જીવન સફર
“અમે આ રહ્યા, અમને મોકલો!”
શું તમે વધુ જરૂર હોય એવા વિસ્તારમાં અથવા બીજા દેશમાં જઈને સેવા કરવા માંગો છો? જો એમ હોય તો તમને ભાઈ જૅક અને બહેન મેર-લિન બરગેમના અનુભવ પરથી મદદ મળી શકે.
જૅક અને મેર-લિન સાથે મળીને ૧૯૮૮થી પૂરા સમયની સેવા કરી રહ્યાં છે. સંજોગો પ્રમાણે પોતાને ઢાળવામાં તેઓએ સારો દાખલો બેસાડ્યો છે. તેઓએ ગ્વાડેલુપ અને ફ્રેંચ ગુએનામાં અલગ-અલગ સોંપણી ખુશીથી સ્વીકારી છે. એ બંને વિસ્તારોની દેખરેખ હમણાં ફ્રાંસની શાખા રાખે છે. ચાલો જૅક અને મેર-લિનને અમુક સવાલો પૂછીએ.
તમને પૂરા સમયની સેવામાં જોડાવવાની પ્રેરણા ક્યાંથી મળી?
મેર-લિન: મારાં મમ્મી પાસેથી, જે ઘણા ઉત્સાહી પ્રચારક હતાં. હું નાની હતી ત્યારે, મમ્મી સાથે ગ્વાડેલુપમાં આખો દિવસ પ્રચાર કરતી. મને લોકો માટે પ્રેમ છે. એટલે ૧૯૮૫માં સ્કૂલ પૂરી થયા પછી તરત મેં પાયોનિયર સેવા શરૂ કરી.
જૅક: હું નાનો હતો ત્યારે અમારી આસપાસ ઘણા પૂરા સમયના સેવકો હતા, જેઓને પ્રચાર કરવો ખૂબ ગમતો. વેકેશનમાં હું પણ તેઓ સાથે જોડાતો અને સહાયક પાયોનિયર તરીકે સેવા આપતો. શનિ-રવિએ અમે અમુક વાર બસ પકડીને પાયોનિયરો સાથે આખો દિવસ પ્રચાર કરતા. સાંજે અમે સમુદ્ર કિનારે ફરવા જતા. એ દિવસો ઘણા મજાના હતા!
સાલ ૧૯૮૮માં મેર-લિન સાથે મારા લગ્ન થયા. એ સમયે મેં વિચાર્યું: ‘હાલ અમારી પાસે કોઈ જવાબદારી નથી તો સેવાકાર્યમાં વધુ કરીએ તો કેટલું સારું!’ એટલે હું પણ મેર-લિન સાથે પાયોનિયર સેવામાં જોડાયો. પાયોનિયર સ્કૂલમાંથી અમે તાલીમ લીધી, એના એક વર્ષ પછી અમને ખાસ પાયોનિયર તરીકે સોંપણી મળી. ગ્વાડેલુપમાં અમને જુદી જુદી સોંપણીઓ મળી. એ બધામાં અમને બહુ મજા આવી. એ પછી અમને ફ્રેંચ ગુએનામાં મોકલવામાં આવ્યાં.
આ બધાં વર્ષો દરમિયાન તમારી સોંપણીઓ ઘણી વાર બદલાઈ છે. દરેક વાર નવાં સંજોગો પ્રમાણે પોતાને ઢાળવા તમને શાનાથી મદદ મળી?
મેર-લિન: ફ્રેંચ ગુએનાના બેથેલના ભાઈઓને ખબર છે કે અમારી મનગમતી કલમ યશાયા ૬:૮ છે. એ ભાઈઓ અમને નવી સોંપણી વિશે જણાવવા ફોન કરે ત્યારે મજાકમાં કહેતા, “તમારી મનગમતી કલમ યાદ છે ને!” એટલે અમે સમજી જતાં કે નવી સોંપણી મળવાની છે. જવાબમાં અમે કહેતા: “અમે આ રહ્યા, અમને મોકલો!”
અમને નવી સોંપણી મળે ત્યારે એને જૂની સોંપણી સાથે સરખામણી નથી કરતાં. જો એવું કરીએ તો નવી સોંપણીમાંથી મળતી ખુશી અમે ગુમાવી બેસીએ. અમે જ્યાં જઈએ ત્યાં ભાઈ-બહેનોને વધુ સારી રીતે ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ.
જૅક: અમને નવી સોંપણી મળી ત્યારે, કેટલાક મિત્રો નહોતા ચાહતા કે અમે તેઓથી દૂર જઈએ. તેઓનો ઇરાદો સારો હતો એટલે તેઓ અમને રોકવાનો પ્રયત્ન કરતા. પણ અમે ગ્વાડેલુપમાંથી નીકળતા હતા ત્યારે એક ભાઈએ અમને માથ્થી ૧૩:૩૮ની કલમ યાદ અપાવી. એમાં ઈસુએ કહ્યું હતું: “ખેતર આ દુનિયા છે.” એટલે સોંપણી બદલાય ત્યારે યાદ રાખીએ છીએ કે, ભલે ગમે ત્યાં સેવા આપતા હોઈએ આપણા માટે પ્રચારનો વિસ્તાર અને લોકો મહત્ત્વના છે.
નવા વિસ્તારમાં જઈએ ત્યારે, જોવા મળે છે કે લોકો શાંતિથી જીવી રહ્યા છે. એટલે અમે તેઓની રહેણીકરણી અપનાવીએ છીએ. ભલે તેઓની ખાણીપીણી અલગ હોય અમે એ અપનાવી લઈએ છીએ. જોકે, તબિયત ન બગડે એનું પણ ધ્યાન રાખીએ છીએ. દરેક સોંપણીની મુશ્કેલીઓ વિશે ચર્ચા કરવાનું અમે ટાળીએ છીએ.
મેર-લિન: અમને સ્થાનિક ભાઈ-બહેનો પાસેથી પણ ઘણું શીખવા મળ્યું. અમે પહેલી વાર ફ્રેંચ ગુએનામાં આવ્યાં હતાં, એ વખતનો એક કિસ્સો મને યાદ છે. એક વાર જોરદાર વરસાદ પડી રહ્યો હતો. એટલે અમને લાગ્યું કે વરસાદ બંધ થયા પછી જ પ્રચારમાં જવાશે. પણ મંડળનાં એક બહેન કહ્યું: “ચાલો જઈશું?” મને નવાઈ લાગી એટલે મેં પૂછ્યું, “પણ આટલા વરસાદમાં જઈશું કેવી રીતે?” તેમણે કહ્યું, “તમારી છત્રી લઈ લો, આપણે સાઇકલ પર જઈશું.” એ પછી હું પણ એક હાથે છત્રી અને બીજા હાથે સાઇકલ ચલાવવાનું શીખી ગઈ. એ કેટલું સારું થયું, નહિતર ચોમાસામાં તો મારાથી પ્રચાર જ ન થાત!
તમે નવી સોંપણીને લીધે આશરે ૧૫ અલગ અલગ જગ્યાએ રહેવા ગયા છો. શું તમે એ વિશે જરૂરી સૂચનો બીજાઓને આપવાં ચાહશો?
મેર-લિન: બીજી જગ્યાએ રહેવા જવું એક પડકાર બની શકે. પણ ધરતીનો છેડો ઘર! એટલે મહત્ત્વનું છે કે પ્રચારમાંથી પાછા આવીએ ત્યારે હાશ થાય એવું ઘર તો હોવું જોઈએ.
જૅક: હું કોઈ પણ નવી જગ્યાએ રહેવા જાઉં તો એ મકાનને કલર કરી દઉં છું. શાખા કચેરીના ભાઈઓને એનો ખ્યાલ છે. એટલે નવી સોંપણી જો ટૂંક સમયની હોય તો તેઓ કહે છે, “જૅક, આ વખતે ઘરને કલર કરશો નહિ.”
સામાન પૅક કરવામાં મેર-લિન હોશિયાર છે. તે સામાનને રૂમ પ્રમાણે બૉક્સમાં પૅક કરે છે. પછી દરેક બૉક્સ પર રૂમ પ્રમાણે ચિઠ્ઠી લગાવી દે છે. જેમ કે “બાથરૂમ”, “બેડરૂમ”, “રસોડું” વગેરે. નવા ઘરે પહોંચીએ એટલે જે તે રૂમ પ્રમાણે બૉક્સ મૂકી દઈએ છીએ. દરેક બૉક્સમાં શું ભર્યું છે એનું પણ તે લિસ્ટ બનાવે છે. એમ કરવાથી અમને કોઈ પણ વસ્તુ તરત મળી જાય છે.
મેર-લિન: અમે શીખ્યાં છીએ કે બધું વ્યવસ્થિત રીતે કરવું જોઈએ. એના લીધે, નવી જગ્યાએ પણ અમે અમુક જ દિવસોમાં સેટ થઈ જઈએ છીએ અને સેવાકાર્ય શરૂ કરી શકીએ છીએ.
તમારું “સેવાકાર્ય દરેક રીતે પૂરું” કરી શકો માટે કેવી ગોઠવણ કરો છો?—૨ તિમો. ૪:૫.
મેર-લિન: સોમવારે અમે સભાની તૈયારી અને આરામ કરીએ છીએ. અમે મંગળવારથી પ્રચારમાં જઈએ છીએ.
જૅક: ખરું કે, અમારે અમુક કલાકો કરવાના હોય છે. પણ અમારો એ જ ધ્યેય હોતો નથી. અમે જીવનમાં પ્રચારકામને મહત્ત્વનું ગણીએ છીએ. અમે ઘરેથી નીકળીએ અને પાછા આવીએ, એ દરમિયાન મળનાર દરેકને સંદેશો જણાવવાનો પ્રયત્ન કરીએ છીએ.
મેર-લિન: જેમ કે, પિકનીક પર જઉં તોપણ સાથે પત્રિકાઓ લેતી જઉં છું. કેટલીક વાર તો હજુ અમે જણાવ્યું ય ન હોય કે અમે સાક્ષીઓ છીએ, ને લોકો સામેથી સાહિત્ય માંગતા હોય છે. એટલે અમે પહેરવા-ઓઢવામાં અને વાણી-વર્તનમાં કાળજી રાખીએ છીએ. કારણ કે લોકોના ધ્યાનમાં એ બધું આવે છે.
જૅક: અમે સારાં કામ કરીને જાણે પડોશીઓને સાક્ષી આપીએ છીએ. ઘરની આજુ બાજુ પડેલો કચરો ઉપાડી લઈએ છીએ. કચરાની ડોલ ખાલી કરી દઈએ છીએ. બગીચામાં પડેલા પાંદડાં વાળી લઈએ છીએ. પડોશીઓ એ બધું જુએ છે. અરે, અમુક વાર પૂછે પણ ખરા, “શું તમે મને બાઇબલ આપી શકો?”
તમે છૂટાછવાયા વિસ્તારોમાં ઘણી વાર પ્રચાર કરવા જાવ છો. એનો કોઈ ખાસ અનુભવ તમારા મનમાં આવે છે?
જૅક: ગુએનામાં અમુક વિસ્તારો એવા છે જ્યાં પહોંચવું સહેલું નથી. આખા અઠવાડિયા દરમિયાન અમારે ઘણી વાર ખરાબ રસ્તાઓ પર કુલ ૬૦૦ કિ.મી. જેટલી મુસાફરી કરવી પડે છે. અમને હજુ યાદ છે, ઍમેઝોનનાં જંગલોમાં આવેલા સેંટ ઍલિ વિસ્તારની એક મુલાકાત. અમને ત્યાં પહોંચતા કલાકો લાગ્યા હતા. અમે પહેલા જીપમાં અને પછી બોટમાં એ મુસાફરી કરી હતી. ત્યાં રહેનારા મોટા ભાગના લોકો સોનું શોધનાર ખાણિયાઓ છે. આપણાં સાહિત્ય માટે આભાર માનવા અમુકે દાન તરીકે અમને સોનાના થોડા ગઠ્ઠા આપ્યા. એ દિવસે સાંજે અમે આપણા સંગઠને બહાર પાડેલો એક વીડિયો બતાવ્યો. એ જોવા ઘણા લોકો આવ્યાં હતાં.
મેર-લિન: હાલમાં જ જૅકને કમોપીમાં સ્મરણપ્રસંગની ટૉક આપવાનો લહાવો મળ્યો હતો. ત્યાં પહોંચવા અમારે ચાર કલાકની મુસાફરી કરવી પડી. અમે બોટમાં ઓયાપોક નદી પાર કરી ત્યાં ગયાં હતાં. જીવ અધ્ધર થઈ જાય એવી મુસાફરી હતી એ!
જૅક: નદીમાં જ્યાં પાણીનું સ્તર ઓછું હોય, ત્યાં એનું વહેણ જોખમી બની શકે છે. સાચે જ, એ રુંવાટા ઊભા થઈ જાય એવો નજારો હતો. બોટનો ચાલક અનુભવી હોવો જોઈએ. તેને ખબર હોવી જોઈએ કે કઈ રીતે અને ક્યાંથી બોટને લઈ જવી. પણ એ મુસાફરી સારી રહી. એ જગ્યાએ ૬ સાક્ષીઓ હતા પણ આશરે ૫૦ લોકોએ સ્મરણપ્રસંગમાં હાજરી આપી. અમુક લોકો રેડ ઇન્ડિયન જાતિના પણ હતાં.
મેર-લિન: યહોવાની સેવામાં વધુ કરવા માંગતા યુવાનો માટે આવા રોમાંચક અનુભવો રહેલા છે. એવા સંજોગોમાં યહોવા પર ભરોસો રાખવો જોઈએ અને તમારી શ્રદ્ધા મક્કમ થાય છે. અમે ઘણી વાર યહોવાની મદદનો અનુભવ કર્યો છે.
તમે ઘણી ભાષાઓ શીખ્યાં છો. શું નવી ભાષાઓ શીખવી તમારા માટે સહેલું હતું?
જૅક: ના ભઈ, જરાય નહિ! આ તો જરૂર પડી એટલે મારે ભાષાઓ શીખવી પડી. મેં સ્રાનનટોંગોa ભાષામાં બાઇબલ વાંચનમાં ક્યારેય ભાગ લીધો ન હતો, ને મારે એ ભાષામાં ચોકીબુરજ ચલાવવાનું હતું. ચોકીબુરજ લીધા પછી મેં એક ભાઈને પૂછ્યું કે, ‘શું એ સમજાય એવું હતું?’ તેમણે કહ્યું, ‘અમુક વાર કેટલાક શબ્દો ન સમજાયા. પણ ઘણું સારું હતું.’ બાળકો પાસેથી ઘણી મદદ મળી. હું ભૂલો કરું ત્યારે મોટાઓ કંઈ કહેતા નહિ પણ બાળકો તરત પકડી પાડતાં અને સાફ સાફ કહી દેતાં. મને બાળકો પાસેથી ઘણું શીખવા મળ્યું.
મેર-લિન: એક વિસ્તારમાં મારી પાસે ફ્રેંચ, પોર્ટુગીઝ અને સ્રાનનટોંગો ભાષાઓમાં બાઇબલ અભ્યાસ હતા. મને એક બહેને સલાહ આપી કે જે ભાષા તમારા માટે અઘરી હોય એમાં સૌથી પહેલાં બાઇબલ અભ્યાસ લેવો જોઈએ. અને જે સહેલી હોય એમાં સૌથી છેલ્લે લેવો જોઈએ. એ બહેનનું કહેવું કેટલું સાચું હતું!
એક દિવસ મારે સ્રાનનટોંગો અને પોર્ટુગીઝ ભાષામાં બાઇબલ અભ્યાસ લેવાનો હતો. બીજો અભ્યાસ શરૂ કર્યો ત્યારે મારી જોડે આવેલાં બહેને મને કહ્યું, “મેર-લિન તમે જે કહો છો એ તેને સમજાતું નથી!” પછી મને અહેસાસ થયો કે બ્રાઝિલની એ સ્ત્રી સાથે હું પોર્ટુગીઝને બદલે સ્રાનનટોંગોમાં વાત કરી રહી હતી.
સેવાકાર્યમાં જેઓ સાથે તમે કામ કર્યું છે, તેઓ બધા તમને ખૂબ પ્રેમ કરે છે. તમે કઈ રીતે એ બધાના પાકા મિત્રો બની શક્યા?
જૅક: નીતિવચનો ૧૧:૨૫ (IBSI) જણાવે છે, ‘ઉદાર માણસ ધનવાન બનશે.’ અમે અચકાયા વિના બીજાઓને મદદ કરીએ છીએ. જેમ કે, પ્રાર્થનાઘરની સાફસફાઈ અને મરામત વિશે કેટલાક ભાઈઓ એમ કહેતા, “એ તો પ્રકાશકો કરી લેશે.” ત્યાર હું કહેતો: “હું પણ એક પ્રકાશક છું! કોઈ કામ હોય તો મારે પણ એમાં સાથ આપવો જોઈએ.” આમ તો બધાને પોતાના માટે સમય જોઈતો હોય છે. પણ અમે યાદ રાખીએ છીએ કે પોતાના કરતાં પહેલા બીજાઓનું ભલું કરવું જરૂરી છે.
મેર-લિન: અમે ભાઈ-બહેનોના સંજોગોને સમજવાનો પૂરો પ્રયત્ન કરીએ છીએ, જેથી જાણી શકાય કે તેઓને શાની જરૂર છે. જેમ કે તેઓનાં બાળકોને સ્કૂલેથી લેવા-મૂકવામાં કે તેઓને સાચવવામાં મદદની જરૂર હોય. અમે પોતાનાં કામો માટે એ રીતે સમય ગોઠવીએ છીએ જેથી તેઓને મદદ કરી શકીએ. આમ અમારો સંબંધ વધારે મજબૂત થાય છે અને પ્રેમ વધે છે.
વધુ જરૂર હોય એવા વિસ્તારોમાં સેવા આપીને તમને કેવા આશીર્વાદો મળ્યા છે?
જૅક: પૂરા સમયની સેવા કરવાને લીધે યહોવાએ અમારી ઝોળી આશીર્વાદોથી ભરી દીધી છે. કુદરતી સૌંદર્યવાળા વિસ્તારોમાં અમને યહોવાએ રચેલી સુંદર સૃષ્ટિ જોવાનો લહાવો મળ્યો છે. ભલે અમારા જીવનમાં પડકારો હતા પણ અમને મનની શાંતિ મળી છે. કારણ કે અમે જાણીએ છીએ કે યહોવા અને તેમના લોકો અમારી પડખે છે.
હું યુવાન હતો ત્યારે મેં સેનામાં જોડાવાની ના પાડી હતી. તેઓએ મને જેલમાં નાખી દીધો હતો. એ વખતે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મને મિશનરી તરીકે ફ્રેંચ ગુએનામાં સોંપણી મળશે અને હું એ જ જેલના કેદીઓને પ્રચાર કરી શકીશ. એ પણ ત્યાંના અધિકારીઓની પરવાનગી સાથે! સાચે જ યહોવા ઉદાર હાથે પોતાના વફાદાર ભક્તોને આશીર્વાદો આપે છે!
મેર-લિન: હું બીજાઓને મદદ કરું છું ત્યારે મને બહુ ખુશી મળે છે. યહોવાની સેવા કરવાનો લહાવો મળ્યો છે, એટલે અમે ખુશ છીએ. અમારું લગ્નબંધન મજબૂત બન્યું છે. અમુક વાર, જૅક મને પૂછે કે શું એ યુગલને ઘરે જમવા બોલાવીએ, જેઓ નિરાશાનો સામનો કરી રહ્યા છે. મોટા ભાગે મારો જવાબ હોય છે, “તમે તો મારા મનની વાત કહી દીધી!” એવું તો ઘણી વાર થાય છે.
જૅક: થોડા સમયથી મને પ્રોસ્ટેટ કેન્સર થયું છે. એના વિશે કોઈ પણ વાત કરું તો મેર-લિનને ગમતું નથી. એટલે હું તેને કહેતો હોઉં છું, “જો હું કાલે મરી જાઉં તો સારું ને, જુવાન મરીશ ઘરડા નહિ થવું પડે. ભલે થોડું, પણ સંતોષી જીવન જીવીને જઈશ. યહોવાની ભક્તિમાં જે કરવું જોઈએ, એ કર્યું છે એવી ખુશી સાથે જઈશ.”—ઉત. ૨૫:૮.
મેર-લિન: યહોવાએ અમને એવી સોંપણીઓનો આશીર્વાદ આપ્યો છે, જેનો અમે વિચાર પણ કર્યો ન હતો. સાચે જ, અમારું જીવન સારી બાબતોથી ભરેલું છે. યહોવામાં અમને પૂરા ભરોસો છે. તે અમને જ્યાં મોકલે ત્યાં જઈશું, તેમનું સંગઠન જે કરવા કહે એ કરીશું.
a સ્રાનનટોંગો ભાષા અંગ્રેજી, ડચ, પોર્ટુગીઝ અને આફ્રિકાની ભાષાઓનું મિશ્રણ છે. ગુલામોએ એ ભાષા વિકસાવી હતી.