર્યું છે?
૧૩ દુષ્ટ દૂતો લોકોને ફક્ત છેતરતા જ નથી, ભૂત-પલીતના નામે ડરાવે પણ છે. શેતાન અને તેના જેવા દુષ્ટ દૂતોને ખબર છે કે તેઓને કેદ કરી લેવામાં આવશે. તેઓ ‘માટે હવે થોડો જ વખત રહેલો છે.’ એટલે તેઓ કોઈ પણ ભોગે વધારે નુકસાન કરવા ફાંફાં મારે છે. (પ્રકટીકરણ ૧૨:૧૨, ૧૭) પણ ગભરાતા નહિ, હિંમત રાખો. આજે હજારો એવા લોકો છે, જેઓ શેતાન અને તેના સાથીદારોના પંજામાંથી આઝાદ થયા છે. તેઓ હવે દુષ્ટ દૂતોથી ડરી ડરીને જીવતા નથી. તેઓને એ હિંમત કેવી રીતે મળી? જો આજે કોઈ મેલીવિદ્યામાં ફસાયું હોય તો, તે શું કરી શકે? ચાલો એ જોઈએ.
દુષ્ટ દૂતોના પંજામાંથી છૂટો
૧૪. એફેસસના ઈશ્વરભક્તોની જેમ તમે કેવી રીતે દુષ્ટ દૂતોના પંજામાંથી છૂટી શકો?
૧૪ બાઇબલ બતાવે છે કે ગમે તે વ્યક્તિ દુષ્ટ દૂતોના પંજામાંથી આઝાદ થઈ શકે છે. કેવી રીતે? ચાલો બાઇબલમાંથી જ જોઈએ. પહેલી સદીના એફેસસ શહેરમાં રહેતા ઈશ્વરભક્તોનો વિચાર કરો. તેઓમાંથી અમુક યહોવાના ભક્ત બન્યા અગાઉ, મેલીવિદ્યામાં માનતા. જંતર-મંતરમાં માનતા. તેઓએ મેલીવિદ્યા છોડી દેવા મનમાં ગાંઠ વાળી ત્યારે શું કર્યું? બાઇબલ કહે છે: “ઘણા જાદુગરોએ પોતાનાં પુસ્તકો એકત્ર કરીને સર્વના દેખતાં તેઓને બાળી નાખ્યાં.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૧૯) ઈશ્વરના જ્ઞાનથી તેઓ શીખ્યા કે મેલીવિદ્યામાં માનવું ખોટું છે. તરત તેઓએ મેલીવિદ્યા વિશેનાં પોતાનાં સર્વ પુસ્તકો બાળી નાખ્યાં. દુષ્ટ દૂતોના પંજામાંથી છૂટવા, એને લગતી કોઈ પણ ચીજ-વસ્તુ ન જોઈએ! આજે પણ જેઓ યહોવાની ભક્તિ કરવા ચાહે છે, તેઓ એમ જ કરે છે. મેલીવિદ્યાને લગતી કંઈ પણ ચીજ-વસ્તુનો તેઓ નાશ કરે છે. જેમ કે, મેલીવિદ્યાનાં પુસ્તકો, ફિલ્મો, ચિત્રો કે સંગીત. ભલે એ ગમે એટલા ગમતા હોય, ખરાબ દૂતોના પંજાથી આઝાદ થવા, એ ચીજોનો નાશ કરવો જ જોઈએ. ઘણા લોકો માને છે કે બૂરી નજર કે કોઈ જોખમથી બચવા તાવીજ, મંત્રેલા દોરા-ધાગા કે એવી કોઈ વસ્તુ પહેરવી જોઈએ. એ પણ દુષ્ટ દૂતોની ચાલ છે. તેઓના પંજામાંથી છૂટવા એવી ચીજોનો પણ નાશ કરવો જોઈએ.—૧ કરિંથી ૧૦:૨૧.
૧૫. દુષ્ટ દૂતોની સામે થવા શું કરવાની જરૂર છે?
૧૫ એફેસસના ઈશ્વરભક્તોએ મેલીવિદ્યાનાં પુસ્તકો બાળી નાખ્યાં, એના અમુક વર્ષો પછી પાઉલે તેઓને લખ્યું: ‘આપણે દુષ્ટ દૂતોની સત્તા સામે લડીએ છીએ.’ (એફેસી ૬:૧૨) આ બતાવે છે કે દુષ્ટ દૂતોએ હજુ પણ તેઓનો પીછો છોડ્યો ન હતો. આ દુષ્ટ દૂતો કોઈ પણ રીતે તેઓને પોતાની મુઠ્ઠીમાં રાખવા માંગતા હતા. ઈશ્વરભક્તોએ શું કરવાની જરૂર હતી? પાઉલે સલાહ આપી કે ‘સર્વ સમયે વિશ્વાસને ઢાલ તરીકે સાથે રાખો. તે મારફતે તમે શેતાને મારેલાં સળગતા તીર હોલવી નાખવાને શક્તિમાન બનશો.’ (એફેસી ૬:૧૬) એ જ રીતે જો આપણે પણ યહોવામાં પૂરેપૂરો ભરોસો રાખીએ, શ્રદ્ધા રાખીએ, તો ગમે એવા દુષ્ટ દૂતની સામે થઈ શકીશું.—માથ્થી ૧૭:૨૦.
૧૬. તમે કેવી રીતે તમારી શ્રદ્ધા અતૂટ રાખી શકો?
૧૬ તમે કેવી રીતે યહોવામાં અતૂટ શ્રદ્ધા રાખી શકો? બાઇબલમાંથી શીખીને. દાખલા તરીકે, કોઈ મકાનનો પાયો જેટલો ઊંડો અને મજબૂત હશે, એટલું મકાન વધારે ટકશે. એ જ રીતે, બાઇબલના સનાતન સત્યનો પાયો તમારા દિલમાં કેટલો ઊંડો છે? રોજ બાઇબલ વાંચો અને એમાંથી શીખો. ધીમે ધીમે યહોવામાં તમારી શ્રદ્ધા વધતી જ જશે. (૧ યોહાન ૫:૫) એ એક મજબૂત કિલ્લા જેવી, ખડક જેવી અતૂટ બનશે. એ દુષ્ટ દૂતો સામે ઢાલની જેમ તમારું રક્ષણ કરશે.
૧૭. દુષ્ટ દૂતોથી રક્ષણ મેળવવા બીજું શું કરવાની જરૂર છે?
૧૭ એફેસસ શહેર મેલીવિદ્યાથી ભરેલું હતું. એટલે ત્યાંના ઈશ્વરભક્તોને વધારે રક્ષણની જરૂર હતી. તેઓએ શું કરવાની જરૂર હતી? પાઉલે તેઓને કહ્યું: ‘બધું પ્રાર્થનાપૂર્વક કરો અને ઈશ્વરની મદદ માગો. સર્વ પ્રસંગે પ્રાર્થના કરો.’ (એફેસી ૬:૧૮) આજે આપણે પણ મેલીવિદ્યાથી ભરેલી દુનિયામાં જીવીએ છીએ. દુષ્ટ દૂતો બધાને પોતાની મુઠ્ઠીમાં કરવા ફાંફાં મારે છે. તેઓથી રક્ષણ મેળવવા માટે પ્રાર્થનામાં યહોવાની મદદ ચોક્કસ માંગીએ. યહોવાની છાયામાં રક્ષણ લેવા આપણે તેમનું નામ લઈને કાલાવાલા કરીએ. (નીતિવચનો ૧૮:૧૦) વારંવાર ઈશ્વરને પ્રાર્થના કરીએ કે “અમને શેતાનથી બચાવો.” (માથ્થી ૬:૧૩) યહોવા એ પોકાર જરૂર સાંભળશે. આપણને રક્ષણ આપશે.—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૯.
૧૮, ૧૯. (ક) આપણે કેમ પૂરી ખાતરી રાખી શકીએ કે દુષ્ટ દૂતો સામેની લડાઈમાં આપણી જ જીત થશે? (ખ) અગિયારમું પ્રકરણ કયા સવાલનો જવાબ આપશે?
૧૮ ખરું કે દુષ્ટ દૂતો બહુ જ ખતરનાક છે, પણ ડરવાની કોઈ જરૂર નથી. યહોવાના માર્ગે ચાલતા રહો. યહોવામાં અતૂટ શ્રદ્ધા રાખીને, શેતાનની સામા થાઓ. (યાકૂબ ૪:૭, ૮) શેતાન અને તેના જેવા ખરાબ દૂતો યહોવાની સામે કંઈ જ નથી. યહોવાએ નૂહના જમાનામાં તેઓને સજા કરી હતી. હવે તેઓને આખરી સજા કરશે. (યહૂદા ૬) કદી ન ભૂલો કે યહોવાના શક્તિશાળી સ્વર્ગદૂતો આપણું રક્ષણ કરે છે. (૨ રાજાઓ ૬:૧૫-૧૭) તેઓ ફક્ત એ જ ચાહે છે કે આપણે દુષ્ટ દૂતોની લાલચોને ચોખ્ખી ના પાડી દઈએ. તેઓની જાળમાં ન ફસાઈએ. આ સારા દૂતો આપણને ખૂબ હિંમત આપે છે. યહોવા અને તેમની ભક્તિ કરતા દૂતોના પરિવાર સાથે પાકો નાતો બાંધીએ. આપણા જીવનમાં મેલીવિદ્યાનો પડછાયો પણ પડવા ન દઈએ. બાઇબલની સલાહને દિલ પર કોતરી લઈએ. પછી એ પ્રમાણે જ જીવીએ. (૧ પિતર ૫:૬, ૭; ૨ પિતર ૨:૯) એમ કરીને આપણે ચોક્કસ દુષ્ટ દૂતો સામે જીત મેળવીશું!
૧૯ હવે સવાલ એ થાય કે યહોવા એ દુષ્ટ દૂતો અને બધી બૂરાઈ વિશે કેમ કંઈ કરતા નથી, જેના લીધે લોકોને આટલું દુઃખ સહેવું પડે છે? અગિયારમું પ્રકરણ એનો જવાબ આપશે.