યોહાન
૧૩ હવે, પાસ્ખાના તહેવાર પહેલાં ઈસુને ખબર હતી કે તેમના માટે દુનિયા છોડીને પિતા પાસે જવાની ઘડી આવી ચૂકી છે; એટલે, દુનિયામાં જેઓ તેમના પોતાના હતા, જેઓ પર તે પ્રેમ રાખતા હતા, તેઓ પર છેલ્લી ઘડી સુધી તેમણે પ્રેમ રાખ્યો. ૨ સાંજનું ભોજન ચાલી રહ્યું હતું; અને સિમોનના દીકરા, યહુદા ઇસ્કારિયોતના મનમાં ઈસુને દગો દેવાનો વિચાર શેતાને* અગાઉથી મૂક્યો હતો. ૩ ઈસુ એ જાણતા હતા કે પિતાએ બધું જ પોતાના હાથમાં સોંપી દીધું છે અને પોતે ઈશ્વર પાસેથી આવ્યા છે અને ઈશ્વર પાસે પાછા જવાના છે. ૪ એટલે, સાંજનું ભોજન ચાલતું હતું, એવામાં તે ઊઠ્યા અને પોતાનો ઝભ્ભો ઉતારીને એક બાજુ મૂક્યો અને રૂમાલ લઈને પોતાની કમરે બાંધ્યો.* ૫ એ પછી તેમણે વાસણમાં પાણી લીધું અને શિષ્યોના પગ ધોયા અને પોતાની કમરે બાંધેલા રૂમાલથી પગ લૂછવા લાગ્યા. ૬ ત્યાર બાદ, તે સિમોન પીતર પાસે આવ્યા. પીતરે તેમને કહ્યું: “પ્રભુ, શું તમે મારા પગ ધુઓ છો?” ૭ ઈસુએ જવાબ આપ્યો: “હું જે કરું છું એ તું હમણાં સમજતો નથી, પણ પછીથી તને એની સમજણ પડશે.” ૮ પીતરે તેમને કહ્યું: “હું તમને કદી પણ મારા પગ ધોવા નહિ દઉં.” ઈસુએ તેને જવાબ આપ્યો: “જો હું તારા પગ ન ધોઉં, તો તારે ને મારે કોઈ લેવાદેવા નથી.” ૯ સિમોન પીતરે તેમને કહ્યું: “પ્રભુ, ફક્ત મારા પગ નહિ, મારા હાથ અને મારું માથું પણ ધુઓ.” ૧૦ ઈસુએ તેને કહ્યું: “જેણે સ્નાન કર્યું છે, તેણે પગ સિવાય બીજું કંઈ ધોવાની જરૂર નથી, પણ તે પૂરેપૂરો શુદ્ધ થયેલો છે. અને તમે તો શુદ્ધ છો, પણ બધા જ શુદ્ધ નથી.” ૧૧ કેમ કે ઈસુ જાણતા હતા કે દગો દેનાર માણસ કોણ છે. એ જ કારણે, તેમણે કહ્યું હતું: “તમે બધા જ શુદ્ધ નથી.”
૧૨ હવે, જ્યારે તેમણે શિષ્યોના પગ ધોઈ લીધા અને પોતાનો ઝભ્ભો પહેરી લીધો, ત્યારે તે ફરીથી મેજને અઢેલીને બેસી ગયા અને તેઓને કહ્યું: “મેં તમારા માટે જે કર્યું એ શું તમે સમજો છો? ૧૩ તમે મને ‘ગુરુજી’ અને ‘પ્રભુ’ કહીને બોલાવો છો. એ ખરું છે, કેમ કે હું એ જ છું. ૧૪ એ માટે, જો મેં પ્રભુ અને ગુરુ હોવા છતાં તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ.* ૧૫ મેં તમારા માટે નમૂનો બેસાડ્યો કે જેવું મેં તમને કર્યું, એવું તમે પણ કરો. ૧૬ હું તમને સાચે જ કહું છું કે દાસ પોતાના માલિક કરતાં મોટો નથી; અને મોકલવામાં આવેલો પોતાના મોકલનાર કરતાં મોટો નથી. ૧૭ હવે, તમે આ વાતો જાણો છો અને જો એ પાળશો, તો તમે સુખી થશો. ૧૮ હું તમારા બધાની વાત નથી કરતો; મેં જેઓને પસંદ કર્યા છે તેઓને હું ઓળખું છું. પરંતુ, આમ એટલા માટે બન્યું કે આ શાસ્ત્રવચન પૂરું થાય: ‘જે મારી રોટલી ખાતો હતો, તેણે જ મારી સામે લાત ઉગામી છે.’* ૧૯ હું તમને પહેલેથી એ બનાવ વિશે જણાવું છું, જેથી એમ થાય ત્યારે તમે માનો કે હું તે જ છું. ૨૦ હું તમને સાચે જ કહું છું કે જેને હું મોકલું છું, તેનો જે કોઈ સ્વીકાર કરે છે તે મારો પણ સ્વીકાર કરે છે અને જે કોઈ મારો સ્વીકાર કરે છે, તે મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે.”
૨૧ આ વાતો કહી રહ્યા પછી, ઈસુ બહુ દુઃખી થયા* અને તેમણે સાક્ષી આપતા કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે તમારામાંથી એક મને દગો દેશે.” ૨૨ તેઓમાંથી કોના વિશે તે વાત કરતા હતા એની ખબર ન હોવાથી, તેઓ એકબીજા સામે જોવા લાગ્યા. ૨૩ શિષ્યોમાંથી એક જેના પર ઈસુને પ્રેમ હતો, તે તેમની પાસે જ બેઠો હતો. ૨૪ તેથી, સિમોન પીતરે તેને ઇશારો કર્યો અને તેને કહ્યું: “અમને કહે કે તે કોની વાત કરે છે.” ૨૫ એટલે, ઈસુની બાજુમાં બેઠેલો શિષ્ય પાછળ ઝૂક્યો અને ઈસુની છાતી પર ઢળીને તેણે પૂછ્યું: “પ્રભુ, એ કોણ છે?” ૨૬ ઈસુએ જવાબ આપ્યો: “જેને હું રોટલીનો ટુકડો બોળીને આપીશ, એ જ તે છે.” પછી, તેમણે રોટલી લીધી અને એ બોળીને સિમોન ઇસ્કારિયોતના દીકરા, યહુદાને આપી. ૨૭ યહુદાએ રોટલીનો ટુકડો લીધા પછી, શેતાને તેના દિલ પર કાબૂ જમાવ્યો. તેથી, ઈસુએ તેને કહ્યું: “તું જે કરે છે એ ઝડપથી કર.” ૨૮ જોકે, મેજને અઢેલીને બેઠેલાઓમાંથી કોઈને ખબર ન હતી કે ઈસુએ તેને કેમ એવું કહ્યું. ૨૯ હકીકતમાં, અમુકને એમ લાગ્યું કે યહુદા પૈસાની પેટી રાખતો હોવાથી, ઈસુ તેને કહે છે કે, “તહેવાર માટે આપણને જે જોઈએ એ વેચાતું લઈ આવ;” અથવા તો ગરીબોને કંઈક આપવાનું કહે છે. ૩૦ તેથી, યહુદાએ રોટલીનો ટુકડો લીધા પછી, તે તરત બહાર નીકળી ગયો અને એ રાતનો સમય હતો.
૩૧ જ્યારે તે બહાર નીકળી ગયો, ત્યારે ઈસુએ કહ્યું: “હવે માણસનો દીકરો ગૌરવવાન થાય છે અને તેના દ્વારા ઈશ્વર ગૌરવવાન થાય છે. ૩૨ ઈશ્વર પોતે માણસના દીકરાને ગૌરવવાન કરશે અને ઈશ્વર તરત જ એમ કરશે. ૩૩ વહાલાં બાળકો, હું તમારી સાથે થોડી વાર છું. તમે મને શોધશો; અને મેં યહુદીઓને કહ્યું હતું કે, ‘હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી,’ એ જ વાત હવે હું તમને પણ કહું છું. ૩૪ હું તમને એક નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો; જેવો પ્રેમ મેં તમારા પર રાખ્યો છે, એવો પ્રેમ તમે પણ એકબીજા પર રાખો. ૩૫ જો તમે એકબીજા પર પ્રેમ રાખશો, તો એનાથી બધા જાણશે કે તમે મારા શિષ્યો છો.”
૩૬ સિમોન પીતરે તેમને કહ્યું: “પ્રભુ, તમે ક્યાં જાઓ છો?” ઈસુએ જવાબ આપ્યો: “હું જ્યાં જાઉં છું, ત્યાં તું હમણાં મારી પાછળ આવી શકતો નથી, પણ તું પછીથી આવીશ.” ૩૭ પીતરે તેમને પૂછ્યું: “પ્રભુ, હું તમારી પાછળ હમણાં કેમ નથી આવી શકતો? હું તમારા માટે મારો જીવ* પણ આપી દઈશ.” ૩૮ જવાબમાં ઈસુએ કહ્યું: “શું તું મારા માટે તારો જીવ* આપીશ? હું તને સાચે જ કહું છું, તું ત્રણ વાર મને ઓળખવાનો નકાર નહિ કરે ત્યાં સુધી કૂકડો બોલશે નહિ.”