નવ
શું દુનિયાનો ‘અંત’ નજીક છે?
બાઇબલે આપણા જમાના વિશે શું જણાવ્યું હતું?
‘અંતના સમયમાં’ લોકો કેવા હશે?
‘અંતના સમય’ વિશે બાઇબલ કઈ ખુશખબર આપે છે?
૧. આપણે આવનાર દિવસો વિશે ક્યાંથી જાણી શકીએ?
આજ-કાલ ટીવી, રેડિયો પર સમાચાર સાંભળીને થાય કે ‘અરેરે, આ દુનિયાનું શું થવા બેઠું છે?’ લગભગ દરરોજ કંઈ ને કંઈ આફત આવી પડે છે. કોઈને ખબર નથી કે પલ-બે-પલમાં પાછું ક્યાં શું બનશે? (યાકૂબ ૪:૧૪) પણ આપણા ઈશ્વર યહોવા જાણે છે કે દુનિયામાં શું ચાલી રહ્યું છે અને આવનાર દિવસોમાં શું બનશે. (યશાયા ૪૬:૧૦) સદીઓ પહેલાં યહોવાએ એ બધું બાઇબલમાં આપણા માટે લખાવી લીધું હતું. તેમણે ફક્ત આફતો અને બગડતી જતી દુનિયા વિશે જ નહિ, પણ આવનાર દિવસો વિશે ખુશખબર પણ આપી છે.
૨, ૩. ઈસુના શિષ્યોએ કયો સવાલ પૂછ્યો અને ઈસુએ શું જવાબ આપ્યો?
૨ ઈસુ ધરતી પર હતા ત્યારે તેમણે યહોવાની સરકાર વિશે વાત કરી. તેમણે જણાવ્યું હતું કે એ સરકાર દુનિયાની ખરાબીનો અંત લાવશે. અન્યાય દૂર કરશે. ધરતી પર સુખ-શાંતિ લાવશે. (લૂક ૪:૪૩) પણ એ બધું ક્યારે થશે? ઈસુના શિષ્યોએ પણ તેમને એ જ પૂછ્યું: ‘એ બધું ક્યારે થશે? તારા રાજની અને જગતના અંતની શી નિશાની થશે? તે અમને કહે.’ (માથ્થી ૨૪:૩) ઈસુએ જણાવ્યું કે ફક્ત યહોવા જ જાણે છે કે એ દિવસ અને ઘડી ક્યારે આવશે. (માથ્થી ૨૪:૩૬) પરંતુ ઈસુએ અમુક ખાસ બનાવોની નિશાની આપી. તેમણે જણાવ્યું કે ઈશ્વરની સરકાર આખી દુનિયામાં સુખ-શાંતિ લાવે, એ પહેલાં અમુક બનાવો ચોક્કસ બનશે. એ આપણા જમાનામાં બની રહ્યા છે!
૩ ખરું કે આપણે એની સાબિતી જોવી જોઈએ. એ પહેલાં, ચાલો આપણે સ્વર્ગમાં થયેલી એક લડાઈનો વિચાર કરીએ. ભલે કોઈ માણસે એ લડાઈ નજરે જોઈ નથી, પણ બાઇબલમાં એ હકીકત લખી લેવામાં આવી છે. એ લડાઈની અસર આજે પણ આપણને બધાને થઈ રહી છે!
સ્વર્ગમાં થયેલી લડાઈ
૪, ૫. (ક) ઈસુ રાજા બન્યા પછી સ્વર્ગમાં શું થયું? (ખ) પ્રકટીકરણ ૧૨:૧૨ મુજબ સ્વર્ગમાં થયેલી લડાઈને લીધે શું બન્યું?
૪ આઠમા પ્રકરણમાં આપણે જોઈ ગયા કે ઈસુ ખ્રિસ્ત ૧૯૧૪માં સ્વર્ગમાં રાજા બન્યા. (દાનિયેલ ૭:૧૩, ૧૪) તરત જ ઈસુએ શું કર્યું? બાઇબલ જણાવે છે કે ‘સ્વર્ગમાં યુદ્ધ જામ્યું. મીખાએલ ઈસુ અને તેમના સાથી દૂતો, અજગર [શેતાન] સાથે લડ્યા. તે અજગરે પણ પોતાના દૂતોને સાથે રાખી સામી લડાઈ કરી.’a શેતાન અને તેના દૂતો હારી ગયા. તેઓને સ્વર્ગમાંથી ધરતી પર ફેંકી દેવામાં આવ્યા. સ્વર્ગમાં ઈશ્વરના દૂતોની ખુશીનો પાર ન રહ્યો. પણ ધરતી વિશે બાઇબલ જણાવે છે: ‘પૃથ્વીને હાય હાય! કારણ, રોષે ભરાયેલો શેતાન તમારે ત્યાં ઊતરી આવ્યો છે અને તેને ખબર છે કે તેનો સમય પૂરો થવા આવ્યો છે.’—સંદર્શન [પ્રકટીકરણ] ૧૨:૭, ૯, ૧૨.
૫ સ્વર્ગમાં થયેલી એ લડાઈને લીધે પૃથ્વી પર શું બન્યું? શેતાન ક્રોધે ભરાઈને મનુષ્યો પર એક પછી એક આફતો લાવવા લાગ્યો. આપણે એ જ જમાનામાં જીવીએ છીએ. પરંતુ એ જમાનો બહુ લાંબો સમય નહિ ટકે, કેમ કે શેતાનનો “સમય પૂરો થવા આવ્યો છે.” શેતાન પણ એ જાણે છે. બાઇબલ આ સમયને દુનિયાના ‘અંતનો સમય’ કે ‘છેલ્લો સમય’ કહે છે. (૨ તિમોથી ૩:૧) આપણા માટે આ ખુશખબર છે. શા માટે? કારણ કે જલદી જ શેતાનને યહોવા કેદમાં પૂરી દેશે! પછી શેતાન કોઈને પણ ભમાવી નહિ શકે! ચાલો હવે આપણે જોઈએ કે બાઇબલે કયા બનાવો વિશે અગાઉથી જણાવ્યું હતું. શું એ ખરેખર આપણા સમયમાં બની રહ્યા છે? જો એમ હોય તો એ સાબિત કરશે કે આ દુનિયાની બૂરાઈના છેલ્લા દિવસો ચાલે છે. જલદી જ ઈશ્વરની સરકાર આ દુનિયા પર રાજ કરશે. યહોવાને વળગી રહેનારા પર એ સરકાર આશીર્વાદો વરસાવશે. પહેલા તો ઈસુએ નિશાની તરીકે આપેલા ચાર બનાવો આપણે જોઈએ.
અંતના સમયના બનાવો
૬, ૭. યુદ્ધો અને ભૂખમરા વિશે ઈસુએ જે કહેલું એ કેવી રીતે સાચું પડે છે?
૬ ‘દેશો યુદ્ધમાં ઊતરશે. રાજ્યો એકબીજા પર હુમલો કરશે.’ (માથ્થી ૨૪:૭) ગઈ સદીમાં કરોડો લોકો યુદ્ધોમાં માર્યા ગયા. એક બ્રિટિશ ઇતિહાસકારે આ કડવી હકીકત જણાવી: ‘આખા માનવ ઇતિહાસમાં વીસમી સદી સૌથી વધારે લોહીથી રંગાયેલી છે. એમાં ફક્ત થોડો સમય બાદ કરતાં લડાઈઓ ચાલુ જ રહી છે.’ દુનિયા પર નજર રાખતી (વર્લ્ડવૉચ) સંસ્થાનો રિપોર્ટ આમ જણાવે છે: “પહેલી સદીથી ૧૮૯૯ સુધીમાં જેટલા લોકો યુદ્ધોમાં માર્યા ગયા, એના કરતાં ત્રણ ગણા વધારે લોકો ફક્ત એક સદીમાં, વીસમી સદીમાં માર્યા ગયા છે.” યુદ્ધોએ ૧૯૧૪થી આજ સુધીમાં દસ કરોડથી વધારે લોકોનો ભોગ લીધો છે. જરા વિચારો, તમારું કોઈ સગું-વહાલું યુદ્ધમાં માર્યું જાય તો તમને કેવું લાગશે! તો પછી આજ સુધી યુદ્ધને લીધે બરબાદ થયેલાં લાખો કુટુંબોના દુઃખની કલ્પના કરો!
૭ બધી બાજુ “દુકાળો પડશે.” (માથ્થી ૨૪:૭) દુકાળની ગણતરી રાખનારા અમુકનું કહેવું છે કે છેલ્લાં ત્રીસેક વર્ષમાં દુનિયામાં ખૂબ અનાજ પાક્યું છે. તોપણ ઘણા લોકો ભૂખ્યા પેટે સૂઈ જાય છે! તેઓ પાસે અનાજ લેવાના પૈસા નથી. પોતાની જમીન પણ નથી કે અનાજ ઉગાડી શકે. કરોડો લોકો રાત-દિવસ મજૂરી કરે ત્યારે માંડ માંડ એક ટંક ખાવા મળે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમાણે, દર વર્ષે પચાસેક લાખ બાળકો ભૂખે ટળવળીને મોતનો કોળિયો થઈ જાય છે!
૮, ૯. ધરતીકંપ અને બીમારી વિશે ઈસુનું કહેવું કઈ રીતે સાચું પડ્યું છે?
૮ “મોટા મોટા ધરતીકંપો થશે.” (લૂક ૨૧:૧૧) જમીનની હલ-ચલ પર નજર રાખનારા (જિઓલૉજિકલ) અમેરિકાના એક રિપોર્ટ પ્રમાણે, દર વર્ષે લગભગ ૧૯ ધરતીકંપો મકાનોને નુકસાન કરે છે, જમીનમાં તિરાડો પાડે છે. દર વર્ષે ઓછામાં ઓછો એક ધરતીકંપ મોટી મોટી ઇમારતો પાડી નાખે છે. અહેવાલો જણાવે છે કે ૧૯૦૦થી લઈને આજ સુધી ધરતીકંપે ૨૦ લાખ લોકોનો ભોગ લીધો છે. બીજો એક અહેવાલ જણાવે છેઃ “ટેકનૉલૉજીમાં પ્રગતિ થઈ છે. અગાઉથી ચેતવણી મળી જાય છે. તોપણ, એનાથી થોડા જ લોકોને બચાવી શકાય છે.”
૯ ‘બધી બાજુ રોગ ફાટી નીકળશે.’ (લૂક ૨૧:૧૧) આજે મેડિકલ રીતે રોગોના ઇલાજમાં ઘણી પ્રગતિ થઈ છે. તોપણ રોગોની જ જીત થાય છે. એક રિપોર્ટ જણાવે છે કે છેલ્લાં વીસ-ત્રીસ વર્ષોમાં ટીબી, મૅલેરિયા અને કૉલેરા જેવા વીસેક રોગોએ પાછું માથું ઊંચું કર્યું છે. અમુક હઠીલા રોગો પર દવાની કોઈ જ અસર થતી નથી. બીજા ત્રીસેક નવા રોગો ફૂટી નીકળ્યા છે. અમુકનો તો કોઈ જ ઇલાજ નથી. એ જીવ લઈને જ જંપે છે.
અંતના સમયમાં લોકો કેવા હશે?
૧૦. શું લોકોનો સ્વભાવ આજે ૨ તિમોથી ૩:૧-૫ જેવો છે?
૧૦ બાઇબલ ફક્ત એ જ નથી જણાવતું કે દુનિયાના અંતના સમયમાં કેવા મોટા મોટા બનાવો બનશે. બાઇબલ એ પણ જણાવે છે કે એ સમયે લોકોનો સ્વભાવ સાવ બદલાઈ જશે. ઈશ્વરભક્ત પાઉલે ૨ તિમોથી ૩:૧-૫માં આ ચેતવણી આપી: “અંતના સમયમાં મુશ્કેલીના દિવસો આવશે.” પછી પાઉલે જણાવ્યું કે લોકો કેવા હશે:
સ્વાર્થી
પૈસાના પ્રેમી
માબાપનું માનશે નહિ
દગાખોર
દયા અને પ્રેમ નહિ હોય
તન-મન પર કાબૂ નહિ
ક્રોધી
ઈશ્વર પર નહિ, ધનદોલત પર પ્રેમ
ધર્મને નામે ધતિંગ
૧૧. ગીતશાસ્ત્ર ૯૨:૭ પ્રમાણે દુષ્ટોનું શું થશે?
૧૧ શું આપણા સમાજમાં પણ એવા લોકો નથી? હા, ચોક્કસ છે. એ શું બતાવે છે? એ જ કે તેઓનો સમય પાકી ચૂક્યો છે. યહોવા જલદી જ મોટા ફેરફારો લઈ આવશે. બાઇબલ કહે છે કે “દુષ્ટ માણસો ભલે ઘાસની જેમ વધે, અને સર્વ ભ્રષ્ટાચારીઓ ભલે આબાદ બને; છતાં તેઓ સદાને માટે નાશ પામશે.”—ગીતશાસ્ત્ર ૯૨:૭.
અંતના સમય માટે ખુશખબર!
૧૨, ૧૩. અંતના સમયમાં સનાતન સત્યની સમજણ કેવી રીતે વધતી જશે?
૧૨ બાઇબલ જણાવે છે તેમ, આજે એક પછી એક આફતો આવતી જ જાય છે. પરંતુ જેઓ યહોવા પર શ્રદ્ધા રાખે છે, તેઓ પર ઘણા આશીર્વાદો આવે છે.
૧૩ સનાતન સત્યની સમજણ વધતી જશે. દાનિયેલના પુસ્તકમાં અગાઉથી આ જણાવવામાં આવ્યું હતું. એમ ક્યારે થશે? દુનિયાના ‘અંતના સમયે.’ (દાનિયેલ ૧૨:૪) યહોવાએ પોતાના ભક્તોને ખાસ કરીને ૧૯૧૪થી બાઇબલની વધારે સમજણ આપી છે. ઈશ્વરભક્તોને ત્યારથી બાઇબલના અનમોલ સત્ય વિશે ઘણું જાણવા મળ્યું છે. જેમ કે, ખરા ઈશ્વરનું નામ શું છે? ધરતી માટે અને મનુષ્યો માટે તેમની તમન્ના શું છે? ઈસુ શા માટે પૃથ્વી પર આવ્યા? મરણ વખતે વ્યક્તિનું શું થાય છે? ગુજરી ગયેલાને ક્યારે જીવતા કરવામાં આવશે? ઈશ્વરની સરકાર શું છે? એ કેવી રીતે આશીર્વાદો લાવશે? ઈશ્વરની ભક્તિ કઈ રીતે કરવી? તેઓને આવા સવાલોના જવાબની બાઇબલમાંથી સારી સમજણ મળી. યહોવાના ભક્તો તેમના માર્ગ પર ચાલવાનું પણ શીખી રહ્યા છે. એનાથી તેઓ સુખી થાય છે. બાઇબલનું આ અમૂલ્ય જ્ઞાન લઈને તેઓ શું કરે છે? એ જાણવા બાઇબલની બીજી એક ખુશખબર જોઈએ.
૧૪. આજે ઈશ્વરના રાજ્યનો સંદેશ ક્યાં ક્યાં ફેલાઈ રહ્યો છે? એ કોણ જણાવે છે?
૧૪ ઈશ્વરના રાજની ખુશખબર આખી દુનિયામાં ફેલાશે. ઈસુએ “દુનિયાના અંતની નિશાની” વિશે જણાવતા એ કહ્યું હતું. (માથ્થી ૨૪:૩, ૧૪) યહોવાના સાક્ષીઓ જાણે છે કે ઈશ્વરનું રાજ્ય શું છે, એ શું કરશે અને એના આશીર્વાદો મેળવવા આપણે દરેકે શું કરવું જોઈએ. તેઓ ઈશ્વરના રાજ્યની આ ખુશખબર ૨૩૦થી વધારે દેશોમાં, ૪૦૦થી વધારે ભાષાઓમાં જણાવે છે. યહોવાના લાખો સાક્ષીઓ જોર-શોરથી આ સંદેશો જણાવે છે. ‘તેઓમાં સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના ને ભાષાના’ લોકો છે. (પ્રકટીકરણ ૭:૯) તેઓ લોકોને બાઇબલનું અનમોલ સત્ય મફત શીખવે છે. ઈશ્વરના જ્ઞાન માટેની લોકોની તરસ છિપાવે છે. ઈસુએ એમ પણ જણાવ્યું હતું કે ‘મારે લીધે પ્રજાઓ તમને નફરત કરશે.’ (લૂક ૨૧:૧૭) આજે એવા સંજોગોમાં પણ, દુનિયાભરમાં શુભસંદેશ ફેલાતો જાય છે!
તમે શું કરશો?
૧૫. (ક) શું આપણે દુનિયાના અંતના સમયમાં જીવીએ છીએ? શા માટે તમે એવું માનો છો? (ખ) જેઓ જાણી-જોઈને ઈશ્વરનું કહેવું માનતા નથી તેઓનો કેવો ‘અંત’ આવશે? (ગ) ઈશ્વરની સરકારના કહેવા પ્રમાણે ચાલશે, તેઓનું શું થશે?
૧૫ આપણા જમાનામાં કેવા કેવા બનાવો બનશે, એ વિશે બાઇબલે ઘણું જણાવ્યું છે. એવા જ બનાવો આપણે આજના સમાચારમાં જોઈએ છીએ, ખરું ને? એ બતાવે છે કે તમે, હા આપણે બધા જ અંતના સમયમાં જીવીએ છીએ. આખી દુનિયામાં યહોવાની મરજી પ્રમાણે તેમની સરકાર વિશેની ખુશખબર ફેલાઈ જાય, પછી ચોક્કસ આ દુનિયાનો ‘અંત આવશે.’ (માથ્થી ૨૪:૧૪) દુનિયાનો ‘અંત’ એટલે શું? ધરતી પરથી બધી જ બૂરાઈનો અંત! ઘણા જાણી-જોઈને યહોવાનું કહેવું માનતા નથી. દુષ્ટ કામો કરવાનું ચાલુ રાખે છે. તેઓ છટકી શકશે નહિ, તેઓનો પણ ચોક્કસ અંત આવશે. ઈસુ અને સ્વર્ગદૂતોને મોકલીને, યહોવા પૃથ્વી પરથી દુષ્ટતા દૂર કરશે. (૨ થેસ્સલોનિકી ૧:૬-૯) પછી, શેતાન અને દુષ્ટ દૂતો કોઈને ભમાવી શકશે નહિ. આ બધું થયા પછી, ઈશ્વરની સરકાર એવા લોકો પર આશીર્વાદો વરસાવશે, જેઓ એના કહેવા પ્રમાણે ચાલે છે.—પ્રકટીકરણ ૨૦:૧-૩; ૨૧:૩-૫.
૧૬. તમારે પોતાના ભલા માટે શું કરવું જોઈએ?
૧૬ શેતાનની દુનિયાનો અંત બહુ જ નજીક છે. વિચાર કરો કે તમારે શું કરવું જોઈએ? યહોવા વિશે શીખતા રહો. તેમની મરજી જાણો ને માનો, તો તમારું જ ભલું થશે. (યોહાન ૧૭:૩) રોજ બાઇબલ વાંચો. જીવન આપતું જ્ઞાન લેતા રહો. યહોવાને માર્ગે ચાલતા ભક્તોની સાથે હળો-મળો. તેઓ સાથે મળીને ઈશ્વરની આરાધના કરો. (હિબ્રૂ ૧૦:૨૪, ૨૫) યહોવાએ સનાતન સત્યની જે સમજણ આપી છે, એને દિલમાં ઉતારો. તમારા જીવનમાં ફેરફાર કરો. ઈશ્વરના માર્ગ પર ચાલો. જો તમે એમ કરશો તો ચોક્કસ તેમની કૃપા હંમેશાં તમારા પર રહેશે.—યાકૂબ ૪:૮.
૧૭. રાતે ચોર આવે એમ દુષ્ટો પર અચાનક વિનાશ આવશે ત્યારે, તેઓ કેમ તૈયાર નહિ હોય?
૧૭ ઈસુએ કહ્યું હતું કે મોટા ભાગના લોકો માનશે જ નહિ કે આપણે અંતના સમયમાં જીવી રહ્યા છીએ. સાબિતી બતાવો તોપણ આંખ આડા કાન કરશે. પરંતુ જેમ રાતે ચોર આવે છે, તેમ દુષ્ટ લોકો પર અચાનક વિનાશ આવી પડશે. (૧ થેસ્સલોનિકી ૫:૨) ઈસુએ ચેતવણી આપી હતી કે અંતના સમયમાં પોતે રાજ કરવા માંડશે ત્યારે આ દુનિયાની હાલત કેવી હશે: ‘નૂહના સમયમાં બન્યું તેવું જ થશે. જળપ્રલય પહેલાં નૂહ વહાણમાં ગયો તે દિવસ સુધી લોકો ખાતા અને પીતા હતા, તથા લગ્ન કરતા અને કરાવતા હતા. જળપ્રલય આવીને બધાંને ઘસડી ન ગયો ત્યાં સુધી તેઓએ માન્યું જ નહિ.’ ઈસુએ કહ્યું કે પોતે યહોવાની સરકારના રાજા બનશે ત્યારે પણ એવું જ બનશે.—માથ્થી ૨૪:૩૭-૩૯.
૧૮. ઈસુએ આપેલી કઈ સલાહ આપણે પાળવી જ જોઈએ?
૧૮ એટલે જ ઈસુએ લોકોને ચેતવ્યા: ‘સાવધ રહો! ખાવા-પીવામાં અને આ જીવનની ચિંતાઓમાં તલ્લીન થઈ જતા નહિ, રખેને એ દિવસ તમારા પર અચાનક આવી પડે. કારણ, એ દિવસ આખી પૃથ્વીના રહેવાસીઓ પર ફાંદાની માફક આવી પડશે. સાવધ રહો, અને હંમેશાં પ્રાર્થના કરો. જેથી આવનારી આ સઘળી બાબતોમાં થઈને સહીસલામત પાર ઊતરી શકો અને માનવપુત્ર સામે લાયક બનીને ઊભા રહી શકો.’ (લૂક ૨૧:૩૪-૩૬) ઈસુની આ સલાહ પાળીને આપણું જ ભલું થશે. આપણે જો યહોવા અને ‘માનવપુત્ર’ ઈસુ ખ્રિસ્તની આગળ ઊભા રહેવા લાયક બનીએ, તો આપણે દુષ્ટ દુનિયાના વિનાશમાંથી બચી જઈશું. એ દિવસ હવે એકદમ નજીક, હા ઘણો જ નજીક આવી ગયો છે. પછી આપણે સ્વર્ગ જેવી સુંદર ધરતી પર યુગોના યુગો સુખેથી જીવીશું!—યોહાન ૩:૧૬; ૨ પિતર ૩:૧૩.
a મીખાએલ ઈસુનું બીજું એક નામ છે, એના વિશે વધારે જાણવા પાન ૨૧૮-૨૧૯ જુઓ.