માર્ક
૧૩ તે મંદિરમાંથી બહાર જતા હતા ત્યારે, તેમના શિષ્યોમાંના એકે તેમને કહ્યું: “ગુરુજી, જુઓ! આ કેવા સુંદર પથ્થરો અને બાંધકામો!” ૨ પણ, ઈસુએ તેને કહ્યું: “શું તું આ મોટાં બાંધકામો જોઈ રહ્યો છે? અહીં એકેય પથ્થર બીજા પથ્થર પર રહેવા દેવામાં આવશે નહિ, પણ બધા પાડી નંખાશે.”
૩ સામે મંદિર દેખાય એમ તે જૈતૂન પહાડ પર બેઠા હતા ત્યારે, પીતર, યાકૂબ, યોહાન અને આંદ્રિયાએ તેમને એકાંતમાં પૂછ્યું: ૪ “અમને જણાવો કે એ બનાવો ક્યારે બનશે અને આ બધા બનાવોનો અંત આવવાનો હશે ત્યારે કઈ નિશાની થશે?” ૫ એટલે, ઈસુ તેઓને કહેવા લાગ્યા: “જોજો, કોઈ તમને ભમાવે નહિ. ૬ ઘણા મારા નામે આવીને કહેશે, ‘હું તે છું’ અને ઘણાને ભમાવશે. ૭ વધુમાં, જ્યારે તમે યુદ્ધોનો ઘોંઘાટ અને યુદ્ધોની ખબરો સાંભળો ત્યારે ચોંકી ન જતા; આ બધું થાય એ જરૂરી છે, પણ એટલેથી અંત નહિ આવે.
૮ “કેમ કે એક દેશ બીજા દેશ સામે થશે અને એક રાજ્ય બીજા રાજ્ય સામે થશે; એક પછી એક જગ્યાએ ધરતીકંપ થશે; દુકાળો પણ પડશે. આ તો પ્રસૂતિની પીડાની જેમ દુઃખોની શરૂઆત જ છે.
૯ “તમે પોતાના વિશે સાવધ રહો. લોકો તમને અદાલતોને* સોંપી દેશે અને તમને સભાસ્થાનોમાં મારવામાં આવશે અને મારા નામને લીધે તમને રાજ્યપાલો અને રાજાઓ સામે ઊભા કરવામાં આવશે, જેથી તેઓને સાક્ષી મળે. ૧૦ વળી, બધા દેશોમાં પહેલા ખુશખબરનો પ્રચાર થાય એ જરૂરી છે. ૧૧ જ્યારે તેઓ તમને અદાલતમાં લઈ જાય, ત્યારે પહેલેથી ચિંતા કરતા નહિ કે શું કહેવું; પણ, તમને એ સમયે જે જણાવવામાં આવે એ બોલજો, કેમ કે એ બોલનાર તમે નહિ પણ પવિત્ર શક્તિ છે. ૧૨ વધુમાં, ભાઈ ભાઈને અને પિતા બાળકને મારી નંખાવવા સોંપી દેશે અને બાળકો પોતાનાં માબાપ સામે થશે અને તેઓને મારી નંખાવશે. ૧૩ મારા નામને લીધે બધા લોકો તમારો ધિક્કાર કરશે. પણ, જે કોઈ અંત સુધી ટકી રહેશે તેનો જ ઉદ્ધાર થશે.
૧૪ “પણ, જ્યારે તમે વિનાશ લાવનારી ધિક્કારપાત્ર વસ્તુને એવી જગ્યાએ ઊભેલી જુઓ, જ્યાં એણે ન હોવું જોઈએ (વાચકે સમજવા ધ્યાન આપવું), ત્યારે જેઓ યહુદિયામાં હોય તેઓએ પહાડોમાં નાસી જવું. ૧૫ જે માણસ ધાબા પર હોય, તેણે નીચે ન ઊતરવું કે ઘરમાં કંઈ પણ લેવા અંદર ન જવું ૧૬ અને જે માણસ ખેતરમાં હોય તેણે પોતાનો ઝભ્ભો લેવા પાછા ન જવું. ૧૭ એ દિવસો ગર્ભવતી અને ધવડાવનારી સ્ત્રીઓ માટે કેટલા મુશ્કેલ હશે! ૧૮ પ્રાર્થના કરતા રહો કે એવું શિયાળાના દિવસોમાં ન બને, ૧૯ કેમ કે એ દિવસો એવી વિપત્તિના દિવસો હશે, જે વિપત્તિ ઈશ્વરે રચેલી સૃષ્ટિની શરૂઆતથી આજ સુધી થઈ નથી અને ફરી થશે પણ નહિ. ૨૦ હકીકતમાં, જો એ દિવસો યહોવાએ* ઓછા કર્યા ન હોત, તો કોઈ જ બચ્યું ન હોત. પણ, જેઓને તેમણે પસંદ કર્યા છે, તેઓને કારણે તેમણે એ દિવસો ઓછા કર્યા છે.
૨૧ “વળી, જો કોઈ તમને કહે કે, ‘જુઓ! ખ્રિસ્ત અહીં છે,’ અથવા, ‘જુઓ, તે ત્યાં છે,’ તો એ માનતા નહિ. ૨૨ કારણ કે જૂઠા ખ્રિસ્ત અને જૂઠા પ્રબોધકો ઊભા થશે અને લોકોને ભમાવવા, અરે, શક્ય હોય તો ઈશ્વરે પસંદ કરેલાઓને પણ ભમાવવા નિશાનીઓ અને કરામતો કરશે. ૨૩ એટલે, તમે સાવધ રહો. મેં તમને બધી વાતો પહેલેથી જણાવી દીધી છે.
૨૪ “પણ એ દિવસોમાં, વિપત્તિ પછી સૂર્ય અંધકારમય બની જશે અને ચંદ્ર પોતાનો પ્રકાશ નહિ આપે, ૨૫ આકાશમાંથી તારાઓ ખરી પડશે અને આકાશોમાંની* શક્તિઓ હલી ઊઠશે. ૨૬ અને પછી તેઓ માણસના દીકરાને ભરપૂર સામર્થ્ય અને ગૌરવ સાથે વાદળો પર આવતો જોશે. ૨૭ ત્યાર બાદ, તે દૂતોને મોકલશે અને પૃથ્વીના છેડાથી લઈને આકાશના છેડા સુધી ચારેય દિશામાંથી ઈશ્વરના પસંદ કરાયેલાને ભેગા કરશે.
૨૮ “હવે, અંજીરના ઝાડના ઉદાહરણમાંથી આ શીખો: એની કુમળી ડાળી ઊગે અને એના પર પાંદડાં ફૂટે કે તરત જ તમને ખબર પડે છે કે ઉનાળો નજીક છે. ૨૯ એ જ રીતે, તમે જ્યારે આ બધું થતું જુઓ, ત્યારે જાણજો કે માણસનો દીકરો બારણા પાસે જ છે. ૩૦ હું તમને સાચે જ કહું છું કે એ બધું બનશે નહિ ત્યાં સુધી આ પેઢી* જતી રહેશે નહિ. ૩૧ આકાશ અને પૃથ્વી નાશ પામશે, પણ મારા શબ્દો કદીયે નાશ નહિ પામે.
૩૨ “એ દિવસ અથવા એ ઘડી વિશે પિતા સિવાય કોઈ જાણતું નથી, સ્વર્ગના દૂતો નહિ કે દીકરો નહિ. ૩૩ સાવધ રહો, જાગતા રહો, કારણ કે તમે જાણતા નથી કે નક્કી કરેલો સમય ક્યારે છે. ૩૪ એ પરદેશ જતા એક માણસ જેવું છે, જેણે ઘર છોડતી વખતે પોતાના ચાકરોને અધિકાર સોંપ્યો, દરેકને પોતપોતાનું કામ આપ્યું અને દરવાનને જાગતા રહેવાની આજ્ઞા કરી. ૩૫ એટલે, જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે ઘરનો માલિક ક્યારે આવશે, મોડી સાંજે કે મધરાતે કે મળસકે* કે વહેલી સવારે, ૩૬ જેથી તે અચાનક આવે ત્યારે તમને ઊંઘતા ન જુએ. ૩૭ પણ, હું તમને જે કહું છું, એ બધાને કહું છું: જાગતા રહો.”