અભ્યાસ લેખ ૧૨
આપણે ક્યારે બોલવું જોઈએ અને ક્યારે નહિ?
‘ચૂપ રહેવાનો વખત અને બોલવાનો વખત હોય છે.’—સભા. ૩:૧, ૭.
ગીત ૧૮ યહોવાનો અમૃત પ્રેમ
ઝલકa
૧. સભાશિક્ષક ૩:૧, ૭માંથી આપણે શું શીખી શકીએ?
આપણામાંથી અમુકને વાતો કરવી ખૂબ ગમે છે. બીજા કેટલાકને ચૂપ રહેવું ગમે છે. આ લેખની મુખ્ય કલમ બતાવે છે તેમ બોલવાનો અને ચૂપ રહેવાનો વખત હોય છે. (સભાશિક્ષક ૩:૧, ૭ વાંચો.) પણ કોઈ વાર આપણે ચાહીએ છીએ કે, જેઓ શાંત રહે છે તેઓ વાત કરે અને જેઓ વધુ બોલે છે તેઓ ઓછું બોલે.
૨. ક્યારે અને કઈ રીતે બોલવું એ વિશે સૌથી સારું માર્ગદર્શન કોણ આપી શકે?
૨ બોલવાની ભેટ તો યહોવાએ આપી છે. (નિર્ગ. ૪:૧૦, ૧૧; પ્રકટી. ૪:૧૧) એ ભેટનો સારો ઉપયોગ કઈ રીતે કરી શકીએ એ વિશે તેમણે બાઇબલમાં માર્ગદર્શન આપ્યું છે. આ લેખમાં બાઇબલના અમુક દાખલાનો વિચાર કરીશું. એનાથી આપણને એ જોવા મદદ મળશે કે ક્યારે બોલવું જોઈએ અને ક્યારે ચૂપ રહેવું જોઈએ. એ પણ જોઈશું કે બીજાઓ સાથે આપણે જે રીતે વાત કરીએ છીએ એનાથી યહોવાને કેવું લાગે છે. ચાલો પહેલા જોઈએ કે આપણે ક્યારે બોલવું જોઈએ.
આપણે ક્યારે બોલવું જોઈએ?
૩. રોમનો ૧૦:૧૪માં જણાવ્યા પ્રમાણે શાના વિશે વાત કરવા આપણે હંમેશાં તૈયાર રહેવું જોઈએ?
૩ યહોવા અને તેમના રાજ્ય વિશે વાત કરવા આપણે હંમેશાં તૈયાર રહેવું જોઈએ. (માથ. ૨૪:૧૪; રોમનો ૧૦:૧૪ વાંચો.) એમ કરીને આપણે ઈસુને પગલે ચાલીએ છીએ. ઈસુનો પૃથ્વી પર આવવાનો એક હેતુ હતો કે પિતા વિશેનું સત્ય તે બીજાઓને જણાવે. (યોહા. ૧૮:૩૭) યાદ રાખીએ કે આપણે બીજાઓ સાથે કઈ રીતે બોલીએ છીએ, એ પણ મહત્ત્વનું છે. બીજાઓને યહોવા વિશે જણાવીએ ત્યારે “નમ્રતાથી અને પૂરા આદર સાથે” વાત કરવી જોઈએ. (૧ પીત. ૩:૧૫) એટલું જ નહિ, તેઓની લાગણીઓ અને માન્યતાઓને પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. એમ કરીને આપણે ફક્ત વાતો જ કરતા નથી. પણ આપણે વ્યક્તિને શીખવીએ છીએ, જે તેના દિલને અસર કરે છે.
૪. નીતિવચનો ૯:૯માં જણાવ્યા પ્રમાણે આપણા બોલવાથી કઈ રીતે બીજાઓને મદદ મળી શકે?
૪ કોઈ ભાઈ કે બહેનને સલાહ આપવાની જરૂર પડે તો વડીલોએ ક્યારેય અચકાવું ન જોઈએ. જોકે, તેઓ ધ્યાન રાખશે કે યોગ્ય સમયે એના વિશે વાત કરે. બીજાઓની સામે તેને સલાહ આપવામાં આવે તો કદાચ તેને શરમ લાગશે. એટલે વડીલો રાહ જોશે કે વ્યક્તિ એકલી હોય ત્યારે તેને એ વાત જણાવે. તેઓ વ્યક્તિ સાથે એ રીતે વાત કરશે જેથી તેનું માન જળવાય. પણ બીજાઓને બાઇબલ સિદ્ધાંતો જણાવવામાં વડીલો ક્યારેય અચકાતા નથી. એ સિદ્ધાંતોની મદદથી વ્યક્તિ પોતાના વિચારો સુધારી શકે છે. (નીતિવચનો ૯:૯ વાંચો.) જરૂર પડે ત્યારે હિંમતથી વાત કરવી કેમ મહત્ત્વનું છે? ચાલો એ વિશે બે અલગ અલગ દાખલા તપાસીએ. એક દાખલામાં પિતાએ પોતાના દીકરાઓને સુધારવાની જરૂર હતી. બીજા દાખલામાં એક સ્ત્રીએ ભાવિમાં થનાર રાજાને કહેવાનું હતું કે તેમણે લીધેલો નિર્ણય ખોટો છે.
૫. એલી ક્યારે બોલવાનું ચૂકી ગયા?
૫ પ્રમુખ યાજક એલીના બે દીકરા હતા, જે તેમને ખૂબ વહાલા હતા. પણ એ દીકરાઓને યહોવા માટે આદર ન હતો. તેઓ પાસે મહત્ત્વની પદવી હતી. તેઓ મુલાકાતમંડપમાં યાજકો તરીકે સેવા આપતા હતા. પણ તેઓ પોતાના અધિકારનો ખોટો ઉપયોગ કરતા, યહોવાને ચઢાવવામાં આવતાં અર્પણોનું અપમાન કરતા અને વ્યભિચાર જેવાં ગંદાં કામો કરતા. (૧ શમૂ. ૨:૧૨-૧૭, ૨૨) મુસાના નિયમ પ્રમાણે તો એલીના દીકરાઓને મરણની સજા થવી જોઈતી હતી. પણ એલીએ તેઓને ફક્ત ધમકાવ્યા. એલીએ તેઓ પાસેથી મંડપમાં સેવા આપવાની જવાબદારી લઈ લેવી જોઈતી હતી, પણ તેમણે એમ કર્યું નહિ. (પુન. ૨૧:૧૮-૨૧) એલીએ જે કર્યું એનાથી યહોવાને કેવું લાગ્યું? તેમણે એલીને કહ્યું: “તું મારા કરતાં તારા દીકરાઓનું માન કેમ વધારે રાખે છે?” યહોવાએ એ બંને દીકરાઓને મોતની સજા આપી.—૧ શમૂ. ૨:૨૯, ૩૪.
૬. એલીના દાખલા પરથી આપણને શું શીખવા મળે છે?
૬ એલીના દાખલા પરથી આપણને મહત્ત્વનો બોધપાઠ શીખવા મળે છે. જો આપણને ખબર પડે કે કોઈ મિત્ર કે સગાએ ઈશ્વરનો નિયમ તોડ્યો છે, તો ચૂપ નહિ રહીએ પણ તેને યહોવાનાં ધોરણો યાદ અપાવીશું. યહોવાએ નીમેલા ભાઈઓ તરફથી તેને મદદ મળે એનું ધ્યાન રાખીશું. (યાકૂ. ૫:૧૪) મિત્ર કે સગાને યહોવા કરતાં વધારે માન આપીને આપણે ક્યારેય એલી જેવા બનવા માંગતા નથી, ખરું ને! બીજાઓને તેઓની ભૂલ બતાવવી હિંમત માંગી લે એવું કામ છે. એ સહેલું નથી, પણ એમ કરીશું તો સારાં પરિણામો આવશે. ચાલો જોઈએ કે એલીના દાખલા અને અબીગાઈલના દાખલામાં શો ફરક હતો.
૭. અબીગાઈલે શા માટે દાઊદ સાથે વાત કરી?
૭ અબીગાઈલનો પતિ નાબાલ જમીનદાર હતો અને બહુ ધનવાન હતો. દાઊદ અને તેમના માણસો શાઊલ રાજાથી બચવા નાસી રહ્યા હતા. એ સમયે તેઓ નાબાલના ઘેટાંપાળકો સાથે રહ્યા હતા. તેઓએ નાબાલનાં ઢોરઢાંકને લુટારાઓથી બચાવ્યા હતા. તેઓની મદદ માટે શું નાબાલે તેઓનો આભાર માન્યો? ના. દાઊદના માણસોએ તેની પાસે થોડું ખાવાનું અને પાણી માંગ્યા ત્યારે નાબાલ ગુસ્સે થયો. અરે, બૂમબરાડા પાડીને તેઓનું અપમાન કર્યું. (૧ શમૂ. ૨૫:૫-૮, ૧૦-૧૨, ૧૪) એટલે દાઊદે નાબાલના ઘરના બધા માણસોને મારી નાખવાનું નક્કી કર્યું. (૧ શમૂ. ૨૫:૧૩, ૨૨) અબીગાઈલને સમજાયું કે હવે બોલવું પડશે, દાઊદ સાથે વાત કરવી પડશે. તે દાઊદ અને તેમના ૪૦૦ માણસોને મળવા ગઈ. એ માટે તેને ઘણી હિંમતની જરૂર પડી હશે. કારણ કે એ માણસો ભૂખ્યા-તરસ્યા અને ગુસ્સામાં હતા. તેઓ પાસે હથિયારો પણ હતા.
૮. અબીગાઈલના દાખલા પરથી શું શીખવા મળે છે?
૮ અબીગાઈલ દાઊદને મળી. તેણે હિંમત અને આદરથી દાઊદ સાથે વાત કરી. એ બધું અબીગાઈલને લીધે થયું ન હતું. છતાં, તેણે દાઊદની માફી માંગી. તેણે કહ્યું કે પોતે જાણે છે કે દાઊદ સારા માણસ છે, એટલે ક્યારેય ખોટું પગલું ભરશે નહિ. પછી અબીગાઈલે મદદ માટે યહોવા પર આધાર રાખ્યો. (૧ શમૂ. ૨૫:૨૪, ૨૬, ૨૮, ૩૩, ૩૪) જો આપણને જોવા મળે કે કોઈ ગંભીર ભૂલ કરવા જઈ રહ્યું છે, તો અબીગાઈલની જેમ હિંમતથી તેને જણાવવું જોઈએ. (ગીત. ૧૪૧:૫) આપણે માનથી વાત કરીશું પણ એની સાથે હિંમત બતાવીશું. વ્યક્તિને પ્રેમથી જરૂરી સલાહ આપીશું તો જ આપણે સાચા મિત્ર સાબિત થઈશું.—નીતિ. ૨૭:૧૭.
૯-૧૦. બીજાઓને સલાહ આપતી વખતે વડીલોએ શાનું ધ્યાન રાખવું જોઈએ?
૯ મંડળમાં કોઈ ખોટું કામ કરે તો વડીલોએ હિંમતથી તેને જણાવવું જોઈએ. (ગલા. ૬:૧) વડીલો જાણે છે કે તેઓથી પણ ભૂલો થાય છે એટલે કોઈ વાર તેઓને પણ સલાહ મળી શકે. પણ એવું વિચારીને વડીલો બીજાઓને શિસ્ત આપતા અચકાશે નહિ. (૨ તિમો. ૪:૨; તિત. ૧:૯) વ્યક્તિને સલાહ આપતી વખતે તેઓ ધીરજથી અને સમજી-વિચારીને વાત કરશે. તેઓ એ વ્યક્તિને પ્રેમ કરે છે એટલે તેને મદદ કરે છે. (નીતિ. ૧૩:૨૪) તેઓ પહેલા એ વાતનું ધ્યાન રાખશે કે બધી બાબતોમાં યહોવાને મહિમા મળે. એટલે તેઓ જોશે કે મંડળનાં ભાઈ-બહેનો યહોવાનાં ધોરણો પ્રમાણે ચાલે અને મંડળનું રક્ષણ થાય.—પ્રે.કા. ૨૦:૨૮.
૧૦ આપણે જોઈ ગયા કે ક્યારે બોલવું જોઈએ. પણ અમુક વાર ન બોલવામાં નવ ગુણ હોય છે. પણ એવા સંજોગોમાં કેવી મુશ્કેલીઓ આવી શકે? ચાલો એ વિશે જોઈએ.
આપણે ક્યારે ચૂપ રહેવું જોઈએ?
૧૧. યાકૂબે કયું ઉદાહરણ વાપર્યું અને શા માટે એ યોગ્ય છે?
૧૧ બોલવા પર કાબૂ રાખવો અઘરું બની શકે છે. એ સમજાવવા બાઇબલના એક લેખક યાકૂબે સરસ ઉદાહરણ વાપર્યું હતું. તેમણે કહ્યું: “જો કોઈ બોલવામાં ભૂલ કરતો ન હોય, તો તે માણસ સંપૂર્ણ છે, જે પોતાના આખા શરીરને પણ કાબૂમાં રાખી શકે છે. જો આપણે ઘોડાના મોંમાં લગામ નાખીએ, તો એ આપણા કહેવા પ્રમાણે ચાલશે અને આપણે એના આખા શરીરને પણ દોરી શકીશું.” (યાકૂ. ૩:૨, ૩) ઘોડાનાં મોં અને માથા પર લગામ નાખેલી હોય છે. એ લગામ ખેંચીને ઘોડેસવાર ઘોડાને ઊભો રાખે છે અથવા ચાહે ત્યાં લઈ જાય છે. જો ઘોડેસવારનો લગામ પર કાબૂ ન હોય તો ઘોડો આડેધડ દોડશે. એનાથી ઘોડાને અને ઘોડેસવારને નુકસાન પહોંચી શકે છે. એવી જ રીતે, જો આપણે બોલવા પર લગામ નહિ રાખીએ તો મોટી મુશ્કેલી આવી શકે છે. ચાલો અમુક સંજોગો વિશે જોઈએ, જેમાં આપણે બોલવા પર “લગામ રાખવાની છે.”
૧૨. આપણે ક્યારે બોલવા પર લગામ રાખવી જોઈએ?
૧૨ કોઈ ભાઈ કે બહેન પાસે ખાનગી માહિતી છે. જો આપણને એ વિશે ખબર પડે તો શું કરીશું? દાખલા તરીકે, આપણે એવી વ્યક્તિને મળીએ છીએ, જેના દેશમાં આપણા કામ પર પ્રતિબંધ છે. તેના દેશમાં કઈ રીતે કામ થાય છે એની પૂરેપૂરી માહિતી જણાવવાનું તેને દબાણ નહિ કરીએ. કદાચ એ જાણવા પાછળનો આપણો ઇરાદો સારો હોય, કારણ કે આપણે બધા એકબીજાને પ્રેમ કરીએ છીએ. આપણે ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરવા માંગીએ છીએ, એટલે તેઓ કઈ રીતે કામ કરે છે અને કઈ મુશ્કેલીઓનો સામનો કરે છે એ જાણવાની આપણને ઇચ્છા થાય. પણ એવા સમયે આપણે બોલવા પર “લગામ રાખવાની છે.” ખાનગી માહિતી જણાવવા કોઈને દબાણ કરીશું તો શું થશે? એનાથી દેખાય આવશે કે આપણને એ વ્યક્તિ માટે અને જે ભાઈ-બહેનો તેના પર આધાર રાખે છે, તેઓ માટે પ્રેમ નથી. પ્રતિબંધ છે એવા દેશોમાં રહેતાં ભાઈ-બહેનોની મુશ્કેલીઓમાં વધારો કરવાનું આપણે ક્યારેય નહિ ચાહીએ. એવી જ રીતે, પ્રતિબંધ છે એવા દેશોમાં રહેતાં ભાઈ-બહેનો પોતાના દેશમાં કઈ રીતે સેવાકાર્ય થાય છે, એ વિશે બીજાઓને જણાવતા નથી.
૧૩. નીતિવચનો ૧૧:૧૩માં જણાવ્યા પ્રમાણે વડીલોએ શું કરવું જોઈએ અને શા માટે?
૧૩ નીતિવચનો ૧૧:૧૩માં આપેલો સિદ્ધાંત વડીલોએ ચોક્કસ લાગુ પાડવો જોઈએ. (વાંચો.) તેઓ કોઈની ખાનગી માહિતી બીજાઓને જણાવશે નહિ. એવું કરવામાં મુશ્કેલી આવી શકે છે, ખાસ તો વડીલ પરણેલા હોય ત્યારે. પતિ-પત્ની ખુલ્લા મને એકબીજા સાથે વાત કરીને અને એકબીજાને મનનાં વિચારો, લાગણીઓ અને ચિંતાઓ જણાવીને સંબંધ મજબૂત બનાવે છે. પણ વડીલ જાણે છે કે મંડળનાં ભાઈ-બહેનોની ખાનગી વાત પોતાની પત્નીને ન જણાવવી જોઈએ. જો તે એ વાત પત્નીને જણાવી દેશે, તો તેમના પરથી ભાઈ-બહેનોનો ભરોસો ઊઠી જશે. એટલું જ નહિ, મંડળમાં એ વડીલની ખોટી છાપ પડશે. મંડળના જવાબદાર ભાઈઓ “બે બાજુ બોલનારા” કે કપટથી વાત કરનારા ન હોવા જોઈએ. (૧ તિમો. ૩:૮, ફૂટનોટ) એટલે કે, તેઓ બીજાઓને છેતરશે નહિ કે તેઓ વિશે ચાડી-ચુગલી કરશે નહિ. જો વડીલ પોતાની પત્નીને પ્રેમ કરતા હશે તો ખાનગી માહિતી તેને જણાવશે નહિ.
૧૪. મંડળમાં વડીલની સારી છાપ રહે માટે તેમની પત્ની કઈ રીતે મદદ કરી શકે?
૧૪ મંડળમાં વડીલની સારી છાપ રહે માટે પત્ની મદદ કરી શકે છે. તે પોતાના પતિને ખાનગી વાત જણાવવા દબાણ કરશે નહિ. એમ કરીને તે પોતાના પતિને ટેકો આપે છે. એટલું જ નહિ, તેના પતિને ખાનગી વાત જણાવનાર ભાઈ કે બહેન માટે પણ આદર બતાવે છે. સૌથી મહત્ત્વનું તો, મંડળમાં સંપ અને શાંતિનો માહોલ જાળવવા તે મહેનત કરે છે. એ જોઈને યહોવાને ખુશી થાય છે.—રોમ. ૧૪:૧૯.
આપણે જે બોલીએ છીએ એ વિશે યહોવાને કેવું લાગે છે?
૧૫. અયૂબના ત્રણ મિત્રો વિશે યહોવાને કેવું લાગ્યું અને શા માટે?
૧૫ કઈ રીતે અને ક્યારે બોલવું એ વિશે અયૂબના પુસ્તકમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ. અયૂબે એક પછી એક તકલીફોનો સામનો કર્યો ત્યારે, ચાર માણસો તેમને દિલાસો અને સલાહ આપવા આવ્યા. એ માણસોમાં અલીફાઝ, બિલ્દાદ અને સોફાર હતા. તેઓ ઘણા સમય સુધી ચૂપચાપ બેસી રહ્યા. પછીથી તેઓની વાતોથી દેખાય આવ્યું કે એ સમયે તેઓએ એવો વિચાર ન કર્યો કે અયૂબને કઈ રીતે મદદ કરી શકાય. એને બદલે, અયૂબે શું ખોટું કર્યું છે એ વિચારવા તેઓએ સમય કાઢ્યો. તેઓએ અમુક વાતો સાચી કહી. પણ અયૂબ અને યહોવા વિશે તેઓએ જે કહ્યું એ ખોટું હતું. તેઓએ કઠોર બનીને આરોપ લગાવ્યો કે અયૂબ ખરાબ વ્યક્તિ છે. (અયૂ. ૩૨:૧-૩) યહોવાને કેવું લાગ્યું? તેમને એ ત્રણ માણસો પર બહુ ગુસ્સો આવ્યો. તેમની નજરે તેઓ મૂર્ખ હતા. યહોવાએ તેઓને જણાવ્યું, ‘અયૂબને કહો કે તમારા માટે પ્રાર્થનામાં માફી માંગે.’—અયૂ. ૪૨:૭-૯.
૧૬. અલીફાઝ, બિલ્દાદ અને સોફારના ખરાબ દાખલા પરથી આપણે શું શીખી શકીએ?
૧૬ અલીફાઝ, બિલ્દાદ અને સોફારના ખરાબ દાખલા પરથી ઘણી બાબતો શીખવા મળે છે. પહેલી બાબત, આપણે ભાઈ-બહેનો વિશે ખોટું ન વિચારવું જોઈએ. (માથ. ૭:૧-૫) આપણે બોલતા પહેલાં તેઓનું ધ્યાનથી સાંભળવું જોઈએ, તો જ તેઓના સંજોગો સમજી શકીશું. (૧ પીત. ૩:૮) બીજી બાબત, બીજાઓ સાથે વાત કરતી વખતે આપણે પ્રેમથી અને સાચું બોલવું જોઈએ. (એફે. ૪:૨૫) ત્રીજી બાબત, આપણે એકબીજાને જે કહીએ છીએ એ યહોવા ધ્યાનથી સાંભળે છે.
૧૭. અલીહૂના દાખલા પરથી આપણે શું શીખી શકીએ?
૧૭ અયૂબને મળવા આવનાર ચોથા માણસ અલીહૂ હતા. તે ઈબ્રાહીમના સગા હતા. અયૂબ અને ત્રણ માણસો બોલતા હતા ત્યારે તેમણે ધ્યાનથી તેઓની વાત સાંભળી. એટલે તે પ્રેમથી પણ સાફ શબ્દોમાં અયૂબને વિચારો સુધારવાની સલાહ આપી શક્યા. (અયૂ. ૩૩:૧, ૬, ૧૭) અલીહૂ માટે એ મહત્ત્વનું હતું કે યહોવાને મહિમા મળે, નહિ કે પોતાને કે બીજા માણસોને. (અયૂ. ૩૨:૨૧, ૨૨; ૩૭:૨૩, ૨૪) અલીહૂના દાખલા પરથી શીખવા મળે છે કે બોલવાનો અને ચૂપ રહેવાનો વખત હોય છે. (યાકૂ. ૧:૧૯) એ પણ શીખવા મળે છે કે બીજાઓને સલાહ આપીએ ત્યારે પોતાને નહિ, પણ યહોવાને મહિમા મળે એનું ધ્યાન રાખવું જોઈએ..
૧૮. કઈ રીતે બતાવી શકીએ કે યહોવાએ આપેલી બોલવાની ભેટની આપણે કદર કરીએ છીએ?
૧૮ ક્યારે અને કઈ રીતે બોલવા વિશે આપણે બાઇબલની સલાહ લાગુ પાડવી જોઈએ. એમ કરીને બતાવીએ છીએ કે યહોવાએ આપેલી બોલવાની ભેટની આપણે કદર કરીએ છીએ. સુલેમાન રાજા બુદ્ધિશાળી હતા, તેમણે પવિત્ર શક્તિની પ્રેરણાથી લખ્યું હતું: “પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ રૂપાની ટોપલીમાંનાં સોનાનાં ફળ જેવો છે.” (નીતિ. ૨૫:૧૧) બીજાઓનું ધ્યાનથી સાંભળીએ છીએ અને બોલતા પહેલાં વિચારીએ છીએ ત્યારે, આપણા શબ્દો સોનાના ફળ જેવા બને છે. એ શબ્દો કીમતી અને સુંદર બને છે. ભલે પછી આપણે થોડું બોલીએ કે વધારે, આપણા બોલવાથી લોકોને હિંમત મળશે અને યહોવાને આપણા પર ગર્વ થશે. (નીતિ. ૨૩:૧૫; એફે. ૪:૨૯) ઈશ્વરે આપેલી ભેટની કદર બતાવવાની આ જ સૌથી સારી રીત છે!
ગીત ૪૫ આગળ ચાલો
a બાઇબલમાં અમુક સિદ્ધાંતો આપેલા છે, જેનાથી જાણવા મળે છે કે ક્યારે બોલવું જોઈએ અને ક્યારે ચૂપ રહેવું જોઈએ. એ સિદ્ધાંતો પ્રમાણે આપણી વાતચીત હશે તો યહોવા ખુશ થશે.
b ચિત્રની સમજ: એક બહેન બીજી બહેનને સારી સલાહ આપી રહ્યાં છે.
c ચિત્રની સમજ: એક ભાઈ સાફસફાઈ વિશે અમુક સૂચનો આપી રહ્યા છે.
d ચિત્રની સમજ: યોગ્ય સમય જોઈને અબીગાઈલ દાઊદ સાથે વાત કરે છે, જેનું સારું પરિણામ આવે છે.
e ચિત્રની સમજ: જે જગ્યાએ આપણા કામ પર પ્રતિબંધ છે એ વિશેની જાણકારી આપવાનું એક યુગલ ટાળે છે.
f ચિત્રની સમજ: એક વડીલ મંડળની ખાનગી વાતો વિશે ચર્ચા કરે ત્યારે ધ્યાન રાખે છે કે કોઈ સાંભળે નહિ.